આપણે આગળ જોયું કે મીરાંના સપના તદ્દન અલગ હતા અને તમામ સુખ- સૌંદર્યની ધારક હતી. હર એકના આંખોમાં મીરાંનું સપનું હતું જ. મીરાંના સપનાનો માલિક કોણ હતો એ તો મીરાં જ જાણતી.
મીરાં કોલેજના ફંકશનમાંથી ઘરે આવે છે. ઘરે આવીને એના રૂમના સેલ્ફ પર મોરપંખનું શિલ્ડ ગોઠવે છે. એ આવીને પોતાની જાતને અરિસામાં જોઈને મનમાં મલકાતી બોલે છે.
એ કાના, જ્યાં હો ત્યાંથી વહેલો આવ..
આ મીરાં તારી રાહ જુએ છે...
હું રૂકમણી નથી કે હક જતાવું...
હું રાધા પણ નથી કે જક બતાવું...
હું તો મીરાં છું, તારા દર્શનથી જ ખુશ રહીશ...
આવા નખરા એના કુમુદ નિહાળે છે. એ મોં મચકોડીને બબડે છે "બાપે માથે ચડાવી છે એટલે નાચે છે અરિસામાં, તારા જેવડી છોકરીઓ ભારતમાં હોય તો બે છોકરાંની 'મા' બની ગઈ હોય. ક્યાં સુધી બાપના રોટલા ચાવીશ."
મીરાં સાંભળે છે અને જવાબ વાળે છે કે " જ્યાં સુધી તમે જીવશો ને ચાવશો ત્યાં સુધી તો નહીં જ ચાવું."
કુમુદ બૂમબરાડા પાડતી મોટેમોટેથી ઘાંટા પાડે છે કે ' બે બટકાં ખાવ છું એ પણ આ છોડીથી નથી જીરવાતું. આ અપંગ મૂઈ છું એટલે લાચારી ભોગવું છું નહીંતર પહેલી લાત તને જ મારત.' આ સમયે ઘરના નોકર ચાકર અને મીરાં જ ઘરમાં હતા. આવું અવારનવાર બનતું પણ કોઈ કાને કે મગજમાં આ વાત નહોતું ધરતું.
મીરાંને પણ વિચાર આવે છે કે હવે ઉંમરની સાથે અમુક નિર્ણયો લઈ લેવા જોઈએ. એ પોતાની ભાભીને ફોન કરી કહે છે કે " સંધ્યાભાભી, તમને બહુ તૈયાર થવાનો શોખ જાગતો હોય છે મારા લગ્ન માટેનો. તો ચાલો આ મોકો પણ તમને આપું છું. મારા ભાઈને કહેજો કે એની નાની બહેને ખૂબ ભણી લીધું હવે એ એને છોડીને જવા તૈયાર થઈ ગઈ છે. "
નણંદ-ભોજાઈની હસી મજાક આમ ચાલતી રહેતી. કેટલા સમયથી બધા મીરાંને યોગ્ય પાત્ર સાથે પરણાવવા માંગતા હતા. મીરાં હા ન પાડે ત્યાં સુધી કોઈએ ફોર્સ ન કરવો એ વાત રાહુલભાઈએ ચોખ્ખા શબ્દોમાં બધાને જણાવી હતી. આજ સંધ્યાએ આ વાત બધાને ફોન કરી જણાવી અને પોતે પણ મીરાંના નિર્ણયને પ્રેમથી આવકારી રહી હતી.
એ જ સાંજે એક ધાર્મિક પ્રસંગમાં કોલેજના ટ્રસ્ટી નિલકંઠભાઈ અને રાહુલભાઈ મળ્યા. નિલકંઠભાઈએ પોતાના જયંતની મીરાં તરફની લાગણીની વાત રાહુલભાઈને કરી. રાહુલભાઈ જાણતા હતા કે નિલકંઠભાઈ એટલે ઉંચા હોદા પર બિરાજમાન ગુજરાતી સમાજની પ્રતિષ્ઠિત વ્યક્તિ. એણે મીરાંને પૂછીને પછી જવાબ આપવાનું નક્કી કર્યું.
રાહુલભાઈએ સાંભળ્યું હતું કે એ પરિવાર એટલો શ્રીમંત હતો કે ઘરના જેટલા સભ્યો એટલા જ એમના પ્રાઈવેટ જેટ. મીરાં આ પરિવારમાં ખૂબ જ સુખી થશે એવા સપના સેવતા રાહુલભાઈ ઘરે પહોંચે છે.
બીજે દિવસે સવારના સમયે હાથમાં ચાના કપ સાથે રાહુલભાઈ બધાને જયંતની મીરાં સાથે સગપણની ઈચ્છાની વાત પરિવારને જણાવી. બધા તો આ પ્રસ્તાવથી ઉછળી જ પડયા. મીરાં જરાં પણ ખુશ ન થઈ. એણે ઘસીને આ સંબંધ માટે ના પાડી દીધી. બધા ફરી મુંઝવણમાં મૂકાઈ ગયા કે આનું કારણ શું હોય શકે ?
ત્યારે ફરી કુમુદ આંખના ભવા ચડાવી બોલે છે "તો જેની સાથે લફરા ચાલતા હોય ત્યાં પરણી જા." ત્યારે પહેલીવાર મીરાંના મમ્મી રાજવીબેન એટલું જ બોલે છે કે "આપણા ઘરમાં એ વાતના પણ બંધન નથી. મને મારી દીકરી કોઈ રીતે ભારે નથી પડતી. એના નસીબમાં હશે એટલે એ પાંખો ફફડાવતી ઊડી જ જશે. બેનબા, તમે ચિંતા ન કરો." આ શબ્દો બોલવાનું કારણ બધાની ગેરહાજરીમાં કુમુદબેન જે શબ્દો મીરાંને સંભળાવતા એનો જવાબ જ હતો.
--------- ( ક્રમશઃ) ---------
લેખક : શિતલ માલાણી
૧૭/૧૧/૨૦૨૦