પતિ પત્ની અને પ્રેત - ૨૦ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

પતિ પત્ની અને પ્રેત - ૨૦

પતિ પત્ની અને પ્રેત

- રાકેશ ઠક્કર

પ્રકરણ-૨૦

રેતાએ પોલીસને જાણ કરવાનું કહ્યું એ પછી ચિલ્વા ભગત અને જામગીરકાકાની આંખો વચ્ચે કોઇ વાત થઇ. એ જોઇ રેતાને શંકા ઊભી થઇ કે તેણે બંને પર ભરોસો કરીને કોઇ ભૂલ તો કરી નથી ને? તે આ વિસ્તારમાં અજાણી છે. અહીંના લોકોને જાણતી નથી. જયનાનું ભૂત ક્યારે શું કરી દે એ કહેવાય એમ નથી. તેણે આ બંને પર કોઇ જાદૂ કરી દીધો હોય તો હું ફસાઇ જાઉં. જયના આ બંનેને પોતાના તરફ કરી લેશે તો પોતે વિરેનને પાછો મેળવી શકશે નહીં. અત્યારે તો આ બંને પર જ બધો આધાર છે.

રેતાની આંખોમાં પ્રશ્ન વાંચી ચિલ્વા ભગત બોલ્યા:"બેન, તમે ગભરાશો નહીં. અમે જયનાનો સામનો કરવા સક્ષમ છીએ. પોલીસને વાત કરવાથી જયનાને પકડી ના શકાય. આ ભૂત-પ્રેતનો મામલો છે. પોલીસને જાણ કરવાથી બાજી બગડી જાય એમ છે. તમે જાણો જ છો કે પોલીસ પુરાવાના આધારે ચાલે છે. નાગદાના ઘરે તપાસ કરાવવા કોઇ કારણ હોવું જોઇએ. અને તેણે વિરેનને બીજી જગ્યાએ છુપાવી દીધો હશે. તેને આપણા પર શંકા ગઇ હોવાથી લાવરું મોકલ્યું હતું. તે આપણા વિશે માહિતી મેળવવા માગતી હતી. મારી નજર એને ઓળખી ગઇ. એનો માયાવી લાવરુંનો ખેલ આપણે ઊંધો પાડી દીધો છે. હવે તે કોઇ નવો ખેલ કરી શકે છે. હું મારી શક્તિઓને જાગૃત કરવા એક દિવસ સુધી સાધના કરીશ. આવતીકાલે પાછા આવજો. અત્યારે જયનાની શંકા વધવી ના જોઇએ..."

ચિલ્વા ભગતની વાત સાંભળી જામગીર પણ બોલ્યા:"બેટા, ભગત સાચું કહી રહ્યા છે. પોલીસને જાણ કરવામાં મજા નથી. ભગત પર ભરોસો રાખ. એમને આવા ભૂત-પ્રેત સાથે અગાઉ પનારો પડી ચૂક્યો છે. તે જયનાના પ્રેતનો સામનો કરવા પોતાની શક્તિઓનો ઉપયોગ કરશે. અમે પણ ઇચ્છતા નથી કે ગામમાં કોઇ ભૂત-પ્રેત ડેરો નાખીને રહે અને લોકોને હેરાન કરે. તારા પતિને તેણે અમારા ગામમાંથી ઉઠાવ્યો છે એટલે અમારી જવાબદારી બને છે કે એને છોડાવીએ. જયનાનો આશય શું છે તે સમજવું પડશે. તેણે લગ્ન કરવા હતા. તે ગાંડી હતી પણ તેના મનમાં લગ્નની વાત બેસી ગઇ હતી. એ તેની અધૂરી ઇચ્છા પૂરી કરવા જઇ રહી છે. તે વિરેન સાથે લગ્ન ગોઠવી ના દે એ આપણે જોવું પડશે. તેની ચુંગાલમાંથી વિરેનને છોડાવવાનું કામ સરળ નહીં હોય. ચિલ્વા ભગત પોતાની શક્તિઓને કામે લગાવશે તો આપણે ચોક્કસ સફળ થઇશું..."

ચિલ્વા ભગત અને જામગીરકાકાની વાત સાંભળી રેતાને વિરેન માટે ચિંતા વધી ગઇ પણ બંનેનો આશય સારો લાગી રહ્યો હોવાથી તેને આશા જાગી. રેતાએ નક્કી કર્યું કે તે આજે તારાગઢ જઇને રહેશે અને કાલે પાછી આવશે. તે બંનેની રજા લઇને રિલોક સાથે તારાગઢ જવા નીકળી ગઇ.

ચિલ્વા ભગત પોતાની સાધનાની તૈયારી કરવા લાગ્યા. જામગીરે ભગતને મદદ કરી. થોડીવાર પછી ચિલ્વા ભગત કહે,"કાકા, તમે હવે ઘરે જાવ. જતાં પહેલાં નાગદાના ઘર પાસે તપાસ કરજો. તે એકલી જ રહે છે કે કોઇ સાથે છે એની જાણકારી મેળવવાનો પ્રયત્ન કરજો. મારી આ સાધના પૂરી થશે પછી હું જરૂર નાગદા સાથે વિરેન છે કે નહીં એની માહિતી મેળવી લઇશ..."

જામગીર ગયા પછી ચિલ્વા ભગતે એક માટીના કુંડમાં મૂકેલા લાકડા અને છાણામાં અગ્નિ પેટાવ્યો. તેની આજુબાજુ માટીના વાસણોમાં અગ્નિમાં હોમવા વિવિધ વનસ્પતિ અને અનાજ હતા. ચિલ્વા ભગતે યજ્ઞ શરૂ કર્યો. તે સતત કંઇને કંઇક બોલતા હતા:"ઇન્નાહિમ, બિન્નાહિમ, બલા તું જહન્નાહિમ..."

જામગીર ધીમા પગલે ચાલતા નાગદાના ઘરથી દૂર એક ઝાડ પાસે છુપાઇ ગયા. સાંજ પડી ગઇ હતી. અંધારું ચારેકોર પોતાનું વર્ચસ્વ જમાવી ચૂક્યું હતું. તમરાં અને જીવડાં પોતાની મસ્તીમાં ફરી રહ્યા હતા પણ એમનો અવાજ માનવીઓને ડરાવી દે એવો હતો. જામગીર નાગદાના ઘર તરફ તાકીને બેઠા હતા. ઘરના બારી બારણાં બંધ હતા. લાઇટ ચાલુ હતી પણ અંદર કોઇની અવરજવર થતી હોય એનો ખ્યાલ આવી શકે એમ ન હતો. ઘણીવાર પછી અચાનક બારણું ખૂલતું દેખાયું. જામગીરે ઝીણી નજરથી જોયું તો નાગદા બહાર નીકળી રહી હતી. તે ઘરની બહાર નીકળીને વાડ પાસે આવી. વાડનો દરવાજો ખોલી બહાર નીકળી અને જોતજોતામાં અંધારામાં ઓગળી ગઇ. એ જોઇ જામગીરને નવાઇ લાગી. નાગદા રાત્રે કોને ત્યાં અને કેમ ગઇ હશે? અંદર વિરેન હશે કે પછી બીજે ક્યાંક છુપાવી દીધો છે? જામગીરને સમજાતું ન હતું કે હવે શું કરવું? ત્યાં થોડે દૂર કોઇની હલનચલન થતી લાગી. દૂર એક ઝાડની ઓથે કોઇ છુપાયું હોય એવો ભાસ થયો. જામગેરને થયું કે આટલી રાત્રે ત્યાં કોણ હશે?

***

નાગદાને ઘાયલ નરવીરને જોઇ ચિંતા થઇ આવી. તેના ચહેરા પરના ઘામાંથી લોહી નીકળી રહ્યું હતું. તેણે જોયું કે નરવીર બેભાન થઇ ગયો છે. તેને ફરી સાજો કરવાનું કામ નાગદા માટે ડાબા હાથના ખેલ જેવું હતું. જો તે એમ કરે તો નરવીરને તેના પર શંકા જાય. આમ પણ નરવીર તેને હજુ પત્ની તરીકે સ્વીકારી રહ્યો ન હતો. તેની પત્ની તરીકેનો અધિકાર ભોગવવા તે તલપાપડ હતી. પતિ તરીકે નરવીરનો સાથે મેળવવા માગતી હતી. તેને જ્યારે બાળવા માટે ચિતા પર મૂકવામાં આવી ત્યારે પિતા તેને લગ્નના આશીર્વાદ આપતા ખચકાતા હતા. આખરે આશીર્વાદ આપ્યા હતા. પણ એમણે દિલથી આશીર્વાદ આપ્યા ન હતા. એ કારણે જ્યારે શરીરમાં અગ્નિ લાગ્યો ત્યારે એક ભડકો થયો અને તે મુશ્કેલીથી આત્મા બનીને નીકળી હતી. ત્યારે આકાશમાં પહોંચી પછી એક ભવિષ્યવાણી થઇ હતી. તેમાં કહેવાયું કે તું તારી લગ્ન કરવાની ઇચ્છાને કારણે પ્રેત બનીને ભટકવાની છે. પરંતુ પિતાના સંપૂર્ણ આશીર્વાદ મળ્યા ન હોવાથી તારે કોઇ પુરુષ પસંદ કર્યા પછી તેના બાળકની મા બનવું પડશે. તો જ તું એની સાથે સામાન્ય સ્ત્રી બનીને લગ્નજીવન ગુજારી શકીશ. એ પછી પોતે આ વિસ્તારમાં ભટકતી રહી હતી. જ્યારે નરવીર જેવો સુંદર પુરુષ દેખાયો ત્યારે તેને પામવા માટે તેની કારને અકસ્માત કરાવ્યો અને પોતાને ત્યાં લઇ આવી. નસીબ સારું હતું કે નરવીર બહુ ઘાયલ થયો ન હતો. તેને સારવાર આપીને પોતે તેનું દિલ જીતવા માગતી હતી. તે યાદદાસ્ત ભૂલી ગયો છે એની ખબર પડી ત્યારે પહેલાં એમ લાગ્યું કે કામ સરળતાથી થઇ જશે. પોતે રૂપની માયાજાળમાં નરવીરને ફસાવીને તેની સાથે શરીર સંબંધ બાંધીને પોતાના પેટમાં એના બાળકને ઉછેરશે અને તેના જન્મ પછી તેની સાથે જીવન ગુજારશે. પણ યાદદાસ્ત ચાલી ગયા પછી તે મને પત્ની તરીકે સ્વીકારી રહ્યો નથી. તેનો એની પત્ની સાથેનો નાતો મજબૂત રહ્યો છે. તેનું દિલ મારી પર આવી જાય છે પણ મન સ્વીકારી રહ્યું નથી. જો હું એને મારી શક્તિઓથી એકદમ સાજો કરી દઉં તો એને મારા પર શંકા વધી જશે. કોઇ રીતે એને વિશ્વાસ અપાવવો જ પડશે કે હું જ તેની પત્ની છું.

નરવીરના ચહેરા પરનું લોહી લૂછી તેના પર પાટો બાંધી તેને ઉંચકીને ખાટલામાં સૂવડાવી દીધો. તે જલદી ભાનમાં આવે એ માટે તેણે પોતાની એક શક્તિનો ઉપયોગ કર્યો. થોડી જ વારમાં નરવીર ભાનમાં આવી ગયો. તેણે જોયું તો નાગદાનું હસતું મુખ દેખાયું. નાગદાનો ચહેરો એવો લોભામણો હતો કે નરવીરને એના પર પ્રેમ આવ્યો. તેણે નાગદાનો હાથ પોતાના હાથમાં લઇ દાબ્યો. નાગદા વધારે ખુશ થઇ. તેને લાગ્યું કે નરવીર તેના પ્રેમમાં પડી રહ્યો છે. તે ખોટી ઉતાવળ કરી રહી છે.

"પ્રિયવર, તમે કેવી રીતે પડી ગયા?" નરવીરના ચહેરા પર પોતાની નાજુક આંગળીઓ ફેરવતી નાગદા બોલી.

"તું ના દેખાઇ એટલે હું ઊભો થઇને શોધવા નીકળતો હતો. મેં બારીમાંથી જોયું કે તું કોઇ સાથે વાત કરી રહી છે. એ પછી મારો પગ બરાબર ના પડ્યો અને હું પડી ગયો. કોણ હતા એ લોકો?" નરવીરે પૂછ્યું.

"એ ગામના જ લોકો હતા. એમનું બકરીનું બચ્ચુ ખોવાઇ ગયું હતું તે શોધવા નીકળ્યા હતા. એ આપણા વાડામાંથી જ મળી ગયું એટલે આપી દીધું. તમને કેમ છે?" કહી નાગદાએ એ લાવરું સાથે પોતાનું માયાવી લાવરું મોકલ્યું હતું એનું સ્મરણ કર્યું. એ લાવરું અસલ લાવરું એના ઘરે પહોંચ્યા પછી એનો માયાવી અવતાર લઇને જામગીરની વાત સાંભળવાનું હતું.

'સારું છે. હું થોડીવાર સૂઇ જાઉં છું..." કહી નરવીરે આંખ મીંચી દીધી.

નાગદા તેનાથી દૂર ગઇ અને માયાવી લાવરું તરફથી કોઇ સમાચાર મળે એની રાહ જોવા લાગી. અચાનક તેની સામે સળગેલું લાવરું આવીને પડ્યું. તે ચમકી ગઇ. તેને લાવરુંએ કહ્યું કે તે કોઇ વાત જાણે એ પહેલાં અગ્નિમાં ફેંકી દેવામાં આવ્યું. મુશ્કેલીથી પોતે ભાગીને આવ્યું છે. નાગદા ઘણીવાર સુધી વિચાર કરતી બેસી રહી. નાગદાને સમજાવા લાગ્યું કે તેના વિશે જામગીરને ખબર પડી ગઇ છે. હવે મારે જાતે જ જઇને જોવું પડશે કે જામગીરકાકા શા માટે મારે ત્યાં આવ્યા હતા અને એ લોકો શું કરી રહ્યા છે? નરવીરને ઉંઘતો મૂકી નાગદા બહાર નીકળી. ત્યારે એને ખબર ન હતી કે નરવીર જાગી ગયો છે અને તે નાગદાને અંધારામાં ઘરની બહાર જતી જોઇ રહ્યો છે.

વધુ એકવીસમા પ્રકરણમાં...

***