પ્રેમ ની જીત Dr Jay Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ ની જીત

"હા,રામુકાકા હું આજે ભારત આવવા માટે નીકળું છું. તમે પપ્પા ની અંતિમવિધિ માટેની તમામ તૈયારીઓ કરી રાખજો અને હા પાંચ દિવસ ની અંદર એ ઘર પણ વેચાઈ જાય તેવી તૈયારી કરવા માંડજો. હું ઘર વેચીને હંમેશા માટે અમેરિકા રહેવા જતી રહેવાની છું. મારે બીજું કાંઈ જ નથી સાંભળવું. હું કાલે ઇન્ડિયા આવી જઈશ. જય શ્રી કૃષ્ણ !!" આકૃતિ ફોન મૂકી દે છે.

આકૃતિ બજાજ. ઉદ્યોગપતિ પરાગ બજાજ ની દિકરી. પરંતુ પિતા સાથેના મનભેદ ના કારણે તે તેમની સાથે ભાગ્યે જ વાત કરતી. પિતા ના મૃત્યુ નું દુઃખ તેને પણ હતું પણ ચહેરા પર શોકની સહેજ પણ લાગણી ન હતી. પાંચ વર્ષ થી આકૃતિ અમેરિકા માં રહે છે અને આજે પાંચ વર્ષ પછી ભારત આવી રહી છે. પિતાની અંતિમવિધિ પતાવવા માટે તે કમને જઈ રહી હતી કારણ કે તે વાતાવરણ માં તેની જૂની યાદો છુપાયેલી હતી જેને તે યાદ કરવા પણ માંગતી ન હતી. તેને ડર પણ હતો કે આટલા વર્ષો પછી તે પાછી જઈ રહી છે તો ત્યાં કેવી રીતે આ બધાનો સામનો કરશે. આટલા વર્ષો માં તેણે પિતા સાથે માત્ર બે જ વાર વાતચીત કરી હતી. ક્યારેય તેણે પિતાના ખબર અંતર પૂછવા સામેથી ફોન નહતો કર્યો. આકૃતિ અસમંજસ માં પોતાની બેગ તૈયાર કરે છે અને ઇન્ડિયા જવા નીકળે છે.

આકૃતિ એરપોર્ટ પર ઉતરે છે. ઉતરીને તે આંખો બંધ કરીને ત્યાંના વાતાવરણ ને અનુભવે છે જ્યાં તેણે પોતાના જીવન નાં ૨૫ વર્ષ વિતાવ્યા. તે પોતાની માતૃભૂમિ પર આજે પાંચ વર્ષમાં પ્રથમ વખત આવે છે અને માતૃભૂમિ ને વંદન કરે છે અને ઘર તરફ પ્રયાણ કરે છે. તેને પીકઅપ કરવા માટે રામુકાકા એ માણસ મોકલ્યો હોય છે. તે આકૃતિ ને લઈને સીધો ઘરે પહોંચે છે.

ઘરમાં દાખલ થતાં જ આકૃતિની તમામ યાદો તાજી થઈ જાય છે. તે ઘરના તમામ ખૂણે ફરી વળે છે અને અચાનક તેના બેડરૂમ આગળ જઈને થંભી જાય છે. જે રૂમ ને તે પાંચ વર્ષ પહેલા બંધ કરીને ગઈ હોય છે તે રૂમ હજી સુધી બંધ જ પડ્યો હોય છે. તે તાળું હાથમાં પકડીને કંઈક વિચારે છે અને પછી રૂમ ખોલવાનું માંડી વાળે છે. તેની હિમ્મત થતી નથી. રામુકાકાએ અંતિમવિધિ ની તમામ તૈયારીઓ કરી રાખી હોય છે. આકૃતિ એ બધુ પતાવી દે છે અને રાત્રે આરામ કરવા શાંતિ થી બેસે છે.

આકૃતિ:"રામુકાકા, આ ઘરનું કોઈ ખરીદદાર મળ્યું? ત્રણ દિવસની અંદર જલ્દીથી શોધી કાઢો. જે કિંમત સારી મળતી હોય તે લઈને વેચી દેવું છે અને હંમેશા માટે અમેરિકા સેટલ થઇ જવું છે. અહીંના વાતાવરણ માં મારો શ્વાસ ખુબ રૂંધાય છે."

રામુકાકા:"પણ મે'મસાબ,આ ઘરમાં સાહેબની બધી યાદો, તેમનું આખું જીવન, તમારું બાળપણ, તમારી જવાની બધું જ સંગ્રહાયેલું છે."

આકૃતિ:"મારે બીજું કઈ જ નથી સાંભળવું કાકા, મેં તમને જે કરવા કીધું તે કરો."

બીજા દિવસે સવારે આકૃતિ વહેલા ઉઠીને તૈયાર થઇ જાય છે અને શહેરની મુલાકાત કરવા નીકળે છે.પાંચ વર્ષના સમયગાળામાં ઘણું બધું બદલાઈ ગયું હોય છે. એટલામાં તેની નજર એક બુકશૉપ પર પડે છે. આકૃતિ વાંચન ની ખુબ જ શોખીન હોય છે. તેને ગુજરાતી અને અંગ્રેજી નવલકથાઓ વાંચવાનો ખુબ જ શોખ હોય છે.

આકૃતિ: "ડ્રાઈવર, પેલી બુકશૉપ આગળ કાર ઉભી રાખજો."

ડ્રાઈવર કાર ઉભી રાખે છે. આકૃતિ બુકશૉપ માં દાખલ થાય છે. બુકશૉપની અંદર તમામ લેખકો ની નવલકથાઓનો સંગ્રહ હોય છે. આકૃતિ મનોમન વિચારે છે કે હું હવે અમેરિકા જ જતી રહેવાની છું તો થોડીક બૂક્સ સાથે યાદગીરીરૂપે લઇ જાઉં. આકૃતિ પાંચ- છ બૂક્સ લે છે અને કાઉન્ટર પર પહોંચે છે. કાઉન્ટર પર એક વ્યક્તિ ઉભો હોય છે જે ભગવાનની પૂજા કરતો હોય છે. તેની દાઢી મૂછ વધેલી હોય છે અને વાળ થોડા વધેલા હોય છે.

"હેલો, એક્સક્યુઝ મી." આકૃતિ બોલે છે અને તે વ્યક્તિને બોલાવે છે અને એટલામાં તેની નજર અચાનક તે વ્યક્તિની ગરદન પર પડે છે. તેની ગરદન પર ટેટૂ હોય છે. અંગ્રેજીમાં 'aa' કોતરેલું હોય છે. પેલો મુચ્છડ વ્યક્તિ ફરે છે અને બોલે છે, "યસ, મે'મ."

આકૃતિ તે વ્યક્તિને ધારીને જોઈ રહે છે. તે વ્યક્તિ ફરી બોલે છે, "હેલો, મે'મ." આકૃતિ તેને પૂછે છે: "અંકિત?" સામે તે વ્યક્તિ અચાનક ચોંકી જાય છે અને કહે છે, "હા, તમે કોણ?" બે મિનિટ માટે મૌન છવાઈ જાય છે. બંને માનવ આકૃતિઓ બસ એકબીજાની સામે જોઈ રહે છે."આકૃતિ?" અંકિત મૌન તોડે છે. અચાનક જ આકૃતિના હાથમાંથી બૂક્સ નીચે પડી જાય છે. તેને શું કરવું કાંઈ જ સમજાતું નથી. તે પાછું વાળીને જોયા વગર ફટાફટ દોડતી દોડતી કારમાં આવીને બેસી જાય છે. તે ડ્રાઈવરને કહે છે,"ડ્રાઈવર, જલ્દી ઘરે લઇ લો." જે વાત આકૃતિને અહીં આવતા રોકી રહી હતી, જે વસ્તુ નો તેને ડર હતો, આજે તેની જ સાથે તેનો સામનો થઇ ગયો. આકૃતિની આંખો આંસુઓથી ભરાઈ જાય છે. તેના માટે દરેક પળ આકરી થઇ જાય છે.

આકૃતિ ઘરે પહોંચે છે અને મગજ શાંત કરવા બેસે છે. પરંતુ તેને શાંતિ મળતી નથી. તેનું મન વારેઘડીએ તેના રૂમ તરફ દોડી જતું હોય છે. આખરે તેના મન ની જીત થાય છે. એ રૂમ જેમાં તેની અનેક યાદો સમાયેલી હોય છે. આકૃતિ રૂમ નું તાળું ખોલીને અંદર જાય છે. અંદર જતા ની સાથે જ તેની આંખોમાં આંસુ આવી જાય છે અને ગળે ડૂમો ભરાઈ જાય છે. રૂમની અંદર તેના બાળપણના રમકડાં, તેની બૂક્સનું કલેકશન, બધું તેમનું તેમ જ હોય છે જે પરિસ્થિતિમાં તે પાંચ વર્ષ પહેલા મૂકીને ગઈ હતી. તે રૂમની તિજોરી તરફ પહોંચે છે. તિજોરી ખોલીને વોલ્ટ ખોલવા પ્રયત્ન કરે છે પણ તિજોરી કટાઈ ગઈ હોવાથી તે ખુલતું નથી. તે તેને તોડી નાખે છે અને વોલ્ટ ખોલે છે. જેની અંદરથી એક બેગ નીકળે છે. આકૃતિ તે બેગ લઈને બહાર નીકળે છે અને રૂમ બંધ કરીને બીજા રૂમ માં જતી રહે છે. બેગ ખોલીને તે ધીમે ધીમે અંદરથી બધી વસ્તુઓ કાઢે છે. અંદરથી ગિફ્ટ્સ નીકળે છે. તેમાંથી એક ફોટો નીકળે છે જેની પાછળ લખ્યું હોય છે, "અંકિત લવ્સ આકૃતિ." હા, એ ફોટો અંકિત અને આકૃતિનો હોય છે. બંને એકબીજાને પ્રેમ કરતા હોય છે. બેગની અંદર અંકિતે આકૃતિને આપેલા તમામ પ્રેમપત્રો હોય છે. આકૃતિ રડતી આંખે એક પછી એક તમામ પ્રેમપત્રો વાંચે છે અને છેલ્લે તેને એક લોકેટ મળે છે જેમાં એકબાજુ અંકીતનો અને બીજી બાજુ આકૃતિનો ફોટો હોય છે. આકૃતિ બધું બંધ કરીને રડવા માંડે છે અને પોતાના નસીબ પર ગુસ્સે થાય છે. આટલા વર્ષોની તપસ્યા તેને જે વસ્તુને ભુલાવવા કરી હતી, તે જ સ્મૃતિઓથી ભરેલો સંદૂક આજે ખુલી ગયો હતો. આકૃતિ તેની આંખો આગળ જ તેના ભૂતકાળને જાણે જોઈ રહી હતી.

આંઠ વર્ષ પહેલા અંકિત અને આકૃતિની મુલાકાત લાયબ્રેરી માં થાય છે. બંને ને વાંચન નો ખુબ જ શોખ હોય છે.

આકૃતિ:"અરે યાર, અહીં ક્યાંય પણ ચેતન ભગત ની એક પણ બુક નથી. બધા જ બધી બૂક્સ લઇ ગયા." તે નિરાશ થઇ જાય છે.

અંકિત:"એક્સક્યુઝ મી મિસ,મારી પાસે છે. તમારે જોઈતી હોય તો હું તમને આપી શકું છું."

આકૃતિ:"થેન્ક ગોડ, કોઈકની પાસે તો છે. પ્લીઝ પ્લીઝ મને આપો ને. "

અંકિત:"હા, મળી તો જશે પણ બદલામાં મને શું મળશે?"

આકૃતિ:"હમ... તારે જે જોઈએ એ."

અંકિત:"મારે બે-ત્રણ બૂક્સ જોઈએ છે. જે લાયબ્રેરીમાં નથી. તારે મને તે બહારથી લાવી આપવી પડશે."

આકૃતિ:"ઑકે. ડન."

અને ત્યારબાદ તે દિવસથી તેમની મુલાકાત રોજ થવા માંડે છે. બુક્સની અદલબદલ, વાંચનનો શોખ, સાથે સમય ગુજારવો,શોખની સમાનતા... આ બધા પરિબળોને લીધે બંને ને એકબીજા માટે આકર્ષણ થવા માંડે છે અને પછી બંને ને પ્રેમ થઇ જાય છે અને બંને વચ્ચે એક નવા સંબંધની શરૂઆત થાય છે. ધીમે ધીમે ગીફ્ટ્સની આપ-લે,પ્રેમપત્રોની આપ-લે ચાલુ થઇ જાય છે. બંને પોતાના સંબંધ ને લઈને ખુશ હોય છે. અંકિત વેલેન્ટાઈન ડે પર તેને એક ચાંદીનું લોકેટ ગિફ્ટમાં આપે છે જેમાં બંનેનો ફોટો હોય છે. આકૃતિ ખુશ ખુશ થઇ જાય છે. બંને એકબીજાની સાથે રહેવાની કસમો ખાવા માંડે છે. આકૃતિ મનથી જ અંકિતને વરી ચુકી હોય છે. અંકિત તેના પ્રેમની નિશાની રૂપે ગરદન પર 'aa' ટેટૂ પણ કરાવે છે.

પણ પેલું કહેવાય છે ને કે ચાર દિન કી ચાંદની ફિર અંધેરી રાત. એક દિવસ આકૃતિના પપ્પાને તેમના સંબંધ ની ખબર પડી જાય છે. એક પ્રેમપત્ર ભૂલથી તેમના હાથે ચડી જાય છે અને તે ગુસ્સાથી ધુંઆપુંઆ થઇ જાય છે. પોતાની છોકરી આવું બધું કરી શકે તેવું તેમને ક્યારેય વિચાર્યું ન હતું. તે અંકિતને ભૂલી જવા માટે આકૃતિને કહે છે.

"પપ્પા, હું અંકિતને દિલથી ચાહું છું અને તેને જ પોતાનો જીવનસાથી બનાવવામાંગુ છું."

"બેટા, તેણે તને ફસાવી છે. એ તને પ્રેમ નથી કરતો."

"બસ પપ્પા, તમારી આ બધી વાતોની મારી પર કોઈ જ અસર નહિ થાય."

"આકૃતિ, જો હવેથી તું એને મળી છે તો હું એને જીવથી મારી નાખીશ. તેણે મારી છોકરીની જિંદગીમાં દખલ દીધો છે."

આ પ્રસંગ પછી પણ બંનેનું મળવાનું ચાલુ જ રહે છે, જેની તેના પપ્પાને ખબર પડી જાય છે. એક દિવસ તેના પપ્પા ભાડા ના ગુંડાઓને બોલાવી અંકિત પર હુમલો કરાવે છે. અંકિત લોહીલુહાણ થઇ જાય છે. તેને ખુબ ઈજાઓ થાય છે પરંતુ ભગવાનની કૃપાથી તે બચી જાય છે.

આ બાજુ આકૃતિના પપ્પા તેને રૂમ માં બંધ કરી દે છે અને કહે છે, "જોયું બેટા,પરાગ બજાજની દીકરીની જિંદગીમાં દખલ કરવાવાળા એ બે કોડીના માણસને મેં ભગવાન પાસે પહોંચાડી દીધો."

આ સાંભળીને આકૃતિ જમીન પર ફસડાઇને પડી જાય છે અને રડવા લાગે છે, "તો પપ્પા, હું પણ તેની પાછળ પાછળ ભગવાન પાસે જ જાઉં છું હવે." તે રડતા રડતા રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દે છે અને પોતાની કલાઈ કાપી નાખે છે અને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ સમયસર તેના પિતા દરવાજો તોડીને અંદર આવી જાય છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરે છે. આકૃતિ ભાનમાં આવે છે. તેના પપ્પા કહે છે,"આકૃતિ આ વખતે તો પેલો બે કોડીનો માણસ બચી ગયો. પહેલી વાર મેં કહ્યું ત્યારે તે મારી વાત ને નરમાશ માં લીધી પરંતુ હવે જો તે એને મળવાનો પ્રયત્ન કર્યો છે તો તારી નજરો આગળ તેનું ખૂન કરાવી દઈશ." આટલું કહીને તે જતા રહે છે.

આકૃતિ આખો દિવસ હોસ્પિટલ માં બસ રડ્યા જ કરે છે. એટલામાં બુરખો ઓઢેલ કોઈ વ્યક્તિ હોસ્પિટલમાં તેને મળવા આવે છે જે અંકિત હોય છે. અંકિતને જોઈને આકૃતિતેને વળગી પડે છે અને ખુબ રડે છે. તે અંકિતને કહે છે,"ચાલ અંકિત,આપણે ભાગી જઈએ. આ લોકો આપણને ક્યારેય સાથે નહિ રહેવા દે." અંકિત કહે છે, "આકૃતિ રડીશ નહિ. તારા પપ્પાને આપણા સંબંધ થી તકલીફ છે, આપણા પ્રેમથી નહિ. આપણે જ્યાં પણ રહીશુ હંમેશા એકબીજાને પ્રેમ કરતા રહીશુ એ આપણા પ્રેમ ની જ જીત છે. સાથે રહેવું જ એ ફરજીયાત નથી. હા, આજે સમય આપણી સામે પડ્યો છે. આજે આપણો સમય નથી. સોરી આકૃતિ,પણ આપણે આપણો આ સંબંધ અહીં જ અટકાવવો પડશે. સાથે રહેવાની એ કસમો તોડવી પડશે. પણ હા મેં પહેલો અને છેલ્લો પ્રેમ તને જ કર્યો છે અને તને જ કરતો રહીશ. અંકિતના હૃદયમાં આકૃતિની આકૃતિ હંમેશા માટે અંકિત થઇ ગઈ છે. જેને તારા પિતા તો શું ભગવાન પણ ભૂંસી નહિ શકે. હવે મારે જવું પડશે. આગળના જીવન માટે ઓલ ધ બેસ્ટ. બાય,લવ યુ ફોરએવર." અને અંકિત ગળગળો થઇને આકૃતિના કપાળમાં ચુંબન કરીને જતો રહે છે. આકૃતિના મોઢામાંથી હરફ સુધ્ધા નીકળતો નથી. અત્યારે તેની હાલત કાપો તો પણ લોહી ના નીકળે તેવી થઇ ગઈ હોય છે. તે ભીની આંખે અને ભારે હૈયે માત્ર હાથ હલાવીને વિદાય કરે છે.

આકૃતિ હોસ્પિટલમાંથી ઘરે આવે છે. તે ચુપચાપ અને ગુમસુમ જ રહેવા લાગે છે. તે અંદરથી સાવ તૂટી ગઈ હોય છે પરંતુ તે પોતાની જાતને સ્વસ્થ કરે છે. મજબૂત બનાવે છે અને જીવનમાં આગળ વધવાનું નક્કી કરે છે. પરંતુ તેના પિતા માટે તેની નજરોમાં સહેજ પણ માન રહેતું નથી. તે એક એન.આર.આઈ. છોકરા સાથે કમને પિતાની જબરદસ્તીથી લગ્ન કરી લે છે. ત્યારબાદ તે અમેરિકા જતી રહે છે. શરૂઆતથી જ તેના લગ્નજીવનમાં ઝઘડાઓ શરુ થઇ જાય છે. તે લગ્ન તો કરી લે છે પરંતુ તેના પતિ ને પ્રેમ નથી કરી શકતી કારણકે તે અંકિતને પ્રેમ કરતી હોય છે. એક જ વર્ષ માં તેનો પતિ તેને છોડી દે છે અને બીજી સ્ત્રી સાથે બીજે રહેવા જતો રહે છે. આકૃતિ પોતે પોતાની આવડતથી ત્યાં નોકરી શોધે છે અને ત્યાં જ રહેવાનો નિર્ણય લે છે.

"મે'મ સાબ,જમવાનું તૈયાર છે." આકૃતિ આંસુ લૂછીને સ્વસ્થ થાય છે. વર્તમાન માં પાછી આવે છે. તે મોઢું ધોઈને ડાઇનિંગ ટેબલ પર જમવા માટે ગોઠવાય છે.

"કાકા, આજે મેં અંકિત ને જોયો."

"એ જ અંકિત,જેને તમે પ્રેમ કરતા હતા?"

"હા."

"તો સારું થયું ને. આટલા વર્ષો પછી ફરી તમે બંને મળ્યા."

"કાકા,પણ આજે મને તેનો સાથ મને દુઃખ આપી રહ્યો છે. તેને જોઈને અત્યાર સુધી હું જે મજબૂત હોવાનો ડોળ કરતી હતી તે ભાંગી ગયો છે. "

"દીકરા, આજ સુધી મને કહેવાનો મોકો જ નથી મળ્યો પણ આજે હું તને કહું છું કે ભગવાને તને બીજો મોકો આપ્યો છે. તારે આ મોકો ગુમાવવો ના જોઈએ."

"પણ કાકા, એ જીવનમાં આગળ વધી ગયો હશે. તેની પણ બીજી જવાબદારીઓ હશે, તેની પોતાની નવી લાઈફ હશે, ફેમિલિ હશે. હું જઈને તેને બગાડવા નથી માંગતી.મારે હવે તેને ભૂલીને જીવનમાં આગળ વધી જવું જોઈએ."

"દીકરા,એ બધું તું ભગવાન પર છોડી દે,પણ એકવાર પ્રયત્ન કરવામાં શું જાય છે? આખી જિંદગી પસ્તાયા કરવું કે મેં જો થોડી હિમ્મત કરીને કહી દીધું હોત તો સારું હોત તેના કરતા એક વાર કહીને તો જો, જો તેની ના હશે તો તને જીવનમાં ક્યારેય ખેદ નહી રહે કે પ્રયત્ન નહોતો કર્યો."

આકૃતિ તે રાત્રે પલંગ માં સુતા સુતા ખુબ જ વિચારે છે અને બીજા દિવસે અંકિત ને મળીને પોતાના મન ની વાત કરવાનું નક્કી કરે છે.

આકૃતિ બીજા દિવસે બુકશૉપમાં પહોંચી જાય છે. પરંતુ અંકિત હજી સુધી ત્યાં આવ્યો હોતો નથી. આકૃતિ ત્યાં જ એની રાહ જોતી બેસી રહે છે. એટલામાં તે અંકિત ને આવતો જોવે છે. અંકિત જેવો આવે છે તે તેની સામે જઈને ઉભી રહી જાય છે. બંને એકબીજાની આંખો માં જોઈ રહે છે. બંને આંખો જાણે એકબીજાને સામસામા પ્રશ્નો કરી રહી હોય એમ લાગે છે. હજી પણ બંનેની આંખોમાં પહેલાં જેવો જ પ્રેમ દેખાઈ રહ્યો હોય છે. બંને પોતાની જાત ને સ્વસ્થ કરે છે.

"અંકિત,આટલા વરસો તારાથી દૂર રહેવા મેં ખુબ પ્રયત્નો કર્યા, મેં મારી જાતને તારાથી દૂર રાખવા માટે ઈન્ડિયા પણ છોડી દીધું. લાગ્યું કે અહીંથી દૂર રહીશ તો મારી જાતને સંભાળી શકીશ. પરંતુ જયારે હું તારી સામે આવી ત્યારે મારા તમામ નિયંત્રણો તૂટી ગયા.મારા તમામ પ્રયત્નો નિષ્ફળ થઇ ગયા. તને જોઈને જૂની બધી જ યાદો તાજી થઇ ગઈ."

અંકિત તેને જોઈ રહે છે અને થોડીવાર પછી કહે છે,"પણ આકૃતિ તને મારી ખબર..."

આકૃતિ તેને અધવચ્ચે અટકાવી દે છે અને બોલે છે,"મને ખબર છે તું તારા જીવનમાં આગળ વધી ગયો છે. તારો અલગ સંસાર હશે. હું તને કોઈ જ પ્રકારનું દબાણ આપવા નથી માંગતી. મારા મનમાં તારા માટે હજી પણ પહેલા જેટલો જ પ્રેમ છે એ મારે તને કહેવું હતું અને એટલા માટે જ હું અહીં તને મળવા...." એટલામાં અંકિત તેને પોતાની તરફ ખેંચી લે છે અને તેને ચુંબન કરવા લાગે છે.

આકૃતિ હેબતાઈ જાય છે.

અંકિત બોલે છે,"હવે હું બોલું? જ્યારથી તું અમેરિકા ગઈ અને જ્યારથી આપણી હોસ્પિટલ ની એ અંતિમ મુલાકાત પુરી થઇ, હું ત્યાં નો ત્યાં જ છું. હું જીવન માં આગળ વધ્યો જ નથી.મને મારા પ્રેમ પર પૂરો વિશ્વાસ હતો. આજે નહિ તો કાલે આપણે ભેગા જરૂર થઈશુ. હા, એ સમય આપણો નહતો. પરંતુ આપણો પ્રેમ સાચો હતો અને સાચા પ્રેમ આગળ સમયને પણ ઝૂકવું પડ્યું. અરે એની આગળ ભગવાન પણ ઝૂકી જાય છે, તો સમય શું ચીજ છે અને તારી જાણ માટે કહી દઉં કે મેં હજી સુધી લગ્ન કર્યા નથી. બસ તારી જ રાહ જોતા જોતા આ બુકશૉપમાં જીવન વિતાવું છું. આ બુકશૉપ એટલા માટે મેં ખોલી કારણ કે આ જગ્યા તારી મનપસંદ છે અને જ્યાંથી એક પ્રેમકહાની શરુ થઇ હતી તે જ જગ્યા ક્યારેક ને ક્યારેક ફરી બે પ્રેમીઓને જરૂરથી ભેગા કરાવશે એનો મને અંદરથી વિશ્વાસ હતો."

અને આટલું કહીને અંકિત ઘૂંટણ પર બેસી જાય છે. અંકિતાનો હાથ પકડી લે છે અને કહે છે,"એક વાર તો હું તને ગુમાવી ચુક્યો છું, ફરી ગુમાવવા નથી માંગતો. વિલ યુ મેરી મી?" આકૃતિ કહે છે,"યસ." અને અંકિત ઉભો થઈને આકૃતિને છાતીસરસાં ચાંપી લે છે. બંનેની આંખોમાં આંસુ આવી જાય છે. આજુબાજુના બધા જ લોકો તેમને તાળીઓના ગળગળાટથી વધાવી લે છે.

અંકિત ઉપર આકાશ તરફ જોઈ રહે છે અને મનોમન બોલે છે,"તે મારો વિશ્વાસ તૂટવા નથી દીધો. પ્રેમ ની આ રમતમાં આજે ફરી એક વખત પ્રેમીઓની જીત થઇ છે."

***