Women's Struggle - 3 books and stories free download online pdf in Gujarati

સ્ત્રીનો સંઘર્ષ - 3

ભાગ-૩

 

સવારે હર્ષ જ્યારે ઉઠ્યો. ત્યારે તેનાં મમ્મી‌ દેવકીબેન તેમની સામે ઉભાં હતાં. હર્ષને સવારમાં દેવકીબેનને પોતાનાં રૂમમાં જોઈને થોડું આશ્ચર્ય થયું.

 

"અરે મમ્મી, તમે અત્યારે અહીં કેમ??" હર્ષે આંખો ચોળતા ચોળતા દેવકીબેનને પૂછ્યું.

 

"આ નિત્યા કોણ છે??" દેવકીબેને હર્ષને સામો સવાલ કર્યો.

 

દેવકીબેનના મોંઢે નિત્યા નામ સાંભળીને હર્ષ પણ વિચારમાં પડી ગયો, કે દેવકીબેનને નિત્યા વિશે કેવી રીતે ખબર પડી. હર્ષ દેવકીબેન સામે એકીટશે જોવાં લાગ્યો.

 

"અરે મારાં લાલા, તારી પાછળ તો છોકરીઓની લાઈન લાગી હોય છે. પણ આજ સુધી તું ક્યારેય ઉંઘમાં કોઈ છોકરીનું નામ નથી લેતો. પણ આજે તું અડધી રાત્રે ઘોર નિદ્રામાં નિત્યા... નિત્યા...બોલી રહ્યો હતો. તો મને થયું, નિત્યા કોણ છે એ પૂછી લઉં." દેવકીબેને રાત્રે જે થયું. એ બધું હર્ષને જણાવતાં કહ્યું.

 

હર્ષ પણ તેનાં મમ્મીની વાત સાંભળીને હેરાન રહી ગયો. તે ઉંઘમાં નિત્યાનુ નામ બોલતો હતો. એ વાત તેને પણ આશ્ચર્ય પમાડે એવી હતી.

 

"હું કોઈ સપનું જોતો હોઈશ. હવે અમદાવાદમાં કેટલીયે નિત્યા હશે. હું કોનું નામ લેતો હોઈશ. મને શું ખબર!?" હર્ષે આખી વાત જ બદલી નાખી. પછી દેવકીબેન આગળ કાંઈ પૂછે એ પહેલાં હર્ષ બાથરૂમમાં ઘુસી ગયો.

 

નિત્યા ઉઠીને કોલેજે જવાં તૈયાર થતી હતી. વંદિતા શાહે તેનાં માટે ગરમા-ગરમ નાસ્તો બનાવી રાખ્યો હતો. નિત્યા નાસ્તો કરીને કોલેજ જવા નીકળી ગઈ.

 

નિત્યા આજે થોડી વહેલી કોલેજમાં પહોંચી ગઈ હતી. એટલે તે પહેલાં લાઈબ્રેરીમા ગઈ. ત્યાંથી જરૂરી બુક્સ લઈને લેક્ચરનો સમય થતાં એ ક્લાસરૂમ તરફ જવા લાઈબ્રેરીમાંથી બહાર નીકળી. નિત્યા બુક્સ બેગમાં રાખતાં રાખતાં ક્લાસરૂમ તરફ જતી હતી. ત્યાં આજે ફરી તે હર્ષ સાથે અથડાઈ.

 

"આને આખી કોલેજમાં અથડાવા માટે હું જ મળતી લાગું છું." નિત્યા મનમાં જ બબડીને જતી રહી.

 

હર્ષ નિત્યા તરફ આકર્ષાય રહ્યો હતો. પણ એ આ વાતને સ્વીકારવા તૈયાર ન હતો. બંને માટે બધું નવું હતું. એટલે બંને આ વાતને સ્વીકારવા માંગતા ન હતાં.

 

નિત્યા પોતાનાં ક્લાસમાં લેક્ચર અટેન્ડ કરી રહી હતી. પણ હર્ષનુ ધ્યાન બે વિભાગોમાં વહેંચાઈ ગયું હતું. હર્ષ માટે તેનાં પપ્પાએ સોંપેલ કામ પણ જરૂરી હતું, અને પોતાને નિત્યાને મળ્યાં પછી જે ફીલ થતું હતું. એ પાછળનું કારણ જાણવું પણ જરૂરી હતું.

 

હર્ષે બધું વિચાર્યા પછી પોતાનાં પપ્પાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું વિચાર્યું. કોલેજ પૂરી થવાને એક કલાકની વાર હતી. ત્યારે હર્ષ પોતાનુ બેગ લઈને નિત્યા જે મોલમાં કામ કરતી. એ મોલમાં પહોંચી ગયો.

 

"મારે જોબની જરૂર છે. મને અહીં જોબ મળી રહેશે??" હર્ષે મોલમાં કેશ કાઉન્ટર પર કમ્પ્યુટર પર કામ કરી રહેલી એક છોકરીને પૂછ્યું.

 

"અમારાં મોલના માલિકની ઓફિસ સામેની તરફ છે. તમે તેમને જ મળી લો." એ છોકરીએ કહ્યું.

 

એ છોકરીનો જવાબ સાંભળીને હર્ષ મોલના માલિક મિ.ચટ્ટોપાધ્યાયને મળવાં ગયો. મોલ હજું નવો જ બન્યો હતો. એટલે કર્મચારીઓની જરૂર હોવાથી હર્ષને નોકરી મળી ગઈ.

 

નિત્યા કોલેજેથી મોલમાં આવી. તે પોતાનું બેગ મૂકીને, કામ કરવાં જતી હતી. એ સમયે જ તેને હર્ષ દેખાયો. હર્ષ મોલમાં કામ કરતો સ્ટાફ જેવી ટોપી પહેરતો. એવી ટોપી પહેરીને ઉભો હતો. નિત્યા હર્ષ સામે જોતી હતી. એ સમયે હર્ષ તેની પાસે આવ્યો.

 

"મેં આ મોલમાં જોબ મેળવી લીધી છે. મેં સારું કર્યું ને??" હર્ષ નિત્યાને પૂછવા લાગ્યો.

 

"મેં તારાં વિશે સાચું જ વિચાર્યું હતું. તું ખરેખર પાગલ છે." નિત્યા હર્ષને પોતે તેનાં વિશે શું વિચારતી. એ જણાવીને જતી રહી.

 

હર્ષ જ્યાં નિત્યા જતી હતી. એની પાછળ પાછળ જતો હતો. નિત્યા હર્ષની આવી હરકતોથી કંટાળી ગઈ હતી. મોલમાં કામ કરતાં બધાં કર્મચારીઓ પણ આ બંનેને જોઈને હસતાં હતાં.

 

જોબનો સમય પૂરો થતાં નિત્યા મોલની બહાર હર્ષની રાહ જોવા લાગી. હર્ષ જેવો બહાર આવ્યો. નિત્યાએ તેનો હાથ પકડીને તેને રોક્યો.

 

નિત્યાનો સ્પર્શ થતાં જ હર્ષ પોતાનાં પર કંટ્રોલ નાં કરી શક્યો. હર્ષે આ પહેલાં કોઈ છોકરી પ્રત્યે આવું ફીલ કર્યું ન હતું. હર્ષ પાસે પોતાની લાગણીઓ વ્યક્ત કરવા શબ્દો ન હતાં.

 

"તું શાં માટે મારી પાછળ પાછળ ફરે છે?? તારે મારી પાસે શું જોઈએ છે??" નિત્યા હર્ષની હરકતોથી કંટાળીને સવાલ કરવાં લાગી.

 

"એક કપ કોફી...મારી સાથે એક કપ કોફી પી લે." હર્ષે જેવું મનમાં આવ્યું. એવું બોલી દીધું.

 

નિત્યા હર્ષની વાત સાંભળી વિચારમાં પડી ગઈ. તે હર્ષની વાત માનવી કે નહીં. એવી અસમંજસમાં હતી. હર્ષે માત્ર એક કપ કોફી ઓફર કરી હતી. એમાં વિચારવા જેવું કાંઈ હતું નહીં. છતાં નિત્યાએ વિચારવા માટે ખાસ્સો એવો સમય લઈ લીધો.

 

"હું કોઈ ખરાબ છોકરો નથી. છતાંય તું વિચારી લેજે. કેફે તારી નજરની સામે જ છે. જો તારી હાં હોય, તો કાલે જોબ પૂરી થયાં પછી હું એ જ કેફેના દરવાજે ઉભો હોઈશ. તું પણ ત્યાં આવી જાજે." હર્ષ એટલું કહીને ચાલતો થયો.

 

"જો નાં હોય તો??" નિત્યાએ પાછળથી પૂછ્યું.

 

"તો કોઈ સવાલ કે જવાબની વાત જ નથી. છોકરીની નાં મતલબ નાં..." હર્ષ પાછળ ફર્યા વગર જ જવાબ આપીને જતો રહ્યો.

 

નિત્યા હવે હર્ષ વિશે અને તેની કોફીની ઓફર વિશે વિચારવા મજબૂર થઈ ગઈ હતી. નિત્યા ઘરે આવીને ડીનર કરતી વખતે પણ હર્ષ વિશે જ વિચારતી હતી.

 

નિત્યાને ઘરે આવ્યાને બે કલાક જેવું થઈ ગયું હતું. નિત્યા છેલ્લી બે કલાકથી મનમાં મનમાં હર્ષનાં નામની માળા જપી રહી હતી. આખરે નિત્યાને એવું લાગ્યું, કે તે પોતાનું લક્ષ્ય ભૂલી રહી છે. નિત્યા મન મક્કમ કરીને સૂઈ ગઈ.

 

હર્ષ બેડ પર સૂતાં સૂતાં વિચારોમાં ખોવાયેલો હતો. પોતે સાચું કરતો હતો, કે ખોટું એવી ગડમથલમાં હતો. હર્ષે પોતાનાં પપ્પાના સોંપાયેલ કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું વિચારીને, નિત્યાને કોફી ઓફર કરી હતી. હર્ષને આ બધું કરવું ખોટું લાગી રહ્યું હતું. છતાંય પોતે નિત્યા તરફ ખેંચાતો હતો. એ તેનાંથી રોકી શકાતું ન હતું.

 

હર્ષ અડધી રાત સુધી પડખાં ફેરવતો રહ્યો. પણ પોતાને ક્યાં રસ્તે જવું જોઈએ. એ વાત તેને સમજમાં જ નાં આવી. રાતનાં બાર વાગ્યે હર્ષનાં મોબાઈલમાં મેસેજની ટોન વાગી. હર્ષે મેસેજ જોવાં મોબાઈલ હાથમાં લીધો. મેસેજ વાંચીને હર્ષનાં ચહેરાની રેખાઓ બદલવા લાગી.

 

"તમારું કામ કાલે જ થઈ જાશે." હર્ષે એવો મેસેજ ટાઈપ કરીને, તેને જે નંબર પરથી મેસેજ આવ્યો હતો. એ નંબર પર સેન્ડ કરી દીધો.

 

હર્ષ માટે આજની રાત બહું કપરી રીતે પસાર થઈ હતી. એક તરફ નિત્યા પ્રત્યે તેને થોડાં સમય પહેલાં જ લાગણીઓ જન્મી હતી. અને હર્ષ એ જ નિત્યાને તકલીફ આપવાનો હતો. જે નિત્યાએ તેને ક્યારેય નાનું એવું દુઃખ પણ આપ્યું ન હતું.

 

સવારે ઉઠીને નિત્યા કોલેજ જવા માટે તૈયાર થવા લાગી. નિત્યા હજી પણ એક જ વાત પર વિચાર કરી રહી હતી. હર્ષ સાથે કોફી પીવા જવું કે નહીં. એ વાતે નિત્યા હજું પણ અસમંજસમાં હતી.

 

નિત્યા તૈયાર થઈને કોલેજે પહોંચી ગઈ. હર્ષ તેની પહેલાં પહોંચી ગયો હતો. આજે હર્ષ નિત્યાને જોઈને તેની પાછળ નાં ગયો. તે માત્ર દૂરથી એક તરફ બેસીને નિત્યાને જતી જોઈ રહ્યો.

 

હર્ષ પાછળ ભલે ગમે તેટલી છોકરીઓ પાગલોની જેમ ફરતી હોય. પણ હર્ષે આજ સુધી કોઈ છોકરીનો ફાયદો ઉઠાવ્યો ન હતો. એ વાત નિત્યા પણ જાણતી હતી. નિત્યાએ હર્ષની કોફીની ઓફર સ્વીકારી લેવાનું વિચાર્યું.

 

નિત્યા લેક્ચર શરૂ થતાં લેક્ચરમા ધ્યાન આપવા લાગી. આજે બ્રેક સમયમાં નિત્યા બધાંની સાથે કેન્ટીનમા ગઈ. નિત્યાનુ હજું સુધી કોઈ ફ્રેન્ડ બન્યું ન હતું. એટલે નિત્યા એકલી જ બેઠી હતી. બધાં પોતાનાં મિત્રો સાથે મજાક મસ્તી કરી રહ્યાં હતાં. એટલે નિત્યાને થોડુંક દુઃખ થયું. નિત્યા ઉદાસ થઈને ફરી ક્લાસમાં જવા ઉભી થઈ. ત્યારે જ તેને હર્ષ પોતાની તરફ આવતો દેખાયો.

 

"બ્રેક પૂરો નથી થયો. ચાલ થોડીવાર બેસીએ." હર્ષે નિત્યાને કહ્યું.

 

નિત્યા હર્ષ સાથે ફરી કેન્ટીનમા જઈને બેઠી. નિત્યાને હર્ષ સાથે જોઈને બધી છોકરીઓ જલન અનુભવી રહી હતી. પણ હર્ષનો મિત્ર પાર્થ ખુશ હતો.

 

"કોલેજમાં તારું કોઈ મિત્ર નથી બન્યું??" હર્ષે નિત્યાને પૂછ્યું.

 

"મારાં પહેલેથી જ કોઈ મિત્રો નથી. પણ હું એ બાબતે બહું વિચારતી નથી." હર્ષનાં સવાલનો જવાબ આપતી વખતે નિત્યાની આંખો ભીની થઈ ગઈ હતી. નિત્યા જેવું બોલતી હતી. એવું વિચારતી ન હતી. એ તેની આંખો પરથી નજર આવતું હતુું. જે હર્ષે ખૂબ સારી રીતે નોટિસ કર્યું હતું.

 

"તારાં પરિવારમાં કોણ કોણ છે??"

 

"હું અને મમ્મી-પપ્પા."

 

"ઓહ.. નાનું કુટુંબ સુખી કુટુંબ."

 

"એ તો હું જ જાણું છું." નિત્યાની આંખમાંથી રીતસરનું એક આંસુ સરકી પડ્યું.

 

હર્ષ નિત્યાને કાંઈ કહે એ પહેલાં જ તેનાં મોબાઈલમાં એક મેસેજ આવ્યો. એ મેસેજ અને નિત્યાની હાલત જોઈને હર્ષને બહું પસ્તાવો થયો. હર્ષ ઉભો થઈને ક્લાસમાં જતો રહ્યો. જે હર્ષે નિત્યાને કેન્ટીનમા બેસાડી. એ જ હર્ષ કાંઈ કહ્યાં વગર જતો રહ્યો. એ વાતથી નિત્યાના મનમાં અનેક સવાલો ઉભાં થયાં. પણ બ્રેક ટાઈમ પૂરો થઈ ગયો હતો. એટલે નિત્યા પણ ક્લાસમાં જતી રહી.

 

બ્રેક ટાઈમ પછીનાં લેક્ચર અટેન્ડ કરીને નિત્યા મોલમાં જોબ પર ગઈ. તેને હર્ષ ક્યાંય દેખાયો નહીં. નિત્યા પોતાનું કામ કરવાં લાગી. થોડીવાર થતાં જ હર્ષ આવ્યો. પણ આજે તે સીધો કામે લાગી ગયો. નિત્યાને ખાસ કંઈ ફરક નાં પડ્યો.

 

નિત્યા અને હર્ષ બંને પોતાનું કામ કરી રહ્યાં હતાં. નિત્યા નોર્મલ જ લાગતી હતી. પણ હર્ષ કોઈક વિચારોમાં ઘેરાયેલો લાગતો હતો. હર્ષ જાણે નિત્યાને ઈગ્નોર કરવા માંગતો હતો. પણ કરી શકતો ન હતો.

 

નિત્યા જોબનો સમય પૂરો થતાં હર્ષનાં કહ્યાં મુજબ મોલની સામેનાં કેફેના દરવાજા પાસે જઈને ઉભી રહી ગઈ. હર્ષે બહાર આવીને નિત્યાને ત્યાં ઉભેલી જોઈ. હર્ષ નિત્યા પાસે જવું કે નહીં. એ વિચારવા લાગ્યો. પણ તેણે જ નિત્યાને કોફી માટે કહ્યું હતું. એટલે તે બેગ ખંભે નાંખીને નિત્યા પાસે ગયો.

 

હર્ષ નિત્યાની પાસે જઈને કાંઈ પણ બોલ્યાં વગર ઉભો રહી ગયો. નિત્યા હર્ષ કંઈક બોલશે. એમ સમજીને ચુપચાપ ઉભી હતી. પણ હર્ષ કંઈ નાં બોલ્યો.

 

"અંદર જઈએ??" નિત્યાએ હર્ષને પૂછ્યું.

 

"સ્યોર." હર્ષે એકાક્ષરી જવાબ આપ્યો.

 

હર્ષે કેફેનો દરવાજો ખોલ્યો. નિત્યા પહેલાં અંદર ગઈ. પછી તેની પાછળ હર્ષ ગયો. બંને કોર્નરના ટેબલ પર જઈને બેઠાં. હર્ષે બે કોલ્ડ કોફી ઓર્ડર કરી. પછી ફરી ચુપચાપ બેસી ગયો.

 

"તને પણ કોલ્ડ કોફી પસંદ છે??" નિત્યાએ હર્ષને પૂછ્યું.

 

"મારે કોલ્ડ અને હોટ બંને ચાલે." હર્ષે નિત્યા તરફ જોયાં વગર જ કહ્યું.

 

હર્ષ આજ કંઈક અલગ જ વર્તન કરી રહ્યો હતો. એ વાત નિત્યાએ પણ નોટિસ કરી હતી. જે હર્ષ નિત્યા પાછળ પાછળ ફરતો. એ હર્ષ આજે કયાંક ગાયબ થઈ ગયો હતો. એવું નિત્યાને લાગ્યું.

 

"કોઈ ટેન્શનવાળી વાત છે?? તું આજે બહું ચુપચુપ લાગે છે." નિત્યાએ હર્ષનાં હાથ પર હાથ મૂકીને કહ્યું.

 

હર્ષ એક સારો છોકરો હતો. એ વાત નિત્યા સમજી ગઈ હતી. એટલે નિત્યા હર્ષનો ઉદાસ ચહેરો નાં જોઈ શકી. પણ નિત્યા એ વાત જાણતી ન હતી, કે એ જ હર્ષ થોડીવાર પછી તેને બહું દુઃખી કરવાનો હતો.

 

હર્ષને નિત્યાનો સ્પર્શ ગમ્યો. તેનાં સ્પર્શમાં હર્ષને પોતાનાં પ્રત્યેની ચિંતા સાફ સાફ નજર આવતી હતી. હર્ષ કાંઈ કહે એ પહેલાં જ કોફી આવી ગઈ. હર્ષે નિત્યાના સવાલનો કોઈ જવાબ નાં આપવો પડે. એટલે તેણે કોફી પીવાનું ચાલું કરી દીધું.

 

નિત્યા અને હર્ષની આ પહેલી મુલાકાત હતી. એટલે નિત્યાને હર્ષને વધું કાંઈ પૂછવું યોગ્ય નાં લાગતાં. તે પણ કોફીનો કપ લઈને કોફી પીવા લાગી. કોફી પૂરી થતાં જ હર્ષ ઉભો થઈ ગયો. તેણે બિલ પે કરી દીધું. પછી તે તરત દરવાજા તરફ આગળ વધ્યો.

 

હર્ષ જ નિત્યા સાથે કોફી પીવા માંગતો હતો. પણ હર્ષ અત્યારે નિત્યાને ઈગ્નોર કરી રહ્યો હતો. એ જોઈને નિત્યાને થોડું અજીબ લાગ્યું. પણ બંને વચ્ચે કોઈ રિલેશન ન હતાં. એટલે નિત્યાએ હર્ષને કાંઈ પૂછ્યું નહીં.

 

કેફેની બહાર નીકળતાં જ હર્ષને પાછલી રાતવાળા નંબર પરથી મેસેજ આવ્યો. હર્ષ એ મેસેજ વાંચીને થોડો ગુસ્સે થયો. હર્ષને પોતે તેનાં પપ્પાને જે વચન આપ્યું હતું. એ વચન પર અત્યારે અફસોસ થતો હતો.

 

નિત્યા રોડ પર રીક્ષાની રાહ જોઈને ઉભી હતી. હર્ષ થોડે દૂર બાઈક પર બેઠો હતો. પંદરેક મિનિટ જેવું થતાં હર્ષ બાઈક લઈને નિત્યા પાસે ગયો.

 

"તને કોઈ પ્રોબ્લેમ નાં હોય. તો હું તને તારાં ઘર સુધી મૂકી જાઉં??" હર્ષે નિત્યાને પૂછ્યું.

 

નિત્યા હર્ષની વાત સાંભળી વિચારમાં પડી ગઈ. હર્ષ તેની રાહ જોઈને બાઈક પર બેઠો હતો. નિત્યા ઘણાં સમયથી રીક્ષાની રાહ જોતી હતી. પણ રીક્ષા મળતી ન હતી. એટલે તે મન મનાવીને હર્ષની પાછળ બેસી ગઈ. નિત્યાને ઘરે પહોંચવાની ઉતાવળ હતી. પણ આ ઉતાવળ તેનાં જીવનને ક્યાં મોડ પર લાવીને છોડશે. એ વાતથી નિત્યા અજાણ હતી.

 

નિત્યા હર્ષને પોતાનાં ઘરનો રસ્તો બતાવવા લાગી. નિત્યાની ગાઈડ લાઈન મુજબ હર્ષે નિત્યાના ઘરની સામે બાઈક ઉભી રાખી. એ સમયે જ સોસાયટીના રમિલાબેન નિત્યાને હર્ષ સાથે જોઈ ગયાં. રમિલાબેનને કોઈ વાતની ખબર પડે. પછી એ વાત આખી સોસાયટી સુધી પહોંચ્યા વગર નાં રહેતી. રમિલાબેન તરત જ આશુતોષ શાહ પાસે જઈ ચડ્યા.

 

નિત્યા બાઈક પરથી ઉતરીને ઘર તરફ જવા આગળ વધી. હર્ષ પોતાની બાઈક લઈને જતો રહ્યો. નિત્યાએ હજું સોસાયટીના ગેટની અંદર પગ મૂક્યો જ હતો. ત્યાં જ તેનાં પપ્પાએ તેનાં ગાલ પર એક તમાચો ચોડી દીધો. નિત્યાની આંખોમાંથી તરત જ આંસુ વહેવા લાગ્યાં. નિત્યા કાંઈ બોલે એ પહેલાં જ આશુતોષ શાહ તેનો હાથ પકડીને તેને ઘર સુધી ખેંચી ગયાં.

 

"તારે આ બધું કરવાં જ કોલેજે જવું હતું ને?? પહેલાં કોલેજ, પછી જોબ અને હવે અમદાવાદમાં રીક્ષાઓ મળતી બંધ થઈ ગઈ હોય. એમ પારકાં છોકરાંઓ પાછળ બેસીને ઘર સુધી આવવાં લાગી." આશુતોષ શાહે રાડો પાડીને આખું ઘર માથે લીધું હતું. તેમનો અવાજ સાંભળી વંદિતા શાહ પણ કિચનમાંથી બહાર આવ્યાં.

 

"શું થયું?? શેનાં આટલી બધી રાડો પાડો છો??" વંદિતા શાહ પૂછવા લાગ્યાં.

 

"તું તારી દીકરી માટે મને સુધરવાનું કહેતી હતી ને!? આજે એ દીકરી જ બગડવા લાગી છે. કોણ જાણે કોલેજમાં શું કરતી હશે!? હવે મારે આ નાટકો નથી જોઈતાં. કાલથી જોબ, કોલેજ બધું બંધ. હવે સીધાં તારાં લગ્ન જ થાશે. પછી જ તું આ ઘરની બહાર કદમ મૂકીશ." આશુતોષ શાહે નિત્યાનો હાથ પકડીને તેને રૂમમાં લોક કરી દીધી.

 

નિત્યા બેડ પર ઉંધા પડીને મોડાં સુધી રડતી રહી. નિત્યાએ તેનાં મમ્મી-પપ્પા વિશે વિચારો બદલવાનું શરૂ કર્યું જ હતું. ત્યાં જ તેનાં પપ્પાએ આજે ફરી એટલી મોટી વાત કરી નાંખી, કે નિત્યાને તેનાં સપનાં, તેનું કરિયર બધું તૂટતું નજર આવવાં લાગ્યું.

 

 

**********

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED