પતિ પત્ની અને પ્રેત - ૧૯ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પતિ પત્ની અને પ્રેત - ૧૯

પતિ પત્ની અને પ્રેત

- રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૯

જામગીરની મજબૂરી જાણવાની બધાંની ઉત્સુક્તા વધી ગઇ હતી. ડૉ.ઝાલને જયનાની હત્યા કરી હતી એ વાતની જામગીરને ખબર હતી છતાં તેમણે લોકોને જણાવી ન હતી. જામગીરની આંખોમાં દર્દ આંસુ બનીને છલકાયું. રેતાએ એમને રડવા દીધા. જામગીરે પોતાના પર કાબૂ મેળવી કહેવાનું શરૂ કર્યું:"બેટા, ડૉ.ઝાલન જે હંસા સાથે લગ્ન કરવા માગતા હતા એ મારી દીકરી જેવી હતી. મારા ભાઇ ગીગાગીરની એ દીકરી હતી. ઘણાં વર્ષોથી અમારી વચ્ચે સંબંધ નથી. મારા પિતાની જમીનના ભાગ પાડવામાં આવ્યા ત્યારે પરિવારમાં વિવાદ થયો હતો. અમે બધાં અલગ થઇ ગયા હતા. અમારી વચ્ચેનો સંબંધ કપાઇ ગયો હતો. મને ડૉ.ઝાલને જ્યારે કહ્યું કે તે હંસા નામની સ્ત્રી સાથે લગ્ન કરવા માગે છે ત્યારે મેં એમની પાસેથી હંસાના જીવન વિશે જાણવાનો પ્રયત્ન કર્યો. મને ખબર પડી કે તે મારા સગાભાઇની છોકરી છે ત્યારે મારા અંતરમાં એના માટે લાગણી જાગી હતી. હું મનોમન ઇચ્છતો હતો કે હંસાનું ઘર ફરીથી વસી જાય. પરંતુ અમારી વચ્ચે સંબંધ ન હોવાથી એ વાત ડૉ.ઝાલનથી છુપાવી હતી. ડૉ.ઝાલને જ્યારે જયનાની હત્યા કરી હોવાની વાત કરી ત્યારે પણ મેં ભાઇની દીકરી હંસાને કારણે જ કંઇ ન બોલવાનું નક્કી કર્યું હતું. હું ઇચ્છતો હતો કે હંસાને ડૉ.ઝાલન જેવા પતિ મળે અને તે ફરી પોતાનું જીવન સુખરૂપ જીવી શકે. મને ખબર છે કે એ મારી ભૂલ હતી. ભલે મેં જયનાની હત્યામાં સીધો કે આડકતરો સાથ આપ્યો નથી પરંતુ એક ગુનેગારને બચાવવાનો આજે પણ મને પસ્તાવો થાય છે..."

રેતાને જામગીરકાકાના અવાજના દર્દ પરથી લાગ્યું કે એમને પોતાની ભૂલનો સાચો પસ્તાવો છે. રેતાને એ વાતથી બહુ મતલબ ન હતો કે ડૉ.ઝાલનના જીવનમાં કેવો ઝંઝાવાત આવ્યો હતો કે જામગીરકાકાએ કેવી ભૂલ કરી હતી. તેને વિરેનને પાછો મેળવવામાં રસ હતો. ચિલ્વા ભગતે વિરેન જયનાના બંધનમાં હોવાનું કહ્યા પછી ચિંતા વધી ગઇ હતી. તે કોઇપણ રીતે પોતાનું સૌભાગ્ય પાછું મેળવવા માગતી હતી.

"કાકા, તમારી વાત જાણીને સ્થિતિ સમજી શકું છું. આપણે વિરેનને પાછો લાવવા, જયના પાસેથી છોડાવવા કંઇક કરીએ..." રેતાએ પોતાના મનની વાત કહી.

"બેટા, હું તારા પતિને પાછો લાવવા મદદ કરી રહ્યો છું એનું કારણ આ પસ્તાવો જ છે. હું આ તક મળી છે તો પ્રાયશ્ચિત કરી લઉં. હું અને ચિલ્વા ભગત તારા પતિને પાછો લાવીને જ રહીશું. તું મારી દીકરી સમાન છે..."

જામગીરકાકાની વાત સાંભળી રેતાને મોટું આશ્વાસન મળ્યું હોય એમ હિંમત વધી. તેણે ચિલ્વા ભગત સામે જોયું. ચિલ્વા ભગતે માથું ઉપર-નીચે હલાવી મૂક સંમતિ આપી. ત્યાં જીવાબાના ઘર તરફથી લાવરું ધીમે ધીમે બધાં બેઠા હતા એ તરફ આવતું દેખાયું.

એ જોઇ રિલોક બોલ્યો:"આ બકરીના બચ્ચાને રેતાભાભી સાથે માયા બંધાઇ ગઇ છે. એમની પાસે જ આવી રહ્યું છે..."

લાવરુંને પોતાની તરફ આવતું જોઇ રેતા ખુશ થઇ ગઇ. એને લાવરું ગમી ગયું હતું. લાવરું નજીક આવ્યું એટલે હાથમાં લઇ રમાડવા લાગી. તેને લાવરું સાથે રમવાની મજા આવી રહી હતી. આ તરફ ચિલ્વા ભગત આંખો બંધ કરી ધ્યાન ધરવા લાગી ગયા હતા. રેતાએ થોડીવાર પછી લાવરુંને ખોળામાંથી ઉતારી જમીન પર મૂક્યું અને તેના માથા પર હાથ ફેરવવા લાગી. અચાનક ચિલ્વા ભગત વીજ ઝડપે ઊભા થયા અને લાવરુંને પકડી નજીકમાં બળતા લાકડામાં નાખી દીધું. ચિલ્વા ભગતના આ વર્તનથી બધા ચોંકી ગયા. તેમને અચાનક શું થઇ ગયું કે આ માસૂમ બચ્ચાને અગ્નિમાં હોમી દીધું. તે કોઇ પૂજા કરી રહ્યા છે કે શું? રિલોકે સાંભળ્યું હતું કે ઘણા ભગત કાર્યસિધ્ધિ માટે પ્રાણીઓનો બલિ ચઢાવે છે. ચિલ્વા ભગત લાવરુંનો બલિ આપીને કોઇ પ્રયોગ સિધ્ધ કરવા માગે છે. પરંતુ કોઇ વધારે કંઇ વિચારે એ પહેલાં જ લાવરું અગ્નિમાં પડતાંની સાથે જ એક મોટો ભડકો થયો. જોતજોતામાં લાવરું ધૂમાડામાં અદ્રશ્ય થઇ ગયું. આ બધું શું બની ગયું એ કોઇને સમજાયું નહીં.

ચિલ્વા ભગત લાવરુંને અગ્નિમાં નાખ્યા પછી જોરજોરથી ધૂણી રહ્યા હતા. તેમનું આ બિહામનું રૂપ બીક લાગે એવું હતું. તેમના મોંમાંથી કોઇ વિચિત્ર અવાજ આવી રહ્યો હતો. થોડીવારે ચિલ્વા ભગત શાંત થયા અને બોલ્યા:"આ લાવરું જીવાબાનું ન હતું..."

રેતા ચોંકીને બોલી:"તો કોનું હતું?" અને પોતાના હાથ સાફ કરવા લાગી. કોઇ અસ્પૃશ્ય વસ્તુ હાથમાં પકડી હોય એમ ડરીને હાથ ખંખેરવા લાગી. રેતાને એ વાત યાદ કરીને શરીરમાં ધ્રૂજારી આવી કે આ એ જ લાવરું હતું જેને લઇને તેઓ નાગદાના મકાન પાસે ગયા હતા.

"જીવાબાનું લાવરું તો ઘરે જ છે. સાચું ના લાગતું હોય તો જઇને જોઇ આવો. એમના બકરીના બચ્ચાને તારી સાથે માયા બંધાઇ નથી. આ તો જયનાની માયા હતી. તેણે માયાવી લાવરું મોકલ્યું હતું. એને આપણા પર શંકા ઊભી થઇ છે. માયાવી લાવરું મોકલીને આપણી વાત જાણવા માગતી હતી. લાવરુંની શાંત સ્થિતિ અને તેની આંખો જોઇ મને શંકા ગઇ હતી. અહીં જીવાબાનું લાવરું જ નહીં કોઇપણ લાવરું વધારે પડતું ઉછળકૂદ કરતું હોય છે. તેને શાંત જોઇ મેં ધ્યાન ધર્યું. મારી શંકા સાચી લાગી. જીવાબાના ઘરે જઇ એ ચકાસવાનો સમય ન હતો કે આ લાવરું સાચું છે કે ખોટું. મેં એને અગ્નિમાં નાખ્યું ત્યારે તેને બચાવવાની તૈયારી પણ હતી. મારી શંકા સાચી પડી. એ અગ્નિથી ડરીને ગાયબ થઇ ગયું. મતલબ કે માયાવી હતું. હવે આપણે સાવધાન રહેવું પડશે...વિરેનને એણે ક્યાં છુપાવ્યો છે એની તપાસ જલદી હાથ ધરવી પડશે."

ચિલ્વા ભગતની શક્તિ અને સમય સૂચકતા માટે રેતાને માન થયું. એ સાથે જયનાથી ડર વધી ગયો. જયના એમની પાછળ પડવા લાગી છે. આ પરથી એવું લાગે છે કે વિરેન એની પાસે જ છે. ગોળનું દડબું જોઇ માખીઓનું ઝુંડ એના પર આવીને બેસી જાય એમ રેતાના મનમાં વિરેનની યાદ આવતા જ વિચારોનું ઝુંડ ત્રાટક્યું. શું વિરેનને ખબર નહીં હોય કે તે કોઇની ચુંગાલમાં ફસાયો છે? શું નાગદાએ તેને પોતાના વશમાં કરી લીધો હશે? છોકરી છે બહુ સુંદર. કોઇપણ પુરુષને ઘાયલ કરે એવું કાતિલ રૂપ છે. કે પછી વિરેન અકસ્માતમાં વધારે ઘાયલ થયો હશે? તેની સ્થિતિ સારી તો હશે ને? તેને અમારી યાદ આવતી નહીં હોય?

રેતાને એકદમ વિચાર આવ્યો અને એ બોલી:"ભગતજી, આપણે પોલીસને જાણ કરીએ અને એમના મારફત નાગદાના ઘરની તપાસ કરાવીએ. એણે આપણાને અંદર ઘૂસવા દીધા નથી. ન જાણે મારા વિરેનની શું હાલત હશે?"

રેતાની વાત સાંભળી ચિલ્વા ભગતે જામગીર તરફ જોયું. બંને વચ્ચે આંખોના માધ્યમથી કોઇ વાત થઇ. એ જોઇ રેતા ચમકી ગઇ. તેને એક શંકા ઊભી થઇ.

***

નાગદા ગામની કોઇપણ વ્યક્તિ સાથે ઓળખાણ કરવા માગતી ન હતી. તે વિરેન સાથે પોતાનું ધ્યેય પૂરું કરવા માગતી હતી અને એ વાતની કોઇને ખબર ન પડે એની કાળજી રાખતી હતી. જામગીરકાકાએ તેને કંઇ કામ હોય તો જણાવજે એમ કહ્યું એની અવગણના એટલે જ કરી અને મકાન તરફ ચાલતી રહી. તેને નરવીરની ચિંતા હતી. જો તેને કોઇ શંકા ઊભી થશે તો આગળ મુશ્કેલી પડશે. તેની યાદશક્તિ ચાલી ગઇ છે એનો લાભ ઉઠાવીને ધ્યેય પૂરું કરવાનું છે. તેને અહીંથી બીજે ક્યાંક લઇ જઇ શકાય એમ નથી. તેને મનમાં મારા વિશે કોઇ શંકા ઊભી થવી ના જોઇએ. હું તેની પત્ની છું એ વાત એના મનમાં ઠસાવવાની છે. નાગદા વિચાર કરતી ઘરમાં પ્રવેશી ત્યારે તેની નજર બારીથી થોડે દૂર નરવીર જમીન પર ઊંધો પડેલો દેખાયો. તે ગભરાઇને દોડી. નરવીર ક્યારે ઊભો થયો અને કેવી રીતે પડી ગયો એનો વિચાર કરતી નરવીરને ચત્તો કરવા લાગી. નરવીરને ચત્તો કરી જોયું તો તેના માથામાંથી લોહી ટપકીને ચહેરા પર ફેલાઇ રહ્યું હતું. તેણે નરવીરના માથા પરનું લોહી લૂછી જગાડવાનો પ્રયત્ન કર્યો. એ બેભાન થઇ ગયો હતો. તેની કોઇ વાત સાંભળી રહ્યો ન હતો. નાગદાની ચિંતા વધી ગઇ. તેના સુંદર ચહેરા પર એક ડર ચિતરાઇ ગયો. નાગદાએ પોતાની શક્તિનો ઉપયોગ કરવાનો વિચાર કર્યો. એ શક્તિને વાપરતા પહેલાં બહુ વિચારવાનું હતું. એક ભૂલ તેને મુશ્કેલીમાં મૂકી શકે એમ હતી. એક તરફ પોતાનું ધ્યેય હતું અને બીજી તરફ પોતાની પ્રેતના રૂપમાં શક્તિની મર્યાદા હતી. શું નિર્ણય કરવો એ નાગદાને સમજાતું ન હતું.

વધુ વીસમા પ્રકરણમાં...

***