Dil A story of friendship - 5 books and stories free download online pdf in Gujarati

દિલ: એ સ્ટોરી ઓફ ફ્રેન્ડશીપ. - ભાગ-5: કોલેજનો પ્રથમ દિવસ

ભાગ-5: કોલેજનો પ્રથમ દિવસ


દેવ સવારે વહેલા ઉઠી ગયો અને તૈયાર થઈને ભગવાનની પૂજા કરવામાં વ્યસ્ત થઈ ગયો. આજે તેનો કોલેજનો પહેલો દિવસ હતો.
તેણે ભગવાનને પ્રાર્થના કરી, "હે ભગવાન! આજથી હું મારી કારકિર્દીની શરૂઆત કરવા જઈ રહ્યો છું. મને શક્તિ આપજે કે હું મારા કામમાં સફળતા પ્રાપ્ત કરું. મારા ઉપર તમારી કૃપા બનાવી રાખજો." દેવે ભગવાનને હાથ જોડ્યા.

"લવ ઉઠ. હું કોલેજ જાઉં છું, આજે પહેલા દિવસે મારે લેટ નથી થવું." દેવે કોલેજ જવા તૈયાર થતાં કહ્યું.

"તું જા. હું આવું છું પછીથી." લવે તાકીયામાં માથું નાખેલું રાખી હાથ હલાવતા દેવને કહ્યું.

દેવ કોલેજ જવાં નિકળ્યો. વચ્ચે રસ્તામાં તે ગાર્ડન આગળ ઉભો રહી ગયો. ગાર્ડનમાં ફરતા ફરતા અચાનક તેની નજર એક ઝાડ નીચે બાંકડા ઉપર બેસેલી છોકરી ઉપર પડી. એ છોકરી કંઈક કરી રહી હતી. દેવને દૂરથી ખબર ના પડી એટલે તે થોડો નજીક ગયો. તે છોકરીએ ડેનિમનું ભૂરા રંગનું જીન્સ અને આસમાની રંગનું ટીશર્ટ પહેર્યું હતું. તેના વાળ ખુલ્લા હતા અને હવાની લહેરો વારે ઘડીએ તેના વાળની લટોને તેના ચહેરા ઉપર ફેંકી રહ્યા હતા. આવા એકદમ સાદા કપડામાં પણ તે મનમોહક લાગી રહી હતી. તે કાનમાં હેન્ડસ્ફ્રી ભરાવીને પોતાની ડાયરીમાં કંઈક લખી રહી હતી. તે વચ્ચે વચ્ચે અટકતી પછી સામે જોઇને કંઈક બોલતી અને ડાયરીમાં લખતી.

દેવ આ બધુ છુપાઈને જોઈ રહ્યો હતો. તે છોકરીને જોઈને દેવને મનમાં થયું કે આ છોકરીને મેં ક્યાંક જોઈ છે. દેવ પોતાના મગજ ઉપર ભાર આપે છે, પરંતુ તેને યાદ નથી આવતું એટલે તે વિચારે છે કે કદાચ તેના મનનો વહેમ હશે.

એટલામાં લેક્ચર માટેનો બેલ વાગ્યો અને એ સાંભળીને ફટાફટ એ છોકરીએ પોતાના હેન્ડસ્ફ્રી કાઢ્યા. પોતાની ડાયરી બંધ કરી અને જલ્દી જલ્દીમાં બેગમાં મૂકી ના મુકી કરીને પછી લેક્ચર હોલ તરફ જવા લાગી. વચ્ચે રસ્તામાં તેની ડાયરી પડી ગઈ. તે છોકરીને આ વાતની ખબર નહોતી. તે પોતાની ધૂનમાં કોલેજમાં જતી રહી. દેવ આ બધું નિહાળી રહ્યો હતો. તે ફટાફટ એ તરફ ભાગ્યો અને ત્યાં પહોંચીને તેણે ડાયરી ઉઠાવી. તેણે ડાયરીને ફેરવીને બધી બાજુથી જોઈ અને પછી જે તરફ પેલી છોકરી ગઈ હતી તે દિશામાં નજર કરી, પણ તે છોકરી જતી રહી હતી. દેવ ડાયરીને ફરી જોવે છે અને તેને ખોલવા જાય છે પણ પછી તેને અંદરથી થાય છે, "ના, આ કોઈ માણસની અંગત વસ્તુ કહેવાય. મારે આ રીતે કોઈની પણ ડાયરી આ રીતે ખોલીને ના જોવી જોઈએ." એમ વિચારીને તેણે ડાયરીને પોતાની બેગમાં મૂકી દીધી અને વિચાર્યું કે હવે જ્યારે તે દેખાશે ત્યારે તેને પાછી આપી દેશે.

આવું વિચારીને તે બે ડગલા આગળ જાય છે એટલામાં જ કોઈ દેવના માથે ટપલી મારી. દેવે પાછળ વળીને જોયું.

"તું?" દેવે માથે હાથ ફેરવતા જવાબ આપ્યો.

"યસ માય લોર્ડ. હું પોતે." લવે કહ્યું.

"આટલો જલ્દી! કેવી રીતે? હમણાં તો હજી તું ઊંઘતો હતો." દેવે આશ્ચર્ય સાથે કહ્યું.

"એ જ તો મારું ટેલેન્ટ છે. શીખવાડી દઈશ તને પણ. ડોન્ટ વરી. બાય ધ વે, તું તો ક્યારનો નીકળ્યો છે તો હજી સુધી અહીં શુ કરતો હતો? કોઈ છોકરીને નિહાળીને નયનસુખ પ્રાપ્તિ તો નહોતો કરતો ને?" લવે દેવની મશ્કરી કરતા કહ્યું અને હસવા લાગ્યો.

"ના, ના. એ...એ...તો હું આ સવારમાં તાજી હવા ખાવા માટે થોડીવાર અહીં ગાર્ડનમાં આવ્યો હતો અને એટલામાં તું આવી ગયો. ચાલ ચાલ જલ્દી, નહીં તો મોડું થઈ જશે લેક્ચર માટે." દેવે હાંફળાફાંફળા થતા કહ્યું.

"ચીલ, બ્રો. આટલો ગભરાઈ કેમ જાય છે. ના કરતો હોય મેં કીધું એવું બધું, તો હવેથી કર. આ જ તો ઉંમર છે. અત્યારે આ બધું નહીં કરે તો ભવિષ્યમાં શુ ધૂળ યાદ કરીશ કોલેજ લાઈફને. ડિગ્રીને સાફ કર્યા કરજે ઘડપણમાં. ચલ આજથી પ્રતિજ્ઞા કર કે તું આજથી જ આ બધીજ વસ્તુઓ કરવાનું શરૂ કરી દઈશ. તારા ગુરુજી ઉભા છે અહીં, તને આ વિશેનું જ્ઞાન વહેંચતો રહીશ બાળક." લવે હાથથી આશીર્વાદ આપતો હોય એમ કરીને દેવને કહ્યું.

"છાનીમાંની લેક્ચરમાં જવાનું કરને. જ્ઞાન આપવા વાળી ના જોઈ હોય તો મોટી." દેવે લવનો કાન મરડતા કહ્યું.

"આહ. એક જ દિવસમાં તને તો પાંખો ફૂટવા માંડી છે. લાગે છે આ શહેરની હવા લાગવા માંડી છે તને. હજી આજે પહેલા સેમેસ્ટરનો પહેલો દિવસ છે. હજીતો આઠ સેમેસ્ટર કાઢવાના છે. આજથી લોડ ચાલુ આ લેકચરના પણ અને તારા પણ. ચાલ હવે." લવે પોતાનો કાન દેવનાં હાથમાંથી છોડાવતા કહ્યું.

બંને જણા લેક્ચર હોલમાં દાખલ થયા. દેવ આગળ આગળ અને લવ પાછળ પાછળ. દાખલ થતાં જ દેવની નજર તેણે હમણાં જ ગાર્ડનમાં જોયેલી પેલી છોકરી ઉપર પડી. તે છોકરી ચૂપચાપ કાનમાં હેન્ડસ્ફ્રી ભરાવીને મોબાઈલમાં કંઈક કરી રહી હતી. અચાનક દેવ તેને જોઈને અટકી ગયો. પાછળથી લવે ધક્કો મારતા દેવને કાનમાં કહ્યું, " જરાય નહીં. આગળની બેન્ચ ઉપર નથી બેસવાનું. સેકન્ડ લાસ્ટ લાઇનની બેન્ચમાં ચલ." દેવ અને લવ બંન્ને ફટાફટ સેકન્ડ લાસ્ટ બેન્ચ પર જઈને બેસી ગયા.

દેવને પેલી ડાયરી યાદ આવી. તેને ફરી એકવાર ડાયરી ખોલીને જોવાની મનમાં લાલચ જાગી. તેણે બેગમાં હાથ નાખ્યો અને લવ જોવે નહીં તે રીતે બેગની અંદર ડાયરી ખોલીને પહેલું પાનું જોયું.
તેણે નામ વાંચ્યું. 'ઇશીતા.' અને એની નીચે અંગ્રેજીમાં લખ્યું હતું.
'Ishu's world of words.'

"આ શું કરી રહ્યો છે? કંઈ છે બેગમાં? લાવ તો બતાવ તો." લવે દેવની બેગ ખેંચતા કહ્યું.

"અ....રે....કંઈ નથી. ખાલી બેગમાં ચેક કરતો હતો કે બુક લાવ્યો છું કે નહીં."દેવે પોતાની બેગ બંધ કરીને બેબાકળા થતા કહ્યું.

લેક્ચર ચાલુ થાય છે.
દેવની નજર એટલામાં ઇશીતા ઉપર પડી. તે એકદમ આકુળવ્યાકુળ થઈને પોતાની બેગ ફેંદી રહી હતી. તેને ખબર પડી ગઈ કે તેની ડાયરી ગુમ થઈ ગઈ છે. દેવ પાછળથી આ બધું જોઈ રહ્યો હતો.

"યાર, કોમ્પિટિશન તો છે. પચાસ છોકરા અને વીસ છોકરીઓ. બહુત નાઇન્સાફી હૈ." લવે આખા હોલમાં ડાફેરિયા મારતા ધીમેથી દેવને કહ્યું.

"તે એટલીવારમાં આ બધું જોઈ પણ લીધું. તું નહીં સુધરે." દેવે જવાબ આપ્યો.

"આ બધું તો પહેલા જોવું પડે. ખબર તો પડવી જોઈને કે વિકલ્પો કેટલા છે અને ક્યાં મહેનત કરવાની જરૂર છે." આંખ મારીને હસતા હસતા લવે કહ્યું.

"ચા બનવતા આવડે છે?" દેવે પૂછ્યું.

"ના. કેમ?" લવે સામે સવાલ કર્યો.

"ડોન્ટ વરી, હું શીખવાડી દઈશ. તારે પણ બીજા વિકલ્પ શોધી રાખવા પડશેને કેરિયર માટેના. એન્જીનીયરીંગ પતાવવાના તો તારા કોઈ લક્ષણો દેખાતા નથી. ચા ની લારી કરવાનો જ વારો આવવાનો છે તારે." દેવે ઠેકડી ઉડાવતા કહ્યું.

"જોઈએ છે હોં, ચા વાળી આઈ મોટી." લવે મોઢું બગડતા કહ્યું.

લેક્ચર પતી જાય છે.
"તું કેન્ટીન પહોંચ. હું આયો પાંચ મિનિટમાં કોલ કરીને." લવે દેવને કહ્યું અને નીકળી ગયો.

દેવને હવે ડાયરી આપવાની ઉતાવળ થઈ ગઈ. તે લેક્ચર હોલમાંથી નીકળ્યો અને ઇશીતાને શોધવા લાગ્યો. તે બહાર ગાર્ડનમાં પણ જઇને આવ્યો. પણ ક્યાંય તે મળી નહીં. આખરે તે કેન્ટીનમાં પહોંચ્યો. તેણે ચા લીધી અને બેસવા માટે જગ્યા શોધવા લાગ્યો. એક જ ટેબલ પાસે જગ્યા હતી અને એ ટેબલ ઉપર તેણે ઇશીતાને બેસેલી જોઈ. તે ટેબલ પાસે ગયો.

" એક્સ્ક્યુઝ મી, કેન આઈ સીટ હીયર?" દેવે પૂછ્યું.

"સ્યોર" કહીને ઇશીતાએ પોતાનું બેગ ઉપાડ્યું.

દેવ તેને કંઈક કહેવા જતો હતો એટલામાં લવ ત્યાં આવી પહોંચ્યો.
"અલા, તું અહીંયા બેઠો છે. હું તને ક્યારનો શોધું છું બધે." લવે કહ્યું.

ઇશીતા ઉભી થઇ અને ફોનમાં જોતા જોતા ત્યાંથી નીકળી ગઈ. લવ તેને જતા જતા જોઈ રહ્યો અને દેવની પાસે આવીને બેસી ગયો.

"ભાઈ, કોણ હતી આ?" લવે ઇશારામાં દેવને પૂછ્યું.

"ખબર નહીં. હું હાલ જ આવીને બેઠો. આ જ જગ્યા ખાલી હતી તો." દેવે ચા પીતાં પીતાં જવાબ આપ્યો.

થોડીવારમાં બંને ત્યાંથી ઉભા થયા અને હોસ્ટેલ જવા નીકળ્યા.
જતા જતા દેવે જોયું કે ગાર્ડનમાં એ જ બાંકડા ઉપર ઇશીતા પોતાના ખોળામાં બેગ મૂકી તેના ઉપર માથું ઢાળીને બેઠા બેઠા રડી રહી હતી.

"તું રૂમ ઉપર પહોંચ, હું આવ્યો થોડી વારમાં."દેવે લવને કહ્યું.

"ઓકે."લવ પોતાની મસ્તીમાં હોસ્ટેલ જવા તરફ નીકળ્યો.

દેવે પોતાની બેગમાંથી ડાયરી કાઢી અને તેને હાથમાં પકડી તે ઇશીતાની પાસે ગયો.

"એક્સ્ક્યુઝ મી?" દેવે તેને બોલાવતા કહ્યું.

ઇશીતાએ માથું ઊંચું કર્યું અને રડતી આંખોએ ઉપર જોયું.

દેવે તેની ડાયરી સામે ધરતા કહ્યું,"આ તારી ડાયરી. સવારે અહીં પડી ગઈ હતી."

ઇશીતાએ પોતાના આંસુ લૂછયા ડાયરી લીધી અને કંઈપણ બોલ્યા વગર ફટાફટ ત્યાંથી ઉભી થઈને જતી રહી.

"અજીબ છોકરી છે. થેન્ક યુ પણ કહ્યું નહીં અને નીકળી ગઈ." એમ વિચારતા વિચારતા દેવ આગળ વધ્યો અને થોડે આગળ જઈને લવને જોઈને અટકી ગયો.

"આ બધું શું હતું?" લવે દેવને પૂછ્યું.

"અરે એતો સવારે એ છોકરીની ડાયરી પડી ગઈ હતી તો એ આપવા ગયો હતો." દેવે જવાબ આપ્યો.

"અચ્છા, એટલે ભાઈ વહેલી સવારે અહીં ફિલ્ડિંગ ભરી રહ્યા હતા. હું સવારે જે કહેતો હતો એ સાચું જ હતું એટલે. કંઈનહીં લગે રહો." લવે સવારની વાત યાદ કરતા કહ્યું.

" મને કોઈ ઇન્ટરેસ્ટ નથી એનામાં. ખાલી ડાયરી આપવા ગયો હતો." દેવે ચાલતા ચાલતા આગળ જતાં કહ્યું.

"તો ઇન્ટરેસ્ટ લે. શી ઇસ બ્યુટીફૂલ. તને નંબર આપ્યો કે નહીં?" લવે આતુરતામાં પૂછ્યું.

"શુ ધૂળ નંબર, ડાયરી આપી તો થેન્ક યુ પણ નથી કીધું." દેવે જવાબ આપ્યો.

"અરેરેરે, ભાઈનો ઈગો હર્ટ થઈ ગયો લાગે છે." લવે મસ્તીમાં કહ્યું.

"તું આજે પહેલા જ દિવસથી મારા હાથનો માર ખાવાનું મુહૂર્ત કરવા ઈચ્છતો લાગે છે." કહીને દેવ લવને મારવા દોડ્યો.

(ક્રમશઃ)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED