રાજકારણની રાણી - ૪૭ Mital Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાજકારણની રાણી - ૪૭

રાજકારણની રાણી

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૪૭

જનાર્દન તો સુજાતાબેનની વાત સાંભળીને આભો જ બની ગયો. તેણે કલ્પના કરી ન હતી કે સુજાતાબેનને રાજીનામું આપવાનુ કહેનાર રાષ્ટ્રીય પ્રમુખ શંકરલાલજી હશે. તે શંકરલાલને રજૂઆત કરીને સુજાતાબેનને રાજીનામું ન આપવા સમજાવવાનો હતો ત્યારે ખુદ શંકરલાલ જ એમને રાજીનામું આપવા પ્રોત્સાહન આપી રહ્યા હતા. મને તો આમાં દાળમાં કાળું લાગે છે. રાષ્ટ્રીય પ્રમુખ કોઇ ચાલ ચાલી રહ્યા હોય એવી શંકા ઉભી થાય છે. સુજાતાબેનના કારણે પક્ષને લાભ થયો છે. હવે એમની જરૂર ના હોય એમ એમને દૂધમાંની માખીની જેમ કાઢી નાખવા માગે છે. એમનો સ્વાર્થ સરી ગયો હોય એમ લાગે છે. આ રાજકારણીઓ આવા જ હોય છે. સુજાતાબેન સાવ ભોળા છે. એ ઘણા સમયથી શંકરલાલજીના અંગત સંપર્કમાં છે. એમનાથી વધારે પડતા પ્રભાવિત છે. શંકરલાલજીએ સુજાતાબેનની તકનીકથી આખા રાજ્યમાં ચૂંટણી લડવાનું ગોઠવ્યું અને એમને જ આ વળતર આપી રહ્યા છે?

જનાર્દનથી ના રહેવાયું. તે બોલી ઉઠ્યો:"સુજાતાબેન, શંકરલાલજીની આ વાત મને હજમ થઇ રહી નથી. તમે આખા રાજ્યને એક દિશા બતાવી, ખાસ તો લોકોમાં અપેક્ષા જગાવી કે રાજકારણ સારું થઇ શકે છે. રાજકારણીઓ સાચા અર્થમાં પ્રજાના પ્રતિનિધિઓ થઇ શકે છે. તે મેવા ખાવા નહીં પણ સેવા કરવાના અભિગમથી રાજકારણમાં છે. રાજકારણીઓ વિશેના અભિપ્રાય બદલવાની તમે પહેલ કરી અને શંકરલાલજી તમને જ પહેલાં બહાર કાઢી રહ્યા છે. તમે ઉતાવળ ના કરશો. રાજીનામું આપશો તો એ પ્રજાના પ્રેમનો દ્રોહ ગણાશે..."

"જનાર્દન! શાંત થઇ જા. તમારા બધાંની લાગણી હું સમજી શકું છું. પાટનગરની મુલાકાત દરમ્યાન આ હિમાની પણ મને આડકતરી રીતે દસ વખત કહી ચૂકી છે કે તમે રાજીનામું ના આપશો. હું જાણું છું કે આમાં તમારો કોઇ સ્વાર્થ નથી. તમે મારા જીવન વિશે વિચારો છો. પરંતુ સમય અને સંજોગો એવા છે કે રાજકારણીઓને એમની ભાષામાં જ જવાબ આપવો પડે એમ છે. મેં મારા વિચારો શંકરલાલજીને જણાવ્યા હતા. ચૂંટણીના પરિણામ પછીના આયોજન અંગેની પાટનગરની મીટીંગ વિશે મેં એમને વાત કરી ત્યારે એમને પણ આઘાત લાગ્યો હતો. તે આપણા રાજ્યને એક મૉડેલ બનાવવા માગે છે. મારા વિચારોને કારણે જ એમણે જોખમ લઇને બીજા ઉમેદવારોને પસંદ કર્યા હતા. અને લોકોએ એમના વિચારોને માન આપ્યું હતું. રાજકારણને ચોખ્ખું બનાવવાનું અભિયાન શરૂ કર્યું હતું. પરંતુ જે ખાઇબદેલા જૂના રાજકારણીઓ છે એમનું ધ્યેય સત્તા અને માત્ર સત્તા છે. સત્તાને સાધન બનાવીને તેઓ પોતાના ખિસ્સા ભરવા માગે છે. પ્રજાનું જે થવાનું હોય તે થાય પોતાને લાભ થવો જોઇએ. આવી વિચારસરણીને બદલવા શંકરલાલજી પ્રયત્નશીલ છે. પરંતુ હાલના મુખ્યમંત્રીશ્રી રાજેન્દ્રકુમાર એમાં ફિટ થાય એવા નથી. એમણે જ મને કહ્યું કે તું રાજીનામું આપવાનું નાટક કરજે. અને તારી સાથે બીજા ઉમેદવારોનો સાથ લેજે. હું એમને મારી રીતે ખાનગીમાં ભલામણ કરીશ કે જે સિધ્ધાંતો પર તમે ચૂંટણી લડ્યા છો તો એને જાળવી રાખવા આ જરૂરી છે. રાજેન્દ્રકુમાર પર એવું દબાણ આવવું જોઇએ કે તે પોતાનો સ્વાર્થ ભૂલીને લોકો માટે કામ કરવા તૈયાર થાય. ખુદ શંકરલાલજીએ પણ આ બાબતે રાજેન્દ્રકુમારને ઠપકો આપ્યો હતો. હું એમને મળવા મુખ્યમંત્રી નિવાસ પર ગઇ એનું સાચું કારણ આ જ હતું. તે ગભરાયેલા છે. તેમણે જ મને મળવા બોલાવી હતી. અને સમજાવી કે તમે રાજીનામું ના આપશો. તમને મોટું મંત્રીપદ અપાવીશ. તમારી સાથેના ધારાસભ્યોને પણ સમજાવજો. મેં એમને કહ્યું કે હું આ બધું મંત્રીપદ પામવા માટે કરી રહી નથી. રાજીનામું આપવાની વાત તમારું નાક દબાવવા કરી રહી નથી. અમે નાકવાળા છીએ. જેની પાસે મત માગ્યા છે એમની શરમ આવે એવું કંઇ કરવા માગતા નથી. જો આપણે લોકોનું વિચારવું જ નથી તો આ સત્તાનો કોઇ અર્થ નથી. એના કરતાં કોઇ કંપની ઉભી કરીને પોતાનો ધંધો કરવો જોઇએ. જો કમાવાની જ ભાવના હોય તો કોઇ બિઝનેસ શરૂ કરવો જોઇએ. અને પ્રજાના પ્રતિનિધિને પગાર મળે જ છે. તમે પ્રજાના સેવક તરીકે સામે આવ્યા છો ત્યારે એમની સેવા સિવાય બીજો કોઇ ઇરાદો હોવો ના જોઇએ. મારી વાત મુખ્યમંત્રીશ્રીને તીખા મરચાં જેવી લાગી હશે. એમને થયું હશે કે આ નવી નિશાળિયણ મને નૈતિકતાના પાઠ ભણાવવા આવી છે. મેં નક્કી કર્યું હતું કે એમને જે સમજવું હોય એ સમજે. મેં એમને મારો નિર્ણય જાહેર કરી દીધો અને મારી સાથે બીજા ઘણા ઉમેદવારોનું સમર્થન છે એની પણ વાત કરી દીધી. રાજેન્દ્રકુમાર અત્યારે તો સમસમીને બેસી ગયા છે. એમને ખબર છે કે સરકાર બનાવવા અમારા મતની એમને જરૂર પડે એમ છે. મને લાગે છે કે અત્યારે તો એમણે મને આશ્વાસન આપી દીધું છે, પણ ખરો રંગ એ ચૂંટણીના પરિણામો પછી બતાવશે. એમને લાગશે કે અમારા વગર તેઓ સરકાર બનાવી શકે છે તો રાજીનામા સ્વીકારી લેશે. વિપક્ષમાંથી થોડાકને કાયદાની છટકબારીઓનો ઉપયોગ કરી ખેંચી લાવશે..."

"બેન, આ રાજેન્દ્રકુમાર બહુ ખરાબ રાજકારણી લાગે છે. એ આપણા પર હુમલો પણ કરાવી શકે છે. સત્તા માટે આવા રાજકારણીઓ ભૂરાયા થતા હોય છે..." હિમાની ડરથી બોલી.

"હિમાની, રાજેન્દ્રકુમારને અત્યારે ખુશ થવા દે. મેં બાણપણમાં લખોટીની રમત, ગિલ્લીદંડા, સતોડિયું, બાવન પત્તાની રમત...લગભગ બધી જ રમતો રમી છે. કયું પત્તું ક્યારે ઉતરવું એની સમજ આ ક્ષેત્રમાં કામ લાગશે એની મને કલ્પના ન હતી. રાજેન્દ્રકુમારને ચૂંટણીના પરિણામો પછી ખ્યાલ આવશે કે તે રાજકારણની રમતમાં પોતાને ભલે એક્કો સમજતા હશે પણ હું રાજકારણની રાણી બનીને એમને પરિચય આપીશ." સુજાતાબેનના શબ્દોમાં અભિમાન નહીં પણ વિશ્વાસ છલકાતો હતો.

"હિમાની, બહેનની વાત સાચી છે. આવા રાજકારણીઓ એમ સમજતા હોય છે કે પોતે ખાં છે પણ એમને ખ્યાલ નથી હોતો કે એમનો મુકાબલો કરી શકે એવા લોકો પણ છે. રાજકારણને અતિશુધ્ધ તો બનાવી શકાશે નહીં પણ એમાંની કેટલીક ગંદકી દૂર થાય એ માટેનું સુજાતાબેનનું આ અભિયાન જબરદસ્ત છે. મને વિશ્વાસ છે કે એમને સફળતા મળશે. પરિણામ માટે લાંબી રાહ જોવાની જરૂર નથી. આવતીકાલે મતપેટીઓ ખૂલવાની છે. એમાં બધાંનું ભવિષ્ય ખૂલી જશે." જનાર્દન સુજાતાબેનની વાતો સાંભળી ખુશ થયો.

"મતપેટીમાંથી શું નીકળશે એ કોઇ કહી શકતું નથી. પરંતુ મને એટલી ખબર છે કે રાજેન્દ્રકુમારનું ભવિષ્ય શું છે!" સુજાતાબેન કંઇક વિચારીને બોલ્યા.

જનાર્દનને થયું કે મતપેટીમાંથી જે નીકળે તે પણ સુજાતાબેનના શબ્દોનો અર્થ બીજો જ નીકળી રહ્યો છે. તેમણે રાજેન્દ્રકુમારના ભવિષ્યની ગર્ભિત લાગે એવી આગાહી કરી છે.

ક્રમશ: