પ્યાર કી એક કહાની Dr Jay Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્યાર કી એક કહાની

રાત્રી નાં ૨ વાગ્યા નો સમય હતો. શિયાળાની  ગુલાબી ઠંડીમાં સહુ કોઈ મીઠી નીંદર માણી રહ્યા હતા. ચારેબાજુ નીરવ શાંતિ છવાયેલી હતી. એવામાં સંજીવની હોસ્પિટલ ના બીજા માળે રૂમ નં.૧૨ માંથી એક માનવ આકૃતિ બહાર આવી અને વેઇટિંગ એરિયા માં ખુરશી પર સ્થાપિત થઈ ગઈ. 23 વર્ષની ઉંમર, કદ મધ્યમ, પાતળો બાંધો, ગોરો વર્ણ, આકર્ષક દેખાવ અને તેજસ્વી આંખો સાથે જાણે સાક્ષાત રૂપસુંદરી જ બિરાજમાન હોય તેવો ભાસ થતો હતો. તેણે પોતાના હાથમાંથી બેગ બાજુમાં મૂકી, તેમાંથી ડાયરી કાઢી અને લખવાનું શરૂ કર્યું. “ પ્રેમ: જે મારા ભવિષ્ય ના એક પણ પ્લાનિંગ માં ક્યારેય હતો જ નહીં, એ પ્રેમ મને ક્યારે થઈ ગયો ખબર જ નહીં પડી. તમારું જીવન ક્યારે વળાંક લે કોઈ જાણતું નથી. આ રૂમ નં.૧૨ અને આ છેલ્લો અહીં સંજીવની હોસ્પિટલમાં વિતાવેલો એક મહિનો એ મારા જીવનનો આવો જ એક ટર્નિંગ પોઇન્ટ છે. એની સાથે હોસ્પિટલમાં વિતાવેલો આ એક મહિનો એ મારા જીવનનો અમૂલ્ય સમય છે. મેં ક્યારેય પણ નહોતું વિચાર્યું કે મને આવી રીતે પ્રેમ થશે અને એ પણ કોની સાથે! મારા જીવનના સૌથી ખાસ મણસોમાંથી જ એક, મારો બેસ્ટ ફ્રેન્ડ અનુજ. હા હું અનુજ ને ખૂબ જ ચાહું છું અને પુરા દિલથી એને પ્રેમ કરું છું. પણ તે ક્યારેય આ વાત નહીં જાણી શકે કે એની બેસ્ટ ફ્રેન્ડ એને કેટલો પ્રેમ કરે છે. આજે હોસ્પિટલ માં આખરી રાત છે. કાલે સવારે તેને ડિસ્ચાર્જ મળી જશે અને ફરીથી એ જ જૂની લાઈફ શરૂ થઈ જશે. કુદરતની કરામત પણ કેવી છે કે હું જેને ચાહું છે તેને સપનામાં પણ ખ્યાલ નહીં હોય કે એને ક્યારેય આ વાત ની જાણ પણ નહીં થાય કે એને એના કરતાં પણ વધારે ચાહનારું કોઈ આ દુનિયામાં છે. પહેલા અનુજ મારો માત્ર બેસ્ટ ફ્રેન્ડ હતો, જ્યારે મને આવી કોઈ ફીલિંગ્સ નહોતી એના માટે ત્યારે હું તેને મારા જીવન ની નાનામાં નાની તમામ વાતો કહેતી, અને આજે જ્યારે મારા જીવન ની આટલી મોટી વાત છે એ વાત હું તેને નહીં કહી શકું, ના આજે ના ક્યારેય પણ. અને એટલા જ માટે હું આ વાત ડાયરીમાં લખી રહી છું. આ એક મહિનામાં એની સાથે વિતાવેલી એક એક પળ હું મારા જીવનમાં ક્યારેય નહીં ભૂલી શકું. એ પાગલ તો ક્યારેય જાણી પણ નહીં શકે કે એક મહિનામાં શુ થઈ ગયું છે. જીવન આનું જ નામ છે, તમે ક્યારેય કહી ના શકો કે હવે પછી શું થવાનું છે આગળ. પણ હું ખુશ છું કે હવે અનુજ ફરી પહેલાની જેમ પોતાની નોર્મલ જિંદગીમાં પાછો ફરશે. એના વિશે હું ભગવાન ને પ્રાર્થના કરીશ કે ભગવાન એની તમામ ઈચ્છાઓ પૂરી કરે. મન તો થાય છે હાલ અંદર જઈને તેને ઉઠાડીને તેને વળગી પડું અને કહું કે પાગલ આઈ લવ યુ! આ એક મહિનો કેવી રીતે કાઢ્યો છે તે બધું જ હું કહેવા માગું છું, પણ હું મારી ભાવનાઓ પર કાબુ રાખતા શીખી ગઈ છું. પ્રેમ તમને ઘણું બધું શીખવી જાય છે. મારી સાથે પણ આવું જ કંઈક થયું છે. વ્યક્તિ કે વસ્તુની કિંમત ત્યારે જ સમજાય છે, જ્યારે તેને ગુમાવવાનો વખત આવે. આ જન્મમાં તો આ અનન્યા અનુજ ની ના થઇ શકી,પરંતુ હું ભગવાનને પ્રાર્થના કરીશ કે આવતા જન્મે અનુજ-અનન્યા ની જોડી જરૂરથી બનાવજો. લવ યુ સો મચ અનુજ!
તારી અનુ.”

અનન્યાએ ડાયરી બંધ કરી ફરી બેગ માં મૂકી અને આંખમાં આવેલું આંસુ લૂછયું. તેની નયનરમ્ય આંખોમાં આજે કંઈક ગુમાવ્યાની વેદના દેખાતી હતી. જ્યારે આ હોસ્પિટલ માં એક મહિના પહેલા અનુજ ને દાખલ કરવામાં આવ્યો ત્યારે તે પ્રેમ નહોતી કરતી, અને આજે એ વાતના એક મહિના પછી પરિસ્થિતિ તદ્દન વિપરીત છે. અનન્યાએ ત્યાં જ બેઠા બેઠા આંખો બંધ કરી અને તેના ભૂતકાળના 3 વર્ષના સ્મરણો તેની આંખો આગળ આવી ગયા. તે ભૂતકાળમાં પહોંચી ગઈ.

***************************

અનન્યા અવસ્થિ. બાર સાયન્સમાં ખૂબ સારા માર્ક્સ સાથે ઉત્તીર્ણ થઈને ખૂબ સારી મેડિકલ કોલેજમાં તેણે એમ.બી.બી.એસ. માં એડમિશન લીધું. તેનું લક્ષ્યાંક હતું એક દિવસ ખૂબ સારા ડોકટર બની ને લોકોની સેવા કરવાનું. અનન્યા કોલેજની ટોપર હતી. તે પોતાના લક્ષ્યાંક પ્રતી સમર્પિત હતી. તો બીજી બાજુ અનુજ અસ્થાના, અનન્યાથી સાવ જ વિપરીત. કોલેજમાં આવીને મસ્તી કરવી, લોકોને હેરાન કરવા, બંક મારવા અને ક્યારેક ઈચ્છા થાય તો લેકચર્સ માં થોડું ભણી લેવાનું. આવી ચુંબકના બે વિરુદ્ધ ધ્રુવ સમી રોલ નં. ૧ અને ૨ ની જોડી આગળ જતાં આટલી ઘાઢ મૈત્રી માં ફેરવાઈ જશે કોને ખબર હતી.

કોલેજના પ્રથમ દિવસથી જ અનુજે અનન્યા ની નાક માં દમ કરી નાખ્યો. તેને હંમેશા ચીડવતો. અનન્યા બિચારી શુ કરતી, કારણકે દરેક પ્રેક્ટિકલ એને અનુજ સાથે જ કરવાના આવતા હતા. અનન્યા એ બધી વાતો પર ધ્યાન આપતી નહીં. તેમની પ્રથમ પરીક્ષા આવી. અનન્યા એ તેમાં ટોપ કર્યું અને અનુજ નાપાસ થયો.

અનુજ: ”હેય, મિસ સિરિયસ. કોંગ્રેચ્યુલેશન! મને ખબર નહોતી કે મારી આગળ ટોપર છે. અમારા જેવા તુચ્છ જીવ ને થોડી મદદ કરો તો ઉપરવાળો દુવા આપશે. થોડી મદદ કરી હોત પરીક્ષા માં તો ભાઈ પાસ થઈ જાત.”
અનન્યા(હસતા હસતા): “તું જેટલું ચપડ ચપડ બોલે છે ને એટલું જો ભણવા પર ફોકસ કરે ને તો પાસ થઈ જાય.”
અનુજ: “ વાહ, આજે સુરજ પશ્ચિમ માંથી ઉગ્યો લાગે છે. તું હસે પણ છે એમ ને. ના આજ સુધી આમ ક્યારેય તને જોઈ નથી ને હસતા એટલે.” એમ કહીને તેણે અનન્યા ની  ઠેકડી ઉડાવી.
અનન્યા(અકળાઈને): “ખબર નહીં તને મારાથી શુ તકલીફ છે, આખો દિવસ બસ હેરાન જ કર્યા કરે છે.”
અનુજ: “ ચલ હવે બહુ સેન્ટી ના થા. પાણીમાં રહેવાનું હોય તો મગર સાથે દોસ્તી રાખવી પડે ને એટલે ચાલ આજથી હું તારો ફ્રેન્ડ.” કહીને તેણે હાથ લંબાવ્યો. અનન્યા એ પણ સામે એક સ્મિત સાથે હાથ મિલાવ્યો.
અનુજ: “તો આખરે મને હવેથી તને ઓફિશિયલી વધારે હેરાન કરવાનું લાઇસન્સ મળી ગયું છે.” એમ કહીને તેના વાળ ખેંચીને ભાગી ગયો. અને આ રીતે બંને વચ્ચે મિત્રતા ની શરૂઆત થઈ.

ધીમે ધીમે બંનેની મૈત્રી ઘાઢ થતી ગઈ. બંને આખો દિવસ સાથે જ રહેતા. અનન્યા અનુજને ભણવામાં મદદ કરતી. બને એકબીજાની પડખે હરહંમેશ ઉભા રહેતા. આ રીતે બંને એકબીજાના બેસ્ટફ્રેન્ડ બની ગયા. બંને પોતાના જીવનની તમામ વાતો વિના સંકોચ એકબીજાને કરતા અને સમસ્યાઓનું નિરાકરણ લાવતા. સમય જતાં અનુજને અનન્યા ગમવા લાગી અને તેને પ્રેમ થઈ ગયો. સાથે સાથે આખી કોલેજમાં બંનેના વિશે ચર્ચાઓ થવા લાગી. આ બધી વાતો અનુજના કાન પર પડી. તેણે આ વાતની ચર્ચા અનન્યા સાથે પણ કરી.
અનુજ: “તને ખબર છે આપણા બે વિશે કેવી ગોસિપ ચાલે છે કોલેજમાં?”
અનન્યા: “હા મને ખબર છે અને ખરેખર મને આ બધી વાતોથી કોઈ ફર્ક નથી પડતો. તને અને મને ખબર છે કે આપણે બેસ્ટફ્રેન્ડ છીએ બસ પછી બીજા શુ વિચારે છે એ વાતથી મને કોઈ ફર્ક નથી પડતો. એ લોકોનું કામ જ છે આવી બધી વાતો કર્યા કરવાનું. ઇગ્નોર કર આ બધી વાતોને.”
પરંતુ અનુજના મગજમાંથી આ બધી વાતો ફર્યા જ કરતી હતી. તેને નહોતું ગમતું કે લોકો તેમના વિશે આવી વાતો કરે. એક દિવસ અનુજ તેના બીજા મિત્રો સાથે બેઠો હતો ત્યારે તેમણે કહ્યું, “યાર અનુજ તારા અને અનન્યા વિશે શું ચાલી રહ્યું છે? બંને આખો દિવસ સાથે રહો છો, સાથે ફરો છો અને લોકોની વાતોથી તને આટલો ફર્ક પડે છે તો પછી તારા મનની વાત તેને કહી કેમ નથી દેતો કે તને એ ગમે છે.” અનુજે કંઈ જવાબ ન આપ્યો પણ તે મનોમન વિચારવા માંડ્યો કે વાત તો સાચી છે અમે આખો દિવસ સાથે જ હોઈએ, એકબીજાને આટલું સપોર્ટ કરીએ છે. બન્ને એકબીજા માટે પરફેક્ટ છીએ. મારે તેને મારા મનની વાત કહી દેવી જોઈએ. અને બીજા જ દિવસે તેણે નક્કી કર્યું કે આજે તે જઈને અનન્યા ને બધી વાત કહી દેશે.

બીજા દિવસે તે કોલેજ માં આવીને અનન્યા તેની બીજી ફ્રેન્ડ્સ સાથે બેઠી હતી ત્યાંથી થોડે દુર તેને ખબર ના પડે તે રીતે બેસી જાય છે અને તેની બધી ફ્રેન્ડ્સ જાય એની રાહ જોવા લાગે છે અને તેમની વાતો સાંભળવા લાગે છે. અનન્યાની ફ્રેન્ડ્સએ તેને પૂછ્યું, “ અનન્યા, તારો અને અનુજનો શુ સીન ચાલે છે? કોલેજમાં તમારી જ ચર્ચાઓ ચાલે છે ને કાંઈ.”
અનન્યા: “યાર તમે લોકો પણ હવે ચાલુ થઈ ગયા, યાર લોકો પાસે કેટલો નવરો ટાઈમ છે કે આ જ વાતો કર્યા કરે છે. આજે હું આ વાતનો સ્પષ્ટ જવાબ આપું છું કે હું અને અનુજ માત્ર બેસ્ટફ્રેન્ડ છીએ, એનાથી વધારે કંઈ જ નથી.   અમે આખો દિવસ સાથે હોઈએ છે એનો મતલબ એવો નથી કે અમારી વચ્ચે બીજું કંઇ ચાલે છે. હા મને એની કંપની ગમે છે, કેમ કે એ એક જ એવો માણસ છે કે જેની સાથે મારે ક્યારેય કોઈ ડોળ કરવો નથી પડતો, કે કંઈપણ બોલતા પહેલા વિચારવું નથી પડતું કે શું વિચારશે.આ એક સંબંધ મારા જીવનનો એવો છે કે જેના પર હું આંખ બંધ કરીને ખુદ કરતા વધારે વિશ્વાસ કરી શકું છું. હું તેને મારો બેસ્ટફ્રેન્ડ માનું છું અને ખુદ કરતા પણ વધારે એના પર વિશ્વાસ છે. અને હા મને વિશ્વાસ છે કે અનુજ પણ મને એવું જ માને છે. આ બધી બીજી વાતોના લીધે હું અમારી દોસ્તીને બગાડવા નથી માંગતી. બસ, આ પહેલી અને છેલ્લી વાર મેં આ વાત કરી છે આજ પછી ફરી હું કોઈ જ ચર્ચા નહીં કરું આ વાત પર.” આટલું કહીને અનન્યા ત્યાંથી ઉભી થઈને જતી રહે છે.

અનુજ આ બધી વાતો ધ્યાનથી સાંભળતો હોય છે. તે મનમાં વિચારે છે,” હું શું કરવા જઈ રહ્યો હતો,  હા હું તેને પ્રેમ કરું છું પણ તે મારા વિશે આવું કંઈ જ વિચારતી નથી. શા માટે હું એક સારા રિલેશન ને આમ બગાડી દઉં. હું તેને ક્યારેય નહીં કહું આ વાત કેમ કે હું તેને ખોવા નથી માંગતો.” તેણે નક્કી કર્યું કે તે અનન્યા ની સાથે હંમેશા રહેશે. તેને પોતાના મન ની આ બધી વાતો પોતાની ડાયરીમાં લખવાનું  શરૂ કર્યું. તે પોતાની બેગમાં એ ડાયરી હંમેશા રાખતો.
સમય વીતતો ગયો અને ધીમે ધીમે અનુજ પણ આગળ વધવા પ્રયત્ન કરતો ગયો. અને પછી તેના જીવનમાં અવની આવી. તેણે વિચાર્યું કે આગળ તો વધવું જ પડશે જીવનમાં, ક્યાં સુધી આ બધું જ વિચારશે. અને પોતાના મન ને મનાવવા ખાતર તેણે અવની સાથે વધારે સમય વિતાવવાનું શરૂ કર્યું કે જેથી તેને અનન્યા ના વિચાર ના આવે. પરંતુ અવની ને અનુજ માટે કોઈ જ એવી ફીલિંગ્સ નહોતી. તે માત્ર મોકા નો ફાયદો ઉઠાવી રહી હતી. અનુજ ને અવની પ્રત્યે લગાવ થવા લાગ્યો. અનુજમાં ધીમે ધીમે પરિવર્તન આવવા લાગ્યું, જે અનન્યાથી જરાપણ અજાણ નહોતું. તેને આ બધું નહોતું ગમતું, પરંતુ અનુજની ખુશી માટે તે હંમેશા તેને સાથ આપતી.

અને જોત જોતામાં 3 વર્ષ વીતી ગયા. અનુજે અવની ને પ્રપોઝ કરવાનું નક્કી કર્યું અને આ માટે તેણે અનન્યા ની મદદ લીધી. બંને જણા કોલેજથી છૂટીને અવની માટે કંઈક ગિફ્ટ લેવા ગયા.
અનન્યા: “જો મને આ બે વસ્તુ પસંદ છે, આમાંથી તને જે ગમે તે લઈ લે જે. મારે એક અરજન્ટ કોલ આવે છે, એ પતાવીને હું આવું.” કહીને તે બહાર ફોન પર લાગી જાય છે.
અનુજ ગિફ્ટ પેક કરાવીને બહાર આવે છે અને જોવે છે કે અનન્યા ફોનમાં ને ફોનમાં આજુબાજુ જોયા વગર રસ્તો ક્રોસ કરી રહી હોય છે અને બીજી બાજુથી એક ગાડી ઝડપથી તેની તરફ આવી રહી હોય છે. અનુજ ફટાફટ દોટ મુકીને રસ્તા પર પહોંચી જાય છે અને અનન્યા ને ધક્કો મારે છે, અનન્યા તો બચી જાય છે પણ અનુજ ગાડી સાથે અથડાઈને દૂર ફેંકાઈ જાય છે. તેને માથામાં ઇજા થાય છે અને તે બેભાન થઈ જાય છે. અનન્યા ફટાફટ ઉભી થઇ જાય છે અને રડવા માંડે છે. તે એમ્બ્યુલન્સ ને ફોન કરીને બોલાવે છે અને અનુજને સંજીવની હોસ્પિટલ માં લઇ જાય છે. એક ક્ષણ માટે તેને લાગે  છે અચાનક આ શું થઈ ગયું. આ બધું એના લીધે જ થયું છે. તે રડવા માંડે છે.

અનુજને પુરા ૬ કલાક પછી ભાન આવે છે. ત્યાં સુધી માં તેના  મમ્મી પપ્પા અને નાની બહેન આવી જાય છે. અનન્યા ખડેપગે તેની સાથે જ હોય છે. ડોકટર આવીને અનુજને તપાસે છે, કેટલાક સવાલો પૂછે છે અને ફાઈલમાંના તેના સીટી સ્કેન અને એમ.આર.આઇ. જોવે છે, ફાઈલમાં લખે છે અને આગળ બીજા દર્દીને તમાસવા રૂમની બહાર નીકળી જાય છે. અનન્યા તરત જ તેમની પાછળ પાછળ જાય છે અને પૂછે છે,
અનન્યા: “સર, બધું બરાબર છે ને? અનુજ ની કન્ડિશન હવે કેવી છે?”
ડોક્ટર: “ હી ઇસ આઉટ ઓફ ડેન્જર નાઉ. પણ માથામાં ઇજા થવાના કારણે તે પોતાના જીવનના હમણાંના ૩ વર્ષ ની યાદશક્તિ ગુમાવી ચુક્યો છે. આ વર્ષોમાં તેની સાથે શુ શુ થયું, જે જે વ્યક્તિ ને મળ્યો એ તમામ વસ્તુ અત્યારે એના માટે અજાણી છે. હિમ્મત રાખજે, તારો ફ્રેન્ડ તને પણ નહીં ઓળખે. તેની યાદશક્તિ ગમે ત્યારે પાછી આવી પણ શકે અને કદાચ ક્યારેય પાછી ના પણ આવે. વી કેન નોટ સે એનિથિંગ. ટેક કેર ઓફ હીમ.” આટલું કહીને તે આગળ વધી જાય છે.

આ સાંભળીને અનન્યા ના પગતળેથી જમીન સરકી જાય છે. તે જમીન પર ફસડાઈ પડે છે, અંદરથી ભાંગી પડે છે અને રડવા લાગે છે. પરંતુ તે અનુજ વિશે વિચારી પોતાની જાતને સંભાળે છે અને અંદર જાય છે. તે અનુજ આગળ જઈને ઉભી રહે છે. અનુજ બે ઘડી તેને જોઈ રહે છે અને તેના મમ્મી ને પૂછે છે,” આ કોણ છે?”
આ સાંભળતા જ અનન્યાની આંખો માં આંસુ આવી જાય છે. અચાનક તેના મગજમાં કંઈક વિચાર આવે છે અને તે અનુજની કોલેજબેગ ખોલીને તેમાંથી એપ્રોન કાઢે છે અને પહેરી લે છે, પોતાનાં આંસુ લૂછે છે અને અનુજ ની પાસે જઈને ઉભી રહે છે અને કહે છે, “ હું ઇન્ટર્ન ડોકટર છું અને તમારો કેસ મને આપવામાં આવ્યો છે. ૨૪ કલાક ડ્યુટી આપવામાં આવી છે, કંઈપણ તકલીફ હોય તો મને કહેજો.” આટલું કહીને તેણે અનુજની સામે સ્મિત કર્યું અને એના જવાબમાં અનુજે પણ સામે સ્માઈલ કરી અને એ જોઈને અનન્યા તરત જ રૂમની બહાર વેઇટિંગ એરિયા માં આવેલી ખુરશી પર બેસી ગઈ અને તેની આંખોમાંથી ગંગા-જમુના વહેવા લાગી. આજે તેને પોતાના ખાસ મિત્રની ગેરહજરીનો અહેસાસ થવા લાગ્યો હતો. વ્યક્તિ સામે હોવા છતાં તે ના હોવા સમી લાગણી તે અનુભવી રહી હતી. જેની સાથે આટલો સમય પસાર કર્યો, કોલેજની અમૂલ્ય સ્મૃતિઓ બનાવી, જે વ્યક્તિ તેના જીવન નું એક અભિન્ન અંગ બની ગયું હતું, એક જ પળમાં જાણે આ બધું જ નષ્ટ થઈ ગયું. જાણે તેના શરીર ની એક ઇન્દ્રિય તેનાથી વિખૂટી થઈ ગઈ હોય તેવી તે અનુભુતી કરી રહી હતી. ભગવાને શા માટે આવું કર્યું એવા બધા વિચારો તેના મગજને ઘેરી વળ્યાં હતા. કહેવાય છે ને કે વ્યક્તિની કિંમત તેને ગુમાવ્યા પછી જ સમજાય છે. તેણે મનોમન વિચાર્યું,” અત્યાર સુધી અનુજે કંઈપણ વિચાર્યા વગર દર વખતે મારી મદદ કરી છે, હંમેશા મારુ પીઠબળ બનીને ઉભો રહ્યો છે, તેને સમય અને સંજોગો જોયા વગર વિના અપેક્ષાએ હંમેશા મને સપોર્ટ કર્યો છે. આજે પણ તેણે કંઈપણ વિચાર્યા વગર મારો જીવ બચાવ્યો છે. હવે મારો વારો છે દોસ્તી નિભાવવાનો. તેની યાદશક્તિ હું પાછી લાવીને જ રહીશ.” અને તે પોતાના આંસુ લૂછે છે અને બાજુમાં ગણપતિ બાપ્પા ની મૂર્તિ આગળ હાથ જોડી, આંખો બંધ કરીને પ્રાર્થના કરે છે કે હે બાપ્પા, મારા આ પ્રયત્નમાં મને સફળતા અપાવજો. તે રૂમમાં પાછી જાય છે. તેના મમ્મી પપ્પા બધાને ઘરે જવાનું કહે છે અને તે ત્યાં જ રહે છે. અને એપ્રોન કાઢીને અનુજની બેગમાં મૂકે છે, એટલામાં તેની નજર બેગમાં રહેલી એક ડાયરી પાર જાય છે. તે ડાયરી બહાર કાઢે છે. તેમાંથીવએક ફોટોગ્રાફ બહાર પડે છે લખેલું હોય છે,’THE MOST IMPORTANT PERSON AND LOVE OF MY LIFE, MY ANU.’ અને તે ફોટો જોવે છે અને તે સ્તબ્ધ થઈ જાય છે. એ ફોટોગ્રાફ અનુજ અને અનન્યાનો હોય છે. તેને સમજાતું નથી કે અચાનક એકસાથે આ શું બધું થઈ રહ્યું છે.

અનુજ સુઈ ગયો હોય છે તે ધીમેથી રૂમ ખોલીને તે ડાયરી લઈને બહાર વેઇટિંગ એરિયામાં બેસી જાય છે અને ડાયરી વાંચવા લગે છે. તમામ બે વર્ષ પહેલાંની વાતો હોય છે, જેમાં અનુજે અનન્યા માટેની તેની તમામ વાતો,તમામ ફીલિંગ્સ લખી હોય છે. તે આખી ડાયરી પતાવી દે છે અને ભીની આંખોએ ચૂપચાપ બેસી જાય છે. તે આંખો બંધ કરે છે ને બીજી જ ક્ષણે તેના મગજમાં વિચારોનું વાવંટોળ ચાલુ થઈ જાય છે. તે મનોમન બોલે છે,” મને ખબર નથી પડતી કે હું કેવી રીતે રીએક્ટ કરું. એકબાજુ ખુશી પણ થાય છે અને બીજી બાજુ દુઃખ પણ. ખુશી એ વાત ની કે મને આટલી હદે પ્રેમ કરવા વાળું કોઈ છે, એક છોકરીને આનાથી વધારે શુ જોઈએ કે એક માણસ હોય જે તેને ખૂબ પ્રેમ કરતો હોય,હંમેશા મદદ કરતો હોય , હંમેશા સપોર્ટ કરતો હોય અને એના માટે દુનિયા સામે લડી લેતો હોય. અને દુઃખ એ વાતનું છે કે મારો જ બેસ્ટફ્રેન્ડ મને આ વાત ક્યારેય કહી ના શક્યો. હા, કારણ કદાચ હું પોતે જ હોઈશ.” અને એ રાતે એને પ્રથમ વખત સમજાય છે કે તેના મનમાં પણ અનુજ માટે કંઈક ફીલિંગ્સ  છે. હવે અનુજની યાદશક્તિ પાછી લાવવી એ એના જીવનનું મુખ્ય લક્ષ્યાંક બની જાય છે.
બીજા જ દિવસથી તે અનુજ ની સાથે સમય વિતાવવા અને તેની કાળજી રાખવા તેની સાથે જ રહેવા લાગે છે. અનુજની તમામ દવાઓ, જમવાનું બધું જ ધ્યાન અનન્યા રાખવા લાગે છે. અને ચાર પાંચ દિવસમાં નવેસરથી અનુજ અને અનન્યાની મિત્રતા થઈ જાય છે. ફરીથી જૂનો સીન ભજવાઇ રહ્યો હતો પરંતુ આ વખતે કિરદાર ની અદલાબદલી થઈ ગઈ હતી. આ વખતે અનન્યા અનુજના પ્રેમ માં હતી. અનન્યા અનુજ ને હંમેશા હસાવવા પ્રયત્નો કરતી. ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને અનુજ હવે તેને પોતાની ડોકટર ઓછી દોસ્ત વધારે માનવા લાગ્યો હતો. અનુજની હાલત પણ હવે સુધરી રહી હતી પણ તેની યાદશક્તિ માં કોઈ ફરક નહોતો જણાતો.

એક દિવસ અનુજ પોતાના રૂમમાં એકલો હોય છે અને બેડમાંથી ઉભો થવા જાય છે અને બેલેન્સ ગુમાવે છે અને તે પડી જાય છે, તેનું માથું દીવાલ સાથે અથડાય છે અને તે બેભાન થઈ જાય છે. અડધા કલાક પછી અનન્યા આવે છે આ બધું જોઈને તે તરત જ ડોક્ટર ને બોલાવે છે. અનન્યા ફરીથી પોતાની જાત પર ગુસ્સે થઈ જાય છે કે આ બધું જો તે ત્યાં હાજર હોત તો કંઈ જ ના થાત. આશરે ચાર પાંચ કલાક પછી તેને ભાન આવે છે. અનન્યા ભગવાન નો આભાર માને છે. અનુજ તેની પાસે અનન્યા ને  ઉભેલી જોઈને પૂછે છે,”તને કંઈ થયું નથી ને, હજાર વાર કીધું છે કે ફોન પર વાત કરતા કરતા રસ્તો નહીં ક્રોસ કરો, પણ ના અમારું તો ક્યાં કોઈને માનવું જ છે.” આ સાંભળીને અનન્યા ચોંકી જાય છે. જે દિવસની તે આટલા સમયથી પ્રતીક્ષા કરી રહી હતી તે દિવસ આવી જ ગયો. અનુજની યાદશક્તિ પાછી આવી જાય છે. અનન્યા ભીની આંખોએ પોતાના બંને હાથથી પોતાના કાન પકડે છે અને સોરી કહે છે.  તે સીધી રૂમમાંથી બહાર નીકળીને  ગણપતિ બાપ્પા ની મૂર્તિને પગે લાગે છે અને તેમનો આભાર વ્યક્ત કરે છે. પોતાની ગુમાવેલી અમૂલ્ય વસ્તુ જ્યારે માણસને પાછી મળે ત્યારે જેવી ખુશી મળે તેવું જ કંઈક અનન્યા અત્યારે અનુભવી રહી હતી. પોતાના મિત્રને પાછો મેળવીને તે ખૂબ ખુશ હતી. અચાનક તેને યાદ આવે છે કે આટલા દિવસોમાં શુ બન્યું તે વિશે અનુજ ક્યારેય નહીં જાણી શકે. આટલા દિવસોમાં તેના મનમાં અનુજ માટે પ્રેમરૂપી બીજનું અંકુરણ થઈ ચૂક્યું હતું. તે મનોમન નક્કી કરે છે કે આ વાત તે અનુજને ક્યારેય નહીં કરે. તેને મનમાં થાય છે કે હાલ જઈને તેને કહી દઉં કે અનુજ, હું પણ તને ખૂબ ચાહું છું. આઈ લવ યુ ટુ. પણ તે માંડી વાળે છે. તે અંદર જાય છે. અનુજ તેને નજીક બોલાવે છે અને તેને કાનમાં કહે છે,”અવની ક્યાં છે? એ નથી આવી? કેમ ક્યાંય દેખાતી નથી?”  આ સાંભળીને અનન્યા જાણે કોઈએ આસમાન માંથી ખેંચીને તેને જમીન પર પટકી હોય એવો અહેસાસ થવા લાગે છે. તેને યાદ આવે છે કે અનુજ તો  અવની ને પ્રપોઝ કરવાનો હતો. તે ફરીથી દુઃખી થઈ જાય છે. પણ તે એમ કહીને પોતાનું મન માંડી વાળે છે કે અનુજની ખુશી માટે હું આટલું પણ ના કરી શકુ? તેને થાય છે આ બધું શા માટે તેની સાથે જ થઈ રહ્યું છે? ભગવાન કેમ તેની આવી આકરી કસોટી કરી રહ્યા છે. આમ તેના મગજમાં બધી વાતો અને વિચારો ઘુમરાયા કરે છે. આ વાતો તે ના કોઈને કહી શકે છે, ના પોતે સહન કરી શકે છે.

અને આખરે અનન્યા ની આ એક મહિનાની આકરી તપસ્યાની આખરી દિવસ આવી જાય છે. આવતીકાલે અનુજ ને ડિસ્ચાર્જ આપવાનું કહી દીધું હોય છે. રાતે બંને બેસ્ટફ્રેન્ડ પોતાની આટલા દિવસથી ન કરેલી વાતોમાં મશગુલ થઈ જાય છે.
અનન્યા: “થેન્ક્સ અનુજ, એ દિવસે મારો જીવ બચાવવા માટે. પણ એક ક્ષણ માટે પણ તને એવી વિચાર નહીં આવ્યો કે તને કંઈ થઈ જશે તો? પાગલની માફક દોડી પડ્યો તે “
અનુજ: “ના, એ વખતે મને બીજું કાંઈ જ ન દેખાયું. મને ફક્ત તું જ દેખાઈ અને તને કંઈ થઈ જાત તો પછી મારુ શુ થાત? (એની આંખોમાં અનન્યા માટે પ્રેમ દેખાતો હતો)
(અચાનક વાતને વાળી લેતા) આઈ મીન, જો તને કંઈ થઈ જાત તો મને પછી પાસ કોણ કરાવતે. હું હેરાન કોને કરતે. ગુરુપૂર્ણિમા એ પૂજા કોની કરતે હું પછી! તું મારી ગુરુ જ થઈને, એક્ષામ ના આગળ દિવસોમાં તું મને ભણાવે એટલે તું મારી ગુરુ થઈને.” બંને જણા હસવા લાગે છે.
અનન્યા: “આટલી માથાફોડી થઈ પણ તારી આ ચપડ ચપડ કરવાની ટેવ હજી સુધી નથી ગઈ. હવે તો સુધર થોડો, નાલાયક!”
અનુજ: “ગાંડી, આ તો મારો પ્રેમ છે. આના પાર તો લોકો ફિદા છે.”
અનન્યા(મનોમન): “હા, સાચે જ તારી આ હરકતો પર હું ફિદા છુ.”
(થોડા સમય માટે શાંતિ છવાઈ જાય છે.)
અનન્યા અનુજ ની પાસે જઈને તેનો હાથ પોતાના હાથ માં લઈને તેની પાસે આંખોમાં આંખ પરોવીને બેસી જાય છે. તેની આંખો જાણે બુમો પાડીને કહી રહી હતી કે અનુજ આઈ લવ યુ. ઘણું બધું કહેવું હતું તેને પણ તે ના કહી શકી.
અનુજ: “આર યુ ઓકે? મને લાગે છે તારે મને કાંઈ કહેવું છે. બોલ બોલ બિન્દાસ, તું મને કંઈ પણ કહી શકે છે.”
પણ તે ના બોલી શકી. અનન્યા: “ખોટી હોશિયારી ના માર, નવાઈની હમણાં જ ખાટલામાંથી ઉભી થઇ છે તે. સુઈજા ચૂપચાપ. બાકીની બધી વાતો હવે ઘરે જઈને. આજે આ રૂમ અને આ હોસ્પિટલમાં આખરી રાત છે.સુઈ જા ચલ હવે.”
અનુજ સુઈ ગયો. પણ અનન્યા ને ઊંઘ ના આવી. કાલથી એ જ રૂટિન લાઈફ તેની ફરી શરૂ થવાની હતી. રાતના ૨ વાગ્યા હતા. તે રૂમમાંથી બહાર આવી અને આ એક મહિનાની પોતાની આખી આપવીતી તેણે ડાયરીમાં લખી કાઢી અને ત્યાં જ બેઠા બેઠા સુઈ ગઈ.

********************************

સવારે ૭ વાગે તેની આંખ ખુલી. એ ફટાફટ રૂમમાં આવી અને ડાયરી બેગમાં મૂકી દીધી. અનુજ હજી ઉંઘતો હતો. તે તાકીને અનુજને જોઈ રહી. અનુજની નજીક ગઈ તેના કપાળમાં એક ચુંબન કર્યું અને તેને ઉઠાડ્યો.
અનન્યા: “ઉઠ એ કુંભકર્ણ, તારા પપ્પાનો બેડ નથી તે આટલું ઊંઘ ઊંઘ કરે છે. ખાલી કરો હવે આ ભાડાનો બેડ.”
અનુજ(આળસ મરડીને ઉઠતા) : “સવાર સવારમાં કકળાટ ચાલુ તારો.”

ડોકટર આખરી વિઝિટ માટે આવે છે અને અનુજ તેમનો આભાર વ્યક્ત કરે છે. ડોકટર તેને કહે છે,”અરે આભાર તો તારી આ ફ્રેન્ડનો કર. આઈ મસ્ટ ટેલ યુ, તું બહુ લકી છે કે આવી ફ્રેન્ડ મળી છે. તું જ્યારથી એડમિટ છે ત્યારથી આ છોકરી ખડેપગે ઉભી જ છે.”
અનુજ(આશ્ચર્ય સાથે): “(અનન્યા તરફ આંગળી ચીંધીને) તમે આ નંગની જ વાત કરો છો ને, આને આટલો ટાઈમ ક્યાંથી મળ્યો. હવે આખી ઝીંદગી સંભળાવશે કે તારા લીધે મારા આટલા લેકચર્સ, આટલા પ્રેક્ટિકલ્સ, અને આટલા ક્લિનિક્સ છૂટી ગયા.”
અનન્યા તેની સામે જોઇને મોઢું મચકોડે છે. ડોકટર હસતા હસતા જતા રહે છે. અનુજને ડિસ્ચાર્જ માલી જાય છે. પોતાના ઘરે જતા જતા અનન્યા અનુજને વળગી પડે છે. અનુજ તેને કહે છે, “ ચાલ, કાલે કોલેજમાં મળીએ.” અનન્યા એ તેનો હાથ પકડી રાખ્યો તે તેના મન ની વાત અનુજ ને કરવા માંગતી હતી પણ ફરીથી ના કહી શકી. બંને છુટા પડે છે.

બીજા દિવસથી એ જ જૂનું પુરાણું રૂટિન ચાલુ થઈ જાય છે. એ જ જગ્યા, એ જ કેમ્પસ, પણ હવે અનન્યા એ જૂની અનન્યા નહોતી રહી. તે કોલેજ કેમ્પસમાં આવે છે અને તેને સામે જ અનુજ દેખાય છે. બંને જણા ફરીથી પહેલાની જેમ સાથે ફરતા હોય છે. એટલામાં અનુજની નજર અવની પર પડે છે.
અનુજ (અનન્યા ને): “યાર, અવની કેટલી હોટ લગે છે નહીં? હજી પહેલા હતી એવી ને એવી જ છે.” અનન્યા કંઈ જ જવાબ આપતી નથી. આ બધી વાતો તેને સાંભળવી ગમતી નહોતી. “અરે હા આપણા પેલા પ્લાન નું શુ થયું. મને ફરીથી એકવાર કહે ને કે હું અવની ને કેવી રીતે પ્રપોઝ કરું?”
અનન્યાથી હવે સહન ના થયું . તેણે કહ્યું: “અનુજ, આ અવની તારા માટે પરફેક્ટ મેચ નથી. એના માટે વિચારવાનું બંધ કર.”
અનુજ: “લે પણ મને એ ગમે છે તો એમાં શું વાંધો છે?  અને એને પણ હું ગમું છું તો પછી તને શુ વાંધો છે?”
અનન્યા: “બસ એ નથી તારા માટે બરાબર તો નથી. તું એનાથી વધારે સારું ડિઝર્વ કરે છે. તારી બેસ્ટફ્રેન્ડ છું, તારું ખરાબ થતું ક્યારેય ન જોઈ શકું”
અનુજ: “યાર તારો પ્રોબ્લેમ શુ છે. ના એને કંઈ વાંધો છે, ના મને કંઈ વાંધો છે તો તને શું નડે છે?”
અનન્યા: “પ્રોબ્લેમ છે. મને નડે છે જ્યારે તું મારી આગળ એની વાત કરે છે ત્યારે નથી ગમતું મને. એકવાર પણ તારા ઍક્સિડન્ટ પછી ખબર પણ પૂછવા નથી આવી એ છોકરી. મને નથી ગમતું જ્યારે તું એની સાથે હોય છે ત્યારે.”
અનુજ: “કેમ નથી ગમતું પણ?”
અનન્યા હિમ્મત ભેગી કરીને કહે છે, “ કારણકે આઈ લવ યુ ડફર. હું તને બીજા કોઈ સાથે નથી જોઈ શકતી અને હું તને બીજા કોઈની પણ સાથે શેર કરવા નથી માંગતી. મારી પર્સનલ પ્રોપર્ટી છે તું.”
અનુજ: “આટલું બોલતા કેટલો સમય લગાડી દીધો તે. પાગલ, આ શબ્દો સાંભળવા માટે જ તો મારા કાન તરસી રહ્યા હતા. આઈ લવ યુ ટુ ઇડીયટ. (બંને જણા કોલેજના કેમ્પસની વચ્ચે આંખોમાં આંસુ સાથે એકબીજાને વળગી પડે છે.આજુબાજુ તમામ લોકો તેમને જોઈ રહ્યા હોય છે.) તને નથી ખબર કેટલા સમયથી હું આ બધું મારી અંદર છુપાવીને બેઠો છું. એક માત્ર ડરથી કે ક્યાંક તું મને છોડીને ના જતી રહે.”

અનન્યા:” જે સમય વહી ગયો તેને ભૂલી જા, અત્યારે વર્તમાન પર ફોકસ કર. તને નથી ખબર મેં તને કેટલો મિસ કર્યો છે. (અચાનક તેને કંઇક યાદ આવે છે અને તે અનુજનો હાથ પકડીને પોતાના ઘૂંટણ પર બેસી જાય છે અને કહે છે)
અનુજ, શું તું લેબ પાર્ટનરમાંથી મારો લાઈફ પાર્ટનર બનીશ? શુ તું બેસ્ટફ્રેન્ડમાંથી મારો સોઉલમેટ બનીશ? શુ તું મારા સુખ-દુઃખ નો ભાગીદાર બનીશ? શુ તું હંમેશા મારુ પીઠબળ બનીશ? શુ તું આ રોલ નં. ૧ અને ૨ ની જોડીને પતિ અને પત્ની ની જોડીમાં બંધાવા માંગીશ? વિલ યુ મેરી મી?"

અનુજ બે મિનિટ માટે સ્તબ્ધ થઈને ઉભો રહી જાય છે. તેને આ બધું એક સપના જેવું લાગે છે. તે અનન્યાને પકડીને તેને ઉભી કરે છે, તેના કપાળમાં ચુંબન કરે છે અને ભીની આંખોથી કહે છે, "હા. હું મારા જીવનની તમામ પળો તારી સાથે વિતાવવા માંગુ છું, હું તારા સુખ દુઃખ નો હંમેશા માટે સહભાગી થવા માંગુ છું, જીવનભર પહેલા તારો બેસ્ટફ્રેન્ડ અને પછી તારો લાઈફપાર્ટનર બનવા માંગુ છું, જીવનભર તને હેરાન કરવા માગું છું." અને બંને જણા એકબીજાને ભેટી પડે છે. અને ચારે બાજુ કેમ્પસમાં લોકો તેમને તાળીઓથી વધાવી લે છે. અનન્યા મનોમન ભગવાનનો આભાર માને છે. બંને જણા હાથમાં હાથ પરોવીને આગળ વધે છે.

અનુજ: "બાય ધ વે, ડાયરી લખ્યા પછી છે ને જલ્દીથી બેગમાં મૂકી દેવી જોઈએ, નહીં તો કોઈ વાંચી જાય અને એક મહિનામાં શુ શુ થયું હોય તે જાણી જાય. હવેથી ધ્યાન રાખજે." એમ કહીને હસવા લાગે છે.
અનન્યા તેની સામે મોઢું બગાડીને જોઈ રહે છે, તેને ખબર પડી જાય છે કે તેના સુઈ ગયા પછી અનુજ તેની આખી ડાયરી વાંચી ચુક્યો છે." નાલાયક, તને ખબર પડી ગઈ હતી તો શું કામ આટલો મારો જીવ બાળ્યો? જા હું તારી સાથે વાત જ નહીં કરું." એમ કહીને તે મોઢું બગાડીને દૂર જઈને ઉભી રહી જાય છે. અનુજ તેની પાસે જઈને તેને પાછળથી પોતાની બાહોમાં જકડી લે છે અને કહે છે, "હું બસ તારા મોઢે સાંભળવા માંગતો હતો." અને પ્રેમની એ મૌસમમાં પ્રેમનો એક નાનો છોડ ધીમે ધીમે વટવૃક્ષ બનવા જઈ રહ્યો હતો.