મીરાંનું મોરપંખ - ૪ શિતલ માલાણી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મીરાંનું મોરપંખ - ૪

આપણે આગળ જોયું કે મીરાંની સગાઈની ચર્ચામાં રાજવીબહેન પહેલીવાર કુમુદને કંઈક સંભળાવે છે. આ વાત પર કુમુદ બહુ નારાજ છે. કુમુદ હવે મીરાંની સગાઈની જ રાહ જુએ છે.

મીરાંને રૂમમાં બોલાવીને એની ભાભી સંધ્યાએ હળવેથી જયંતની વાત કરી. એના રૂપ રંગ, લાયકાત, માન મરતબો અને મિલકતના બે મોઢે વખાણ કર્યા. સંધ્યાએ જોયું કે આટલી વાત થયા પછી પણ મીરાં કોઈ જ ઉત્તર નહોતી આપી રહી હતી. એને બધી રીતે ફરી ફરીને પૂછ્યું કે " મીરાં, તારા સપનાનો રાજકુમાર તો ઘડવો પડશે ભગવાને. જો કોઈ દિલમાં વસી ગયો હોય તો એમ કહે. હું જ પપ્પાજીને વાત કરીશ."

મીરાંએ કહ્યું " ભાભી, મને રૂપ, રૂપિયો અને રજવાડું નથી જોતું. મને તો મિડલ ક્લાસનો કોઈ સીધો સાદો છોકરો હશે તો ચાલશે. ફક્ત એમના મૂળ ભારતીયતા સાથે જોડાયેલા હોવા જોઈએ. મારે ભારતને નિહાળવું છે દિલથી. 'એ મારા મનના માણીગર સાથે મારે 'ભારતીય ટ્રેન'ની સફર કરવી છે. એ મારા પતિદેવની સાથે જ મારે તાજમહેલ જોવો છે. ગામડું ખુંદવુ છે મારે. એની સાથે આબુ જેવા હિલસ્ટેશન પર અંગત પળો વિતાવવી છે.' મીરાં તો આવી વાતો કરતા કરતા એની દુનિયામાં જ ખોવાઈ ગઈ.

સંધ્યાએ આ બધી વાત રાહુલભાઈને કરી. રાહુલભાઈ એ પણ એના બિઝનેસ ગ્રુપમાં બધાને મીરાં માટે યોગ્ય મુરતિયો હોય તો ફોન કરજો એવો સંદેશ પહોંચાડી દીધો.
રાહુલભાઈનો રૂઆબ અને શાખ જોઈ કોઈ નબળી-સબળી વ્યક્તિ વાત કરવા ન પહોંચી. છેવટે એના દૂરના સંબંધી એવા રાકેશભાઈ અંગત કારણોસર એમના ઘરે પહોંચ્યા. એમની સાથે એક જુવાનિયો પણ હતો.

ભાવનગરમાં એક હોસ્પિટલ બનતી હોય એના માટે ફાળો લેવાનો હોય એ રાકેશભાઈ આવ્યા હતા એવું કુમુદે સાંભળ્યું. એ તો 'બાળોતિયાની બળેલી' હતી. એણે વ્હીલ ચેર પર બેઠા બેઠા જ પૂછી નાખ્યું કે " આ ભેળો દીકરો આવ્યો છે એ તમારો છે કે-"

રાકેશભાઈ - " ના રે ના બેન, એ મારા ભાઈબંધનો પોયરો છે. અહીં મારા ધંધામાં સાથ દે છે. મારી જવાબદારી ઓછી કરે અને મારી સાથે જ રહે છે. એ મહેસાણાથી આવ્યો છે. એના પપ્પા અને હું બેય સાથે નોકરી કરતા. એ તો હિંમત જ ન કરી શક્યાં ભોમકાને છોડવાની અને મેં સાહસ કરી કાઢ્યું."

કુમુદ : " કુંવારો છે કે -"

રાકેશભાઈ : " હા , હજી તો આવતે અઠવાડિયે સત્યાવીસનો થશે.ત્રણ વર્ષથી મારી જોડે છે."

કુમુદ : " તું ભાઈને વાત કરજે આ છોકરાની. મીરાં માટે આમપણ એ મૂરતિયો શોધે જ છે."

આ બધું સાંભળીને સાથે આવેલ છોકરો શરમાઈ ગયો. એણે ઊંચું ઊપાડીને એક વાર પણ કોઈ જવાબ ન આપ્યો.

કુમુદ : " એ દીકરા, તારું નામ તો કે." (મહેમાનની સામે જોઈને)

છોકરો : "કેશવ છે મારું નામ પણ અહીં બધા ક્રિશ જ કહે છે."

કુમુદ : " તું બહુ રૂપાળો છે. મને તો બહુ ગમ્યો."

આ છેલ્લા શબ્દો મીરાંએ ધ્યાનથી સાંભળ્યા. એ મનોમન બોલી 'તો તમે જ પરણી જાવ ને. મારી ચિંતા ઊપાડી છે તે.'
એણે હજી કેશવને જોયો જ નહોતો. કેશવનું ધ્યાન મીરાં સામે ન હતું.

થોડીવારમાં રાહુલભાઈ આવ્યાં અને હોસ્પિટલ વિશે ચર્ચા વિચારણા કરીને સહયોગ આપ્યો પણ ખરા. વાત વાતમાં રાકેશભાઈએ પણ મીરાંના સગપણની વાત કરી જ લીધી. રાહુલભાઈ એ પણ જવાબ આપ્યો કે "યોગ્ય પાત્ર મળશે તો જ. ઉતાવળ નથી કરવી હજુ."

હોળીનો સમય આવ્યો હતો. ગુજરાતી સમાજની પરંપરા મુજબ એ શહેરમાં રહેનારા તમામ લોકો ત્યાં એકઠા થતાં હતાં અને એ તહેવારની મોજ માણતા. એ જ સમયે એ પ્રસંગમાં રાકેશભાઈનો પરિવાર અને રાહુલભાઈનો પરિવાર ત્યાં જ ભેગા થાય છે. કુમુદની હાજરી નથી આ પ્રસંગમાં. લસ્સી, ભાંગ અને વરિયાળી શરબતની સાથે સાથે સ્વાદિષ્ટ વાનગીઓ કાઉન્ટર પર ગોઠવાઈ ગઈ હતી. કેશવનું પણ મિત્રમંડળ ત્યાં ઉપસ્થિત હતું. ગોરા ચહેરા પર રંગીન રંગોની અસરથી એનો ચહેરો જલ્દી ઓળખી શકે એમ ન હતું. મીરાંના પણ એવા જ હાલ હતાં.

એ જ જગ્યાએ અંતાક્ષરી અને સંગીત ખુરશીની સ્પર્ધાઓ યોજાઈ. હમેંશની જેમ મીરાંએ ગાયકીમાં અવ્વલ સ્થાન પ્રાપ્ત કર્યું. આ વખતે મીરાંનું ગીત કંઈક આવું હતું...

ઓધાજી, મારા વાલાને વઢીને કહેજો રે...
માને તો મનાવી લેજો રે....એ ઓધાજી મારા વાલાને...

મથુરાના રાજા થયા છો... ગોવાળોને ભૂલી ગયા છો...
માનેતીને મોલે ગયા છો રે....એ ઓધાજી એમ મારા...

હવેની સફર આગળના ભાગમાં જોઈશું..

------- ( ક્રમશઃ) ---------

લેખક : શિતલ માલાણી
1/12/2020