લવ રિવેન્જ - 40 S I D D H A R T H દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ રિવેન્જ - 40

લવ રિવેન્જ

પ્રકરણ-40



“મારાં શરીર અને આત્માના જાણે ત્રણ ભાગ પડી ગયાં છે......! ત્રણ ભાગ પડી ગયાં છે…..!”

લાવણ્યાનાં કાનમાં આરવનાં શબ્દોનાં પડઘા પડી રહ્યાં હતાં. સ્ટેશનેથી ઘરે આવીને લાવણ્યા બેડમાં સૂતી હતી. આખી રાત વીતવા આવી છતાંપણ લાવણ્યાને ઊંઘ નહોતી આવી. તેણી સામે આરવનાં કપાયેલાં પગનું એ દ્રશ્ય તરવરી રહ્યું હતું. વારેઘડીએ આરવનો એ માસૂમ ચેહરો તેની આંખ સામે તરવરી ઊઠતો અને લાવણ્યાની આંખ વહેવાં લાગતી.

“હું તને હર્ટ નો’તી કરવાં માંગતી આરવ....!” બેડમાં બેઠાં થઈને લાવણ્યા ટૂંટિયુંવાળીને બેઠી “નો’તી કરવાં માંગતી.....!”

“એકવાર.....બસ એકવાર તો મારી સાથે સરખી વાત કરતો....!” મોઢું હથેળીમાં દબાવીને લાવણ્યાએ પોતના મનને શાંત કરવાનો પ્રયત્ન કર્યો.

ઓશિકાં જોડે પડેલો પોતાનો મોબાઈલ ઉઠાવીને લાવણ્યાએ whatsappમાં આરવનાં નંબરનું ચેટ બોક્સ ઓપન કર્યું.

સ્ટેશન ઉપર ઊભાં-ઊભાં લાવણ્યાએ અનેકવાર આરવને ફોન કરવાનો ટ્રાય કર્યો હતો. પણ આરવનો ફોન કાયમ સ્વિચ ઑફજ આવતો રહ્યો. લાવણ્યાએ અનેકવાર આરવને ટેક્સ્ટ મેસેજ અને whatsappમાં પણ મેસેજ કરી જોયાં હોયાં. એકેય મેસેજ આરવને પહોંચ્યો પણ નહોતો અને તેનો રિપ્લાય પણ નહોતો આવ્યો. આ સિવાય લાવણ્યાએ ફેસબૂક અને ઇન્સ્ટગ્રામ ઉપર પણ આરવને મેસેજ કરવાનો ટ્રાય કર્યો હતો. જોકે આરવે તમામ સોશિયલ મીડિયા સાઈટ્સ ઉપર પોતાનું એકાઉન્ટ ડિલીટ કરી નાંખ્યું હતું.

“શું કરું....!? તારી સાથે એકવાર વાત કરવાં.....!?”એક ઊંડો નિ:શ્વાસ છોડીને લાવણ્યાએ મોબાઈલમાં whatsappમાં ફરીવાર આરવને મોકલેલા મેસેજીસ સામે જોયું.

“અરે હાં.....! હું તો ભૂલીજ ગઈ....! અક્ષય....!” જાણે ઝબકારો થયો હોય એમ લાવણ્યાને અક્ષય યાદ આવી જતાં લાવણ્યાએ તેનાં મોબાઈલમાં અક્ષયનો નંબર કાઢ્યો અને ડાયલ કરી દીધો.

આરવની હાલત જોઈને આઘાત પામી ગયેલી લાવણ્યાને અત્યારસુધી અક્ષય સાથે વાત કરવાનું સૂઝયું જ નહોતું.

“અમ્મ....! હેલ્લો....!” થોડીવાર રિંગ વાગ્યા પછી સામેથી અક્ષયે ફોન ઉપાડી થાકેલાં સ્વરમાં કહ્યું.

“અ....અક્ષય....!? લાવણ્યા બોલું છું...!” ખચકાઈને લાવણ્યાને જવાબ આપ્યો.

“લાવણ્યા....! અ....! આ ટાઈમે ….!?” અક્ષય એજરીતે કંટાળેલાં સ્વરમાં બોલ્યો.

“અરે હાં....! હું તો ભૂલીજ ગઈ’તી...!” લાવણ્યાએ દીવાલ ઉપર લાગેલી વૉલ ક્લોક સામે જોયું.


આરવ સાથે વાત કરવાનાં રઘવાટમાં લાવણ્યાએ અક્ષયને ફોન કરતી વખતે ટાઈમ પણ નહોતો જોયો અને સવારનાં પાંચ વાગે એને કૉલ કરી દીધો.

“સ....સોરી...! અમ્મ...! અક્ષય...! મારે આરવ સાથે વાત કરવી’તી....! એટ્લે તને ફોન કર્યો....!”

“આરવ તો જતો ‘ર્યો ને....!” અક્ષય પરાણે બોલ્યો.

“એનો ફોન નઈ લાગતો....!” લાવણ્યા ઢીલા સ્વરમાં બોલી “એફ બી....! whatsapp…..! ઇન્સ્ટા....! કશે એનો કોન્ટેક્ટ નઈ થતો....! પ્લીઝ હેલ્પ કરને....!”

“અ...! મ...મને નઈ ખબર ....!” અક્ષય જુઠ્ઠું બોલતો હોય એમ ખચકાઈને બોલ્યો “મને ઊંઘ આવે છે હોં...! બાય....!”

“તો...તો...તું જાગે પ...પછી હું તને ફોન કરું....! હોંને....! અને...અને આરવની જોડે વ....વ...વાત થાય....તો ક...કેજે કે લાવણ્યાને વ....વાત કરવી છે....! હોં...!”

“હાં....! સારું....! બાય....!”

“કેટલાં વાગે ફોન કરું ત...!”

“બીપ..બીપ...બીપ...!” લાવણ્યા બોલતી હતી ત્યાં તો અક્ષયે ફોન કટ કરી દીધો.

ઢીલી થઈ ગયેલી લાવણ્યા બે ઘડી ફોન સામે જોઈ પછી બેડમાં પડતું મૂક્યું.

**


“ફોન ઉપાડ....ફોન ઉપાડ......! અક્ષય....!” લાવણ્યાએ વધુ એકવાર અક્ષયને ફોન કરી જોયો.

આખો દિવસ વીતી ગયો છતાંપણ અક્ષયે લાવણ્યાનાં એકેય કૉલનો આન્સર નાં આપ્યો. આ સિવાય લાવણ્યાએ whatsappમાં કરેલાં મેસેજીસનો પણ તેણે કોઈ રિપ્લાય ના આપ્યો. કોલેજમાં વેકેશન હોવાથી લાવણ્યા ઘરેજ હતી.

“હેલ્લો....! હાં બોલ લાવણ્યા...!” છેવટે છેક સાંજે અક્ષયે ફોન ઉપાડયો.

“કેમ ફોન નો’તો ઉપાડતો....!? કેટલાં ફ....ફોન કર્યા....!” લાવણ્યા દયામણા સ્વરમાં બોલી.

“હું હમણાંજ ઉઠ્યો....!” અક્ષય ફરીવાર જુઠ્ઠું બોલ્યો.

“આરવ જોડે વાત થઈ....!? તે....તે...કીધું એને....! મારે વાત કરવી’તી એવું....!?” લાવણ્યા બાળકની જેમ આજીજીભર્યા સ્વરમાં બોલી.

“નાં.....! એણે નંબર બદલી નાંખ્યો છે....!” અક્ષય રૂડલી બોલ્યો.

“મ્મ....મને ન....નવો નંબર આપને....! આરવનો....!”

સામે છેડેથી અક્ષય મૌન થઈ ગયો.

“હેલ્લો....! અક્ષય.....! હેલ્લો....!?”

“મારી પાસે જૂનોજ નંબર છે....! નવો નથી....! બાય..!”

હેલ્લો....! મારી વાત તો સ....સાંભળ...! હેલ્લો....!” લાવણ્યા બોલતી રહી.

અક્ષયે એજરીતે રૂડ સ્વરમાં બોલીને ફોન કટ કરી દીધો.

રઘવાઈ થયેલી લાવણ્યાએ અક્ષયને બે-ત્રણવાર ફોન કરી જોયો. અક્ષયે એકેયવાર તેણીનો ફોન ના ઉઠાવ્યો.

“પ...પરમ દિવસે રિઝલ્ટ છે...! ત્યારે તો અક્ષય કોલેજમાં આવશેને....!” પોતાનાં મનને મનાવતી લાવણ્યાએ છેવટે અક્ષયને ફોન કરવાનું માંડી વાળ્યું “ત...ત્યારે વાત કરીશ એની જોડે...!”

***


“હાય લાવણ્યા....!” રિઝલ્ટનાં દિવસે લાવણ્યા હજીતો કોલેજ પહોંચીજ હતી ત્યાંજ કમ્પાઉન્ડમાં તેણીને ત્રિશાએ ટોકી.

“શું રિઝલ્ટ આ’યુ તારું....!?” લાવણ્યાની જોડે આવતાંજ ત્રિશાએ પૂછ્યું.

“હું જસ્ટ આવીજ છું.....!” લાવણ્યાએ શક્ય એટલું શાંતિથી કહ્યું.

“અચ્છા....! ચાલતો.....! જોડેજ જઈએ...!” એટલું કહીને ત્રિશા આગળ ચાલવા લાગી “વેકેશનમાં ક્યાંય જવાનું પ્લાનિંગ કર્યું કે નઈ...!”

“તું જઈ આઈ....!?” લાવણ્યાએ સહેજ ચિડાઈને પૂછ્યું “પંદરેક દિવસથી વધારે તો થઈ ગયાં.....! વેકેશન પડે.....!?”

“ડચ....!” ત્રિશાએ ડચકારો બોલાવ્યો “રિઝલ્ટ આઈ જાય.....! પછી જવાનું વિચાર્યું છે...!”

“હમ્મ....!” વિચારોમાં ખોવાયેલી લાવણ્યાએ હુંકારો ભર્યો.

“તું તો ઉત્તર ભારત જવાની હતીને...!?” ત્રિશાએ યાદ અપાવ્યું.

“હમ્મ...! પણ મારું મૂડ નથી એટ્લે મેં મમ્મીને ના પાડી છે....!” લાવણ્યા એજરીતે નીરસ સ્વરમાં બોલી.

“એ કેન્ટીનમાં જવું છે...!?” ત્રિશા એકદમ જ બોલી “બધાં બવ દિવસથી ભેગાં નઈ થયાં...!”

“વેકેશનમાં કેન્ટીન ચાલુ છે...!?” લાવણ્યાએ નવાઈપૂર્વક પૂછ્યું.

“હાસ્તો...! રિઝલ્ટ અને ટી.વાયના ફોર્મ ભરાય ત્યાં સુધી ચાલુ છે...! પછી બંધ....!”

“સારું....! તું જા....! હું આવું છું....!” લાવણ્યા બોલી અને કોરિડોરમાં અટકી “મારે થોડું કામ છે....!”

“સારું....પણ જલ્દી આય....! કામ્યા અંકિતા પણ એમનું રિઝલ્ટ જોઈને કેન્ટીનમાંજ બેઠાં છે...!” એટલું કહીને ત્રિશા કેન્ટીન તરફ જવાં કોરિડોરમાં ચાલવા લાગી.

-----


“અક્ષય.....! અક્ષય.....!” રિઝલ્ટ જોઈને કેન્ટીન તરફ જતાં કોરિડોરમાં અક્ષયને જોઈને લાવણ્યાએ બૂમ પાડી અને તેની તરફ ઉતાવળા પગલે દોડી ગઈ.

“અક્ષય.....! શ...શું આયુ તારું રિઝલ્ટ....!?” અક્ષયને મસ્કો મારતી હોય એમ લાવણ્યા પૂછવા લાગી.

“સેકંન્ડ ક્લાસ....!” અક્ષય નીરસ સ્વરમાં બોલ્યો અને પાછો કેન્ટીન તરફ ચાલવા લાગ્યો.

“અક્ષય....! અક્ષય....! હું શું કે’તી ‘તી....!” લાવણ્યા નાનાં બાળકની જેમ કાલાંવેડાં કરતી હોય અક્ષયની જોડે ચાલવા લાગી “તું ફ્રી હોય તો...તો...આપડે શંભુ ઉપર કોફી પીવાં જવું છે....!?”

“લાવણ્યા....!? સીધે-સીધું બોલને....! તારે આરવનો નંબર જોયે છે....!” કોરિડોરમાં અટકીને અક્ષય ટોંન્ટ મારતો હોય એમ બોલ્યો.

“ત...તને ખબર છે....! તો....તો આપને....!” લાવણ્યા દયામણું મોઢું કરીને બોલી.

“મેં કીધું’તું ને....! કે એણે નંબર બદલી નાંખ્યો છે....! અને મારી પાસે નવો નંબર નથી...!”

“એણે ત...તને ન....ના પાડી છેને....!” લાવણ્યા રડું-રડું થઈ ગઈ “મને નંબર આપવાની....!”

“એક સમયની કોલેજની બ્યુટી ક્વિન લાવણ્યા....! આજે એક છોકરાંનાં નંબર માટે કેવી રઘવાઈ થઈ છે....!” લાવણ્યાનું એવું મોઢું જોઈને અક્ષયને દયા આવી ગઈ અને તેણે આડું જોઈ લીધું.

“તો...તો….ન....નંબર ના આપું તો...મ...મારી વાત તો કરાય....! તારાં ફોનથી...!” લાવણ્યા બોલી.

“એ જતો’ર્યો લાવણ્યા....!” અક્ષય શાંત સ્વરમાં બોલ્યો “તે એને બવ હર્ટ કર્યો.....! હવે છોડ એને....! તારાં લીધે એનાં પગ અ....!”

અક્ષય અટકી ગયો અને ફરીવાર આડું જોવાં લાગ્યો. લાવણ્યાની આંખ ભીંજાઈ ગઈ. તેની આંખો સામે હવે આરવનાં કપાયેલાં પગનું એ દ્રશ્ય તરવરી ઉઠ્યું.

“ખબર નઈ....! તારાં જેવી છોકરીમાં એ શું જોઈ ગયો’તો...! કે એ એનાં પગ ખોઈ બેઠો...” અક્ષયે અત્યંત વેધક સ્વરમાં ટોન્ટ માર્યો.

“તારાં જેવી ....એટ્લે...એટ્લે..!? તુંય મને એવીજ મ્મ....માને છે....!?”

“મારાં માનવા ન માનવાથી શું ફરક પડે છે...! આરવ તને એવીજ ગણતો’તોને....!” આરવે ફરીવાર તેનો સ્વર વેધક કર્યો “યુ નો વ્હોટ લાવણ્યા....! તું જેવી હતી એવીજ સારી હતી....! કમસે કમ આરવ જેવાં માસૂમ છોકરાંઓને હર્ટ કરવાં કરતાં વિશાલ....યશ જેવાં છોકરાઓ જોડે રખડી ખાવું સારું છે...! નઈ...!?”

અક્ષયનાં વેધક ટોંન્ટથી લાવણ્યા શરમથી નીચું ગઈ.

“તું જેવી હતી એવીજ સારી હતી....!” અક્ષયનાં એ વેધક શબ્દો જાણે શૂળની ભોંકાતાં હોય લાવણ્યાનાં મનમાં પડઘાવાં લાગ્યાં “કમસે કમ આરવ જેવાં માસૂમ છોકરાંઓને હર્ટ કરવાં કરતાં વિશાલ....યશ જેવાં છોકરાઓ જોડે રખડી ખાવું સારું છે...!”

“આર....આરવ....મ્મ...મને એવીજ ગણતો’તો.....!?” લાવણ્યાની આંખ ટપકવાં લાગી “એણે એવું કીધું’તું તને....!?”

એક ઊંડો શ્વાસ ભરીને અક્ષય આડું જોવાં લાગ્યો.

“નઈ...નઈ....! એ...એ...મને એવી નો’તો ગણતો....! એવી નો’તો ગણતો....!” લાવણ્યા પોતાને સાંત્વના આપતી હોય એમ મનમાં બબડી.

“એનાં માનવા ન માનવાથી શું ફરક પડે છે તને....!?” અક્ષય ફરીવાર એજરીતે બોલ્યો “તું જેવી છે....! એવીજ રેવાની છેને...!? બદલાઈ થોડી જવાની....આરવ તને બદલી ના શક્યો તો બીજું કોઈ શું બદલી શકવાનું...!?”

લાવણ્યા મૌન થઈ ગઈ અને નીચું જોઈને કોરિડોરનાં ફર્શ સામે તાકવાં લાગી.

“એની જિંદગી બરબાદ થઈ ગઈ લાવણ્યા....!” અક્ષય દયામણું મોઢું કરીને બોલ્યો “એ...એ....કેવો હતો....ને તારાંમાં ને તારાંમાં એની શું હાલત થઈ ગઈ...!”

“અક્ષય....! આવ...આવું નાં બોલને....!” લાવણ્યા રડી પડી.

“તું જેવી છે...! એવીજ રે’…..! એને હર્ટ નાં કર...! એને જવાંદે હવે.....! એનાં સારા માટે....!”

“મ્મ....મારે ખાલી એક...એકવાર વાત કરવી છે....!” લાવણ્યા આજીજીભર્યા સ્વરમાં બોલી.

“હું સાચું કઉ છું...! એણે મને નવો નંબર નથી આપ્યો....! મેં માંગ્યો’તો ...તો પણ ના આપ્યો....! એને ખબર હતી...કે તું ગમે તેમ કરીને મારી જોડેથી એનો નંબર કઢાવી લઇશ...!”

દયામણું મોઢું કરીને લાવણ્યા ભીની આંખે અક્ષય સામે જોઈ રહી.

“કદાચ...! એ પોતે પણ નથી ઈચ્છતો....! કે તું એને કૉન્ટૅક્ટ કરે....! એ પોતે પણ તારાંથી દૂરજ રે’વાં માંગે છે લાવણ્યા...! દૂરજ રે’વાં માંગે છે....!”

“એ પોતે પણ તારાંથી દૂરજ રે’વાં માંગે છે....! દૂરજ રે’વાં માંગે છે....!” લાવણ્યા ફરીવાર વિચારે ચઢી ગઈ અને અક્ષયનાં શબ્દો તેણીના મનમાં પડઘાવાં લાગ્યાં.

“મારી પાસે એનો નંબર નથી લાવણ્યા....!” અક્ષય ફરીવાર ધિમાં સ્વરમાં બોલ્યો “બાય....!”

એટલું કહીને અક્ષય ત્યાંથી જતો રહયો. લાવણ્યાનાં મનમાં વિચારોનું વાવાઝોડું આવી ગયું.

“કદાચ...! એ પોતે પણ નથી ઈચ્છતો....! કે તું એને કૉન્ટૅક્ટ કરે....!” કોરિડોરમાં ઊભી-ઊભી લાવણ્યા હવે અક્ષયે કહેલી વાતોનાં વિચારોથી ઘેરાઈ ગઈ “એને જવાંદે હવે.....! એનાં સારા માટે....!”

“એને હર્ટ નાં કર...! હર્ટ નાં કર.....!”

“તું જેવી છે...! એવીજ રે’…..! એવીજ રે’…..!

“આરવ જેવાં માસૂમ છોકરાંઓને હર્ટ કરવાં કરતાં વિશાલ....યશ જેવાં છોકરાઓ જોડે રખડી ખાવું સારું છે...!”

“તું જેવી છે...! એવીજ રે’…..! એવીજ રે’…..!”

પોતાની ભીની આંખો લૂંછતાં-લૂંછતાં લાવણ્યા કોરીડોરમાં ચાલવાં લાગી.

“હવે કોઈ “આરવ” ને હર્ટ નઈ કરું.....!” મનમાં બબડતાં-બબડતાં લાવણ્યાએ તેનો ચેહરો સખત કર્યો અને ચાલતાં-ચાલતાં પોતાની હેન્ડબેગમાંથી પોતાનો મોબાઈલ કાઢવાં લાગી.

“હાય લાવણ્યા....!” કોલેજના ગેટ તરફ જતાં-જતાં લાવણ્યાને સામે પ્રેમ મળી ગયો “શું રીઝલ્ટ આયુ તારું....!?”

સ્મિત કરીને પ્રેમે લાવણ્યાને પૂછ્યું અને તેણી સામે હસમુખા ચેહરે જોઈ રહ્યો.

“સોરી પ્રેમ....!” પોતાની આંખો બંધ કરી એક ઊંડો શ્વાસ ભરી લાવણ્યા મનમાં બબડી “હવે કોઈ “આરવ” ને હર્ટ નઈ કરવો મારે.....! હું જેવી છું.....! એવીજ બરાબર છું....! મારે એવુંજ રે’વું છે....!”

“તું તારું જોને....! દોઢ ડહાપણ કર્યા વગરનો.....!” આંખો ખોલતાંજ લાવણ્યાએ રૂડ સ્વરમાં પ્રેમની ઈન્સલ્ટ કરતી હોય એમ સહેજ મોટેથી બોલી “ચલ હટ અહિયાંથી....! ઈડીઅટ....!”

મોઢું બગાડી લાવણ્યા પ્રેમની જોડેથી પસાર થઇ ગઈ. લાવણ્યાનાં અત્યંત રૂડ બિહેવિયરથી ડઘાયેલો પ્રેમ ત્યાંજ જડ થઇ ગયો અને કોલેજનાં ગેટ તરફ જઈ રહેલી લાવણ્યાને જોઈ રહ્યો.

“હેલ્લો....! હાં મમ્મી....!” પોતાનાં મોબાઈલથી સુભદ્રાબેનને નંબર જોડીને કોલેજના ગેટની બહાર નીકળતાંજ લાવણ્યા બોલી “તું નોર્થ ઈન્ડિયા ફરવાં જવાનું કે’તી’તી ને.....! ટીકીટ બૂક કરાવ....! આપડે જઈએ છે....!”

-----


“મેં એને (આરવને) ભૂલવાનો બઉ પ્રયત્ન કર્યો....! મન ડાઈવર્ટ થાય એટલે વેકેશનમાં હું નોર્થ ઈન્ડિયા વગેરે જગ્યાએ ઘણું ફરી....!” હોસ્પિટલમાં ફોલ્ડ કરેલાં બેડના ટેકે બેઠેલી લાવણ્યાએ ભીની આંખે બધાંને આરવ સાથે બનેલી આખી ઘટના શરૂઆતથી લઈને અંત સુધી સંભળાવી દીધી.

આરવ સાથે જે થયું એ સાંભળીને સુભદ્રાબેન સહીત અંકિતા, કામ્યા, ત્રિશા, પ્રેમ વગેરેની આંખો ભીની થઈ ગઈ. સામે ઉભેલી નેહાની આંખો પણ ભીની થઇ ગઈ હતી, જોકે લાવણ્યાની સામે જોવાંની જગ્યાએ તે મોટેભાગે આડુંજ જોઈ રહી હતી. રૂમનાં દરવાજાની જોડેની દીવાલના ટેકે ઉભેલો સિદ્ધાર્થ પણ લાવણ્યા સામે ભીની નજરે જોઈ રહ્યો હતો.

“આમ છતાં પણ.....! હું એને ના ભૂલી શકી....!” સિદ્ધાર્થ સામે જોઈ રહીને લાવણ્યાએ આગળ કહ્યું “એનો ઇનોસંન્ટ ચેહરો....! મારાં માટે એનો એ અનહદ પ્રેમ...! મને વિશાલ જેવાં છોકરાંઓ જોડે જોઇને એને જે તકલીફ.....! એણે કહેલી એ બધી વાતો....! એણે મારાં માટે ગાયેલાં એ બધાં સોન્ગ્સ....! અને.......! એનાં કપાયેલાં પ.....પગ....! કશું ના ભૂલી શકી હું....!”

લાવણ્યાને ડુસકાં આવવાં લાગ્યાં. સ્ટૂલ ઉપર બેઠેલાં સુભદ્રાબેને લાવણ્યાના હાથ ઉપર પોતાનો હાથ મુકીને તેણી સામે ભીની આંખે જોયું. જોકે લાવણ્યાએ સિદ્ધાર્થ સામેજ જોઈ રહીને પોતાની આંખો વહેવા દીધી.

“પણ આખાં વેકશન દરમિયાન....મેં એટલું નક્કી કરી લીધું’તું....કે હું હવે પછી બીજાં કોઈ “આરવ”ને હર્ટ નઈ કરું.....! કોઈને નઈ...!” લાવણ્યાએ રડતાં-રડતાં આગળ કહ્યું “જેવી પે’લ્લાં હતી....એવીજ રઈશ....!”

“એટલેજ તું મારી પણ ઈન્સલ્ટ કરતી...! રૂડ બિહેવ કરતી...!” અંકિતાની જોડે અને સુભદ્રાબેનની જોડે ઉભેલો પ્રેમ ભીની આંખે બોલ્યો “જેથી હું તારાંથી દૂર રહું....!”

લાવણ્યાએ એક નજર પ્રેમ સામે જોયું અને પછી પાછું સિદ્ધાર્થ સામે જોવાં લાગી.

“નેહા....!” અંકિતાએ પોતાની આંખો લુંછી અને તેનો સ્વર સ્વસ્થ કરતાં નેહા સામે જોયું અને ટોન્ટ મારતી હોય એમ બોલી “આરવ તો સિદ્ધાર્થનો ભાઈ હતોને....! તો...! તો...તે શેનો બદલો લીધો...!?”

રૂમમાં હાજર બધાંએ હવે નેહા સામે જોયું.

પોતાની આંખોમાં આવી ગયેલાં આંસુ છુપાવી રાખવાં નેહા ક્યારની આડું જોઈ રહી હતી. લાવણ્યાને ચઢાવવામાં આવેલી ગ્લ્યુકોઝની બોટલનાં પાણીને જોઈ રહેલીએ નેહાએ કેટલોક વધુ સમય એજરીતે બોટલ સામે જોયે રાખ્યું. રૂમમાં થોડો સમય શાંતિ પથરાઈ ગઈ.

“I Loved him.....!” છેવટે નેહાએ પોતાની સ્વર માંડ સખત કરીને ભીની આખેજ પહેલાં અંકિતા સામે પછી લાવણ્યા સામે જોઈને કહ્યું.

એકજ વાક્યમાં નેહાએ જાણે બધુંજ કહી દીધું હોય એમ બધાં ફાટી આંખે નેહા સામે જોઈ રહ્યાં. કોલેજ ત્રણેય વર્ષમાં નેહા કોઈને “લવ” કરતી કે તેણીનો કોઈ બોયફ્રેન્ડ હોય એ વાત તો દુર, ફ્રેન્ડના હોય એવાં અન્ય કોઈ છોકરાં સાથે તે ભાગ્યેજ વાત કરતી હતી.

“ક....ક્યારે....!? આઈ મીન....! ક્યારથી....!? કેવી રીતે....!?” અંકિતાની જીભ થોથવાઈ ગઈ અને તે માંડ પૂછી શકી.

લાવણ્યા જ્યારે આરવની વાત કહી રહી હતી ત્યારે આખી વાત દરમિયાન નેહાની આંખો ભીંજાયેલીજ રહી હતી. તેણીને દર વખતે પોતાની આંખ આવી ગયેલાં આંસુને પાછાં ઠેલવાનો પ્રયત્ન કરતી અંકિતાએ અનેકવાર જોઈ હતી. આરવ માટેની તેની લાગણી તેની આંખોમાં અનેકવાર છલકાઈ હતી. એમાંય જ્યારે લાવણ્યાએ આરવના પગ વિષે અને તેનાં એક્સીડેન્ટ વિષેની વાત કરી હતી, ત્યારે નેહાનો ચેહરો ગુસ્સાથી સખત થઇ ગયો હતો.

“ઈટ વોઝ લવ એટ ફર્સ્ટ સાઈટ....!” નેહા બોલી “સેકન્ડ યરમાં આરવ જ્યારે કોલેજમાં નવો-નવો આવ્યો...! મેં એને જયારે પે’લ્લીવાર જોયો ત્યારેજ....! પણ એ વખતે મને એ ફિલિંગ નહોતી સમજાઈ....!મને બસ એ ગમતો....! કેન્ટીનમાં એને સોન્ગ ગાતો સાંભળવો....! એનાં ગ્રુપના ફ્રેન્ડસ જોડે મસ્તી કરતો જોવો....! હું બસ એને નિહાળે જતી....! ખબર નઈ કેમ...!”

નેહાની આંખ ભીંજાઈ જતાં તે થોડું અટકી પછી આગળ બોલી –

“પણ પછી મને ખબર પડી કે....! એ...એ લાવણ્યા પાછળ....! અ...” નેહાનો સ્વર ધ્રુજી ગયો “લાવણ્યા એને કાયમ હર્ટ જ કરતી...! એને બધાંની વચ્ચે ધમકાવી નાંખતી....! જે મનમાં આવે એ બોલી નાંખતી...! એ આખો દિવસ દુઃખી થઈને ફર્યા કરતો....! અને લાવણ્યાની જોડે વાત કરવા માટે....! એને ખુશ કરવાં માટે કોઈને કોઈ પ્રયત્નો કરતો રે’તો....!”

નેહાએ તેનો સ્વર સખત કર્યો અને લાવણ્યા સામે તિરસ્કારથી જોયું. લાવણ્યાએ શરમથી આડું જોઈ લીધું.

“યાદ છે તને...! જ્યારે તે એને “જોકર” કહ્યો’તો....!?” નેહાની આંખ વહેવા લાગી

નેહાએ ફરીવાર લાવણ્યા સામે એવીજ તિરસ્કારભરી નજરે જોયું અને યુથ ફેસ્ટીવલ પહેલાંની એ ઘટનાં યાદ અપાવી.


“એણે (આરવે) કેટલી ઈનોસન્સથી તને ખાલી એટલું પૂછ્યું’તું....! કે તને એણે ગાયેલું સોન્ગ કેવું લાગ્યું....!?” નેહા રડતાં-રડતાં બોલી “અને તે એને જોકર કહીને એની ઈન્સલ્ટ કરી નાંખી....! એનું...નાનાં બાળક જેવું એનું એ ઉતરી ગયેલું મોઢું જોઇને...! હું..હું...આખી રાત નો’તી ઊંઘી...”

“ગીટાર લઈને છોકરીઓ સામે કલર કરતાં છોકરાંઓને હંમેશા જોતીજ હોવ છું....! સર્કસનાં જોકરની જેમ...યુ નો...! ” લાવણ્યાએ એ દિવસ યાદ આવી ગયો અને આરવને જોકર કહ્યાં પછી એનો ઉતરી ગયેલો એ માસૂમ ચેહરો પણ તેણીની નજર સામે તરવરી ઉઠ્યો.

“એને હર્ટ થતો જોઈ...! એને તકલીફમાં જોઈ....! મને દયા આવી જતી....!એની ઉપર...!” નેહા આગળ બોલી “અને એ દયા ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ....! મને ખબરજ ના પડી....! ખબરજ ના પડી....!”

નેહા થોડું અટકી અને પોતાની આંખો લુંછવા લાગી.

“તારા ઘમંડ અને જિદ્દે આરવની જીંદગી બરબાદ કરી નાંખી લાવણ્યા...!” નેહા ભારોભાર તિરસ્કાર સાથે બોલી “અને મારી પણ જીદંગી બરબાદ કરી નાંખી...! તારોજ વાંક હતો....! એનાં પગ કપાયા...! એમાં તારો જ વાંક હતો...! તારોજ....!”

લાવણ્યા રડી પડી. નેહાની વાત સાંભળી રૂમમાં ફરીવાર મૌન પથરાઈ ગયું.

“મેં તારી સાથે જે પણ કર્યું....! એનો મને કોઈ પસ્તાવો નથી...!” એવાંજ તિરસ્કારભર્યા સ્વરમાં નેહા બોલી “તું એજ ડિઝર્વ કરતી’તી....! તારોજ વાંક હતો ..! એટલે તું એ ડિઝર્વ કરતી’તી....!”

“નેહા...અ..!”

“હાં....મારોજ વાંક હતો...!” સુભદ્રાબેન બોલવાંજ જતાં હતાં ત્યાંજ લાવણ્યા કાંપતા સ્વરમાં ડૂસકાં ભરતી-ભરતી બોલી “મેં જ એની જીંદગી બરબાદ કરી નાંખી....! મારો જ વાંક હતો......! મારોજ વાંક હતો....! મારોજ વાંક હતો....!”

“મારોજ વાંક હતો....!” લાવણ્યા કેટલીક ક્ષણો સુધી એજ વાક્ય બબડતી રહી અને બધાં મૌન થઈને ભીની આંખે તેણી સામે જોઈ રહ્યાં.

“મારોજ વાંક હતો....!”

“તારો કોઈ વાંક ન’તો.....!” ત્યાંજ રૂમનો દરવાજો ખુલવાની સાથે કોઈ યુવાનનો અવાજ આવ્યો અને બધાંએ એ તરફ જોયું.

એ અવાજને ઓળખી ગયેલી લાવણ્યાએ ચોંકીને તરતજ એ તરફ જોયું.

ગ્રે કલરનું બ્લેઝર, અંદર બ્લ્યુ કલરનો શર્ટ, ખાખી પેન્ટ પહેરેલો એક સોહામણો યુવાન દરવાજો ખોલીને ઉભો હતો. એજ માસૂમ ચેહરો, એવીજ બાળકો જેવી ક્યુટ સ્માઈલ, સહેજ આછી દાઢી, ગઈ વખત કરતાં થોડાં વધુ લાંબા પણ વ્યવસ્થિત ઓળેલા વાળ.

એજ માસૂમ સ્મિત કરતાં દરવાજાની વચ્ચે ઉભેલાં એ યુવાનને જોઈને લાવણ્યાની આંખોમાંથી આંસુનીની ધાર વહી અને બેડમાં તે બેઠી થઈને તે બોલી પડી

“આરવ......!”
*******
Instagram: @jignesh_sid19