પતિ પત્ની અને પ્રેત - ૧૩ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પતિ પત્ની અને પ્રેત - ૧૩

પતિ પત્ની અને પ્રેત

- રાકેશ ઠક્કર

પ્રકરણ- ૧૩

જામગીરની વાતમાં રેતા અને રિલોકને રસ પડી રહ્યો હતો. બંને જામગીરની વાત મનોરંજન માટે સાંભળી રહ્યા ન હતા. તેમની વાત સાથે કઇ રીતે વિરેનની વાત સંકળાવાની છે એમાં વધારે રસ હતો. જામગીરે ડૉકટર ઝાલનના લગ્નની વાત શરૂ કરવાની સાથે એમ પણ કહ્યું કે એમને ખબર ન હતી કે લગ્નનો નિર્ણય કેવો ભારે પડવાનો છે. જામગીરે વાતને આગળ વધારી.

ડૉ.ઝાલન હંસા સાથે લગ્ન કરવાનું નક્કી કરી ચૂક્યા હતા. આ વાત પુત્રી જયનાને કરવી કે નહીં એની મૂંઝવણમાં હતા. જયનાને સાચવવાની ખાતરી તો હંસા પાસેથી મેળવી લીધી હતી. બીજી તરફ જયના હંસાને મા તરીકે સ્વીકારશે કે નહીં એ જાણવાનું હતું. જયના પોતાની વાત સાંભળશે અને સમજશે કે નહીં એની તેમને ચિંતા હતી.

ડૉ.ઝાલને મને કહ્યું:"જામગીર, આ જયનાને કેવી રીતે વાત કરીશું?"

"મને તો લાગે છે કે એને વાત કરવાની જ જરૂર નથી. એની માનસિક સ્થિતિ એવી નથી કે તમારી વાતને સમજી શકે. અને હંસા તમારા ઘરમાં આવ્યા પછી એને કોઇ સ્ત્રીનો સાથ મળશે એટલે આપોઆપ એ એને સ્વીકારી લેશે..."

મારી વાતને સમર્થન આપતાં તેમણે કહ્યું:"હું એવું જ માનું છું. આ લગ્ન માત્ર મારા સુખ માટે કરી રહ્યો નથી. આ લગ્ન કરવા પાછળ જયના માટેનો સ્વાર્થ છે. જયનાને માનો સહારો મળશે તો મને લાગે છે કે તે જલદી સામાન્ય થઇ જશે. હંસા એને બરાબર સંભાળી લેશે. નાનપણથી જ તે મા વગર રહી છે. તેને મા મળી જશે અને મને એના તરફથી માનસિક શાંતિ રહેશે. અત્યારે હું મારું કામ પૂરા ધ્યાનથી કરી શકતો નથી કે દર્દીઓને વધારે સમય આપી શકતો નથી. મને એમ પણ લાગે છે કે એક વખત જયનાના કાને મારા આ નિર્ણયની વાત નાખવી જોઇએ. ભલે એ કંઇ સમજે કે ના સમજે. પાછળથી કોઇ અફસોસ ના રહી જાય એટલે મારે એને આ નિર્ણયથી અવગત તો કરવી જ છે..."

મેં કહ્યું:"સાહેબ, તમે એને કહો કે ના કહો કોઇ ફરક પડવાનો નથી. તમારી ઇચ્છા છે તો એને કહી દો..."

જામગીર થોડી ક્ષણ માટે અટક્યા અને આગળ બોલ્યા:"ડૉકટર ઝાલને પછી ક્યારે અને કેવી રીતે જયનાને વાત કરી એની મને ખબર નથી. પરંતુ ચાર દિવસ પછી એક છોકરો દોડતો આવ્યો અને મને કહ્યું કે ડૉ.ઝાલન તમને હમણાં જ દવાખાના પર બોલાવે છે. હું બધાં કામ પડતાં મૂકી દોડતો દવાખાને પહોંચ્યો. જઇને જોયું તો મારી આંખો ફાટી ગઇ. દવાખાનામાં જયનાની લાશ પડી હતી. તેના હાથમાંથી ઘણું લોહી વહી ગયું હશે. ડૉકટરે ત્યાં બાંધેલો આખો પાટો લોહીથી લાલ થઇ ગયો હતો. મને આ દ્રશ્ય જોઇને કમકમાં આવી ગયા. ડૉ.ઝાલન મૂકબધિરની જેમ એની સામે તાકીને બેસી રહ્યા હતા. મને લાગ્યું કે આ ઘટનાથી ડૉ.ઝાલનના માનસને ખરાબ અસર ના થાય તો સારું છે. મને જોઇને એમને સહારો મળ્યો હોય એમ એ ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યા. મેં એમને ખભો આપ્યો. થોડીવાર સુધી તે "મારી જયના... જયના, મને કેમ છોડીને ચાલી ગઇ?" વારંવાર બોલતા રહ્યા. મેં એમને શાંત કર્યા અને આ બધું કેવી રીતે બની ગયું એ પૂછ્યું.

તે આંસુ લૂછતા બોલવા લાગ્યા:"જામગીર, મેં જયનાને મારા લગ્નની વાત કરીને મોટી ભૂલ કરી દીધી. હું હંસાને લઇને આવ્યો હોત તો કદાચ જયનાએ એને સ્વીકારી લીધી હોત. લગ્નની વાત કરીને મેં જયનાની માનસિક સ્થિતિને વધુ વકરાવી દીધી. આપણી વાત થયા પછી હું જયનાને હંસા સાથેના લગ્નની વાત કરવાની તક શોધતો હતો. આજે એ તક મળી ગઇ. સદા ગાંડાની જેમ હસતી જયના આજે મને ખુશ દેખાતી હતી. તે એના ગુડ્ડાને લાડ લડાવતી બેઠી હતી. મેં તેની નજીક જઇને તેની સાથે થોડી વાત કરી. તે વારંવાર હસી પડતી હતી અને આમતેમ હાથ હલાવી ચાળા પાડતી હતી. જેવી મેં લગ્નની વાત કરી કે તે ભડકી. મેં હંસા નામની સ્ત્રી સાથે લગ્ન કરવાની અને ઘરમાં એક મા આવશે જેવી ઘણી વાતો કરી અને તેના માટે સારું રહેશે એવી બધી વાતો કરી. પછી તેને જ્યારે એટલું સમજાયું કે હું લગ્ન કરવાનો છું ત્યારે તેનો પિત્તો ગયો. મને લાગે છે કે એ છેલ્લા ઘણા સમયથી પોતાના લગ્નની વાત કરતી હતી પણ હું એને ધ્યાન પર લેતો ન હતો એનો ગુસ્સો હતો. મારા લગ્નની વાત પરથી એને થયું હશે કે મારા લગ્ન કરાવતાં નથી અને પોતે લગ્ન કરી રહ્યા છે. તેના પર ભયંકર પાગલપનનો દોરો પડ્યો હોય એવું લાગ્યું. તેનો ચહેરો ગુસ્સાથી લાલઘૂમ થઇ ગયો. તે ચીસો પાડવા લાગી. જે હાથમાં આવ્યું એ લઇને ફેંકાફેંક કરવા લાગી મેં એને પકડવાની કોશિષ કરી પણ એને પકડી શક્યો નહીં. તે મારા હાથમાંથી છટકી જતી હતી. તેના વાળ ખેંચવા લાગી અને જે વસ્તુ હાથમાં આવે એ મારી તરફ ફેંકવા લાગી. હું એક ઇન્જેક્શન શોધવા રૂમમાં દોડ્યો. શહેરના ડૉકટરે મને કહી રાખ્યું હતું કે તે કાબૂ બહાર જતી લાગે ત્યારે આ ઇન્જેક્શન લગાવી દેવાનું. તે શાંત પડી જશે અને ઉંઘી જશે. મેં ઇન્જેક્શન લઇને તે આમતેમ દોડતી-કૂદતી હતી ત્યારે મોકો જોઇ તેના પાછળના ભાગમાં ઇન્જેક્શન મારી દીધું. તે એક જ મિનિટમાં શાંત થવા લાગી. હું તેને દોરીને ખાટલા પાસે લઇ ગયો અને એને સૂવડાવી દીધી. તે આંખો કાઢીને મારી તરફ જોઇ રહી હતી. ધીમે ધીમે તે સૂઇ ગઇ. મને રાહત થઇ. હવે ફરી લગ્નની વાત કરવી નથી અને લગ્ન કરવા નથી એવો નિર્ણય પણ મેં લઇ લીધો. ઘણા કલાક સુધી તે બેભાન જેવી રહી. થોડી થોડી વારે હું એને જોઇ આવતો હતો. અચાનક એક વખત મેં જોયું કે તેના ડાબા હાથના કાંડામાંથી લોહી વહી રહ્યું છે. મેં નજીક જઇને તપાસ્યું તો એનામાં જીવ ન હતો..."

ડૉ.ઝાલન ફરી રડવા લાગ્યા. પહેલાં પત્નીને ગુમાવી. પછી એકની એક દીકરીને પણ ગુમાવીને તે ભાંગી પડ્યા હતા. મેં સાંત્વના આપી. તેમણે મને કહ્યું કે જયના ક્યારે ઘેનમાંથી જાગી ગઇ અને નજીકમાં પડેલી સિરીન્જની સોયથી પોતાના ડાબા કાંડાની નસ કાપી નાખી એની ખબર જ ના પડી. જયનાની લાશ પાસે અમે ઘણીવાર સુધી બેસી રહ્યા. ધીમે ધીમે કેટલાક સ્થાનિક લોકો આવ્યા અને તેની અંતિમક્રિયાની વયવસ્થા કરી. જંગલમાં બહુ દૂર લાશને બાળવાની જગ્યા હતી. જયનાને ત્યાં લઇ ગયા. અંતિમક્રિયા શરૂ કરી. લાકડાને અગ્નિ આપ્યા પછી જયનાની લાશ જલદી બળતી ન હતી. ત્યાં આવેલા લોકોને પણ નવાઇ લાગી રહી હતી. એક જણે વધુ લાકડાની વ્યવસ્થા કરી. બે કલાક પછી તેની લાશ થોડી જ સળગી હતી. આમ કેમ બની રહ્યું છે એ સમજાતું ન હતું. મને ચિલ્વા ભગત યાદ આવ્યો. તેને તરત ત્યાં બોલાવ્યો અને લાશ ન બળવાનું કારણ પૂછ્યું. તેણે થોડીવાર સુધી અગ્નિમાં રહેલી જયનાની લાશ પર ત્રાટક જેવું કર્યું પછી ધ્યાનમાં બેસી ગયો. થોડીવાર પછી તેણે જે કહ્યું એ અમારા માટે ચોંકાવનારું હતું. તે ચિપિયો ખખડાવતાં બોલ્યો:"આ છોકરીનો આત્મા એના શરીરમાંથી નીકળતો નથી. કોઇ અધૂરી ઇચ્છાએ આત્માને રોકી રાખ્યો છે."

ડૉ.ઝાલન તરત જ ડર સાથે બોલ્યા:"ભગત...એને લગ્ન કરવા હતા. પણ એ ગાંડી થઇ ગઇ હતી એટલે લગ્ન કરાવી શક્યા નથી. હવે શું કરીશું?"

"એમ જેમ ડૂમ ડામ...." બોલીને ભગતે લાંબા વાળવાળું માથું એવું હલાવ્યું કે અમે ડરી ગયા.

"છોકરીને આશીર્વાદ આપો કે તારી લગ્નની ઇચ્છા પૂરી થાય...." કહી ચિલ્વા ભગતે જમીન પરથી પાંદડાં અને ધૂળ લઇ કંઇક વિચિત્ર શબ્દો કહ્યા અને એ ધૂળ-પાંદડા ડૉ.ઝાલનને આપી કહ્યું:"આ લો, જઇને એની લાશ પર નાંખી વચન આપો કે તને ગમે એ યુવાન સાથે તું લગ્ન કરજે. મારા આશીર્વાદ છે..."

ન જાણે કેમ ડૉ.ઝાલન સહેજ ખચકાયા. મોડું થતું હતું એટલે ભગત બરાડ્યા:"ઓ માનવ! કેમ અટકી ગયો? તું નથી ઇચ્છતો કે તારી છોકરીના લગ્ન થાય?"

"હં...હા...પણ હવે એ કેવી રીતે શક્ય બનશે...?" ડૉ.ઝાલન મુંઝવણ વ્યક્ત કરતા બોલ્યા.

"તારી છોકરીની આત્માનો મોક્ષ એના લગ્ન વગર થવાનો નથી. જો એ લગ્ન કરી લેશે તો ફરી માનવના રૂપમાં આવી જશે. તમે નથી ઇચ્છતા કે એ લગ્ન કરે એટલે તેની લાશ પૂરી બળીને ભસ્મ થઇ રહી નથી...." ભગત મોટા અવાજે બોલ્યા.

"હું...હું... આશીર્વાદ આપું છું કે એના લગ્ન થાય..." ડૉ.ઝાલન કમનથી બોલતા હોય એવું લાગ્યું. તેમને ભગતની વાતમાં વિશ્વાસ ન હતો કે બીજું કોઇ કારણ હતું એની ખબર ન હતી.

ડૉ.ઝાલને ભગતના હાથમાં મંત્રોચ્ચાર કરી તૈયાર કરેલા ધૂળ-પાંદડાં લીધા અને એને જયનાની લાકડા પર સળગતી લાશ પર અર્પણ કર્યા ત્યારે એક મોટો ભડકો થયો. તેની જ્વાળા નજીકના વૃક્ષથી ઊંચી ઉઠી. બધાં ચમકી ગયા. ડૉ.ઝાલન ગભરાઇને દૂર ભાગ્યા. ત્યારે ભગત ધીમા અવાજે જે બોલ્યા એ મને એકલાને જ સંભળાયું.

રેતા ઉત્સુક્તા સાથે બોલી:"કાકા, ભગત શું બોલ્યા હતા?" પણ તેને વિરેનના ગૂમ થવા સાથે આ વાતનો તાળો મળતો ન હતો.

જામગીર કહે:"ભગત બોલ્યા હતા... ઝાલનને એનો બદલો અહીં જ મળશે..."

રિલોકના મનમાં સવાલ થયો અને પૂછી બેઠો:"...તો શું ભગતના મંત્રેલા ધૂળ-પાંદડાથી જયનાના આત્માને મોક્ષ મળી ગયો હતો.

રેતા પણ જામગીરનો જવાબ સાંભળવા તેમને તાકી રહી.

વધુ ચૌદમા પ્રકરણમાં...