પાન ખાય સૈયા હમારો..
----------
મને તમાકુ, કાથો કે પાન સોપારીનું કે કોઈ જાતનું વ્યસન નથી. પણ પાનની મઝા અલગ છે. ભારે જમીને ઉપર પાનની મઝા તો સહુને માણવી ગમે છે.
પાન એટલે નાગરવેલનું, તીખું મઝાનું. મોં માં મૂકી રાખો એટલે સુગંધ ફોરે અને રસ ધીમે ધીમે ગળે ઉતરે એટલે ચિત્ત પ્રસન્ન.
આજે પણ સારું એવું જમી એક પાન હાઉસ પાસેથી પસાર થયો ત્યારે કુટુંબે પાનની ઈચ્છા વ્યક્ત કરી. પાનની જ દુકાન હતી. મેં પાનનો ઓર્ડર આપી 'તમાકુ નહીં, સોપારી માફક' વગેરે કહેવા માંડ્યું. 'પાનવાળો' કહે અમે પાન બનાવતા જ નથી! આ શિંગોડા પાન ફ્રિજમાં તૈયાર છે. એ પણ બીજે તૈયાર થઈને આવે છે.
એ પાન મોટાં શકું જેવાં. અંદર છૂટથી મસાલો ભરેલો. મોટે ભાગે તૂટી ફૂટી, કોપરાનું ખમણ અને ઉપર એક ચેરી. ત્રણ ટુકડે મારાં ગલોફામાં મૂકી ખાધું. એ મીઠો સ્વાદ અને એ ઠંડુ પાન સારું હતું પણ જે મઝા લીલાં છમ પાનને ચગળવાની, ગળે એક એક તીખું ટીપું ઉતારવાની હોય એ દિવસોનાં વાસી પાનમાં ક્યાંથી હોય?
પાન ખાવાની વાત કરું તો યાદ આવે પિત્તળની તાંબા કુંડીમાં બોળેલા પાન, કલકત્તી, બનારસી, મઘઈકે ટચુકડાં તીખાં દક્ષિણી પાન યાદ આવે. પાનવાળો ઉપરથી ડિટીયું કાપે, કાથા વાળી લાકડી અથાણાં માં હોય એવી બરણીમાંથી કાઢી ચોપડે, ક્યારેક તો મોટા સુડાથી કચર કચર કરી સોપારીનો ચુરો કરે, 'વરિયાળી કે ધાણા દાળ' એવું પુછે, કોઈ તો એકાદ ઈલાયચી પણ નાખે , ઉપર એકાદ તુટીફૂટી અને ગુલકંદ જેવા મસાલા આપણી સામે ચોપડે અને એ પાનથી ગલોફૂં ભરી ચૂસતા જઈએ એ મઝા યાદ આવે. બાળપણથી એમ જ ખાધું છે. કાથાનો લાલ રંગ ખાસ થુક્યો નથી.
અમે નાગર. (હા વળી. ચોક્કસ. કેટલાક લોકો ઢોલ પીટી પોતાની જાત પ્રગટ કરે એને છૂટ, અમે અમારી જાત જાહેર ન કરી શકીએ.) નાગરો પાનના ખાસ શોખીન. નાગર ના પાંચ પ માએક પાન સોપારી છે જ. મારા દાદા પાનએક પોતામાં પલાળી રાખતા, સુડીથી સોપારી કાપી પાન પર લગાવતા, એમની પાસે ક્યારેક કાર ના આકારની પાનપેટી હતી. મેં મ્યુઝિયમ ઉપરાંત નાગરોના ઘરમાં પણ જાત જાતના આકારોની પિત્તળની પાન પેટી જોઈ છે. નાગર સરકારી નોકરીમાં 'ડિસ્ટ્રીકટ' માં જાય તો પણ નાની સ્ટીલની પેટીમાં પાન વીંટેલું પોતું અને નાનાં કાણાં વાળી ચુના કાથા ની ડબ્બીઓ હોય જ.
અનેક વખત લાંબા વાળ વાળી ગોરી , ગમે તે ઉંમરે રૂપાળી લાગતી નાગરાણી હિંચકે બેસી પાન બનાવી પતિને આપતી હોય કે ખુદ પતિ મીઠી વાતો કરતો પાન બનાવી તેને આપતો હોય એ પ્રસન્ન દામ્પત્યનું ચિત્ર જોયું છે.
મારાં શ્રીમતી સોપારીનો એકદમ ઝીણો ચુરો સોપારીને સાઈડમાંથી કાતરીને કરી શકે છે. મારે તો સુડીથી કાપું તો એક ટુકડો ઉપર ઉડી ઉત્તરમાં બીજો નીચે ઉડી દક્ષિણમાં જાય.
જે કોઈ એવાં ખાસ ઘરમાં જમીને કોઈ પાન બનાવે, તાજાં લીલાં પાનનાં ડિટીયા કાપી નસ છોલી વરિયાળી એલચી લવિંગ ધાણા દાળ એકાદ પીપરનો ટુકડો ને એવું નાખી આપે તો બસ, 56 ભોગ જમ્યા કરતાં વધુ આનંદ એ પાન ખાવાનો થાય.
કાળુપુર ની પાન માર્કેટ માંથી બે ચાર ડઝન પાન ફ્રિજમાં રાખી ખાવા ઉપાડી આવતો.
દક્ષિણમાં હનુમાનજીને પાન ચડાવે. એમ કોઈ છુટા તો વેંચે નહીં. તો ભગવાનને ચડાવવા છે કહી પાનનો હાર લઈ આવતો ને ચાલે એટલું ઘરના સહુ રોજ એક ખાતા.
મને તો 7 વર્ષનો હતો ને કોઈ સાથે પાનવાળા પાસે ગયો હોઉં ને એ 'બાબા ભાઈ, લો એક એલચી (કે લવિંગ કે પીપર) કહી આપે ત્યાં થી માંડી બેંકનાં કોઈ ઇન્સપેક્શન માં ગયો હોઉં તો મોં ભરાઈ જાય એવું સ્પેશિયલ પાન, ક્યારેક મેં શ્રીમતીને મારે હાથે ખવરાવેલું (સમજી જાઓ, એવું તો 'એ' વખતે જ હોય!) કે મેંદી મૂકેલા હાથે કોઈ લગ્ન પ્રસંગે શ્રીમતીએ સીધું મોં માં પાન ગ્રહણ કરી લાલ લાળ ઉડે એમ થેંક્યું કહ્યું હોય, કોઈ વડીલને જેવી આવડે એવી નંસો કોતરી આપેલું પાન કે એ લાલસોટ પાન હાઉસ પાસે ઉભી આ નાખો ને આ નહીં કહી કરવી સીધું મોંમાં મુકેલું પાન- આવું જ સ્મૃતિમાં આવે.
હવે શું એ મનુભાઈ તંબોળીના હાથે બની ખાદીના સફેદ નેપકીન પર લાલ ડાઘ લૂછી પહેલાં કાગળમાં પછી ચોરસ પ્લાસ્ટિકમાં આપતા એ પાન મને માણસ મને તો ઠીક, દેવોને પણ દુર્લભ બની જશે?
જમાનો ફાસ્ટ અને આઉટ સોર્સિંગનો છે એમાં પાન પણ આવી ગયું?