પતિ પત્ની અને પ્રેત - ૨૨ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

પતિ પત્ની અને પ્રેત - ૨૨

પતિ પત્ની અને પ્રેત

- રાકેશ ઠક્કર

પ્રકરણ-૨૨

ચિલ્વા ભગતના ઘર પાસેનું વાતાવરણ ડરામણું ભાસતું હતું. કાચાપોચા દિલના માણસને ગભરાવી દે એવું હતું. ઘરની આસપાસ બધી સામગ્રી વેરવિખેર પડી હતી. કોઇ તોફાન આવી ગયા પછીની શાંતિ હતી. જામગીર કે રેતાને એવો આંચકો લાગ્યો કે કોઇ એક શબ્દ બોલી શક્યું નહીં. બંને એકબીજા સામે ડર અને આશ્ચર્યથી જોઇ રહ્યા હતા.

જામગીરને ખ્યાલ આવી ગયો કે નક્કી કોઇ મોટી ઘટના બની ગઇ છે. અગ્નિકુંડની રાખ તણખા સાથે હવાની લહેરખીમાં ઉડી રહી હતી. ચિલ્વા ભગતે સાધના માટે રાખેલી વસ્તુઓ ગમે ત્યાં પડી હતી. જામગીરે જોયું તો ઘરનો મુખ્ય દરવાજો તૂટીને બાજુ પર પડયો હતો. તે સાવચેતીથી આગળ વધ્યા અને ભગતના ઘરમાં ડોકિયું કર્યું. કપડાં અને બીજી ઘરગથ્થુ સામગ્રી આમતેમ પડી હતી. તેમણે ઝડપથી અગ્નિકુંડમાં સહેજ બળતું એક લાકડું લીધું અને એના પર થોડા સૂકા પાંદડા સાથે પાતળી ડાળીઓ નાખી વધારે સળાગાવ્યું. એ લાકડું સળગ્યું એટલે જામગીર તેને હાથમાં લઇ ભગતના ઘરમાં ગયા. ત્યાં કોઇ દેખાયું નહીં.

જામગીરે બહાર આવી બૂમ પાડી:"ભગત...ભગત...ક્યાં છો?"

રાતની શાંતિમાં આ અવાજ દૂર સુધી જતો હતો. રેતા શરીર પર બરફનું ઠંડું પાણી પડ્યું હોય એમ ધ્રૂજતી ઊભી હતી. તેના કપાળ પર પરસેવાના બિંદુ જામી ગયા હતા. તે ડરથી ફફડી રહી હતી. તેને થયું કે આટલી રાત્રે પોતે આવવું જોઇતું ન હતું. રિલોકને કહ્યા વગર આવી એ પણ ભૂલ કરી છે. પોતે આવીને ભગતના ઘરે કે જામગીરને ત્યાં પહેલાં ગઇ હોત તો સારું થયું હોત. નાગદાના ઘરે વિરેનને શોધવા જવાની ઉતાવળ કરવાની જરૂર ન હતી. તેનું મન માન્યું ન હતું. વિરેનનો સંપર્ક કરવા તે ઘાંઘી થઇ હતી. એક વખત તે વિરેનને જોઇ લેવા માગતી હતી. તેનામાં ધીરજ રહી ન હતી. નાગદા જ જયના છે એ નક્કી થઇ ગયું છે. બારીમાં આવેલો પુરુષ રાતના અંધારામાં ઓળખાયો ન હતો. પરંતુ તે મારું ગીત સાંભળીને જ બહાર આવ્યો હશે. તો પછી એણે મારી સાથે વાત કેમ ના કરી? બારી બંધ કેમ કરી દીધી? શું એ બીજું કોઇ હશે?

રેતા ખુલ્લી આંખે વિચાર કરતી હતી ત્યારે જામગીરે તેને હાથ લગાવી ઢંઢોળી...રેતા...રેતા... તે ગભરાઇને બે ડગલાં પાછળ હઠી ચીસ પાડી ઉઠી:"વિરેન..."

જામગીર કહે:'હું છું...બેટા...તું ઘરે જા...હું ભગતને આસપાસમાં શોધું છું..."

ત્યાં અચાનક અવાજ આવ્યો:"જામગીરકાકા...."

બંનેએ ચમકીને જોયું. અવાજ ભગતનો જ લાગતો હતો અને એના ઘરમાંથી જ આવી રહ્યો હતો. જામગીર હવે સતર્ક બની ગયા. પોતે ઘરમાં ચારે તરફ જોયું ત્યારે ભગત દેખાયા ન હતા. એમનો અવાજ કેવી રીતે આવી શકે? તે હાથમાં સળગતું લાકડું પકડીને ઘરના દરવાજે ઉભા રહી બોલ્યા:'કોણ છે?"

"હું છું કાકા..." કહી લાકડાની કોઠીમાંથી ભગત બહાર નીકળતા હતા.

"ઓહ..!" જામગીરને રાહત થઇ.

ચિલ્વા ભગત બહાર આવ્યા અને શરીર પર રહેલા ઘાસ અને પાંદડા સાફ કરતા બોલ્યા:"જયનાનું પ્રેત આવ્યું હતું. એ ધમાલ કરીને જતું રહ્યું. હું મારી સુરક્ષા કોઠીમાં છુપાઇને સલામત રહ્યો છું..."

જામગીર કહે:"તમારો સામનો થયો એની સાથે?"

ભગત કહે:"અત્યારે વાત કરવામાં સલામતિ નથી. તમે રેતાને લઇ તમારા ઘરે જતા રહો. અત્યારે જોખમ છે. સવારે વાત કરીશું. મારી ચિંતા ના કરશો."

ભગતે પોતાના કપડાના ખિસ્સામાંથી એક માળા કાઢી આંખો બંધ કરી બે મંત્ર ભણી જામગીરને આપતાં કહ્યુ:"આ પહેરી લો... અને રેતા, તારું મંગળસૂત્ર પહેરેલું છે ને? તને કોઇ વાંધો આવશે નહીં..."

જામગીર અને રેતાએ ભગત સાથે બીજી કોઇ વાતની ચર્ચા કરવામાં સમય બગાડ્યા વગર ઝડપી પગલે ચાલવા માંડ્યું. જામગીરનું ઘર દૂર હતું. રસ્તામાં તે પૂછવા લાગ્યા:"બેટા, તું આટલી રાત્રે કેવી રીતે આવી?"

"કાકા, હું અમારી કાર લઇને આવી. મેં ડૉ. ઝાલનના દવાખાના પાસે કાર મૂકી છે. કોઇને કહ્યા વગર જ આવી છું. હા, હોટલના મારા રૂમને તાળું માર્યું નથી અને ત્યાં ટેબલ પર ચિઠ્ઠી મૂકી આવી છું કે હું જામગીરકાકાને મળવા જાઉં છું. હું તો વિરેનને શોધવા આવી હતી. મને કલ્પના ન હતી કે ખરેખર તમને જ મળવાનું થશે. એ સારું થયું કે તમે મળી ગયા..." રેતાના સ્વરમાં ધ્રૂજારી હતી.

"બેટા, રાત્રે અજાણી જગ્યાએ અને જ્યારે આવી ભૂત-પ્રેતની આફત છે એવી ખબર હોય ત્યારે તો ભૂલેચૂકે નીકળવું ના જોઇએ. હું જાણું છું કે તને તારા પતિની ચિંતા છે. તારું આ પગલું અમને પણ મુસીબતમાં મૂકી દે એમ હતું..."

રેતાએ માફી માગી અને વિરેનને બચાવી લેવા કાકલૂદી કરી.

"બેટા, તને કહ્યું છે ને કે હવે તું તારી ચિંતા અમારા પર છોડી દે, લે...આ ઘર પણ આવી ગયું..." જામગીર બોલ્યા.

રેતાએ જોયું કે લાકડા અને માટીમાંથી બનેલું લીંપણવાળું જામગીરનું ઘર હતું. ઘર મોટું હતું. તે એકલા જ રહેતા હતા. એક રૂમમાં પીવાના પાણીનો ઘડો મૂકી જામગીરે તેને સૂઇ જવા કહ્યું.

રેતાને ઘણીવાર સુધી ઊંઘ જ ના આવી. વિરેનની શું હાલત હશે? એ ખરેખર જયનાને ત્યાં જ કેદ હોવો જોઇએ. જયનાએ એને પોતાના વશમાં કરી લીધો લાગે છે. પણ એ વિરેનની પાછળ શું કામ પડી છે? અમે એનું શું બગાડ્યું હશે? એને એના પિતાએ લગ્ન કરવા ના દીધા એમાં અમારો શું વાંક માતાજી? વિચાર કરતાં તે બેઠી થઇ ગઇ. બે હાથ જોડીને મતાજીને વિનવણી કરવા લાગી:"માતાજી મારા પતિને પાછો લાવી આપો. મારું સૌભાગ્ય મને પાછું અપાવો..."

રેતાએ ઉંઘવાનો પ્રયત્ન કર્યો. તે વારંવાર ચમકીને જાગી જતી હતી. રાત્રિ ઘેરી બનવા સાથે ચિત્રવિચિત્ર અવાજો આવી રહ્યા હતા. એક કૂતરાનો દૂરથી આવતો રડવાનો અવાજ તેના શરીરમાં કંપારી લાવી દેતો હતો. તેને વિરેનની ચિંતા થયા કરતી હતી. ચિલ્વા ભગત અને જામગીર કેવી રીતે વિરેનને પાછો અપાવશે એ સમજાતું ન હતું. ચિલ્વા ભગત સાધના કરીને કોઇ પ્રયત્ન કરવાના હતા પણ જયનાનું પ્રેત વિધ્ન નાખી ગયું છે.

રેતાની આંખ થોડીવાર માટે મળી ગઇ હતી. ત્યાં એક બિહામણું અટ્ટહાસ્ય સંભળાયું. રેતા થથરી ગઇ. તેને કોઇ સ્ત્રીનો અવાજ લાગ્યો. જોયું તો જયના તેના માથા ઉપર ગોળગોળ ઘૂમીને અટ્ટહાસ્ય કરી રહી છે. અને કહી રહી છે કે,'અહીંથી ચાલી જજે...તારો જીવ વહાલો હોય તો અહીં રોકાતી નહીં...ઓ સ્ત્રી તને તારો પતિ પાછો મળવાનો નથી...હા...હા...હા...'

રેતાએ કહ્યું:"હું મારા પતિને લીધા વગર પાછી જવાની નથી. તારાથી થાય તે કરી લેજે... મારા સૌભાગ્યને કોઇ છીનવી શકશે નહીં. અમે જન્મોજનમના બંધનમાં બંધાયેલા છે. માતાજીના અમને આશીર્વાદ છે..." રેતા વધારે કંઇ બોલે એ પહેલાં જયનાના પ્રેતના હાથમાંથી એક પ્રકાશનો શેરડો નીકળ્યો અને તેના પર પડ્યો. રેતાને લાગ્યું કે તે પથ્થર સમાન થઇ ગઇ છે. તેનામાં જીવ જ રહ્યો નથી. તેનું શરીર હલ્કું બની ગયું છે અને હવામાં ઉંચકાઇ રહ્યું છે.

સવાર પડી રહી હતી. સૂરજ ઉગવાને હજુ વાર હતી. જામગીર વહેલા ઊઠી જતા હતા. તે ઊઠીને સૌથી પહેલાં રેતાના રૂમ પાસે તેને જોવા ગયા. એને ઉંઘ આવી ગઇ હોય તો સારું છે એમ વિચારતાં તેમણે જોયું કે બારણું ખુલ્લું હતું. ખાટલા પર કે અન્ય કોઇ જગ્યાએ રેતા ન હતી. તે બહાર દોડ્યા. રેતા આસપાસમાં ક્યાંય દેખાઇ નહીં. તેમના મનમાં ડર પેઠો:" જયના રેતાને ઉપાડી ગઇ તો નહીં હોય ને?"

વધુ ત્રેવીસમા પ્રકરણમાં...