પતિ પત્ની અને પ્રેત - ૨૩ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પતિ પત્ની અને પ્રેત - ૨૩

પતિ પત્ની અને પ્રેત

- રાકેશ ઠક્કર

પ્રકરણ-૨૩

રેતાને ક્યાંય ના જોઇને જામગીરને જયનાનો ડર લાગ્યો. જયનાનો હવે ભરોસો ન હતો. ચિલ્વા ભગતે રાત્રે જ ચેતવ્યા હતા. જયનાની સાથે તેમને શું વાત થઇ અને તેની ચુંગાલમાંથી તે કેવી રીતે બચી ગયા એ જાણવાનું બાકી છે ત્યારે આ નવી આફત આવી ગઇ છે. રેતાનો રૂમ ખુલ્લો રાખીને ભૂલ કરી છે. એને મારા રૂમમાં જ સૂવાનું કહેવાની જરૂર હતી અથવા મારે રાત્રે જાગતા રહીને ઘરની ચોકી કરવાની જરૂર હતી. રેતાએ સવાર સવારમાં ઉંઘ હરામ કરી દીધી છે. આ વાતની ખબર પહેલાં ચિલ્વા ભગતને કરવી પડશે.

વિચાર કરતાં જામગીર ઝડપી પગલે ચિલ્વા ભગતના ઘર પાસે પહોંચ્યા ત્યારે તે પલાંઠી મારીને પોતાની સાધનામાં તલ્લીન હતા. અગ્નિકુંડમાં થોડી થોડી વારે કોઇ વનસ્પતિ અને ધાન્ય હોમી રહ્યા હતા. સૂરજ ઉગવાને હજુ વાર હતી પણ તેમની આસપાસમાં અગ્નિકુંડને કારણે અજવાળું હતું.

જામગીરને ભગતની તપસ્યામાં ખલેલ પહોંચાડવાનું યોગ્ય ના લાગ્યું. તે ભગતથી થોડે દૂર બેસીને આગળ શું કરવું એનો વિચાર કરવા લાગ્યા. એકાએક ભગતના હાથ ધાન્ય હોમવા જતાં અટકી ગયા અને આંખ ખોલી. ભગતે સામે બેઠેલા જામગીર પર નજર નાખી. તેમની ચિંતાગ્રસ્ત હાલત જોઇ સમજી ગયા કે કોઇ સમસ્યા આવી છે. વહેલી સવારે તેમના આગમનનું કારણ જયના જ હોય શકે. જામગીરે ભગતની આંખો જોઇ અને ધ્રૂજી ગયા. લાલચોળ આંખો હતી અને તેમાં અગ્નિકુંડનું પ્રતિબિંબ એને વધારે ભયાનક બનાવી રહ્યું હતું. ગુસ્સામાં માણસનું શરીર જેમ ધ્રૂજે એમ તેમના હાથપગ ધ્રૂજી રહ્યા હતા. જામગીરને થયું કે પોતે ભગતની તપસ્યામાં ખલેલ પહોંચાડીને ભૂલ કરી છે. તેમના ગુસ્સાનો ભોગ બનવું પડશે.

વૃધ્ધ જામગીરના ચહેરા પરની કરચલીઓમાં ચિંતાની રેખાઓ ઉમેરાઇ એ જોઇ ભગત પોતાના શરીરને શાંત કરતા હોય એમ ઢીલું મૂકી મનોમન બોલ્યા:"ઓમ શાંતિ...શાંતિ...શાંતિ..." પછી એમને ઉદ્દેશીને પૂછ્યું:"કાકા, કેમ આવવાનું થયું...?"

"ભગતજી...રેતા મારા ઘરમાં નથી. ક્યારે, કેવી રીતે ગાયબ થઇ ગઇ એ સમજાતું નથી. તમે મદદ કરશો? એને ક્યાં શોધવી? જયના એને ઉપાડી ગઇ હશે...?"

"કાકા, મને લાગે છે કે રેતા જ ક્યાંક ગઇ હશે. એવું પણ બને કે એ રાજગઢ પાછી જતી રહી હોય. અહીં રાત્રે એને ડર લાગ્યો હોય અને ગભરાઇને જતી રહી હોય. તમે ઉંઘતા હોય એટલે કંઇ કહ્યું ના હોય. જો એ પોતાની જાતે જ ગઇ હશે તો પાછી આવી જશે. હજુ તો સવાર પડી છે. અને આપણે એને ના પાડી હતી એટલે જયનાને ત્યાં ગઇ નહીં હોય. જયના એને આજે લઇ ગઇ હોય એમ મને લાગતું નથી..."

"તમે વિશ્વાસપૂર્વક કહો છો?"

"હા ભગત, ગઇકાલે રાત્રે તે અહીંથી ખાલી હાથ ગઇ હતી અને પાછી આવે એવી શકયતા ન હતી..."

"એ તમારે ત્યાં કેમ આવી હતી? એ ધમાલ મચાવીને કંઇ કહી ગઇ છે?"

"હા...એ મને ચેતવણી આપવા આવી હતી. એને અંદાજ આવી ગયો છે કે આપણે રેતાને મદદ કરી રહ્યા છે. રેતાના ગળામાં જે મંગળસૂત્ર છે એ એનું રક્ષક છે. રેતાએ શ્રધ્ધાથી વિધિપૂર્વક મંગળસૂત્ર ધારણ કરેલું છે. એનો પ્રભાવ વધારે છે. જયનાનું પ્રેત મંગળસૂત્રથી ભયભીત હશે. તે રેતાનું કંઇ બગાડી શકે એમ નથી. તે આપણાને વચ્ચેથી હઠાવવા માગે છે. રેતા એકલી એનું કંઇ બગાડી શકે એમ નથી એની તેને ખબર છે. ગઇકાલે રાત્રે હું સાધનામાં તલ્લીન હતો ત્યારે મને વાતાવરણમાં કોઇ અજાણી હલચલ વર્તાવા લાગી. કોઇ પ્રેતશક્તિ મારી નજીક આવી રહી હોય એવું મારી શક્તિ કહી રહી હતી. મેં તરત જ આંખો ખોલી અને જોયું કે દૂરથી કોઇ પ્રેત ઉડતું આવી રહ્યું છે. મને અંદાજ આવી ગયો કે આ જયનાનું જ પ્રેત હોવું જોઇએ. હું સાધના પૂરી કરી શક્યો નહીં. મારી પાસે એટલી શક્તિ ન હતી કે ત્યાં ઉભા રહી તેનો સામનો કરી શકું. હું મારી મંત્રતંત્રની શક્તિઓને વિકસાવી રહ્યો છું. મારે જોખમ લેવું ન હતું. હું તેનાથી બચવા માગતો હતો. મેં ઘરમાં એક એવી કોઠી બનાવી છે જે મારું રક્ષણ કરે છે. ભૂતપ્રેત સામે મારી શક્તિ ઓછી પડે તો હું તેમાં બેસીને સલામત રહું છું. એ કોઠી મને ભવેતા ભગત આપી ગયા છે. એમાં જડીબુટ્ટીઓ અને ભૂતપ્રેતથી બચાવતી વસ્તુઓ છે. ભૂતપ્રેત તેની આસપાસ ફરકવાની હિંમત કરી શકતા નથી. હું ભાગીને એ કોઠીમાં ભરાઇ ગયો. જયના આવી અને બહાર ચાલતી મારી સાધનાની સામગ્રી અને અગ્નિકુંડને વેરવિખેર કરી ઘર પાસે આવી. દરવાજો ખુલ્લો હતો તો પણ તોડી નાખ્યો અને અંદર આવીને બોલી:"ભગત, તું આજે મારા હાથમાંથી છટકી ગયો છે, પણ એટલું યાદ રાખજે હું તને છોડીશ નહીં. મારી ઇચ્છાની આડે આવવાની હિંમત ના કરતો. નહીંતર તું જ નહીં તારી સાથે છે એ લોકો પણ જીવ ગુમાવશે. ચાર દિવસમાં આ ગામ છોડીને તમે બધા જતા રહેજો. નહીંતર ચાર દિવસની ગણાતી તમારી જિંદગીનો અંત લાવતા મને કોઇ રોકી શકશે નહીં. તે બહુ ગુસ્સામાં હતી. મને લાગે છે કે વિરેન તેની જ કેદમાં છે. પ્રશ્ન એ છે કે એ બહાર નીકળવા કેમ કોઇ પ્રયત્ન કરતો નથી?"

"ભગત, આ જયના તો ભારે કરી રહી છે. ડૉ.ઝાલને તેના લગ્ન ના કરાવ્યા એના કારણે બીજા લોકોને હેરાન થવાનો વખત આવ્યો છે. એમને પણ કલ્પના નહીં હોય કે હંસા સાથે લગ્ન કરવાનો તેમનો નિર્ણય કેવો સાબિત થશે. પોતાના લગ્નજીવન માટે બીજાનો જીવ લેવાનો એમને અધિકાર ન હતો..."

"કાકા, મને તો એ રાત્રે જ અંદાજ આવી ગયો હતો કે જયના એમનો જીવ લઇને અટકશે નહીં..."

"હવે આપણી ફરજ છે કે રેતાને શોધીએ અને એના પતિને બચાવીએ..."

"કાકા, અત્યારે તમે એની શોધ કરો. સૂર્યોદય થાય એ પહેલાં મારે આ સાધના પૂરી કરવાની છે. એ પછી હું જયનાના પ્રેતનો મુકાબલો કરવા સક્ષમ થઇશ. ગઇકાલે રાત્રે પ્રેતના હુમલા પછી મારે આ સાધના પૂર્ણ કરવી જરૂરી બની ગઇ છે...મારું તો માનવું છે કે તમે તમારા ઘર પર જ એની રાહ જુઓ...ઓમ ધમ્બ ધમ્બ...રિમ્બ રિમ્બ...ઓમ...બહિષ્ટાત બહિષ્ટાત..."

ચિલ્વા ભગત તરત જ સાધના કરવા લાગ્યા. તેમની સલાહને અનુસરી જામગીરે ઘર તરફ ચાલવા માંડ્યું.

જામગીર થોડા આગળ વધ્યા અને એક દંપત્તિ તેમની તરફ આવતું દેખાયું. જામગીરની નજીક આવતાં જ પુરુષે પૂછ્યું:"કાકા...કાકા...એક મિનિટ ઉભા રહો..."

જામગીર ઉભા રહી ગયા. એ દંપત્તિ અજાણ્યું લાગ્યું.

પુરુષે નજીક આવી પૂછ્યું:"કાકા, અમારી દીકરીને જોઇ?"

જામગીર કહે:"તમે કોણ છો? અને કોને શોધી રહ્યા છો?"

પુરુષ કહે:"હું જશવંત છું અને આ મારી પત્ની જાગીતા છે. અમારી દીકરી આ વિસ્તારમાં આવી છે. તમે ક્યાંય એને જોઇ છે?"

જામગીરને થયું કે આ બંનેનો ગ્રામ્ય પહેરવેશ જોતાં રેતાના સાસુ-સસરા કે મા-બાપ હોય એવું લાગતું નથી. તો પછી કોણ છે? અને રેતા સિવાય તો આ ગામમાં બહારની કોઇ છોકરી આવી હોય એવો ખ્યાલ નથી.

***

નરવીરે ઉંઘવાનો પ્રયત્ન કર્યો. તેને થોડીવાર માટે ઉંઘ આવી ગઇ. અચાનક તેને થયું કે કોઇના પગલાંનો અવાજ આવી રહ્યો છે. તેણે આંખો સહેજ ખોલીને જોયું તો આસપાસમાં નાગદા દેખાઇ નહીં. ડોકને સહેજ ઘુમાવી જોયું તો નાગદા બહાર જઇ રહી હતી. નરવીરને પહેલાં તો શંકા ગઇ કે આટલી રાત્રે એ કોને મળવા જઇ રહી હશે? પછી તેના મનમાં જ સમાધાન આવી ગયું. અત્યારે કદાચ ઝાડે ફરવા ગઇ હશે. હું ઉંઘતો હતો એટલે મને કહ્યા વગર કહી હશે. એની રાહ જોઉં. આવે એટલે પૂછી લઇશ. હું એનો પતિ છું. એ મારી સાથે કેટલું પ્રેમભર્યું વર્તન રાખે છે. અને એક હું છું જે એના પ્રેમનો અનાદર કરી રહ્યો છું. કોઇ સ્ત્રી કંઇ કોઇ અજાણ્યા પુરુષ સાથે રહેતી હોય? અને મારી કેટલી સેવા કરી રહી છે? હું એને પત્ની માનવા કેમ તૈયાર થઇ રહ્યો નથી? એનામાં કોઇ ખોટ કે એબ નથી. કેટલી સુંદર અને લાગણીવાળી છે. જાણે સ્વર્ગમાંથી કોઇ પરી ઉતરી આવી છે. નાગદાના વિચારોમાં નરવીરને ખ્યાલ પણ ના રહ્યો અને ઉંઘ આવી ગઇ. રાત વીતી રહી હતી. ઠંડો માદક પવન આવી રહ્યો હતો. મન પ્રફુલ્લિત થાય એવી ફૂલોની સુગંધ પવન સાથે બારીમાંથી આવી રહી હતી. મનનો મોરલો નાચવા લાગ્યો હતો. નરવીરના અંગેઅંગમાં ઉત્સાહની લહેર ફરવા લાગી હતી. તેણે આળસ મરડી અને અજાણતા ડાબો હાથ બાજુમાં સૂતેલી નાગદાની છાતી પર મૂકાયો. નરવીરના આખા શરીરમાંથી જાણે રોમાંચનો કરંટ પસાર થઇ ગયો. દિલ બાગબાગ થઇ ગયું. નાગદાના નાજુક અંગોનો સ્પર્શ તેના દિલમાં હલચલ મચાવવા લાગ્યો. નરવીરે હાથને એ મૃદુ સ્પર્શ અનુભવવા દીધો. રોમરોમમાં આનંદ વ્યાપી ગયો. આંખો ખોલીને જોયું તો નાગદા શાંતિથી ઉંઘતી હતી. તેના શરીર પર નામ માત્રના વસ્ત્ર હતા. તેની ગોરી સુંદર મખમલ જેવી કાયા પર નજર નાખીને નરવીર રોમાંચિત થઇ ઉઠ્યો. નાગદાનું રૂપ જાણે આહવાન આપી રહ્યું હતું. પહેલી વખત તેને નાગદાના શરીર પ્રત્યે આકર્ષણ જાગી રહ્યું હતું. જામ હોઠોથી સહેજ જ દૂર હતા. એક પુરુષને બેકાબૂ બનાવી દે એવું નાગદાનું યૌવન હતું. નરવીરને થયું કે પોતે આટલા દિવસથી આ રૂપની કેમ અવગણના કરતો રહ્યો હશે? ત્યારે નરવીરને ખબર ન હતી કે તેનામાં કામદેવને જગાડનાર નાગદા બંધ આંખે મનોમન પોતાનો ઇરાદો બર આવવાની ઘડીઓ નજીક આવી રહી છે એ જાણી ખુશ થઇ રહી હતી. નરવીરનો અંશ તેના ગર્ભમાં ઉછરશે એ વાત હવે દૂર નથી એમ વિચારી તેના અંગેઅંગમાં ઝણઝણાટી ફેલાવા લાગી હતી.

વધુ ચોવીસમા પ્રકરણમાં...