માતૃત્વનો અહેસાસ Dr Jay Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માતૃત્વનો અહેસાસ

"ડોકટર નિશા, તમારી જે તપાસ કરાવી હતી એના રિપોર્ટ્સ આવી ગયા છે. આઈ એમ સોરી ટુ સે, પણ તમે ક્યારેય માં નહીં બની શકો." ગાયનેકોલોજિસ્ટ ડૉ.તેજસના આ શબ્દો સાંભળીને નિશાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે નિરાશામાં ડૂબી ગઈ.

ડૉ. નિશા શહેરની એક ખ્યાતનામ સર્જન. જે તેના સ્વભાવ અને તેના તબીબી કાર્ય ક્ષેત્રેના યોગદાનને લીધે ફેમસ હતી. આજે આ કડવી હકીકત સાથે તેનો ભેટો થતાં તે ભાંગી પડી હતી. તે ઘરે આવી અને પોતાના પતિ અવિનાશને ભેટીને રડવા લાગી. તેણે અવિનાશને બધી વાત કરી.

"અવિનાશ, મેં ક્યારેય કોઈની સાથે ખોટું નથી કર્યું. કોઈના વિશે ખરાબ નથી વિચાર્યું. તો પછી મારી સાથે આવું કેમ? માતૃત્વ એ સ્ત્રી માટે એક વરદાન કહેવાય છે. મને તો બાળકો પ્રત્યે અનહદ પ્રેમ છે, તો પછી શા માટે ભગવાને મારી કોખ સુની રાખી?" એક ડૉક્ટર નહીં, પણ એક સંતાનવિહીન સ્ત્રીની લાગણીઓ આજે બોલી રહી હતી.

નિશાનાં પ્રશ્નોનો અવિનાશ પાસે કોઈ જવાબ નહતો. તેણે નિશાને છાતી સરસા લગાવીને તેના માથે હાથ ફેરવતા ફેરવતા સાંત્વના આપવા લાગ્યો.

એટલામાં નિશાના ફોન પર હોસ્પિટલથી કોલ આવ્યો. "તમે ઓપરેશનની તૈયારી કરો હું દસ મિનિટમાં પહોંચું છું." કહીને ફોન મૂકી, પોતાની જાતને સંભાળી તે હોસ્પિટલ જવાં નીકળી. નિશા ક્યારેય પર્સનલ વાતોને પોતાની પ્રોફેશનલ લાઈફમાં ખલેલ પહોંચવા નહોતી દેતી. આજે તેની પરીક્ષા હતી.

કારમાંથી નિશા ઉતરી અને હોસ્પિટલમાં પહોચી. પોતાની કેબિનમાં તેણે પેશન્ટના પેપર્સ વાંચ્યા. કાર એક્સિડન્ટનો કેસ હતો. પતિ, પત્ની અને એક દસ વર્ષનું બાળક કારમાં જઈ રહ્યા હતા. ટ્રક આવી અને ગાડીને આગળના ભાગે અથડાઈ. પતિનું ઘટનાસ્થળ ઉપર જ મૃત્યુ થઈ ગયું હતું. પત્નીની હાલત ગંભીર હતી જેનું ઓપરેશન કરવાનું હતું અને છોકરાની હાલત નસીબજોગે સારી હતી. તેને ઓછી ઇજાઓ થઈ હતી. નિશાએ ફાઇલ ટેબલ પર મૂકી અને બહાર નજર કરી. તેણે એ દસ વર્ષના છોકરાને હાથમાં અને માથાં ઉપર પટ્ટી બાંધેલો જોયો. તેને જોઈને નિશાનું મન દ્રવી ઉઠ્યું. નિશાએ પટાવાળાને બોલાવ્યો, તે છોકરાને અંદર બેસાડ્યો અને તેના માટે નાસ્તો મંગાવીને નિશા ઓપરેશન માટે તૈયાર થવા ગઈ. તૈયાર થઈને નિશા ઓપરેશન થિયેટરમાં પ્રવેશી. તેણે ઓપરેશન શરૂ કર્યું. એક કલાક ઓપરેશનનાં અંતે તે સ્ત્રીનું મૃત્યુ થઈ ગયું. વધુ પડતું લોહી ઘટનાસ્થળ ઉપર વહી ગયું હતું અને આંતરિક ગંભીર ઇજાઓના કારણે નિશા એ સ્ત્રીને ના બચાવી શકી.

આજનો દિવસ નિશા માટે કપરો જઈ રહ્યો હતો. તે ઓપરેશન થિયેટરમાંથી નીકળી અને હારેલા યોદ્ધાની જેમ પોતાની કેબીન તરફ જવા લાગી. વચ્ચે રસ્તામાં તેને તેનો પટાવાળો મળ્યો. નિશાના ચહેરાના હાવભાવ જોઈને તે સમજી ગયો કે શું થયું છે. તેણે નિશાને કહ્યું,"મેડમ, પેલા છોકરાને મેં તમારી કેબિનમાં બેસાડ્યો છે. બિચારો મૂંગો છે. બોલી નથી શકતો." કહીને તે જતો રહ્યો.

નિશા પોતાના વિચારોના મનોમંથનમાં ગુમ, પોતાની કેબિનમાં આવી, કેબિનનો દરવાજો બંધ કરીને ખુરશી પર આંખો બંધ કરીને બેસી ગઈ. તેને ડૉકટરે કહેલા પેલા શબ્દો યાદ આવ્યાં. બંધ આંખોમાંથી એક આંસુ સરી આવ્યું. એટલામાં પેલો દસ વર્ષનો છોકરો તેની પાસે આવ્યો અને તેણે નિશાની આંખમાં આવેલું આંસુ લૂછયું. નિશા આંખો ખીલીને તેની સામે જોઈ રહી. અચાનક તેને યાદ આવ્યો આ છોકરો મૂંગો છે, તેને કેવી રીતે સમજાવું કે હવે તેના માતા-પિતા હયાત નથી. વિધિની કેવી વક્રતા છે.

એ છોકરાએ ઇશારામાં નિશાને કંઈક કહ્યું, પણ નિશાને કંઈ સમજાયું નહીં. તે છોકરાએ આજુબાજુ નજર કરી. તેને ટેબલ પર લેટરપેડ અને પેન પડેલા જોયા. એ છોકરાએ પેન લઈને લેટરપેડમાં લખ્યું,"તમે કેમ રડી રહ્યા છો?"
નિશા સમજી ગઈ કે આ છોકરાને લખતા આવડે છે, તેને પણ વાતચીત કરવા માટે આ વણબોલી ભાષા આ સમયે યોગ્ય લાગી. એ છોકરાના આવા નિખાલસ પ્રશ્નને જોઈને નિશા તેની સામે જોઈ રહી. પછી સામે તેણે લખ્યું,"તારું નામ શું છે?" અને પેલા છીંકર સામે ધર્યું.

તેણે લખ્યું,"યુવરાજ. અને તમારું?"
"નિશા." તેણે લખ્યું.
"મારા મમ્મી-પપ્પા ક્યાં છે?" એ છોકરાએ લખ્યું.
નિશાને સમજાયું નહીં કે કેવી રીતે એને કહેકે એના મમ્મી પપ્પા હવે જીવિત નથી.
"તારા મમ્મી પપ્પા ભગવાન પાસે પહોંચી ગયા છે." લખીને ભીની આંખોએ નિશાએ તેને લેટરપેડ આપ્યું.

આ વાંચીને યુવરાજની આંખમાંથી આંસુ આવી ગયા. તે લેટરપેડ ટેબલ ઉપર મૂકીને ફરીથી રૂમમાં જ્યાં બેઠો હતો તે બેન્ચ પર જઈને બેસી ગયો અને રડવા લાગ્યો. તેને રડતો જોઈને નિશાથી રહેવાયું નહીં. તેની અંદર રહેલું માતૃત્વ જાગી ઉઠ્યું. તે ખુરશીમાંથી ઉભી થઈને લેટરપેડ,પેન લઈને યુવરાજની બાજુમાં જઈને બેસી ગઈ. તેણે યુવરાજના માથે પ્રેમથી હાથ ફેરવ્યો. પ્રેમભર્યો નિશાનો એ સ્પર્શ યુવરાજની પોતાની માતાનાં સ્પર્શ જેવો લાગ્યો અને તે નિશાને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. યુવરાજને આમ રડતો જોઈને નિશા પણ રડવા લાગી અને જાણે તેને પોતાનું સંતાન વળગીને રડી રહ્યું હોય તેવો ભાષ થયો.

યુવરાજે રડતી આંખે લેટરપેડમાં લખ્યું, "અનાથ."
નિશાએ તે વાંચ્યું અને તે સમજી ગઈ કે તે શું કહેવા માંગે છે. તેના મનમાં અચાનક ચમકારો થયો. તેને ઉપર ભગવાન સામે જોયું અને પછી પેન લઈને લેટરપેડમાં લખ્યું,"તું અનાથ નથી, આજથી હું તારી માં છું અને તું મારો પુત્ર." એ વાંચીને યુવરાજના ચહેરા ઉપર અશ્રુભર્યું સ્મિત રેલાઈ ગયું. તેણે લખ્યું,"માં."

અને એ વાંચીને જાણે નિશાને દુનિયાભરની તમામ ખુશીઓ મળી ગઈ. જે શબ્દ સાંભળવાના તેને અભરખા હતા એ શબ્દ વાંચીને તે યુવરાજને રડતી આંખોએ વળગી પડી. તે પોતાના ઘૂંટણિયે બેસી ગઈ અને યુવરાજના કપાળમાં ચુંબન કરવા લાગી. સાચે પ્રેમની કોઈ ભાષા નથી હોતી. બંને એકબીજાને માતા અને પુત્ર તરીકે સ્વીકારી ચુક્યા હતા. નિશાના ચહેરા ઉપર આજે એ માતૃત્વના અહેસાસનો ભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.