સ્ત્રીનો સંઘર્ષ - 6 Sujal B. Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

સ્ત્રીનો સંઘર્ષ - 6

ભાગ-૬

હર્ષ તેનાં મમ્મી-પપ્પા સાથે ડીનર માટે ડાઇનિંગ ટેબલ પર બેઠો હતો. દેવકીબેન અને અરવિંદભાઈની જીદ્દના કારણે આખરે હર્ષ ડીનર માટે માની ગયો હતો. પણ તેનાંથી એક કોળિયો પણ ખાઈ શકાય એમ ન હતો.

 

"બેટા, થોડું જમી લે. પછી જેમ તું કહે એમ અમે કરીશું." અરવિંદભાઈએ કહ્યું.

 

અરવિંદભાઈની વાત સાંભળીને હર્ષ અરવિંદભાઈની સામે જોવાં લાગ્યો. હર્ષ જાણતો હતો, કે હર્ષે તેનાં પપ્પાનું વચન પાળવા નિત્યાને દુઃખી કરી હતી. પણ હવે અરવિંદભાઈ નિત્યાને કે હર્ષને ખુશ કરી શકે એમ ન હતાં. કેમકે, નિત્યા ખુદ જ હર્ષથી દૂર રહેવા માંગતી હતી.

 

હર્ષે મનોમન સ્વીકારી લીધું હતું, કે તેની ભૂલની સજા એવી જ હોવી જોઈએ. જેવી નિત્યાએ તેને આપી છે. હર્ષે તેનાં મમ્મી-પપ્પાના આગ્રહના લીધે થોડું જમી લીધું. પછી તે ફરી પોતાનાં રૂમમાં જતો રહ્યો. હર્ષને ફરી પહેલાં જેવો કરવો અઘરું કામ હતું. પણ તેણે જમી લીધું. એ વાતથી તેનાં મમ્મી-પપ્પાને થોડી રાહત થઈ હતી.

 

"આપણે હર્ષ માટે કંઈક કરવું જોઈએ." દેવકીબેને કહ્યું.

 

"હવે કંઈ થઈ શકે એમ નથી. નિત્યાના લગ્ન નક્કી થઈ ગયાં છે. આવતાં અઠવાડિયામાં તો તેની સગાઈ છે." અરવિંદભાઈએ હતાશ થઈને કહ્યું.

 

અરવિંદભાઈએ કહેલી વાત પોતાનો મોબાઈલ લેવાં નીચે આવતાં હર્ષે સાંભળી લીધી. અરવિંદભાઈની વાત સાંભળીને હર્ષ એક કદમ પણ આગળ ચાલી નાં શક્યો. તે સીડી પર જ ફસડાઈ પડ્યો.

 

હર્ષે એક નજર પોતાનાં મમ્મી-પપ્પા પર કરી. તેઓ હર્ષ માટે દુઃખી જણાતાં હતાં. આજ પહેલાં હર્ષે તેમનાં ચહેરા પર એવી હતાશા ક્યારેય જોઈ ન હતી.

 

અરવિંદભાઈએ આજ દિન સુધી બીજાંની ઓફિસમાં રહીને, બીજાનાં ઓર્ડર ફોલો કરીને જ જીવન વિતાવ્યું હતું. પણ તેમનું એક સપનું હતું, કે હર્ષ ભણીગણીને મોટો માણસ બને. તેનો ખુદનો બિઝનેસ હોય. જેમાં એ બીજાંને ઓર્ડર આપે. તેની રજા વગર ઓફિસની એક ફાઈલ પણ કોઈ અડી નાં શકે.

 

અરવિંદભાઈનુ એ સપનું યાદ કરતાં જ હર્ષ પોતાની જાતને સંભાળીને ઉભો થયો. આંખના ભીનાં થયેલાં ખૂણા સાફ કરીને, તેણે મનોમન એક નિર્ણય કરી લીધો, કે હવે તે પોતાનાં પપ્પાનું સપનું પૂરું કરવા પર જ ધ્યાન આપશે.

 

નિત્યા પોતાનાં મમ્મી-પપ્પાની ખુશી માટે, પોતાનાં સપનાં પૂરાં કરવાં માટે સતત સંઘર્ષ કરી રહી હતી. હર્ષે એકવાર તેને એમાંથી બહાર કાઢવાનું વિચાર્યું હતું. પણ નિત્યા ખુદ જ બહાર નીકળવા માંગતી ન હતી. એ વિચારીને હર્ષે આગળ વધી જવાનું વિચાર્યું.

 

હર્ષ અને નિત્યા બંને માટે પોતાનાં નિર્ણય પર આગળ વધવું મુશ્કેલ હતું. પણ બંને એકબીજાની ભલાઈ વિચારીને આગળ વધવાનો નિર્ણય કરી ચુક્યાં હતાં. જ્યાં નિત્યા તેનાં મમ્મી-પપ્પાને એક કરવાં લગ્ન કરી રહી હતી. ત્યાં હર્ષ પણ તેનાં મમ્મી-પપ્પાની ખુશી માટે આગળ વધવા માંગતો હતો. બંને પોતપોતાની જગ્યાએ સાચાં હતાં. પણ નિયતિ બંનેને ક્યાં લાવીને છોડશે. એ બંનેમાંથી કોઈ જાણતું ન હતું.

 

નિત્યાએ પહેલાં પોતાનાં મમ્મી-પપ્પાનો પ્રેમ મેળવવા સંઘર્ષ કર્યો હતો. જેમાં તે નિષ્ફળ રહી હતી. હવે પતિનાં પ્રેમ માટે તેને કેટલો સંઘર્ષ કરવો પડશે. એમાં તેને સફળતા મળશે કે નિષ્ફળતા, એ કોઈ જાણતું ન હતું.

 

સવારે સુરજ ઉગતાં તેનું પ્રથમ કિરણ હર્ષનાં ચહેરા પર પડતાં જ હર્ષ આળસ મરડીને બેડ પરથી ઉભો થયો. પહેલાંની જેમ તેણે એક નજર બારીની બહાર કરી. હર્ષનાં રૂમની બારીની બહાર જામફળીના ઝાડ પર રોજની માફક આજે પણ એક ચકલી બેઠી હતી. તેને જોઈને હર્ષનાં ચહેરા પર હળવી મુસ્કાન આવી ગઈ. હર્ષે એ જ મુસ્કાન સાથે દિવસની શુભ શરૂઆત કરી.

 

હર્ષ માટે આ બધું એક દેખાવ પૂરતું જ સીમિત હતું. હર્ષ અંદરથી તો તૂટેલો જ હતો. જેમ હાથીનાં દાંત ખાવાનાં અલગ અને બતાવવાના અલગ હોય. એમ હર્ષની મુસ્કાન પણ એવી જ હતી. દુનિયા માટે એ મુસ્કાન હર્ષની ખુશી હતી. જ્યારે હર્ષ માટે એ મુસ્કાનની પાછળ તેનું દુઃખ છુપાયેલું હતું.

 

"નાસ્તો તૈયાર છે. નાસ્તો કરીને જ કોલેજે જાજે." દેવકીબેને નાસ્તાની પ્લેટ ડાઇનિંગ ટેબલ પર મૂકીને કહ્યું.

 

હર્ષનુ નાસ્તો કરવાનું મન ન હતું. છતાંય પોતાનાં મમ્મીની ખુશી માટે તે નાસ્તો કરવા બેઠો. પરોઠાનુ એક બટકું અને એક ઘૂંટ ચા પીને જ હર્ષ દેવકીબેનની જાણ બહાર કોલેજે જવાં નીકળી ગયો.

 

હર્ષ રસ્તામાં એક જ વિચાર કરતો હતો. કે તેણે માત્ર થોડાં જ સમયમાં નિત્યા માટે ઘણું વિચારી લીધું હતું. પણ નિત્યાએ હર્ષને પોતાનાં લગ્ન નક્કી થઈ ગયાં. એ વિશે પણ જણાવવું જરૂરી સમજ્યું ન હતું.

 

નિત્યાનાં વિચારો વચ્ચે જ હર્ષ કોલેજે પહોંચી ગયો. બાઈક પાર્ક કરીને હર્ષ સીધો પોતાનાં ક્લાસમાં ગયો. હર્ષને ક્લાસમાં જતો જોઈને પાર્થને એ વાત કણાની માફક ખૂંચી. પાર્થ પણ હર્ષની પાછળ ક્લાસમાં ગયો.

 

હર્ષ પોતાની જગ્યાએ બેઠો હતો. આખો ક્લાસરૂમ ખાલી હતો. એવામાં હર્ષ બુક વાંચી રહ્યો હતો. પાર્થ તેની પાસે જઈને બેઠો.

 

"ભાઈ, શું થયું?? આજે તું બુક લઈને બેઠો છે!? તું ઠીક તો છે ને??" પાર્થ પોતાની મુંઝવણ વ્યક્ત કરવા બોલ્યો.

 

"એ બધી વાત છોડ. હવે મારે ભણવામાં જ ધ્યાન આપવાનું છે. તું બસ એટલું યાદ રાખી લે. હવે હું પહેલાં જેવો હર્ષ નથી રહ્યો." હર્ષ બહું મોટી મોટી વાતો કરી રહ્યો હતો. એ જોઈને પાર્થને વાત બહું મોટી હોય એવું લાગ્યું.

 

"નિત્યાએ કાંઈ કર્યું??" પાર્થે હર્ષનાં ખંભે હાથ મૂકીને પૂછ્યું.

 

"એ ટોપિક પર કોઈ વાત નાં કરીએ. તો જ સારું રહેશે." હર્ષે પાર્થ આગળ કોઈ સવાલ કરે. એ પહેલાં જ વાત પર પૂર્ણવિરામ લગાવી દીધું.

 

પાર્થની શંકા સાચી ઠરી હતી. પાર્થે આગળ કોઈ સવાલ નાં કર્યા. કારણ કે, હર્ષ જવાબ આપવાની સ્થિતિમાં ન હતો. થોડીવાર થતાં લેક્ચર શરૂ થયાં. હર્ષે લેક્ચર તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું.

 

નિત્યા પણ પોતાનાં ક્લાસમાં બેઠી હતી. તેનું મન હર્ષમા અટવાયેલું હતું. નિત્યાએ હર્ષને પોતાનાંથી દૂર રાખવાનો નિર્ણય તો કરી લીધો હતો. પણ કોલેજે આવતાં જ તેનું મન નાં ઈચ્છવા છતાં હર્ષ વિશે વિચારવા લાગતું.

 

નિત્યાએ માંડ કરીને લેક્ચરમા ધ્યાન આપ્યું. નિત્યા માટે તેનું સપનું જરૂરી હતું. પણ દુનિયાનાં તાણાવાણામાં નિત્યા પોતાનું લક્ષ્ય ભટકી રહી હતી. નાનાં નાનાં હક માટે સંઘર્ષ કરીને, લોકોનું સાંભળીને નિત્યા હવે થાકી ગઈ હતી. એ બધું યાદ કરતાં તે તેનાં લક્ષ્ય તરફનું ધ્યાન ગુમાવી બેસતી.

 

નિત્યા બ્રેક સમયમાં પણ હર્ષ ઉપર તેનું ધ્યાન નાં જાય. એ માટે ક્લાસમાં જ બેસી રહી. નિત્યાના જીવનમાં હર્ષ નામની એક ખુશી આવી હતી. એ પણ એક જ પળમાં છીનવાઈ ગઈ હતી. હર્ષને મિત્ર બનાવી નિત્યા પોતાની એકલતા દૂર કરવાં માંગતી હતી. પણ એ સમય આવે એ પહેલાં જ હર્ષ તેનાંથી દૂર થઈ ગયો.

 

પાર્થ નિત્યાના ક્લાસની આગળથી પસાર થયો. ત્યારે તેણે નિત્યાને ક્લાસમાં એકલી બેઠેલી જોઈ. એક પળ માટે પાર્થે નિત્યા સાથે વાત કરવાનું વિચાર્યું. પણ પછી પાર્થે નિત્યા તરફ ઉઠાવેલ એક કદમ ફરી પાછળ લઈ લીધું. હર્ષ પણ પોતાનાં ક્લાસમાં એકલો બેઠો હતો.

 

નિત્યા કેન્ટીનમા નાં ગઈ. એ વાતથી કોઈને કંઈ ફરક નાં પડ્યો. પણ હર્ષનાં કેન્ટીનમા નાં જવાથી આખી કોલેજને ફેર પડ્યો. જેમાં વધું છોકરીઓ જ હતી. કેન્ટીનમા હર્ષ ક્યાં?? હર્ષ ક્યાં?? એવાં સવાલોનો અવાજ ગુંજવા લાગ્યો.

 

નિત્યાના કેસમાં જે થયું. એ પછી હર્ષે બધી છોકરીઓ સાથે એક દૂરી કાયમ કરી લેવાનું વિચાર્યું હતું. જેમ નિત્યા પોતાનાં સપનાં તરફ ધ્યાન આપવા માંગતી હતી. એમ હર્ષ પણ હવે તેનાં પપ્પાનું સપનું પૂરું કરવામાં લાગી ગયો હતો.

 

કોલેજનો સમય પૂરો થતાં નિત્યા જોબ પર ગઈ. આજે મોલમાં પંકજ પણ આવ્યો હતો. નિત્યાને મોલમાં જોઈને પંકજ તેની પાસે ગયો.

 

"તું અહીં શું કરે છે??" પંકજે નિત્યાને પૂછ્યું.

 

"હું અહીં જોબ કરું છું." નિત્યાએ પોતાનું બેગ મૂકીને કહ્યું.

 

"તે મને આ વાત તો કરી ન હતી." પંકજે થોડું અકળાઈને કહ્યું.

 

પંકજની અકળામણ જોઈને નિત્યાને થોડું અજીબ લાગ્યું. પંકજે નિત્યાને લગ્ન પછી પણ ભણવાની છૂટ આપી હતી. તો તેને જોબથી પણ કંઈ પ્રોબ્લેમ નાં હોવો જોઈએ. એવું નિત્યા માનતી હતી. પણ પંકજ કદાચ એવું વિચારતો ન હતો.

 

પંકજ નિત્યાના જવાબની રાહ જોઈને ઉભો હતો. નિત્યાની ચુપ્પી પંકજને વધું અકળાવી રહી હતી. એ વાત નિત્યા સમજી શકી ન હતી. નિત્યાનુ ધ્યાન હર્ષ આવ્યો. એ તરફ હતું.

 

"હું તને કંઈક કહું છું. તે જોબ વિશે કેમ કંઈ નાં જણાવ્યું??" પંકજે નિત્યાનો હાથ પકડીને પૂછ્યું.

 

"ત્યારે મને એ વિશે યાદ નાં આવ્યું." પંકજે એટલાં જોરથી નિત્યાનો હાથ પકડ્યો હતો, કે નિત્યાને દુઃખવા લાગ્યું. જેનાં લીધે તેનાંથી મનમાં આવ્યું એ બોલાઈ ગયું. પણ નિત્યાનો જવાબ જાણીને પંકજને વધારે ગુસ્સો આવ્યો.

 

"ભણવાની વાત તો બરાબર યાદ રહી. આ વાત યાદ નાં રહી." પંકજ નિત્યાને ટોન્ટ મારતો હતો.

 

પંકજ જ્યારે નિત્યાને પહેલીવાર મળ્યો. ત્યારે તેનો સ્વભાવ એકદમ શાંત હતો. જ્યારે આજે પંકજ સાવ અલગ જ વર્તન કરતો હતો. એ વાત નિત્યાએ નોટિસ કરી હતી. પણ પંકજ કંઈક ટેન્શનમાં હશે. એમ વિચારીને નિત્યાએ એ વાત પર વધું ધ્યાન નાં આપ્યું.

 

"આઈ એમ સોરી... ત્યારે બધું એટલું અચાનક થયું, કે ખરેખર મને યાદ નાં રહ્યું." નિત્યાએ પંકજની માફી માંગી. નિત્યાના માફી માંગવાથી પંકજનો ગુસ્સો થોડો શાંત થયો. તે પોતાનું કામ પતાવીને જતો રહ્યો.

 

હર્ષ એક ખૂણે ઉભો ઉભો નિત્યા અને પંકજ વચ્ચેની વાતો સાંભળી રહ્યો હતો. પંકજ જે રીતે વાત કરતો હતો. એ જોઈને હર્ષ એટલું તો જાણી ગયો હતો, કે પંકજ સાથે જ નિત્યાના લગ્ન થવાનાં હતાં. પંકજના ગયાં પછી નિત્યા પોતાનાં કામે વળગી.

 

હર્ષ નિત્યા સાથે વાત કરવા માંગતો હતો. પણ નિત્યા હર્ષથી દૂર ભાગતી હતી. એટલે હર્ષે વાત કરવાનું માંડી વાળ્યું. હર્ષ પોતાનું કામ કરવાં લાગ્યો.

 

ખરેખર તો આજે હર્ષ પોતાની જોબ છોડવાં માટે આવ્યો હતો. પણ પંકજના નિત્યા સાથેનાં એવાં વર્તન પછી હર્ષે જોબ નાં છોડવાનો નિર્ણય લીધો. નિત્યા પોતાનાં કામમાં વ્યસ્ત હતી. હર્ષ બસ દૂરથી તેને નિહાળતો હતો.

 

નિત્યા જોબનો સમય પૂરો થતાં ઘરે જવા નીકળી ગઈ. હર્ષ પણ પોતાનું કામ પતાવીને ઘરે જતો રહ્યો. નિત્યા રસ્તામાં પંકજે તેની સાથે એવું વર્તન કેમ કર્યું હશે. એ બાબતે વિચારતી હતી.

 

નિત્યા ઘરે પહોંચી ત્યારે ઘરે કોઈ ન હતું. નિત્યા પોતાનાં રૂમમાં જતી રહી. નિત્યા માટે આ હવે રોજની આદત બની ગઈ હતી. ઘરમાં તેનાં મમ્મી-પપ્પા હોવાં છતાં નિત્યા વધું સમય એકલી જ રહેતી. જેથી એ એકલતાને જ નિત્યાએ પોતાની સાથીદાર બનાવી લીધી હતી.

 

દિવસો પછી દિવસો વિતતા ગયાં. એમ જ એક અઠવાડિયું પસાર થઈ ગયું. એક દિવસ વંદિતા શાહ નિત્યાના રૂમમાં આવ્યાં. નિત્યા લેપટોપ પર તેનું કામ કરી રહી હતી. વંદિતા શાહ તેની પાસે જઈને બેઠાં.

 

"કાલે તારી સગાઈ છે. પંકજના પપ્પાનો કોલ આવ્યો હતો. જે મુજબ નક્કી થયું હતું. એ મુજબ અમે પણ હાં પાડી દીધી છે." વંદિતા શાહે કહ્યું.

 

"બધું નક્કી થઈ જ ગયું છે. તો એ મુજબ જ થાશે." નિત્યાએ પોતાનું કામ કરતાં કરતાં જ જવાબ આપી દીધો.

 

નિત્યા પંકજ સાથે છેલ્લી વખત જે વાત થઈ હતી. એ વાતનાં લીધે પરેશાન હતી. નિત્યા પંકજને બે વખત મળી હતી. એ બંને વખત તેનું વર્તન અલગ હતું. જે નિત્યાની સમજની બહાર હતું.

 

વંદિતા શાહ સગાઈની તૈયારીમાં લાગી ગયાં. આશુતોષ શાહ તો જાણે નિત્યાના લગ્નથી ખરેખર ખુશ હોય‌. એમ તૈયારીઓ કરી રહ્યાં હતાં.

 

"ખરેખર તમે તમારી દિકરીનાં લગ્નને લઈને ખુશ છો. કે લગ્ન પછી જે આઝાદી મળવાની છે. એ આઝાદીને લઈને ખુશ છો??" વંદિતા શાહે આશુતોષ શાહને પૂછ્યું.

 

"લગ્ન માટે શું ખુશ થવું હોય. મને તો આ ઝંઝટથી છૂટકારો મળશે. એ વિચારીને ખુશ છું." આશુતોષ શાહે સોફા પર બેસીને કહ્યું.

 

આશુતોષ શાહ અને વંદિતા શાહ વાતો કરી રહ્યાં હતાં. એ સમયે નિત્યા તેનાં રૂમમાંથી બહાર નીકળી. નિત્યા આશુતોષ શાહની વાત સાંભળી ગઈ. નિત્યાને જોઈને આશુતોષ શાહ અને વંદિતા શાહ નીચું જોઈને કામ કરવાં લાગ્યાં. તેઓ ડરી ગયાં હતાં, કે નિત્યા ક્યાંક બધી વાત સાંભળી નાં ગઈ હોય. અને લગ્ન માટે નાં ન પાડી દે. પણ એવું કાંઈ નાં થયું. નિત્યા ચૂપચાપ કિચનમાં જતી રહી.

 

નિત્યા જાણતી હતી. તે તેનાં મમ્મી-પપ્પા પર બોજથી વધુ કાંઈ ન હતી. એટલે નિત્યાએ તેનાં મમ્મી-પપ્પાની ખુશી માટે તેમનાથી દૂર જવાનો નિર્ણય કરી લીધો હતો.

 

 

********

રેટ કરો અને રિવ્યુ આપો

Munjal Shah

Munjal Shah 2 વર્ષ પહેલા

Rajiv

Rajiv 3 વર્ષ પહેલા

Fatema Dhankot

Fatema Dhankot 3 વર્ષ પહેલા

Hema Patel

Hema Patel 3 વર્ષ પહેલા

Pannaben Shah

Pannaben Shah 3 વર્ષ પહેલા