મીરાંનું મોરપંખ - ૨૨ શિતલ માલાણી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મીરાંનું મોરપંખ - ૨૨

નરેશને મગજમાં જે ચિંતા પેઠી એનો હલ શોધવા એ બેચેન બને છે. પોતાની મનની વાત ક્યાં કરવી એ પણ એક સવાલ હતો. એ નિરાશ ચહેરે રડમસ થઈ આંખો ઢાળી ફાઈલોને જોતો હોય છે કે એના મોબાઈલમાં રીંગ વાગી. એણે જોયું તો મીરાંનો કોલ હતો એ.

મીરાં - "હલ્લો, રાણાજી ! "

નરેશ - "બોલને મીરાં !"

"આજ તબિયત ઠીક નથી કે શું ? અવાજમાં રણકો નથી જરા પણ.."

" હા, એવું જ સમજ."

" એટલે-"

"મીરા એક વાત છે જે હું તને જ કહી શકું."

" બોલો, હું શાંતિથી સાંભળીશ."

" મીરા, પપ્પાની તબિયત બહુ ખરાબ રહે છે. એ એકલા રહે છે. હવે એ લગ્ન માટે ઉતાવળ કરે છે. કેમ સમજાવું બધાને."

" ઓહહહ, તો એ જેમ કહે એમ જ કરીએ."

" મીરાં એ સાદગીથી લગ્ન કરવાની ઈચ્છા રાખીને બેઠા છે. તારો પરિવાર માનશે કે કેમ?"

" નહીં જ માને. હું કંઈક વિચારું."

" મીરાં, તારો આભાર ...તને હું કેમ સમજાવું કે આ વાતની મને કેટલી ચિંતા છે. પપ્પાને કરિયાવરના નામથી નફરત છે. એને તો પોતે જીવિત છે ત્યાં જ 'લક્ષ્મી'ના દર્શન કરવા છે. જો તું સમજાવી શકે તો આપણે આવતે અઠવાડિયે કોર્ટ મેરેજ કરી પછી ભારત જતા આવી."

" ભારત !!!! હું સમજાવી જ લઈશ બધાને."

મીરાં પોતાના રૂમમાં આજ ખુશીથી ઉછળી પડે છે. નરેશ અને ભારત બે એકસાથે ખજાના જેવા મળ્યા એને ..ભારત જવા માટે એ બેબાક બની. એ થોડીવાર વિચારે છે કે શું કરવું એમ? આખો દિવસ વિચાર કરી સાંજે બધાની સામે જ નરેશે કહેલી વાત અથથીઈતિ જણાવે છે. બધા લોકોએ સાંભળ્યું પણ જવાબ કોઈએ ન આપ્યો. બધાને મીરાંના લગ્નનો હરખ હતો.
રાજુભાઈએ નરેશને ઘરે જ બોલાવી લીધો. જે વાત મીરાંને કહી એ જ વાત અક્ષરસઃ નરેશે પણ કહી. બે દિવસ પછી જવાબ આપવાની વાત સાથે બીજી સામાજિક ચર્ચા અને અંગત વાતો થઈ. મોહિતે મીરાંની હા માં હા કહી એની ખુશી વિચારી. રાજવી અને રીટને થોડું દુઃખ થયું. કુમુદ તો હરખમાં જ હતી એનો રસ્તો સાફ જ હતો. એણે તો સલાહ આપી કે 'દીકરી ખોટો ખર્ચો નથી ઈચ્છતી તો શું કામ કરવો જોઈએ.'

બે દિવસ બધાએ ઘણું વિચાર્યું અને અંતે મીરાં જ જીતી એના નિર્ણયમાં. એ આ વાત નરેશને કહે છે
મેસેજમાં... નરેશ ખુશ થયો પણ ફરી નવી દુવિધા આવી પડી. નરેશે કહ્યું કે તારા પપ્પાને કોઈ વધારાનો ખર્ચો નથી કરવાનો તો તું એક કામ કરજે કે 'મારા ભાઈ-ભાભી, બે દીદી આમ ચાર જણને જો આ લગ્નમાં હાજર રાખી તો કંઈક પારિવારિક પ્રસંગ લાગે. તમારે પણ કોઈને તેડાવાના હોય તો સાથે આવી પણ જાય.'
મીરાંએ પણ વિચાર્યું કે વાત બરાબર છે. નરેશને પણ પરિવારની ભાવના હોવાની જ ને ! એ આ વાત ફરી એના પપ્પા પાસે મૂકે છે. પપ્પાની પરવાનગી મળી પણ સાથોસાથ એ મહેમાનની આવવા- જવાની ટિકિટ પણ પોતાના ખર્ચે અપાવી. મીરાંએ ફરી આ શુભ સમાચાર નરેશને આપ્યા. નરેશે કહ્યું, " હું આજ સાંજે જ ટિકીટની રકમ આપી
જઈશ. આ તો તારા પપ્પા એ લોકોને તેડાવે તો સારું લાગે."
મીરાં વિચારે છે કે અત્યારથી આ વ્યક્તિ મારા પરિવારનું કેટલું ધ્યાન રાખે છે.

આજ સંધ્યાની તબિયત નાજુક હતી એ પણ આ વાતથી અજાણ નહોતી. બધાની વચ્ચે બોલવું એ યોગ્ય નહોતી સમજતી. એ મીરાંને કહે છે," મીરાં, તે તારા સસરા સાથે ક્યારેય વાત કરી."

" ના ભાભી !"

" તો એકવાર એને જણાવ કે મારા પપ્પા આપના મહેમાનોને તેડાવે છે તો આપ પણ આવો ને."

" હા, આ વિચાર તો મને ન આવ્યો. આજ જ હું વાત કરીશ."

" મીરાં, એના શબ્દો પારખજે. કંઈ દાળમાં કાળું તો નથી ને. તું આ વાત રાણાને ન કહેજે."

મીરાં સમજી કે ભાભીના મનમાં કંઈક શંકા ઘુસી છે. એણે ભાભીની સામે જ નરેશ પાસેથી નંબર માંગ્યા ‌પછી ફોન લગાવ્યો. પાંચ રીંગ પૂરી થઈ ફોન ન જ રિસીવ થયો. બેય સખી જેવી એકબીજાને જોતી રહે છે. ત્યાં જ નરેશનો ફોન આવ્યો કે " મેડમજી, શું બોલ્યા પપ્પા, આશિર્વાદના ઢગલા જ કર્યા હશે ને!"

મીરાંએ કહ્યું કે ફોન જ ન રિસીવ થયો. નરેશે ફરી ફોન કરવાનું સૂચન કર્યું. ફરી મીરાં અને સંધ્યાની હાજરીથી પ્રયાસ કર્યો. આ વખતે ફોન ઊંચક્યો.
" પપ્પા, કેમ છો ? હું મીરાં બોલું છું."

" સારું છે. આ જરા બહાર લટાર મારતો હતો શેરીમાં. આવ્યો હજુ ઘરમાં."

" પપ્પાજી, આપ પણ આવોને બધાની સાથે અહીં. બધા ખુશ થશે આપને જોઈને અને મળીને."

" તબિયત દગો દે છે નહીંતર હું ત્યાં જ હોત."

" ધ્યાન રાખજો ! તબિયતનું અને આપનું."

"ભલે, હું ફોન મૂકું."

બન્નેને શાંતિ થઈ કે વૃદ્ધની તબિયત જ ખરાબ છે એટલે આવી નહીં શકતા હોય. હવે આગળ મીરાંના લગ્ન માણી અને એને ભારત જલ્દી જોવા મળે એવી આશા રાખી.

---------------- ( ક્રમશઃ) -------------------

શિતલ માલાણી "સહજ"
જામનગર