Women's Struggle - 8 books and stories free download online pdf in Gujarati

સ્ત્રીનો સંઘર્ષ - 8

ભાગ-૮

 

નિત્યાની રોજની માફક એક નવી સવાર થઈ ગઈ. પણ તેનાં જીવનમાં નવું કાંઈ થવાનું ન હતું. એ નિત્યા જાણતી હતી. નિત્યા તૈયાર થઈને કોલેજે જવાં નીકળી ગઈ. કોલેજમાં જઈને નિત્યાને અલગ જ દુનિયામાં ગયાનો અહેસાસ થતો. એ અહેસાસ માત્રથી જ નિત્યા જીવીત હતી.

સમય વિતતો જતો હતો. પણ નિત્યા હજું ત્યાં ને ત્યાં જ હતી. જ્યાં પંકજે તેને છોડી હતી. નિત્યા પંકજની નારાજગીનું કારણ જાણી શકી ન હતી. કોલેજ ખતમ કરીને નિત્યા જોબ પર જવા નીકળી. મોલમાં પહોંચતા જ મોલના માલિક મિ.ચટ્ટોપાધ્યાયે નિત્યાને રોકી.

 

"તું અહીં શું કરે છે?? તે તો જોબ છોડી દીધી હતી ને!!" મિ.ચટ્ટોપાધ્યાયે નિત્યા તરફ વેધક નજરે જોઈને કહ્યું.

 

"મેં ક્યારે જોબ છોડી?? તમે શું કહો છો?? હું કાંઈ સમજી નહીં." નિત્યાને મિ.ચટ્ટોપાધ્યાયની વાત નાં સમજાતાં તે સામે સવાલ કરવાં લાગી.

 

"પંકજ દેસાઈ આવ્યાં હતાં. તેમણે બોલી બોલીને મારો આખો મોલ માથે લીધો હતો. જાણે હું તમને અહીં જોબ કરવા ફોર્સ કરતો હોય. એમ તેઓ મને સંભળાવી રહ્યાં હતાં. તેમણે જ મને કહ્યું, કે તમે જોબ છોડી રહ્યાં છો. અમે તમારી પાસે વધું કામ કરાવીએ છીએ." મિ.ચટ્ટોપાધ્યાયે પંકજે મોલમાં આવીને જે કર્યું. એ બધું નિત્યાને જણાવ્યું.

 

નિત્યા કાંઈ પણ બોલ્યાં વગર ચૂપચાપ ઘરે જવા નીકળી ગઈ. નિત્યાને જે ડર હતો. એવું જ થયું હતું. પંકજ નિત્યાના જીવનનાં નિર્ણય નિત્યાને પૂછ્યાં વગર જ લેવાં લાગ્યો હતો. છતાંય નિત્યા ચૂપ હતી. નિત્યા લગ્ન પછી આમ પણ જોબ છોડવાં માંગતી હતી. તો અત્યારથી છૂટી ગઈ. એ વાતે તેને કોઈ ખાસ રંજ ન હતો. પણ તે પંકજની નારાજગી દૂર કરવાં માંગતી હતી.

 

નિત્યા પોતાની ઘરે જવાની બદલે પંકજની ઓફિસે ગઈ. પંકજ તો નિત્યાનો કોલ પણ રિસીવ કરતો ન હતો. સગાઈમાં નિત્યાને પંકજ સાથે વાત કરવાનો મોકો મળ્યો ન હતો. એટલે તેને પંકજની ઓફિસે જવું જ યોગ્ય લાગ્યું.

 

પંકજની કંપનીનું અમદાવાદમાં બહું મોટું નામ હતું. જેવડું અમદાવાદમાં દેસાઈ પ્રાઈવેટ લિમિટેડનુ નામ હતું. એટલી જ મોટી કંપની પણ હતી. નિત્યા તો કંપની જોઈને જ દંગ રહી ગઈ. ઈન્ટિરિયરથી માંડીને કંપનીની એક એક વસ્તુ આધુનિક હતી.

 

નિત્યા રિસેપ્શનિસ્ટને મળીને સીધી પંકજની ઓફિસમાં પહોંચી ગઈ. પંકજ નિત્યાને જોઈને ચોંકી ગયો. પોતે નિત્યાને ઈગ્નોર કરશે. પછી નિત્યા સીધી તેની ઓફિસમાં પહોંચી જશે. એવી પંકજે નિત્યા વિશે કલ્પના પણ કરી ન હતી.

 

"તું અહીં શાં માટે આવી છે. એ હું જાણું છું. પણ મારે એ બાબતે વાત નથી કરવી." પંકજે નિત્યા વાત શરૂ કરે. એ પહેલાં જ વાત પર પૂર્ણવિરામ લગાવી દીધું.

 

"મારે એ બાબતે કોઈ વાત કરવી નથી. હું જોબ માત્ર રૂપિયા માટે કરતી હતી. લગ્ન પછી તો આમ પણ હું એ જોબ છોડી દેવાની હતી. પણ મારે તો માત્ર એટલું જ જોઈએ છે, કે તું મારાથી આમ નારાજ નાં રહે." નિત્યાએ પોતે જે વિચારતી હતી. એ પંકજને જણાવી દીધું.

 

"તારો ભણતરનો ખર્ચ હું ઉઠાવીશ. પણ હવે મને પૂછ્યાં વગર કોઈ પણ જગ્યાએ જોબ કરવાનો નિર્ણય નાં લેતી." પંકજે પોતાની વાત કહીને નિત્યાને પોતાનાં બંધનમાં બાંધી દીધી.

 

પંકજ નિત્યાને પોતે કહે. એમ રહેવા કહેતો હતો. નિત્યાને પોતાનાં બંધનમાં બાંધવા માંગતો હતો. એક કઠપૂતળીવાળો જેમ કઠપૂતળીને પોતાનાં હાથ વડે દોરી ખેંચીને નચાવે. એમ પંકજ નિત્યાની દોરી પોતાનાં હાથમાં રાખવાં માંગતો હતો. પણ એ વાતથી અજાણ નિત્યાએ પંકજની બધી વાત માનવાનું વચન આપી દીધું.

 

પંકજ માની ગયો. એ વાતથી ખુશ થઈને નિત્યા પોતાની ઘરે જતી રહી. તો બીજી તરફ પંકજ કોઈને કોલ કરીને તેની સાથે જાણે કાંઈ બન્યું જ નાં હોય. એમ વાતો કરવા લાગ્યો. નિત્યા પંકજની બધી વાત માનતી હતી. પંકજ આઝાદ હતો. નિત્યાની ડોર પંકજના હાથમાં હતી. એનાંથી વિશેષ પંકજને કંઈ જોઈતું પણ ન હતું.

 

પંકજના મમ્મી-પપ્પા પણ નિત્યા જેવી વહું મેળવીને ખુશ થતાં હતાં. તેમને તો ગાય જેવી ભોળી છોકરીની શોધ જ હતી. જે તેમને મળી ગઈ હતી. બદલામાં પચાસ લાખનું નુકશાન થયું હતું. પણ જીવનભરની ખુશી સામે એની કોઈ ઔકાત ન હતી.

 

હાં, પારિતોષભાઈએ સગાઈના આગલાં દિવસે તૈયાર કરેલાં પચાસ લાખ રૂપિયા આશુતોષ શાહને જ આપ્યાં હતાં. જેનાં બદલે આશુતોષ શાહ નિત્યાના લગ્ન પંકજ સાથે કરાવવાં તૈયાર થયાં હતાં. આશુતોષ શાહે પચાસ લાખનાં બદલે પોતાની સગી દિકરીનો સોદો કર્યો હતો. આ વાતથી નિત્યા સાવ અજાણ હતી. આશુતોષ શાહ આટલી હદ સુધી જઈ શકે. એ તો નિત્યાએ સપનામાં પણ વિચાર્યું ન હતું.

 

આશુતોષ શાહને તેમની આઝાદીથી જીવન જીવવાની આદતે બરબાદ કરી દીધાં હતાં. તેમનો બિઝનેસ પડી ભાંગ્યો હતો. તેમને કંપનીને દેવામાંથી છોડાવવા પચાસ લાખની જરૂર હતી. પારિતોષભાઈ ક્યારેય પોતાનાં સ્વાર્થ વગર કોઈને રૂપિયા નાં આપતાં. જેનાં લીધે આશુતોષ શાહે તેમની સાથે પોતાની જ દિકરીનો સોદો કરી નાંખ્યો.

 

જે ભારતમાં દિકરીને લક્ષ્મી સમજીને લોકો તેની પૂજા કરતાં. ત્યાં આશુતોષ શાહે એવું ખરાબ કૃત્ય કરતાં પહેલાં એકવાર પણ વિચાર કર્યો ન હતો. સામે પારિતોષભાઈએ પણ તેમને રોકવાને બદલે તેમનો જ સાથ આપ્યો હતો. દુનિયા કહેતી હોય છે, કે ભાગ્યશાળીના ઘરમાં દિકરીનો જન્મ થાય છે. આશુતોષ શાહ અને વંદિતા શાહ ભાગ્યશાળી હતાં. જેને નિત્યા જેવી દિકરી હતી. પણ તેઓ તેને સાચવી શકતાં ન હતાં.

 

જે લોકો દિકરીને સાચવી નાં શકે. ત્યાં ખરેખર દિકરીનો જન્મ નાં થવો જોઈએ. જો થઈ જાય. તો દોષ કોને દેવો એ નક્કી નથી કરી શકાતું. નિત્યાનો પરિવાર પણ એમાંનો જ એક હતો.

 

નિત્યા ઘરે આવી ત્યારે વંદિતા શાહ તેનાં કામમાં વ્યસ્ત હતાં. હમણાં હમણાં તેઓ ઘર પર વધું જ ધ્યાન આપવા લાગ્યાં હતાં. ઘરમાં થોડી શાંતિ હતી. નિત્યા એ વાતથી ખુશ હતી. પણ આ તુફાન પહેલાંની શાંતિ હતી. એ વાતથી નિત્યા અજાણ હતી.

 

આશુતોષ શાહે નિત્યાથી છુપાવીને જે કામ કર્યું હતું. એ વાતની નિત્યાને જ્યારે ખબર પડશે. ત્યારે તુફાન જ આવવાનું હતું. જે નિત્યાનુ જીવન વેરવિખેર કરી નાંખવાનું હતું. નિત્યા પોતાનાં રૂમમાં જઈને તેની ડાયરી ખોલીને બેસી ગઈ. નિત્યાના સુખ દુઃખનાં પ્રસંગો એ ડાયરીમાં લખાયેલાં હતાં. જેમાં વધું પ્રમાણમાં દુઃખનાં પ્રસંગો જ લખાયેલાં હતાં. એ વાંચતા વાંચતા નિત્યાની આંખો ભીની થઈ ગઈ.

 

નિત્યાના જીવનમાં ખુશી ઓછી ને દુઃખ જ વધારે હતાં. પણ તેણે ક્યારેય કોઈ સામે કોઈ પ્રકારની શિકાયત કરી ન હતી. વ્યક્તિએ ત્યાં સુધી જ સહન કરવું જોઈએ. જ્યાં સુધી વ્યક્તિનું પોતાનું કોઈ નુકશાન નાં થાય. જ્યારે અહીં તો નિત્યાને બસ નુકશાન જ થતું હતું. છતાંય તે ચૂપ હતી. નારી હંમેશાથી ત્યાગની મૂર્તિ રહી છે. નિત્યાએ તો જન્મની સાથે જ ત્યાગ જ કર્યા હતાં. ખબર નહીં તે ક્યારે પોતાનાં હક માટે અવાજ ઉઠાવશે. એ કોઈ જાણતું ન હતું.

 

નિત્યા સાંજ થતાં રૂમની બહાર નીકળી. વંદિતા શાહ ડીનર તૈયાર કરતાં હતાં. નિત્યા તેની મદદ કરવાં ગઈ. આશુતોષ શાહ પણ આવી ગયાં હતાં. નિત્યા ડીનરના બાઉલ ડાઇનિંગ ટેબલ પર ગોઠવવાં લાગી. એટલે આશુતોષ શાહ સોફા પરથી ઉભાં થઈને ડાઇનિંગ ટેબલ તરફ આવ્યાં. બધાં એકસાથે જ ડીનર કરવાં બેઠાં.

 

નિત્યાના ઘરમાં ઘણો બદલાવ આવ્યો હતો. જે નિત્યાએ લગ્નની હાં પાડી ત્યારથી આવ્યો હતો. પણ એ લગ્ન ખોટું બોલીને થઈ રહ્યાં હતાં. ખોટી વાતોની ઉંમર લાંબી નથી હોતી. તે એક સમયે તો બધાંની સામે આવી જ જાય છે. એમ આશુતોષ શાહે જે કર્યું. તે એક દિવસ તો નિત્યાની સામે આવવાનું જ હતું.

 

"કાલથી તારાં લગ્નની શોપિંગ શરૂ કરવાની છે. હમણાં થોડાં દિવસ કોલેજે જવાનું બંધ રાખજે." નિત્યા ડીનર કરીને ઉભી થઈ. એટલે વંદિતા શાહે કહ્યું.

 

નિત્યાએ કોલેજ ચાલું કરી હતી. ત્યારથી કોઈને કોઈ બાબત તેનું કોલેજે જવાનું બંધ કરી દેતી હતી. પણ નિત્યાએ કાંઈ બોલ્યાં વગર ડોકું હલાવીને હાં પાડી દીધી.

 

નિત્યા બધું કામ પતાવીને પોતાનાં રૂમમાં જતી રહી. નિત્યાના જીવનમાં રાત અને દિવસ તો રોજ થતાં હતાં. પણ રાતનું કાળું અંધારું તેનાં જીવનમાંથી સુરજની રોશની પડવાં છતાંય દૂર થતું ન હતું.

 

નિત્યાએ કોલેજની બધી બુક્સ એકઠી કરીને તેનાં કબાટમાં મૂકી દીધી. તેને એમ હતું, કે થોડાં સમય પછી આ બુક્સ સાથે તેને ફરી સમય વિતાવવા મળશે. પણ એ સમય કદાચ ક્યારેય આવવાનો ન હતો. એ વાત નિત્યા જાણતી ન હતી.

 

બીજાં દિવસે સવાર પડતાં જ ઘરનાં કામ પતાવીને નિત્યા વંદિતા શાહ અને હેમલતાબેન સાથે લગ્નની શોપિંગ માટે નીકળી પડી. નિત્યાને તો માત્ર સાથે લાવવામાં આવી હતી. બાકી તેની પસંદની કોઈને પડી ન હતી. હે‌મલતાબેને બધી વસ્તુઓ પોતાની પસંદગી મુજબ જ લીધી હતી.

 

સમય વીતતો જતો હતો. નિત્યાના લગ્નની તૈયારીઓ ચાલું થઈ ગઈ હતી. નિત્યાના લગ્નનું મુહૂર્ત પણ આવી ગયું હતું. પણ નિત્યા એ વાત જાણતી ન હતી. નિત્યા છેલ્લાં એક અઠવાડિયાથી કોલેજ ગઈ ન હતી. એક દિવસ તે કોલેજે જવાં નીકળી. ત્યારે આશુતોષ શાહે તેને દરવાજે જ રોકી લીધી.

 

"એક મહિનામાં તારાં લગ્ન છે. હવે ઘરનાં કામ કરતાં શીખી જાવ. કોલેજ પછી કરજો." આશુતોષ શાહે કટાક્ષમાં કહ્યું. આશુતોષ શાહનાં શબ્દો નિત્યા પર એક બોમ્બની જેમ ફૂટ્યાં હતાં. જેણે નિત્યાને અંદરથી હચમચાવી દીધી.

 

પંકજે પહેલાં સગાઈ અને કોલેજ પૂરી થયાં પછી લગ્નનું કહ્યું હતું. જ્યારે નિત્યાનુ કોલેજનું એક વર્ષ પણ પૂરું થયું ન હતું. ત્યાં તો લગ્ન પણ નક્કી થઈ ગયાં. એ સાંભળી નિત્યાને આંચકો લાગ્યો. નિત્યાએ તરત જ પંકજને કોલ કર્યો. પણ પંકજે આજેય કોલ રિસીવ નાં કર્યો. જ્યારે પંકજ કોઈ વાંકમાં આવતો. ત્યારે તે નિત્યાથી દૂર ભાગતો. નિત્યા એ વાત જાણી ગઈ હતી. છતાંય નિત્યા એ માનતી ન હતી. પંકજે તેને આગળ ભણવાની છૂટ આપી હતી. એ વાતનાં આધારે નિત્યાએ સગાઈની જેમ લગ્ન માટે પણ હાં પાડી દીધી.

 

નિત્યાના હાથમાંથી સમય રેતીની જેમ સરકી રહ્યો હતો. દિવસો પછી દિવસો વિતતા ચાલ્યાં હતાં. નિત્યા લાંબા સમયથી કોલેજે ગઈ ન હતી. બધાં લગ્નની તૈયારીમાં વ્યસ્ત હતાં. પણ નિત્યાને કોઈ પૂછતું પણ ન હતું. બધી તૈયારીઓ હેમલતાબેન તેની મરજી મુજબ જ કરી રહ્યાં હતાં.

 

લગ્ન એક છોકરીનું સૌથી મોટું સપનું હોય છે. તે લગ્નમાં તેની નાનામાં નાની ઈચ્છાઓ પૂરી કરવાં માંગતી હોય છે. લગ્નની નાની વસ્તુથી માંડીને મોટી વસ્તુઓ સુધી બધું જ છોકરી તેની પસંદગી મુજબ કરે. એવી તેની ઈચ્છા હોય છે. જ્યારે નિત્યાની પસંદનું તેનાં લગ્નમાં કંઈ હતું નહીં. બધું જ હેમલતાબેન અને પંકજની પસંદગી અનુસાર થતું હતું.

 

પંકજે અને હેમલતાબેને નિત્યા પાસેથી તેનાં લગ્નની તૈયારીઓની ખુશી પણ છીનવી લીધી હતી. લગ્નનો લહેંગો છોકરી કેટલાં અરમાનો સાથે પસંદ કરતી હોય છે. એ હક પણ નિત્યાને મળ્યો ન હતો. એ પણ હેમલતાબેને તેની પસંદગીનો મોકલી દીધો હતો.

 

લગ્નની તૈયારીઓ વચ્ચે પંદર દિવસ ક્યાં પસાર થઈ ગયાં. કોઈને ખબર પણ નાં પડી. બસ નિત્યા એક જ જાણતી હતી, કે તેણે આટલાં દિવસો કેવી પસાર કર્યાં હતાં. કારણ કે આટલાં દિવસોમાં નાં તો પંકજે તેની સાથે કોઈ વાત કરી હતી, કે નાં તો તેની ઈચ્છા અનુસાર કોઈ તૈયારી થઈ હતી. નિત્યા જ્યારે પણ પંકજને કોલ કરતી. ત્યારે પંકજ ઓફિસના કામનું કે લગ્નની તૈયારીનુ બહાનું બનાવીને કોલ કટ કરી દેતો.

 

નિત્યા લગ્ન અને પરિવારના તાણાવાણામાં ફસાઈ ગઈ હતી. તો બીજી તરફ હર્ષ એક કાબિલ વ્યક્તિ બનવાની સીડીઓ પછી સીડીઓ ચડી રહ્યો હતો. હવે તેનાં પપ્પા પણ આશુતોષ શાહની કંપનીમાં કામ કરતાં ન હતાં. હર્ષે કોલેજની સાથે કંપની શરૂ કરવાનું કામ પણ સારી રીતે સંભાળી લીધું હતું. કંપની બનવાની શરૂઆત પણ થઈ ગઈ હતી. બે મહિનાની અંદર કંપનીનું ઓપનિંગ પણ હતું.

 

અરવિંદભાઈએ તેની બધી કમાણી એ કંપની શરૂ કરવામાં લગાવી દીધી હતી. હર્ષને પણ તેનાં એક મિત્રની મદદથી સારી કંપનીમાં નોકરી મળી ગઈ હતી. હર્ષ ખૂબ જ મહેનત કરી રહ્યો હતો. પણ ક્યારેક એકલતા તેને ડંખ આપ્યાં વગર નાં રહેતી. અમુક પળોમાં તેને આજેય નિત્યા યાદ આવી જતી. પણ હર્ષે હકીકતને સ્વીકારી આગળ વધતાં શીખી લીધું હતુું.

 

માણસ ચાહે ગમે તે કરી લે. સુરજને ઉગતાં કે આથમતાં રોકી શકતો નથી. નિત્યાના જીવનમાં પણ રોજ સુરજ ઉગતો હતો, ને સાંજ થતાં રોજ સુરજ આથમતો પણ હતો. નિત્યા રોજ પંકજ સાથે વાત કરવાની કોશિશ કરતી હતી. રોજ હજારો કોલ અને મેસેજ કરતી હતી. પણ પંકજ કોઈ જવાબ આપતો ન હતો.

 

આશુતોષ શાહે લગ્ન સુધી નિત્યાને ઘરની બહાર નીકળવાની પણ નાં પાડી દીધી હતી. જેથી હવે નિત્યા પંકજ સાથે વાત કરવા તેની ઓફિસે પણ જઈ શકતી ન હતી. નિત્યા ઘરમાં રહીને કપરાં દિવસો પસાર કરતી હતી. તેનાં હાથમાં કંઈ રહ્યું ન હતું. માત્ર પોતાનું સપનું પૂરું કરવા પોતાની ઈચ્છાઓનું બલિદાન આપતી નિત્યા એક કઠપૂતળી બનીને રહી ગઈ હતી. જેને ગમે ત્યારે કોઈ પણ નચાવી શકતું હતું.

 

નિત્યા પોતાનું સપનું પૂરું કરવા માંગતી હતી. એટલે તે આશુતોષ શાહની બધી વાત ચુપચાપ માની રહી હતી. પંકજ એકવાર તો નિત્યાથી નારાજ થઈ ગયો હતો. જેને નિત્યાએ મહાપરાણે મનાવ્યો હતો. જેથી હવે નિત્યા પંકજને નારાજ કરવાં માંગતી ન હતી.

 

નિત્યા જ્યારે પંકજને કોલ કરતી. ત્યારે પંકજ ક્યારેક કોલ રિસીવ નાં કરતો. તો ક્યારેક થોડી ઘણી વાત કરીને કોલ કટ કરી દેતો. એમાંય લગ્ન કોલેજ પહેલાં કેવી રીતે નક્કી થયાં. એ સવાલ જ્યારે પણ નિત્યા કરતી. ત્યારે પંકજ બે દિવસ સુધી નિત્યા સાથે વાત પણ નાં કરતો. એમ જ બીજાં પંદર દિવસ પણ પસાર થઈ ગયાં હતાં. લગ્નનો સમય નજીક આવી રહ્યો હતો.

 

એક દિવસ પંકજ અચાનક જ નિત્યાની ઘરે આવ્યો. નિત્યા પોતાનાં રૂમની બાલ્કનીમા બેઠી બેઠી કોલેજનું કામ કરી રહી હતી. કોલેજના એક મેડમના સહારે નિત્યાએ ઘરે જ થોડું ઘણું ભણવાનું ચાલું રાખ્યું હતું.

 

"અરે, તું ક્યારે આવ્યો??" પંકજને પોતાનાં રૂમમાં જોઈને નિત્યાએ પૂછ્યું.

 

"મમ્મીએ એક કામ સોંપ્યું. તો આવવું પડ્યું." પંકજ પોતાની મરજીથી નાં આવ્યો હોય. એમ મોબાઈલમાં કંઈક જોતાં જોતાં જ બોલ્યો.

 

નિત્યા તેનાં માટે પાણીનો ગ્લાસ લાવી. પંકજે એક ઘૂંટ પાણી પીને ફરી મોબાઈલ હાથમાં લીધો. નિત્યા પંકજની સામે જોઈ રહી હતી. પણ પંકજે એકવાર ઉંચી નજર કરીને નિત્યાની સામે જોયું ન હતું.

 

"આપણે તારાં માટે મંગળસૂત્ર લેવાં જવાનું છે. મમ્મીએ કહ્યું, કે એ તારી પસંદનું જ લેવાનું છે." પંકજે મોબાઈલ પોતાનાં જીન્સના ખિસ્સામાં મૂકીને કહ્યું.

 

નિત્યા પંકજની વાત સાંભળીને ખુશ થઈ ગઈ. તે તરત જ તૈયાર થવા લાગી. પાંચ મિનિટમાં જ તે પંકજ સાથે જવાં તૈયાર થઈ ગઈ. બંને પંકજની કારમાં બેસીને મંગળસૂત્ર લેવાં નીકળી પડ્યાં. થોડીવારમાં જ બંને આંબાવાડી વિસ્તારનાં કલ્યાણ જ્વેલર્સમા પહોંચી ગયાં. નિત્યા પંકજ સાથે મંગળસૂત્ર જોવાં લાગી.

 

નિત્યાએ ચાર-પાંચ મંગળસૂત્ર પંકજને બતાવ્યાં. પણ પંકજે એ ઉપર ધ્યાન જ નાં આપ્યું. નિત્યા આવતી વખતે ખુશ હતી. પણ પંકજની હરકતોથી એ ઉદાસ થઈ ગઈ.

 

"અરે બેબી, તું અહીં શું કરે છે??" એક છોકરીએ આવીને પંકજને પૂછ્યું.

 

પંકજ એને જોઈને તરત તેનાં ગળે વળગી ગયો. નિત્યા એક તરફ ઉભી ઉભી બધું જોઈ રહી. પણ તે કાંઈ બોલી નાં શકી.

 

"આ મારી કોલેજ ફ્રેન્ડ છે. મીરાં...મારી બેસ્ટેસ્ટ ફ્રેન્ડ છે." નિત્યાને અલગ જ નજરથી મીરાં સામે જોતાં જોઈને, પંકજે ચોખવટ કરી.

 

નિત્યા આમ તો નટખટ અને ચાલાક હતી. પણ સમય જતાં એ બધું તેનાં જીવનમાંથી દૂર થઈ ગયું હતું. જો નિત્યા પહેલાં જેવી હોત. તો મીરાં અને પંકજ વચ્ચેનાં સંબંધને તરત જ ઓળખી લેતી. પણ હાલ નિત્યા એવું નાં કરી શકી. નિત્યાએ પંકજની વાત માનીને, મંગળસૂત્ર જોવાનું ચાલું રાખ્યું.

 

"આ કેવું છે??" નિત્યાએ એક મોટું પેન્ડન્ટવાળુ અને લાંબુ મંગળસૂત્ર પંકજને બતાવતાં પૂછ્યું.

 

"અરે, આ તો એકદમ ઓલ્ડ ફેશન છે. તારે પંકજનો ટેસ્ટ ધ્યાનમાં રાખીને કંઈક યુનિક લેવું જોઈએ. આ મંગળસૂત્ર પંકજના ટેસ્ટને એકદમ મેચ થતું છે." મીરાંએ નિત્યાના હાથમાં રહેલ મંગળસૂત્ર લઈ લીધું, ને તેનાં હાથમાં એક સિમ્પલ પણ યુનિક એવું બ્લેક મોતીની સેર વાળું, ને વચ્ચે ડાયમંડ લગાવેલ મોટાં ગોલ્ડન મોતીવાળું મંગળસૂત્ર આપીને કહ્યું.

 

"હાં, એ સરસ છે. એ લઈ લે. પછી મારે ઓફિસે પણ જવું છે." પંકજે ઉતાવળ દર્શાવતાં કહ્યું.

 

નિત્યા અત્યાર સુધીમાં કેટલાંય મંગળસૂત્ર બતાવી ચુકી હતી. પણ પંકજને એકેય મંગળસૂત્ર પસંદ અાવ્યું ન હતું. પણ મીરાંએ પસંદ કરેલ પહેલું જ મંગળસૂત્ર પંકજને પસંદ આવી ગયું. એ વાત નિત્યાને થોડીક ખૂંચી હતી. પણ પસંદ ભલે કોઈએ પણ કર્યું હોય. પંકજ તો માત્ર નિત્યાની ડોકમાં જ મંગળસૂત્ર પહેરાવવાનો હતો. એમ વિચારીને નિત્યાએ મીરાંએ પસંદ કરેલ મંગળસૂત્ર લઈ લીધું.

 

મંગળસૂત્ર લઈને મીરાં, પંકજ અને નિત્યા ત્રણેય બહાર નીકળ્યાં. નિત્યા કારનો આગળનો દરવાજો ખોલીને બેસવા જતી હતી. ત્યાં મીરાં આગળની સીટમાં બેસી ગઈ. પંકજે પણ મીરાંને કાંઈ નાં કહ્યું. એટલે નિત્યા ચુપચાપ પાછળની સીટમાં બેસી ગઈ. પંકજ નિત્યાને તેની ઘરે મૂકીને મીરાં સાથે જ ઓફિસે જતો રહ્યો.

 

 

*********

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED