લેખ:- કુંવારપાઠું
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
લગભગ દરેક જણ માટે જાણીતું છે આ એલોવીરા. સંસ્કૃતમાં એને કુંવારપાઠું કહેવાય છે. એ જેટલો દેખાવ સારો નથી ધરાવતો એટલી જ વધારે ખૂબીઓ ધરાવે છે. તેનાં પાંદડા લીલા રંગના અને એની કિનારી કાંટાળી હોય છે. આ લીલી ત્વચાની અંદર જ એનો સંપૂર્ણ માવો આવેલો હોય છે.
મેદાની પ્રદેશો, દરિયા કિનારો, રણ વિસ્તાર અને પહાડી પ્રદેશોમાં પુષ્કળ પ્રમાણમાં થાય છે. આયુર્વેદ તથા યુનાની ઔષધિ પદ્ધતિમાં એલોવીરાનો બહોળો ઉપયોગ થાય છે. આ ઉપરાંત શાક, અથાણું, મુરબ્બો, જામ અને અન્ય પૌષ્ટિક વાનગીઓ બનાવવા માટે પણ કુંવારપાઠું વપરાય છે.
જોઈએ એનાં થોડા ઔષધીય ગુણો:-
એ એક કુદરતી મૉઈશ્ચરાઈઝર છે, જે ચામડીના મૃત કોષોને દૂર કરી નવા કોષો પેદા કરે છે અને ચામડી ઊજળી તેમજ સુંવાળી બનાવે છે.
એલોવીરામાં એક એસ્ટ્રોજંટ ક્રિયા થાય છે જે ચામડીને લબડી કે લચી પડતી અટકાવે છે અને ટાઈટ કરે છે. આથી ઘડપણ નજર નથી પડતું.
સૂર્યનાં કિરણોથી ચામડીને બચાવવામાં ખૂબ જ અસરકારક છે.
એમાં તેલની ચીકાશ ન હોવાથી તૈલી ત્વચાને વ્યવસ્થિત રાખવા ખૂબ ઉપયોગી છે.
ઉનાળામાં મોંની ચામડીનો નિખાર વ્યવસ્થિત રાખવા એલોવીરા ખૂબ જ ઉપયોગી છે. આ માટે એનો પલ્પ અથવા તો સીધું એની ત્વચા સાથે જ મોં પર ઘસીને 20 મિનીટ સુધી લગાવી રાખવું. પછી ચહેરો ધોઈ નાખવો. આનાથી ચામડી સૂકી થતી પણ અટકશે.
એલોવીરામાં એન્ટી બેક્ટેરિયલ અને anti - inflammatory ગુણ હોવાથી એ મોં પરનાં ખીલ તેમજ અન્ય ડાઘ કાઢવામાં ખૂબ જ અસરકારક છે.
એનાં જ્યુસને પાણી સાથે ભેળવી પછી એને બાજુ પર રાખવું. વ્યવસ્થિત નાહી લીધા પછી આ મિશ્રણને આખા શરીરે લગાવી દેવું. થોડી વાર પછી ફરીથી સાદા પાણીથી નાહી લેવું. આ ક્રિયા નિયમિત કરવાથી આખા શરીરની ચામડી મુલાયમ અને સુંદર થઈ જાય છે.
એક ચમચી બેસન, એક ચમચી સંતરાનાં છોડાનો પાવડર, એક ચમચી દહીં અને એક મોટો ચમચો એલોવીરા જેલ ભેગા કરી પેસ્ટ બનાવવી. આનાથી કુદરતી ફેસ માસ્ક તૈયાર થશે. એને મોં પર લગાવી 30મિનીટ પછી ધોઈ નાંખવું. આનાથી ચહેરો ચમકતો બનશે.
એક ચમચી એલોવીરા જેલ, 2 ચમચી ગુલાબજળ અને ત્રણ ચમચી મુલતાની માટી લઈ બરાબર મિક્સ કરી તેની મુલાયમ પેસ્ટ બનાવવી. આ પેસ્ટ ચહેરા પર લગાવી અડધો કલાક પછી ધોઈ નાંખવું. મોં પરનો તમામ કચરો સાફ થઈ જશે અને ચહેરો ચમકતો દેખાશે.
ચહેરા પરના ડાઘા દૂર કરવા એલોવીરા જેલને સીધું જ મોં પર લગાવવું. રાત્રે જેલ મોં પર લગાવી સૂઈ જવું. સવારે સાદા પાણીથી ચહેરો ધોઈ લેવું.
ખીલ કે અન્ય કોઈ ફોડલીને કારણે મોં પર લાલ ચાંઠા પડી ગયા હોય તો એલોવીરા જેલ દરરોજ જ મોં પર લગાવવું. 20મિનીટ પછી ધોઈ નાંખવું.
એક ચમચી એલોવીરા જેલ, એક ચમચી તજનો પાવડર અને એક ચમચી મધ લઈ પેસ્ટ બનાવો. આ પેસ્ટ મોં પર લગાવી આખી રાત રહેવા દો. સવારે મોં ધોઈ નાંખવું. ચહેરો સદા યુવાન દેખાશે.
ચામડી પરથી સનબનઁનાં ડાઘા દૂર કરવા એક ચમચી લીંબુનો રસ લઈ તેને એલોવીરા જેલમાં મિક્સ કરી દરરોજ લગાવવું. 15 મિનીટ પછી ધોઈ નાંખવું.
ચહેરા પરની ફોડલી કે ખીલથી થયેલા ડાઘા પર છાંટવા માટેનો સ્પ્રે બનાવવા માટે 40મિલી મિનરલ પાણી લઈ તેમાં ત્રણ ચમચી એલોવીરા જેલ અને 2 ટીપાં ટી ટ્રી ઓઈલ લઈ મિક્સ કરી સ્પ્રે બોટલમાં ભરી લેવું. ડાઘા પર આમાંથી વારે ઘડીએ છાંટતા રહેવું. આંખોમાં ન જાય તેનું ધ્યાન રાખવું.
બ્લેક હેડ્સ દૂર કરવા થોડો ચોખાનો લોટ અથવા પીસેલી બદામ લઈ એલોવીરા જેલમાં મિક્સ કરવું. તેમાં એક ચપટી હળદર નાંખવી. આ પેસ્ટને બ્લેક હેડ્સવાળી જગ્યા પર લગાવી હળવા હાથે ગોળ ગોળ માલિશ કરો. થોડી વાર પછી સાદા પાણીથી ધોઈ નાંખો. થોડા જ દિવસોમાં બ્લેક હેડ્સ દૂર થઈ ચમકતી ત્વચા આવી જશે.
આભાર🙏
- સ્નેહલ જાની