મીરાંનું મોરપંખ - ૨૧ શિતલ માલાણી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મીરાંનું મોરપંખ - ૨૧

નરેશ અને મીરાંની પ્રેમભરી મુલાકાત એના ભાઈ-ભાભી ગોઠવે છે. બન્ને સાથે રહી એકબીજાને સમજવાનો પ્રયત્ન કરે છે. નરેશે તો મીરાંના પ્રેમને મોરપંખનું નામ આપી હાથમાં ટેટુ જ ચિતરાવ્યું. આ એક નવા સંબંધની શરૂઆત હતી. હવે આગળ.....

મીરાં અને સંધ્યા ગાડીની પાછલી સીટમાં બેઠી હોય છે. મીરાં બારીની બહાર મહોબ્બતની દુનિયામાં ખોવાયેલી હોય છે. એના અંતરમાં હવે 'રાણો' જ છવાયેલો હતો. એણે તો આખું ટેટુ બનતા જોયું નરેશના હાથમાં. પલક ઝપકયા વગર નરેશે આખું ટેટુ થયું ત્યાં સુધી મીરાં પરથી નજર નહોતી હટાવી આ દ્રશ્ય મીરાંની આંખ સામે રમતું હતું. કયારે ઘર આવી ગયું એ ખબર જ ન પડી. સંધ્યા અને મોહિત બેય નીચે ઊતર્યા પણ મીરાં તો બંધ આંખે પણ હસતી હતી. સંધ્યાએ મજાકમાં જ કહ્યું " રાણાજી એમના મહેલમાં પહોંચી ગયા હશે. આપને આ મહેલમાં પ્રવેશ કરવાનો છે કે કુમુદફોઈ તેડવા આવે તમને... મીરાં..." આમ કહી મીરાંને ઢંઢોળે છે. મીરાં આંખો ખોલે છે તો એ પોતાના બંગલાના કારપાર્કીંગમાં હતી.
સંધ્યાએ ઈશારાથી ઘર તરફ આગળ વધવા જણાવ્યું. જાણે મીરાંની રાહ જોવાતી હોય એમ રાજવીએ સીધો જ સવાલ પૂછ્યો કે "આજ આટલી ખીલી ખીલી કેમ લાગે છે?"

સંધ્યા : " આજ અમે બન્ને પાર્લર ગયા હતા. સ્કીન ટ્રીટમેન્ટ માટે."

રાજવી : " મીરાં, તું તો હજી હમણા અઠવાડિયા પહેલા જ ગયેલી અને ફરીથી -"

કુમુદ : "હા, હવે ઓલ્યા રાણાને ઈમ્પ્રેસ કરવા કંઈક તૂત તો કરવા જોશે ને. લાલી - લપેડા અને પાવડરના થપેડા !"

રાજવી : "બેનબા, અત્યારે આ બધું પણ જરૂરી જ છે. શું તમે પણ-"

કુમુદ : " જરૂર હોય એ જાય. અહીં તો સુંદરતા કુદરતે જ બક્ષી હોય એને શું ખોટા ખર્ચા કરવા." ( પોતાના ગાલ પર જ બેય હાથ ફેરવતા ફેરવતા.)

આ સાંભળી મીરાંએ પણ જવાબ આપી જ દીધો. હસતા હસતા એના ગળામાં હાથ પરોવી કહ્યું કે "ફોઈ તમારા જેવી સુંદરતા મારી પાસે હોત તો આ રાણાજીને પણ હું ઘરજમાઈ બનાવત." બધી સ્ત્રીઓ હસી પડે છે. સંધ્યા એક જ સમજી કે પ્રેમબાણે કડવાશની જગ્યાએ મીઠાશનું મહત્વ સમજાવ્યું ખરા.

રાત્રે ડીનર સમયે બધા એક ટેબલ પર ગોઠવાયા. મીરાં એક જ નહોતી જમવામાં. રાહુલભાઈએ ખાલી ખુરશી સામે નજર નાંખી અને સીધી એ જ નજર કુમુદ પર પણ માંડી. કુમુદ તો રાહુલભાઈનો મૂડ પારખી અને બીકમાં બોલી ગઈ કે " આજ મેં તમારી લાડકડીને એક શબ્દ નથી કહ્યો." બે હાથ જોડીને ખાલી ખુરશીને નમન કરે છે. બધા ફરી હસી પડે છે અને જમે છે.

મીરાં પણ ફ્રેશ થઈને બેડ પર લંબાવે છે. આંખોમાં નરેશની તસવીર અને હોઠ પર એની નાદાન હસી જ છલકાતી હતી. એ પડખા ઘસતી ઘસતી સુવાનો પ્રયત્ન કરતી હતી પરંતુ, એ 'રાણા'ની યાદો સુવા જ નહોતી દેતી.
રાણાના હાથમાં પોતાનો હાથ, ઠંડો પવન, મોં પર શરમની લાલી અને એ પ્રફુલ્લિત વાતાવરણ બધી યાદી આંખોમાં વસી ગઈ હતી.

આ બાજુ નરેશના પણ આવા જ હાલ હતા. એણે રૂહીને ફોન કરી પોતાની અને મીરાંની પ્રથમ મુલાકાતની વાત કરી. બેયનો સ્વભાવ કેટલો મળે છે અને ક્યાં ખળે છે એ પણ જણાવ્યું. રૂહીએ પણ અભિનંદન આપતા કહ્યું કે "હવે ભારતમાં કાકા સાથે વાત કરી મંગળ મુહૂર્તમાં ફેરા ગોઠવી જ દો. જેવી રીતે અનુકૂળ આવે એ રીતે." આ વાતથી નરેશ થોડો ચિંતિત હતો. એને ફોન મૂકયો પણ એવી કઈ ચિંતા મગજમાં પેસી ગઈ કે એ પણ ન સૂઈ શકયો. સવારે જ પપ્પા સાથે એવું વિચારી સુવાનો પ્રયાસ કર્યો પણ ઊંઘ જ ન આવી.

સવાર પડી અને આંખે ઊંઘ ચડી. ઊઠવામાં બેયને મોડું જ થયું. નરેશ તો બ્રેકફાસ્ટ વગર જ ઓફિસમાં પહોંચ્યો. મીરાંને આવતા મોડું થયું એટલે સંધ્યા એના માટે ઓરેન્જ જ્યૂસ લઈ એના બેડરૂમમાં પહોંચી. એ રૂમમાં પહોંચે છે કે મીરાં તો પીચ કલરના ડ્રેસમાં સુંદર લાગી રહી હતી. મીરાંએ પોતે જ્યુસ ન પીતા પોતાની ભાભીને પ્રેમથી એ ગ્લાસ પીવડાવી દીધો.

------------------- (ક્રમશઃ) ------------------


લેખક : શિતલ માલાણી
28/11/2020
જામનગર