પ્રેમ નો વરસાદ Dr Jay Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ નો વરસાદ

ચારે બાજુ સાંબેલાધાર વરસાદ પડી રહ્યો હતો. આજે વરસાદ જાણે તેના પરથી તમામ નિયંત્રણો ઉઠાવી લીધા હોય તે રીતે વરસી રહ્યો હતો. પવન ની લહેરો વાતાવરણ ની શીતળતા માં વધારો કરી રહી હતી. વાદળોના ગડગડાટ અને વીજળીના ચમકારા વાતાવરણ ના રૌદ્ર સ્વરૂપ માં વધારો કરી રહ્યા હતા. વરસાદની હેલી માં ભીંજાયેલી માનવઆકૃતિઓ વરસાદથી બચવા આશરો શોધી રહ્યા હતા. આવામાં પોતાના ત્રીજા માળે આવેલા ફ્લેટની ગેલેરીમાં ઉભા ઉભા માનવ એક હાથમાં કોફીનો મગ પકડીને તેના ઘૂંટડા ભરતા ભરતા વરસાદ ની મજા માણી રહ્યો હતો. તેનું ધ્યાન રસ્તા પર પડ્યું. એક પ્રેમી યુગલ એકબીજાના હાથમાં હાથ પરોવીને વરસાદમાં પોતાની ધૂનમાં વાતો કરતા કરતા ચાલયે જતા હતા. ના એમને વરસાદની કઈ પડી હતી ના તેમને આજુબાજુની દુનિયાની. તેમને જોઈને માનવના ચહેરા પર સ્મિત રેલાઈ ગયું અને આવી જ એક વરસાદની સાંજ ની ભૂતકાળની સ્મૃતિમાં એ સરી પડ્યો.

કાળાડિબાંગ વાદળોએ જમાવટ કરી હતી. સમી સાંજનો સમય હતો. બોયઝ હોસ્ટેલના રૂમ નં.12 માં મન, મનન, માનવ અને મનીષ પોતપોતાના કામ માં મશગુલ હતા. મન ફોન પર કોઈકની સાથે ચેટ કરી રહ્યો હતો, મનન રૂમ ની બહાર આંટાફેરા મારતો હતો, માનવ પેથોલોજી ના MCQ સોલ્વ કરતો હતો, અને મનીષ ડયુટી પરથી થાકેલો આવીને સુઈ ગયો હતો. અચાનક વરસાદે શ્રીગણેશ માંડ્યા. એટલામાં મનન ની રૂમ માં એન્ટ્રી થઇ, 'એ હાલો, ડુમ્મસ બટાકાપુરી ખાવા અને વરસાદમાં રખડવા.'

મન: 'આપણે ઓલવેઝ રેડી. ચલ એ માનવ આ થોથા મૂક સાઈડમાં અને માણસની જેવો બની થોડું જલસા બલસા કર. આગળ જઈને કંકોડુયે MCQ યાદ નઈ આવાના તને. આ ઊંઘણસિંહ ને ઉઠાડો, આખો દિવસ ઘોરયા જ કરતો હોય છે. ઉઠ એ ગેન્ડા.!!'

માનવ: 'ના યાર, તમે લોકો જાવ. તમને ખબર છે ને મને વરસાદમાં પલળવું નથી ગમતું અને મારે 200 MCQ પતાવાના છે સાંજ સુધીમાં.'

મનીષ: (આળસ મરડીને) 'હા બસ 5 મિનિટ, તમે લોકો તૈયાર થાઓ હું બસ આ ઉઠ્યો.'

મનન (માનવને): 'બે ટોપા, તારા દર વખતના નાટક છે. આજે તો નઈ જ ચાલે, આજે તો તારે આવવું જ પડશે. આવા રોમેન્ટિક મૌસમ ની ક્યારેક મજા માણી જો. આવી મજા તારી આ પેથો અને માઈક્રો ની બુક નહી આપે એ મારી ગેરેન્ટી.' એમ કહીને તેના હાથમાંથી બુક લઇ લે છે અને બાજુમાં મૂકી દે છે અને મનીષ ને લાત મારતા કહે છે, ' ઉઠ એ કુમ્ભકર્ણની ઓલાદ. તારે આવવું છે કે અમે એકલા જ રખડવા જતા રહીએ?'

મન:'બાઇક લઈને જ જઈએ મસ્ત પલળતા પલળતા.'

માનવ: 'ના. તો હું નહિ આવું. મારે નથી પલળવું યાર.'

મન: 'બે શું નાટક છે તારા!!'

મનન: 'સારું, તું મારી કાર લઇ લે. એમાં તો આવીશ ને?! અમે 3 એકટીવા પર પલળતા જઇશું. ઓકે?'

માનવ: 'હા, સારું હું કાર માં આવું છું.'

મનીષ: 'ચાલો ભાઈઓ, આપડે રેડી.'

અને બોયઝ હોસ્ટેલ માંથી એક કાર અને એક્ટિવા ડુમ્મસની સફરે નીકળી પડે છે. એક્ટિવા પર ત્રણેય જણા ધમાચકડી મચાવતા અને આજુબાજુ ના લોકોને હેરાન કરતા સવારી ડુમ્મસ તરફ જઈ રહી હતી. બીજી બાજુ માનવ કાર માં મનોમન વિચારી રહ્યો હતો આજના 200 MCQ અને રાતના બીજા 200!! આજે રાત ખેંચીને પતાવવા પડશે. અને એમ કરતા કરતા સવારી પોતાના મુકામ પર પહોંચી ગઈ.

મન: 'મનન તું ઓર્ડર આપતો થા અમે પાર્ક કરીને આયા.'

મનીષ: 'મારા માટે અલગ થી એક એક ડીશ, કોઈને એક ટુકડો બી મળશે નહિ એમાંથી.'

મનન: 'હા ગેન્ડા, તારા માટે અલગ. આ ખાઈ ખાઈ ને એટલે જ ફૂલ્યો છે.'

મનન ઓર્ડર આપવા જાય છે. વરસાદ પોતાની ધૂન માં મસ્ત મગ્ન થઈને વરસી રહ્યો હોય છે.

વરસાદ, મિત્રોની જમાવટ અને બટાકાપુરી એટલે કાંઈ કહેવાનું જ રહેતું નથી. ચારેય મિત્રો વાતો કરતા કરતા મજા માણી રહ્યા હતા. એટલામાં એ જ જગ્યાએ એમની જેમ ચાર છોકરીઓનું એક ગ્રુપ આવ્યું. એમને જોઈને

મન: 'ભાઈ જરા પાછળ જોવો, આજે તો મેઘરાજા આપણા પર કંઈક વધારે જ મહેરબાન છે.'

મનીષ: 'ભાઈ, આનાથી વધારે શું જોઈએ, એના માન માં એક પ્લેટ વધારે ખાવામાં આવશે.'

મનન: 'જોઈ લો લ્યા, આનાથી જોરદાર કોઈ જોવા જ નહિ મળે.'

માનવ આ બધું સાંભળી રહ્યો હતો અને તે જોઈ રહ્યો હતો. તેની નજર અચાનક એક છોકરી પર સ્થિર થઇ ગઈ. ખબર નહિ કેમ પણ તેને જોઈને તેના પરથી તેની નજર જ હટતી નહોતી. અને તે છોકરી હતી પણ અપસરા જેવી સુંદર. તે તેને એકીટશે જોઈ જ રહ્યો હતો. અચાનક તે છોકરી ની નજર પણ માનવ પર પડી અને બંને ની નજરો મળી. સમય જાણે થોડા સમય સુધી થંભી ગયો, બધું જાણે સ્લો મોશન માં ચાલવા લાગ્યું હોય એવું તેને લાગવા માંડ્યું. તે છોકરીએ માનવ ને જ્યાં સુધી ક્રોસ ના કર્યું ત્યાં સુધી જોઈ રહી. આ બધું તેના ત્રણેય મિત્રો આસ્ચર્ય થી આંખો ફાડીને જોઈ રહ્યા હતા.

મન: 'અલા આ તો બ્રેકિંગ ન્યૂઝ છે, સાલું જેને આજ સુધી ચોપડી બહાર જોયું નથી એ આજે એક છોકરી સામે આવી રીતે તાકીને જોઈ રહ્યો હતો. ભાઈ આનું હવે તો કંઈક સેટિંગ કરાવવું જ પડશે.'

માનવ:(અચાનક ધ્યાનભંગ થઈને) 'નાં હવે, કશું કરવાની જરૂર નથી. તમારું પતિ ગયું હોય તો આપડે હવે નીકળીએ?!'

મનીષ: 'તું વાંઢો જ મારવાનો.'

અને બધા પાર્કિંગ તરફ જવા માંડે છે. માનવ ફરી ફરી ને પાછળ જોઈ રહ્યો હોય છે. એટલામાં પેલી છોકરીઓનું ગ્રુપ પણ પાછું જઈ રહ્યું હોય છે તે જોઈને...

માનવ: 'તમે પહોંચો હું આવું એક અર્જન્ટ ફોન કરીને.'

અને તે પાછો ફરે છે. ફરી બંને જણા ક્રોસ થાય છે અને ફરી બન્નેની નજરો મળે છે અને આ વખતે સ્માઇલની આપ-લે થાય છે. માનવ આગળ જઈને ફોન પર વાત કરવાની એક્ટિંગ કરે છે અને પાછો ફરીને તેને જતા જોઈ રહે છે. તે જતી હોય છે અને જતા જતા તે છોકરીના હાથમાંથી ઉતાવળ માં તેનું પર્સ પડી જાય છે અને તે જતી રહે છે. આ બનાવ ને માનવ ધ્યાન થી જોઈ રહ્યો હોય છે. તે તરત જ વરસાદ માં પલળતા પલળતા દોટ મૂકે છે અને તેનું પર્સ ઉપાડી લે છે અને પાછળ થી તેમને બૂમ પાડે છે પરંતુ ત્યાં સુધી માં તે લોકો બહુ દૂર નીકળી ગયા હોય છે.

આ આખો બનાવ તેના ત્રણેય મિત્રો દૂરથી જોઈ રહ્યા હોય છે અને આસ્ચર્ય માં એકબીજા ના મોઢા સામે તાકીને ઉભા રહ્યા હોય છે. જે માણસ ચોપડીઓની બહાર ની દુનિયા થી સાવ અજાણ્યો હોય છે, જેને વરસાદમાં પલળવાના નામ માત્ર થી ચીડ ચડતી હોય છે તે માણસ ને આ સ્વરૂપ માં જોઈને આસ્ચર્યચકિત હોય છે. માનવ દોડતો દોડતો તેમની પાસે આવે છે અને કહે છે

માનવ: 'યાર, પ્લીઝ મને એક્ટિવા આપો તમે કાર માં આવોને. આજે નહિ તો ક્યારેય નહિ. પહેલી વાર કોઈ છોકરીને જોઈને મન માં અજબની લાગણી થઇ છે.'

મનન: 'આ ચાવી લે અને ફટાફટ ઉપડ. અને અમારી દોસ્તી ની લાજ રાખજે. ખાલી હાથે પાછો ફરતો નહીં, ખુશખબર લઈને જ આવજે.'

અને માનવ આવા વરસતા વરસાદ માં રોડ પર એકટીવા દોડાવી મૂકે છે. આજે માનવ મન બનાવીને જ નીકળ્યો હોય છે. તે આજે ફુલ સ્પીડ માં ચાલવતો હોય છે. અડધા રસ્તા સુધી પહોંચી જાય છે પણ તેને કોઈ મળતું નથી. તે હતાશ થઇ જાય છે. એટલામાં થોડે દૂર તેની નજર પડે છે એક વૃક્ષ નીચે આવા વરસાદ માં તે છોકરીઓ ઉભી રહી હોય છે તેમના માંથી કોઈકનું એક્ટિવા ખરાબ થઇ ગયું હોય છે. માનવના મન માં શક્તિનું સંચાર થાય છે.

તે પોતાનું એક્ટિવા પાર્ક કરી વરસાદ માં પલળતો પલળતો તેના ગમતા પાત્ર ની નજીક જાય છે અને કહે છે.

માનવ: 'એક્સકયુઝ મી, મિસ તમારું પર્સ ડુમ્મસ પડી ગયું હતું.'

માનસી: 'ઓહ શીટ, મારુ તો ધ્યાન જ નહતું. થેન્ક યુ સો મચ. તમે આટલે બધે દૂર આ પર્સ આપવા આવ્યા. રિયલી માણસાઈ હજી દુનિયામાં છે. બાય ધ વે, આઈ એમ માનસી એન્ડ યુ?'

માનવ: ' માનવ.'

માનસી: ' નાઇસ ટુ મીટ યુ માનવ.'

બસ આટલી ક્ષણિક પળ ની વાત કરીને માનવ પાછો ફરે છે અને પોતાના એકટીવા તરફ જવા માંડે છે. તે ઘણું બધું કહેવા માંગતો હોય છે પણ હતાશ મને પાછો ફરે છે

એટલામા પાછળ થી બૂમ પડે છે.

માનસી: 'માનવ...'

માનવ પાછો ફરે છે અને ત્યાં જાય છે.

માનસી: 'ઇફ યુ ડોન્ટ માઈન્ડ, મારી હેલ્પ કરી દઇસ થોડી વધારે, મારુ એકટીવા બગડી ગયું છે તો...'

માનવ બરાબર તક ઝડપી લે છે.

માનવ: ' એક કામ કર, એકટીવા થોડે આગળ એક ગેરેજ છે ત્યાં મૂકી દે અને જો તને વાંધો ના હોય તો મારા એકટીવા પાછળ બેસી શકે છે. આઈ વિલ ડ્રોપ યુ.'

બસ પછી તો જોઈતું તું જ શું. એક પ્રેમસંબંધ નું પ્રથમ પ્રકરણ શરુ થયું. નંબર ની આપ લે તો એ જ દિવસે થઇ ગઈ.

ધીમેધીમે ગુડ મોર્નિંગ મેસેજ લવ યુ માં પરિણમ્યા, એક રેન્ડમ મેટિંગ ધીમે ધીમે રૂટીન મિટીંગ થઇ ગઈ. મજાની વાત એ થઇ કે માનસી પણ મેડિકલ સ્ટુડન્ટ જ હતી. બંને ભણવાના બહાને તો ફરવાના બહાને મળતા રહ્યા.

5 વર્ષ વીતી ગયા પરંતુ હજી આ યાદો માનવ માટે એમ જ અકબંધ હતી. એટલા માં વીજળીના કડાકાઓનો અવાજ આવ્યો અને માનવ વર્તમાન માં પાછો ફર્યો.

'કોફી સાથે જો આવા વરસાદ માં જો બટાકાપુરી મળી જાય તો આ મજા માં ચાર ચાંદ લાગી જાય નહિ!!'

'હા' માનવ એ કહ્યું અને પાછળ ફર્યો.

માનસી એક હાથ માં કોફી અને બીજા હાથ માં ગરમાગરમ બટાકાપુરી ની ડીશ લઈને ઉભી હતી.

માનવ: 'તને મારા મન ની બધી જ વાતો ની ખબર પડી જાય છે નહિ?!'

વરસાદ, બટાકાપુરી, બે પ્રેમીઓ અને પ્રેમ ની વાતો આ વાતાવરણ જ કંઈક અલગ હોય છે.

માનસી: 'શું વિચારતો હતો ઉભા ઉભા?!'

માનવ: 'હું વિચારતો હતો કે ભગવાન ની પણ જબરી રમત છે એ દિવસે મારુ નસીબ હતું કે તારું એકટીવા બગડ્યું, તારું પર્સ પડી ગયું અને આપણે મળી ગયા. જો એવું ના થયું હોત તો?'

માનસી: 'આપણા નસીબ માં મળવાનું લખ્યું જ હતું એટલે આપણે મળી જ ગયા. પણ નસીબ તો હતું જ બાકી ક્યાં આપણે ભેગા થાત.'

અને બન્ને એકબીજાને ભેટી પડે છે.

માનસી(મનમાં): તને તો એ વાત ની ખબર જ નથી કે પહેલી જ નજરે તને હું મારુ દિલ આપી બેઠી હતી. એ પર્સ મેં જાણી જોઈને જ પાડ્યું હતું અને એકટીવા કંઈ બગડ્યું ન હતું, મને વિશ્વાસ હતો કે તું આવીશ જ એટલે એ પણ એક જાત નું નાટક જ હતું.'

બહાર ની બાજુ મુશળધાર જળની વર્ષા થઇ રહી હતી અને અહીં પ્રેમની વર્ષા થઇ રહી હતી.