અમર પ્રેમ! Dr Jay Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અમર પ્રેમ!

"યે ઇશ્ક નહિ આસાન, બસ ઇતના સમજ લીજીયે આગ કા દરિયા હૈ ઔર ડૂબ કે જાના હૈ."

'૧૪ મી ફેબ્રુઆરી' પ્રેમનો પ્રતીક ગણાતો આ દિવસ એટલે વેલેન્ટાઈન ડે. જેની પ્રેમી-પંખીડાઓ કાગડોળે રાહ જોઈ રહ્યા હોય છે. આખરે એ દિવસ આવી પહોંચ્યો. દિશા પણ દર વર્ષ ની જેમ આ વર્ષે પણ આ દિવસ માટે ઉત્સાહી હતી. દિશા કોલેજ માં લેક્ચરર તરીકે ફરજ બજાવે છે. આજે સવારથી જ દિશા નાહી-ધોઈને સુંદર વસ્ત્રોમાં તૈયાર થઈને કોલેજ જવા નીકળે છે. દિશા આમ તો ૩૦ વર્ષ ની છે, પરંતુ તેને જોઈને કોઈ પણ વ્યક્તિ કહી ના શકે કે તે ૩૦ ની હશે, હજી પણ તે ૨૦ વર્ષ જેટલી જ જુવાન અને સુંદર લાગે છે.

દિશા જેવી કોલેજ કેમ્પસમાં દાખલ થાય છે તેવું જ બધા વિદ્યાર્થીઓ તેને વેલેન્ટાઈન ડે ની શુભેચ્છા પાઠવવા માંડે છે. દિશા લેક્ચર હોલમાં પહોંચે છે.

"ગુડમોર્નિંગ એન્ડ હેપી વેલેન્ટાઈન ડે મે'મ." બધા વિદ્યાર્થીઓ એકસાથે બોલી ઉઠ્યા. "સેમ ટુ યુ માય સ્ટુડન્ટ્સ." દિશા બોલી. "આજે વેલેન્ટાઈન ડે હોવાથી આપણે આજે પ્રેમ વિષે જ વાતો કરીશું, આજે નો સ્ટડી." આખો લેક્ચર હોલ તાળીઓથી ગુંજી ઉઠે છે.

"ચાલો, મને કોઈ કહેશે કે પ્રેમ શું છે?"

"મે'મ, પ્રેમ એટલે ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ સિમ્પલ." આખો ક્લાસ હસવા માંડે છે. બીજા સ્ટુડન્ટે કહ્યું, "પ્રેમ એટલે દોસ્તી." બધા વિદ્યાર્થીઓએ અલગ-અલગ પોતાના વિચારો રજૂ કર્યા.

"ચાલો,આજે હું તમને પ્રેમ વિષે સમજવું. હું તમને એક વાર્તા સંભળાવું છું ધ્યાનથી સાંભળજો." દિશા એ કહ્યું.

"એક સિમ્પલ છોકરી હોય છે. જેણે પોતાના જીવનમાં ભવિષ્યમાં શું થશે કે તે શું કરશે એવું કાંઈ જ વિચાર્યું નથી હોતું. તે દુનિયાથી સાવ અલગ જ રહેતી હોય છે. કોઈ પણ વસ્તુમાં તેને ઇન્ટરેસ્ટ હોતો નથી. પણ હા, તે છોકરી દેખાવમાં અપ્સરાઓ ને પણ ટક્કર આપે તેવી સુંદર હોય છે. પોતાના માં-બાપ સાથે જ હંમેશા તે રહેતી હોય છે. ક્યારેય તેમનાથી અળગી થઈ હોતી નથી. અચાનક તેનું પોતાના માં-બાપ અને ઘરથી ૩૦૦ કિમી દૂર એક કોલેજમાં એડમિશન થાય છે. શરૂઆતથી જ તે છોકરી પોતાની જાત ને બધાથી અલગ રાખે છે. કોઈ પણ પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ થતી નથી. આમ, સરળ શબ્દોમાં કહીએ તો તે એક નીરસ જિંદગી જીવી રહી હોય છે. એમ કરતા કરતા ચાર-પાંચ મહિના પસાર થઇ જાય છે અને પછી કોલેજમાં દિપક ની એન્ટ્રી થાય છે. દિપક એકદમ મસ્તીખોર સ્વભાવનો, હસમુખ અને જીવન ને ભરપૂર માણી ને જીવવાવાળો વ્યક્તિ હોય છે.

દિપકનું દિલ એક જ અઠવાડિયામાં પેલી છોકરી પર આવી જાય છે અને તે મનોમન નક્કી કરી લે છે કે આ છોકરીની જિંદગી મારા જેવી રંગીન ના બનાવી દઉં તો મારુ નામ દીપક નહીં. બસ પછી તો દિપકે એના ચક્કર કાપવાનું શરુ કર્યું. એમાં ને એમાં બિચારાએ બે વાર તેના હાથ નો માર પણ ખાધો છતાંયે એણે હાર માની નહિ.

એક દિવસ અચાનક તે છોકરી રસ્તામાં જતા જતા ચક્કર ખાઈને પડી ગઈ. દિપક તે જોઈ ગયો. દિપક દોડતો દોડતો ત્યાં ગયો અને તેને ઊંચકીને હોસ્પિટલમાં લઇ ગયો. જ્યાં સુધી સારું ના થયું ત્યાં સુધી તે ત્યાં હોસ્પિટલમાં જ રહ્યો. એનો સાથ છોડ્યો નહિ. બસ એ પછીથી બંનેની મૈત્રી ની શરૂઆત થઇ.

દિપક તેની ખુબ કાળજી રાખતો હોય છે. હંમેશા તેને ખુશ રાખવા પ્રયત્નો કરતો રહેતો હોય છે. ધીમે ધીમે દિપક તેણીનો જીવનમાં રસ પાછો લાવે છે. દિપક તેને તદ્દન પોતાના જેવી જ બનાવી દે છે. બસ પાંચ જ મહિનામાં તેણીનો જીવન વિશેનો આખો અભિગમ બદલાઈ જાય છે. જે ક્યારેક ક્યારેક જ હસતી જોવા મળતી તે હવે ચહેરા પર હંમેશા સ્મિત સાથે ફરતી થઇ ગઈ. ખુશીઓ સાથે જાણે તેના વર્ષોના અબોલા જાણે તૂટી ગયા હતા. ખુશી અને સ્મિત હવે જાણે તેના ખાસ મિત્રો બની ગયા હતા. અને આવા મોટા ફેરફાર નું કારણ માત્ર ને માત્ર દિપક હતો. ધીમે ધીમે બંને ને એકબીજા સાથે પ્રેમ થઇ જાય છે. તેમનો પહેલો વેલેન્ટાઈન ડે આવે છે અને એ દિવસે દિપક તેને પ્રપોઝ કરે છે,"વિલ યુ બી માય વેલેન્ટાઈન?" અને તેને જવાબ મળે છે,"યસ." દિપક ની ખુશીનો પાર નથી રહેતો. દિપક તે દિવસે તેને ત્રણ વસ્તુ ગિફ્ટમાં આપે છે. એક ફોટોફ્રેમ જેમાં બંને નો એકબીજાનો સાથ દર્શાવતી તસ્વીર હોય છે. બીજું હાર્ટ શેપ નું પિલૉ આપે છે અને ત્રીજું તે હાર્ટના બે ટુકડા આપે છે જેમાંનો એક તેના માટે અને એક દિપક રાખે છે. તેમનો આ ફર્સ્ટ વેલેન્ટાઈન ડે યાદગાર બનાવવા બંને આખો દિવસ સાથે પસાર કરે છે. એ દિવસે સાંજે બંને જણા દરિયાકિનારે લટાર મારવા જાય છે. હાથોમાં હાથ પરોવીને આ યુગલ પ્રેમની મજા માણે છે. દિપક કહે છે,"તું મને વચન આપ કે આખી જિંદગી બસ આમ જ હસ્તી રહીશ અને જીવન ને માણતી રહીશ. અને હા જીવનભર મને પ્રેમ કરીશ." "ઓકે બાબા, હું વચન આપું છું બસ. આ પણ કોઈ પૂછવાંની વસ્તુ છે." દિપકનાં ચહેરા પર સ્મિત આવી જાય છે. તે કહે છે,"હું પણ તને વચન આપું છું કે, મારી જિંદગીના અંતિમ શ્વાસ સુધી માત્ર તને જ પ્રેમ કરીશ અને તારી જ રક્ષા કરીશ."

ધીમે ધીમે સમય વીતતો જાય છે અને બંનેનો સંબંધ વિકસતો જાય છે. ચડાવ-ઉતાર, રિસામણા-મનામણા, હાસ્ય-રુદન બધા વચ્ચે પણ પ્રેમનો આ નાનકડો છોડ ઉછરીને ધીમે ધીમે વૃક્ષ બનવા જઈ રહ્યું હોય છે. એમ કરતા કરતા લાસ્ટ યર આવે છે. લાસ્ટ યર નો વેલેન્ટાઈન ડે આવે છે. બે વર્ષ પુરા થાય છે અને આ તેમનો ત્રીજો વેલેન્ટાઈન ડે હોય છે. આ દિવસની દિપક ખુબ આતુરતાથી રાહ જોઈને બેઠો હોય છે, કારણ કે આજે દિપક લગ્નનો પ્રસ્તાવ મુકવાનો હોય છે. જે દિવસથી તેમના પ્રેમની શરૂઆત થઇ હોય છે, તે જ દિવસે તે લગ્નનો પ્રસ્તાવ મુકવાનું વિચારી રાખીને બેઠો હોય છે. પણ કહેવાય છે ને કે,'ના જાણ્યું જાનકીનાથે કે કાલે શું થવાનું છે.'

દિપક જ્વેલરી ની દુકાનમાં જઈને રિંગ ખરીદ છે. આ રિંગ આપીને લગ્નનો પ્રસ્તાવ મુકવાનું તેનું આયોજન હોય છે. દિપક બપોરે ત્રણ વાગ્યે તેને ફોન કરે છે,"સાડા ત્રણ વાગ્યે લવર્સ પાર્ક. લેટ ના કરતી. બાય. ટેક કેર." ઉત્સાહમાં ને ઉત્સાહમાં દિપક ત્યાં વહેલો પહોંચી જાય છે અને પાર્કની બહાર સામે રોડની બાજની દુકાનમાં સંતાઈને બેસી બહાર જોઈ રહે છે. સાડા ત્રણ વાગ્યે રિક્ષામાંથી તેની પ્રેમિકા ઉતરે છે અને ફોન પર વાત કરતી હોય છે. ફોન પર વાત કરતા કરતા પોતાની ધૂનમાં તે રસ્તાની આજુબાજુ જોયા વગર રસ્તો ઓળંગવા જતી હોય છે. એટલામાં પાછળ થી એક ટ્રક એકદમ ગતિમાં આવતો હોય છે જેની તેને ખબર હોતી નથી. દિપક તરત જ સમયસૂચકતા વાપરીને દોડવા માંડે છે અને દોડતા દોડતા તેને પથ્થર ની ઠોકર વાગે છે, તે તેની પ્રેમિકા ને જોરથી ધક્કો મારે છે જેથી તે રસ્તાની બીજી બાજુ જઈને પડે છે. પરંતુ દિપક પોતાની જાત ને સંભાળી શકતો નથી અને સંતુલન ગુમાવીને રસ્તાની વચ્ચોવચ પડી જાય છે અને ટ્રક તેના ઉપરથી જતી રહે છે.

તેની પ્રેમિકા નજરોનજર આ બધું નિહાળે છે. તેના પેટમાં ફાળ પડે છે અને તે ધ્રુસકે ધ્રુસકે રડવા માંડે છે. તે રસ્તા ની વચ્ચોવચ દોડી જાય છે અને નીચે બેસી જાય છે. તે દિપકનું માથું પોતાનાં ખોળામાં મૂકે છે. દિપક પોતાના અંતિમ શ્વાસ લઇ રહ્યો હોય છે. દિપકના અંતિમ શબ્દો કંઈક આવા હોય છે,"હેપી વેલેન્ટાઈન ડે, માય જાન. જો તારા માટે આ ગિફ્ટ લાવ્યો છું. ચાલ હવે રડવાનું બંધ કર. મેં તને શું કીધું હતું કે જીવનમાં ક્યારેય તારે રડવાનું નહિ, પ્રોમિસ તોડ્યું ને તેં. પણ હું તો પ્રોમિસ નિભાવવામાં પાક્કો છું. મેં કહ્યું હતું ને કે મારા અંતિમ શ્વાસ સુધી તને જ પ્રેમ કરીશ અને તારી જ રક્ષા કરીશ. પણ હવે મારો ટાઈમ થઇ ગયો છે. હવે તારા નાટક નહિ સહન કરું. ચલ, આવતા જન્મમાં ફરી મળીએ. ત્યાં સુધી કિપ સ્માઇલિંગ એન્ડ આઈ લવ..." તેના એક હાથમાં રિંગનું બોક્ષ હોય છે અને તેની આંખો મીચાઈ જાય છે. જે વ્યક્તિ એ તેનું જીવન બદલી નાખ્યું તે વ્યક્તિને પોતાની આંખો આગળ જ આમ મૃત્યુ પામતા જોવા માટે ખુબ જ હિંમત જોઈએ. તેનાથી વધારેમાં વધારે અઘરું કાંઈ જ નથી."

આટલું બોલીને દિશા પોતાની આંખનો ખૂણો લુછવા અટકે છે. બધા જ વિધાર્થીઓની આંખોમાં ઝળઝળીયા આવી જાય છે.

"મે'મ,પછી દિપકની પ્રેમિકાનું શું થયું? તેણે શું કર્યું?"

દિશાએ કહ્યું,"દિપકનાં મૃત્યુ પછી તેનું જીવન પૂરેપૂરું બદલાઈ ગયું. તેણે દિપકની જેમ જીવવાનું શરૂ કર્યું. દિપક ભલે હયાત ન હતો, પરંતુ દિપકને જીવંત રાખવો તે એના જીવનનું જાણે મુખ્ય ધ્યેય બની ગયું. તેણે દિપકને મરવા નહિ દીધો, પોતાની અંદર જીવંત રાખ્યો. તેણે દિપકની સ્મૃતિઓને પોતાની અંદર જીવંત રાખીને જીવવાનું શરુ કર્યું. અને એકદમ હસતા હસતા, મજાક મસ્તી કરતા કરતા દિપકની જેમ જીવવાનું શરુ કર્યું."

દિશાએ આગળ કહ્યું,"મારે તમને જે કહેવાનું છે, જે મેસેજ તમને આપવાનો છે તે એ છે કે, આજની જનરેશનમાં પ્રેમ વિષે ખુબ જ ખોટા ખ્યાલો પ્રવર્તે છે. પ્રેમ એ માત્ર બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ એમ માત્ર રિલેશનશિપ સ્ટેટ્સ નથી કે ટાઈમપાસ નથી. ખરેખર સાચા અર્થમાં પ્રેમ એ બે હૃદયનું મિલન છે. પ્રેમ એ કાળજી છે, એકબીજાને હૂંફ પુરી પાડવી, સતત એકબીજાને પડખે ઉભા રહેવું એ પ્રેમ છે. પરંતુ તેનો મતલબ એ નથી કે સાથે જ રહેવું. જે ધાર્યું હોય એમ જ થવું. એકબીજાથી દૂર રહીને પણ પ્રેમ થઇ શકે છે. તમે તમારામાં તે વ્યક્તિના વિચારો, તેની આદતો, તે વ્યક્તિની તમામ સ્મૃતિઓને તમારામાં જીવંત રાખો એ પણ પ્રેમ છે. આજે તમે જોઈ શકો છો કે પ્રેમ માં નિષ્ફળતા મળશે કે એકતરફી પ્રેમ હશે તો લોકો આત્મહત્યાના માર્ગે જાય છે. પરંતુ સાચો પ્રેમ એ છે કે એકબીજાથી દૂર રહીને પણ એકબીજાને પ્રેમ કરતા રહો, જો તે વ્યક્તિ સાથે ના હોય તો તમારામાં તેના પ્રેમ ને જીવંત રાખવો. જીવનમાં બધું જ માંગેલું મળી જાય તેવું નથી હોતું. પ્રેમની બાબતમાં ખાસ. પરંતુ તેનો મતલબ એવો નથી કે પ્રેમ ન કરવો જોઈએ. કેટલીક વખત કંઈક ગુમાવવું એ પણ પ્રેમ છે. આ વાર્તામાં દિપકનાં મૃત્યુ પછી તેની પ્રેમિકાને જીવન જીવવાનું એક કારણ મળી ગયું. તેણે ત્યાર પછી તેની જીવન તેની યાદો માં જ સમર્પિત કરી દીધું અને જીવનભર તેને જ પ્રેમ કરતી રહી. તેને જ સાચો પ્રેમ કહે છે." આખો લેકચર હોલ સીટીઓ અને તાળીઓના ગડગડાટ થી ગુંજી ઉઠે છે.

લેકચર પતાવીને દિશા ફટાફટ પોતાના ઘરે પહોંચે છે. ઘરમાં જઈને સીડીઓ ચડીને તે ઉપરના રૂમ તરફ જાય છે અને ચાવી થી રૂમનું તાળું ખોલે છે. પછી રૂમમાં દાખલ થઇ કબાટ ઉઘાડે છે અને ડ્રોવરમાંથી એક બોક્સ કાઢે છે. એ બોક્સ ખોલે છે જેની અંદરથી એક હાર્ટનો અડધો ટુકસો અને એક જૂની રિંગ નીકળે છે અને સાથે એક ચિઠ્ઠી હોય છે, જેમાં ફક્ત આટલું જ લખેલું હોય છે,

"ફોર માય વેલેન્ટાઈન, મિસ દિશા.

વિથ લવ દિપક."