પતિ પત્ની અને પ્રેત - ૧૨ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

પતિ પત્ની અને પ્રેત - ૧૨

પતિ પત્ની અને પ્રેત

- રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૨

જામગીરના ચહેરા પર એ સમયના ભાવ આવી ગયા. ડો.ઝાલનની પોતાની પુત્રી ગાંડી થઇ ગઇ હોવાની વાતનું આશ્ચર્ય જામગીરના ચહેરા પર અત્યારે પણ એવું જ જોવા મળી રહ્યું હતું. બધાં એકચિત્ત થઇ જામગીરની વાત સાંભળી રહ્યા હતા. રેતા અને રિલોકના ચહેરા પણ નવાઇથી જામગીરને તાકી રહ્યા હતા. ત્યારે શિવલાલ કલ્પના કરતો હતો કે પોતે જે છોકરીને મળ્યો એ ખરેખર ડો.ઝાલનની ગાંડી છોકરી જયના જ હશે?

જામગીર ડો.ઝાલન સાથેની એ મુલાકાતનું અનુસંધાન કરતાં બોલ્યા:"મેં નવાઇથી એમને પૂછ્યું કે તમને ક્યારથી એવું લાગે છે?"

ડો.ઝાલને જવાબમાં કહ્યું કે હું એને સારવાર અપાવી પાછો ફર્યો એ પહેલાં ત્યાં મને અંદાજ આવી ગયો હતો. તેની હરકતો નવાઇ પમાડે એવી હતી. તે ઉંઘમાં બબડતી રહેતી હતી. એની સારવાર આપતા ડોકટરે પહેલાં તો કહ્યું કે તાવની અસર દૂર થતાં થોડો સમય લાગશે. પણ જયના અકારણ હસતી રહેતી હતી અને ન સમજાય એવું બોલતી રહેતી હતી. બે દિવસમાં ડોકટરે ભવિષ્ય ભાખી લીધું કે જયનાનું મગજ હવે પહેલાં જેવું રહ્યું નથી. તેના પર કોઇ અસર થઇ છે અને તેના પર ગાંડપણના દોરા પડી રહ્યા હોવાનું તેમણે અવલોકન કરી લીધું. તેમણે દુ:ખી થઇને કહી દીધું કે હું દવા આપું છું એને લાંબા સમય સુધી આપવી પડશે. તેને સામાન્ય થતાં કેટલો સમય લાગશે એ કહી શકું નહીં. હું એને અહીં લાવ્યો એ પછી તેની ગાંડી-ઘેલી વાતોનો અનેક વખત અનુભવ થઇ ગયો છે. અને એક જોરદાર તમાચો જ એને ગાંડપણ કરતાં એ સમય પૂરતો અટકાવી શકે છે. મને એના પર કોઇની સામે હાથ ઉપાડતા સંકોચ જ નહીં દુ:ખ થાય છે. પણ શું કરું? નસીબમાં આવું લખાયું હશે તો ભોગવવું પડશે.

જામગીર કહે:"હું વિચારતો રહ્યો કે આ ભલા ડૉકટરે કેટલાય લોકોને સારવાર આપી છે અને મોટી બીમારીઓમાંથી ઉગાર્યા છે. સેવા એમનો ધર્મ રહ્યો છે. આ કેવો બદલો કુદરત એમને આપી રહી છે. પહેલાં પત્નીને ઉઠાવી લીધી અને હવે આ એકમાત્ર પુત્રીની આવી દશા થઇ ગઇ. એમાં ડૉકટરનો શું વાંક? શું એમને ગયા જનમના કોઇ પાપનો બદલો મળી રહ્યો છે? જયના એટલી સુંદર અને ભોળી હતી કે લાડ કરવાનું મન થાય. મારા મનમાં અનેક પ્રશ્ન થતા હતા પણ હું કંઇ કહ્યા વગર નીકળી ગયો."

એ પછી હું અવારનવાર ડો.ઝાલનને મળતો રહ્યો. જયનાની ઉંમર વધી રહી હતી. માનસિક સ્થિતિમાં કોઇ ફરક પડતો ન હતો. ડૉકટર કહેતા હતા કે તેમણે દવાઓ આપવાનું છોડી દીધું છે. ભગવાનને મંજૂર હશે તો એ આપમેળે સાજી થઇ જશે. દવાઓ ખવડાવીને એના શરીરને હવે નુકસાન થવા દેવું નથી.

જયના હવે યુવાનીના ઉંબરે ડગ માંડી રહી હતી. ડો.ઝાલનને એના માટે ચિંતા વધી જાય એ સ્વાભાવિક હતું. તેના લગ્ન કરાવી શકાય એવી માનસિક સ્થિતિ ન હતી અને વિડંબના એ હતી કે માનસિક સમતુલા ગુમાવ્યા પછી તે પોતાના લગ્નની જ વાતો કર્યા કરતી હતી. આવી છોકરીને કોણ પરણે? એવા સવાલ સામે 'આવી ગાંડી છોકરીને કોઇની સાથે કેમ પરણાવાય?' એવો પ્રશ્ન અમને થતો હતો. ડો.ઝાલન સાથે મારે સારું બનતું હતું. એ એમના દિલની ઘણી વાતો કરતા હતા. યુવાન છોકરી અને તે પણ જેને કોઇ સમજ નથી એને સાચવવાનું કામ સરળ ન હતું. ઘણી વખત તેને કપડાં પહેરવાનું ભાન રહેતું ન હતું. દવાખાનામાં આવતા પુરુષો તેની તરફ કોઇ અલગ ઇરાદાથી જોતા રહેતા હતા. જયના પર હવે લગ્ન કરવાનું અને બાળકોની માતા બનવાનું એવું ભૂત સવાર થયું હતું કે તે કોઇને પણ પૂછી બેસતી હતી:"મારી સાથે લગન કરીશ? આપણા બચ્ચા કરીશું..." પછી એ વ્યક્તિ બાળક કે યુવાન જ નહીં વૃધ્ધ પણ હોય શકે. ડો.ઝાલનને લાગતું હતું કે જયનાની માનસિક સ્થિતિ બગડી રહી છે. તેને સાચવવાનું મુશ્કેલ બની રહ્યું છે.

તેમણે એક દિવસ મારી સમક્ષ એક વિચાર પ્રગટ કરતાં કહ્યું:"અત્યારની સ્થિતિમાં લગ્ન એ એક જ ઇલાજ છે..."

હું નવાઇ પામ્યો. જયના પોતાની જાત સંભાળી શકે એમ નથી તો એના લગ્ન કેવી રીતે કરી શકાય? શું ડૉકટર કોઇ છોકરાને છેતરીને તેના લગ્ન જયના સાથે કરાવવા માગે છે? કે પછી કોઇ બીજવર કે બુઢ્ઢાની સાથે પરણાવી દેવા માગે છે? કોઇએ જયનાની સુંદરતાને કારણે તેનો હાથ માગ્યો હશે કે શું? મને લાગ્યું કે ડૉકટર પોતાની જવાબદારીઓમાંથી છટકવા માગે છે. જયનાને સમજ નથી. લગ્ન એ કોઇ ગુડ્ડા-ગુડ્ડીનો ખેલ નથી. ડૉકટરે તો આ વાત સમજવી જોઇએ.

મે કહ્યું:"ડૉકટર, તમે આ શું કહો છો?"

"જામગીર, આ સિવાય બીજો કોઇ ઉપાય દેખાતો નથી..." તેમણે નિરાશ થઇને મને કહ્યું.

હું ગુસ્સે થયો:"આ ઉપાય ના કહેવાય ડૉકટર. તમે તો દેવદૂત થઇને રાક્ષસ જેવું કામ કરવા માગો છો. એક છોકરીને કોઇની હવસ સંતોષવા માટેનું રમકડું બનાવવા જઇ રહ્યા છો. તમારો જીવ કેવી રીતે ચાલશે આવી માસૂમ છોકરીના લગ્ન કરાવતાં? માનસિક સંતુલન ગુમાવેલી જયનાના લગ્ન કરાવવા એ કોઇ અબોલ પશુને કતલખાને મોકલવા જેવું પગલું છે. અને એ પુરુષ કોણ છે જે જયના સાથે લગ્ન કરવા તૈયાર થયો છે?"

ડો.ઝાલન ચોંકી ઉઠયા:"જામગીર, તું આ કેવી વાત કરે છે. હું મારી ગાય જેવી છોકરીને કોઇ આખલા સાથે બાંધવાની ભૂલ ના કરી શકું. હું તો મારા લગ્નની વાત કરું છું..."

ડૉકટરના ખુલાસા પછી મને એ વાતની રાહત થઇ કે જયનાના લગ્નની આ વાત નથી. પણ આ ઉંમરે એક ગાંડી છોકરી સાથે રહેવા કઇ સ્ત્રી તૈયાર થશે એવો પ્રશ્ન મારા મનમાં થયો. મેં પૂછ્યું:"ડૉકટર, આ વિચાર તમને કેવી રીતે આવ્યો? શું કોઇ મહિલા તમારા ધ્યાનમાં છે?"

"તમે જ કહો, હું આખો દિવસ મારા દવાખાનામાં વ્યસ્ત હોઉં છું. ના ઘરમાં ધ્યાન આપી શકું છું ના છોકરી પર. જો કોઇ ઘર સંભાળનારી આવે તો બંનેને સાચવી લે. ચાર ગામ દૂરથી હંસા નામની એક સ્ત્રી થોડા દિવસથી સારવાર માટે આવે છે. મને એનો સ્વભાવ ગમી ગયો છે. મેં એની પાસેથી જાણકારી મેળવી તો જાણવા મળ્યું કે ઘણા વર્ષથી હંસા એકલી જ રહે છે. એના પતિએ એને છોડી દીધી છે. મેં એને બીજા લગ્ન વિશે વાત કરી અને જયનાની સ્થિતિ પણ સમજાવી. તેને મારા અને જયના પર દયા આવી છે. તે મારી સાથે લગ્ન કરવા તૈયાર થઇ ગઇ છે."

એ બોલી રહ્યા પછી મેં એમના ચહેરા પર પહેલી વખત રાહત અને ખુશીના ભાવ જોયા. મને ડો.ઝાલનની વાત યોગ્ય લાગી. મેં એમને કહ્યું કે લગ્ન કરતાં પહેલાં હંસા સાથે બરાબર ચર્ચા કરી લેજો. જયનાને સાચવવા એ તૈયાર છે ને? એની ખાતરી કરી લેજો. ડૉકટર ઝાલનનું કહેવું હતું કે જયના વિશે ખાતરી મળ્યા પછી જ તેમણે હંસા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે. હવે પ્રશ્ન એ હતો કે જયનાને કેવી રીતે વાત કરવી. જયના કોઇનું કંઇ સાંભળતી ન હતી. ગાંડાની જેમ ફર્યા કરતી હતી. તેને ખાવાની-પીવાની કોઇ સૂધ રહેતી ન હતી. ગમે ત્યાં પડી રહેતી. ક્યારેક નાચતી-કૂદતી રહેતી તો પોતાની સાથેનો ઢિંગલો એનો પતિ હોય એમ કાલીઘેલી ભાષામાં વાતો કર્યા કરતી.

જામગીર વાત કરતા અટકી ગયા.

રિલોકે એમને પૂછ્યું:"...તો શું ખરેખર ડૉકટર ઝાલન હંસા સાથે પરણી ગયા હતા? જો ઝાલન અને જયના જીવિત નથી તો હંસા ક્યાં છે? જયના ક્યારે અને કેવી રીતે મરી ગઇ?"

જામગીરને ખબર હતી કે ડૉકટરના લગ્નની વાત સાથે આવા સવાલ આવવાના જ છે. તે બોલ્યા:"ડૉકટરને ખબર ન હતી કે તેમનો લગ્ન કરવાનો નિર્ણય એમને કેવો ભારે પડવાનો છે..."

વધુ તેરમા પ્રકરણમાં...

***