Dil A story of friendship - 12 books and stories free download online pdf in Gujarati

દિલ: એ સ્ટોરી ઓફ ફ્રેન્ડશીપ. - ભાગ-12: માફી

ભાગ-12: માફી


"મારી આ રામાયણમાં હું તને પૂછવાનું જ ભૂલી ગયો, કેવી રહી તારી મિટિંગ? મળી ગયો પ્રોજેકટ?" દેવને અચાનક યાદ આવતા પૂછ્યું.

"મિટિંગ સારી રહી. અને ફાઇનલી મને ડીલ મળી ગઈ છે. બહુ મોટો પ્રોજેકટ છે. પણ એક પ્રોબ્લેમ છે." કાવ્યાએ ચિંતા દર્શાવતા કહ્યું.

"શુ પ્રોબ્લેમ છે?"

"પંદર દિવસમાં જ બધુ ઉભું કરવાનું છે. આટલા શોર્ટ ટાઈમમાં બહુ લોડ પાડવાનો છે." કાવ્યાએ દેવને કારણ જણાવ્યું.

"તું ચિંતા ના કર. હું તારી સાથે જ છું, આપણે બધું પરફેક્ટ અરેન્જ કરી દઈશું." દેવે કાવ્યની ચિંતા હળવી કરતા કહ્યું.

"પણ મને એ માણસો થોડા ઘમંડી હોય એવું લાગ્યું. એમાંથી એકે તો મને પૂછ્યું કે તમે આમ બહાર કામ કરવા ફર્યા કરો તો તમારા ઘરવાળા લોકો મંજૂરી આપે? અને બોલ એમણે કહ્યું કે બધું એકદમ ટોપ કલાસ જોઈએ પણ દુલ્હા-દુલ્હનની મરજીનું નહીં એમની મરજીનું જાણે એ લોકો પરણવાના છે ને." કાવ્યાએ અણગમો વ્યક્ત કર્યો.

"હાથ બાથ તો નહીં ઉઠાવી દીધેલોને તેં? તું રહી દબંગ, તારું કંઈ કહેવાય નહીં, છટકે તો સામે વાળાની શામત આવી જાય. પછીતો હું પણ એને ના બચાવી શકું. હાથ ઊંચા જ કરી દઉં." દેવે મજાકિયા સ્વરમાં કહ્યું.

"ઈચ્છા તો થઈ જ ગઈ હતી. આ ડીલ લેવાની ગરજ ના હોત તો સો ટકા પડી ગઈ હોત એ માણસને. પણ એવો જવાબ આપ્યો છેને કે હવે આવું કંઈપણ બોલતા પહેલા સો વાર વિચારશે." કાવ્યાએ એ પ્રસંગને યાદ કરતા કહ્યું.

"વાહ, મારી દબંગ ડાર્લિંગ, વાહ. તને ઓર્ડર મળી ગયો એની ખુશીમાં આજે રાતે આઈસ્ક્રીમ પાર્ટી." દેવે કહ્યું.

દેવ ઘરમાંથી બહાર નીકળ્યો અને આઈસ્ક્રીમ લેવા માટે ગયો. તેને રસ્તામાં એવો આભાસ થયો કે કોઈ તેનો પીછો કરી રહ્યું છે. તેણે પાછું વળીને જોયું, પણ તેને કોઈ દેખાયું નહીં. તેને લાગ્યું આ તેનો ભ્રમ હશે. તે આઈસ્ક્રીમ લઈને પાછો ઘરે આવી ગયો.

******************************

સંધ્યાકાળનો સમય હતો. દેવ અને કાવ્યા બેસીને પ્રોગ્રામમાં શું અરેન્જમેન્ટ્સ કરવી એના વિશે ચર્ચા કરી રહ્યા હતા. એટલામાં ડોરબેલ વાગી.

"તું બેસ, હું જોઉં છું." દેવ ઉભો થયો.
તેણે દરવાજો ખોલ્યો અને ખોલતાની સાથે જ તેણે લવને પોતાના દરવાજાની બહાર ઉભેલો જોયો. તે હેબતાઈ ગયો. બંનેએ એકબીજાની સામે જોયું. દેવે બેબાકળા થઈને દરવાજો બંધ કરી દીધો અને ગભરાહટમાં પાછો આવી ગયો.

"કોણ હતું?" દેવને જોઈને કાવ્યાએ પૂછ્યું.

"ક..ક..કોઈ નહીં." દેવે અચકાતા જવાબ આપ્યો.

એટલામાં ફરી ડોરબેલ વાગી. આ વખતે કાવ્યા ઉભી થઇ. તેણે દરવાજો ખોલ્યો. સામે લવ ઉભો હતો. તે આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણે પાછું વળીને દેવ સામે જોયું અને લવને અંદર બોલાવ્યો, "ઓહ, હાય. અંદર આવને."

"એને કહી દે કે પાછો જતો રહે. શું કામ ફરીથી આવ્યો છે?" ઉંધા ફરીને ઉભેલા દેવે કહ્યું.

"દેવ, પ્લીઝ. એકવાર એની વાત તો સાંભળી લે કે એ શેના માટે આવ્યો છે. એને બોલવાનો મોકો તો આપ, તને તો ખબર છે કે એ મોકો ના મળે તો કેવું થાય છે." કાવ્યાએ ફરી એ પ્રસંગો દેવને યાદ કરાવતા કહ્યું.

લવ ભીની આંખોએ અંદર આવ્યો. ઉંધા ફરીને ઉભા દેવના ખભા ઉપર તેણે હાથ મુક્યો. દેવ ફર્યો.
"દોસ્ત, હું તારી માફી માંગવા આવ્યો છું. મને બોલવાનો એક ચાન્સ પણ નહીં આપે? મારો હવે તારી પાસે એટલો પણ હક નથી બનતો?' બંનેની આંખોમાં અશ્રુધારા વહી રહી હતી. બે ઘડી બંને એકબીજાની સામે જોઈ રહ્યા. દેવથી રહેવાયું નહીં અને તે લવને જોરથી ભેટી પડ્યો અને બંને વચ્ચે રહેકી અબોલાની એ દીવાલ તૂટી ગઈ. આટલા વર્ષો પછી ફરી વખત બંને મિત્રોનો ભરત મિલાપ થયો હતો. બંનેને આમ જોઈને કાવ્યાની આંખમાં પણ આંસુ આવી ગયા, પરંતુ આ આંસુ ખુશીના હતા. દેવને પોતાના બેસ્ટફ્રેન્ડને આ રીતે મળતાં જોઈને સૌથી ખુશ આજે જો કોઈ હતું તો એ કાવ્યા હતી.

"આટલા વર્ષોમાં એકવાર પણ ફોન કરવાનો કે મળવાનો તને ખ્યાલ ના આવ્યો?" રડતા રડતા દેવે કહ્યું.

"જે કંઈપણ થયું એના પછી હું કયા મોઢે તને મળવા આવું."

બંને છુટા પડ્યા. દેવે તેને બેસાડ્યો. બંનેએ એકબીજાના આંસુ લૂછયા.
"બોલ હવે, શું કરે છે? કેમ છે? ક્યાં છે આજકાલ?" દેવ વાત શરૂ કરી.

લવ ઉભો થઇ ગયો અને હાથ જોડીને તેણે કહ્યું,"મને માફ કરી દે દોસ્ત. મેં તારી વાત ઉપર વિશ્વાસ ના કર્યો. તારી ઉપર શક કર્યો. તને ઘણા બધા ન કહેવાના શબ્દો કહ્યા. મને આજે મારા ઉપર શરમ આવી રહી છે કે જે માણસે બચાવવા પ્રયત્નો કર્યા એ જ માણસ સાથે મેં આવું વર્તન કર્યું." લવે માફી માંગતા કહ્યું.

"આ શું બોલે છે, તારે માફી ના માંગવાની હોય. જે થઈ ગયું એ થઈ ગયું. મારી પણ ભૂલ છે, મેં પણ આટલા વર્ષોમાં તમે લોકો ક્યાં છો એ જાણવા જરાય પણ પ્રયત્ન ના કર્યો." કહીને ફરી બને એકબીજાને વળગી પડ્યા.

"બાય ધ વે, આ કાવ્યા છે, મારી વાઈફ. કાવ્યા આ લવ છે" તેણે લવને કાવ્યાની ઓળખ આપી.

"લગ્ન પણ કરી લીધા અને બોલાવ્યા પણ નહીં, અને એપણ પાછું મારાથી પણ પહેલા. નોટ બેડ." લવે કાવ્યાને ઇશારામાં હાય કહેતા કહ્યું.

"આજે રાતે તું અહીંયા જ રહીશ, કોઈપણ બહાના ચાલશે નહીં. જુના દિવસોની જેમ ફરી આજે બે ભાઈઓ ભેગા થઈને જમાવીશું." દેવે ખુશ થઈને લવને આદેશ આપ્યો.

રાતે બાર વાગે ત્રણેય જણા ગેલરીમાં ગોઠવાઈ ગયા. કાવ્યા આઈસ્ક્રીમ લઈને આવી.

"યાર, જુના દિવસો યાદ આવી ગયા આજે. બહુ બધી વાતો કરવી છે, પણ ખબર નથી પડી રહી ક્યાંથી સ્ટાર્ટ કરું?" લવે કહ્યું.

"જ્યાંથી વાત અધૂરી રહી ગઈ હતી ત્યાંથી." દેવે લવના ખભે હાથ મુકતા કહ્યું.

લવે વાત કરવાની શરૂ કરી,"હા, જે દિવસે આ બધું થયું એના પછી બે ત્રણ દિવસ અમે, હું અને ઇશીતા મળ્યા. હજી વિશ્વાસ નહતો આવતો કે આવું કંઈ થયું છે પણ પછી અમેં વિચાર્યું કે હવે જીવનમાં આગળ તો વધવું જ પડશે. ધીમે ધીમે બધું નોર્મલ થવા લાગ્યું હતું, પણ તારી કમી વર્તાતી હતી. અમેં ચારેય જણાં હું,રાશી,ઈશુ,સાગર ધીમે ધીમે નજીક આવી ગયા. ક્યાંય પણ ફરવા જઈએ, પાર્ટી કરીએ બધે જ અમે સાથે રહેવા લાગ્યા. પણ પછી એક દિવસ તે જે વસ્તુ કહેલી એ જ વસ્તુ મેં મારી આંખે જોઈ અને બંનેને રંગે હાથ મેં ફ્લેટમાં ઝડપી લીધા. મેં ઈશુને પણ બોલાવી અને બહુ મોટી બબાલ થઈ. ત્યારે બધું જ ક્લિયર થઈ ગયું કે એ બંને જણાં અમારા બંને સાથે માત્ર પૈસાના લીધે હતા અને આ બધું કેટલાયે ટાઇમથી એમની વચ્ચે ચાલી રહ્યું હતું અને ચારેય જણાનું સાથે જવાનો પણ મુખ્ય હેતુ એ બંને આસપાસ રહે એ હતો. એમણે એ પણ સ્વીકાર્યું કે એમણે તને ફસાવ્યો હતો. આ જાણ્યા પછી અમારા પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ હોય એવી હાલત થઈ ગઈ. ઈશુ રોઈ રોઈને બેહાલ થઈ ગઈ. અમને ખૂબ પસ્તાવો થયો કે અમે તારા ઉપર શંકા કરી. ફરીથી તારો સામનો કરવાની અમારામાં કોઈ હિંમત નહતી. પણ પછી મેં તને વોટ્સએપ પર ઘણાબધા મેસેજ કર્યા, ઈશુએ ઘણાબધા કોલ કર્યા પણ તે તારો નંબર બદલી નાખ્યો હતો. તારી સાથે જે થયું એના પછી અમે એ અપરાધ ભાવમાં ડૂબી ગયા હતા. ધીમે ધીમે મારા અને ઈશુ વચ્ચે પણ વાત થવાની બંધ થવા લાગી. પછી મેં સુરત છોડી દીધું અને ફોટોગ્રાફીનો કોર્સ કરવા માટે દિલ્હી જતો રહ્યો. કોર્સ પત્યા પછી ત્યાં જ રહ્યો હમણાં દસ દિવસ પહેલા જ ફરીથી સુરત પાછો આવ્યો. યુટ્યૂબ ઉપર તારા વિડિઓ જોયા એન્ડ આઈ ફીલ રીયલી પ્રાઉડ ઓફ યુ. સુરત આવીને એક દિવસ કોલેજ ગયો અને જોયું તો તારા પોસ્ટર્સ લગાવેલા હતા કે જેમાં તું ચીફ ગેસ્ટ તરીકે આવવાનો હતો. એ જોઈને ફરી એક આશા જાગી કે ફરીથી તને મળીશ, બાકી મેં તો છોડી જ દીધું હતું અને આજે બપોરથી તારો પીછો કરતા કરતા તું મળી ગયો, ફાઇનલી."

"એક વાત કહું? કેટલીક વખત મિત્રતા તૂટી નથી હોતી, બસ ખાલી એક ચાન્સ અથવા એક સોરી ની જરૂર હોય છે ફરીથી મિત્રતાની આ ગાડીને પાટા ઉપર લાવવા માટે. આવા દુનિયામાં કેટલાયે લોકો હશે જે ઇગોના લીધે અથવા ગેરસમજના લીધે આવી રીતે રિલેશન તોડીને બેસી ગયા હશે. પણ એ રિલેશન એક સોરી પછી ફરીથી પહેલા જેવું જ થઈ જાય છે, જ્યાંથી તમે એને છોડીને ગયા હતા. તમારામાં પણ એવું જ છે, તમે હજી ત્યાંના ત્યાં જ છો. કશું બદલાયું નથી, ફક્ત સાલ બદલાઈ ગયું છે. એટલે જ કહું છું કે દોસ્તીમાં ઈગો, હું શું કામ પહેલ કરું આવું નહિ વિચારવાનું. બસ જઈને વાત કરો, વાત કરશો તો મનમોટાવ દૂર થશે. બધું જાતે જ વિચારીને બેસી જશો તો કેવી રીતે ચાલશે. દેવને પણ હું એજ સમજાવતી હતી અને તને પણ એજ કહું છું." કાવ્યાએ સમજાવ્યું.

"યુ આર રાઈટ, કાવ્યા."કહીને લવ વિચારોમાં ખોવાઈ ગયો.

"શું વિચારી રહ્યો છે?" દેવે લવને પૂછ્યું.

"યાર, માણસનું પણ ખરું છે નહીં? જ્યારે કોઈ સાચી કે સારી વાત કહેશે કે કરશે ત્યારે વિશ્વાસ નહીં કરે અને સવાલ કરશે, 'હે?','ખરેખર','ના હોય'. અને જ્યારે કોઈ ખોટી કે ખરાબ વાત હશે તો કંઈપણ સાંભળ્યા કે જાણ્યા વગર એ વાતને જેમ છે એમજ સ્વીકારી લેશે. એ દિવસે મને સમજાયું કે કેટલીક વખત આંખો દેખું પણ સાચું નથી હોતું." લવે આઈસ્ક્રીમ ખાતા ખાતા કહ્યું.

"ઈશુ શું કરે છે? કેમ છે એ?" દેવે પૂછ્યું.

"નહીં પુછ. આ વસ્તુની સૌથી ઘાઢ અસર ઈશુ પર પડી છે. છેલ્લા કેટલાયે સમયથી તેણે બધાથી દુરી બનાવી લીધી છે, એકદમ ગુમસુમ રહે છે, કોઈની સાથે બહુ ભળતી નથી. આઈ થિંક તેના મગજમાં એ ગિલ્ટ હજી સુધી છે અને એના માટે એ પોતાને બ્લેમ કરે છે. તેની મનોચિકિત્સક પાસે ટ્રીટમેન્ટ ચાલે છે. અઠવાડિયાથી તો મારી પણ એની સાથે વાત નથી થઈ." લવે દેવને કહ્યું.

"એ છોકરી એમપણ સંવેદનશીલ છે, કંઇક નાનું અમથું પણ થશેને તો તેને ખૂબ ઊંડી અસર થાય છે. હાલ ને હાલ એને ફોન કર. હમણાં મારું નામ સાંભળશે એટલે દોડતી આવશે." દેવે ઈશુને યાદ કરતા કહ્યું.

લવે ઇશીતાને ફોન લગાવ્યો. "ફોન નથી ઉપડતી. સુઈ ગઈ હશે. રાતનો એક વાગ્યો જો જરા ટાઈમ." લવે ફોન કટ કરી ટાઈમ જોતા કહ્યું.

થોડીજ વારમાં લવ ઉપર કોઈ અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યો. લવ ઉભો થઇ ગયો અને વાત કરતા કરતા ગેલેરીમાં ચાલવા માંડ્યો. તેના ચહેરા ઉપર ચિંતાની રેખાઓ દેખાઈ રહી હતી. દેવ તેને આમ બેબાકળો થતા જોઈ રહ્યો. લવે ફોન મુકી દીધો.

"કોનો ફોન હતો આટલી રાતે? આટલો ટેન્શનમાં કેમ છે?" દેવે લવને જોઈને પૂછ્યું.

"ઇશીતા ક્યાંક ગૂમ થઈ ગઈ છે. સવારે નવ વાગ્યાની ઘરેથી નીકળી છે પણ હજી સુધી ઘરે પાછી નથી આવી." લવે ચિંતિત સ્વરે કહ્યું.

"વોટ? ક્યાં ગઈ તો એ?" દેવે કહ્યું.

(ક્રમશઃ)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED