લેખ:- તુલસી વિશે માહિતી
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
વૃન્દાયૈ તુલસીદેવ્યૈ પ્રિયાયૈ કેશવસ્ય ચ |
કૃષૃણભક્તિપ્રદે દેવિ, સત્યવત્યૈ નમો નમઃ ||
આપણાં હિંદુ ધર્મમાં તુલસી માત્ર એક છોડ નહીં પરંતુ એક પૂજનીય માતા તરીકે ગણાય છે. આખા વિશ્વમાં તુલસીનો છોડ ઔષધીય મહત્ત્વ ધરાવે છે. તે લેમીઅસી કુળની સુવાસિત વનસ્પતિ છે. તેની ડાળીઓ રૂંવાટીવાળી હોય છે. તેનાં પાન સામસામે ઉગે છે અને તેમાંથી સરસ સુગંધ આવે છે. તેમનાં પાનની કિનારી પર નાના નાના ખાંચા હોય છે. છોડ પર નાના નાના જાંબલી રંગનાં ફૂલ આવે છે. આમ તો તુલસીની ઘણી જાતો છે, પણ ભારતમાં મુખ્યત્વે બે પ્રકારની તુલસી વધુ જોવા મળે છે - લીલા પાંદડાવાળી રામ તુલસી અને કાળા કે જાંબલી પાનવાળી શ્યામ કે કૃષ્ણ તુલસી.
થાઈ વાનગીઓમાં પણ તુલસી વપરાય છે, જે થાઈ તુલસી અથવા ખા ફ્રાઓ તરીકે ઓળખાય છે. તુલસી સમશિતોષ્ણ પ્રદેશની વનસ્પતિ છે અને તે ખૂબ જ બહોળા પ્રમાણમાં થાય છે. તુલસીનું વાવેતર ધાર્મિક કારણોથી તો થાય જ છે, કારણ કે એને વિષ્ણુ ભગવાનની પત્નીનાં રૂપમાં પૂજવામાં આવે છે. વૈષ્ણવોમાં તુલસી અત્યંત મહત્ત્વ ધરાવે છે. કારતક સુદ એકમના રોજ આવતો તુલસી વિવાહ તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવાય છે. કેટલાંક વૈષ્ણવો તો આખો કારતક મહિનો તુલસીની પૂજા કરે છે. ભગવાનને ભોગ ધરાવતી વખતે પણ થાળ ઉપર તુલસીપત્ર મૂકવામાં આવે છે.
તુલસીનાં થડમાંથી બનેલી મણકાની માળા વૈષ્ણવો જપ કરવા માટે રાખે છે. ઉપરાંત ઝીણા મણકામાંથી બનેલી માળા કંઠી તરીકે ગળામાં પહેરે છે. વૈષ્ણવો પોતાનાં ધર્મગુરુ એટલે કે બાવાશ્રી પાસે બ્રહ્મસંબંધ લઈ દીક્ષા લે છે. આ કંઠી પહેરનારની રક્ષા વિષ્ણુ ભગવાન કરે છે એવું મનાય છે.
તુલસીના લાકડા (થડ)માંથી બનેલા મણકાની માળા વૈષ્ણવો જપ માટે રાખે છે અને આવા જ ઝીણા મણકાઓની બનેલી તુલસી માળા ગળામાં પણ પહેરે છે. આ માળા પહેરનારને કૃષ્ણ કે વિષ્ણુ દ્વારા સંરક્ષિત મનાય છે. તુલસી અને વૈષ્ણવોનો એવો સંબંધ છે કે વૈષ્ણવોને ગળે તુલસીની માળા પહેરનાર તરીકે ઓળખાય છે.
પરંતુ તુલસીનો ઉછેર આયુર્વેદિક ઔષધિ અને તેનાં સુગંધી તેલ મેળવવા માટે પણ થાય છે. ચા બનાવતી વખતે તેમજ ઘરગથ્થુ ઔષધ તરીકે તુલસીનો બહોળો ઉપયોગ દક્ષિણ એશિયામાં થાય છે.
તુલસીમાં ઓલિનોલીક એસિડ, અર્સોલીક એસિડ, રોસમેરીનીક એસિડ, યુજીનોલ, કાર્વાક્રોલ, લીનાલુલ, અને બીટા-કેરીઓફાયલીન નામનાં રાસાયણિક તત્ત્વો હોય છે. આ તત્ત્વો વિવિધ રોગોમાં શરીરનું રક્ષણ કરવામાં મદદરૂપ બને છે.
ચરકનાં ચરકસંહિતામાં થયેલ ઉલ્લેખ પ્રમાણે તુલસીમાં ઘા રૂઝવવાનો ગુણ રહેલો છે.
તુલસીનાં બળ આપનાર ગુણધર્મને કારણે તે શરીરની વિવિધ પ્રક્રિયાઓમાં સમતોલન લાવવા અને તણાવથી મુકત રહેવામાં મદદ કરે છે.
આયુર્વેદ પ્રમાણે તે દીર્ઘ આયુષ્ય બક્ષે છે.
આયુર્વેદમાં તુલસીનાં અર્કનો ઉપયોગ સામાન્ય શરદી, માથાનો દુઃખાવો, પેટની તકલીફ, હ્રદયનાં દર્દ, સોજા, ઝેરની અસર ઉતારવા અને મેલેરિયાનાં ઈલાજમાં થાય છે.
સીધા તુલસીના પાન, ઘી સાથે ભેલવેલ પાન, ઉકાળા તરીકે તેમજ સૂકા ચૂર્ણ તરીકે પણ તુલસીનો ઉપયોગ થાય છે.
કર્પુર તુલસીમાંથી કાઢેલા સુગંધી તેલનો ઉપયોગ ઔષધિ તરીકે સૌંદર્ય પ્રસાધનોમાં થાય છે.
તુલસીનાં જીવાણુંનાશક ગુણધર્મને કારણે ચામડીનાં રોગોની દવા બનાવવા વપરાય છે.
અનાજને ધાનેરા કે અન્ય જીવજંતુઓથી બચાવવા માટે તુલસીનાં સૂકા પાન એમાં મુકવામાં આવે છે. આ સદીઓથી ચાલતી આવતી પદ્ધતિ છે.
હાલનાં સંશોધનો મુજબ તુલસીમાં યુજીનોલ પુષ્કળ. પ્રમાણમાં હોય છે, જેથી તેનો ઉપયોગ પીડાનાશક તરીકે થાય છે.
તુલસી લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઓછું કરી દેતી હોવાથી ડાયાબિટીસનાં દર્દીઓ માટે ઉપયોગી છે.
તુલસીનો એન્ટી ઓક્સીડન્ટ ગુણધર્મ ગ્લુકોઝનું પ્રમાણ જાળવી રાખવામાં પણ મદદરૂપ છે.
તુલસી કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડી તેને જાળવી રાખવામાં મદદ કરે છે.
રેડિયેશનથી થતાં વિષ વિકારો અને મોતિયાની સારવારમાં પણ તુલસી ઉપયોગી છે.
સંતુલિત આહાર, આયુર્વેદ ટ્રીટમેન્ટ અને રોજનાં તુલસીનાં આઠથી દસ પાન ચાવી જવાથી કેન્સર જલદી મટે છે.
તુલસી અશુદ્ધિઓને દૂર કરી ત્વચા મુલાયમ અને સ્વચ્છ રાખે છે. તુલસીમાં રહેલ વિટામિન K અને અન્ય એન્ટી ઓક્સિડન્ટ ત્વચાને સાફ રાખે છે. તુલસીનાં વિવિધ ફેસપેક ઘરે જ બનાવી શકાય છે.
કેટલાંક ફેસપેક બનાવવાની રીત:-
સામાન્ય ત્વચા માટે:-
એક ચમચી તુલસીનાં પાન, એક ચમચી ચંદન પાઉડર અને કેટલાંક ટીપાં ગુલાબ જળ ઉમેરી પેસ્ટ બનાવો અને ચહેરા પર લગાવી સુકાવા દો. પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. ડાઘ દૂર થઈ જશે.
તૈલી ત્વચા માટે:-
તુલસી પાઉડર અને લીમડાનાં પાઉડરને સરખા પ્રમાણમાં લઈ મિક્સ કરી તેમાં થોડું મધ ઉમેરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને 15 થી 20 મિનીટ ચહેરા પર રહેવા દઈ ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. વધારાનું તેલ દૂર થઈ જશે અને ત્વચા મુલાયમ બનશે.
શુષ્ક ત્વચા માટે:-
એક ચમચી તુલસીનો પાઉડર, અડધી ચમચી દહીં અને એક ચમચી ચણાનો લોટ લઈ બનાવેલી પેસ્ટને ચહેરા તેમજ ગરદન ઉપર લગાવો. સુકાઈ ગયા બાદ ઠંડા પાણીથી ધોઈ લો. પછી મોઈશ્ચરાઈઝર લગાવી દો. ત્વચા મુલાયમ થઈ જશે.
તમામ પ્રકારની ત્વચા માટે:-
તુલસીનાં પંદર વીસ પાનને છૂંદીને તેમાં ત્રણથી ચાર દ્રાક્ષનો રસ મિક્સ કરી આ મિશ્રણ ચહેરા પર લગાવી ત્રીસ મિનીટ સુધી રહેવા દો. પછી હુંફાળા પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં એકથી બે વખત લગાવી શકાય.
ખીલ અને ડાઘ દૂર કરવા માટે:-
એકસરખા પ્રમાણમાં તુલસી અને લીમડાનાં પાન લઈ તેમાં બે લવિંગ અને થોડું પાણી નાંખી ક્રશ કરી પેસ્ટ બનાવો. આંખોની આસપાસનો ભાગ જવા દઈ બાકીનાં આખા ચહેરા પર આ પેસ્ટ લગાવી દો. પંદર મિનીટ બાદ ઠંડા પાણીથી ધોઈ લો. થોડા જ દિવસોમાં ખીલ અને ડાઘ દૂર થઈ જશે.
વાંચવા બદલ આભાર.
- સ્નેહલ જાની