લવ રિવેન્જ - 39 S I D D H A R T H દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ રિવેન્જ - 39

લવ રિવેન્જ

પ્રકરણ-39




“આરવ કરણસિંહ રાજપૂત....!” નેહાએ બોલેલાં શબ્દોનાં લાવણ્યાનાં કાનમાં પડઘા પડવા લાગ્યાં “સિદ્ધાર્થ કરણસિંહ રાજપૂત....!”

“સિદ્ધાર્થ કરણસિંહ રાજપૂત....!” સ્ટેજ ઉપર સોંન્ગ ગાઈ લીધાં પછી પબ્લિકનું અભિવાદન ઝીલી રહેલાં સિદ્ધાર્થ સામે ફાટી આંખે હતપ્રભ થઈને જોઈ રહી લાવણ્યા ધીરેથી બબડી “સિદ્ધાર્થ કરણસિંહ રાજપૂત....!”

“હેં શું ….!? શું કીધું તે લાવણ્યા...!?” લાવણ્યાની જોડે ઊભેલી અંકિતા જેનું ધ્યાન હમણાં સુધી સ્ટેજ તરફ તેમજ ભીડની ચિચિયારીઓ તરફ હતું તેનું ધ્યાન હવે લાવણ્યા તરફ ગયું.

“આરવ......સિદ્ધાર્થ.....!” હતપ્રભ લાવણ્યા એજરીતે બબડી રહી હતી.

જોડે ઊભેલી નેહાનાં ચેહરા ઉપર જાણે સંતોષનું કુટિલ સ્મિત હતું.

“આરવ...!?” લાવણ્યાનાં મોઢે આરવનું નામ સાંભળી અંકિતાને નવાઈ લાગી “તને અત્યારે આરવ ક્યાંથી યાદ આયો....!?”

“સિદ્ધાર્થ....આરવ.....!” લાવણ્યાની આંખમાંથી આંસુ વહેવાં લાગ્યાં અને અંકિતાની વાત સાંભળ્યા વિના તે સિદ્ધાર્થ સામે જોઈ રહીને બબડાટ કરવાં લાગી.

“તેરાંઆ....ચેહરાઆ......જબ નઝર આયે....!” લાવણ્યાનાં કાનમાં હજીપણ એજ સોંન્ગનાં પડઘાં પડી રહ્યાં હતાં.

સોંન્ગનાં પડઘાંની વચ્ચે લાવણ્યાને કોઈવાર આરવનો તો કોઈવાર સિદ્ધાર્થનો ચેહરો દેખાતો હતો.

“લાવણ્યા....શું થયું....?” મૂંઝાયેલી અંકિતાએ લાવણ્યાના બાવડાં ઉપર હાથ મૂક્યો.

યૂથ ફેસ્ટિવલમાં હાજર ભીડની ચિચિયારીઓમાં સાંભળી શકાય એ રીતે અંકિતા સહેજ મોટેથી બોલી.

“સિદ્ધાર્થ....! કરણસિંહ....! રાજપુત....! સિદ્ધાર્થ .......! આરવ....!” સિદ્ધાર્થ અને આરવનાં નામનો એજરીતે બબડાટ કરતી-કરતી લાવણ્યા પાછાં પગલે ચાલવા લાગી.

“લાવણ્યા....! શું થયું...!?” અંકિતા હવે ગભરાઈ અને નેહા બાજુ એક નજર નાંખી લાવણ્યા તરફ જવાં લાગી.

“આરવ....! સિદ્ધાર્થ....!” લાવણ્યાની આંખો વહેવાં લાગી અને ભીની આંખે બેક સ્ટેજ જઈ રહેલાં સિદ્ધાર્થ ઉપર એક નજર નાંખી જોઈ રહી નકારમાં માથું ધૂણાવા લાગી “સિદ્ધાર્થ...! સિદ્ધાર્થ....!”

“લાવણ્યા...!? શું થઈ ગયું તને...!?” પરેશાન ચેહરે અંકિતા બોલવા લાગી.


યૂથ ફેસ્ટિવલના ઘોંઘાટભર્યા વાતાવરણને લીધે હજી સુધી કોઈનું ધ્યાન એ તરફ નહોતું.

“આરવ....!” લાવણ્યા છેવટે રડી પડી અને પાછું ફરીને ભીડ વચ્ચેથી જગ્યા કરતી ઉતાવળા પગલે ત્યાંથી જવાં લાગી.

“લાવણ્યા....!?” અંકિતાએ ફરીવાર એકનજર નેહા બાજુ નાંખીને કતરાઈને જોયું અને પછી લાવણ્યાની પાછળ-પાછળ ઉતાવળા પગલે દોડી.

ભીડમાંથી નીકળીને લાવણ્યા હવે યૂથ ફેસ્ટિવલના ગ્રાઉંન્ડનાં મેઈન ગેટ તરફ જવાં લાગી. રડતાં તેણીએ પોતાનાં ચાલવાની ઝડપ વધારી દીધી.

“નઈ..નઈ.....સિડ....સિડ....આવું ના કરે....! આવું નાં કરે.....!” લાવણ્યાનાં મનમાં વિચારોનું સુનામી આવી ગયું.

“લાવણ્યા...!” અંકિતા પણ લાવણ્યાની પાછળ ઉતાવળાં પગલે આવી રહી હતી.

લાવણ્યા જોકે તેણીનો આવાજ સાંભળ્યા વગર ગેટની બહાર નીકળી મેઈન રોડ ઉપર આવી ગઈ.

“સિદ્ધાર્થ આવું ના કરે....!” રોડની પેવમેંન્ટ ઉપર દિશાહીન થઈને વિચારોમાં અટવાયેલી લાવણ્યા ચાલી રહી હતી “એનો પ્રેમ સાચો હતો....! સાચો હતો....!”

“તેરાંઆ....ચેહરાઆ......જબ નઝર આયે....!” એજ સોંન્ગનાં શબ્દો ફરીવાર લાવણ્યાનાં મનમાં પડઘાતા લાવણ્યાની આંખો સામે આરવનો એ માસૂમ ચેહરો તરવરી ઉઠ્યો.

લાવણ્યાનું માથું ભમવાં લાગ્યું. તેની નજર સામેનું દ્રશ્ય જાણે ગોળ-ગોળ ફરતું હોય એવું તેણીને લાગ્યું. તેનાં ધબકારા અતિશય વધી જતાં તેનાં માથે પરસેવો થવાં લાગ્યો.

“સિદ્ધાર્થ આવું ના કરે....! આરવ...! સિદ્ધાર્થ.....!”

“લાવણ્યા....! ઊભી રે’…..! ક્યાં જાય છે...!” પાછળ અંકિતા બૂમો પાડતી-પાડતી આવી રહી હતી.

“તેરાંઆ....ચેહરાઆ......જબ નઝર આયે....!” તેનું માથું જાણે હમણાં જશે એવો સખત દર્દ અનુભવાતાં તેણીએ પોતાનાં બંને હાથ વડે પોતાનું માથું જોરથી દબાવા માંડ્યુ.

“આરવ....! તું પ્લીઝ ના જઈશને....! ના જઈશને....!

“મને આ રીતે ....આ રીતે...મૂકીને ના જઈશને....!”

લાવણ્યાની નજર સામે હવે આરવ સાથેની તેણીની એ છેલ્લી મુલાકાતનાં દ્રશ્યો દેખાવાં લાગ્યાં અને એ વખતની વાતચીતનાં શબ્દોનાં પડઘા સંભળાવવા લાગ્યાં. તેણીનું ગળું સુકાવાં લાગ્યું.

“આરવ ....પ્લીઝ....! સિદ્ધાર્થ....!” લાવણ્યા લગભગ બૂમ પાડી ઉઠી એક ચક્કર ખાઈને લાવણ્યા સીધી પેવમેંન્ટ ઉપરજ ઢળી પડી.

“લાવણ્યા....!” લાવણ્યાને ઢળી પડતાં જોઈને પાછળ આવી રહેલી અંકિતા હતપ્રભ થઈને ઝડપથી દોડી “લાવણ્યા...! લાવણ્યા....!”

-------


“આરવ.....! સિદ્ધાર્થ....!? મને નથી ખબર....! પણ....પણ એ બસ એ બેજ નામો બબડે જતી હતી.....!” પરેશાન ચેહરે અંકિતા બોલી.

યૂથ ફેસ્ટિવલના ગ્રાઉંડની બહાર પેવમેંન્ટ ઉપરજલાવણ્યાને ઢળી પડતાં અંકિતાએ જોઈ હતી અને તાત્કાલિક 108-એમ્બ્યુલન્સ બોલાવીને લાવણ્યાને વી.એસ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી.

લાવણ્યાને હોસ્પિટલમાં લાવ્યાં પછી અંકિતાએ ફોન કરીને ગ્રૂપનાં બીજાં ફ્રેન્ડ્સને પણ બોલાવી લીધાં હતાં. ત્યારબાદ અંકિતાએ ફોન કરીને લાવણ્યાના મમ્મી સુભદ્રાબેનને પણ બોલાવી લીધાં હતાં.

લાવણ્યાને બેભાન હાલતમાં એડમિટ જોઈને સુભદ્રાબેન રડી પડ્યાં હતાં. બધાંએ ભેગાં મળીને માંડ તેમને શાંત કરાવ્યાં હતાં. લાવણ્યાના રૂમની સામે મૂકેલી બેઠકોમાં બધાં બેઠાં હતાં. બેઠકની જોડે દીવાલને અડીને અંકિતા ઊભી હતી. પ્રેમ બેચેનીપૂર્વક આંટા મારી રહ્યો હતો.

“આરવ....!?” આરવનું નામ સાંભળીને બેઠકમાંથી ઊભી થતાં કામ્યા મૂંઝાઇને બોલી “એને આરવ ક્યાંથી યાદ આયો....!?”

“ખબર નઈ....!?” ઢીલી થઈ ગયેલી અંકિતાએ તેનાં ખભાં ઉછાળ્યા “મેં કેટલીયવાર પૂછ્યું...! પણ...પણ એ જાણે ભાનમાંજ નાં હોય એમ બબડાટ કરે જતી હતી અને પછી અચાનકજ ગ્રાઉંન્ડની બહાર નીકળી ગઈ.....! હું એની પાછળ-પાછળ બૂમો પાડતી’તી....! તોય શું ખબર ......એ સાંભળતીજ નો’તી.....!”

“સિદ્ધાર્થ ક્યાં છે...!?” બેચેનીપૂર્વક આંટા મારી રહેલાં પ્રેમે પૂછ્યું.

“મેં સૌથી પે’લ્લો ફોન એનેજ કર્યો’તો....!” અંકિતા ગળગળા સ્વરમાં બોલી “પણ લાગ્યોજ નઈ....! સ્વિચઑફ આવતો’તો....!”

“એને કાયમ આવુંજ કેમ હોય છે...!?” સુભદ્રાબેનની જોડે બેઠકમાં બેઠેલી ત્રિશા ચિડાઈને બોલી “જ્યારે જરૂર હોય ત્યારેજ એનો ફોન સ્વિચ ઑફજ આવતો હોય છે...!”

“જવાંદેને.....! મારે એને બોલાવવોજ નથી....!” અંકિતા ચિડાઈને બોલી “એને લાવણ્યાની કઈં પડીજ નથી....! જો હોત...! તો...એણે લાવણ્યાને ફોન તો કર્યોજ હોતને...!?”

થોડીવાર સુધી બધાં મૌન થઈ ગયાં. મૌન બેઠેલાં સુભદ્રાબેનની આંખમાંથી ક્યારેક-ક્યારેક પાણી વહી જતું. તેઓ લાવણ્યાના રૂમના બંધ દરવાજા સામે શૂન્યમનસ્ક તાકી રહ્યાં હતાં.

“અરે યાર એ ફસાઈ ગ્યો હશે....!” કામ્યા સિદ્ધાર્થની સાઈડ લેતાં બોલી “તું જાણે તો છે...! નેહા એની પાછળ પડી જાય છે...!”

“નેહાએજ કઈંક કર્યું છે...!” અંકિતા લાવણ્યાના રૂમના બંધ દરવાજા સામે જોઈ રહીને બોલી “એ ત્યાંજ ઊભી’તી....! લાવણ્યાની જોડે કઈંક વાત કરતી’તી...!”

“શું વાત કરતી’તી....!?” પ્રેમે પૂછ્યું.

“શું ખબર....!? ભીડના અવાજમાં મને કઈં સંભળાયુંજ નઈ....! અને મારું ધ્યાન તો સ્ટેજ ઉપર ઉભેલાં સિદ્ધાર્થ તરફ હતું....!”


“આ લો...! ચ્હા....!” વિવાન બધાંની જોડે આવતાંજ બોલ્યો.

વિવાન અને રોનક બંને બધાં માટે ચ્હા-કોફી લઈ આવ્યાં હતાં.

“આંટીને પે’લાં આપ....!” બેઠક ઉપર પ્લાસ્ટિકના નાનાં કપમાં ચ્હા કાઢી રહેલાં રોનકને કામ્યાએ કહ્યું.

“લો આંટી....!” રોનકે ચ્હા ભરેલો એક કપ સુભદ્રાબેન તરફ ધર્યો.

તેઓ હજીપણ એજરીતે શૂન્યમનસ્ક તાકી રહ્યાં હતાં. થોડીવાર સુધી એમજ જોઈ રહ્યાં બાદ સુભદ્રાબેને રોનકનાં હાથમાંથી કપ લઈ લીધો.

અંકિતા સહિત બધાંએ મનમાં હાશકારો અનુભવ્યો.

“હું સિદ્ધાર્થને ફોન કરી જોઉં છું.....!” ચ્હા પીતાં-પીતાં પ્રેમે પોતાનાં જીન્સનાં પોકેટમાંથી મોબાઈલ કાઢ્યો.

“કોઈ જરૂર નથી....!” અંકિતા તરતજ ચિડાઈ ગઈ અને છણકો કરીને બોલી “બધું એનાં લીધેજ થયું છે....!”

“પણ અંકિતા....! લાવણ્યા હોસ્પિટલમાં છે એવી એને ખબર તો ...!”

“મેં કીધુંને....!” કામ્યા બોલી રહી હતી ત્યાંજ અંકિતા એજરીતે ગુસ્સામાં વચ્ચે બોલી “એનાં લીધેજ લાવણ્યાની આ હાલત થઈ છે...! એ અહિયાં ના આવવો જોઈએ....!”

અંકિતાનો ગુસ્સો જોઈને કામ્યાએ વધું કઈં કહેવાનું ટાળ્યું.

------


“પાસ્ટમાં કોઈ એવી ઘટના ઘટી હતી....! કે જેની એનાં મન ઉપર ખરાબ અસર થઈ હોય...!?” સિવિલ હોસ્પિટલનાં સિનિયર Psychologist ડો. વેદએ તેમની સામે બેઠેલાં સુભદ્રાબેનને પૂછ્યું.

લાવણ્યાની હાલતથી આઘાતપામી ગયેલાં સુભદ્રાબેન ડો.વેદનાં ડેસ્ક ઉપર પડેલી વસ્તુઓ સામે તાકી રહ્યાં હતાં. તેમની આંખો હજીપણ ભીનીજ હતી.

“અ....એવી તો શું બ....બીમારી છે લાવણ્યાને સર....!?” સુભદ્રાબેનની જોડેની ચેયરમાં બેઠેલી અંકિતાએ ગભરાટભર્યા સ્વરમાં પૂછ્યું અને આજુબાજુ ઉભેલાં પ્રેમ અને કામ્યા સામે જોયું.

સુભદ્રાબેન અને અંકિતા સહિત ડો.વેદની કેબિનમાં કામ્યા, ત્રિશા અને પ્રેમ પણ હાજર હતાં.

“Schizophrenia....!” ડો.વેદ બોલ્યાં “આ એક મેન્ટલ ડીસીઝ છે....! અને .....!”

થોડું અટકીને ડો.વેદે સુભદ્રાબેન સામે જોયું જેઓ હજીપણ તેમનાં ડેસ્ક સામે તાકી રહ્યાં હતાં.

“અને....!?” ડો.વેદ અટકી જતાં અંકિતાએ પૂછ્યું “શું ડોક્ટર છે....!?”

“આ એક ગંભીર માનસિક રોગ છે...!” ડો. વેદ અંકિતા સામે જોઈને બોલ્યાં “જેનાં લીધે ડિપ્રેશન.....! એંન્ગ્ઝાઈટી.....! પેનિક એટેક્સ....! જેવી સમસ્યાઓ પણ થાય છે...!

.... hallucination (આભાસ) અને delusion (ભ્રાંતિ)

…..abnormal behaviour

…..disorganised (અવ્યવસ્થિત) speech

….disturbances of emotions વગેરે એનાં લક્ષણો છે....!”

ડો. વેદ બોલ્યાં અને વારાફરતી બધાં સામે જોઈ થોડું અટક્યાં-

“ hallucination અને delusion એટ્લે એવી વસ્તુઓ કે પરિસ્થિતિઓ જે રિયલમાં હોયજ નઈ એટ્લેકે કાલ્પનિક હોય એ દેખાવું....! કે પછી એ થશે એવું માની ડરવું....! કોઈ વસ્તુ ગુમાવી કે વ્યક્તિ ગુમાવી બેસવાનો પણ કાલ્પનિક ભય સતત સતાવ્યાં કરે....!”

“સિદ્ધાર્થ.....!” કામ્યા અને અંકિતા બંને લાગભાગ એક સાથેજ મનમાં બબડયાં.

“ઘણીવાર પેશન્ટનું બિહિવેયર એકદમ ચાઈલ્ડિસ થઈ જાય....! બાળકો જેવું....!” ડો. વેદ આગળ બોલ્યાં “અનપ્રેડિકેટેબલ....! જિદ્દીલું...ચીડિયું....! કે પછી...! એબનોર્મલ...!

.....વારંવાર મૂડ સ્વિંગ થયાં કરે....! એક સેકન્ડ પે’લ્લાં જો માણસ ખૂશ હોય...! તો બીજીજ સેકન્ડે....માણસ અચાનક ગુસ્સે થઈ જાય....! ચિડાઈ જાય....! કે પછી એકદમ ઈમોશનલ થઈ જાય....! રડી પડે....!”

“હાં.....! એવું તો એને ઘણીવાર થાય છે...!” અંકિતાની પાછળ ઉભેલો પ્રેમ માથું હલાવીને બોલ્યો “ખાસ કરીને વાત જ્યારે સિદ્ધાર્થની હોય ત્યારે....!”

અંકિતાની સામે હવે એ દરેક ઘટના યાદ આવી ગઈ જ્યારે લાવણ્યાનું બિહિવેયર એવુંજ બાળકો જેવું થઈ જતું. તે ભાન ભૂલી જતી કે અતિશય ઈમોશનલ થઈને રઘવાઈ થઈ જતી.

સિદ્ધાર્થને એક્સિડેંન્ટ પછી જ્યારે તે લાવણ્યા જોડે તેનાં મામાંનાં ઘરે ખબર કાઢવાં ગઈ હતી ત્યારે સિદ્ધાર્થ સાથે ફોન ઉપર વાત કરવાં લાવણ્યા રઘવાઈ થઈને નેહાની કાર પાછળ દોડી હતી. તે બાળકો જેવી જિદ્દ કરવાં લાગતી હતી.

પ્રેમને પણ એ દિવસ યાદ આવી ગયો જ્યારે સિદ્ધાર્થને એક્સિડેંન્ટ પછી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ અપાયું હતું અને સિદ્ધાર્થ ફાધર માટે લાવણ્યા નેહાનાં મોઢે “પપ્પા” સંબોધન સાંભળીને સૂધબૂધ ખોઈ બેઠી હતી અને બેભાન થઈને ઢળી પડી હતી.

અંકિતાને હવે બરોડાંવાળી ઘટના પણ યાદ આવી ગઈ જ્યારે લાવણ્યા સિદ્ધાર્થને મળવા બાળકોની જેમ જીદ્દે ચઢી હતી અને સિદ્ધાર્થને મળ્યાં પછી તેની સાથે બરોડાંમાંજ રોકાઈ જવાં બાળકો જેવું રડમસ મોઢું બનાવીને જિદ્દ કરતી હતી.

અંકિતા સહિત કામ્યા, પ્રેમ અને ત્રિશાને પણ લાવણ્યાનાં એ અચાનક મૂડ બદલાઈ જવાનાં, ઈમોશનલ થઈ જવાનાં, બાળકો જેવાં બિહેવિયરનું વગેરેનું કારણ સમજાયું.

“મેન્ટલ ડીસીઝનાં પેશન્ટ મોટેભાગે ચિડિયા થઈ જતાં હોય છે....! સતત ડિપ્રેશનમાં રહેવું...! કોઇની સાથે સરખું હળવાં-મળવાનું નઈ...! કે પછી પોતાને જે ઠીક લાગે એવું બિહેવિયર કરવું...! ભલે પછી એનાંથી કોઇની ફિલિંગ્સ હર્ટ થતી હોય...!” ડો વેદ આગળ બોલ્યાં.


“આ રોગનાં લક્ષણો ઘણાં છે....! અને એ થવાનાં કારણો પણ ઘણાં....!” ડો.વેદે ફરીવાર સુભદ્રાબેન સામે જોયું “ઘણીવાર ભૂતકાળમાં ઘટેલી કોઈ ખરાબ ઘટના પણ વ્યક્તિને માનસિક રોગ તરફ ધકેલી દે છે....!”

“એટ્લેજ પૂછું છું.....!” ડો.વેદે સુભદ્રાબેન સામે જોયે રાખ્યું અને ભારપૂર્વક પૂછ્યું “પાસ્ટમાં એવી કોઈ ઘટના એની જોડે ઘટી’તી કે...જેની એનાં મન ઉપર ખરાબ અસર થઈ હોય.....!”

ડો. વેદ સહિત અંકિતા અને બીજાં ફ્રેન્ડ્સ પણ હવે સુભદ્રાબેન સામે જોઈ રહ્યાં.

સુભદ્રાબેન હજીપણ ડો.વેદની ડેસ્ક ઉપર પડેલી વસ્તુઓ સામે તાકી રહ્યાં હતાં.

“ટ્રસ્ટ મી....! આઈ એમ એ ડૉક્ટર.....!” લાકડાંનાં એક નાનાં ચોરસ પેનસ્ટેન્ડની ઉપર લખેલું લખાણ સુભદ્રાબેન મનમાં વાંચી બબડી રહ્યાં.

“ટ્રસ્ટ.....!” સુભદ્રાબેન બબડયાં.

“શું...!?” ડો.વેદે મૂંઝાઇને પૂછ્યું.

“એણે જ્યારે-જ્યારે કોઈની ઉપર ટ્રસ્ટ કર્યો છે....! ત્યારે-ત્યારે એ વ્યક્તિએ એનો ટ્રસ્ટ તોડ્યો છે....!” સુભદ્રાબેન પોતાનો સ્વર સ્વસ્થ કરતાં બોલ્યાં “અને જ્યારે-જ્યારે એનો ટ્રસ્ટ તૂટતો...! એ દરવખતે એ અગાઉ કરતાં વધુ બેફામ થતી ગઈ....!

....કોઈવાર એવું પણ થયું છે...! કે જેની ઉપર એ ટ્રસ્ટ કરતી ...! એ એને છોડીને જતું રહ્યું હોય...! ત્યારે પણ એ હર્ટ થઈ છે...!”

“સૌથી પે’લ્લી ઘટના યાદ છે તમને....!?” ડો.વેદે શાંત સ્વરમાં પૂછ્યું.

સુભદ્રાબેનની આંખમાંથી આંસુ સરીને નીચે પડવાં લાગ્યાં. તેઓ ફરીવાર શૂન્યમનસ્ક તાકી રહ્યાં.

“દસમાં ધોરણમાં હતી એ.....!” થોડીવાર મૌન રહ્યાં બાદ છેવટે સુભદ્રાબેન દદડતી આંખે માંડ બોલ્યાં “એનાં ક....કાકા.......કાકાએ....!”

બોલતાં-બોલતાં સુભદ્રાબેન છેવટે ભાંગી પડ્યાં અને પોતાનું મોઢું હથેળીઓમાં સંતાડીને રડી પડ્યાં.

કામ્યાની આંખ ભીંજાઈ ગઈ અને તેનું મોઢું દબાવી દીધું.

“આન્ટી.....!” સુભદ્રાબેનની પીઠ ઉપર હાથ મૂકીને અંકિતા પણ રડી પડી.

------


“આન્ટી.....! એવું હોય તો તમે ઘરે જઈને થોડાં ફ્રેશ થાવ……!” હોસ્પિટલમાં લાવણ્યાનાં રૂમની સામે લાકડાંની બેઠક ઉપર કોણીનાં ટેકે માથું ટેકવીને બેઠેલાં સુભદ્રાબેનને અંકિતાએ જોડે બેસતાં કહ્યું “અમે બધાં અહિયાંજ છીએ....!”

રાતનાં લગભગ સાડાં અગિયાર થવાં આવ્યાં હતાં.

“લાવણ્યા જાગે પછીજ જઈશ....!” સુભદ્રાબેન રૂમના દરવાજા સામે જોઈ રહીને બોલ્યાં.

અંકિતા બે ઘડી તેમનાં ચેહરા સામે જોઈ રહી પછી જોડે ઊભેલી કામ્યા સામે જોવાં લાગી. સુભદ્રાબેનના ચેહરાના ભાવો જોઈને એ સ્પષ્ટ લાગતું હતું કે તેઓ અંકિતાની વાત માનવાનાં નહોતાં. અંકિતા પણ છેવટે પોતાનું માથું આંખો બેઠકની પાછળની દીવાલે ટેકવીને બેઠી.

“લાવણ્યા....!” થોડીવાર પછી કોરિડોરમાં જમણીબાજુથી અવાજ આવ્યો.

અંકિતાએ પોતાની આંખો ખોલીને એ તરફ જોયું. બાકીનાં બધાંએ પણ એક સાથે એ બાજુ જોયું.

એ સિદ્ધાર્થ હતો. જે તેમની તરફ આવી રહ્યો હતો.

“લાવણ્યા ક્યાં છે...!?” સિદ્ધાર્થે તેમની નજીક આવતાંવેંતજ બધાં સામે એક નજર નાંખીને પૂછ્યું.

તેણે હજીપણ યૂથ ફેસ્ટિવલવાળાં બ્લેક ચાઇનીઝ કોલરવાળો શર્ટ અને ખાખી કાર્ગો પેન્ટમાં હતો.

સિદ્ધાર્થની નજર હવે સુભદ્રાબેન તરફ પડી. સિદ્ધાર્થને જોતાંજ તેમની આંખ ફરીવાર ભીંજાઈ ગઈ. તેમને જોઈને સિદ્ધાર્થની નજર પણ ભીની થઈ.

“તું અહિયાં શું કામ આયો....!?” સિદ્ધાર્થની હાજરીથી ચિડાઈ ગયેલી અંકિતા તરતજ ઊભી થઈ અને ગુસ્સેથી મોટાં સ્વરમાં બોલતાં-બોલતાં તેની તરફ ધસી ગઈ.

“અરે તું બૂમો શું કામ પાડે છે....!? આ હોસ્પિટલ છે....!” સિદ્ધાર્થ કઈં બોલે પહેલાંજ કામ્યા તેનો બચાવ કરતી હોય સિદ્ધાર્થની જોડે આવીને વચ્ચે બોલી “મેં જ એને ફોન કરીને કીધું....!”

“મેં નાં પાડી’તી તો પણ તે શું કામ...!”

“અંકિતા....!” ઊંચા સ્વરમાં કામ્યાને બોલી રહેલી અંકિતાને સિદ્ધાર્થે હાથ કરીને વચ્ચે ટોકી “હું લાવણ્યાને મલ્યાં વગર નઈ જાઉં.....!”

કઠોર ચેહરે અને સપાટ સ્વરમાં સિદ્ધાર્થે કહી દેતાં અંકિતા સ્તબ્ધ થઈને બે ઘડી તેની સામે જોઈ રહી.

“તારાં લીધેજ બધું થયું છે....!” એટલું બોલતાં-બોલતાંજ અંકિતા ભાંગી પડી અને રડીને સિદ્ધાર્થની ચેસ્ટ ઉપર માથું મૂકી દીધું.

“અંકિતા.... શાંત થા...!” સિદ્ધાર્થની જોડે ઊભેલી કામ્યાએ અંકિતાની પીઠ પસવારી.

“એ....ચાલતાં-ચ....ચાલતાં....બેભાન થઈ ગઈ’તી....!” સિદ્ધાર્થની ચેસ્ટ ઉપર માથું મૂકી રાખીને અંકિતા ડૂસકાં ભરતી-ભરતી બબડાટ કરવાં લાગી.

સિદ્ધાર્થ, પ્રેમ અને કામ્યાએ માંડ-માંડ અંકિતાને શાંત કરાવી.

અંકિતા શાંત થતાં સિદ્ધાર્થ હળવેથી સુભદ્રાબેનની જોડે બેઠો. સુભદ્રાબેન કઈંપણ બોલ્યાં વગર એમજ મૌન બેસી રહ્યાં હતાં. થોડીવાર સુધી સિદ્ધાર્થે કઈંપણ બોલ્યાં વગર સુભદ્રાબેન સામે જોયે રાખ્યું પછી એ પણ લાવણ્યાના રૂમના દરવાજા સામે તાકી રહ્યો.

------

“Schizophrenia....!” ઘણો સમય મૌન રહ્યાં પછી સુભદ્રાબેન છેવટે શૂન્યમનસ્ક જોઈ રહીને ભીની આંખે બોલ્યાં.

સુભદ્રાબેનનો અવાજ સાંભળી તેમની જોડે બેઠલાં સિદ્ધાર્થ સહિત આજુબાજુ ઉભેલા અંકિતા, કામ્યા, પ્રેમ, વિવાન અને રોનકે પણ તેમની સામે જોયું.

“ડોક્ટરે કહ્યું કે એને Schizophrenia છે....!” ડોક્ટર વેદ સાથે થયેલી વાતચીત યાદ કરીને સુભદ્રાબેન બોલવાં લાગ્યાં.

“Schizophrenia” શબ્દ સાંભળીને સિદ્ધાર્થ પરેશાન ચેહરે સુભદ્રાબેન સામે જોઈ રહ્યો.

“ડિપ્રેશન.....! એંન્ગ્ઝાઈટી.....! પેનિક એટેક્સ....!” એટલું બોલીને સુભદ્રાબેન થોડીવાર અટક્યાં અને દરવાજા સામે તાકી રહ્યાં.

“એટ્લેજ એનું બિહેવિયર એવું થઈ જાય છે....!” સુભદ્રાબેન ગળગળા સ્વરમાં આગળ બોલવા લાગ્યાં “બાળકો જેવું....! જાણે કોઈ....કોઈ તને એનાંથી છીનવી લેશે....!”

સિદ્ધાર્થ સામે જોઈને સુભદ્રાબેન રડી પડ્યાં અને સિદ્ધાર્થના ખભે માથું ઢાળી દીધું.

સિદ્ધાર્થ સહિત બાકીના બધાંની આંખ પણ ભીંજાઈ ગઈ.

“મ્મ...મારી એકની એક છોકરી છે.....!” ડૂસકાં ભરતાં-ભરતાં સુભદ્રાબેન માંડ-માંડ બોલ્યાં.

“આન્ટી....! શ....શાંત થઈજાઓ.....!” સુભદ્રાબેનની પીઠ ઉપર હાથ મૂકીને અંકિતા તેમની બીજી બાજુ બેસતાં બોલી “એને કઈં નઈ થાય.....!”

થોડીવાર પછી છેવટે સુભદ્રાબેન શાંત થયાં.
-----


“તમારે અંદર જવું હોયતો જાવ....! બેન ભાનમાં આવી ગ્યાં છે....!” અડધો કલ્લાક પછી એક નર્સે લાવણ્યાના રૂમમાંથી બહાર આવતાંજ કહ્યું અને પછી કોરિડોરમાં બીજાં રૂમ તરફ જવાં લાગી.

નર્સે જેવું અંદર જવાની પરમીશન આપી કે તરતજ દીવાલના ટેકે ઉભેલો પ્રેમ ઉતાવળે દરવાજો ખોલીને અંદર જવાં લાગ્યો. તેની પાછળ કામ્યા, ત્રિશા અને વિવાન પણ જવાં લાગ્યાં. સિદ્ધાર્થ, અંકિતા અને સુભદ્રાબેન પણ સફાળાં ઊભાં થઈ ગયાં અને રૂમમાં બધાંની પાછળ જવાં લાગ્યાં.

“સિદ્ધાર્થ.....!” બધાં અંદર જઈજ રહ્યાં હતાં ત્યાંજ કોરિડોરમાં કોઈનો અવાજ સંભળાયો.

બધાંએ અવાજની દિશામાં જોયું. એ નેહા હતી જે તેમની તરફ આવી રહી હતી.

“તું અહિયાં શું કામ આવી...!?” નેહા નજીક આવી જતાં સિદ્ધાર્થે સહેજ ચિડાઈને પૂછ્યું.

“જો નેહા....! હોસ્પિટલમાં કોઈ બબાલ નાં જોઈએ....!” અંકિતાએ ચેતવણી ઉચ્ચારતી હોય એમ નેહા સામે આંગળી ચીંધીને બોલી.

“હું કોઈ બબાલ કરવાં નથી આવી...!” નેહા શાંત સ્વરમાં બોલી.

“તો શેના માટે આઈ છું....!?” અંકિતા હવે વધુ અકળાઈ.


“ખસો....! મને અંદર જવાંદો....!” સુભદ્રાબેન બધાંની વચ્ચેથી જગ્યા કરીને રૂમનો દરવાજો ખોલી અંદર જવાં લાગ્યાં.

“જો તું...!”

“અંકિતા....!” પ્રેમ અંકિતાને ટોકીને બોલ્યો “છોડ અવે....! એણે કીધુંને એ બબાલ કરવાં નથી આઈ....! ચાલ અંદર અવે...!”

કેટલીક ક્ષણો સુધી નેહા સામે કતરાઈને જોઈ રહ્યાં બાદ અંકિતા પણ દરવાજો હડસેલીને અંદર દાખલ થઈ. વારાફરતી બધાં અંદર દાખલ થવાં લાગ્યાં. સિદ્ધાર્થે નેહાનું બાવડું પકડીને ખેંચ્યું અને તેણીને રૂમમાં પ્રવેશતાં રોકી.

-----


“કેવું છે તને....!?” પ્રેમે રૂમનો દરવાજો બંધ કરતાંજ બેડમાં બેઠેલી લાવણ્યાને પૂછ્યું.

બધાં અંદર દાખલ થયાં ત્યારે લાવણ્યાનાં મમ્મીએ તેણીને બેડફોલ્ડ કરીને બેડનાં ટેકે બેઠી હતી.

“સારું છે....!” લાવણ્યાએ ઔપચારિક સ્મિત કર્યું અને દરવાજા તરફ તાકી રહી.

સુભદ્રાબેન લાવણ્યાનાં બેડની જોડે સ્ટૂલ ઉપર બેઠાં હતાં. અંકિતા સિવાય કામ્યા, ત્રિશા, પ્રેમ અને વિવાન સુભદ્રાબેનની પાછળ ઊભાં રહ્યાં.

વારાફરતી બધાંએ લાવણ્યાની ખબર પૂછવાની ઔપચારિકતા નિભાવી લીધી.

“લાવણ્યા....! શું થયું’તું....!?” અંકિતાએ બેડમાં લાવણ્યાનાં પગ જોડે બેસતાં કહ્યું.

ત્યાંજ રૂમનો દરવાજો ફરીવાર ખૂલ્યો અને પહેલાં નેહા અંદર દાખલ થઈ.

લાવણ્યાએ નેહાને કોઈજ હાવભાવ વિના જોયે રાખ્યું. બધાંએ પહેલાં નેહા સામે જોયું પછી લાવણ્યા સામે જોયું. નેહા હવે ચાલતી-ચાલતી લાવણ્યાની ડાબી તરફ આવીને ઊભી રહેવાં ગઈ.

“આરવ કરણસિંહ રાજપૂત.....!” લાવણ્યાની નજર નેહા ઉપર પડતાં તેનાં કાનમાં નેહાનાં શબ્દો ગુંજવાં લાગ્યાં “સિદ્ધાર્થ.......કરણસિંહ....રાજપૂત......! રાજપૂત....!”

“આ મારો રિવેન્જ હતો.....! રિવેન્જ હતો” નેહાનાં શબ્દોનાં લાવણ્યાનાં મનમાં પડઘા પડવા લાગ્યાં.

લાવણ્યાને સમજાઈ ગયું હતું કે નેહાએ તેની સાથે આ બધુ શા માટે કર્યું.

નેહા કઈંક બોલવાજ જતી હતી ત્યાંજ રૂમનો દરવાજો ફરી એકવાર ખૂલ્યો અને સિદ્ધાર્થ અંદર દાખલ થયો. તે દરવાજા પાસેજ ઊભો રહ્યો. હાઈડ્રોલીક સ્ટોપર ધરાવતો દરવાજો આપમેળે ધીરે-ધીરે બંધ થવાં લાગ્યો.

દરવાજો બંધ થયાં પછી સિદ્ધાર્થે તેનાં બંને હાથ પોતાનાં કાર્ગો પેન્ટનાં ખીસ્સાંમાં પરોવ્યાં. બધાં હવે સિદ્ધાર્થ સામે જોઈ રહ્યાં. લાવણ્યા પણ સિદ્ધાર્થ સામે જોઈ રહી.


એજ ખાખી કાર્ગો પેન્ટ, એજ ચાઇનીઝ કોલરવાળો બ્લેક શર્ટ. લાવણ્યાને ધીરે-ધીરે હવે એ રાત યાદ આવવાં લાગી.

“ઝીક્ર તુમ્હારા.... જબ જબ હોતાં હૈ....!

દેખોના આંખોસે ભીગા ભીગા પ્યાર.......બેહ જાતા હૈ....!

સામે ઉભેલાં સિદ્ધાર્થનાં ચેહરામાં લાવણ્યાને હવે આરવનો ચેહરો દેખાવાં લાગ્યો.

આરવ સાથેની એ છેલ્લી મુલાકાત યાદ આવી જતાં લાવણ્યાની આંખો વહેવાં લાગી. વહેતી આંખે તે સિદ્ધાર્થ સામે જોઈ રહી.

“તેરાંઆ..... ચેહરાઆ....જબ નઝર આયે....!

તેરાંઆ..... ચેહરાઆ....જબ નઝર આયે....!”

“મ્મ....મારોજ વાંક હતો.....!” સિદ્ધાર્થ સામે વહેતી આંખે જોઈ રહીને લાવણ્યા બોલી અને “મારોજ વાંક હતો....! એની જ....જોડે જે થયું....! એમાં મારોજ વ....વાંક હતો.....!”

“હેં ….શું....!? શેનો વાંક હતો....!?” પગ પાસે બેઠેલી અંકિતાએ મૂંઝાઈને પૂછ્યું “કોની જોડે...!? શું થયું...!? શેની વાત કરે છે તું....!?”

“આરવ.....! મારોજ વાંક હતો...!” લાવણ્યા માંડ પોતાનો સ્વર સ્વસ્થ કરતાં-કરતાં એ રાત્રે ઘટેલી એ ઘટના વિષે કહેવાં લાગી “એ રાતે........!”

------


એ રાત્રે......!

આરવે સોંન્ગ ગાઈ લીધાં પછી ફરીવાર ફૂડ ટ્રક પાર્કમાં હાજર પબ્લિકે ચિચિયારીઓ વડે તેને વધાવી લીધો. વિશાલની બર્થડે પાર્ટીની ભીડમાં હાજર લાવણ્યા અને અન્ય ફ્રેન્ડ્સે પણ તાળીઓ પાડી ચીયર કર્યું. બધાંનું અભિવાદન ઝીલી આરવ ગિટાર લઈને સ્ટેજ ઉપરથી નીચે ઉતરવા લાગ્યો.

આરવને સ્ટેજ ઉપરથી નીચે ઊતરતો જોઈને લાવણ્યા પણ સ્ટેજ તરફ જવાં લાગી. સ્ટેજની બાજુમાં બનેલાં ગેટમાંથી આરવને પાર્કિંગ તરફ જતો લાવણ્યાએ જોયો અને લાવણ્યા પણ ઉતાવળાં પગલે એ ગેટ તરફ ચાલવા લાગી. ફૂડ ટ્રક પાર્કમાં ભીડ વધુ હોવાથી લાવણ્યા ભીડ વચ્ચેથી સાચવીને ગેટ સુધી પહોંચી ગઈ.

ખુલ્લાં પ્લોટમાં બનેલાં પાર્કિંગમાં પાર્ક કરેલી કાર અને અન્ય વ્હીકલની વચ્ચેથી લાવણ્યાએ આરવને જતો જોયો.

“આરવ....!” લાવણ્યાએ બૂમ પાડી અને આરવની પાછળ દોડી.

“આરવ....! ઊભો રે’…. પ્લીઝ...!” આરવ હવે તેનાં બાઇક પાસે પહોંચી ગયો હતો અને તેનાં ગિટારને બાઇકની પાછલી સીટની એકબાજુ બનાવેલાં સ્ટેન્ડમાં ભરાવી રહ્યો હતો.

“મારી વાત તો સાંભળ....!” દર વખતની જેમ આજે પણ આરવ તેની જોડે વાત કર્યા વિના જતો રેહશે એ બીકે લાવણ્યા સહેજ વધુ ઝડપે દોડી અને તેની પાસે પહોંચી ગઈ.


“આરવ...! આરવ...!” આરવનાં બાઇક જોડે પહોંચી જઈને લાવણ્યા દયામણા સ્વરમાં બોલવા લાગી.

“આવાં ચ...ચાઈનીઝ કોલરવાળાં બ્લેક શર્ટમાં ...તું....મ્મ મસ્ત લાગે છે...!” તેનાં ગિટારને બાઇકનાં હૂકમાં વ્યવસ્થિત બાંધી રહેલાં આરવને જોઈને લાવણ્યા તેની જોડે વાત કરવાં મથી રહી.

ગિટાર બાંધી રહેલો આરવ હજીપણ લાવણ્યા સામે નો’તો જોઈ રહ્યો. લાવણ્યાનું મન ભરાઈ આવ્યું. તેણીની આંખમાં પાણી આવી ગયું.

“બ.....બવ મસ્ત ગાયું’ તે હની....!” નારાજ આરવને મનાવાંનાં સૂરમાં ભીની આંખે લાવણ્યા ગળગળા સ્વરમાં બોલી.

લાવણ્યા સામે જોયાં વિનાજ આરવે ગિટાર બાંધીને બાઈકનાં ઇગ્નિશનમાં ચાવી ભરાવાં માંડી. આરવને બાઈકમાં ચાવી ભરાવતો જોઈને લાવણ્યાનો જીવ અદ્ધર થવાં લાગ્યો.

કોઈ પ્રતીભાવ આપ્યાં વિના આરવ આડું જોઈ રહ્યો. લાવણ્યા આરવની સહેજ વધું નજીક સરકી.

“હે ભગવાન....!” કઈંક જાણીતી વિચિત્ર સ્મેલ આવતાં લાવણ્યા ચોંકી ગઈ “ત...તે....ડ્રિંક કર્યું છે...!? હાય...હાય...તું....તું ડ્રિંક કરતો ક્યારથી થઈ ગ્યો...!?”

લાવણ્યાનાં ધબકારા વધી ગયાં. તે જાણે હાંફી રહી હોય એમ તેનાં ઉરજોની ગતિ વધી ગઈ.

“બ...બોલને....! તે ક....ક્યારથી ડ્રિંક કરવાનું ચાલું કરી દીધું....!?” લાવણ્યાએ ફરીવાર એજરીતે ઈમોશનલ સ્વરમાં પૂછ્યું.

આરવ તેમ છતાંપણ કશું બોલ્યાં વગર આડું જોઈ રહ્યો.

“મ્મ...મારી સાથે વ..વાત તો કર…..!” રડુંરડું થઈ ગયેલી લાવણ્યાએ આરવનાં ગાલે હાથ મૂકવા ગઈ “પ્લીઝ...!”

“તું મારી ફીલિંગ્સ નઈ સમજે....!” લાવણ્યાનો હાથ અટકાવી આરવ દર્દભર્યા સ્વરમાં તેણી સામે જોઈને બોલ્યો પછી માથું ધૂણાવવા લાગ્યો.

“હું....હું....સમજું છું....!” રઘવાઈ થયેલી લાવણ્યા આરવની વધું નજીક આવી.

“સમજતી હોત....તો તું અહિયાં પાર્ટીમાં ના આઈ હોત....!” આરવ વેધક સ્વરમાં પણ ઢીલા ચેહરે બોલ્યો.

“આરવ....! પ્લીઝ....! મને ખબર છે તને કેવું ફીલ થાય છે....! હું...!”

“ખરેખર....!?” આરવ ટોંન્ટમાં બોલ્યો “તું ખરેખર સમજે છે....!? બોલ....!? તને બીજાં ફાલતું છોકરાંઓ સાથે જતાં જોઈને મને શું ફીલ થાય છે.... એ તું ખરેખર સમજે છે...!? બોલ...!?”

તને ખબર છે.....જ્યારે ના પાડવાં છતાં તું પાર્થ સાથે ગઈ’તી.....નવરાત્રિમાં.....! મને શું ફીલ થતું’તું....!? બોલ...!?”


લાવણ્યા સામે જોઈ રહીને આરવ થોડું અટક્યો પછી આગળ બોલ્યો-

એક સેકંડ માટે પણ ઝપ નો’તી વળતી મને....! તું એની જોડે ક્યાં ગઈ હોઈશ....? શું કરતી હોઈશ...!? તમે ફિઝિકલ થઈ ગયાં હશો કે નઈ....!? ના થયાં હોવ તો સારું...! બસ એજ પ્રાથના કરતો રે’તો તો હું કારમાં બેઠો બેઠો...! તું એ લોકો જોડે જ્યાં પણ જતી...! હું ત્યાં તારી પાછળ-પાછળ આવતો...! અને કલ્લાકો સુધી તારી રાહ જોતાં-જોતાં બેસી રહેતો...!”

આરવની આંખ ભીંજાઈ ગઈ.

“ત....તને કોઈ આઇડિયા નથી લાવણ્યા...! તને બીજાં છોકરાંઓ સાથે જતાં જોઈને મને જે ફીલિંગ્સ આવે છે એ કેટલી ગંદી છે...! એ એક-એક સેકંડ જ્યારે તું નજર સામે નથી હોતી....! ત્યારે બસ એવુંજ લાગ્યાં કરે છે...કે...કે. ...તું એ લોકો જોડેજ હોઈશ...! યા તો પાર્થ જોડે..કે પછી વિશાલ કે પછી બ....બીજાં કોઈ જોડે...!

...એ તારી જોડે શું કરતો હશે...!? તને..ક....ક્યાં...ક્યાં...અડતો હશે...!?” આરવનું મ્હોં સંકોચાઈ ગયું અને તેનો સ્વર ધ્રુજી ગયો “બઉ ગંદી ફીલિંગ છે લાવણ્યા...! તારાં વિષે એ બધું ઈમેજીન કરવાની...! એ બધું વિચારવાની...! બઉજ ગંદી...!”

આરવની આંખમાંથી પાણી વહેવાં લાગ્યું. લાવણ્યાને આરવ ઉપર દયા આવી જતાં તે પણ રડી પડી.

“આરવ...! પ્લીઝ....! શાંતથા હની....!” આરવના ગાલે વ્હાલથી હાથ મૂકી લાવણ્યા બોલી.

“તું ટ્રસ્ટની વાત કરે છે ને....!?” આરવે લાવણ્યાની સામે જોઈ રહીને પૂછ્યું.

“મારાં શરીર અને આત્માના જાણે ત્રણ ભાગ પડી ગયાં છે લાવણ્યા ......” લાવણ્યાના બાવડાં પકડીને આરવ તેની ભીની આંખો લાવણ્યાની આંખોમાં પરોવીને બોલ્યો “એક ભાગ એ છે....! જેને તારી ઉપર સહેજપણ ટ્રસ્ટ નથી...! જે એવુંજ કે’છે કે..તું...તું...”એવીજ” છે...! જેવી બધાં કે’છે....! બીજો ભાગ જે તારી ઉપર ટ્રસ્ટ કરે છે...! કે પછી ટ્રસ્ટ કરવાં માંગે છે...! એ ભાગ એવું કે’છે કે...તું એવી નથી...!”

લાવણ્યા શરમથી નીચું જોઈ ગઈ. આરવ તેણીનાં બાવડાં પકડી રાખીને આગળ બોલ્યો.

“અને ત્રીજો ભાગ....! આ એ ભાગ છે...! જે તને અનહદ પ્રેમ કરે છે લાવણ્યા....! હાં લાવણ્યા....! અને એ ત્રીજો ભાગ... પહેલાં બે’ની વચ્ચે ફસાઈ ગ્યો છે...! અને....હવે એ “હા” અને “ના” ની એ ફીલિંગમાંથી બહાર નીકળવા માગે છે, જો તું એવી ના હોય...તો પણ....અને....જ.. જો ...ત.....તું એવી હોય તો પણ....!એકવાર બસ...એકવાર તને એ લોકોની સાથે નજરો નજર જોઈ લઉં....એ દ્રશ્ય જોઈ લઉં...! એટ્લે બસ...! પૂરું...!”

“આરવ...! પ્લીઝ...!” રડી રહેલી લાવણ્યાએ તેણીની આંખો મીંચી દીધી

“જાણું છું... એ દ્રશ્ય જોવું બઉ અઘરું હશે...!” લાવણ્યાથી છેટાં ખસી આરવ આગળ બોલ્યો “પ... પણ...બસ એક વાર એ જોવાઈ જાય...એટ્લે બધાં જવાબો મળી જાય... એ કન્ફર્મ થઈ જાય ...કે ...કે તું “એવીજ” છે.....પછી તારાંથી નફરત થઈ જશે અને ....અને તારાંથી દૂર થઈ જવું આસાન થઈ જશે...મારે બસ ....બસ એ જવાબ જોઈએ....! જવાબ જોઈએ....!”

“ઓહ..આરવ....! હની...! મેં તને કીધું’તુંને...! કે તું મારી ટાઈપનો નથી....!”

“કેમ નથી...!? બોલ...! કેમ નથી...!?” આરવ વધુ ભાવુક થઈને બોલ્યો “તે ફક્ત બે દિવસમાં યશ જેવાં એક ફાલતું અજાણ્યાં છોકરાંને તારો બોયફ્રેન્ડ બનાવી લીધો...! અને એની જોડે ફાર્મ હાઉસ ઉપર લેટ નાઈટ પાર્ટીમાં પણ જઈ આવી...! અને તારો આ મહિનાઓ જૂનો બેસ્ટફ્રેન્ડ..! તારો બોયફ્રેન્ડ નાં બની શક્યો..! કેમ...!? બોલ..! આવું કેવું લાવણ્યા...!?”

આરવે ફરીવાર નજીક આવી લાવણ્યાના બાવડાં પકડી લીધાં.

“શું મારે પણ એ લોકોની જેમજ બિહેવ કરવું પડશે તારી જોડે..!? તને મોંઘી ગિફ્ટ્સ આપવાની....!? તારી ખુશામત કરવાની...!? તને જાહેરમાં અડપલાં કરવાનાં.... એવું બધું..? ....બોલ...!? બોલ લાવણ્યા...!?”

એક ઝટકા સાથે લાવણ્યાને છોડીને આરવ સહેજ પાછો ખસ્યો અને બોલ્યો -

“મોંઘા ગિફ્ટ્સ આપીને કે વસ્તુઓ આપીને પ્રેમ થોડો ખરીદી શકાય...!?

.....જો પૈસાં ખર્ચીને તારો પ્રેમ ખરીદી શકાતો હોત...તો આખી કોલેજમાં તારા પ્રેમની સૌથી ઊંચી “બોલી” લગાવનારો હું જ હોત લાવણ્યા...! હું જ હોત....!”

.....કોઈના માટે બદલાવું કે નઈ....! અને કોના માટે બદલાવું....! એ દરેકની પોતાની ચોઈસ હોય છે...! તું મારા માટે નોતી બદલાવા માંગતી..! એટ્લે મેં તારા માટે બદલાઈ જવાનો ટ્રાય કર્યો...!

.....તને “તમે” માંથી “તું” કહેવાનું શિખતા-શિખતા મારે મહિનાઓ નીકળી ગયા...! પણ આ બધાં સમય દરમિયાન તારો પ્રેમ કેમનો જીતવો...! બસ એજ જાણે મારુ મિશન હતું...!”

બંને વચ્ચે થોડીવાર મૌન પથરાઈ ગયું. આરવે જાણે તેનું આખું હ્રદય લાવણ્યા સામે ઠાલવી દીધું. રડી રહેલો આરવ પોતાનાં આંસુ છૂપવા આડું જોઈ રહ્યો.

“આરવ...! મેં તને કીધુંતુંને...!” થોડીવાર પછી લાવણ્યા આરવની નજીક જતાં બોલી “કે છોકરાં-છોકરીની ફ્રેન્ડશીપમાં એક ડગલું વધો...તો પ્રેમ થઈ જાય....! અને એક ડગલું પાછળ ખસો તો..તો..ફ્રેન્ડશિપ તૂટી જાય....!”

.....તું એક નહીં....ઘણાં ડગલાં આગળ વધી ગયો....! ઘણાં ડગલાં આગળ વધી ગયો..!”

....તું મારાં માટે મારો સૌથી બેસ્ટ ફ્રેન્ડ હતો...! તું....!

“તારાં પ્રેમમાં તો હું ત્યારેજ પડી ગ્યો’તો....જ્યારે તને મેં પે’લ્લીવાર જોઈ’તી…!” લાવણ્યાને ટોકીને આરવ વચ્ચે બોલ્યો “જ્યારે તે મારી જોડે એચ એલ જવાં માટે લિફ્ટ માંગી’તી...!”

લાવણ્યાને એ દિવસ યાદ આવી જતાં તે દયામણી નજરે આરવ સામે જોઈ રહી.

“અને રઈ વાત બેસ્ટફ્રેન્ડની...!?” આરવ થોડો ઉગ્ર સ્વરમાં બોલ્યો “તો...તો.. તું મને લવ નો’તી કરતી....! પણ હુંતો તને કરું છુંને....! તું તો મને બેસ્ટફ્રેન્ડ માને છે ને....!? તો..તું તારા બેસ્ટફ્રેન્ડને હર્ટ થાય એવું બિહેવ કેમની કરી શકે..!? બીજા બધાં ફાલતુ છોકરાઓ માટે....તું તારાં બેસ્ટફ્રેન્ડને કેમની હર્ટ કરી શકે....!? તારા આ બેસ્ટફ્રેન્ડને હર્ટ થાય એ ચાલે...!? બોલ....!?”


“આરવ....! પ્લીઝ....શાંત થા હની..!” આરવના ગાલે હાથ મૂકવા લાવણ્યાએ ફરીવાર તેનો હાથ લંબાવ્યો.

“તું નઈ સમજે લાવણ્યા.....! તું નઈ સમજે....!” આરવની આંખમાંથી ફરીવાર આંસુ વહીને નીચે પડ્યાં “તું નઈ સમજે...!”

“આરવ...! મારી..વાત...!”

લાવણ્યા કંઈ બોલે એ પહેલાંજ આરવે ઝડપથી તેનાં બાઈક ઉપર બેસીને ચાવી ફેરવી સેલ મારી દીધો.

“આરવ...! આરવ....ઉભો’રે..મારી વ...વાત સાંભળ...!” બાઈક રીવર્સમાં પાછું લઈ રહેલાં આરવને લાવણ્યા રોકવા મથી રહી.

બાઈક પાછું લઈને આરવે બાઈકનું મોઢું પાર્કિંગના બીજાં ગેટ બાજું ફેરવ્યું.

“આર.....આરવ...મારી વાત સાંભળને....આ રીતે ગુસ્સામાં ન...નાં જઈશને...પ્લીઝ...!” લાવણ્યા કરગરવા લાગી.

“હું તને એ લોકો સાથે નઈ જોઈ શકતો....! મારાંથી આ ટોર્ચર સહન નથી થતું...!” આરવે તેનો સ્વર સખત કરતાં ભીની આંખે કહ્યું “મારે બસ જવાબ જોઈએ લાવણ્યા....! મારે બસ જવાબ જોઈએ...!”

“નઈ...નઈ...નઈ..ઉભો રે’....આરવ....પ્લીઝ...! મારી વાત સાંભળ...!” ગભરાયેલી લાવણ્યા સ્ટીંઅરિંગ ઉપર મૂકેલાં આરવના હાથને પકડીને તેને રોકવા મથી રહી.

આરવે બાઇકનો ક્લચ છોડી એક્સીલેટર ફેરવી દીધું અને બાઈક પાર્કિંગના ગેટ તરફ મારી મુક્યું.

“આરવ....! પ્લીઝ....!” બુમો પાડતી લાવણ્યા બાઈકની પાછળ થોડું દોડીને અટકી ગઈ અને મોટેથી રડી પડી “હે ભગવાન.....! આ છોકરો....!”

ગભરાઈ ગયેલી લાવણ્યાએ તેનાં મોબાઈલમાંથી આરવનો નંબર ડાયલ કરવાં માંડ્યો.

“ટ્રીન...ટ્રીન...ટ્રીન...!” આખી રીંગ વાગી જવાં છતાં આરવે ફોન ના ઉઠાવ્યો.

“પ્લીઝ ફોન ઉપાડ....! પ્લીઝ...હની...!” એકલાં-એકલાં બબડતાં લાવણ્યાએ ફરીવાર આરવનો નંબર ડાયલ કર્યો.

ફરીવાર આખી રીંગ વાગી જવાં છતાં આરવે ફોન ના ઉપાડ્યો.

પાર્કિંગમાં ત્યાંજ ઉભાં-ઉભાં લાવણ્યાએ લગભગ વીસેકથી વધુ વખત આરવને ફોન કર્યો, પણ આરવે એકેયવાર ફોન ના ઉપાડ્યો.

છેવટે લાવણ્યા ત્યાંજ ઉભી-ઉભી રડતી રહી અને આરવના જતાં રહ્યાં બાદ ત્યાં તેનાં બાઈકને લીધે પાર્કિંગમાં ઊડતી ધૂળને જમીન ઉપર પાછી બેસતાં ભીની આંખે ક્યાંય સુધી તાકતી રહી.

**


“તું એ લોકો જોડે જ્યાં પણ જતી...! હું ત્યાં તારી પાછળ-પાછળ આવતો...! અને કલ્લાકો સુધી તારી રાહ જોતાં-જોતાં બેસી રહેતો...!”

લાવણ્યાના મનમાં આરવનાં શબ્દોના પડઘાં પડી રહ્યાં હતાં.

આરવના ગયાં પછી લગભગ અડધો કલ્લાક પછી ફૂડ ટ્રક પાર્કનાં પાર્કિંગમાંથી નીકળીને લાવણ્યા હવે પોતાનાં ઘરે જવાં માટે પાર્કિંગમાંથી ચાલતી-ચાલતી મેઈન રોડ તરફ જઈ રહી હતી. પાર્ટીમાં હાજર ફ્રેન્ડસ તેણીને જોવે અને કંઈ પૂછે એનાં કરતાં તે જે ગેટેથી આરવ ગયો હતો એજ બીજાં ગેટ તરફથી બહાર નીકળીને મેઈન રોડ તરફ જઈ રહી હતી.

“એક સેકંડ માટે પણ ઝપ નો’તી વળતી મને....!” આરવની કહેલી એ દરેક વાત યાદ જાણે વિચારોનાં સુનામી મોજાંની જેમ લાવણ્યાનાં મનને વલોવવા લાગી.

“તું એની જોડે ક્યાં ગઈ હોઈશ....? શું કરતી હોઈશ...!? તમે ફિઝિકલ થઈ ગયાં હશો કે નઈ....!? ના થયાં હોવ તો સારું...! બસ એજ પ્રાથના કરતો રે’તો તો હું કારમાં બેઠો બેઠો...!”

લાવણ્યાની આંખમાંથી ફરીવાર આંસુ વહેવા લાગ્યાં.

“ત....તને કોઈ આઇડિયા નથી લાવણ્યા...! તને બીજાં છોકરાંઓ સાથે જતાં જોઈને મને જે ફીલિંગ્સ આવે છે એ કેટલી ગંદી છે...!

...એ તારી જોડે શું કરતો હશે...!? તને..ક....ક્યાં...ક્યાં...અડતો હશે...!?”

“બઉ ગંદી ફીલિંગ છે લાવણ્યા...! તારાં વિષે એ બધું ઈમેજીન કરવાની...! એ બધું વિચારવાની...! બઉજ ગંદી...!”

એ બોલાતી વખતે આરવનો માસૂમ ચેહરો લાવણ્યાને યાદ આવી ગયો અને તેણીને ડૂસકું ભરાઈ ગયું.

મુખ્ય રોડ ઉપર આવતાં એક ઓટોવાળાને જોઇને લાવણ્યાએ માંડ પોતાનું રડવું રોક્યું અને હાથ કરીને ઓટોવાળાને ઉભો રાખ્યો.

“જોધપુર...!” માંડ એટલું બોલતાં લાવણ્યા ઓટોની પાછલી સીટમાં બેઠી.

ઓટોવાળાએ ઓટો જોધપુર જવાં ચલાવાં માંડી.

ફરીવાર લાવણ્યાનું મન ઝંઝ્વાતી વાવાઝોડાં જેવી આરવની એ ફિલિંગ્સનાં તોફાનમાં ખોવાઈ ગયું.

**

“ટ્રીન....ટ્રીન.....ટ્રીન....!” ઓટો લાવણ્યાની સોસાયટી પહોંચવાજ આવી હતી ત્યાંજ તેણીનો ફોન રણકી ઉઠ્યો.

આરવનાં વિચારોમાં ખોવાયેલી લાવણ્યાએ નીરસ નજરે તેનાં મોબાઈલની સ્ક્રીન સામે જોયું.

“હે ભગવાન....! આરવ...!” સ્ક્રીન ઉપર આરવનો નંબર જોઇને લાવણ્યાએ તરતજ કૉલ રીસીવ કરી લીધો અને ઉચાટભર્યા સ્વરમાં બોલી પડી “હેલ્લો...! આરવ..હની...! તું...!”

“મેડમ...! હું પાલડીથી બોલું છું...!” સામેથી કોઈ અજાણ્યાં પુરુષનો અવાજ આવ્યો.

“ક...કોણ બોલો તમે....!? આ તો આરવનો મોબાઈલ છે...!” ઓટોની સીટમાં બેઠેલી લાવણ્યા ભયથી ધ્રુજી ઉઠી અને મોબાઈલ પોતાનાં કાનમાં થોડો વધુ દબાવ્યો.

“હાં મેડમ....! છેલ્લે આ ફોનમાં તમારાં ઘણાં બધાં કૉલ આવેલાં હતાં એટલેજ અમે તમને ફોન કર્યો છે...!” સામેવાળો એ પુરુષ બોલવાં લાગ્યો.

“અમે...અમે... એટલે....!?” લાવણ્યાના હાથ કાંપવા લાગ્યાં.

“હું પાલડી વીએસ હોસ્પિટલમાંથી બોલું છું....! મેડમ...! આ ફોન જે ભાઈનો છે...! એમનો ..અ....એમનો બઉ ગંભીર અકસ્માત થઇ ગયો છે....!”

“હે ભગવાન....!” લાવણ્યા હતપ્રભ થઈ ગઈ અને ફાટી આંખે શૂન્યમનસ્ક તાકી રહી “આરવ.....!”

**

“આરવ.....! આરવ....!” એક્સિડેંન્ટની ખબર પડતાંજ લાવણ્યા પાલડી સ્થિત વી.એસ હોસ્પિટલમાં આવી પહોંચી હતી.

ઓટો સોસાયટીનાં ગેટ પાસે પહોંચવાં આવીજ હતી, ત્યાંજ હોસ્પિટલથી ફોન આવ્યો હતો. લાવણ્યા એજ ઓટોમાં ઝડપથી હોસ્પિટલ પહોંચી ગઈ હતી.

આરવનાં નામની બૂમો પાડતી-પાડતી લાવણ્યા હોસ્પિટલનાં રિસેપ્શન ટેબલ તરફ ધસી ગઈ.

“આ....આરવ....! આરવ...ક્યાં છે...!?” પોતાનું રડવું માંડ કંટ્રોલ કરી લાવણ્યાએ હોસ્પિટલનાં રિસેપ્શન કાઉન્ટર ઉપર પૂછ્યું.

“કોણ આરવ મેડમ....!? આખું નામ બોલો..!?” રિસેપ્શન કાઉન્ટર ઉપર બેઠેલી સરકારી નર્સ રૂડ સ્વરમાં બોલી.

“આખું ન...નામ...!” લાવણ્યા યાદ કરવાં મથી રહી અને બબડી “નઈ ખબર....! એણે કોઈ દિવસ કીધુંજ નઈ....! મેં...પૂછ્યું પણ નઈ....!”

“ક્યારે એડમિટ કર્યા છે...!?”

“હમણાંજ લાયાં એને....! એકીડેંન્ટ નો કેસ છે...!”

“અચ્છા....! ઈમરજન્સી વૉર્ડમાં જતાં રો’….!” રિસેપ્શનની નર્સે કહ્યું “રૂમ નંબર 31....!”

“થેન્ક યુ....! કઈ બાજુથી જવાનું...!?” લાવણ્યાએ પૂછ્યું.

“સામેથી જમણી બાજુ..!” નર્સે હાથ કરીને રિસેપ્શન ટેબલની સામેની દિશાના કોરિડોર તરફ આંગળી ચીંધી.

લાવણ્યા દોડાદોડ એ કોરિડોર તરફ ભાગી. કોરિડોરમાં બંને બાજુ બનેલાં અનેક રૂમોનાં દરવાજાની ઉપર લાગેલી લંબચોરસ નેમ પ્લેટમાં નામો વાંચતી-વાંચતી લાવણ્યા ઉતાવળા પગલે આગળ જતી હતી.

છેવટે 31 નંબરનાં રૂમ આગળ લાવણ્યા ઊભી રહી. પહેલેથી બેચેન તેનું હ્રદય જોરશોરથી ધડકી ઉઠ્યું.

“હાં....જી બોલો....!?” લાવણ્યા દરવાજો ખોલવા જાય એ પહેલાંજ રૂમમાંથી હોસ્પિટલનો એપ્રન, ગળામાં સ્ટેથોસ્કોપ અને મોઢે માસ્ક પહેરીને એક પુરુષ બહાર આવ્યો અને લાવણ્યાને જોતાંજ બોલ્યો. તેને જોઈને લાવણ્યા સમજી ગઈકે તે કદાચ ડોક્ટર હશે.

“ડ....ડોક્ટર...આ....આરવ.....!” રૂમનાં દરવાજા તરફ આંગળી ચીંધીને લાવણ્યા રોતાં-રોતાં માંડ-માંડ બોલી.

“એમનું ઓપરેશન કરવું પડ્યું...! ઈમરજન્સીમાં....! એમનાં ફેમિલીએ ફોન ઉપર પરમિશન આપી દીધી છે....! એ લોકો આવતાંજ હશે...!”

“હું...હું....અંદર જાઉં...!?” લાવણ્યા આજીજીપૂર્વક બોલી.

“શ્યોર....! પણ એ હજી હમણાંજ ભાનમાં આવ્યાં છે...! થોડું સંભાળજો..!” એટલું કહીને ડોક્ટર ત્યાંથી જતાં રહ્યાં.

કેટલોક સમય દરવાજા સામે ઊભી રહીને લાવણ્યા ધ્રૂજતી રહી. પછી હિમ્મત કરીને દરવાજો હળવેથી ખોલીને રૂમમાં દાખલ થઈ ગઈ.

રૂમમાં દાખલ થતાંજ લાવણ્યાએ આરવને બેડ ફોલ્ડ કરીને સૂતેલો જોયો. તેનાં માથાં અને જમણા હાથ ઉપર પાટો બાંધેલો હતો. તે જાગતો હતો અને આડું જોઈ રહ્યો હતો. લાવણ્યા અંદર દાખલ થતાંજ આરવે તેણી સામે જોયું.

“આરવ.....! હની....!” લાવણ્યા રડી પડી અને તરતજ તેની પાસે દોડી ગઈ.

“લાવણ્યા...તું શું કામ...!?”

“કેટલું બધું વાગ્યું તને …..!?” બેડમાં આરવની જોડે બેસી જઈને લાવણ્યા રડતાં બોલી “હે ભગવાન....!”

આરવના હાથ, માથું વગેરે જોતાં-જોતાં લાવણ્યા બોલવા લાગી.

“તું...તું....અહિયાં શું કામ આઈ....!?” આરવ દયામણા સ્વરમાં બોલ્યો.

“શ....શું કામ આઈ એટ્લે....!? ત...તું મારો બેસ્ટફ્રેન્ડ છે.....! તો...તો...તને કઇંક થાય તો...તો...” ભાવુક થઈ ગયેલી લાવણ્યા માંડ બોલી રહી હતી

“મારી ફેમિલીવાળાં ગમે ત્યારે આવતાં હશે....! તું..પ્લીઝ જતી રે’……!” લાવણ્યાને અટકાવી આરવ વચ્ચે બોલ્યો.

“ક...કેમ.....!? કેમ જતી રઉ...!?” લાવણ્યા દુ:ખી સ્વરમાં બોલી “તારી જોડે જે થયું એ મારાં લીધે થયું....તો..તો...!”

“તારાં લીધે કઈં નઈ થયું...!” લાવણ્યાના ગાલે હાથ મૂકીને આરવ શાંત સ્વરમાં લાવણ્યા સામે જોઈને માથું ધૂણાવતાં બોલ્યો “કઈં નઈ થયું...!”

“આરવ...સોર...!”

“પ્લીઝ લાવણ્યા...! તું જા અહિયાંથી....!” આરવ આજીજીપૂર્વક બોલ્યો.

“પ....પણ....!”

“લાવણ્યા..પ્લીઝ....! તું જા....!”

“આરવ....! સોરી.... હની...! મારો ઇરાદો તને હર્ટ કરવાનો નો’તો....!” લાવણ્યા ભીની આખે બોલી.

“મારી ફેમિલીમાંથી કોઈ આઈ જશે....! તો માથાકૂટ થશે....!” મોઢું આડું ફેરવીને આરવ બોલ્યો “પ્લીઝ....જા....!”

“મ્મ....મારે વ....વાત કરવી છે...!” લાવણ્યા રડું-રડું થઈ ગઈ.

“મારે કોઈ વાત નઈ કરવી....! તું જા.....!”

આરવે એટલું રૂડ અને કઠોર સ્વરમાં કહ્યું કે લાવણ્યાથી આંખમાંથી દડદડ આંસુ વહેવાં લાગ્યાં.

“તો...તો...હું ક...કાલે આઈશ....! તને મલવા....!” બેડમાંથી ઊભી થતાં-થતાં લાવણ્યા માંડ બોલી.

“હું ફોન કરું તો જ આવજે....!” લાવણ્યા સામે જોયાં વિનાજ આરવ બોલ્યો.

“તો વે’લ્લાં ફ...ફોન કરજે....! હોંને....!?” લાવણ્યા બોલી અને બે ઘડી આરવ સામે ભીની આંખે જોઈ રહી પછી પાછી ફરીને દરવાજા તરફ જવાં લાગી.

દરવાજો ખોલતાં પહેલાં લાવણ્યાએ ફરી એકવાર આરવ સામે જોયું. કેટલીક ક્ષણો અટક્યાં બાદ તેણીએ છેવટે દરવાજો ખોલી બહાર કોરિડોરમાં ચાલવાં માંડ્યુ.

આરવનાં વિચારોમાં ખોવાયેલી લાવણ્યા નીચું જોઈને ચાલે જતી હતી. તેની આંખો હજીપણ ભીની હતી.

“મારે એવું નો’તું કરવું જોઈતું....!” ચાલતાં-ચાલતાં બેચેનીપૂર્વક તે પોતાનો હેંન્કી હાથની આંગળીઓમાં ભેરવીને ચોળી રહી હતી “તું સાચું કે’તો’તો .....! હું કેમની તને...!”

વિચારે ચઢેલી લાવણ્યાનો ખભો કોરિડોરમાં સામેથી આવતાં કોઈ ઊંચા યુવાન સાથે અથડાયો.

“આહ....!” પહોળાં ખભાંવાળાં તે યુવાનનાં ધક્કાથી લાવણ્યા સહેજ હડસેલાઈ અને અડધી ગોળ ફરી ગઈ.

“સોરી.....!” ઉતાવળા પગલે તે યુવાન જતાં-જતાં સહેજ ઊંચાં સ્વરમાં બોલી ગયો અને ચાલતો થઈ ગયો.

લાવણ્યાએ પાછું ફરીને તેની સામે જોયું પણ ત્યાં સુધીમાં બ્લેક પોલો ટી-શર્ટ અને બ્લ્યુ જીન્સ પહેરેલો તે યુવાન કોરિડોરમાં જમણીબાજુ વળી રહ્યો હતો.

લાવણ્યાનું મન ફરીવાર આરવનાં વિચારોમાં ખોવાઈ ગયું. પાછી ફરીને તે કોરિડોરમાંથી બહાર જવાં ચાલવા લાગી.

**


ઘરે આવ્યાં પછી પણ મોડી રાત સુધી લાવણ્યાને ઊંઘજ ના આવી. તેની નજર સામે બસ આરવનો એ માસૂમ ચેહરોજ દેખાયાં કરતો.

“મેં તને બવ હર્ટ કર્યો હની....!” બેડ ઉપર પડે-પડે છત ઉપર ફરી રહેલાં પંખા સામે તાકી રહીને લાવણ્યા મનમાં બબડી “બવ હર્ટ કર્યો....!”

પડખું ફેરવીને લાવણ્યાએ છેવટે આંખો બંધ કરી સૂવાનો ટ્રાય કર્યો.

**

“કેવું છે તને...!?” સવારે ઊઠીને લાવણ્યાએ આરવને whatsappમાં મેસેજ કર્યો.

દસેક મિનિટ વીતવા છતાંપણ આરવે કોઈ રિપ્લાય ના આપ્યો.

“હું આવું તને મલવા....!?” લાવણ્યાએ વધુ એક મેસેજ કર્યો અને પછી આરવનો રિપ્લાય આવવાની વેઇટ કરી રહી.

ખાસ્સું રાહ જોવાં છતાંપણ આરવે કોઈ રિપ્લાય ના આપ્યો.

થાકીને લાવણ્યાએ આરવને ફોન કર્યો.

જોકે આરવનો ફોન કોંસ્ટંન્ટ સ્વિચ ઑફ આવ્યો. બપોર પછી લાવણ્યા હોસ્પિટલ જવાં નીકળી ગઈ.

**

“અરે.....અક્ષય....!?” આરવનાં રૂમ તરફ જતાં-જતાં લાવણ્યાને કોરિડોરમાં અક્ષય મળી ગયો “તું અહિયાં....!?”

“તું શું કરવાં આઈ...!?” અક્ષયે ચિડાઈને લાવણ્યાને સહેજ ઊંચાં સ્વરમાં પૂછ્યું.

“શું કરવાં એટ્લે.....!?” લાવણ્યા હેબતાઈ ગઈ “આરવને મલવા....! કેમ...!?”

“પણ એણે ના તો પાડી’તી તને....! એનું ફેમિલી અહિયાંજ છે....!” અક્ષય બોલ્યો અને લાવણ્યાનો હાથ પકડીને રિસેપ્શન તરફ ખેંચી જવાં લાગ્યો.

“પણ...પણ..! અક્ષય....મ્મ...મારે એકવાર મળવું છે....! વાત કરવી છે...!” લાવણ્યા ઈમોશનલ થઈ ગઈ.


“લાવણ્યા....!” અક્ષયે અટકીને તેણી સામે જોયું “અત્યારે નઈ...! પ્લીઝ....! એનાં મમ્મી-પપ્પા ઓલરેડીને એને એક્સિડેંન્ટ માટે ખરીખોટી સંભળાઈ રહ્યાં છે....! તારાં જેવી છોકરીને લીધે એનો એક્સિડેંન્ટ થયો છે એ વાત જાણીને અને તને અહિયાં જોઈને એ લોકો એની ઉપર વધારે ભડકશે....!”

“મ્મ....મારાં જેવી એટ્લે....!?” લાવણ્યાનું મોઢું ઉતરી ગયું.

“આઈ મીન...! અ....! તું....તું...બસ જા અહિયાંથી...! આરવ માટે વધારે પ્રોબ્લેમ ક્રિએટ ના કરીશ....!”

“તો...તો...એનાં ફેમિલીવાળાં જ....જાય એટ્લે મને ફોન કરજેને....! હું....આઈશ એને મલવા...!”

“હાં સારું....! પણ આજે નઈ મેળ પડે....! તું જા....! હું કાલે તને ફોન કરીશ....!”

“સ...સારું....!” ઢીલી થઈ ગયેલી લાવણ્યા રિસેપ્શન એરિયાં તરફ જવાં લાગી.

હોસ્પિટલમાંથી બહાર નીકળીને લાવણ્યા ઓટો કરીને પોતાનાં ઘરે આવી ગઈ.

કોલેજમાં સમર વેકેશન હોવાથી લાવણ્યા માટે સમય પસાર કરવું અઘરું થવાં લાગ્યું.

**

ત્યાર પછીના દિવસોમાં પણ લાવણ્યાએ ઘણો પ્રયત્ન કર્યો છતાંપણ આરવને ના મળી શકી. તે જ્યારે પણ અક્ષયને ફોન કરીને આરવને મળવાનું પૂછતી, અક્ષય આરવની ફેમિલીનું બહાનું કાઢીને વાત ટાળી દેતો.

રઘવાઈ થઈ ગયેલી લાવણ્યાનાં બધાંજ દિવસો બેચેનીમાંજ વિત્યા. રાત્રે ઊંઘ પણ માંડ-માંડ આવતી.

તેણીએ આરવને અનેકવાર મેસેજ કરી જોયાં અને ફોન પણ કરી જોયાં. એકેયવાર આરવનો કોઈ રિસ્પોન્સ ના આવ્યો. પંદરેક દિવસ પછીતો આરવનો ફોન પણ સ્વિચ ઑફ આવવાં લાગ્યો.

લાવણ્યાની બેચેની વધતી જ ગઈ.

“ટ્રીન.....ટ્રીન.....ટ્રીન.....!” મોડી સાંજે લાવણ્યાના ફોનની રિંગ વાગી.

પોતાનાં બેડરૂમની ગેલેરીમાં ઊભેલી લાવણ્યાએ રૂમમાં આવીને બેડ ઉપર પડેલો ફોટાનો ફોન ઉઠાવ્યો અને સ્ક્રીન ઉપર નંબર જોયો.

“અક્ષય.....!” સ્ક્રીન ઉપર અક્ષયનો નંબર જોઈને લાવણ્યા રઘવાઈ થઈ ગઈ અને તરતજ કૉલ ઉપાડી લીધો.

“હેલ્લો....! અક્ષય....! થેન્ક ગોડ....! તે ફોન કર્યો...!” ઉચાટભર્યા સ્વરમાં લાવણ્યા બોલવા માંડી “આખાં પંદર દિવસ થઈ ગ્યાં....! મ....મારે આરવને...!”

“આરવ જાય છે લાવણ્યા....!” લાવણ્યાને ટોકીને અક્ષય વચ્ચે બોલ્યો.

“જ...જ...જાય છે એટ્લે...!?”



“એ રશિયા જાય છે....!” અક્ષય ટૂંકમાં બોલ્યો.

“ર....રશિયા....!? ક....કેમ...!? રશિયા કેમ....!?”

“એ બધુ છોડ....! એ આજની ટ્રેનથી પે’લ્લાં દિલ્લી જાય છે....! દિલ્લીમાં એમનાં કોઈ ફ્રેન્ડ છે...! ડોક્ટર...! એમને મળીને પછી ત્યાંથી રશિયાની ફ્લાઈટ છે...!”

“પ....પણ...!”

“એણે મને ના પાડી’તી....! તને કે’વાની....! પણ....!” અક્ષય સહેજ ખચકાયો.

“ના....પાડી’તી....!? મને કેમ નઈ....!?” લાવણ્યાની આંખો વહેવાં લાગી.

“પણ.....!? પણ શું....!? બ.....બોલને...! કેમ ચૂપ થઈ ગ્યો....!? અક્ષય...! હેલ્લો...!?” સામે છેડેથી અક્ષય મૌન થઈ જતાં લાવણ્યા કાનમાં તેનો ફોન દબાવીને રઘવાયાં સ્વરમાં બોલી.

“પણ...લાવણ્યા....! અ....મ...મને લાગે છે કે તારે એને છેલ્લીવાર જોવો જોઈએ....!” અક્ષય ખચાકટ સાથે બોલ્યો “આઈ મીન....! છેલ્લીવાર મલવું જોઈએ....!”

“ક...ક્યારે ટ્રેન છે એની...!?” લાવણ્યાએ પોતાની આંખો લૂંછતા પૂછ્યું “કેટલાં’ વાગ્યે...!?”

“આજની....! સાડાં’ સાતની....!” અક્ષય બોલ્યો.

“what…!?” લાવણ્યા ચોંકી ગઈ અને દીવાલ ઉપર લાગેલી વૉલક્લોક સામે જોઈ રહી.

સાડાં સાતની ટ્રેન હતી અને લગભગ સાડાં છ વાગ્યા હતાં. લાવણ્યા પાસે હવે હાર્ડલી કલ્લાક જેટલો સમય હતો.

“હે ભગવાન....! ખાલી કલ્લાકજ બાકી ‘ર્યો....!” લાવણ્યા રઘવાટભર્યા સ્વરમાં બોલી.

“કાલુપુર રેલ્વે સ્ટેશન....! રાજધાની છે....! તારે મલવું હોય તો ...!” અક્ષય બોલ્યો “બાય....!”

અક્ષયનો ફોન કટ થતાંજ લાવણ્યાએ ફટફાટ જેમ-તેમ પોતાનાં વાળ બાંધી દીધાં. કપડાં બદલી લાવણ્યા ઝડપથી સોસાયટીની બહાર આવી ગઈ. રોડ ઉપરથી ઓટો કરીને લાવણ્યાએ ઓટોવાળાને કાલુપુર રેલ્વે સ્ટેશન લઈ લેવાં કહી દીધું.

ઓટોમાં બેઠાં-બેઠાં લાવણ્યા છેક સ્ટેશન પહોંચ્યાં સુધી વારે-ઘડીએ પોતાનાં મોબાઇલના સ્ક્રીન ઉપર ટાઈમ જોયાં કરતી. સાંજના ટ્રાફિકને લીધે ઓટોવાળાંએ લાવણ્યાને લગભગ પોણો કલ્લાકે કાલુપુર રેલ્વે સ્ટેશન ઉતારી.

સ્ટેશનની ટિકિટ વિન્ડોમાંથી પ્લેટફોર્મ ટિકિટ લઈને લાવણ્યા સડસડાટ પ્લેટફોર્મ તરફ ભાગી.

“સવાં છ થઈ ગ્યાં.....! સવાં છ થઈ ગ્યાં.....!” સ્ટેશનની ભીડમાં આરવને શોધતી હોય એમ આમ-તેમ ડાફોળીયાં મારતી અને ભીડમાં અથડાઈ ના જવાય એટ્લે આમ-તેમ ઉતાવળા પગલે ચાલતી-ચાલતી લાવણ્યા બાબડાટ કરે જતી હતી.

ટ્રેન ઉપડવામાં માત્ર પંદર મિનિટ જેટલો સમય બચ્યો હતો. પ્લેટફોર્મ પાસેનાં પાટાં ઉપર ઊભેલી ટ્રેનમાં પણ લાવણ્યા કોઈ કોઈવાર જોઈ લેતી.


“આરવ....! હની....! ક્યાં છે તું....!?” બઘાઈને પ્લેટફોર્મ ઉપર એક જગ્યાએ ઊભાં રહી લાવણ્યા લગભગ રડી પડી.

અંધારું થઈ ગયું હતું. ટ્રેન છૂટવામાં હવે માંડ પંદરજ મિનિટ બાકી હતી. ધીરે-ધીરે સ્ટેશનની બહાર જતી પબ્લિકને લીધે ભીડ પણ ઓછી થવાં લાગી હતી.

“ઓકે..ઓકે...હું ગાઈશ...!” ત્યાંજ લાવણ્યાને કોઈ છોકરાંનો અવાજ સંભળાયો.

“આરવ....!” એ સ્વરને ઓળખી ગયેલી લાવણ્યા તરતજ બબડી અને આમતેમ ડાફોળીયાં મારી આરવને શોધવાં લાગી.

છેવટે તે જ્યાં ઊભી હતી ત્યાંથી સહેજ આગળ એક બાકડા ઉપર બેઠેલાં આરવની પીઠ તેણીને દેખાઈ. તેની જોડે બાકડામાં કોઈ અંજાણી છોકરીને લાવણ્યાએ જોઈ. તેમજ તેની સામે બીજાં બે યંગ છોકરાઓ અને બે છોકરીઓ ઊભેલી હતી. બધાજ કોલેજ સ્ટુડન્ટ હોય એવું તેમણે પહેરેલાં જીન્સ ટી-શર્ટ ઉપરથી દેખાઈ આવતું હતું.

“હું ગાઉંતો ખરો....! પણ તમારાંમાંથી કોઈએ ફીમેલ લીરીક્સ ગાવાં પડશે....!” બાકડા ઉપર બેઠેલો આરવ તેની સામે ઉભેલાં કોલેજ સ્ટુડન્ટ સામે જોઇને બોલી રહ્યો હતો.

“હાં....તો...! શિવાની ગાશે.....! અને હું રેકોર્ડ કરીશ....!” સામે ઉભેલી એક છોકરીએ બેન્ચ ઉપર આરવની જોડે બેઠેલી એક છોકરી સામે જોઇને કહ્યું અને પછી પોતાનો મોબાઈલ કાઢવાં લાગી.

“તમે ગાશો....!?” આરવે તેની જોડે બેઠેલી એ છોકરી શિવાની તરફ જોઇને પૂછ્યું.

“ટ્રાય કરીશ હોં....! મને તમારાં જેવું નથી આવડતું...!” શિવાનીએ કહ્યું.

“ઓકે.....! તો ....! લેટ્સ ડુ ઈટ....!” એટલું કહીને આરવે તેનાં ગીટારના તાર ઉપર તેની આંગળીઓ ફેરવી.

“તું જ્યાં જાય છે....! કેન્ટીન જેવો માહોલ ઉભો કરી દે છે...!” પાછળ સહેજ છેટે ઉભેલી લાવણ્યા ભીની આંખે સ્મિત કરી રહી.

આરાવે તેની આગળીઓ ગીટારનાં તાર ઉપર ફેરવવા માંડી અને સોન્ગની ટ્યુન વગાડવા લાગી.

“તુમ મેરે હો...... ઇસ પલ મેરે હો....!

કાલ શાયદ યે આલમ ના રહે....!”

ગીટાર વગાડતાં-વગાડતાં આરવે સોન્ગ ગાવાનું શરુ કર્યું.

“કુછ એસા હો.... તુમ તુમ ના રહો.....

કુછ એસા હો હમ..... હમ ના રહે …!

યે રાસ્તે લગ હો જાયે

ચલતે ચલતે હમ ખો જાએં…એ.....!

મૈં ફિર ભી તુમકો ચાહુંગા…!

મૈં ફિર ભી તુમકો ચાહુંગા…

મૈં ફિર ભી તુમકો ચાહુંગા…

મૈં ફિર ભી તુમકો ચાહુંગા…



ઇસ ચાહત મેં મર જાઉંગા....

મૈં ફિર ભી તુમકો ચાહુંગા.....


લાવણ્યાની આંખ ફરીવાર ભરાઈ આવી. ભીની આંખે લાવણ્યા ત્યાંજ ઉભાં-ઉભાં આરવને સોન્ગ ગાતો સાંભળી રહી.

“મેરી જાન મેં હર ખામોશી મેં

તેરે પ્યાર કે નગમે ગાઉંગા

મમમ…!

મૈં ફિર ભી તુમકો ચાહુંગા....


“મેં તને બવ હર્ટ કર્યો....!” આરવને સાંભળતાં-સાંભળતાં લાવણ્યા મનમાં બબડી.

“એસે ઝરુરી હો મુઝકો તુમમમ્મ....

જૈસે હવાએ સાંસો કો...

એસે તલાશુ મેં તુમ્કો....

જૈસે કી પેર ઝમીનો કો....



હંસના યા રોના હો મુઝે.....

પાગલ સા ઢૂંડું મેં તુમ્હે...

કલ મુઝસે મોહબ્બત હો ના હો

કલ મુઝકો ઇજાજત હો ના હો

તૂટે દિલ કે ટુક્ડે લેકર

તેરે દર પે હી રે જાઉંગા

મમમ…!



મૈં ફિર ભી તુમકો ચાહુંગા

મૈં ફિર ભી તુમકો ચાહુંગા

ઇસ ચાહત મેં મર જાઉંગા

મૈં ફિર ભી તુમકો ચાહુંગા



“તુમ યૂ મિલે હો જબસે મુઝે

ઔર સુનહરી મેં લગતી હૂં”


આરવની જોડે બેન્ચ ઉપર બેઠેલી શિવાની હવે ફિમેલ લીરિક્સ ગાવાં લાગી.


“સિર્ફ લબો સે નહીં અબ તો

પૂરે બદન સે હસ્તી હૂં....



મેરે દિન રાત સલોન સે

સબ હૈ તેરે હી હોને સે

યે સાથ હમેશા હોગા નહીં

તુમ ઓર કહિં મેં ઓર કહિં....”



લેકિન જબ યાદ કરોગે તુમ

મૈં બનકે હવા આ જાઉંગા

ઓ ઓ ઓ …!”
એક ઊંચા સ્વરમાં આરવે ગાયું અને અટકી ગયો.

તે શૂન્યમનસ્ક શિવાની સામે જોઈ રહ્યો.


“મૈં ફિર ભી તુમકો ચાહુંગા

મૈં ફિર ભી તુમકો ચાહુંગાઆ...!”


કેટલીક ક્ષણો પછી આરવે ફરીવાર ગાયું. જોકે આ વખતે તેનાં સ્વરમાં રહેલું કંપન લાવણ્યાને પણ મહેસુસ થયું.

“ઇસ ચાહત મેં મર જાઉંગા

મૈં ફિર ભી તુમકો ચાહુંગા

મૈં ફિર ભી તુમકો ચાહુંગા

મૈં ફિર ભી તુમકો ચાહુંગા

મૈં ફિર ભી તુમકો ચાહુંગા

મેં ફિર ભી તુમકો ચાહુંગા




ગિટારની એજ ટ્યુન આરવે રેલાવી અને સોંગ પૂરું કર્યું. સામે ઊભેલી બંને છોકરીઓ અને એક છોકરાએ આરવને સોંન્ગ ગાતો રેકોર્ડ પણ કર્યો.

“સુપર્બ યાર....!” પોતાનાં મોબાઈલમાં સોંન્ગ રેકોર્ડ કરી રહેલી છોકરી બોલી.

“યાત્રી કૃપાયાં ધ્યાનદે....!” ત્યાંજ રેલ્વેસ્ટેશનમાં લાગેલાં સ્પીકર્સમાં એનાઉન્સમેંન્ટ થઈ.

“અરે આપડી ટ્રેન ઉપડવાનો ટાઈમ થઈ ગયો....!” સામે ઉભેલો એક છોકરો બોલ્યો અને બેન્ચ ઉપર શિવાનીની બાજુમાં પડેલું પોતાનું બેગપેક ઉઠાવી લીધું.

“ચાલો....ચાલો જલ્દી...! આપડી ટ્રેન તો સામેના પ્લેટફોર્મ ઉપર છે....!” મોબાઈલમાં રેકોર્ડ કરનારી છોકરી પણ પોતાનો મોબાઈલ પોકેટમાં મૂકીને પોતાની બેગ ઉઠાવાં લાગી “શિવાની....! જલ્દી ચાલ...! ટ્રેન મિસ થઈ જશે...!”

શિવાનીએ એક નજર આરવ સામે જોયું.

“બાય....!” લાવણ્યાએ તેણીનાં હોંઠ હળવેથી ફફડતાં જોયાં. તે આરવને “બાય” કહીને ઊભી થઈ.

“થેન્ક યુ...! સોંન્ગ ગાવાં માટે...!” શિવાની બોલી અને બાકીનાં બધાં પણ આરવને થેન્ક યુ કહીને ત્યાંથી ઉતાવળા પગલે પ્લેટફોર્મ નંબર 6 ઉપર જવાં માટે દોડવા લાગ્યાં.

આરવ થોડીવાર સુધી તેમને જતાં જોઈ રહ્યો. પાછળ ઊભેલી લાવણ્યાની હાજરીની તેને ખબર નહોતી. લાવણ્યા પણ આરવને પાછળ-પાછળ ઊભાં-ઊભાં જોઈ રહી હતી.

“મૈં ફિર ભી તુમકો ચાહુંગા

મૈં ફિર ભી તુમકો ચાહુંગાઆ...!”


આરવે ગાયેલાં સોંન્ગનાં પડઘા લાવણ્યાનાં કાનમાં હજી પણ ગુંજી રહ્યાં હતાં.

“મને કીધાં વગરજ જતો રઈશ તું....!?” આરવની નજીક જતાં-જતાં લાવણ્યા રડમસ સ્વરમાં બોલી.

આરવે ચોંકીને પાછળ જોયું. તેની આંખ તરતજ ભીંજાઈ ગઈ. પોતાની આંખોમાં આવી ગયેલું પાણી છુપાવવાં આરવે મોઢું ફેરવી આગળ તેની સામે પાટાં ઉપર ઊભેલી રાજધાની ટ્રેન તરફ જોવાં માંડ્યુ.

“મને કીધાં વગર આ રીતે જતું રેવાનું...!? બોલ...!” લાવણ્યા તરતજ બેન્ચની ફરતે આવીને આરવની જોડે બેસતાંજ તેને ધમકાવતી હોય એમ બોલી.

આરવ નીચું જોઈ ગયો. પોતાનાં ખોળાંમાં રહેલું ગિટાર તેણે મજબૂતીથી પકડી રાખ્યું. લાવણ્યાએ જોયું કે આરવે તેનાં કમરનીચે શોલ વીંટાળી રાખી હતી.

“શોલ કેમ વીંટાળી છે...!?” લાવણ્યાને સહેજ આશ્ચર્ય થતાં તેણીએ પૂછ્યું.

“પગનાં પાટાં ઉપર માખી મચ્છરનાં બેસે એટ્લે...!” આરવે રૂડલી જવાબ આપ્યો.

“તારે આવીજ રીતે વાત કરવાની છે મારી જોડે ....કાયમ....!?” લાવણ્યા માંડ પોતાનું રડવું દબાવી રાખીને બોલી.

“કાયમ નઈ....! આજે છેલ્લીવાર....!” આરવ લાવણ્યા સામે જોયાં વિનાજ ઉદાસ ચેહરે બોલ્યો.

“ક્યાંય નઈ જવાનું તારે....!” રડમસ સ્વરમાં લાવણ્યા છણકો કરીને બોલી “હું તને નઈ જવાં દઉં...!”

“ક્યાં હકથી રોકે છે તું....!?” આરવે ભીની આંખે તેણી સામે જોઇને પૂછ્યું.

“બ...બેસ્ટફ્રેન્ડ છું તારી...!” લાવણ્યાની આંખ ભીની થઈ.

આરવની આંખ વધું ભીંજાતાં તેણે મોઢું ફેરવી લીધું.

“આ રીતે વાત અધુરી મ્મ...મુકીને નાં જઈશને....!” લાવણ્યા કરગરી પડી “મારી વાત એકવાર તો સાંભળીલે..!”

“તું જાણે છેને....! હું તારાં માટે શું ફિલ કરું છું....!?” આરવે ગળગળા સ્વરમાં પૂછ્યું.

“આરવ....! હની...! મારો બેસ્ટફ્રેન્ડ મારાંથી નાં છીનવીશ....” લાવણ્યાની આંખ છેવટે વહેવા લાગી “પ્લીઝ....!”

“હવે એક બેસ્ટફ્રેન્ડ બનીને હું....હું...તારી જોડે નઈ રઈ શકું...! લાવણ્યા...” આરવ માંડ પોતાનું રડવું દબાવી રાખીને બોલ્યો “મારાંમાં.....! એટ...એટલી હિમ્મત નથી રઈ હવે....!”

બોલતાં-બોલતાં આરવનો સ્વર ધ્રુજી જતાં લાવણ્યાની આંખ પણ વધુ ભીંજાઈ.

“મેં તને બવ હર્ટ કર્યોને....!?” લાવણ્યા પણ એજરીતે ઈમોશનલ સ્વરમાં બોલી “સ....સોરી....! સોરી...!”

“વાંક તારો નો’તો લાવણ્યા....!” આરવ તેની આંખો આંગળીઓ વડે લુંછતાં બોલ્યો “મારે સમજવું જોઈતું’તું...! તું જેવી છે એવીજ રેહવા માંગે છે....! કદી નઈ બદલાય...! મારો પ્રેમ એક...!”

“હું તને એવીજ લાગું છુંને...!?” લાવણ્યા વચ્ચે બોલી અને રડી પડી ડૂસકાં ભરવા લાગી “બોલ.....!?”

આરવ મોઢું ફેરવીને બીજી દિશામાં જોવાં લાગ્યો.

“મારી સામે તો જો....!” હર્ટ થઇ ગયેલી લાવણ્યાએ છણકો કર્યો.

“યાત્રીગણ કૃપયા ધ્યાન દે....!” ત્યાંજ ફરીવાર સ્પીકરમાં એનાઉન્સમેન્ટ સંભળાઈ “એમદાબાદ સે દિલ્લી જાનેવાલી રાજધાની ટ્રેન....!”

“ટ્રેન જવાનો ટાઈમ થઈ ગયો....!” લાવણ્યા છતમાં લાગેલાં એક સ્પીકર તરફ જોઇને બબડી પછી આરવ સામે જોવાં લાગી.

આરવ હજીપણ લાવણ્યા સામે નહોતો જોઈ રહ્યો.

“પ્લીઝ મારી સામું જોને...! મમ્મ....મારે વાત કરવી છે...!” આરવના ખભે તેનો કોલર પકડીને લાવણ્યા માંડ બોલી.

“તું એવીજ રે’જે.....!” એક કઠોર નજર તેણી સામે જોઈ આરવ વ્યંગ કરતો હોય જોયાં વગર બોલ્યો અને ફરીવાર આડું જોવાં લાગ્યો “તારે કોઈનાં માટે બદલાવાની જરૂર નથી....!”

“તું મને એવીજ ગણાતો હોય....! તો...તો...! જા જતો રે’....! જા....!” લાવણ્યા પરાણે ગુસ્સો કરતી હોય એમ બોલી અને બેન્ચ પરથી ઉભી થઈ ગઈ “જતો રે’....! બાય....!”

નકલી ગુસ્સો કરતી લાવણ્યા ત્યાંથી સ્ટેશનના એન્ટ્રન્સ તરફ ઉતાવળાં પગલે ચાલવાં લાગી.

“મને ખબર છે....! તું મારી ઉપર ટ્રસ્ટ કરે છે....!” ઉતાવળાં પગલે ચાલતી-ચાલતી લાવણ્યા બબડી “તું નઈ જાય...! મને મુકીને....! નઈ જાય....!”

મનમાં વિચારતી-વિચારતી લાવણ્યા એન્ટ્રન્સ પાસે પહોંચવાં આવતાં સહેજ ધીરે ચાલવાં લાગી.

“પ્લીઝ....! આ વખતે રોકીલે મને....!” એન્ટ્રન્સ પાસે અટકીને લાવણ્યા મનમાં બબડી “રોકી લે હની....!”

ત્યાંજ લાવણ્યાને ટ્રેનનાં હોર્ન ઉંચો કર્કશ અવાજ સંભળાયો. તેણીનાં ધબકારા વધી ગયાં.

“રોકીલે...! પ્લીઝ ...રોકીલે...!” આરવ રોકી લેશે એજ આશાએ લાવણ્યા ત્યાંજ ઉભી રહી.

વધુ એક વખત ટ્રેનનો હોર્ન સંભળાતાં લાવણ્યાની ધીરજ ખૂટી ગઈ.

“આરવ....! તું....!” છેવટે લાવણ્યા ફરી ગઈ અને આરવ જે બેન્ચ ઉપર બેઠો હતો તે જોવાં લાગી.

“હે ભગવાન....!” લાવણ્યા ચોંકી ગઈ “આરવ....! આરવ....!”

બેન્ચ ઉપર કોઈ નહોતું.

“આરવ....! આરવ....!” રઘવાઈ થઈ ગયેલી લાવણ્યા આમ-તેમ ડાફોળિયાં મારવાં લાગી અને હાંફળી-ફાંફળી થઈને બેન્ચ તરફ દોડી.

ત્યાંજ તેણીની નજર સહેજ દુર પ્લેટફોર્મને અડીને ટ્રેનનાં એક કોચ પાસે ઉભેલાં આરવ ઉપર પડી. ટ્રેનના કોચની અંદરથી કોઈ વ્યક્તિએ લંબાવેલા હાથમાં આરવ તેનું ગીટાર આપી રહ્યો હતો.

“હે ભગવાન....! આરવ....!” લાવણ્યાની આંખોમાંથી આંસુઓનું ઘોડાપુર આવી ગયું.

આઘાતથી તેણીએ પોતાનાં હોંઠ તેની બંને હથેળીઓમાં દબાવી દીધાં.

ટ્રેનના કોચ પાસે આરવ કાખઘોડીના સહારે ઉભો હતો. તેણે કમર નીચે વીંટાળેલી શોલ હવે કાઢી લીધી હતી અને તેનાં બંને પગ ઘૂંટણથી કપાયેલાં હોય એમ તેનાં બંને પગનાં પેન્ટની સ્લીવ્સ હવામાં ઝૂલતી હતી.

આઘાતથી લાવણ્યા ત્યાંજ જડ થઈ ગઈ. તેની આંખોમાંથી વહેતાં આંસુ અટકવાનું નામ નહોતાં લેતાં.


“તું નઈ સમજે લાવણ્યા.....! તું નઈ સમજે....!” એક્સીડેન્ટની રાત્રે આરવે કહેલાં શબ્દો હવે લાવણ્યાનાં કાનમાં ગુંજવા લાગ્યાં.

“હું તને એ લોકો સાથે નઈ જોઈ શકતો....! મારાંથી આ ટોર્ચર સહન નથી થતું...!” આરવનો એ દયામણો ચેહરો પણ લાવણ્યાની સામે તરવરી ઉઠ્યો.

“ત....તને કોઈ આઇડિયા નથી લાવણ્યા...! તને બીજાં છોકરાંઓ સાથે જતાં જોઈને મને જે ફીલિંગ્સ આવે છે એ કેટલી ગંદી છે...! કેટલી ગંદી છે...!”

ફીરવાર ટ્રેનનાં હોર્નનો એક મોટો અવાજ આવ્યો અને એ સાથે ધીમી ગતિએ ટ્રેન ઉપડવા લાગી.

આઘાતપામી ગયેલી લાવણ્યા હજીપણ જડ થઈને હજી ત્યાંજ ઉભી હતી.

પોતાની સામે ધીરે-ધીરે પાટા ઉપર આગળ વધી રહેલી ટ્રેનને લાવણ્યા આઘાતપામીને જોઈ રહી. ધીરે-ધીરે ટ્રેનની ગતિ વધવાં લાગી.

આરવ જે કોચમાં બેઠો હતો તે કોચ પણ હવે લાવણ્યાથી આગળ નીકળી જવાં લાગ્યો.

“નઈ......નઈ....! આરવ...! આરવ.....!” લાવણ્યા આઘાતમાંથી બહાર આવીને મોટેથી બુમો પાડવાં લાગી અને ટ્રેનની નજીક પ્લેટફોર્મ ઉપર ઉતાવળાં પગલે દોડવાં લાગી.

“આરવ.....! પ્લીઝ....!” લાવણ્યા રડતાં-રડતાં બરાડી ઉઠી.

ટ્રેનની ઝડપ હવે વધારે થઇ જતાં આરવનો કોચ લાવણ્યાથી વધુને વધુ દુર નીકળવા લાગ્યો.

“આરવ.....! પ્લીઝ....!” હાથ લાંબો કરીને લાવણ્યા વધું ઝડપે દોડી.

હાંફવા છતાંય લાવણ્યા હાથ લાંબો કરીને દોડતી રહી.

“આરવ....! આરવ....!” પ્લેટફોર્મનો છેડો આવી જતાં લાવણ્યા છેવટે અટકી ગઈ અને ત્યાંજ ઉભી-ઉભી રડી પડી.

“સોરી...આરવ.....સોરી.....!” રડતાં-રડતાં લાવણ્યા ધીમાં સ્વરમાં બબડી અને ટ્રેનનાં છેલ્લાં કોચને અને આરવને પણ પોતાનાંથી દુર જતો જોઈ રહી.
*******
Instagram: @jignesh_sid19

(Schizophrenia માનસિક રોગ વિષેની ગૂગલ લિન્ક:

https://www.who.int/news-room/fact-sheets/detail/schizophrenia

https://www.mayoclinic.org/diseases-conditions/schizophrenia/symptoms-causes/syc-20354443 )


****- વાર્તામાં ઉપયોગમાં લીધેલ સોન્ગ્સના લીરીક્સ ઉપર લેખકનો કોઈ હકદાવો નથી.
J I G N E S H