ચૌદ લોકના સ્વામી SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચૌદ લોકના સ્વામી

ચૌદ લોકના સ્વામી

મુખ્ય વૈજ્ઞાનિક શ્રીધરન ખુશ થઈ ગયા. એમની બાહ્ય સંદેશ મોકલતી ટીમે એમના અલ્ટ્રાહાઈ ફ્રિકવન્સી રડાર પર કોઈ સુરીલો અવાજ પ્રતિઘોષિત થતો સાંભળ્યો, રેકોર્ડ કર્યો અને ફરી ફરી દોહરાવ્યો.

“આશરે એક હજાર પ્રકાશવર્ષ દૂર. આપણાં સુપર કોમ્પ્યુટરોએ અંતર ગણી આપ્યું.” ભૌતિક શાસ્ત્રી શ્રી લાકડાવાલાએ કહ્યું.

એમની ટીમ આ પ્રોજેકટ પર વર્ષોથી કામ કરી રહી હતી. આ અવાજ તેમણે મોકલેલા ઓમ અને બીજા હેલો, નમસ્તે, સાયોનારા અને બીજા વિવિધ ભાષાના ગ્રીટિંગનો જવાબ હતો.

વાંસળીના સુરો જેવો સુરીલો, ક્યારેક મોટો શરણાઈ જેવો ક્યારેક તીણી વ્હીસલ જેવો. કોઈ બોલીમાં સંદેશો હોય તેમ લાગતું હતું.

શ્રીધરન સાહેબે અવાજનું પ્રતિબિંબ એક ચોક્કસ પેટર્નમાં જીલ્યું. એ પેટર્ન અનાયાસે સામેની સફેદ દીવાલ પર જીલાયું અને.. લો, કોઈ જાણીતા અક્ષરોની મિરર ઇમેજ! તેમના જુનિયર સિંઘએ સામે અરીસો રાખી વાંચ્યું. સિંઘના પિતા ઇતિહાસકાર હોઈ તેઓને જૂની લીપીઓનો ખ્યાલ હતો.

“ અમે લોક 1 ના સ્વામી તમને પૃથ્વીવાસીને આશીર્વાદ આપીએ છીએ.” સંસ્કૃત, પાલી અક્ષરો જોયા.

બીજે દિવસે અખબારો આ અપ્રતિમ વૈજ્ઞાનિક સિદ્ધિને બિરદાવતા સમાચારોથી છલકાઈ ગયાં.


ખરું કાર્ય હવે શરૂ થયું. પ્રકાશવર્ષથી પણ ઝડપી સિગ્નલો મોકલવાનું. પણ ત્યાં તો મિરર ઇમેજ આવી

“હે ક્ષુલ્લકો, શૂન્યવકાશમાં પરવલયની જેમ લિપિ મોકલો. અમારી કેમ આવે છે?”

શ્રીધરને તુરત પુછાવ્યું, “સાદર પ્રણામ. આભાર. પણ આપનો ધ્વનિ સંદેશ અમે ઝીલીએ છીએ, આપનો સંપર્ક કરવો છે. આપના ચહેરાઓ અને વાતાવરણ નો અભ્યાસ કરવા ઇચ્છુક છીએ.”

“અમે તમને મદદ કરતા જ રહ્યા છીએ. અમે તમારા જ એક માનવીને એક અદ્રશ્ય બળની ટ્યુબમાં મોકલીએ છીએ. મળે એટલે અમે હવે મોકલેલો સંદેશ પ્રસારિત કરશો. લોકપાલ લોક 1.”

સામેથી એક સુસવાટો આવ્યો અને એક વંટોળમાંથી માનવ કાયા ઉભી થઇ.

“હું અદ્રીવાહન. બેહજાર વર્ષ પહેલાં મૃત્યુ પામી લોક 1 માં ગયેલો માનવ. ચાલો. સમય ઓછો છે. તમારા કોઈ પણ ચૌદ માણસોની સીક્રેટ આંખ ખોલું. તમે મારા વિચાર સીધા તમારી ભાષામાં સમજી શકશો અને તમારા વિચારો હું ત્યાં સમજાવીશ.”

તેણે થોડી વારમાં આંતરલોક દુભાષીઆનું કામ શરૂ કર્યું.

પરિણામો કઈંક આવાં હતાં. હિન્દુશાસ્ત્રોની ચૌદ લોકની કલ્પના સાચી છે. સ્વર્ગ એક અનુકૂળ વાતાવરણવાળો લોક છે. નરક એક અતિ પ્રતિકૂળ જીવનશૈલીવાળો લોક છે. બધા લોક ઉપર અધિક્ષક સુપર બુદ્ધિશાળી લોક 1 છે.

સાતમું પાતાળ અને સાતમું આસમાન કહેવાય છે કેમ કે પૃથ્વીલોક બરોબર વચ્ચે છે. એક માત્ર જંતુઓ અને બેક્ટેરિયા જેવા જીવોનો લોક 11 છે. એમાં પણ જંતુઓ પોતાને ચડિયાતાં ગણી બેક્ટેરિયાઓ પાસેથી વૈતરું કરાવે છે પણ બેક્ટેરિયાઓ પૈકી કેટલાક ખૂબ બુદ્ધિશાળી અને મિત્ર ભાવનાવાળા છે. તેમને લોક 1 એ જ મોકલ્યા છે.જેમ કે દહીંના બેક્ટેરિયા જીવાણુઓ અને રોગ પ્રતિકારક જીવાણુઓ.

લોક 9 અતિ કદાવર પણ બુદ્ધિના લઠ્ઠ જીવોનો છે. તેઓ પૃથ્વીલોક પર ત્યાં જીવવાના સ્ત્રોત ખૂટતાં લોક 1 ની ખાલી મુલાકાતની પરવાનગી માંગી આવેલા અને લોક 7 એટલે કે પૃથ્વી પર સ્વામીત્વ પામવું હતું. અહીંના હવા પાણી અને લોક 1 ની મદદથી તેમને હરાવી માણસે તેમને ઢોર બનાવ્યા. તેમની ફ્રી સેક્સ લાઈફ થોડી અંકુશમાં લાવી તેમની નારીઓનું દૂધ વધારી પોતે ઉપયોગમાં લેવા માંડ્યા. તેમના પુરુષોને હળે જોતરી કે ગાડી, ઘાણી વગેરે સાથે બાંધી મજૂરી કરાવવા લાગ્યા. કાળ.ક્રમે તેમની કાયા નાની થઈ ગઈ અને કેડ ભાંગી જતાં તેઓ ચાર પગે ચાલવા લાગ્યા.


એક વૈજ્ઞાનિકે રાજકારણીઓના કહેવાથી સંદેશ મોકલ્યો કે અમે બીજા લોક કરતાં બુદ્ધિશાળી છીએ. તમને અનુકૂળ હોય તો તમારા ગ્રહ પર વસવાટ કરતા લોકો અથવા તમારા સ્ત્રોત અહીં અમારા ઉપયોગ અર્થે લાવીએ.


હવે લોક 1 ભડક્યો. સૂચનાઓ આપવા લાગ્યો કે અમે કહીએ તેમ કરો. એક ચેતવણી પણ આપી કે અમારે કોઈ શરીર નથી, વાયુ રૂપ પણ નથી. અમે અણુપુંજ છીએ. વિચાર કરવા અને અમલમાં મૂકવા નજીક રહેલા ચોક્કસ પુંજ એકત્રિત થઈએ.

“જો અમે હજાર પ્રકાશવર્ષ દૂર તમારા માણસને મોકલી શકીએ તો અમે અણુપુંજમાં વેરાઈ પળવારમાં તમારા મગજનો કબજો લઈ તમને વિચારહીન બનાવી શકીએ. આમેય તમે જેને ઝોમ્બી કહો છો , અમારા માટે તમે એવા જ છો. તમે સ્ત્રોતની વાત કહી પણ એ અમે મહેનતથી સર્જન કર્યા છે અને એ કેટલું ચાલશે તેની ગણતરી કરી જતન કરીએ છીએ. તમને કોઈ સ્ત્રોત જળવાય તેની ખબર જ નથી.

અને ખબર છે અમે જ સર્જીને મોકલેલ જીવો તમે છો? હવે અમે ચડી આવશું. લોક 8 ના લોકોને તમે ગુલામ કર્યા છે એને પણ છોડાવીએ છીએ.

અમારી ચડાઈની રાહ જુઓ.”

આ તો સંકટ. શ્રીધરને અદ્રીવાહનને પૃથ્વીલોકને લોક1ની ગુલામ થતી રોકવાનો ઉપાય પૂછ્યો.

અદ્રીવાહન કહે :”હું લોક 4 સ્વર્ગલોકથી આવું છું. અઘરી તો પણ તેમની વિચાર આધારિત બોલી અમને આવડે છે. પૃથ્વી લોક 7 છે. લોક 6 વૈતરણી એટલે કે નો જીવ લેન્ડ છે. ત્યાંથી આગળ લોક 1 ની પરવાનગી વાળી ચોકી ઓળંગીને જ જઈ શકાય છે. કોઈક રીતે લોક 1 ના સંપર્કમાં રહેલા ત્રિભુવન સ્વામી એટલે લોક 7, 5,4 ના સ્વામી કૃષ્ણ, તમારા ભગવાન. તેમનો તાત્કાલિક સંપર્ક કરો.”


ઓચિંતો અદ્રીવાહન ઓગળી ઉપર ખેંચાવા લાગ્યો.

જતાં જતાં તેનો સંદેશો હતો “મેં લોકપાલ 1 ની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. તમને તેમની ચડાઈ સામે રક્ષણ માટે કૃષ્ણ બતાવ્યા એટલે હવે.. “

ઓચિંતો અદ્રીવાહન એક અણુબોમ્બની જેમ ફુટ્યો પણ જતાં સામેની દીવાલે એક ફ્લેશમાં કોઈ કોડ થયો.

સિંઘ એકધ્યાન થઈ એ ફ્લેશ જોઈ રહ્યો.

“અરે! આ તો કોઈ કોડ છે જેને અવાજમાં ફેરવી શકાય.”

તે કોડ આમતો વિવિધ મુદ્રાઓ, અક્ષરો અને ચિત્રો વાળો 1000 ઉપર અક્ષરોનો હતો પણ ખાસ પ્રકારના સુપર કોમ્પ્યુટરે તેને ધ્વનિમાં ટ્રાન્સલેટ કર્યો.

“ હું કૃષ્ણ. હું … જગ્યાએ ….ગ્રહ પર લોક 4 માં રહું છું. તમારી મદદે છું.”

એક જૂનો આરકાઈવમાં હોય તેવો કોડ પણ સાથે હતો. તેનું ધ્વનિમુદ્રણ “હું વીજળી આકાશે રહું તારો વેરી ગોકુળ કહું” થયો. ઠીક. કૃષ્ણના જન્મ પછી વિજળીએ મોકલેલ સંદેશ સાથે આવ્યો.

કૃષ્ણે કહ્યું કે લોક 1 સહુ ચૌદલોકનો સ્વામી છે. તેની આજ્ઞા સર્વોપરી છે. તે તમારો મિત્ર, કહો કે પાલક છે. તમારા પરપરદાદા છે. તેનો આશય તમારી ઉપર કબજો કરવાનો નથી. તમે આદિ કાળથી તેના કબ્જામાં જ છો. તમે અત્યારે ભયમાં છો. જેમ કોઈ યવન દેશ તમારી સરહદમાં આવી સળી કરી જાય તેમ લોક 8 સરીસૃપ એટલે કે નાગલોકની મદદ લઈ તમારી પૃથ્વી પર જીવાણુલોકના ઝેરી વાઇરસ, બેક્ટેરિયા મોકલી તમને ખતમ કરવા માંગે છે. પોતાની હવે ટૂંકી પડતી જગ્યાને લીધે તમારો કબ્જો લઈ શકે છે. લોક 1 એ તેમને શિસ્તમાં રાખેલા. લોક 1 તેમની સામે લડવા તૈયાર છે. હા, તે પછી તમને મદદ કર્યા પછી તમારા મગજોનો કબ્જો લઈ તમને તેઓના કહ્યાગરા યંત્રો બનાવી શકે છે. અત્યારે તમે લોક 1 ના અધિક્ષકનો ખોફ વહોર્યો છે.”


શ્રીધરનની ટીમે તેમને પ્રણામ કરી લોક 1 સામે શું કરવું તે પૂછ્યું.


“હું તમને, કેટલાક ચુનંદા વૈજ્ઞાનિકોને અજ્ઞાત જગ્યાએ રહેતા સંન્યાસીઓ પાસેથી વિચારરૂપી શસ્ત્રો વાપરતાં શીખવું છું. વિચારના સંપ્રેક્ષણથી તમે તેમના વિચારો લોક 6 વૈતરણી પાસેથી જ વિખેરી દઈ શકશો. હા તેમાં અવકાશમાં ખેતી કે સાવ નાના કણને મોટું કરી અનાજ ઉપજાવવું કે ફેક્સની જેમ શરીર ઓગાળી બીજે ટ્રાન્સમીટ થઈ ફરી પ્રગટ થવું જેવી ટેક્નિક શીખવા નહીં મળે. એ જ ટેકનીકથી તમે હવાના અણુઓમાં નવા ઘાતક વાઇરસનો સામનો કરવાનું શીખશો.”

વૈજ્ઞાનિકોને આત્મા સ્વરૂપે ઓગાળી તેમનાં શરીરો જેમનાં તેમ રાખી યોગીઓ પાસે મોકલ્યા. તેઓ 14, તેમણે દરેકે 14 એમ જોતજોતામાં કરોડો બુદ્ધિશાળીઓનું લશ્કર તૈયાર કર્યું.

કૃષ્ણ અહીં પણ પોતે સલાહકાર જ રહ્યા. પરંતુ લોક 1 માં વિચાર સ્વરૂપે તેમના ભક્ત નરસિંહને મોકલ્યા અને કહેવરાવ્યું કે લોક 7 પૃથ્વી તમારી સત્તાનો આદિકાળથી સ્વીકાર કરે છે. તમારો સંપર્ક થતાં તેઓ તમારી આજ્ઞાનો ભંગ થાય તેવું નહીં કરે. તેઓ તેમની ટેકનિકો તેમની રીતે વિકસાવતા રહેશે. તેમની તમને પસંદ ન પડેલી માગણી માટે તમારી ક્ષમા માંગે છે.”

લોકપાલ 1 એ તો પણ અણુસૈન્યને લોક 7 તરફ રવાના કર્યું જેનો વૈતરણી પાસે પ્રબળ વિચાર શસ્ત્રોથી પ્રતિકાર થયો. લોક 1 એ નરસિંહને બંદી બનાવ્યો પણ તેણે કારાવાસમાં સદેહે પામેલા તે કૃષ્ણને જ યાદ કર્યા.

લોક 1 ના લોકપાલને ખુદ અણુપુંજ બની દોડી જવું પોષાય તેમ ન હતું. તેમણે લોક 14, 13 વગેરેને પાછળથી ચડી આવવા આદેશ મોકલ્યો પણ તેઓ આંખ કાન જેવી ઇન્દ્રિય ધરાવતા ન હતા.

કૃષ્ણે સમજાવ્યું કે “મારી આડી વાંસળી અને આડો પગ એ વ્યૂહ રચનાનો ઈશારો છે. લોક 13, 14 ચડી આવે છે તેમને જમણી બાજુ ફંટાઈ જાય તેમ પ્રબળ વિચાર શસ્ત્રો વાપરી રસ્તામાં જ વાળી દો. ત્યાં કોઈ આકાશગંગાનું ખેંચાણ નથી.”

અને કુશળ વૈજ્ઞાનિકોએ તેમ કર્યું. લોક 13, 14 ના મોટા દળકટક તરફ સિગ્નલ વાળ્યાં. તેમનાં મગજ લોક 1 ના સંદેશ સમજ્યાં નહીં. ઉલટા લોક 1 તરફ બીજા કોઈ રસ્તે બીજી કોઈ આકાશગંગામાં થઈ જવા ગયા અને ભૂલા પડી નાશ પામ્યા કે જે થયું, લોક 7 સુધી પહોંચ્યા જ નહીં.

આખરે એક સંદેશ ફ્લેશ થયો જેને સિંઘે પ્રકાશનો ધ્વનિ અને ધ્વનિને તેની લિપિમાં ટ્રાન્સલેટ કરી વાંચ્યો:

“યતો ધર્મ તતો જય. લોક 1 તેની સત્તા કાયમ રાખે છે અને હવે અણુસૈન્ય પરત બોલાવે છે જે મારા લોક 4 સ્વર્ગમાં વાયુઆત્મરૂપે આવ્યું છે. તેઓ અત્રેથી આગળ તેમના મૂળ સ્વરૂપે શીઘ્ર ગતિ કરતા આગળ જાય છે. તેઓ તમારી ઉપર કબ્જો જમાવી શકશે નહીં.

દરેક જીવ ચૌદલોકના સ્વામીની સત્તા હેઠળ છે. આ વખતે મેં તમને બચાવ્યા. હવે તેનો સંપર્ક ન કરવો. આપણો ચિંતવ્યો અર્થ કઈ નવ સરે..

સુખી રહો . ધર્મનો જય હો.

ત્રિભુવન સ્વામી કૃષ્ણ.”

શ્રીધરને જાહેર તો કરેલું કે અમે ખૂબ દૂર બીજી મહાસત્તાનો સંપર્ક કર્યો પણ હવે નક્કી કર્યું કે એ પ્રોજેકટ અહીં જ અટકાવવો. લોકોએ સાબિતી માંગી કે તમે સાચે જ બીજા પરલોકવાસીનો સંપર્ક કરેલો? માનવું હોય તે માને. તેમને સાબિતી આપવા સિવાય બીજાં ઘણાં કામ છે. ટીમ તે કામોની યાદી બનાવવા લાગી.

-સુનીલ અંજારીયા