Featured Books
શ્રેણી
શેયર કરો

દિલ: એ સ્ટોરી ઓફ ફ્રેન્ડશીપ. - ભાગ-1: નવા શહેરમાં આગમન

ભાગ-1: નવા શહેરમાં આગમન


"એકવાર ચેક કરી લેજે કે બધો સામાન આવી ગયો છે કે નહીં." કાવ્યાએ પેકિંગ કરેલું સામાનનું છેલ્લુ બોક્સ નીચે ઉતારતા કહ્યું. "પછી કોઈ વસ્તુ રહી જશે તો હું ફરી ધક્કા નહીં ખાઉં કહી દઉં છું તને અત્યારથીજ. મારે પછી ખોટી માથાકૂટ ના જોઈએ."

"અરે હા, મારી માં! બધો જ સામાન આવી ગયો છે. તારે પેનીક થવાની જરાય જરૂર નથી અને કાંઈ રહી જશે તો હું જાતે લઈને આવીશ બસ. તારે એકપણ ધક્કો ખાવો નહીં પડે." દેવે અકળાઈને હાથ જોડીને કહ્યું.

"જા હવે જલ્દી જઈને ટ્રકવાળા ભાઈને પૈસા આપીને આવ." કાવ્યાએ દેવને ફ્લેટની બહાર હડસેલતા કહ્યું.

"હા હવે, જાઉં છું પણ. માણસને બે ઘડી શ્વાસ પણ નહીં લેવા દે." મોઢું બગાડતા બગાડતા દેવ ત્યાંથી જતો રહે છે.

કાવ્યા રૂમની વચ્ચોવચ ઉભી રહીને, ચારે બાજુ પડેલા સામાન અને રૂમની દિવાલો સામે જોઇને મનોમન સ્મિત કરતા કરતા વિચાર્યુ, "ફાઇનલી મારુ ઘર! હું સપનું તો નથી જોઈ રહી? પોતાનું ઘર હોવાની ફીલિંગ જ કંઈક અલગ હોય છે. મેં જોયેલા એ તમામ સપનાઓ ધીમે ધીમે પુરા થઈ રહ્યા છે. આ ઘર, મારુ કરિયર અને મારી આ ઇવેન્ટ મેનેજમેન્ટની કંપની, આ બધું એક જ માણસને આભારી છે, દેવ. દેવ ના હોત તો આમાંનું કાંઈ જ પાર ન પડ્યુ હોત. દેવનો મારા પરનો અતૂટ વિશ્વાસ અને એનો સપોર્ટ! એના વગર આ ક્યારેય શક્ય ન હતું.
2 વર્ષથી મારી તમામ સમસ્યાઓને પોતાની સમજીને, મારા સપનાને પોતાનું સપનું સમજીને એક પણ ફરિયાદ કર્યા વગર તેણે રાત-દિવસ મહેનત કરીને આ વસ્તુને સફળ બનાવી છે. હું બહુ નસીબદાર છું કે મને દેવ જેવો લાઈફપાર્ટનર મળ્યો છે જે હંમેશા ખડેપગે મારા પીઠબળ સમો ઉભો રહે છે. એ મને આટલું સમજે છે, પણ ખબર નહીં ક્યારેક ક્યારેક મને એવું લાગે છે કે હું એને સમજી નથી રહી, એની અંદર એવી કંઈક તો વાત છુપાવીને તે બેઠો છે જે એ કોઈની પણ સાથે શેર કરવા નથી માંગતો."

એટલામાં દેવ ધીમેથી ઘરમાં પ્રવેશ્યો અને કાવ્યાને પાછળથી વળગી પડ્યો, "શું વિચારો છો, મેડમ? આજે આપણે આપણાં પોતાના ઘરમાં ઉભા છીએ, માન્યામાં જ નથી આવતું.
"આજ ખુશ તો બહોત હોંગે આપ? હૈં!!" અમિતાભ બચ્ચનની નકલ કરતા કરતા દેવે કહ્યું.

"હાં, ખૂબ જ ખુશ છું આજે તો હું. અને એ વાતનો તમામ શ્રેય તને જાય છે. તારા વગર આ કંઈ શક્ય નહોતું. આ ઘર અને મારું કરિયર, બંને. દિલથી થેન્ક યુ." કાવ્યાએ આભાર વ્યક્ત કરતા કહ્યું.

"પાગલ, એમાં શું થેન્ક યુ. આ બધું આપણાં બંનેનું જ તો છે. આપણે આપણી જિંદગીની સફર એકબીજાની સાથે કાપવાની છે. અને તને હું સપોર્ટ નહીં કરું તો શું બહારથી કોઈ અજ્ઞાત વ્યક્તિ કરશે?" કહીને દેવે કાવ્યાનાં કપાળમાં ચુંબન કર્યું.

"પણ શું તું ખુશ છે? જ્યારથી મેં અમદાવાદથી અહીં સુરતમાં શિફ્ટ થવાની વાત કરી છે ત્યારથી તું આમ કંઈક ખોવાયેલો લાગે છે. એવું લાગે છે જાણે તું ખુશ નથી અથવા કંઈક છે, પણ તું કહેવા નથી માંગતો." કાવ્યાએ ચિંતાભર્યા અવાજમાં કહ્યું.

"અરે એવું કંઈ નથી, આ શહેર સાથે તો જૂનો સંબંધ છે તને ખબર તો છે. હું અહી જ તો કોલેજ કરતો હતો. અને બાય ધ વે આ સસ્પેન્સ સિરિયલો જોવાની બંધ કરી દે, નાની નાની વાતોમાં આવા જ વિચારો આવશે." દેવે વાતની હસી ઉડાવતા કહ્યું.

"જા જુઠ્ઠા, ના કહેવું હોય તો વાંધો નહીં. પણ તને ખબર છે કે મને ખબર પડી જાય છે જ્યારે તને કંઈ પણ થાય છે ત્યારે. એટલે તું છે ને નઈ પણ કહીશને તો પણ હું ક્યાંકથી તો શોધી જ લઈશ, ડોન્ટ વરી." કાવ્યાએ અણગમા સાથે કહ્યું.

"ઓકે મારી શેરલોક હોમ્સ, જલ્દીથી સામાન ગોઠવવાનું શરૂ કરીએ હવે, નહીં તો પછી મને બહુ ઊંઘ આવે છે." દેવે વાત વાળતા કહ્યું.

"ઊંઘે શેનો તું, આ બધો સામાન જ્યાં સુધી ના મુકાઈ જાય ત્યાં સુધી બેસવાનું નથી તારે. અને જો બેઠો તો આજે રાત્રે જમવાનું નહીં મળે." કાવ્યાએ ધમકી આપી.

બંને જણે સામાન ગોઠવવાનું શરૂ કર્યું. થોડી વાર સામાન ગોઠવ્યા પછી, "હાય, થાકી ગયો. કેટલું કામ કરાવે તું મારી પાસે. એક મોટીવેશનલ સ્પીકર પાસે આવું મજૂરી કામ કરાવતા તને શરમ આવવી જોઈએ." દેવે હાંફતા હાંફતા મસ્તીમાં કહ્યું.

"ઓ હેલો, આ તારો કોઈ પ્રોગ્રામ નથી અને અહીં ઘરમાં તું કોઈ મોટીવેશનલ સ્પીકર નથી.પોતાને મજુર સાથે સરખાવે છે તો મને કઈ કામવાળી બાઈ સમજી લીધી છે? કે ઘર માં આવે સામાન ગોઠવે, ઘરમાં કચરા પોતા કરે અને રસોઈ બનાવે. વધારામાં પગાર પણ નઈ આપવો પડે હેં ને?" કાવ્યાએ કટાક્ષમાં કહ્યું.

"વાત તો તારી સાચી છે, સાલુ આ વાત મેં કેમ ના વિચારી કે મફતમાં કામ કરવાવાળી બાઈ મળી ગઈ મને!" દેવે કાવ્યાની મજાક ઉડાવીને હસવા લાગ્યો.

કાવ્યા આ સાંભળીને થોડી ગુસ્સે થઈ ગઈ અને એની આંખો જોઈને દેવ મોઢા ઉપર આંગળીનો સંકેત બતાવીને ચૂપચાપ સામાન ગોઠવવા માંડ્યો. આ જોઈને કાવ્યા પાછું ફરીને દેવને દેખાય નહીં તે રીતે હસવા માંડે છે અને સામાન ગોઠવે છે.

થોડીવાર પછી, " જો હવે બે જ બોક્સ બાકી છે, આટલું તું કરી દે જે ને હું થોડી વાર સુઈ જાઉં છું, કાલે મારો શો છે એની પણ તૈયારી કરવાની છે પછી મારે. સાંજે આપણે બહાર જમવા જઈશું, ઘરે બનાવવાનું આજે રહેવા દે જે એમ પણ થાકી ગઈ હશે તું." કહીને દેવ બીજા રૂમમાં જતો રહ્યો.

કાવ્યાએ ઇશારામાં માથું હલાવીને હા કહ્યું અને બાકીના બોક્સ ગોઠવવાનું શરૂ કર્યું. એવામાં બોક્સમાંથી એક કવર નીચે પડી ગયું. કાવ્યા કવર ઉપાડે છે અને કબાટમાં મુકવા જતી હોય છે એટલામાં એની નજર કવરની ઉપર કંઈક લખ્યું હોય હતું એની ઉપર પડી. ઉપર લખ્યું હતું, 'દિલ: અનબ્રેકેબલ ફ્રેન્ડશીપ'. કાવ્યા બે ઘડી માટે ચોંકી ગઈ. એ કવર લઈને બીજા રૂમમાં દેવ પાસે ગઈ, પણ દેવ સુઈ ગયો હોય છે. તે જોઈને કાવ્યા રૂમમાં પાછી આવી અને બધો સામાન ગોઠવીને કવર લઈને શાંતિથી બેઠી. તેણે કવર ખોલ્યું, એની અંદરથી ફોટોગ્રાફ્સ નીકળ્યા. ફોટોગ્રાફ માં ત્રણ વ્યક્તિઓ હતી, એક હતો દેવ, અને બીજા બે વ્યક્તિઓ એક છોકરો અને એક છોકરી હોય છે. કાવ્યા એ ફોટોગ્રાફમાં રહેલી બેમાંથી એકપણ વ્યક્તિને ઓળખતી નથી. ધીમે ધીમે તેણે એક પછી એક તમામ ફોટોગ્રાફ્સ જોયા અને મનોમન વિચાર્યું,
"અરે વાહ, કેટલા સરસ ફોટોસ છે. દેવ આમાં કંઈક અલગ જ લાગે છે. કેટલો ખુશ લાગે છે એ ફોટોસમાં. પણ એની સાથે આ બે વ્યક્તિ કોણ છે? લાગે છે કોલેજના મિત્રો હશે. પણ આજસુધી મેં દેવના એકપણ મિત્ર વિશે કંઈજ સાંભળ્યું નથી. આ છોકરી કોણ છે અને આ છોકરો કોણ છે? ક્યારેય મને દેવે પણ કોઈ એના મિત્ર વિશે કીધું નથી. મને ખબર છે એના બહુ ઓછા ફ્રેન્ડ્સ છે, પણ આ બે વ્યક્તિને મેં ક્યારેય જોયા પણ નથી કે ક્યારેય સાંભળ્યું પણ નથી. દેવને રાતે પૂછું આ ફોટોસ વિશે."

કાવ્યાએ એના ફોનમાં એ ફોટોસ ક્લિક કરી લીધા. એટલામાં તેની નજર એક ફોટા પાછળ કંઈક લખ્યું હોય છે એના પર પડી, '25 ઓગસ્ટ: અ ડે ટુ રીમેમ્બર.' કાવ્યાએ વિચાર્યું,"આ 25 ઓગસ્ટ કેમ લખ્યું છે આવું, શુ થયું હશે એ દિવસે?" કવરની પાછળ પણ કંઈક લખ્યું હતું,'બેસ્ટ ફ્રેન્ડસ ફોરેવર અનટીલ વર્લ્ડ એન્ડ્સ.'
કાવ્યા ફોટોગ્રાફ્સ કવરમાં મુક્યા અને પોતાના વિચારોમાં ડૂબી ગઈ," 25 ઓગસ્ટ, બેસ્ટ ફ્રેન્ડ્સ ફોરેવર.... આ બધું શું છે? દેવે ક્યારેય મને આ બધી વાત કેમ નથી કરી? શું હશે? આજે પહેલી વખત મને એવું થઈ રહ્યું છે કે આ માણસને હું જાણતી હોવા છતાં પણ અજાણી હોઉં. મને ખબર છે કે દેવ બધી વાતો મને નથી કહેતો કેટલીક વાતો એ પોતાના સુધી જ સીમિત રાખે છે. આવી કેટલીયે વાતો હશે જે એણે અંદર દબાવીને રાખી હશે, અને એ જ વાતો કદાચ એને હેરાન કરતી હોય એવું પણ બની શકે. મારે એની મદદ કરવી જોઈએ, જો એ આમ ને આમ બધી વાતો અંદર સંઘરી રાખશે તો એ તેને જ દુઃખ આપશે. મારા સિવાય એનું બીજું કોઈ ફ્રેન્ડ પણ નથી. આ કામ મારે એની લાઈફપાર્ટનર નહીં પણ એની મિત્ર બનીને કરવું પડશે."

******************************

દેવ સાથે ફોટામાં એ બે વ્યક્તિ કોણ હોય છે? 25 ઓગસ્ટએ શુ થયું હોય છે? શું કાવ્યા એના આ તમામ સવાલોના જવાબો મેળવી શકશે? વાંચો આગળના ભાગ માં.