મીરાંનું મોરપંખ શિતલ માલાણી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મીરાંનું મોરપંખ

મીરાંનું મોરપંખ....🦚

શિતલ હવા અને અદ્ભુત હરિયાળીની વચ્ચે ખાસ્સો મોટો પરિવાર સવારના નાસ્તાની મોજ માણી રહ્યો હતો. આખા ડાઈનીંગ ટેબલની ફરતે બધા ગોઠવાયેલા હતા. ફક્ત એક જગ્યા ખાલી હતી. અચાનક જ રાહુલભાઈ પૂછે છે કે "ક્યાં છે આપણી ઝાંસીની રાણી ? હજી ઊઠી નથી કે શું?"

એ જ સમયે વ્હીલચેર પર આવતા આવતા કુમુદબેન કહે છે કે "ભાઈ, તમારી રાજકુમારીને આજ કોલેજના છેલ્લા વર્ષનું ફંકશન છે. ફેરવેલ છે કદાચ...એટલે એ લક્ષ્મીબાઈ તૈયાર થતાં હશે." બધા હસી પડે છે ને ત્યાં જ ઊડતી હોય એવા અંદાજમાં ઉછળતી, ખિલખિલાટ કરતી, ગર્દન સુધી ઝુમતા એરિંગ પહેરી અને હાથમાં રંગીન બેંગલ્સને ખખડાવતી એક યુવતી આવીને એના પ્યારા પપ્પાની આંખોને મિંચે છે. એ કોમળ હાથોનો સ્પર્શ એના પપ્પા ઓળખે છે ને બોલે છે.. "ક્યાં સંતાઈ હતી મીરાં તું?"

મીરાં : પપ્પા, હું કેવી લાગું છું એ કહો.

પપ્પાએ એના ડ્રેસ પર નજર નાંખી.આખો સફેદ સલવાર કમીઝનો સુટ અને કાનમાં મોરપીંછના એરિંગ...સાથે ઘાટા લીલા રંગનો લહેરિયાનો દુપટ્ટો..એની દીકરી આજ ઉંમરલાયક થઈ ગઈ છે એવો વિચાર આજ કદાચ રાહુલભાઈને પહેલીવાર આવ્યો.

પપ્પાજીને વિચારમાં ખોવાયેલા જોઈને મીરાં ચપટી વગાડીને બોલે છે, " જોયું ને પપ્પા, મેં પૂરેપૂરી ભારતીય સંસ્કૃતિ જાળવી છે ને આ અજાણી ધરતીમાં પણ.."

મોંના ભાવ બદલીને કુમુદ ( મીરાંની ફોઈ) મનમાં જ બબડે છે. ભારત છુટયું બધાથી પણ આને ભારતની હજી શું ઘેલછા વળગી છે.

આવી છે આ નટખટ મીરાં..પરિવાર બહુ મોટું છે એનું. મમ્મી -પપ્પા, કાકા-કાકી, ભાઈ-ભાભી ,પિતરાઈ ભાઈ અને અપરિણીત ફોઈબા પણ...એક જ છત નીચે બધા હળીમળીને રહે છે સિવાય કુમુદબેન. આ આખો પરિવાર પૂર્ણતઃ ધાર્મિક અને ગુજરાતી જ છે. ભવ્ય ભાવનગરનો આ પરિવાર આર્થિક દ્રષ્ટિએ સમૃદ્ધ અને સંસ્કારી પણ ખરા. રાહુલભાઈએ પોતાનો વ્યવસાય ભાવનગર, અમદાવાદ અને સુરત સુધી પહોંચાડ્યો. એમના દીકરા અને નાના ભાઈએ તો એ જીવનજરૂરી તમામ વ્યવસાયને આવરી વિદેશ સુધી લંબાવી દીધો. આખો પરિવાર અમેરીકાના ન્યુયોર્કમાં સ્થાયી થયો. બ્રાહ્મણ પરિવાર એટલે ધાર્મિક અને સંસ્કારી તો હોવાનો જ. રાહુલભાઈના પોતાના બે મોલ હતા ન્યુયોર્કમાં.

રાહુલભાઈ પોતે ગુજરાતી સમાજના પ્રમુખ પણ હતા. રાજવીબેન જે મીરાંના મમ્મી છે એ પોતે પણ એના દીકરા મોહીત અને સંધ્યા સાથે કોસ્મેટિક ડિપાર્ટમેન્ટ સંભાળતા હતા. આખો દિવસ ઘરે રહેતા એક જ વ્યક્તિ જે હતા કુમુદબેન. સાતેક રૂમનો ભવ્ય બંગલો આ પરિવારને એક જ માળામાં ગૂંથી રાખતો. રાહુલભાઈનો નાનો ભાઈ કલ્પેશ અને એની પત્ની ટીના એ બંને કલોથ ડિપાર્ટમેન્ટ સંભાળતા હતા. બેય મોલની તમામ જવાબદારી રાહુલભાઈ એક જ સંભાળતા.

એ આખા પરિવારમાં મીરાં અનોખી હતી. એનો જન્મ જન્માષ્ટમીના દિવસે થયો હતો એટલે જ એ લાડકી હતી. આમ પણ એ બે ભાઈઓમાં મીરાં એક જ દીકરી હતી. મીરાંના એક ફોઈ અમદાવાદમાં જ સાસરે હતા. એ બહું ઈર્ષાળુ હતા. એનું નામ પ્રભા હતું એ સમય અને સંજોગે બહું પ્રભાવશાળી બની જતા એટલે જ એ બધાથી દૂર હતા.

મીરાં જન્મી ત્યારે જ એના નામકરણ સમયે પ્રભાફોઈએ સોને મઢેલું મોરપંખ મીરાંની મમ્મીને મીરાં માટે આપ્યું હતું અને કહ્યું હતું કે "દેખાવડી છે એટલે શ્યામ સામેથી મળવા આવશે. મોરપંખ પર બેસીને આ મીરાં શ્યામ સાથે એની નગરીમાં રહેશે." ત્યારે રાજવીએ હસીને જવાબ આપ્યો હતો કે, " શ્યામ આવે કે ન આવે મારી મીરાં જરૂર શ્યામને અહીં લાવશે."

મોરપંખ એટલે મીરાંનો શ્વાસ. એ ઉઠતા બેસતા એ મોરપંખને નિહાળતી અને ભારતની ધરતીમાં મનભરી આળોટવા ઈચ્છતી. એના સિવાય કોઈ ભારત જવા માંગતુ ન હતું પણ એનું મોરપંખ કદાચ એને ભારતની ભૂમિમાં લઈ જશે એવું એ મોરપંખને ઉદેશીને બોલતી પણ ખરા..મોરપંખે જ મીરાંની જીવનકહાની ઘડી છે. મીરાંનું આ સોનાનું મોરપંખ.. કાચની પેટીમાં કેદ મોરપંખ... જોઈએ હવે આગળ આ મોરપંખ ઊડીને મીરાંની જીવનદીશા કઈ તરફ વાળશે......