મીરાંનું મોરપંખ - ૯ શિતલ માલાણી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મીરાંનું મોરપંખ - ૯

આગળ જોયું એ મુજબ રાજુભાઈને ફોન આવે છે કે કોઈ મહેમાન બની એમને ત્યાં આવે છે. રાજુભાઈ ગરમાગરમ નાસ્તો બનાવી રાખવાનું સૂચન કરે છે. બધું તૈયાર પણ છે અને મહેમાન આવી પણ ગયા છે. જોઈએ તો ખરા કોણ આવ્યું છે ?

આવનાર મહેમાનને રાહુલભાઈ ને ગળે મળતા મીરાંએ જોયું કે આવનારા મહેમાન ક્રિશનો પરિવાર હતો. સંધ્યાએ તો મીરાંની નજર પારખી લીધી. એ પણ મસ્તીભરી મજાકે કહ્યું કે " જાવ તમારો કાનુડો આવ્યો. " મીરાં પણ શરમથી નજર ઝુકાવી દે છે. " ભાભી, હમણા આવું એમ કહી એના રૂમમાં દોડી જાય છે."

મીરાં આજ પહેલીવાર શરમાણી હતી કદાચ આવી રીતે. એ જલ્દી જલ્દી એના મોરપંખને હાથમાં લેવા જાય છે કે મોરપંખ હાથમાંથી સરકી નીચે પડે છે. એ તો ફટાફટ મોરપંખને જમીન પરથી ઊંચકવા જાય છે કે મોરપંખ ઊડીને થોડું દૂર સરકે છે. સરકતું સરકતું એ મોરપંખ એના બેડની નીચે જતું રહે છે. ત્યાં જ કુમુદની બૂમ સંભળાય છે કે

"મીરાં, ઓ મીરાં...."

"હમણા આવું" એમ કહેતી મીરાં સડસડાટ દાદર ઊતરે છે.
કુમુદ એને નાસ્તાની પ્લેટ તૈયાર કરવા બોલાવે છે. સંધ્યા હજી ગોટા ઉતારી રહી હતી. એ નાની - મોટી પ્લેટ અલગ અલગ રાખવાનું કહેતી કહેતી મીરાંને સમજાવે છે કે 'તમે જ લઈ ને જાવ આ બધું.'

મીરાંએ 'ટ્રે' માં બધું ગોઠવ્યું. એ ધીમે-ધીમે લઈને જાય છે. રીટા સામે આવે છે મદદ કરવા. બધાને પ્લેટ આપતી વખતે મીરાં જુએ છે કે ક્રિશની સાથે સુંદર બે યુવતી અને એક આધેડ વયની વ્યક્તિ પણ હતી. એ બધાને 'જય શ્રી કૃષ્ણ' કહે છે. બધાએ મીરાંને આવકારી.

બધા લોકો નાસ્તાના વખાણ કરતા જાય છે અને ક્રિશના પણ ગુણગાન ગાય છે. સાથે આવેલી સુંદર યુવતી કહે છે,

" બસ, આ તો અમારી ફરજ કહેવાય. અમને પણ ખુશી થઈ કે મારા ભાઈ સાથે અહીં આવડો મોટો પરિવાર છે. હવે અમને એની બિલકુલ ચિંતા નહી રહે."

" જરા પણ ન મુંઝાશો. અમને ક્રિશના માતા-પિતા જ સમજો ન્યુયોર્કના." (રાજવી હસતા હસતા કહે છે.)

" રૂહી, મિઠાઈનું બોકસ લાવી કે ભૂલી ગઈ." ( ક્રિશને અચાનક યાદ આવે છે.)

"હાં, એક મિઠાઈ જ નહીં પણ ગુજરાતની મિઠાશ જ લાવી છું હું તો ! " ( રૂહી એક નહીં પણ અલગ અલગ પાંચ બોકસ આપે છે.)

" અંકલ , આ રૂહી છે. તમારી પુત્રવધૂ.. એટલું જલ્દી બધું ગોઠવાઈ ગયું કે કોઈને નિમંત્રણ જ ન આપી શક્યાં. રૂહીના દાદાની તબિયત નરમગરમ રહેતી હતી અને એની અંતિમ ઈચ્છા રૂહીના એટલે કે અમારા લગ્ન જોવાની હતી એટલે બધું ઉતાવળે-" ( ક્રિશ હાથ જોડીને કહે છે.)

રાહુલભાઈ તો તરત જ રાજવીને ઈશારો કરે છે કે 'રૂહી પહેલીવાર ઘરે આવી છે તો કંઈક આપી દે.' રાજવી તો તરત સરસ બનારસી સાડી જે એણે હમણાં જ લીધેલી હતી એ આપે છે અને ઓવારણા લે છે. રાજુભાઈ પણ ક્રિશને ચાંદીના ગણેશ આપે છે. રાહુલભાઈ તો બેયની જોડી સદા અખંડ રહે એવા આશિર્વાદ આપે છે.

સાથે આવનાર આધેડવયની વ્યક્તિ રૂહીના પપ્પા હતા. એ તો આવી આગતાસ્વાગતા જોઈ પ્રફુલ્લિત થયા. એણે કહ્યું કે " મારી દીકરીને સાત સમંદર પાર પણ આવા મોભાદાર
માતા-પિતા મળ્યા છે તો મારે હવે ચિંતા મટી. એ પોતાની કહાણી જણાવે છે કે "રૂહી બાર વર્ષની હતી ત્યારે જ એણે 'મા'ને ગૂમાવી હતી. રૂહીને એના મામાએ મોટી કરી છે. ક્રિશને આ એમના બહેન દ્રારા મળ્યા અમે. સિદ્ધિવિનાયકની સાક્ષીએ જ કોર્ટમેરેજ કરી અમે દીકરીને આટલી દૂર વળાવી. ક્રિશ જબરજસ્તી અહીં લાવ્યા મને. બાકી અમે અહીં બધાથી અજાણ જ છીએ. મારી દીકરીને સાચવી લેજો."

બધાએ આ વાતને સાંભળીને કહ્યું કે હવે ચિંતા બિલકુલ ન કરશો. આ સમયે એક જ વ્યક્તિ પરેશાન હતી એ સંધ્યા હતી. એ સતત મીરાંને જોઈ રહી હતી. મીરાં તો નિષ્ફિકર હતી. એ પણ બધા સાથે હસી-મજાક કરી રહી હતી. એ વિચારી રહી હતી કે 'થોડીવાર પહેલાની મીરાં અને અત્યારની મીરાં બેય એક છે કે અલગ?'

લગભગ બે કલાક બધા સાથે રહ્યા અને અલગ પડ્યા ત્યાં સુધી તો આખું ભારત જાણે એ બંગલામાં જ સમાઈ ગયું હોય એવું લાગતું હતું. ગુજરાતની ગરિમા અને ઓળખાણોના ઢગલા આજ બધાએ વાગોળ્યા. કુમુદને પણ આજ મનમાં અશાંતિ હતી કે "આવું બને જ કેમ?"

મીરાં શાંત હતી એટલે સમજી શકાય કે એના મનમાં શું ચાલી રહ્યું હશે. એ જાણવા માટે આગળના ભાગની કરવી પડશે પ્રતિક્ષા..

------------- (ક્રમશઃ) --------------

લેખક : શિતલ માલાણી
૩૧/૧૦/૨૦૨૦
શનિવાર..