કપૂર વિશે માહિતી Tr. Mrs. Snehal Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કપૂર વિશે માહિતી

નમસ્તે મિત્રો.
પૂજામાં આરતી પૂરી થાય ત્યારે કપૂર આરતી વખતે વપરાતું કપૂર તો બધાએ જોયું જ હશે. આ કપૂર માત્ર પૂજા માટે જ નથી વપરાતું, એનાં સ્વાસ્થ્યને લગતાં પણ ઘણાં ઉપયોગો છે. આજે જોઈએ કપૂર વિશે.

કપૂર એ એક સફેદ, નરમ, મિણીયો, અર્ધપારદર્શક, સળગી ઊઠે તેવો, ઝડપથી બાષ્પીભવન પામે તેવો અને સુગંધી પદાર્થ છે. એનું રાસાયણિક સૂત્ર C10H16O છે.(આમાં 10 અને 16 સ્હેજ નીચેથી છે. મોબાઈલમાં લખી શકાય એમ નથી.) ઉપરાંત કપૂર એ આલ્કોહોલમાં ઓગાળીને પણ બનાવવામાં આવે છે, જે આઈસોપ્રોપેનોલ અથવા ઈથેનોલ હોય છે. મોટા ભાગે આવું કપૂર ઔષધિ તરીકે વપરાય છે. બજારમાં કપૂર અલગ અલગ આકારમાં મળે છે. પ્રાચીનકાળથી હિંદુ ધર્મમાં કપૂરનો ઉપયોગ પૂજાવિધિ માટે થાય છે. જયાં કપૂરનો દીવો કરવામાં આવે છે તે જગ્યા સુગંધિત થઈ જાય છે અને ત્યાંના હાનિકારક બેક્ટેરિયા નાશ પામે છે.

કપૂર બે પ્રકારના હોય છે - કુદરતી અને કૃત્રિમ. કુદરતી કપૂર 'ભીમસેની કપૂર' તરીકે ઓળખાય છે, જે ખાઈ પણ શકાય છે. કૃત્રિમ કપૂર કુદરતી કપૂરમાં રસાયણો ઉમેરી બનાવવામાં આવે છે, જે ઔષધિ તરીકે પણ વપરાય છે.

કેમ્ફોર લોરેલ તરીકે ઓળખાતા કપૂરના ઝાડનાં લાકડામાંથી કપૂર મેળવવામાં આવે છે. ઇન્ડોનેશિયા, તાઇવાન, જાવા અને સુમાત્રાનાં ટાપુઓ પર કપૂરના ઝાડ પુષ્કળ પ્રમાણમાં થાય છે. આ વૃક્ષ ૨૦ થી ૩૦ મીટર જેટલાં ઊંચા હોય છે, તેનાં પાન ચીકણાં અને સુગંધીદાર હોય છે. આ વૃક્ષ ઉપર સફેદ ફૂલો અને ગોળાકાર કાળા રંગનાં ફળો થાય છે. કપૂરના લાકડાને ઉકળતા પાણીમાં નાખીને તેમાંથી તેલ છૂટું પાડવામાં આવે છે. ઉપરાંત તુલસીનો કપૂર તરીકે પણ કપૂરના વૃક્ષ હોય છે, જે એશિયાનાં કેટલાંક વિસ્તારોમાં જોવા મળતી ઔષધિય વનસ્પતિ છે. જાપાન, ચીન અને ભારતમાં કપૂરના ઝાડ મોટા પ્રમાણમાં આવેલા છે. કપૂરમાં વધારાની સુગંધ માટે ટર્પીન ઉમેરવામાં આવે છે, જે કપૂરના છોડમાંથી જ મોટા પ્રમાણમાં મળી જાય છે.

ખાદ્ય કપૂર અલગ હોય છે અને કૃત્રિમ રીતે ક્રૂડ ઓઈલમાંથી બનાવવામાં આવતું કપૂર અલગ હોય છે. વધુ પડતું કપૂર ખવાઈ જાય તો મૃત્યુ પણ થઈ શકે છે.

કપૂર બનાવવાની રીત:-

કમ્ફૂરનાં ઝાડની ડાળખી અને છાલને કાપીને સૂકવવામાં આવે છે. ત્યારબાદ તેને નાના નાના ટુકડાઓમાં વિભાજીત કરી ગરમ પાણીમાં ઉકાળવામાં આવે છે. ઉકાળવાથી આ ટુકડા જેલનું સ્વરુપ લઈ લે છે. પછી આ જેલને સૂકવીએ એટલે તેનો પાવડર બની જાય છે. આ પાવડરને કપૂર બનાવવાના મશીનમાં નાખીને જે આકારમાં જોઈએ તે આકારમાં કપૂરની ગોળીઓ બનાવવામાં આવે છે.

કપૂરની શુદ્ધતા જાણવાની રીત:-

શુદ્ધ કપૂર કોઈ પણ જાતનાં તણખા વગર સંપૂર્ણપણે બળી જાય છે. શુદ્ધ કપૂર પાણીમાં તળિયે બેસી જાય છે, ક્યારેય તરતું નથી.

ચિકિત્સા ક્ષેત્રમાં કપૂરને તેનાં ઔષધિય ગુણોને કારણે ઓળખવામાં આવે છે. ચાલો, જોઈએ કપૂરના ઔષધિય ગુણો અને તે કયા કયા રોગોમાં એવી રીતે વપરાય છે તે વિશે.

1. પેટનાં કૃમિ મારવા માટે કપૂરને પાણીમાં ઓગાળી આ પાણીનો એનિમા આપવાથી કૃમિઓ દૂર થાય છે.

2. કપૂરનો ધૂમાડો કરવાથી વાતાવરણ શુદ્ધ થાય છે અને એની સુગંધથી ઊંઘ તરત જ અને સારી આવે છે. આથી જ માનસિક રોગોના ઈલાજમાં પણ કપૂર વપરાય છે.

3. ઓલિવ ઓઇલમાં કપૂર મિક્સ કરીને તેનું માલિશ કરવાથી સંધિવાનાં રોગમાં રાહત થાય છે.

4. સ્નાયુઓનાં દુઃખાવામાં રાહત મેળવવા માટે પણ કપૂર વપરાય છે. માલિશ કરવાનાં તેલમાં કપૂર મિક્સ કરી તેનું માલિશ કરવાથી આમવાત, મચકોડ, માસપેશીઓનો દુઃખાવો તેમજ ફેફસાંના સોજા મટે છે.

કપૂરનું તેલ વોર્મિંગ સેન્સેશન પેદા કરે છે જેનાથી નસો સંવેદનહીન થઈ જાય છે અને દુઃખાવામાં રાહત મળે છે.

5. કપૂર કફને પીગાળી બહાર કાઢતું હોવાથી ઉધરસને મટાડે છે તેમજ શ્વાસને લગતી તકલીફોમાં રાહત આપે છે.

6. ગળાના રોગોમાં પણ કપૂર લાભદાયી છે.

7. ફેફસામાં લોહીનું પરિભ્રમણ વધારવા માટે પણ કપૂર લાભદાયી નીવડે છે.

8. કપૂરના ઉપયોગથી શ્વેતકણો વધે છે.

9. કપૂર, ચંદન અને લીમડાનાં પાનને ચોથા ભાગનું પાણી હોય તેવી છાશમાં વાટી લેપ બનાવી શરીર પર લગાવવાથી તાવ મટે છે.

10. કપૂરવાળા ચંદનનો લેપ કરવાથી મૂર્છા દૂર થાય છે.

11. પાણીમાં કપૂર આલ્કોહોલનાં થોડાં ટીપાં નાંખી એની વરાળનો ન્યાસ લેવાથી શરદી અને કફ દૂર થાય છે તેમજ અસ્થમાનાં દર્દીને શ્વાસ લેવામાં રાહત મળે છે.

12. કમળ, કપૂર અને ચંદન સરખા ભાગે લઈ તેનો લેપ લગાવવાથી કોઈ પણ પ્રકારની બળતરા મટી જાય છે.

13. કપૂર અને તુલસીનાં રસને સુખડ સાથે ઘસીને લેપ બનાવી કપાળ પર લગાવવાથી માથાનાં દુઃખાવામાં રાહત મળે છે.

14. હિંગ, કપૂર, વજ અને તજનું ચૂર્ણ બનાવી દાંતનાં પોલાણમાં ભરવાથી કૃમિઓ નાશ પામે છે અને દુઃખાવો દૂર થાય છે.

15. કપૂરને ગુલાબજળમાં લસોટી નાકમાં ટીપાં નાખવાથી લોહી નીકળતું બંધ થઈ જાય છે.

16. કપૂર, જાયફળ અને હળદર સરખા ભાગે લઈ, લસોટી પેટ પર ચોપડવાથી પેટનો દુઃખાવો મટે છે.

17. કપૂરને પલાળી તેમાં રૂ બોળી ઘા પર દબાવવાથી દુઃખાવો નથી થતો અને ઘા સડી જતો નથી.

18. જૂનો મરડો અને ઝાડા ઉલટીમાં એક કપ પાણીમાં બે ટીપાં કપૂરના નાખી દર કલાકે આપવાથી તરત જ ફાયદો થાય છે.

19. કપૂરના ધુમાડા અને સુગંધથી માખી અને મચ્છર દૂર થાય છે.

20. કપૂરને પાણીમાં ઓગળી તેનો સ્પ્રે આખા ઘરમાં કરવાથી કીડીઓ આવતી બંધ થઈ જાય છે.

21. દાંતનો દુઃખાવો, ગેસ, બળતરા જેવી તકલીફોમાં કપૂર, અજમો અને ફુદીનો નાખેલું શરબત પીવાથી રાહત મળે છે.

22. નાળિયેરના તેલમાં થોડું કપૂર મિક્સ કરી તેને સવાર સાંજ લગાવવાથી ચહેરા પરના ખીલ થોડા દિવસોમાં દૂર થાય છે અને ડાઘા પણ રહેતાં નથી.

23. નાહવાનાં પાણીમાં કપૂર નાખવાથી બોડી રિલેક્સ અનુભવે છે.

24. રાત્રે સૂતી વખતે કાચા દૂધમાં કપૂર મિક્સ કરી રૂ વડે ચહેરા પર લગાવી પાંચ મિનિટ પછી ધોઈ લેવાથી ચહેરાનો નિખાર વધે છે.

25. નવશેકા નાળિયેર તેલમાં કપૂર મિક્સ કરી વાળમાં તેનો મસાજ કરવો. એક કલાક પછી ધોઈ નાખવું. આમ કરવાથી ખોડો દૂર થશે અને વાળ મજબૂત બનશે.

26. કાંસાની થાળીમાં 10ગ્રામ કપૂર, 10ગ્રામ કાથો, 5ગ્રામ માટી સિંદૂર લઈ મિક્સ કરો. ત્યારબાદ તેમાં 100ગ્રામ ઘી ઉમેરી હથેળી વડે બરાબર મસળો. મલમ જેવું થઈ જાય એટલે બરણી કે ડબ્બીમાં ભરી લો. આ મલમનો ઉપયોગ ખંજવાળ આવે ત્યારે, ગરમીના છાલા પડ્યા હોય ત્યારે કે પછી કંઈ પણ વાગ્યું હોય ત્યારે લગાવી શકાય છે.

27. ખંજવાળ આવતી બંધ જ ન થતી હોય તો કપૂરને ચમેલીનાં તેલમાં મિક્સ કરી તેમાં લીંબુના બે ત્રણ ટીપાં નાખી લગાવવાથી ખંજવાળ તરત જ બંધ થઈ જાય છે.

28. તુલસીનાં પાનના રસમાં કપૂર નાંખી તેનાં ટીપાં કાનમાં નાંખવાથી કાનનો દુઃખાવો મટે છે.

29. જર્મન ચિકિત્સક સેમ્યુઅલ હેન્મેનનાં લખાણોને આધારે 1854 - 1855માં કોલેરાની સારવાર માટે આલ્કોહોલમાં ઓગળેલ કપૂરનો સફળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો હતો.

30. કપૂર ત્વચાને ટાઈટ રાખે છે, આથી anti ageing તરીકે વપરાય છે.

31. કપૂરના તેલના માલિશથી માથાનો દુઃખાવો દૂર થાય છે.

32. કફને લીધે નાક બંધ થઈ ગયું હોય તો કપૂરનું તેલ સુંઘવું જોઈએ. કપૂરના તેલની ગંધ શ્વસન માર્ગને ખોલી દે છે. છાતી પર આ તેલનું માલિશ કરીને પણ બંધ નાક ખુલ્લું કરી શકાય છે.

33. ગરમ પાણીમાં કપૂર મિક્સ કરી તેમાં ફાટેલી એડીવાળા પગ બોળી રાખવા. થોડા દિવસો પછી પગ વ્યવસ્થિત થઈ જશે અને એડીઓ ફાટતી ઓછી થઈ જશે.

34. સારી ઊંઘ માટે કપૂરને ઓશિકા નીચે મૂકી શકાય અથવા તો કપૂરના તેલને ઓશિકા પર ઘસી દેવાય કે જેથી આખી રાત ઊંઘ આવે.

35. કબાટમાં મૂકેલા કપડાને ફ્રેશ રાખવા તેમજ તેનાથી જીવાત દૂર રાખવા કપૂરની ગોળી મૂકવી. કપડાંમાંથી સુગંધ પણ સરસ આવશે.

36. કપૂરની સુગંધથી ઉધઈ પણ થતી નથી.

કપૂરથી થતાં નુકસાન:-

1. કપૂરના તેલને ડાયરેક્ટ ત્વચા પર લગાવવાથી ત્વચા બળી શકે છે.

2. બે વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો પર કપૂરનો ઉપયોગ કરવો નહીં.

3. ગર્ભવતી તથા સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ કપૂર વાપરવું નહીં.

માહિતી ગમી હશે એવી આશા સાથે આભાર🙏
સ્નેહલ જાની