Dil A story of friendship - 9 books and stories free download online pdf in Gujarati

દિલ: એ સ્ટોરી ઓફ ફ્રેન્ડશીપ. - ભાગ-9: શંકા

ભાગ-9: શંકા


વર્ષ:2014

"ક્યાં ખોવાઈ ગયો છે આજકાલ. હમણાંથી તો તું અમને મળતો પણ નથી અને ના હોસ્ટેલ ઉપર હોય છે કે ના ફ્લેટ પર. ક્યાં છો સાહેબ આજકાલ?" દેવે ફોન ઉપર પૂછ્યું.

"છોકરી મળી ગઈ એટલે આપણને ભૂલી ગયો છે."ઇશીતાએ કહ્યું.

"ગાઈઝ, એવું કંઈ નથી. મારે તમને કંઇક કહેવું છે. આજે સાંજે મળીએ આપણાં અડ્ડા ઉપર." કહીને લવે કોન્ફરન્સ કોલ કટ કર્યો.

સાંજે ત્રણેય મિત્રો તેમના અડ્ડા ઉપર ભેગા થયા.
લવ ચૂપચાપ ઉભો રહ્યો અને દેવ અને ઇશીતા બેઠા હતા તેમની સામે આંટા મારવા લાગ્યો.

"મોઢા માંથી ભસીસ હવે કે શું થયું? આજે અચાનક કેમ અમે સાંભરી આવ્યા તને." ઇશીતાએ અકળાઈને કહ્યું.

"ગાઈઝ, મને લાગે છે. આઈ એમ ઇન લવ. મને રાશી સાથે પ્રેમ થઈ ગયો છે. એવું લાગે છે જાણે એ મારા માટે જ બની છે. વી આર મેડ ફોર ઈચ અધર." ખુશ થઈને લવે બંનેની સામે જોઇને કહ્યું.

દેવ અને ઇશીતા એકબીજાની સામે જોવા લાગ્યા.
"આ તારું પેલું દરવખતે દરેક છોકરી પાછળ થાય છે એ વાળું છે કે પછી પાક્કા વાળું?" દેવે આશંકા વ્યક્ત કરી.

"બેય ના યાર, આ પાક્કા વાળું છે અને આજે મેં તમને એટલે બોલાવ્યા છે કે હું વિચારું છું એને મેરેજ માટે પ્રપોઝ કરું તો?" લવે ઉત્સાહમાં આવીને કહ્યું.

"શું વાત છે? મારો લાલો બગડ્યો બાકી. ગો ફોર ઇટ." ઇશીતાએ થમ્સ અપ કરતા આંખ મારી.

"શું ગો ફોર ઇટ, બેસ છાનીમાની તું. યાર લવ, આટલી જલ્દી શુ છે પણ તને. આઈ મીન હજી એને ઓળખ બરાબર, એને સમજ, તારી સાથે સેટ થાય છે કે નહીં એ બધું જો તો ખરા પછી આટલો મોટો નિર્ણય કર." દેવે સલાહ આપી.

"પણ વાંધો શું છે એતો કહે?" લવે પ્રશ્ન કર્યો.

"યાર સાચું કહું તો મને એ છોકરી તારા માટે ઠીક નથી લાગતી."

"પણ કેમ? કંઈ કારણ?"

"બસ આઈ ડોન્ટ નો. મારા ઇનર વાઈબ્સ એવું કહે છે. તું એના કરતાં બેટર ડિઝર્વ કરે છે." દેવે કહ્યું.

"આખો દિવસ એ મારી જોડે પડી હોય છે અને વાઈબ્સ આને સારા નથી આવતા, બોલો. ચલ તોપણ તું કહે છે એટલે હું વિચારું છું હમણાં, ઉતાવળમાં નિર્ણય નહીં કરું." લવે જવાબ આપ્યો.

"મારું છોડો તમે બંને ક્યારે સેટિંગ પાડો છો એતો કહો. હું તો કહું છું મારી સાથે સાથે તમે લોકો પણ તમારા લાયક શોધી લો. આમાં જે મજા છે એવી એકેયમાં નથી. એક અલગ જ પ્રકારનો અહેસાસ છે." લવે પોતાની ધૂનમાં ગોળ ગોળ ફરતા કહ્યું.

"ના, ભાઈ ના. આ બધામાં હમણાં તો મારે પડવું જ નથી. મને મારી સ્વતંત્રતા વહાલી છે. તારા જેવું થવું મને ના ફાવે. કંઈપણ બોલે એટલે યોગ્ય હોય કે ના હોય બસ પડ્યો બોલ ઝીલી લેવો. તું રિલેશનશિપમાં છે, એનો નોકર નથી કંઈ. હું તો સિંગલ જ બરાબર છું." દેવે કહ્યું.

"ઍક્સેટલી." ઇશીતાએ દેવની વાતમાં મંજૂરી દર્શાવતા કહ્યું.
"અને અમે કંઈ તારા જેવા હરખપદુડા નથી."ઇશીતાએ લવની ટાંગ ખેંચતા કહ્યું.

"ઈશુ તું જ્યારે રિલેશનશીપમાં આવે ને ત્યારે કહેજે ખરા, બીજા લોકો જેવું ના કરતી. અમુક લોકો તો જાણ પણ થવા ના દે." દેવે લવને સંભળાવવા માટે ઇશીતાને કહ્યું.

"હા, હવે પણ. કેટલું સાંભળાવીશ. સોરી કીધુંને મેં." લવ અકળાઈ ગયો.

"હા તો એવું કામ કર્યું છે તો સાંભળવું તો પડશે જ." દેવે સંભળાવતા કહ્યું.

એટલાંમાં રાશી ત્યાં આવી પહોંચી.
"હેલો ગાઈઝ, વોટ્સ અપ? લવ આપણે જવાનું છે ને કાર લઈ આવતો જરા." રાશીએ હુકમ કર્યો.
લવ ત્યાંથી જતો રહ્યો.

"હાય."ઇશીતાએ જવાબ આપ્યો. રાશીને જોઈને દેવે મોઢું બગાડ્યું.

એટલામાં ઇશીતાના ફોનની રિંગ વાગી અને તે ફોન પર વાત કરવા દૂર જતી રહી.

હવે, દેવ અને રાશી બંને એકલા ત્યાં ઉભા હતા.
રાશી દેવની એકદમ નજીક જઈને ઉભી રહી ગઈ અને એના કાનની પાસે જઈને તેણે કહ્યું,"પેલા દિવસે મેં તને જે સવાલ પૂછ્યો હતો એનો તે હજી સુધી જવાબ નથી આપ્યો."

દેવનાં હૃદયનાં ધબકારા વધી ગયા. તેણે પૂછ્યું."કયો પ્રશ્ન?"
"એજ કે શું તું મારો બોયફ્રેન્ડ બનીશ?" કહીને તે ફરી દેવની સામે આવીને ઉભી રહી ગઈ.
લવે કારમાંથી હોર્ન વગાડ્યો.
"મને તારા જવાબની ઇન્તેજારી રહેશે." કહીને ખંધું હાસ્ય કરીને દેવને બાય કહેતા કહેતા તે કાર તરફ જતી રહી.

એટલામાં ઇશીતા આવી પહોંચી. "શું થયું આટલો પરસેવો કેમ વળી ગયો છે તને? આ રાશી શું કહી રહી હતી તને?" ઇશીતાએ પૂછ્યું.

"કંઈ નહીં, ચલ." દેવે પરસેવો લૂછતાં કહ્યું.

******************************

"ભાઈ, રેડી રહેજે આજે બપોરે." લવે અરીસામાં પોતાના વાળ સેટ કરતા કહ્યું.

"કેમ શું પ્લાન છે આજ બપોરનો?" દેવે કુતૂહલતાથી પૂછ્યું.

"આજે રાશીનો બર્થડે છે. એનું બધું અરેન્જમેન્ટ્સ કરવાનું છે." લવે કહ્યું.

"અરે મારે બપોરે બહાર જવાનું છે થોડું કામ છે. તું ઈશુને બોલાવી લેજેને." દેવે ખોટું બહાનું બતાવતા કહ્યું.

"ઈશુ આવાની જ છે અને તારે આવવાનું જ છે. કોઈ ખોટા બહાના નહી ચાલે." લવે આદેશ આપી દીધો.

દેવ, લવ અને ઇશીતાએ બપોરે ભેગા થઈને બર્થડે ની બધી તૈયારીઓ કરી નાખી. દેવનું મન નહોતું માનતું પણ લવની ખુશી માટે તેને ઝુકવું પડ્યું.

"શુ થયું, કેમ ખોવાયેલો ખોવાયેલો લાગે છે?" વિચારોમાં ખોવાયેલા દેવને જોઈને ઇશીતાએ પૂછ્યું.

"નથિંગ." કહીને દેવ ફુગ્ગા ફુલાવવા માંડ્યો.

"તું લવને ઉલ્લુ બનવી શકીશ, પણ મને નહીં. કંઇક વાત છે, કેટલાય દિવસથી તું આમ ખોવાયેલો ખોવાયેલો રહે છે અને આમ જાણે ચિંતામાં હોય એવું લાગે છે. કાંઈ પ્રોબ્લેમ હોય તો બોલ, આપણે કાંઈક એનું સોલ્યુશન લાવીએ." ઇશીતાએ દેવની સામે આવીને કહ્યું.

"અરે ના, કંઈ નથી. એતો થોડું ઘરનું ટેનશન અને એક્ઝામ આવે છે એનો સ્ટ્રેસ બીજું કંઇ નથી." દેવે નજરો મિલાવ્યા વગર ઇશીતાને જવાબ આપ્યો.

"ઓકે, જેવી તારી મરજી. તારે ના કહેવું હોય તો વાંધો નહીં. પણ બહુ હેરાન કરે અંદર મનમાં તો મને કહી દે જે." કહીને ઇશીતા દેવના ખભે હાથ મૂકીને જતી રહી.

દેવ અસમંજસમાં પડી જાય છે કે મારે ઇશીતાને આ વાત કરવી જોઈએ કે નહીં. એ જો નહીં માને તો. શું કામ નહીં માને હું કહીશ તો જરૂર માનશે જ. પરંતુ પછી તેણે એમ વિચારીને માંડી વળ્યું કે અત્યારે આ વાતનો બરાબર સમય નથી.

સાંજે રાશી આવી. તેણે કેક કટ કરી.
"થેંક્યું સો મચ ગાઈઝ. ઇટ મીન્સ એ લોટ. થેન્ક્સ, લવ." કહીને તે લવને ગળે વળગી પડી અને દેવને તાકીને જોઈ રહી.

દેવ નજર છટકાવીને બીજા રૂમમાં જતો રહ્યો. તેણે મનમાં વિચાર્યું,"હવે આ બધું વધારે પડતું થઈ રહ્યું છે. મારે લવને કહેવું જ પડશે. આ છોકરીથી મારે લવને દૂર રાખવો પડશે. કેવી રીતે સમજાવું પણ તેને. આ છોકરીએ પોતાનો એવો જાદુ લવ પર ચલાવ્યો છે કે તે એના વિશે કોઈપણ વાત માનશે જ નહીં."

એટલામાં રાશી એ રૂમમાં આવી. તેને જોઈને દેવ બેબાકળો થઈ ગયો અને ઉતાવળમાં રૂમમાંથી બહાર નીકળવા ગયો. રાશીએ તેના હાથથી રોક્યો અને ધક્કો મારીને પાછો રૂમમાં લાવી દીધો. તે દેવની એકદમ નજીક અડોઅડ આવીને ઉભી રહી ગઈ. દેવે તેને હડસેલી દીધી.
"તું આ બધું જે કરી રહી છે એ ખોટું છે. તું મારા બેસ્ટફ્રેન્ડની ગર્લફ્રેન્ડ છે. તને શરમ નથી આવતી આ બધું કરતા? શા માટે એની જિંદગી સાથે રમી રહી છે, એ પાગલ તારી પાછળ ઘેલો છે." કહીને દેવ ઉંધો ફરીને ઉભો રહી ગયો.

રાશી દેવને પાછળથી બાહોપાશમાં વળગીને ઉભી રહી ગઈ.

"ગાઈઝ, તમારા માટે વાઈન રેડી છે..." એટલામાં લવ ત્યાં આવી પહોંચ્યો. તે જોઈને થોડો આશ્ચર્યચકિત થઈ ગયો. એક સમય માટે તેને મનમાં શંકા જાગી પણ બીજી જ ક્ષણે દૂર થઈ ગઈ.

અચાનક રાશી અને દેવ બંને ઉતાવળા છુટા પડી ગયા અને બંનેના ચહેરા ઉપર ગભરાહટ છવાઈ ગઈ. દેવનો ચહેરો ભાવરહિત થઈ ગયો. તેને કંઈ સુજ્યું નહીં આ પરિસ્થિતિમાં શું કરવું.

"અહીં આ રૂમમાં ગરોળી છે. તને ખબર છે ને મને ગરોળીથી બહુ બીક લાગે છે. દેવે તેને ભગાડી." રાશી દોડતી આવીને લવને વળગી પડી.

"હા, હું વાઈન જરૂર લઈશ." દેવે જલ્દીથી આ પરિસ્થિતિમાંથી નીકળવા માટે કહ્યું. તે ફટાફટ બે-ત્રણ ગ્લાસ વાઈન પી ગયો.

" શાંત ભાઈ શાંત. આજે ફોર્મમાં લાગે છે બાકી." લવે દેવ સામે જોઇને કહ્યું.

ઇશીતાએ દેવને સંભાળ્યો,"આર યુ ઓકે? કાંઈ થયું છે? આજે કેમ કેપેસિટી બહાર જઇ રહ્યો છે?"

"ના ના, લેટ્સ એન્જોય ધ પાર્ટી." કહીને દેવ ડીજે ઉપર નાચવા લાગ્યો. રાશી પોતાના ગ્લાસમાંથી વાઈન પીતાં પીતાં દેવને જોઈ રહી.

"ચલો ગાઈઝ, હું નીકળું મારે થોડું કામ છે. બાય." કહીને દેવ ફ્લેટમાંથી નીચે ઉતરવા લાગ્યો.

"મારે પણ ઘરેથી ફોન આવી ગયો છે, ઘરે પણ પાર્ટી છે આજે. કાલે મળું. બાય." લવને ભેટીને રાશી પણ ફટાફટ નીચે ઉતરવા લાગી.

એટલામાં લવને કોલ આવ્યો અને વાત કરવા તે ગેલેરીમાં જતો રહ્યો.
દેવ નીચે ઉતરીને કપાળ ઉપર હાથ રાખીને ઉભો રહી ગયો. એટલામાં પાછળથી રાશી આવી અને દેવની બાજુમાંથી અડીને પસાર થઈ ગઈ અને જતા જતા પાછું વળીને દેવ સામે હસતા હસતા આગળ ગઈ.

દેવનું મગજ છટક્યું. તે ઉતાવળમાં આગળ ચાલવા લાગ્યો અને રાશીનો હાથ પકડી લીધો અને ધમકાવવા લાગ્યો,"આ લાસ્ટ વોર્નિંગ છે તારા માટે, લવથી દૂર રહેજે નહીં તો આનું પરિણામ સારું નહીં આવે. તારે જવાબ જોઈતો હતોને તો મારો જવાબ છે ના,ના,ના. જો તારા લીધે લવને કંઈપણ તકલીફ પહોચી છે કે દુઃખી થવું પડ્યું છે તો મારાથી વધારે ખરાબ તારા માટે કોઈ નહીં હોય." દેવે આંગળી બતાવતા ધમકીભર્યા સ્વરમાં કહ્યું.

"ગુડ. ધ્યાન રાખજે, આવેશમાં આવીને કંઈ એવું ના થઇ જાય કે તારે પસ્તાવાનો વારો આવે. અને રહ્યો સવાલ મારો તો હું ધારું છું એ મેળવીને જ રહું છું. નહીં તો સામે વાળાની લાઈફ હેલ કરી દઉં છું. ગુડ બાય દેવ." પોતાનો હાથ છોડાવતા હસતા હસતા રાશીએ દેવને જવાબ આપ્યો.

ઉપર ગેલેરીમાંથી લવ આ બધું જોઈ રહ્યો હતો. તેને સમજાયું નહીં કે આ બધું શું ચાલી રહ્યું છે. દેવ આ રીતે આંગળી બતાવીને કેમ રાશી સાથે વાત કરી રહ્યો છે. તેના મનમાં શંકા જાગી.

દેવ હોસ્ટેલ આવ્યો અને તેને સમજાયું નહીં કે આ બધું શુ થઈ રહ્યું છે. મનમાં ને મનમાં આ વાત તેને કોરી ખાઇ રહી હતી. આ વાત તે ના કોઈને કહી શકતો હતો કે ના સહન કરી શકતો હતો. તેણે નક્કી કર્યું કે હવે જો આવું કંઈ થશે તો તે બધી જ વાત લવ અને ઇશીતાને કહી દેશે. આ લાસ્ટ ચાન્સ છે. આજે જે કાંઈ બન્યું એના પછી રાશી પોતાની હરકતો છોડી દેવી જોઈએ. અને એવું જ થયું રાશીની હરકતો ઘટી ગઈ. હવે તે પહેલાં કરતા સારી રીતે લવને ટ્રીટ કરવા લાગી. પણ દેવને તેની સાથે જે થયું હતું તેના લીધે ધીમે ધીમે દેવે જ્યાં જ્યાં રાશી આવવાની હોય એ તમામ ઇવેન્ટ્સને ટાળવાનું નક્કી કર્યું અને બધું નોર્મલ થઈ ગયું. લવને પણ બધું સરખું લાગતા તેણે પણ પેલા દિવસે જે જોયું એ વિશે દેવ સાથે વાત કરવાનું ટાળ્યું.

******************************

વર્ષ:2015

"યાર જોને જોતજોતામાં તો આખરી સેમેસ્ટર આવી ગયું. સમય કેટલો જલ્દી પસાર થઈ ગયો. ખબર જ ના પડી. થોડા સમયમાં તો આપણે છુટા પડી જઈશું. કોણ ક્યાં હશે કંઈ ખબર નહીં હોય." લવે કહ્યું.

"એ પહેલા હજી એક આખું સેમેસ્ટર સાથે છીએ એ જોને પણ. હમણાં જ્યાં છે એને એન્જોય કાર, ક્યારે શું થાય કોને ખબર." દેવે ફોનમાં સ્ક્રોલ કરતા કહ્યું.

એટલામાં દેવના ફોનની રિંગ વાગી.
દેવે ફોન ઉપડ્યો,"હેલો."

"દેવ બેટા, જલ્દી આવી જા ઘરે. તારા પપ્પાની હાલત બહુ ખરાબ છે. " સામે છેડેથી અવાજ આવ્યો. દેવે ખાસો સમય ફોન પર વિતાવ્યો. પછી ઉતાવળમાં અંદર આવ્યો અને ચૂપચાપ પોતાનાં બેડ ઉપર માથે હાથ મૂકીને બેસી ગયો.

"મારે ઘરે જવું પડશે. પપ્પાની તબિયત બહુ ખરાબ છે. તેમને છેલ્લા સ્ટેજનું કેન્સર છે. એમની પાસે સમય ખૂબ ઓછો છે." કહીને દેવ રડવા લાગ્યો.

લવે તેને શાંત કર્યો અને કહ્યું,"તું જા. એમની સાથે સમય પસાર કર હવે. હમણાંથી એમ પણ તું ઘરે ગયો નથી. શાંતિથી રહે ત્યાં અને પછી આવ." લવે તેને સમજાવતા કહ્યું.

દેવે ઇશીતાને ફોન કર્યો અને બધી વાત કરી. પોતાનો સામાન પેક કર્યો. લવ અને ઇશીતા દેવને મુકવા સ્ટેશન આવ્યા.

"અહીં અમારી કોઈ ચિંતા તું ના કરતો. મને ખબર છે તને અમારા બંનેની ખૂબ ચિંતા રહે છે. અંકલને તારી વધારે જરૂર છે. ઘરે જા અને એમની સાથે સમય વિતાવ." ઇશીતાએ દેવને ગળે લગાડતા કહ્યું.

ત્રણેય મિત્રો એકબીજાને ભેટી પડ્યા.

*****************************

"આ મારી એમની સાથેની છેલ્લી સારી યાદગાર મુલાકાત હતી. પછી હું બે મહિના માટે અમદાવાદમાં આવી ગયો. પપ્પાની તબિયત દિવસે દિવસે બગડતી જતી હતી. પપ્પાની સારવારમાં મારો લવ અને ઇશીતા સાથે સંપર્ક ઓછો થઈ ગયો. એમને ના મારા કોઈ સમાચાર મળતાં હતા, ના મને એમનામાંથી કોઈના. પપ્પાનું મૃત્યુ થઈ ગયું. બસ એટલા ન્યુઝ મેં એમને આપ્યા હતા. ખાલી એક જ વાર વાત થઈ હતી બે મહિનામાં. બધી વિધિ પતાવીને બે મહિના પછી હું પાછો સુરત પહોંચ્યો. સુરત પહોંચીને જોયું તો બધું બદલાઈ ગયું હતું. આ બે મહિનામાં બધું જ ચેન્જ થઈ ગયું હતું અને પછી બે મહિના બાદ જે બન્યું એણે મને અંદરથી તોડી નાખ્યો." દેવે ગળગળા થતા કહ્યું.

"એવુ તો શું થયું કે જેણે અંદરથી આટલો બધો તોડી નાખ્યો? તને એ બધાથી દૂર કરી નાખ્યો? આટલી સારી ફ્રેન્ડશિપને તોડી નાખી?" કાવ્યાએ દેવને પાણી આપતા કહ્યું.

દેવે પાણી પીધું અને ભૂતકાળનું એ સૌથી ખરાબ પ્રકરણ કહેવાનું શરૂ કર્યું.

(ક્રમશઃ)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED