False charges books and stories free download online pdf in Gujarati

ખોટા ખર્ચા

ન જાણે ક્યા જન્મ નો બદલો લઈ રહી છે બોલતા બોલતા કોકિલા બેન વરંડા માં આવી ખુરશી પર બેઠા.
સવારનું ન્યુઝ પેપર વાંચતા સુકેતુ ભાઈ પેપર સાઇડ માં રાખી બોલ્યા આ સવાર સવાર નાં શું પારાયણ માંડ્યું છે ?
કોકિલા બેન હજુ વધુ ભડક્યા અને બોલ્યા તમે આ પેપર માંથી ઊંચા આવો તો ખબર પડે, આખા ગામની પંચાત કરો છો પણ ઘરમાં શું ચાલી રહ્યુ છે એની બિલ્કુલ પરવા નથી.
સુકેતુ ભાઈ બોલ્યા વાતમાં મોણ નાખ્યા વગર સીધી રીતે બોલને થયું શું ?
કોકિલા બેન બોલ્યા આ તમારી નવી વહુ આવી છે ને તાન્યા એ રોજના નવા ખોટા ખર્ચા કર્યે રાખે છે આમને આમ તો એક દિવસ આપણું દેવાળુ ફુંકાઈ જશે.
આજે સવારનાં રસોડા માં જઈ પુછ્યું વહુ બપોરનાં જમવા માં શું બનાવ્યું છે તો બોલી મોમ આજે રવિવાર છે જેકીન ને પુરણપોળી બહુ ભાવે છે, બાજુમાં રહેતા રેવા માસી પુરણપોળી બનાવીને વેંચે છે તો એમને ઓર્ડર આપી દીધો છે સાથે દાળ ભાત પણ મોકલશે.
બોલો ચાર જણની રસોઈ બનાવતા જોર પડે છે બસ જીભ ના ચટાકા જ કરવા છે.
સુકેતુ ભાઈ બોલ્યા એમાં શું થયું ? રોજ રસોઈ બનાવે છે ને, એક દિવસ બહારથી મંગાવ્યું એમા ક્યો મોટો પહાડ તૂટી પડ્યો ?
કોકિલા બેન બોલ્યા બજાર માં જાય તો ન જોઈતી વસ્તુઓ ઉપાડી લાવી બીજાને આપી દે, ઘરની બહાર કોઈ ફેરીયાએ બૂમ પાડી નથી કે પાકીટ લઈ દોડી પડે અને જરૂરત ન હોય તો પણ કંઈને કંઈ લઈ લે.
તમે તો બસ વહુ ની જ તરફદારી કરવાના અને જેકીન પણ વહુનાં ઘાઘરા માં ઘૂસી ગયો છે એ પણ કંઈ બોલતો નથી મારી તો કોઈ કિંમત જ નથી બોલતા કોકિલા બેન ગુસ્સામાં ત્યાંથી ઉઠી બહાર નીકળી ગયા.
વાત જાણે એમ હતી કોકિલા બેન અને સુકેતુ ભાઈ એમના એકના એક દીકરા જેકીન સાથે રહેતા, સુકેતુ ભાઈ નો ઇમ્પોર્ટ એક્સપોર્ટ નો બિઝનેસ સારો ચાલતો એટલે સારા એરિયા માં બંગલો લીધો હતો,સ્વીમીંગ પૂલ, કંપાઉન્ડ માં ચાર બંગડીવાળી ગાડી ઊભી રહેતી ટૂંકમાં બધી રીતે સુખી પરિવાર.
જેકીન નું ભણતર પુરું થતા એ પણ પપ્પા સાથે જોડાઈ પોતાની કુનેહ થી બિઝનેસ ને હજી આગળ લઈ ગયો.
જેકીન ઉંમરલાયક થતા લગ્ન ની વાત નીકળી અને આવો સાધન સંપન્ન ઘર જોઈ છોકરીઓ ની લાઈન લાગી ગઈ.
કોઈ છોકરી રૂપાળી હોય પણ ગુણવાન ન હોય અને ગુણવાન હોય તો રંગરૂપ ના ઠેકાણા ન હોય એવામાં અપવાદ રૂપ તાન્યા નીકળી, પૈસૈટકે સુકેતુ ભાઈ ની હરોળમાં આવે એવું ઘર, પહેલી નજરે મનમાં વસી જાય એવું રૂપ અને વ્યવહાર માં પણ પાછી ન પડે અને કામકાજ માં પણ હોશિયાર એટલે સર્વગુણ સંપન્ન એવી તાન્યા પર ત્રણે જણ ની મહોર લાગી અને સારું મુહૂર્ત જોઈ રંગેચંગે લગ્ન પણ થઈ ગયા.
લગ્ન પછી હનીમૂન માટે જેકીન ફોરેન ટુર ની ગોઠવણ કરતો જોઈ તાન્યા લાડમાં બોલી જેક આપણે ફોરેન ન જતા આપણાં બાપદાદા નાં ગામ જઈ આવીએ તો કેવું ?
ગામ પણ જોવાઈ જશે, હનીમૂન પણ થઈ જશે.
સાંભળી જેકીન ગુસ્સે થઈ ગયો અને બોલ્યો તું શું બોલે છે ભાન છે ? ગામડામાં હનીમૂન કરાતું હશે ? મને તો એમ કે તું બહુ હોશિયાર છે પણ આવી વાત કરી તે તારી સાચી ઓળખ આપી દીધી.
તાન્યા એ શાંતિથી બધુ સાંભળી લીધું અને પ્રેમથી જેકીન નો હાથ પકડી બોલી જેકીન હું તને દુભવવા નથી માંગતી પણ એકવાર મારી વાત શાંતિથી સાંભળી લે અને પછી તને અયોગ્ય લાગે તો તું જેમ કહીશ એમ કરીશ.
જેકીન ને પણ લાગ્યું એ વધુપડતો હાયપર થઈ ગયો હતો એટલે મૌન રહી મનોમન તાન્યા ની વાત સાંભળવા સંમતિ આપી.
તાન્યા બોલી જેક આપણે ફોરેન જશું અને લાખો રૂપિયા ખર્ચી આવશું પણ એ પૈસા કોની પાસે જશે ? વિદેશી પાસે બરોબર ?
હવે આપણે ગામડે જશું તો આનાથી અડધા ભાગના પૈસા માં બધું પતી જશે અને ગામડાનાં માણસને બે પૈસા મળશે તો એ પણ રાજી થશે.
કોઈએ મજબૂરી માં શાહુકાર પાસેથી વ્યાજે પૈસા લીધા હોય એ કરજ ચુકવાઈ જાય, કોઈના છોકરાઓ નું ભણતર પુરું થાય તો કોઈની છોકરી ના અટકેલા લગ્ન થઈ જાય.
બસ આ વિચારી હું તને આ સજેશન કરતી હતી બાકી તો હું તારી સાથે ગમે ત્યાં જવા તૈયાર છું.
વાત સાંભળી જેકીન ની આંખ ભીની થઈ ગઈ અને તાન્યા ને પોતાના બાહુપાશ માં જકડી લીધી અને પોતાની પસંદગી માં કોઈ કચાશ નથી એની ખાત્રી થઈ ગઈ.
આમ ગામડે હનીમૂન પતાવી તાન્યા સાસરે સેટ થવા લાગી.
મળતાવડો સ્વભાવ, બધાને મદદરૂપ થવાની ભાવના ને લીધે જોતજોતાંમા આજુબાજુ બધાને પ્રિય થઈ ગઈ.
માર્કેટ માં જાય એટલે જરૂરત થી વધારે ફ્રુટ લાવી બપોરે છોકરાઓ રમતા હોય તો ફ્રેશ ફ્રુટ જ્યુસ આપતી
બહાર રાઉન્ડ મારવા નીકળે અને કોઈ ફેરીવાળો રમકડા વેંચતો હોય તો લઈ લે અને કામવાળી બાઈ ને એના છોકરાઓ માટે આપતી.
ધીરે ધીરે કોકિલા બેન હાંસિયા માં ધકેલાઇ જતા હતાં અને તાન્યા ઘર અને પડોશમાં કેન્દ્રબિંદુ બનતી જતી હતી.
કોકિલા બેન નાં મનમાં સ્ત્રીસહજ જેલસ થઈ જતી અને એ અસંતોષ પતિ અને પુત્ર પાસે નીકળતો, પણ બન્ને પાસેથી કોઈ દાદ ન મળતા અકળાઈ જતા.
આમજ એક દિવસ કોકિલા બેન બ્યૂટી પાર્લર થી પાછા ઘરે આવતા હતા અને જોયું તાન્યા એક ફેરીયા પાસેથી ભાવતાલ કર્યા વગર છોકરાને ભણવા માટેનું એક ટેબલ ખુરશી લેતી જોઈ કોકિલા બેન નો ગુસ્સો ફાટી પડ્યો અને બોલ્યા વહુ હવે હું આ બધુ નહીં ચલાવી લઉં વધુ બોલતી નથી એટલે તું તો મારા માથે ચડતી જાય છે.
તાન્યા બોલી મમ્મી મારી વાત તો સાંભળો.
પણ કોકિલા બેન કાંઈ સાંભળવા તૈયાર ન્હોતા અને બોલ્યા આવા ખોટા ખર્ચા કરવા હોય તો જા તારા બાપના ઘરે અમારી પાસે ફાલતુ પૈસા નથી.
આવી રીતે ન કહેવાનું ધણું કહી ધક્કો મારી તાન્યા ને નીચે પાડી દીધી.
તાન્યા આમ તો ડાહી હતી પણ સાથે સાથે સ્વમાની હતી એટલે કંઈપણ ન બોલતા પહેરેલે કપડે ઘરમાંથી નીકળી ગઇ.
સાંજે જેકીન અને સુકેતુ ભાઈ આવ્યા ત્યારે કોકિલા બેને વધારી સધારી ને વહુની કમ્પલેન્ટ કરી અને પીયર ચાલી ગઈ એમ કીધું.
જેકીને તરત તાન્યા ને ફોન લગાડી વાત કરી અને શું થયું એ પુછી લીધું.
કોકિલા બેન બન્ને માટે ડાઈનીંગ ટેબલ સાફ કરી જમવાનું લેવા જતા હતા અને સાડી પગમાં ભરાતા નીચે પડી ગયા અને પગ મચકોડાઇ ગયો, જેકીન તરત દોડી આવી મમ્મીને ઉભી કરવા ગયો પણ કોકિલા બેન થી ચલાતું ન્હોતુ.
જેમતેમ કરી બેડરૂમ માં બેડ પર સુવડાવી ડોક્ટર ને કોલ કરી ઘરે બોલાવ્યા, થોડીવાર માં ડોક્ટર આવી ગયા ચેક કરી બોલ્યા ચીંતા કરવા જેવું નથી નોર્મલ ક્રેક લાગે છે દસ દિવસ આરામ કરવું પડશે, દવા લખી આપું છું એ લઈ લેજો ઠીક થઈ જશે.
કોકિલા બેન પડી ગયા એ ખબર આજુબાજુ માં પડતા જ બધા આવવા લાગ્યા અને કંઈ જરૂરત હોય તો જણાવજો કહી સધિયારો આપતા હતાં.
આવી પરિસ્થિતિમાં પણ કોકિલા બેન ની ચકોર નજરે નોંધ્યું કે રેવા બેન ખબર કાઢવા નથી આવ્યા અને એ વાત એમણે સુકેતુ ભાઈ ને કીધી જોયું તમારી લાડલી વહુ આમની પાસેથી અવારનવાર જમવાનું મંગાવી એમને રૂપિયા આપતી પણ આવા સમયમાં એમને ફુરસદ નથી. સુકેતુ ભાઈ બોલ્યા તને તો દરેક વાતમાં વહુનો ગુનો દેખાય છે રેવા બેન ને કામ હશે એટલે નહીં આવ્યા હોય.
કોકિલા બેન ગુસ્સાથી કંઈ બોલવા જતા હતા એટલામાં એમની નજર દરવાજા પર પડી તો રેવા બેન હાથમાં મોટું ટીફીન પકડી ઊભા હતા અને બોલ્યા સોરી કોકિલા બેન તમારા બધા માટે રસોઇ બનાવતા આવવામાં મોડું થયું અને હા જ્યાં સુધી તાન્યા વહુ ન આવે ત્યાં સુધી રસોઇ ની જવાબદારી મારી અને બીજું કોઈ કામ હોય તો બેજીજક જણાવજો બોલી ટીફીન મુકી ગયા.
સાંજે બધા જમીને સુકેતુ ભાઈ અને જેકીન વાસણ ઘસવાની તૈયારી કરતા હતા એટલામાં સાંજના ક્યારેય ન આવનારી કામવાળી બાઈ આવી અને બધી સાફસફાઈ કરી નાખી અને બોલી મને ફોન આવ્યો હતો તમે પડી ગયા છો અને તાન્યા વહુ પણ પીયર ગયા છે એટલે આવી ગઈ.
આમ કપરા સમય માં બધા પોતપોતાની રીતે કામ આવી કોકિલા બેન ના બધા કામ આસાન કરી નાખ્યા.
કોકિલા બેન વિચારવા લાગ્યા આની પહેલા પણ ઘણીવાર તકલીફો આવી ત્યારે કોઈપણ આવી રીતે મદદ માટે આવ્યા નથી પણ આજે નવાઈ લાગે છે કે એવો તો શું જાદુ થયો કે બધા મારી માટે એકપગે ઉભા રહી ગયા.
આમનેઆમ એમની આંખ ઘેરાઈ ગઈ અને ક્યારે સવાર પડી ગઈ ખબર ન પડી, રસોડામાં થી વાસણોનો ખખડાટ સાંભળી જેકીન ને બૂમ પાડી બેટા ચા લાવજે માથુ ભારે થઈ ગયુ છે.
થોડીવાર માં ચા અને એમના મનગમતા પૌંવા ની સોડમ સાથે તાન્યા આવી અને પગે લાગી બોલી મમ્મી કેમ છે હવે ?
કોકિલા બેન ને નવાઈ લાગી પણ પોતાની સાસુગીરી એમ જ થોડી છોડી દેવાય એ હિસાબે તાન્યા ને બે શબ્દ બોલી તતડાવી નાખી અને તારે લીધે જ આ બધુ થયુ કહી ચા નાસ્તો કરવા લાગ્યા એટલા માં સુકેતુ ભાઈ આવ્યા અને બોલ્યા મેડમ આ બધુ જોઈ ને પણ તને સમજણ નથી આવતી કે વહુને ધમકાવે છે. બેઉની બોલાચાલી સાંભળી તાન્યા ચૂપચાપ ત્યાંથી નીકળી ગઈ.
કોકિલા બેને છણકો કર્યો આવ્યા વહુના વકીલ, તમે ગમે એટલી વકાલત કરો પણ હું તો આ નહીં ચલાવી લઉં.
એટલા માં જેકીન પણ આવી ગયો અને બોલ્યો મમ્મી આ બધા અચાનક મદદ કરવા આવ્યા એનું કારણ તાન્યા જ છે.
તમને લાગે છે એ ખોટા ખર્ચાઓ કરે છે પણ જરા શાંત મગજે વિચારો તો તમને સાચી વાત સમજાશે.
તમને લાગે છે તાન્યા જરૂરત ન હોય એવી વસ્તુઓ લઈને બધાને આપી દે છે પણ એમાં એની ગણતરી હોય છે.
કોકિલા બેન બોલ્યા ખોટા ખર્ચાઓ કરે એમાં વળી ગણતરી કેવી ?
જેકીન બોલ્યો મમ્મી મેં એને હનીમૂન માટે ફોરેન જવાની વાત કરી ત્યારે બીજી કોઈ છોકરી હોત તો ફટ કરતાં તૈયાર થઈ જાત પણ તાન્યા એ ના પાડી એનાથી સાવ ઓછા ખર્ચે હનીમૂન પતાવ્યું એ પણ નાના માણસો ને પૈસા કામ આવે એવા ઠેકાણે જઈ એકરીતે બધાની મદદ જ કરી કહેવાય, એવીજ રીતે કોઈને ભીખ ન આપતા નાના નાના ફેરીયાઓ પાસેથી વસ્તુઓ લઈ એમને બે પૈસા કમાવા દેતી અને એ વસ્તુઓ જરૂરતમંદ ને આપી એમની હેલ્પ કરતી.
આજે તમારી આ પરિસ્થિતિમાં બધા તમને મદદ માટે દોડતા આવ્યા એ તમને જોઈને નહીં પણ તાન્યા નાં સાસુ મુસીબત માં હતા એને લીધે જ.
તાન્યા ક્યારેય પાર્લર માં નથી જતી કે નથી જતી પિક્ચર જોવા, બસ એના બચેલા પૈસાથી રેવા બેન જેવા લોકો જે મહેનત કરી કમાય છે એમને ઓર્ડર આપી એમની મહેનત ને બિરદાવતી અને બે પૈસા કમાવા આપી સમાજસેવા કરતી રહે છે.
સાંભળી કોકિલા બેન વિચારમાં પડી ગયા અને પોતે પાર્લર અને કપડા,મેકઅપ માટે કરતા ખોટા ખર્ચાઓ યાદ આવી ગયા અને તાન્યા વહુ એ આવા ખર્ચાઓ કર્યા હોય એવું યાદ ન આવ્યું.
જેમ જેમ વિચારતા ગયા એમ એમ કોકિલા બેન ની આંખો ભીંજાવા લાગી અને એમને ખરી હકીકત સમજાઈ ગઈ.
એટલામાં બહાર થી આઈસ્ક્રીમ વાળાફેરીયા ની બૂમ સંભળાઈ અને કોકિલા બેને તાન્યા ને બૂમ પાડી બોલાવી કહ્યુ વહુ બેટા આપણાં ચારે માટે આઈસ્ક્રીમ લઈ બધાનું મોઢું મીઠું કરાવ.
સાંભળી તાન્યા ની આંખમાં પણ પાણી આવી ગયા અને આઈસ્ક્રીમ લેવા દોડી ગઈ.
~ અતુલ ગાલા (AT), કાંદીવલી ઈસ્ટ, મુંબઈ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED