રાજકારણની રાણી - ૪૬ Mital Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાજકારણની રાણી - ૪૬

રાજકારણની રાણી ૪૬

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૪૬

સુજાતાબેનની મુખ્યમંત્રી સાથેની મુલાકાત રાજકારણમાં ગરમાટો લાવી ગઇ હતી. જનાર્દન કરતાં આગળનું વિચારનારા રાજકારણીઓ ઘણા હતા. રાજકારણને જાણતા-સમજતા જનાર્દનને એ વાતનો ખ્યાલ આવતાં સમય ના લાગ્યો કે મુખ્યમંત્રીએ સુજાતાબેનને અભિનંદન આપવા તો ના જ બોલાવ્યાં હોય. ટીવી ચેનલો પર છેલ્લા એક કલાકથી સુજાતાબેનની જ ચર્ચા હતી. વિધાનસભાની ચૂંટણી લડી રહેલા પક્ષના ઘણા સિનિયર ઉમેદવારો આ મુલાકાતથી નારાજ હોવાના અહેવાલો અખબારોની વેબસાઇટો પર આવી રહ્યા હતા. પત્રકારોનું કહેવું હતું કે પક્ષના ઉમેદવારો પોતાની જીત માટે નિશ્ચિત જણાય છે પરંતુ આટલા વર્ષોના રાજકારણના અનુભવ પછી સુજાતાબેનનું રાજકારણમાં અને પાટનગરમાં વજન વધી રહ્યું છે એ એમની સમજ બહારની વાત બની ગઇ છે. એક સામાન્ય રાજકીય મહિલા કાર્યકર મુખ્યમંત્રી સાથે ઉઠવા-બેસવાનો સંબંધ બનાવી શકે એ આશ્ચર્યની વાત હતી.

એક અખબારની વેબસાઇટે તો એવો દાવો કર્યો હતો કે સુજાતાબેનની મુખ્યમંત્રી સાથેની આ બેઠક રાજ્યના રાજકારણમાં મોટી ઉથલપાથલના સંકેત આપી રહી છે. જનાર્દનને થયું કે સુજાતાબેનની દસ મિનિટની મુલાકાતના સો અર્થ કાઢવામાં આવી રહ્યા છે. કેટલાક રાજકારણી મિત્રોના ફોન આવી ગયા પછી જનાર્દનને ચટપટી જાગી હતી પણ હિમાનીનો ફોન આવતો ન હતો. જનાર્દનને થયું કે મારે જ ફોન કરીને જાણકારી મેળવવી પડશે. હિમાની સાથે જાય છે એટલે સારું છે કે આધારભૂત માહિતી મળે છે.

જનાર્દન પક્ષના કાર્યાલયની બહાર નીકળી પોતાની કારમાં બેઠો. તેના ફોનની રીંગ જઇ રહી હતી. છેલ્લી રીંગ હશે અને હિમાનીએ ફોન ઉઠાવે લીધો. જનાર્દન ખુશ થઇ બોલ્યો:"હિમાનીદેવી સાથે વાત થઇ શકશે?"

"તમને આ ગરમ રાજકીય વાતાવરણમાં મજાક સૂઝી રહી છે જનાર્દન?"

"કેમ? સુજાતાબેનની મુખ્યમંત્રી સાથેની મુલાકાતના પડઘા શમતા જ નથી?"

"ના, હું હમણાં જ મારા રૂમમાં આવી છું. મુખ્યમંત્રીના બંગલા પરથી અમે નીકળ્યા એ પછી સતત બેનના ફોનની રીંગ વાગી રહી હતી. એમણે એકપણ ફોનનો જવાબ આપ્યો નથી. હું એમને કંઇ પૂછવાની હિંમત કરી શકી નથી. એ મુખ્યમંત્રીને મળીને આવ્યા પછી ગંભીર જ હતા. હા, એમણે એક કલાક પછી મને એમના રૂમમાં મળવા બોલાવી છે..."

"અચ્છા, તો તું એમની સાથે જ કારમાં હતી. અને એ એકલા મુખ્યમંત્રીને મળવા ગયા હતા. તને શું લાગે છે કે એ જાતે ગયા હતા કે એમને મુખ્યમંત્રીએ બોલાવ્યા હશે...?"

"થયું એવું કે એ મારા રૂમ પર આવ્યા અને કહ્યું કે આપણે હમણાં જ એક રાજકારણીની મુલાકાત માટે જવાનું છે. કાર મુખ્યમંત્રીના બંગલા પાસે પહોંચ્યા પછી મને ખબર પડી કે અમે ક્યાં આવ્યા છે. એમણે મને કારમાં જ બેસવાની સૂચના આપી."

"આ તો બહુ રહસ્ય ઉભું થઇ રહ્યું છે. સુજાતાબેન હું સમજું છું એવા ભોળા કે નાસમજ રાજકારણી નથી. એ ભલભલાને ભૂ પાઇ દે એવા બની ગયા છે. આપણે તો ખુશ થવું જોઇએ કે એમની કિંમત રાજકારણમાં વધી ગઇ છે. અને તું વધારે નસીબદાર છે. પણ મને એમના સ્વભાવની ખબર છે. એ બીજા રાજકારણીઓ જેવા સ્વાર્થી, જાડી ચામડીના કે શરમ વગરના નથી. એ પોતાનું રાજીનામું આપવા ના ગયા હોય તો સારું છે..."

"જનાર્દન મને એ જ ચિંતા છે. એમણે જ્યારથી રાજીનામું આપી દેવાની વાત કરી છે ત્યારથી મને ચિંતા થવા લાગી છે. આ ગંદા રાજકારણમાં એમના શ્વાસ રુંધાતા હોય એવું લાગે છે. એ આજના રાજકારણની પરિસ્થિતિથી વ્યથિત છે. કદાચ પોતાની આ વેદના ઠાલવવા એ મુખ્યમંત્રી પાસે ગયા હોય એવું બની શકે..."

"એ રાજીનામું આપી ના દે તો સારું છે. તું એક વખત એમને કહેજે કે તમે રાજીનામું આપવાની ઉતાવળ ના કરશો. જનાર્દન કહેતો હતો કે આપણે બધાં સાથે બેસીને ચર્ચા કરીશું. પછી તમને જે ઠીક લાગે એ કરવા સ્વતંત્ર છો જ...ચાલ ત્યારે, હવે જે વાત થાય એ તારી અનુકૂળતાએ જણાવજે. આજે પાછા આવવા નીકળવાના છો ને?"

"સુજાતાબેન પર બધો આધાર છે." કહી હિમાનીએ ફોન મૂકી દીધો.

હિમાની બીજો કોઇ વિચાર કરે એ પહેલાં જ ફોન રણકી ઉઠ્યો. સુજાતાબેનનો જ ફોન હતો. તે બોલ્યાં:"હિમાની, તું તૈયાર થઇ જા. આપણે થોડીવારમાં ઘરે જવા નીકળીશું..."

"જી બેન" કહી હિમાની પોતાની બેગ તૈયાર કરવા લાગી.

હિમાની સાથે વાત કરીને કંઇક વિચાર કરતો જનાર્દન કારની બહાર નીકળ્યો અને કાર્યાલય તરફ જતો હતો ત્યાં મેસેજ ટોન વાગ્યો. તેણે ઝડપથી ફોનમાં જોયું તો હિમાનીનો મેસેજ હતો કે અમે હમણાં નીકળીએ છીએ.

જનાર્દને કંઇક નક્કી કરી લીધું અને કાર્યાલય પર જઇને મિત્રવર્તુળને કહી દીધું કે તે અગત્યના કામથી નીકળી રહ્યો છે. તમે કેટલુંક કામ પતાવીને નીકળી જજો.

જનાર્દનને થયું કે સુજાતાબેન વિશે નવા નવા સમાચાર આવતા રહેશે અને બધા એને પૂછતા રહેશે. પોતાની પાસે કોઇ વાતનો જવાબ નથી. ઘરે પહોંચીને શાંતિથી બેસી રહેવામાં જ મજા છે. રસ્તામાં તેને થયું કે સુજાતાબેનના મનમાં અહીં હતા ત્યાં સુધી રાજીનામું આપવાનો વિચાર ન હતો. એ તો મને ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી પ્રજાની સુખાકારી માટેના કામોની તૈયારી કરવાનું કામ સોંપી ગયા હતા. ત્યાં કોઇ એવી ઘટના બની કે જેનાથી નિરાશ થઇને તેમના મનમાં રાજીનામું આપવાનો વિચાર આવ્યો છે. જનાર્દને પોતાનો એક વિચાર દ્રઢ કર્યો. સુજાતાબેનને રાજીનામું આપતા અટકાવી શકે એવા એક જ માણસ છે. એમને હમણાં જઇને ફોન કરી જ દઉં. પછી એવું ના થાય કે ઘણું મોડું થઇ જાય. એમને વાત કરવાથી જો સુજાતાબેને મુખ્યમંત્રીને રાજીનામું આપ્યું હશે તો એને સ્વીકારાશે નહીં.

જનાર્દને ઘરે જઇ સૌથી પહેલું કામ 'ભારત લોકસમર્થન સંવાદ પાર્ટી' (બી.એલ.એસ.પી.) ના રાષ્ટ્રીય પ્રમુખ શંકરલાલજીનો મોબાઇલ નંબર મેળવવાનું કર્યું. ઘણા પ્રયત્ન પછી પણ તેને મોબાઇલ નંબર મળ્યો નહીં. આખરે પક્ષની વેબસાઇટ પરથી એમના કાર્યાલયનો લેન્ડલાઇન નંબર મેળવ્યો. ફોન કરતા પહેલાં જનાર્દન અટકી ગયો. મારું આ પગલું સુજાતાબેનને નહીં ગમે તો? એમણે હમણાં રાજીનામું આપવાના હોવાની વાત કોઇને કરવાની નથી એવી સ્પષ્ટ સૂચના આપી છે. અને સુજાતાબેનનો વિચાર ફરી ગયો હોય તો શંકરલાલજી સાથે વાત કરવાનો કોઇ અર્થ જ રહેવાનો નથી. પોતે એક સામાન્ય કાર્યકર છે. છેક રાષ્ટ્રીય પ્રમુખ જેવા મોટા હોદ્દેદાર સાથે કેવી રીતે વાત કરી શકે? સુજાતાબેનના સહાયક તરીકે ઓળખાણ આપવાનું યોગ્ય ગણાશે નહીં. અને મને તો હિમાનીએ આ વાત કહી છે. સુજાતાબેને કંઇ કહ્યું પણ નથી. લાંબી વિચારણાને અંતે જનાર્દને રાષ્ટ્રીય પ્રમુખને ફોન કરવાનું માંડી વાળ્યું.

સાંજે સુજાતાબેન એમના ઘરે આવ્યા અને જનાર્દનને બોલાવ્યો ત્યાં સુધી તેના મનમાં જાતજાતના વિચારોનું ચક્ર ચાલતું રહ્યું. તેણે મનને પ્રફુલ્લિત રાખવા કારમાં પોતાને ગમતાં ગીતો મોટા અવાજે સાંભળવાનું શરૂ કર્યું.

સુજાતાબેનના ઘરે પહોંચી ઔપચારિક વાતો પછી એમણે કહ્યું કે મારો રાજીનામું આપવાનો વિચાર મુખ્યમંત્રી સાથેની મુલાકાત પછી વધારે દ્રઢ બની ગયો છે.

જનાર્દનને થયું કે હવે તે સુજાતાબેનને કેવી રીતે સમજાવી શકશે? તેને થયું કે પોતે રાષ્ટ્રીય પ્રમુખ શંકરલાલજીને ફોન કરીને સમજાવવાનું ના કહી શકે પણ એમની સાથે ચર્ચા કરવાનું તો કહી જ શકે છે. જનાર્દને સહેજ વિચારીને શબ્દો ગોઠવતાં કહ્યું:"બેન, તમે દરેક નિર્ણય સમજી વિચારીને જ લો છો. તમે તમારી જગ્યાએ સાચા જ હશો. મને લાગે છે કે...રાજીનામું આપતા પહેલાં એક વખત રાષ્ટ્રીય પ્રમુખ શંકરલાલજી સાથે ચર્ચા કરી લેવી જોઇએ..."

"જનાર્દન, મેં એમની સાથે વાત કરી લીધી છે. મેં કહ્યું કે આવા કીચડમાં હું કામ કરી શકું નહીં. મેં કેટલી આશા અને ઉમંગ સાથે પરિવર્તન લાવવા રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. એમણે મારી વાતો સાંભળીને મારી લાગણીને સમજી છે... અને એમણે જ મને રાજીનામું આપવા કહ્યું છે..."

"શું...?" જનાર્દનને પોતાના કાન પર વિશ્વાસ ના આવતો હોય એમ પૂછાઇ ગયું.

ક્રમશ: