સ્ત્રીનો સંઘર્ષ - 7 Sujal B. Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

સ્ત્રીનો સંઘર્ષ - 7

ભાગ-૭

પંકજની ઘરે પણ સગાઈની જોરદાર તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. પંકજ લગ્ન માટે શેરવાની ટ્રાય કરી રહ્યો હતો. તેનાં બેડ પર દશેક શેરવાની પડી હતી. એ બધી જ તે ટ્રાય કરી ચૂક્યો હતો. પણ હજું સુધી એક શેરવાની તેણે પસંદ કરી ન હતી.

હેમલતાબેનની પણ એ જ હાલત હતી. તેઓ પણ સાડીઓનો ઢગલો કરીને બેઠાં હતાં. બંને મા‍ઁ-દીકરો પહેલેથી જ એવાં હતાં. એક વસ્તુ પસંદ કરતાં બંનેને આખો દિવસ પસાર થઈ જતો. પારિતોષભાઈએ દુનિયા સામે પોતાનું સ્ટેટ્સ જાળવી રાખવાં બહું મહેનત કરી હતી. આજે બિઝનેસ ઈન્ડસ્ટ્રીમાં અને તેમનાં પરિવારમાં તેમનું બહું ઉંચુ નામ હતું. આશુતોષ શાહે પંકજ સાથે નિત્યાના લગ્નનો નિર્ણય લીધો. એ બધું આ કારણે જ થયું હતું. પારિતોષભાઈનુ સ્ટેટ્સ અને રૂપિયા જોઈને આશુતોષ શાહ મોહી ગયાં હતાં.

 

"તમે પચાસ લાખ રૂપિયા તૈયાર કરી લીધાં?? સગાઈ પછી તરત જ તેની જરૂર પડશે." અચાનક જ હેમલતાબેને આવીને પારિતોષભાઈને પૂછ્યું.

 

"હાં, એ કેવી રીતે ભૂલી શકાય!? એ બધી તૈયારી તો ઘણાં સમય પહેલાં જ થઈ ગઈ." પારિતોષભાઈએ જવાબ આપ્યો.

 

પારિતોષભાઈનો જવાબ સાંભળીને હેમલતાબેનને હાશકારો થયો. જાણે એ રૂપિયા વગર તેમનાં લાડકા પંકજની સગાઈ અટકી જવાની હોય.

 

હર્ષ તેનાં રૂમમાં બેઠાં બેઠાં કોલેજનું કામ કરી રહ્યો હતો. એક અઠવાડિયામાં હર્ષનાં જીવનમાં ઘણું બદલાઈ ગયું હતું. આવતી કાલનાં દિવસ પછી પણ ઘણું બધું બદલાઈ જવાનું હતું. હર્ષ જાણતો હતો. આવતી કાલે નિત્યાની પંકજ સાથે સગાઈ હતી. એ વિચારથી દૂર રહેવા જ હર્ષ પોતાનું મન કામમાં પરોવી રહ્યો હતો. પણ માણસ જે વસ્તુથી દૂર ભાગવાની કોશિશ કરે. એ વસ્તુ જ વારંવાર તેની સામે આવી જતી હોય છે. એવું જ કંઈક હર્ષ સાથે થઈ રહ્યું હતું.

 

"બેટા, સવારનો તું કામ કરે છે. બપોર થવા આવી. હવે પહેલાં થોડું જમીને આરામ કર." દેવકીબેને આવીને કહ્યું.

 

"તું જા.. હું આવું છું." હર્ષે દેવકીબેનને કહ્યું.

 

દેવકીબેન આ એક ને એક વાત ત્રીજી વખત સાંભળી રહ્યાં હતાં. જેનાં લીધે આ વખતે તે હર્ષને પોતાની સાથે જ લઈને ગયાં. હર્ષ માટે ખુદ ખુશ રહેવું ને તેનાં મમ્મી-પપ્પાને પણ ખુશ રાખવા. એ કામ બહું અઘરું પડી રહ્યું હતું. છતાંય તે બને એટલી કોશિશ કરતો હતો.

 

"તારી કોલેજ કેવી ચાલે છે??" અરવિંદભાઈએ હર્ષનાં નીચે આવતાં જ હર્ષને પૂછ્યું.

 

"સારી ચાલે છે. બધું સરખું જાય છે. આગળ પણ આવું જ રહેશે." હર્ષે બહું સમજી વિચારીને જવાબ આપ્યો.

 

હર્ષ મહેનત કરી રહ્યો હતો. પણ પરિણામ વિશે તેને જાણકારી ન હતી. હર્ષે હંમેશા પરિણામની ચિંતા કર્યા વગર જ બધાં કામ કર્યા હતાં. તેની એ આદતના લીધે જ આજે હર્ષ ખુદને અને તેનાં મમ્મી-પપ્પાને પણ સારી રીતે સંભાળી લેતો હતો.

 

હર્ષનો જવાબ સાંભળીને બધા લંચ કરવાં બેઠાં. હર્ષ નીચું જોઈને જમી રહ્યો હતો. જાણે તેનું મન બીજે ને તન બીજે હોય. એવું વર્તન તે કરતો હતો. લંચ કરીને હર્ષ ફરી પોતાનાં રૂમમાં પુરાઈ ગયો.

 

નિત્યા ઘર અને સગાઈની તૈયારીઓથી દૂર રહેવા માંગતી હતી. એટલે તે સોસાયટીના બગીચામાં આવીને બાંકડા પર બેઠી હતી. નિત્યા તેનાં મમ્મી-પપ્પા વચ્ચે થતી વાતચીત સાંભળીને દુઃખી હતી.

 

વંદિતા શાહ અને આશુતોષ શાહ તો માત્ર પોતાની મંઝિલ સુધી પહોંચવા માંગતા હતાં. તેમને તો નિત્યાથી છૂટકારો જોતો હતો. નિત્યા ખુશ છે કે દુઃખી...એ વાતની તેમને કાંઈ પડી ન હતી.

 

નિત્યા પહેલાં તો પંકજની વાત સાંભળીને ખુશ હતી. પણ પંકજે નોકરીની વાત પર જે રીતે રીએક્શન આપ્યું. એ પછી નિત્યાના મનમાં અનેક સવાલો દોડી રહ્યાં હતાં. જેનાં જવાબ માત્ર પંકજ પાસે જ હતાં. આવતી કાલે નિત્યાની પંકજ સાથે સગાઈ હતી. એટલે નિત્યાએ એકવાર પંકજ સાથે વાત કરવાનું વિચાર્યું. તેણે પંકજને કોલ કર્યો. પણ પંકજે કોલ રિસીવ નાં કર્યો.

 

નિત્યા પંકજના કોલની રાહ જોતી બહાર જ બેઠી રહી. બપોરની સાંજ થવા આવી. પણ પંકજે કોલ નાં કર્યો. તેનો સાંજે સાત વાગ્યે એક મેસેજ આવ્યો.

 

"હું અત્યારે બહું બિઝી છું. આપણે હવે કાલ વાત કરીએ." પંકજનો મેસેજ વાંચીને નિત્યાનુ મોં પડી ગયું. નિત્યા મન મનાવીને ઘરે ગઈ. વંદિતા શાહ કિચનમાં ડીનર બનાવી રહ્યાં હતાં. પણ નિત્યાને જમવાની ઈચ્છા ન હતી. નિત્યા પોતાનાં રૂમમાં જતી રહી.

 

રાતનાં નવ વાગવા આવ્યાં. પણ કોઈએ તેને ડીનર માટે બોલાવી નહીં. નિત્યાના મમ્મી-પપ્પાએ તેને એકલી મૂકીને જ જમી લીધું. નિત્યા વિચારોની હારમાળા ગુંથતી સૂઈ ગઈ.

 

મમ્મી-પપ્પા તેનાં સંતાનો માટે પ્રથમ મિત્ર હોય છે. પણ નિત્યા એ બાબતે લક્કી ન હતી. તેની પાસે નાં તો મમ્મી-પપ્પાને મિત્ર કહી શકાય એવો હક હતો. નાં તો શાળા કોલેજના કોઈ મિત્રો હતાં.

 

નિત્યા પાસે બધું હોવાં છતાં કંઈ નાં હોવાં બરાબર હતું. મમ્મી-પપ્પા હતાં. પણ તેમનો પ્રેમ ન હતો. મોટું મકાન હતું. પણ તેને ઘર બનાવીને રહેનારાં વ્યક્તિઓ એમાં ન હતાં. બધાં તેની મરજી મુજબ રહેવા માંગતા હતાં.

 

વહેલી સવારે પક્ષીઓનાં અવાજથી નિત્યાની આંખ ખુલી. આજે નિત્યાની સગાઈ હતી. પણ તેનાં ચહેરા ઉપર ખુશીનો કોઈ ભાવ ન હતો. નિત્યા રોજની માફક નાહીને તૈયાર થવા લાગી. એ સમયે જ વંદિતા શાહ તેનાં રૂમમાં આવ્યાં.

 

"આ લહેંગો પહેરી લેજે. હેમલતાબેને સ્પેશિયલી તારી સગાઈ માટે મોકલ્યો છે." વંદિતા શાહે નિત્યાના હાથમાં લહેંગો આપીને કહ્યું.

 

હેમલતાબેને નિત્યા માટે લહેંગો મોકલ્યો હતો. એ વાત વંદિતા શાહને ગમી હતી. પણ નિત્યાને કોઈ તેની પાસેથી તેને શું પહેરવું, શું નાં પહેરવું એ આઝાદી પણ છીનવી રહ્યું હોય. એવું લાગી રહ્યું હતું.

 

નિત્યા કમને લહેંગો પહેરીને તૈયાર થઈ ગઈ. સોસાયટીના કોમ્યુનિટી હોલમાં જ નિત્યા અને પંકજની સગાઈ રાખવામાં આવી હતી. વંદિતા શાહ તરફથી તો કોઈ માણસો ન હતાં. તેમણે સોસાયટીના એક બે ઘરને જ આમંત્રણ આપ્યું હતું. બધાં કોમ્યુનિટી હોલમાં એકઠાં થઈ ગયાં.

 

આશુતોષ શાહ હોલની સજાવટ જોઈ રહ્યાં હતાં. એ સમયે પંકજ તેનાં પરિવાર સાથે આવ્યો. પંકજ આવતાવેંત જ તેનાં મિત્રો અને મહેમાનો વચ્ચે ઘેરાઈ ગયો. નિત્યા એક તરફ એકલી ઉભી હતી. એ સમયે હેમલતાબેન તેની પાસે ગયાં. તેણે પોતાની સહેલીઓ સાથે નિત્યાની મુલાકાત કરાવી.

 

નિત્યા સિવાય બધાં લોકો ખુશ હતાં. નિત્યાની સમજમાં એ આવતું ન હતું, કે પંકજ તેનાંથી દૂર કેમ ભાગતો હતો. પહેલાં દિવસે તો બધું ઠીક હતું. પણ અચાનક એવું વર્તન કેમ?? એ વાત નિત્યાને અંદરખાને પરેશાન કરતી હતી.

 

નિત્યા છેલ્લી એક કલાકથી પંકજ સાથે વાત કરવા તેની પાછળ પાછળ ફરી રહી હતી. પણ પંકજે એકવાર તેની સામે સુધ્ધાં જોયું ન હતું. એટલામાં સગાઈનુ મુહૂર્ત થઈ ગયું. ગોરબાપાએ પંકજ અને નિત્યાને પરિવાર સહિત બોલાવી લીધાં. સગાઈની વિધિ આરંભ થઈ ગઈ.

 

પંકજ વિધિ પર ધ્યાન આપી રહ્યો હતો. પણ નિત્યાનુ ધ્યાન પંકજ ઉપર હતું. પંકજના મનમાં શું ચાલી રહ્યું હતું. એ નિત્યા સમજી શકતી ન હતી.

 

સગાઈમાં આવેલાં બધા મહેમાનો પોતાની રીતે વાતોમાં અને જમવામાં વ્યસ્ત હતાં. ગોરબાપાના કહેવા અનુસાર નિત્યા અને પંકજે એકબીજાને સગાઈની રિંગ પહેરાવી દીધી. વિધિ પૂરી થયાં પછી બધાં પોતાનાં કામમાં ને વાતોમાં વ્યસ્ત થઈ ગયાં. એ સમયે મોકો જોઈને નિત્યા પંકજ પાસે વાત કરવા માટે ગઈ.

 

"પંકજ, મ...મ..મારે તને એક વ..વ..વાત કહેવી છે." નિત્યાએ અચકાતા અચકાતા કહ્યું.

 

"અરે પંકજ, તને નિશા ક્યારની શોધે છે." નિત્યા પોતાની વાત કરી શકે. એ પહેલાં જ પંકજનો એક મિત્ર આવીને પંકજને લઈને જતો રહ્યો. પંકજ પણ કાંઈ બોલ્યાં વગર તેનાં મિત્ર સાથે જતો રહ્યો. નિત્યા ફરી એકલી પડી ગઈ.

 

નિત્યા એક ખૂણામાં જઈને બેસી ગઈ. બધાં તેની રીતે મજાક મસ્તી ને વાતો કરતાં હતાં. સગાઈ નિત્યાની પણ હતી. છતાં નિત્યા વિશે કોઈ પૂછતું પણ ન હતું. નિત્યાને પોતાની જ સગાઈમાં પારકાં જેવું ફીલ થઈ રહ્યું હતું. જાણે એ કોઈ બીજાંની સગાઈમાં આવી હોય.

 

પંકજ તેનાં મિત્રો સાથે ને તેનાં મમ્મી-પપ્પા તેનાં સગાંવહાલાં સાથે વ્યસ્ત હતાં. નિત્યાના મમ્મી-પપ્પા તેની રીતે ફંકશનની મજા માણી રહ્યાં હતાં. ધીમે-ધીમે બધાં મહેમાનો જવાં લાગ્યાં. પંકજ પણ નિત્યાને મળ્યાં વગર જ તેનાં મમ્મી-પપ્પા સાથે ઘરે જતો રહ્યો.

 

નિત્યાએ ઘણાં પ્રયત્નો કર્યા. પણ ખબર નહીં કેમ, પંકજ ખુદ જ તેની સાથે વાત કરવા માંગતો ન હતો, કે નિત્યાને એવું લાગી રહ્યું હતું. એ વાત નિત્યાને સમજાતી ન હતી. નિત્યાનો ચહેરો રડવા જેવો થઈ ગયો હતો. બે મિનિટ વધારે એ આ બાબતે વિચાર કરતી. તો એ રડવા લાગે એમ હતી. એટલે નિત્યા દોડીને પોતાની ઘરે જઈને પોતાનાં રૂમમાં જતી રહી.

 

નિત્યાએ લહેંગો કાઢીને રોજની માફક જીન્સ અને ટી-શર્ટ પહેરી લીધાં. હાથ અને ગળામાં પહેરેલી વસ્તુઓ કાઢતી વખતે નિત્યાની નજર પંકજે પહેરાવેલી રિંગ પર ગઈ. પંકજે નિત્યાને ડાયમંડ રિંગ પહેરાવી હતી. રિંગ તો બહું કિંમતી હતી. પણ કદાચ પંકજના જીવનમાં કે પંકજના પરિવાર સામે નિત્યાની કોઈ કિંમત ન હતી. એ વાત નિત્યા જાણી અને સમજી ગઈ હતી.

 

નિત્યાએ એક પળ માટે લગ્ન નાં કરવાનો નિર્ણય લઈ લીધો. પછી અચાનક જ તેને યાદ આવ્યું, કે બધું કદાચ જોબનાં લીધે થયું હતું. પણ લગ્ન પછી એ જોબ કરવાની ન હતી. એટલે પછી કોઈ પ્રોબ્લેમ નહીં થાય. એમ સમજીને નિત્યાએ એક પળ પહેલાં લીધેલો નિર્ણય માંડી વાળ્યો.

 

નિત્યા વિચારોનાં એવાં ભંવર વચ્ચે ઘેરાયેલી હતી. જેમાં તે કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવા પોતાની જાતને સક્ષમ સમજતી ન હતી. નિત્યાને બધી તરફ પોતાનું નુકશાન જ દેખાતું હતું. છતાંય તે પંકજ સાથે લગ્ન કરવાં તૈયાર હતી. પંકજ સાથે તેને એક અલગ પ્રકારની જ લાગણી બંધાઈ હતી. જેનાં લીધે તે પંકજથી દૂર થવા માંગતી ન હતી.

 

માણસ જ્યારે કોઈ નિર્ણય લેવા સક્ષમ નાં હોય. ત્યારે એ જે થતું હોય. તેનો જ સ્વીકાર કરી લેતો હોય છે. નિત્યાએ પણ એવું જ કર્યું હતું. નિત્યા જે થતું હતું. તેને રોકવા માંગતી ન હતી. પણ જે થતું હતું. તેનાંથી એ ખુશ પણ ન હતી. કદાચ નિયતિએ નિત્યા માટે કંઈક અલગ જ વિચારીને રાખ્યું હતું. કદાચ નિત્યાના જીવનમાં હાલ પૂરતો સંઘર્ષ જ લખેલો હતો. જેમાં નિત્યાનુ કાંઈ ચાલી શકે એમ ન હતું.

 

નિત્યાએ પંકજને ફરી એકવાર કોલ કરીને તેની સાથે વાત કરવાની કોશિશ કરી. પણ પંકજે કોલ રિસીવ જ નાં કર્યો. એક નાની એવી વાતે એટલું મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું, કે તેનો હલ લાવવો મુશ્કેલ બની ગયો હતો.

 

નિત્યા પોતાનાં રૂમમાં બેઠી હતી. એ સમયે વંદિતા શાહ તેને સગાઈમાં મળેલ ગિફ્ટસ્ લઈને આવ્યાં. તે બધાં ગિફ્ટ બોક્ષ નિત્યાના રૂમમાં મૂકીને જતાં રહ્યાં. નિત્યા તેની સગાઈના દિવસે પણ રડતી હતી. એ ઉપર વંદિતા શાહનુ ધ્યાન પણ નાં ગયું.

 

નિત્યા આખો દિવસ પોતાનાં રૂમમાં જ રહી. સાંજે ડિનર માટે પણ બહાર નાં નીકળી. સતત રડ્યાં પછી આંખો સોજી જવાનાં કારણે નિત્યાની આંખો બળવા લાગી. જેનાં લીધે તેને વહેલાં ઉંઘ આવી ગઈ.

 

હર્ષે માત્ર એક જ અઠવાડિયામાં પોતાની જાતને સંપૂર્ણપણે કામમાં પરોવી દીધી હતી. તે સખ્ત મહેનત કરી રહ્યો હતો. હર્ષનાં મમ્મી-પપ્પા એ વાતથી આમ તો ખુશ હતાં. પણ હર્ષે નિત્યાને ભૂલવા માટે કામ કરવાનો રસ્તો અપનાવ્યો હતો. જે વાતથી તેઓ થોડાં પરેશાન હતાં.

 

હર્ષ માટે બધું સરળ નાં હતું. છતાંય તે એ બધું કરી રહ્યો હતો. નિત્યા કોઈ વસ્તુ ન હતી, કે હર્ષ તેને માત્ર એક અઠવાડિયામાં જ ભૂલી શકે. કોઈ કોઈ તો વસ્તુને પણ ભૂલી નથી શકતું. જ્યારે આ તો નિત્યા હતી. જેને હર્ષ એક જ મુલાકાતમાં પોતાનું સર્વસ્વ સોંપી બેઠો હતો.

 

હર્ષે મોડી રાત સુધી લેપટોપ પર કામ કર્યું. તેણે પોતાની નવી કંપની શરૂ કરવા માટેનું કામ શરૂ કરી દીધું હતું. હર્ષે મોલની જોબ છોડીને ત્યાં જ આસપાસ જ ક્યાંક સારી જગ્યાએ વધું પગારમાં જોબ કરવાનું નક્કી કર્યું હતું.

 

 

********

રેટ કરો અને રિવ્યુ આપો

Rajiv

Rajiv 3 વર્ષ પહેલા

Pannaben Shah

Pannaben Shah 3 વર્ષ પહેલા

Nikita Patel

Nikita Patel 3 વર્ષ પહેલા

Vaishali Rathod

Vaishali Rathod 3 વર્ષ પહેલા

Swati

Swati 3 વર્ષ પહેલા