લવ બાઇટ્સ - પ્રકરણ-15 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

લવ બાઇટ્સ - પ્રકરણ-15

લવ બાઇટ્સ
પ્રકરણ-15
આશા મીઠાઇ લઇને આવી સ્તવન પાસે અને સ્તવનને મીઠાઇ આપી. આશા મીઠાઇ લઇને તો આવી પરંતુ સ્તવને જોવામાંજ ખોવાઇ ગઇ. સ્તવનનાં ચહેરાથી એની નજર હટતીજ નહોતી અને વીણાબહેને ટકોર કરી અરે દીકરી મીઠાઇ આપ. ત્યારે આશા ચમકી અને સ્તવનને મીઠાઇ આપી.
સ્તવને મીઠાઇનું ચકતું ઉઠાવ્યું અને સીધું આશાને જોતાં જોતાં મોઢામાં મૂક્યું જીભને સ્વાદ અડતાંજ થૂ થૂ કરીને થૂંકી નાંખ્યું એની આંખમાં પાણી આવ્યાં.
વીણાબહેન અને લલિતામાસી દોડી આવ્યાં અને પૂછવા લાગ્યાં અરે શું થયું ? શું થયું. આશા હસતી હસતી કીચન તરફ દોડી ગઇ. વીણાબહેનને સમજણ પડી ગઇ કે ચોક્કસ આશાએ કોઇક શરારત કરી છે. અને સ્તવનની સામે જોઇ પૂછ્યું શું થયું ?
સ્તવનને ખ્યાલ આવી જતાં બોલ્યો કંઇ નહીં મીઠાઇ સ્વીટની જગ્યાએ ખૂબ તીખી અને કડવી હતી. પછી દોડતી આશાને જોઇ હસી રહ્યો. વીણાબહેનને માફી માંગતાં કહ્યું માફ કરજો મારી આશા ખૂબ શરારતી છે. મેંજ મીઠાઇ તૈયાર કરી હતી છેલ્લી ઘડીએ એણે...
ભંવરીદેવી ખૂબ હસ્યા પછી બોલ્યાં હશે હશે આજે પહેલાંજ દિવસે ખબર પડી ગઇ મારો દીકરો પણ ખૂબ મોટો શરારતી છે જૈસે કો તૈસા મિલા. બધાં એક સાથે હસી પડ્યાં.
વીણાબહેન કીચનમાં ગયાં ત્યાં આશા ઉભી ઉભી હસતી હતી એમણે બનાવટી ગુસ્સો કરતાં કહ્યું "કેમ આવું કર્યું ? બધાં મહેમાન સામે અમારું નાક કપાવ્યું આવું કરાય ? આશા કહે એમાં નાક કપાવ્યું શું ? મેં ક્યાં એવું કંઇ કર્યું કે નાક કપાય ? અરે આતો તમે લોકો ઘણાં સમયથી છોકરાનાંજ વખાણ કર્યા કરતાં હતાં મને થયું લાવને હું કંઇક એવું કરું કે એ.. આશા આગળ બોલવા જાય પહેલાં લલિતાબેન અંદર આવ્યા અરે કંઇ નહીં જા હવે સાચી મીઠાઇ આપી આવ બહુ નટખટ છે.... અને આશા સામે પ્રેમથી જોઇ રહ્યાં.
આશા સાચી મીઠાઇની ડીશ લઇને ગઇ અને સ્તવનને આપતાં કહ્યું "સોરી થોડું ટીખળ કરેલું પણ આ સાચીજ મીઠાઇ છે અને હાં મારાં હાથે નહીં બનાવેલી હલવાઇને ત્યાંથીજ લાવી છું. સ્તવને હસતાં હસતાં મીઠાઇ મોઢાંમાં મૂકી દીધી.
પછી સ્તવને કહ્યું મને પણ સરસ આવડે છે ટીખળ પછી એ સમયે કહેતા નહીં કે કેમ મેં આવું કર્યું. આશા સ્તવનની સામે હસતીજ રહી. એની આંખોમાં કંઇક અનોખું તોફાન હતું. એણે મનમાં વિચાર્યું માસી જે રીતે બધું વર્ણન કરતી હતી. એવોજ છે છોકરો.
ત્યાં બધાં વડીલો ડ્રોઇંગ રૂમમાં બેઠાં હતાં બધાં આશા અને સ્તવનનેજ જોઇ રહેલાં બધાંની આંખમાં આનંદ હતો. વગર જાહેર કરે લાગતું હતું કે આ સંબંધ નક્કી થઇ જશે. આશાનાં પિતા યુવરાજસિંહે કહ્યું "માણેકસિંહજી તમારું આગમન જોધપુરમાં આજે કંઇક નવોજ રંગ લાવી રહ્યું છે રાજમલસિંહની ચીંધેલી આંગળી આજે પુણ્યશાળી દિવસ બનાવી દીધો છે. અમે લોકો આપનાં દિકરા સ્તવનને જોઇને ખૂબ રાજી અને પ્રસન્ન છીએ અમને તમારો દીકરો ખૂબ ગમ્યો છે અને લાગે છે મારી લાડકી દીકરી આશાને પણ આ સંબંધ પસંદ છે છતાં હું આપને આવતી કાલે એની સાથે વાત કરીને જણાવી દઇશ.
ત્યાંજ વીણાબહેને કહ્યું "વાતમાં મોણ નાંખવાની શું કામ જરૂર છે મેં આશાને પૂછીજ લીધું છે આશાને સ્તવન પસંદજ છે. અને યુવરાજસિંહ તરતજ આશાની સામે જોયું તો આશોએ આંખોથી સંમતિ દર્શાવી નીચું જોઇ ગઇ.
માણેકસિંહ સ્તવનને સીધુજ પૂછી લીધુ કે સ્તવન દીકરા તમારી શું ઇચ્છા છે ? સ્તવને લલિતાકાકીની તરફ જોઇને કહ્યું "કાકીએ જે પંસદ કર્યુ હોય એમાં મારે જોવાનું નથી એમ કહીને એણે એમનું માન વધાર્યું.
ભંવરીદેવીએ કહ્યું મારી મીહીકા છે એવીજ હવે મારી આશા. લલીતાબહેને જે સગપણ બતાવ્યું એ મારાં દીકરાને પસંદજ છે. લલિતાબહેને ખુશ થતાં કહ્યું તો હવે શેની વાર ? લાવો બંન્ને વેવાઇ એકબીજાને મીઠાઇ ખવરાવીને મોં મીઠું કરો અને સગપણને મહોર મારો.....
મીહીકાએ બધાંનાં બોલી દીધાં. પછી કહ્યું " આશાદીદી તમે આવોને આપણે બહાર ગાર્ડનમાં જઇએ થોડીવાર અને આશા શરમાતી મીહીકા સાથે બહાર નીકળી અને લલિતાકાકી એ કહ્યું સ્તવન દીકરા તું પણ જા બહાર અમે મોટેરાં બીજી વ્યવહારની વાત કરી લઇએ. સ્તવન હળવેથી ઉભો થયો અને મીહીકા આશાની સાથે બહાર ગાર્ડન તરફ ગયો.
યુવરાજસિંહે કહ્યું માણેકસિહજી ખૂબ ખૂબ વધાઇ આપુ છું. આજે મારી દીકરીને સારો છોકરો સારુ ઘર કુટુંબ મળી ગયું. રાજમલભાઇને કહ્યું હતું એનાંથી પણ વધારે ઊચું તમારું ખોરડું છે. દીકરાને જોઇને મારી તો આંખો ઠરી છે મારી એક ની એક લાડકી દીકરી આશા ખૂબજ સુખી થશે એવો સંતોષ છે.
માણેકસિંહે કહ્યું હું પણ રાજમલભાઇને ખૂબ આભારી છું કે મને આવું ખોરડું બતાવ્યું તમારાં જેવાં વેવાઇ મેળવીને મારું ગૌરવ વધ્યુ છે તમારાં સંસ્કારથી રંગાયેલી તમારી દીકરી મારું કુટુંબ અને અમારુ કુળ તારશે એવો ચોક્કસ વિશ્વાસ છે.
યુવરાજસિંહે રાજમલસિંહને કહ્યું વટવ્યવહારમાં કોઇ જગ્યાએ હું કાચો નહીં પડું મારી એકની એક લાડકી દિકરી છે મારુ છે એ બધું એનું છે. તમે કહેશો એવો બધાંજ વ્યવહાર કરીશ બસ મારી દીકરી ખુશ રહે.
માણેકસિંહે કહ્યું અમને કોઇજ એવી લાલસા નથી ધરાવતાં તમારી દીકરી તમે તમારી હોંશથી વિદાય કરજો મારાં ઘરની એ પણ લક્ષ્મી છે હવે એનાંજ સુખમાં અમારુ સુખ રહેશે એની ખાત્રી આપું છું.
યુવરાજસિંહે આંખનાં આનંદનાં આંસુ લાવી કહ્યું આ વાક્યમાંજ મારી દીકરીનું ભાગ્ય જોઇ લીધુ જ્યારે તમે મારી દીકરીનાં સુખમાં તમારું સુખ જુઓ પછી ક્યાં કહેવાનું રહ્યું વીણાબહેન પણ સાંભળીને ગદ ગદ થઇ ગયાં.
લલિતાબહેને કહ્યું "સ્તવન જોધપુરજ રહેવાનો છે એટલે તમારી દીકરી પણ તમારી સાથેજ હોય એવું લાગશે. સ્તવન એનાં આખા કુટુંબને અહીં લઇ આવશે બીજુ શું જોઇએ ?
આખો માહોલ લાગણી અને આનંદ ભર્યો થઇ ગયો. ભંવરીબહેન કહે હવે મારી મીહીકાને સારું કુટુંબ મળી જાય એટલે ગંગા ન્હાયા.
વીણાબહેન કહે તમે હવે ચિંતા મૂકી દો હું અને મારી બહેનજ શોધી નાંખીશું બંન્ને ભાઇબહેન સાથે સાથે એકજ શહેરમાં રહે. એવુજ થશે. ચિંતા ના કરશો.
સ્તવન-મીહીકા અને આશા બંગલાનાં બગીચામાં લટાર મારી રહ્યાં હતાં. મીહીકા આશા સાથે બધી વાતો કરી રહી હતી એની કોલેજ, એનાં મિત્ર, શોખ વિશે પ્રશ્નો કરી રહી હતી એ બ્હાને સ્તવનને પણ બધી જાણ થઇ રહી હતી, મીહીકા બોલતી અને સ્તવન અને આશા એકબીજાને જોઇ રહે તો આંખોથી વાતો કરી લેતાં.
જાણે કેટલાય સમયથી બન્ને જણાં એકમેકને જાણતાં હોય એવી રીતે વાતો કરી રહેલાં. ત્યાં મીહીકાએ કહ્યું હવે તો આ સંબંધ પાકો છે તો ભાઇ કાલે આપણે સાથે મૂવી જોવા જઇએ ? બહાર હોટલમાં જમીશું હરીશું ફરીશું અને મૂવી જોઇશું.
આશા શરમાઇને સ્તવનની સામે જોઇ રહી હતી કે સ્તવન શું જવાબ આપે છે. સ્તવને કહ્યું એય ચાંપલી બસ તને ફરવાનુંજ સૂજે છે ? આશાને ઘરે તો પૂછવા દે પછી નક્કી થશે ને ?
આશાએ સહેજ પણ સમય લીધાં વિના કહ્યું અરે એતો માં હાંજ પાડશે છતાં પૂછી લઇશ કાલે તમારી ઇચ્છા હોય તો મીહીકાબહેન આપણે જઇશુંજ. ખૂબ સરસ નવા મૂવી લાગ્યા છે અહીં નવું મલ્ટીપ્લેક્ષ પણ બન્યુ છે ત્યાંજ છે વધુ હું તમને જયપુર ફેરવીશ આખુંજ હવે મીહીકાતો ઉછળી પડી અને આશાને તાળી આપતાં કહ્યું "વાહ મજા પડી ગઇ મને તો નવી બહેનપણી મળી ગઇ અને ભાઇને તો... એમ કહીને સ્તવનની સામે જોયું.
સ્તવન હસી પડયો ત્યાંજ એનાં ફોનમાં રીંગ આવી એણે જોયું કોઇ નંબર ફલેશ નથી થતો છતાં ફોન ચાલુ હતો એણે હલ્લો કીધું.... સામેથી કોઇ અવાજ જ નહોતો આવતો.. સ્તવન હેલ્લો હેલ્લો કરતો રહ્યો એ ફોન કાપવા ગયો ત્યાંજ અંદરથી કોઇ અગમ્ય અજાણ્યો અવાજ આવ્યો સ્તવન સમજી ગયો એણે આશા-મિહીકાને કહ્યું તમે જાવ ઘરમાં હું વાત કરીને આવુ છું બંન્ને જણાં ગયાં અને ફોનમાંથી કોઇ બોલ્યુ વાહ વિવાહ નક્કી કરવા આવ્યો ? કેમ ભૂતકાળ ભૂલ્યો ? તને મારી યાદ ના આવી ? હું હું હવે શું... અને ફોન કપાઇ ગયો.
વધુ આવતા અંકે - પ્રકરણ -16

રેટ કરો અને રિવ્યુ આપો

Chintal Patel

Chintal Patel 2 વર્ષ પહેલા

Bhakti Thanki

Bhakti Thanki 2 વર્ષ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 વર્ષ પહેલા

Saroj Bhagat

Saroj Bhagat 2 વર્ષ પહેલા

Vaishali

Vaishali 2 વર્ષ પહેલા