રાજકારણની રાણી
- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર
પ્રકરણ-૪૫
સુજાતાબેન ચૂંટાયેલા જાહેર થયા પહેલાં રાજીનામું આપવાનું વિચારી રહ્યા છે એ જાણીને જનાર્દનને મોટો આંચકો લાગ્યો હતો. તેમને આ પગલું ભરતા અટકાવવા જ પડશે એવું મનોમન નક્કી કરી ચૂક્યો હતો. લાંબો વિચાર કર્યા બાદ તેને એક જણ યાદ આવ્યું કે જે સુજાતાબેનને રાજીનામું આપતાં અટકાવી શકે છે. એમની સાથે વાત કરવાનું સરળ ન હતું. પોતે ક્યારેય મળ્યો નથી પરંતુ નામથી એ જરૂર ઓળખે છે એટલે ગમે તે રીતે એમનો સંપર્ક કરીને એમના કાને આ વાત નાખવી જ પડશે.
જનાર્દનને થયું કે એ પોતાના સ્વાર્થને કારણે એવું વિચારી રહ્યો નથી કે સુજાતાબેન રાજીનામું ના આપે. પોતે અને હિમાનીએ એમના પડખે રહીને કામગીરી એવી કરી છે કે એમની સામે ઉભા રહેલા હરિફોએ પણ હથિયાર હેઠા મૂકી દેવા પડ્યા હતા. પોતે સ્વાર્થ માટે નહીં પણ પ્રજાની ભલાઇ માટે ઇચ્છતો હતો કે તે રાજીનામું ના આપે. પ્રજાએ એમના પર વિશ્વાસ મૂક્યો છે. ચૂંટણી પહેલાં જ એમની જીત નક્કી થઇ ગઇ છે. વિધાનસભાની આ એક એવી બેઠક બની રહી જ્યાં 'ઇલેક્શનને બદલે સિલેક્શન' થયું હોય. લોકોએ સુજાતાબેન પર પસંદગીની એવી મોહર મારી કે મતપત્ર પર મતદાનની મહોર મારવાનો વખત જ આવ્યો નથી.
મોડે સુધી વિચાર કરીને જનાર્દન સૂઇ ગયો. હિમાનીએ કહ્યું હતું કે તેઓ આવતીકાલે બપોરે નીકળવાના છે. એનો મતલબ એવો થયો કે સુજાતાબેન હજુ કોઇને મળવાના છે. જનાર્દનને થયું કે સુજાતાબેન ક્યારે પાછા ફરે અને પોતે ક્યારે એમને સમજાવે કે રાજીનામું આપવાનો વિચાર પડતો મૂકો.
જનાર્દન સવારે વહેલો ઉઠી ગયો. તેને થયું કે પોતાના ખાસ રાજકીય મિત્રો સાથે આ બાબતે ખાનગી ચર્ચા કરે. પછી થયું કે સુજાતાબેને હજુ પોતાનો નિર્ણય જાહેર કર્યો નથી અને પોતે એમને સમજાવવાના છે એટલે આ વાતને બહાર પાડવાની જરૂર નથી. જનાર્દન પોતાના એક-બે અંગત કામ પતાવીને પક્ષના કાર્યાલય પર પહોંચ્યો ત્યારે તેના મિત્રો આવી ગયા હતા. એમણે પહેલો પ્રશ્ન એ જ પૂછ્યો કે સુજાતાબેનની મુલાકાત કેવી રહી? જનાર્દને એમ કહીને વાતને આગળ વધતા અટકાવી કે ગઇકાલે સુજાતાબેન એટલા વ્યસ્ત હતા કે મારાથી તો શું હિમાનીથી પણ સરખી વાત થઇ નથી. આજે સાંજે બંને પાછા ફરશે પછી ખબર પડશે. એક મિત્રએ છાતી ઠોકીને કહ્યું કે સુજાતાબેનનું મંત્રીપદ પાકું જ હશે. જનાર્દનને થયું કે એમનું પાકું થયેલું ધારાસભ્યપદ એમણે ઠુકરાવવાનો નિર્ણય લઇ લીધો છે એની તને ખબર નથી. ધારાસભ્ય જ નહીં રહે તો મંત્રી ક્યાંથી બનવાના હતા?
જનાર્દન વિચારતો હતો ત્યાં એક કાર્યકર દોડતો આવીને હાથમાં મોબાઇલ ઉપર મોટા અવાજે ટીવીની ચેનલ ચાલુ રાખી બતાવતાં બોલ્યો:"જનાર્દનભાઇ, આ સમાચાર જુઓ..."
"કેમ શું કોઇ મહત્વના સમાચાર છે?" કહેતા જનાર્દને મોબાઇલમાં જોયું તો સુજાતાબેન રાજ્યના મુખ્યમંત્રીના બંગલાની અંદર જઇ રહ્યા હતા. ટીવી ચેનલવાળા પાસે એક જ દ્રશ્ય હતું. અને એને જ વારંવાર બતાવી રહ્યા હતા.
જનાર્દનને થયું કે આવી કોઇ વાત કાલે ન હતી. સુજાતાબેન અચાનક મુખ્યમંત્રીની મુલાકાતે કેમ ઉપડી ગયા હશે? તેણે તરત જ હિમાનીને ફોન લગાવ્યો. એણે ઉપાડ્યો નહીં. એ જોઇ એક કાર્યકાર ઉપહાસમાં બોલ્યો:"જનાર્દનભાઇ તમને પણ આ વાતની ખબર નથી?"
"જો ભાઇ, સુજાતાબેનની રજેરજની માહિતી અમે રાખતા નથી. એમની આ મુલાકાત મહત્વની હશે. એ પોતાના દરેક પગલાની અમને જાણ કરે એ જરૂરી નથી. અને આવી વાતોનો ઢંઢેરો ના પીટવાનો હોય. મીડિયાને ખબર પડી જાય તો જાતજાતના તર્ક કરીને પાછળ પડી જાય."
જનાર્દનની વાતને ટીવીની ચેનલ સાચી સાબિત કરી રહી હતી. જનાર્દને જોયું કે સમાચાર ચેનલ 'તાજા ખબર- હમણાં હમણાં' પર 'એક્સક્લુઝીવ' લખીને કેટલાક દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા હતા અને અહેવાલ અપાતો હતો.
"જુઓ...બહુ ઝડપથી સુજાતાબેન મુખ્યમંત્રીશ્રીના બંગલા પર જઇ રહ્યા છે. આ મુલાકાતને ગુપ્ત રાખવામાં આવી હતી. પરંતુ અમારા ચોકન્ના રિપોર્ટરની નજર બહાર કશું રહી શકે નહીં. એમને મુખ્યમંત્રીશ્રીના બંગલે જતા કેમેરામાં ઝડપી લીધા છે. આ દ્રશ્યો ફક્ત અમારી પાસે જ છે. રાજ્યની ચૂંટણીના પરિણામો આવવાના છે ત્યારે આ મુલાકાત મહત્વની માનવામાં આવે છે. સુજાતાબેન રાજકારણમાં નવા છે પરંતુ એમનો પ્રભાવ વધી રહ્યો હોવાની આ સાબિતી છે. પહેલી વખત વિધાનસભાની ચૂંટણી લડનાર સુજાતાબેન બિનહરિફ ચૂંટાઇ આવ્યા પછી એમનું પક્ષમાં વજન વધી ગયું છે. પક્ષની અન્ય બેઠકો માટે તેમણે ધૂંઆધાર પ્રચાર કરીને ઘણી બેઠકો સલામત બનાવી દીધી છે. તેમની મુખ્યમંત્રીશ્રી સાથેની આ મુલાકાતથી રાજકારણમાં નવા સમીકરણો રચાવાની શક્યતા જોવાઇ રહી છે..."
જનાર્દને સમાચારને વ્યવસ્થિત જોવા માટે કાર્યાલયનું ટીવી ચાલુ કર્યું અને એની સામે ખુરસી નાખીને બેસી ગયો. સુજાતાબેનની આ અણધારી મુલાકાત તેના મનમાં નવા અનેક પ્રશ્નો ઉભા કરી રહી હતી.
ટીવી પર આવી રહ્યું હતું:"....હા, મુલાકાત મહત્વની છે. અમાર રિપોર્ટર આ મુલાકાત પર પોતાની નજર રાખી રહ્યા છે. થોડી જ વારમાં કોઇ ખબર મળી શકે એમ છે..."
ટીવી ચેનલ પર મુખ્યમંત્રીના બંગલાથી સીધું પ્રસારણ શરૂ કરી દેવામાં આવ્યું હતું. ઘણી ટીવી ચેનલના કેમેરામેનો અને પત્રકારો ત્યાં બેસીને સુજાતાબેનના બહાર નીકળવાની રાહ જોઇ રહ્યા હતા. ટીવી ચેનલો જાતજાતની અટકળો કરી રહી હતી. દસ મિનિતમાં જ સુજાતાબેન બંગલામાંથી બહાર આવતા દેખાયા. ટીવી ચેનલોના પ્રતિનિધિઓ અને પત્રકારો તેમની પાસે ધસી ગયા. બંગલાના સુરક્ષાકર્મીઓએ એમનાથી બધાંને દૂર રાખ્યા. પત્રકારોએ સવાલોનો મારો શરૂ કરી દીધો હતો.
સુજાતાબેન હાથનો ઇશારો કરી બધાને શાંત રહેવા કહી રહ્યા હતા. થોડી શાંતિ સર્જાઇ એટલે તે બોલ્યા:"જુઓ, મિત્રો...જરા શાંતિ રાખો...મારી વાત સાંભળો, તમારી પાસે હજાર સવાલ હશે પણ મારી પાસે એક જ જવાબ છે... એ સાંભળી લો. મને મુખ્યમંત્રીશ્રીએ ઔપચારિક મુલાકાત માટે બોલાવી હતી. તેમણે મને બિનહરિફ રહી ચૂંટણી જીતવા અભિનંદન આપ્યા છે. બીજી કોઇ વાત નથી..."
બોલતાં બોલતાં જ સુજાતાબેન પોતાની કાર પાસે પહોંચીને ઝડપથી અંદર બેસી ગયા. ડ્રાઇવરે એક ક્ષણનું પણ મોડું કર્યા વગર કાર મારી મૂકી. કાર પાછળ કેટલાક કેમેરામેન દોડતા દેખાયા.
ટીવી ચેનલવાળાઓએ તેમની વાતના આધારે પોતાનો મત વ્યક્ત કરવાનું શરૂ કરી દીધું હતું. જનાર્દનને એમાં રસ ન હતો. એમના તર્ક ટીવીના દર્શકો માટે સમય પસાર કરવા માટે હતા. જનાર્દન પોતાના અનુભવને આધારે તર્ક કરવા લાગ્યો:"મુખ્યમંત્રીશ્રીએ સુજાતાબેનને માત્ર અભિનંદન માટે બોલાવ્યા હોય એ માની શકાય એમ નથી. ગઇકાલની બેઠકમાં એ સુજાતાબેનને મળ્યા જ હશે. ત્યારે પણ એ અભિનંદન આપી શક્યા હોત. અને એમને મુખ્યમંત્રીના કાર્યાલયને બદલે પોતાના બંગલે મુલાકાત આપવાનું કારણ સમજાતું નથી. સુજાતાબેન પણ કંઇક વિચારીને જ ગયા હશે. શું કોઇ ખાનગી વાત હશે? કે પછી એમણે પોતાનું રાજીનામું સોંપી દીધું હશે...?"