"ઇશીતા ક્યાંક ગૂમ થઈ ગઈ છે. સવારે નવ વાગ્યાની ઘરેથી નીકળી છે પણ હજી સુધી ઘરે પાછી નથી આવી." લવે ચિંતિત સ્વરે કહ્યું.
"વોટ? ક્યાં ગઈ તો એ?" દેવે કહ્યું.
"ખબર નહીં, પણ મને લાગે છે એ કંઈ પ્રોબ્લેમમાં છે. ફોન પણ નથી ઉઠાવતી. ક્યાં ગઈ હશે?" લવ ચિંતામાં આંટા મારવા લાગ્યો.
"ચાલ, હમણાં જ જોઈને આવીએ." દેવે જવાબ આપ્યો.
"હા, પણ આટલા વાગ્યે જશો ક્યાં?" કાવ્યાએ સવાલ કર્યો
"મને અમુક જગ્યા ખબર છે જ્યાં એ કદાચ ગઈ હોઇ શકે. તું ઘરે રહે અમે બંને જઈને ચેક કરી આવીએ." દેવે કાવ્યાને ઘરે રહેવા કહ્યું.
દેવ અને લવ બંને નીકળી પડ્યા ઇશીતાને શોધવા માટે. અડધો કલાક સુધી બંનેજણા ફરતા રહ્યા. બંનેને જેટલી જૂની જગ્યાઓ ખબર હતી ત્યાં બધે જઇ આવ્યા, પણ ક્યાંય ઇશીતાનો પત્તો મળ્યો નહીં. દેવે કાર એક બ્રિજ ઉપર ઉભી રાખી. રાતના દોઢ વાગ્યાનો સુમસામ સમય હતો. દેવ નિરાશ થઈને બ્રિજ ઉપર તાપી નદીને નિહાળતો ઉભો રહી ગયો. લવે તેના ખભે હાથ મુક્યો અને પૂછ્યું,"શું થયું?"
"યાર, મનમાં એક અજીબ ઘભરાહટનો અહેસાસ થઈ રહ્યો છે. ખબર નહીં ઈશુ ક્યાં હશે. મનમાં અમંગળ વિચારો આવે છે કે ક્યાંક એ..." દેવે તાપી નદીના શાંત પાણીને જોતા કહ્યું.
"એવું બધું નહીં બોલ હમણાં." લવે દેવને અટકાવ્યો.
"તો પછી ક્યાં હશે એ? કઈ હાલતમાં હશે? કાશ કે આપણે બધા સાથે હોત તો કદાચ આ દિવસ જોવાનો વારો ના આવ્યો હોત." દેવે પોતાનો અફસોસ વ્યક્ત કર્યો.
"હમણાં એ બધું વિચારવાનો સમય નથી. ઘરે ચાલ, કાવ્યા એકલી છે. ઘરે જઈને નક્કી કરીએ કે આગળ શું કરવું છે?"કહીને લવ દેવને કાર તરફ લઈ ગયો.
બંને હારેલા યોદ્ધાની જેમ ઘરે પહોંચ્યા. તેમના ચહેરા જોઈને કાવ્યા પણ સમજી ગઈ કે શું થયું હશે.
"હવે શું કરીશું?" કાવ્યાએ ચિંતા વ્યક્ત કરી.
"અમે ઓલમોસ્ટ બધી જગ્યાઓ જોઈ લીધું, પણ તે ક્યાંય મળી નહીં." લવે આંટા મારતા કહ્યું.
રૂમમાં શાંતિ છવાઈ ગઈ. અચાનક દેવને કંઈક યાદ આવ્યું. તે ઉભો થયો. "એક જગ્યા બાકી છે હજી. કદાચ ત્યાં એ હોઈ શકે." દેવે આશાસ્પદ થઈને કહ્યું.
"કઈ જગ્યા?" લવે પૂછ્યું.
"તારો ફ્લેટ. એ એક જ એવી જગ્યા છે જોવાની બાકી છે. અને મને લાગે છે એ ચોક્કસપણે ત્યાં જ હશે." દેવે દ્રઢતાથી કહ્યું.
"હા, કદાચ તું સાચો હોઈ શકે. એની પાસે મારા ફ્લેટની ચાવી છે જ."
"હું પણ આવું છું સાથે." કાવ્યાએ ફોન લેતા કહ્યું.
ત્રણેયજણા કારમાં લવના ફ્લેટ પર પહોંચ્યા. લવે દરવાજો ખોલ્યો. રૂમની લાઈટ ચાલુ હતી, પણ તેને કોઈ માણસ દેખાયું નહીં. તે અંદર બીજા રૂમમાં ગયો. ત્યાનું દ્રશ્ય જોઈને લવ અધીરો થઈ ગયો. તેણે તરત બુમ પાડી,"દેવ, અહીં આવ."
દેવ અને કાવ્યા બંને એ રૂમમાં પહોંચ્યા. દેવનું અનુમાન સાચું હતું. બેડ પર ઇશીતા બેભાન અવસ્થામાં પડી હતી. તેના એક હાથમાં તેની ડાયરી હતી અને બાજુમાં લેપટોપ ખુલ્લું પડ્યું હતું. બેડની પાસે સ્લીપિંગ પીલ્સની એક નાની બોટલ પડેલી હતી. બધા તરત જ સમજી ગયા કે શું થઈ ગયું છે. દેવ અને લવ ઇશીતાને ઊંચકીને કારમાં લઇ ગયા અને કાવ્યા લેપટોપ અને ડાયરીને બેગમાં મુકીને બેગ લઈને ઇશીતાને સાચવવા એની સાથે કારમાં બેસી ગઈ.
ગાડી સીટી હોસ્પિટલ આગળ ઉભી રહી. તેમણે તાત્કાલિક ઇશીતાને ઇમરજન્સીમાં દાખલ કરાવી અને તેની ટ્રીટમેન્ટ ચાલુ કરાવી. ત્રણેયજણા ચિંતામાં હતા. કોઈએ નહોતું વિચાર્યું કે આવું કંઈ થશે. કાવ્યા વિચારમાં હતી કે આજનો દિવસ જ કંઈક એવો છે કે બધુંજ અણધાર્યું થઈ રહ્યું છે.
"શી ઇસ આઉટ ઓફ ડેન્જર નાઉ. હમણાં બેભાન છે, થોડા સમયમાં ભાનમાં આવી જશે. એના ફેમિલીને ફોન કરીને ઇન્ફોર્મ કરી દેજો." કહીને ડોકટર ત્યાંથી જતા રહ્યા. બધાના જીવમાં જીવ આવ્યો.
"થેંક્યું ડોકટર." દેવે હાશકારો લીધો. ત્રણેય ઇશીતાને દાખલ કરી હતી એ રૂમમાં એની પાસે જઈને ઉભા રહી ગયા. દેવ તેની પાસે જઈને બેઠો. આટલા વર્ષો પછી તે ઇશીતાને આવી રીતે મળશે, એવું તેણે ક્યારેય વિચાર્યું નહતું. તેણે ઇશીતાનાં કપાળમાં હાથ ફેરવ્યો અને એનો હાથ પોતાના હાથમાં લઈને પકડી લીધો. તે ક્યાંય સુધી તેને જોતો બેસી રહ્યો. ઇશીતાની આવી હાલત જોઈને તેને રડવું આવી ગયું. કાવ્યા તેની પાસે આવી અને તેના ખભે હાથ મૂકીને સાંત્વના આપવા લાગી.
"હું એના ઘરે ઇન્ફોર્મ કરી દઉં છું." કહીને લવ બહાર ફોન કરવા જતો રહ્યો.
દેવ હળવો થવા માટે રૂમની બહાર નીકળી ગયો. તેણે પોતાના ખિસ્સા ચેક કર્યા. તેની પાસે ફોન નહોતો. તેને લાગ્યું કદાચ કારમાં પડી ગયો હશે.
"તું ઈશુ પાસે બેસ. હું કારમાંથી ફોન લઈને આવું છું." કહીને દેવ ત્યાંથી જતો રહ્યો.
દેવે કાર ખોલી અને આજુબાજુ નજર કરી. નીચે તેને ફોન પડેલો મળ્યો. એટલામાં એની નજર પાછળની સીટ પર પડેલી પેલી બેગ ઉપર પડી. તેણે એ બેગ ઉઠાવી અને પાછો હોસ્પિટલમાં જતો રહ્યો. તે ઇશીતાના રૂમની બહાર થોડે આગળ વેઇટિંગ એરિયામાં બેસી ગયો. તેણે બેગ ખોલી અને અંદરથી લેપટોપ કાઢ્યું અને સાથે સાથે ડાયરી નીચે પડી ગઈ. તેને લેપટોપ ચાલુ કર્યું. અને સીધુંજ ઇશીતાનું ફોલ્ડર ખુલ્યું જેમાં એના કોલેજ સમયના એમણે સાથે મળીને ઉતરેલા સિગિંગ વિડિઓઝ હતા અને સાથે કોલેજની સ્મૃતિઓના ફોટોઝનું કલેક્શન હતું. અચાનક દેવનાં મગજમાં કંઈક વિચાર આવ્યો. તેને એ બધાજ વિડિઓ અને ફોટોઝ પોતાના ઇમેઇલ ઉપર સેન્ડ કરી દીધા. એટલામાં એનું ધ્યાન ડાયરી તરફ ગયું. તેને લેપટોપ બંધ કર્યું અને ડાયરી હાથમાં લીધી. ડાયરીમાં વચ્ચે એને એક ફોટો દેખાયો જે થોડો બહાર આવી ગયો હતો. તેણે ડાયરી ઉઠાવી અને જ્યાં ફોટો મુક્યો હતો એ પાનું ખોલ્યું. એ પાનાં ઉપર ત્રણેયનો એકબીજા સાથેનો ફોટો મુકેલો હતો અને બાજુમાં કંઇક લખેલું હતું, કદાચ કોઈ મેસેજ.
દેવે એ ફોટાને પોતાના હાથમાં પકડ્યો અને જોઈ રહ્યો. ફોટો બાજુમાં મૂકીને તેણે એ પેજ વાંચવાનું શરૂ કર્યું.
" જે દિવસથી આપણે છુટા પડ્યા, એ દિવસથી એક ક્ષણ એવી નથી ગઈ કે તને યાદ નથી કર્યો, દેવ. મારું મન એ સ્વીકારવા જ તૈયાર નથી કે તું આવું કરી શકે. એ દિવસે મેં મારો બેસ્ટફ્રેન્ડ ગુમાવ્યો, જાણે મારા શરીરનું એક અંગ ગુમાવી દીધું હોય એવી ફીલિંગ થાય છે. મને લાગતું હતું કે મેં જે કર્યું એ બરાબર હતું. વિચાર્યું કે હું આગળ વધી જઈશ. પણ પછી એક દિવસ એવો આવ્યો કે જ્યારે મને મારી ભૂલનું ભાન થયું. તે કહેલા તારા એ તમામ શબ્દો સાચા પડ્યા. હું અંદરથી એકદમ તૂટી ગઈ. મને એ એક એક શબ્દ અને તને કહેલા એ કડવા વેણ યાદ આવવા લાગ્યા. તારો એ આજીજી કરતો ચહેરો હજી પણ આંખો આગળ આવી જાય છે. પણ તું હવે દૂર જઈ ચુક્યો છે. હું મારી જાતને સમેટી શકતી નથી. હું જીવિત તો છું, પણ ખાલી શ્વાસ જ ચાલે છે. એક જીવતી લાશ બની ગઈ છું. તને બહુ કોલ્સ કર્યા, ઘણાબધા મેસેજ કર્યા પણ તારો નંબર હવે બદલાઈ ગયો છે. તું મારાથી બહુ દૂર જઇ ચુક્યો છે. તારી ખૂબ યાદ આવે છે યાર, આપણી એ મસ્તી, એ અડ્ડા ઉપરની ગોસિપ, તારું મારા ઉપર અકળાઈ જવું અને પછી તને એક ઝપ્પી આપીને મનાવી લેવું, તારી બહુ ખોટ વર્તાઈ રહી છે યાર. પ્લીઝ પાછો આવી જાને. દરવખતની જેમ આ વખતે પણ મને માફ નહીં કરે?" દેવ વાંચતા વાંચતા આંસુ લુછવા માટે અટક્યો.
તેણે પાનું ફેરવ્યું."મેં મારા મનને મનાવવા બહુ પ્રયત્નો કર્યા કે તું ફરી હવે પાછો નથી આવવાનો. પણ મનમાં ક્યાંક ને ક્યાંક એક આશાનું કિરણ છુપાયેલું છે કે તું આવીશ, ભગવાન તને ક્યારેક તો ફરી અહીં લાવશે જ. લોકો કહે છે કે પ્રેમી છોડીને જતો રહે કે દિલ તૂટે ત્યારે વધારે દુઃખ થાય પણ એમને ખબર નથી કે જ્યારે દોસ્તી તૂટેને ત્યારનું દુઃખ એ એના કરતાં અનેક ગણું વધારે હોય છે. આજે એ વાતને બે વર્ષ થઈ ગયા. લવ પણ હવેતો મારાથી દૂર જતો રહ્યો છે. ફરીથી હું જે પરિસ્થિતિમાં હતી એ જ પરિસ્થિતિમાં પાછી આવી ગઈ છું. ફરીથી એકલી થઈ ગઈ છું. પણ હવે આ એકલતા નથી સહન થતી. ચારેબાજુથી નિરાશા મને ઘેરી રહી છે. કોઈની સાથે બોલવું પણ નથી ગમતું કારણકે મારી વાત સાંભળવા માટે હવે કોઈ છે નહીં. સિંગર બનવાનું એ સપનું પણ મેં મૂકી દીધું છે કારણકે હવે મારા ગીતો સાંભળવા અને મને ચીયર કરવા માટે કોઈ નથી. હવે એ કપકેકમાં પણ મજા નથી રહી કારણકે એને શેર કરવા માટે અને મારી સાથે બેસીને ખાવા માટે કોઈ નથી. આજે ડુમ્મસના દરિયાકિનારે બેસવા માટે ટાઈમ ઘણો છે પણ સાથે બેસીને જીવન વિશેની ચર્ચા કરવા માટે સાથે તું નથી. દુનિયામાં લોકો ઘણાબધા છે પણ એ લોકોમાં ક્યાંય મારો દોસ્ત નથી. મારા માટે તો એક ઝટકામાં જ માંરો મિત્ર, મારી સપોર્ટ સિસ્ટમ, મારો મોટીવેટર બધું જ જતું રહ્યું. લોકોને લાગશે કે એક માણસ જ તો જતો રહ્યો છે એનાથી શું ફર્ક પાડવાનો છે, પણ એ એક માણસ મારા માટે બહુ મહત્વ ધરાવતો હતો. હું ફરીથી શૂન્ય થઈ ગઈ છું. તું એક પિતાની જેમ મને હું ખોટું કરું ત્યારે વઢતો હતો, એક ભાઈની જેમ પ્રોટેક્ટ કરતો હતો, એક મિત્રની જેમ મોટીવેટ કરતો હતો અને એક પ્રેમીની જેમ ખડેપગે મારુ પીઠબળ બનીને ઉભો પણ રહેતો હતો. મેં તો એક જ ક્ષણમાં એકસાથે આ બધું જ ગુમાવી દીધું. આ તો અન્યાય થયો ને? પણ હું રડીશ નહીં આગળ વધીશ જેમ તે સમજાવ્યું હતું એમ કે જીવનમાં આગળ વધતા રહેવું જોઈએ અને હું પણ એ આશામાં દિવસો પસાર કરી રહી છું કે ક્યારે એ દિવસ આવશે અને હું તને ફરી મળીશ. આઈ રીયલી મિસ યુ, દેવ."
તેણે ફરી પાનું ફેરવ્યું અને આજનું લખાણ વાંચ્યું, "હવે મારી આશા પણ મરવા લાગી છે. પોઝિટિવ રહેવા મેં ખૂબ પ્રયત્નો કર્યા પણ હવે મારા જુસ્સાએ હવે જવાબ આપી દીધો છે. શુ કરવું કંઈજ સમજાતું નથી. આ એકલતાથી હવે કંટાળી ચુકી છું. હવે વધારે સહન કરવાની મારામાં ક્ષમતા નથી. હવે જીવીને શું કરું હું? કદાચ મેં તારો વિશ્વાસ ના કર્યો આ એની જ મને સજા મળી રહી છે. આવી રીતે દબાઈ દબાઈને જીવવું એના કરતાં મરી જવું સારું. હવે આ દોષનો ભાર નથી સહન થતો. આઇ નીડ યુ, આઇ એમ બેડલી મિસિંગ યુ. તું મને ભલે હવે તારી બેસ્ટફ્રેન્ડ ના માનતો હોય, બટ યુ વીલ ઓલવેઝ રિમેઇન માય બેસ્ટફ્રેન્ડ." વાંચીને દેવે ડાયરી બંધ કરી દીધી અને તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. એટલામાં કાવ્યા એની આગળ આવીને ઉભી રહી ગઈ. દેવ તેને પકડીને રડવા લાગ્યો. દેવે કાવ્યા આગળ ડાયરી ધરી. કાવ્યાએ એ બધી લખેલી વાતો વાંચી. કાવ્યા પણ વાંચીને ગળગળી થઈ.
"આટલા વર્ષોમાં એણે ફક્ત મને યાદ કર્યા કર્યો છે. બહુ સહન કર્યું છે એણે. કાશ આ જે કાંઈ થયું એને હું બદલી શકતો હોત." દેવે રડતા રડતા કહ્યું.
"જે થઈ ગયું એને ભૂલી જા અને હવે જે કરી શકે છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કર. હવે એનો હાથ પકડી લે અને આ અંધકારમાંથી ખેંચીને એને અજવાળા તરફ લઈ આવે. એને એના બેસ્ટફ્રેન્ડની જરૂર છે અને એ તારા વગર કોઈ કરી શકે એમ નથી. હું તારી સાથે છું."કાવ્યાએ દેવના માથામાં હાથ ફેરવતા કહ્યું.
******************************
લવ પોતાનો ફોન કટ કરીને તેને ખીસામાં મુકતા મુકતા તે ઇશીતાને દાખલ કરેલા રૂમમાં પ્રવેશ્યો. ઇશીતા આઉટ ઓફ ડેન્જર છે એ સાંભળીને તેણે પણ રાહતનો શ્વાસ લીધો. તે ઈશુના બેડની બાજુમાં જઈને બેસી ગયો અને બેડમાં સૂતી ઇશીતાને જોઈને મનમાં વિચારવા લાગ્યો,"ખરી છોકરી છે! આટલું મોટું પગલું ભરી લીધું. એતો ખરા સમયે પહોંચી ગયા અમે નહીં તો શું થઈ ગયું હોત. હવે હમણાં આને એકલા છોડાય એમ નથી. પણ હવે સારું છે દેવ પણ અહીં આવી ગયો છે એટલે વાંધો નહીં આવે. ભાનમાં આવે એટલે એને સરપ્રાઈઝ આપું. દેવને જોઈને શું રિએક્શન આવે છે જોઈએ." તેનું ધ્યાનભંગ થયું.
એટલામાં ઇશીતાના હાથ હાલ્યા, તેણે આંખો ખોલી અને ચારેબાજુ નજર ફેરવી. તેણે ઉભા થવા પ્રયત્ન કર્યો અને લવને બાજુમાં બેસેલો જોઈને તેણે કહ્યું, "લવ? હું અહી કેવી રીતે આવી?"
"હમણાં સૂતી રહે." લવે તેને સંભાળતા કહ્યું.
"મને અહીં હોસ્પિટલમાં શું કામ બચાવ્યો? દર વખતે કેમ મને બચાવવા આવી જાય છે. શાંતિથી મારવા પણ નથી દેતો."કહીને ઇશીતા રડવા લાગી.
લવ તેના માથે હાથ ફેરવવા લાગ્યો. "હજી ઘણું જીવવાનું છે અને હજી તો ઘણી મસ્તી કરવાની છે. ખુશ થઈ જા હવે." લવે એક્સાઇટેડ થઈને કહ્યું.
"ખુશી તો ક્યારની છીનવાઈ ગઈ છે. હવે શું મસ્તી કરવાની જીવનમાં, એ દિવસો જતા રહ્યા." તેણે લવ સામે રડતી આંખોએ જોઇને કહ્યું.
"તને ખબર છેને દર વખતે તને બચાઈએ ત્યારે તને એક નવી જિંદગી મળે છે. આ એવું કંઈક છે સમજ. આજે ફરીથી તને એક નવો મોકો મળ્યો છે પોતાની એ જૂની જિંદગી ફરીથી જીવવાનો." લવે તેને મોટીવેટ કરતા કહ્યું.
"એ કેવી રીતે?" ઇશીતાએ પૂછ્યું.
"બે મિનિટ રાહ જો. તારા માટે કંઈક સરપ્રાઈઝ છે. હમણાં જ આયો." કહીને ખુશ થતા થતા તેણે રૂમની બહાર દોટ મૂકી.
ઇશીતાને કંઈ સમજાયું નહીં. તે ઉદાસ ચહેરે લવને બહાર જતાં જોતી રહી.
(ક્રમશઃ)