Yakshi - 32 books and stories free download online pdf in Gujarati

યશ્વી... - 32

(યશ્વીએ લખેલું 'પડયું પાનું' નાટકની રજૂઆત ચાલી રહી છે. તેમાં માનવી નીતીને દગો આપવા માટે અને બીજી સ્ત્રી જોડે સંબંધ રાખવા માટે ઠપકો આપે છે, ત્યાં રાહુલ સામો જવાબ આપે છે. હવે આગળ...)

【બીજો સીન】
[ગાર્ડન અને જૂના ઘર જેવો સ્ટેજ પર નો લુક ચેઈન્જ થાય છે.]
(માનવી ગાર્ડનમાં ચાલતી હોય છે પણ...)
માનવી: "શું કામ? મારો ભૂતકાળ ગમે તે રૂપે મારી આગળ આવી જાય છે."

(લાઈટ જૂના ઘર જેવા સ્ટેજ લુક પર.. જેમાં માનવી રોઈ રહી હોય છે અને તેનો પતિ કહી રહી હોય છે.)
માનવી: "તમે આવું કેમ કરી શકો? મારો વિચાર.."

માનવીનો પતિ: "મેં કહ્યું ને કે તે અહીં જ રહેશે. તું ઘરનું કામ કર અને મારા માતા-પિતાનું ધ્યાન રાખ અને સેવા કર. આમ પણ, તું મારી પસંદ કયારેય નહોતી, નથી અને નથી રહેવાની."

માનવી: "પણ રાહુલનું શું?"

માનવીનો પતિ: "રાહુલ એ આ ઘરનો દીપક બનીને રહેશે જ... બસ, તું તારું વિચારી લે. તારે અહીં રહેવું છે કે નહીં?"

માનવી(સાસુ-સસરાને જે સ્ટેજ પર બેઠેલા હોય છે, માનવી રોતી બોલે છે. ): "તમે તમારા પુત્રને સમજાવો. આ રીતે અમારી જીદંગી બરબાદ ના કરે."

સાસુ: "પત્નીમાં આવડત હોવી જોઈએ કે તેનો પતિ બહાર ના રખડે. એવી સ્ત્રી શું કામ ની જે પોતાના પતિને કાબૂમાં ના રાખી શકે. તારા કરેલા તું જ ભોગવ."

સસરા: "તે જ તારા પતિને વધારે પડતી છૂટ આપી હતી. માટે પડયું પાનું નિભાવ અથવા તારા મા-બાપના ઘરે જા. અમે શું કરી શકીએ."

(માનવી એક બાળકનો હાથ પકડીને તેના માતા પિતાની જોડે જાય છે.)
માં: "તને પરણાવી એટલે અમારી જવાબદારી પૂરી. જે હોય તે તારાં ભાગ્ય. એમાં અમે શું કરીએ. તારી બહેનોના ભવિષ્યનો વિચાર તો કર."

પિતા: "આવું તો ચાલ્યા કરે. થોડું સહન કર માનું, જમાઈ તો એમના માતા-પિતાનો એક નો એક દિકરો છે. આ વાતનો ઉપયોગ કરીને તેમની પાસેથી મિલકત અને પૈસા તારા નામે કરાવી લઈશું."

માનવી: "બાપુ..."

પિતા: "જો સમાજમાં મોભાવાળી જીદંગી જીવવી હોય તો મિલકત અને પૈસા જોઈએ જ. જો સમાજમાં વાત બહાર પડી જશે તો તને મિલકતમાંથી કંઈ જ નહીં મળે. માટે જ કહું છું કે પડયું પાનું નિભાવી લે બેટા."

માનવી: "પણ બાપુ, મારી જીદંગી નું શું?"

(પડદો પડે છે. આજની માનવી ગાર્ડનમાં ઊભી હોય છે ત્યાં લાઈટ પડે છે.)
માનવી: "આ બધું રાહુલ કયાં નથી જાણતો કે પછી મારી એ વેદના ખબર નહોતી. છતાંય તે તેના પિતાના ચીતરેલા રસ્તા પર જ ચાલી પડયો."
【ત્રીજો સીન】
(એવામાં એક બાજુથી ઝઘડા જેવો અવાજ આવે છે. માનવી એ બાજુ જોતાં)
[સ્ટેજ પર ઝૂંપડી આગળ એક સ્ત્રી યુવાન ને મારી રહી હોય છે અને યુવતી રડી રહી છે.]
માં: "એય, તું આ ઘરમાં ચ્યમ પીને આવ્યો. ખબરદાર જો મારા આ ઘરમાં આવ્યો છે તો."

દીકરો: "એય આવવા દે, હટ અહીંથી. હું દીકરો શું તારો."

માં: "એય કાળમુખા, આ મારું ઘર ખાલી ઘર નહીં પણ મંદિર છે મારું."

દીકરો(યુવતીને મારવા હાથ ઉપાડે છે.): "તારા કારણે જ આ બધું થાય શે. નીકળ અહીંથી, લખણ વગરની."

માં (હાથ પકડી લે છે.): "એય કાળમુખા, આ મારી વહુ શે, અને એ મારા આ મંદિરની લક્ષ્મી શે. એને તે હાથ અડાડયો જ શા ને?"

દીકરો(લથડીયા ખાતો): "એય હટ, જવા દે ઘરમાં"

માં: "યાદ રાખ... હું તને તારા બાપા જેવો તો નહીં જ થવા દઉં, સમજયો."

દીકરો(માં ને ધક્કો મારીને ઘરમાં જતાં): "કીધું ને કે જવા.... દે...."

માં(દીકરાને ધક્કો મારીને): "મેં જે વેદના સહન કરી શે. તે શું કામ સહન કરે, અને મારી વહુતો નહીં જ કરે. સમજયો ચાલ્યો જા મારા ઘરમો થી."

(સ્ત્રી યુવાનને મારી મારીને ઘરમાં થી કાઢી મૂકે છે.)
માનવી: "આ બધું જ મને લાગુ પડે છે. ના...ના... મને કંઈ તો રસ્તો સૂઝાડ.
(વિચારતા) આભાર ભગવાન તારો, મને રસ્તો મળી ગયો. તે પણ નીતીને બીજી માનવી નહીં જ થવા દઉં."

【ચોથો સીન】
(પાછો સ્ટેજ પર ઘરનો લુક)
માનવી: "નીતી રાહુલનો સામાન પૅક કરી દે."

નીતી: "પણ મા..."

માનવી(બોલતી રોકીને): "મેં જે કહ્યું તેમ જ કર"

(નીતી સામાન લઈને આવે છે, ત્યાં જ રાહુલ આળસ મરડતો આવે છે.)

માનવી(સામાન બતાવીને): "ચાલ્યો જા અહીંથી, અને તારા રહેવાની વ્યવસ્થા જાતે કરી લે."

રાહુલ: "હું શું કામ આ ઘર મારું છે?"

માનવી: "ના.. ના, મિ. રાહુલ આ ઘર તારું નહીં પણ મારું છે. અને સાંભળી લો મિ. રાહુલ મેં જયારે તમારા પિતાનો બીજી સ્ત્રી સાથેનો સંબંધ ચલાવ્યો તેનું કારણ મિલકત કે પૈસાની લાલચ નહોતી. પણ કારણ તું હતો, કારણ કોઈએ મને સપોર્ટ નહોતો કર્યો. ના મારા માતા પિતાએ કે ના સાસુ સસરાએ."

રાહુલ: "આ તો તારી લાલચને નવી સ્ટાઈલ ના પહેરવેલા ચશ્માં છે."

માનવી(ખોવાઈ ગઈ હોય તેમ): "બધાએ મને કહ્યું કે પડયું પાનું નિભાવી લે. તારા ઉછેર માટે મારી પાસે મિલકત કે પૈસા નહોતા. મારી પાસે એવું કોઈ ભણતર કે હુન્નર નહોતું. વળી, તારા નાના નાની કે દાદા દાદીએ મને સપોર્ટ નહોતો કર્યો એટલે મારે આ બધું ચલાવવું પડયું અને સહન પણ કરવું પડયું. અને એ વખતે તું તો હતો જ મારી જોડે. મારી દરેક વેદનાનો સાક્ષી તું હતો જ ને."

રાહુલ(દબી અવાજે): "મારી મિલકત છે. આ બધી..."

માનવી(જુસ્સાથી): "ના..ના, મિ.રાહુલ, આ તમારી નહીં પણ મારી મિલકત છે. જે મિલકત કે પૈસા પર તું રોફ કરે છે ને એ તારા પપ્પાના ગયા પછી મારા નામ પર છે. એ હજી મેં તને આપી નથી દીધી."

રાહુલ: "પણ નીતીને કયાં આવું જીવન જીવવા મજબૂર કરું છું. એ એના પિતાના ઘરે જતી રહે."

માનવી: "નીતીના પપ્પાની વાત પછી આવશે એ પહેલાં હું જ તેને સપોર્ટ કરીશ. એને મારા સાસુ સસરા કે માતા પિતા ની જેમ પડયું પાનું નિભવાનું નહીં કહું કે નહીં આવું જીવન જીવવા કહું. અને તું તારા પપ્પાની ધમકી આગળ ઝૂકયો હતો કે નહોતો ઝૂકયો એમાં નીતી કે પરીનો કોઈ વાંક નથી. તું ધમકી આગળ ઝૂકયો કારણ બીજું કંઈ નહીં પણ મિલકત માટે. એ વખતે તારે ઠોકર મારવી હતીને આ મિલકતને."

નીતી: "માં..."

રાહુલ: "મારા વગર તમે કેવી રીતે જીવશો. સમાજ તમને જ કહેશે."

માનવી: "સ્વમાન થી જીવશે તે તારા વગર, પરી પણ મોટી થઈ જશે. અને હું તો છું જ સમાજને જવાબ આપવા વાળી."

રાહુલ(ધીમા અવાજે): "અને આ મિલકત..."

માનવી: "ના..ના, મિ. રાહુલ, આ મિલકત પર આજથી તારો નહીં પણ નીતી અને પરીનો હક છે.(નીતીને) હા બેટા, તું જ મારી વારસદાર છે. તને દિકરી બનાવી ને રાખીશ અને માં બનીને બીજી જગ્યાએ તને પરણાવી અને વળાવીશ ખરી. તું નહીં ઈચ્છે તો આખી જિંદગી મા દીકરી બનીને રહીશું."

રાહુલ(નિરાશા સાથે): "મારો હક છે તારા..."

માનવી(રોકતી હોય તેમ): "હક... મિ.રાહુલ, હું તને મારી મિલકત અને મારી ચિતાને અગ્નિદાહ આપવાનો તારા કહેવાતા હક માંથી કે ફરજમાં થી તને મુક્ત કરું છું. મારી ચિતાને અગ્નિદાહ પરી આપશે. હવે તારું મોઢું નહીં બતાવતો. ચાલ્યો જા, આ મારો છેલ્લો આદેશ છે."

(રાહુલ ચાલ્યો જાય છે.)
નીતી(રોતી રોતી): "આજે મને માં મળી ગઈ."

માનવી: "ના બેટા, મને દીકરી મળી ગઈ. મને માં તરીકે સ્વીકારીશ ને મને?"

નીતી: "હા, માં.. તમે તમારા દિકરાને મારા માટે થઈને કાઢી મૂકયો." (રોવે છે.)

માનવી: "બેટા રો નહીં, સૌથી વધારે મારા મનમાં રહેલી એક ટીશ આજે દૂર થઈ ગઈ જ નહીં પણ મારી આટલા વર્ષોની હરામ થઈ ગયેલું મારા જીવને શાંતિ મળી ગઈ. અને આ શબ્દો પરની મનમાં રહેલી નફરત આજે હું જાહેરમાં કહી શકી. આજથી તું પડયું પાનું નહીં નિભાવે."

નીતી: "હા માં, પડયું પાનું નહીં નિભાવુ પડે મારે."

(કહીને નીતી માનવીના ખોળામાં માથું મૂકીને રોવે છે. માનવી અજબ શાંતિથી તેના માથે હાથ ફેરવે છે. પાછળથી પડઘો પડે છે 'પડયું પાનું નહીં નિભાવુ પડે... પડયું પાનું નહીં નિભાવુ પડે.')

(નાટક પ્રેઝન્ટ કરવા માટે પડાપડી થશે ખરી? યશ્વી બીજું નાટક લખશે કે પછી સોહમનો વાયદો પૂરો કરશે?
જાણવા માટે જુઓ આગળનો ભાગ...)


બીજા રસપ્રદ વિકલ્પો