Meeranu morpankh - 20 books and stories free download online pdf in Gujarati

મીરાંનું મોરપંખ - ૨૦

નરેશ અને મીરાં બેય એકબીજાને સમય આપી સમજવા પ્રયત્ન કરે છે. મીરાં લાગણીશીલ છે અને નરેશ સ્પષ્ટવકતા તેમ જ સ્માર્ટ છે. બેય એકબીજા સાથે હળીમળી જાય છે. બેયની વાતચીતમાં લગભગ ક્યાંય મેળ નથી પણ એક સંસ્કૃતિને ચાહનાર છે તો બીજો સમયને માનનાર છે. તો પણ બેય સહમત છે જીવનસાથી બનવા. હવે જોઈએ આગળ....

નરેશ મીરાંને એક ખાસ વાત જણાવવા માંગે છે. એ
મીરાંની હથેળીને પકડી એક નાનું તણખલું એમાં મુકે છે અને કહે છે કે " મીરાં, આ જે સત્ય છે એ જ તું સમજવાનો પ્રયત્ન કરજે. હું ઘરમાં સૌથી નાનકડો છું. રમતા રમતા ભણવાના પ્રયત્ન કર્યા પણ ભણતર દૂર રહ્યું અને રમત મને વળગી પડી. મેં જીંદગીને ક્યારેય ગંભીરતાથી નથી જીવી. આ ફરિયાદ મારા મા-બાપને હમેંશા રહી છે. મને સાહસ અને કમાણી બે જ વસ્તુ સાથે પ્રેમ હતો. હવે એ પ્રેમની જગ્યા તે લઈ લીધી છે. તું સમજદાર છે પણ હું બંધનમાં નહીં જીવી શકું કારણ મારી મમ્મીના મોત પછી મેં મનભરીને જીવી લેવાનું વિચાર્યું છે. મમ્મીએ તનતોડ મહેનત કરી છે મકાનને ઘર બનાવવા. પપ્પાએ પણ પાઈ-પાઈ જોડી છે. સમજદાર તો બધા મોટા ભાઈ-બહેન જ છે. હું નાદાન જ રહ્યો અને નાદાન બનીને જીવવા ઈચ્છું છું. હું જવાબદાર પતિ બનીશ તારા માટે પણ ગંભીરતા મને નહીં પરવડે. તું સંસ્કારી છે, સરળ છે અને સમજુ છે એટલે તું મને સાચવી લઈશ એ જ માંગણી કરું છું. જો આ તણખલાને..........
સુકાયેલું છે, તુટેલું છે અને આધાર વગરનું છે. હું આ તણખલું જ છું. બધી લાક્ષણિકતાઓ ઘરડા માણસ જેવી જ છે પણ છે એ તણખલું ! નાના બાળક જેવું...બસ મારે મોટું નથી થવું. મારે આમ નટખટ અને રમતિયાળ રહીને જ તારો સાથ જોઈએ છે.

મીરાં તો વિચારતી જ રહી આ વાતને. એ તો સ્ત્રીહ્રદયની ધારિણી. એણે તો આંખમાં આંસુ સાથે 'હા' પાડી. એણે તો એક દોસ્ત જોઈતો હતો. એને તો ભરપૂર પ્રેમ આપનારો એક સાથી મળ્યો એવો જ વિચાર આવ્યો. આખી મુલાકાતમાં ક્યાંય એને નરેશમાં દોષ ન દેખાયો.
મીરાંએ પણ પોતાના સપના જણાવ્યા અને નરેશે એ સપનાને સાથે મળીને પૂરા કરીશું એવું વચન આપ્યું. અચાનક જ નરેશને કશું યાદ આવ્યું. એણે ફટાફટ મીરાંનો હાથ પકડ્યો અને જલ્દી ચાલ એવું કહ્યું. મીરાં તો એક સપનું જ જોતી હોય એવી પરિસ્થિતિમાં નરેશની સાથે ચાલી નીકળી. બેય પંખીડા એક સુંદર મજાના કોમ્પલેક્ષ નીચે ઊભા હતા. એ કોમ્પલેક્ષના ટોપ ફ્લોર પર બેય પહોંચે છે. એ એક 'ટેટુ સ્ટુડિયો' હતો. મીરાં તો નરેશની સામે જોઈ રહી હતી. એણે આંખમાં સવાલોનો મહેલ રચી દીધો હતો.
નરેશ અને મીરાં એક એ.સી.રૂમમાં બેઠા. ત્યાં તો એમના નામ સાથે એક યુવતીએ અંદર બોલાવ્યા. નરેશે મીરાંનો હાથ પકડી લીધો અને બેય એ સાથે જ એન્ટ્રી કરી. અંદરનું દ્રશ્ય બહુ જ સુંદર હતું. આખા રૂમની દિવાલો પર અસંખ્ય ચિત્રો હતા. જ્યારે નરેશને પુછવામાં આવ્યું કે એને ક્યાં પ્રકારનું 'ટેટુ' કરાવવું છે ત્યારે એ મીરાંના પર્સમાંથી મોરપંખને
બહાર કાઢવાનું કહે છે. મીરાંએ આપ્યું પણ ખરા ! એ તો શું ઘટી રહ્યું છે એ સમજી જ નહોતી શકતી. એણે એ મોરપંખને જમણા હાથના કોણીથી કાંડા સુધીના ભાગમાં ગોઠવતા ગોઠવતા કહ્યું કે 'આજ રીતે આ વસ્તુ દોરવી છે.'
પછી મીરાંને કહે છે કે " મીરાં, મેં હજી સુધી ઈંજેકશન નથી લીધું કયારેય. મને એનો ફોબિયા છે. મારી મમ્મીએ જે રીતે ઈંજેકશન પર એની જીંદગી વિતાવી છે અને ઈંજેકશનના ગોટાળે જ જીવ ગુમાવ્યો છે ત્યારથી જ મને આ વસ્તુનો ડર રહ્યો છે. પણ, આ જ તારા માટે હું એ સહન કરીશ અને મારા તરફથી તને આ મોટામાં મોટી ભેટ. મેં જીંદગીમાં કોઈને કશું નથી આપ્યું પણ તને હું આ ભેટ જીંદગીભરની યાદગીરી માટે આપીશ. મીરાંની હાજરીમાં, મીરાંની સાક્ષીમાં અને મીરાં માટે નરેશે એ મોરપંખને હાથમાં ચિતરાવ્યું. પરમેનેન્ટ હતું એ ટેટુ એટલે પીડા પણ થતી હતી. લગભગ ૪૫ મિનિટની જહેમત પછી એ હાથ પર 'મીરાનું મોરપંખ' ઊપસી આવ્યું હતું. સુંદર, આબેહૂબ અને કલાત્મક એ આકારે મીરાંના મનમાં એક ઊંડી લાગણી જન્માવી હતી. એ પણ નરેશને કહે છે કે મારે પણ ટેટુ કરાવવું છે. ત્યારે નરેશ ના પાડે છે કે "તને જે પીડા થશે એ હું સહન નહીં કરી શકું."

આઠ વાગી ચુક્યા છે. મોહિતનો ફોન આવે છે મીરાંને. હવે બેયને અલગ પડવાની વેળા આવી ગઈ છે. વળતી વખતે બેય એકબીજાને સંપૂર્ણપણે સમજી ગયા હોય એવા ભાવ સાથે મોહિતની ઓફિસે આવે છે. મોહિત બેયને જોઈ ખુશ થાય છે. મીરાં સંધ્યાની સામે જ નરેશે કરાવેલા ટેટુ પર નજર નાંખતી જોઈ રહી હતી. સંધ્યા પણ એ જોઈ વિચારે ચડે છે કે 'આનાથી વધારે પ્રેમની સાબિતી શું હોય?'

------------------ (ક્રમશઃ) ----------------

લેખક :- શિતલ માલાણી"સહજ"

જામનગર
૨૬/૧૧/૨૦૨૦


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED