Featured Books
શ્રેણી
શેયર કરો

દિલ: એ સ્ટોરી ઓફ ફ્રેન્ડશીપ. - ભાગ-10: ઝઘડો

ભાગ-10: ઝઘડો


બે મહિના બાદ ફરી દેવ સુરત આવ્યો. એકદમ દુઃખી, લાચાર થઈને તે હોસ્ટેલના રૂમમાં પહોચ્યો. તેને થોડો ટાઈમ એકલા રહેવું હતું. દેવને સુરત આવ્યે અઠવાડિયું થઈ ગયું પણ ના લવનો કોલ આવ્યો કે ના ઇશીતાનો. લવ પણ જાણે હોસ્ટેલ ઘણા સમયથી આવ્યો ના હોય એવું તેના સામાન ઉપરથી દેવને લાગ્યું. દેવથી રહેવાયું નહીં.

તેણે લવને કોલ કર્યો,"હેલો, ક્યાં છે? હું અઠવાડિયાથી હોસ્ટેલ આવી ગયો છું. ભાન બાન પડે છે કે નહીં." દેવે ગુસ્સાભર્યા અવાજમાં લવને કહ્યું.

"સોરી યાર, મારા મગજમાંથી જ નીકળી ગયું હતું. હમણાં બિઝી છું, પછી કોલ બેક કરું તને. ચલ,બાય." કહીને તેણે ફોન મૂકી દીધો.

દેવને ખૂબ ગુસ્સો આવ્યો. તેણે ઇશીતાને ફોન લગાવ્યો.
"મારે સામેથી ફોન કરીને કહેવું પડે કે હું આવી ગયો છું?"દેવ ઇશીતા ઉપર તાડુક્યો.

"સો...રી...હું આજે કરવાની જ હતી તને કોલ. ભૂલી જ ગઈ. મારે તને એક વાત કહેવાની હતી. તું ઘરે ગયો હતો અને તારી પરિસ્થિતિ એવી હતી કે મને આ વાત કરવી યોગ્ય ના લાગી. એટલે મેં તને ના કરી." ઇશીતાએ જવાબ આપ્યો.

"શું વાત હતી?" દેવે અકળાઈને કહ્યું.

"સાંજે મળીને કહું. આપણાં અડ્ડા ઉપર. પાંચ વાગે મળીએ." ઇશીતાએ ફોન મૂકી દીધો.

દેવ ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. "કોઈની પાસે બે મિનિટ માટે મળવાનો કે વાત કરવાનો પણ ટાઈમ નથી. ખબર છે કે મારી પરિસ્થિતિ આવી છે તો પણ કોઈને અઠવાડિયામાં એકવાર પણ મળવાનો વિચાર ના આવ્યો. જ્યારે જરૂર હોય ત્યારે જ કોઈ હાજર ના હોય. દેવે જોરથી દરવાજો પછાડ્યો અને બંધ કરીને સુઈ ગયો.

સાંજના પાંચ વાગ્યા. દેવ નક્કી કરેલ સમયે ડુમ્મસ પહોંચી ગયો. હજી તેનો મુડ ગુસ્સાથી ભરેલો હતો. સવા પાંચ થયા. ઇશીતા હજી સુધી ના આવી. દેવે ગુસ્સામાં ત્યાં આંટા ફેરા મારવાનું ચાલુ કર્યું. તેણે ગુસ્સામાં કોલ કર્યો,"ક્યાં છે? તને સમયનું કંઈ ભાન છે?"

"અરે આવું છું બાબા, રસ્તામાં છું. ચીલ' કહીને ઇશીતાએ ફોન કટ કરી દીધો.

ઇશીતા સાડા પાંચે ત્યાં પહોંચી. તેણે દેવને સામે બેઠેલો જોયો. તે પગ હલાવતો હલાવતો થોડી થોડી વારે ઘડિયાળમાં જોઈ રહ્યો હતો. ઇશીતા તેની સામે આવી અને કાન પકડીને ઉઠક બેઠક કરવા લાગી, "સોરી."

દેવ બીજી બાજુ ફરીને બેસી ગયો. ઇશીતા તેની બાજુમાં આવીને બેસી ગઈ અને તેની ગરદન પર હાથ મૂકીને તેણે કહ્યું,"સોરી હવે યાર. માફ કરી દે ચલ. આટલું તો છોકરીઓ પણ ભાવ નથી ખાતી, જેટલો તું ભાવ ખાય છે." ઇશીતાએ વાતાવરણને હળવું કરવા ટીખળ કરી.

"સાડા પાંચ. વહેલા આવવું જ ના હોય, તો વહેલા બોલાવતા જ શુ કામ હશો?" દેવે ઘડિયાળ બતાવતા સંભળાવાનું શરૂ કર્યું.

ઇશીતા ચૂપચાપ મોઢા ઉપર આંગળી મૂકીને સાંભળવા માંડી. તેને લાગ્યું કે હમણાં કંઈપણ બોલવા જેવું નથી. ચૂપચાપ સાંભળવામાં જ મજા છે.

દેવ ઉભો થઇ ગયો અને આંટા મારવા માંડ્યો અને અચાનક ઇશીતાની સામે આવીને ઉભો રહી ગયો.
"આભાર કે તમે મળવા આવ્યા. અહોભાગ્ય મારા કે તમે મારા માટે ટાઈમ કાઢ્યો. અઠવાડિયાથી માણસ આવી ગયો છે પણ 2 મિનિટ માટે વાત કરવાનો કે મળવાનો ટાઈમ નથી લોકો પાસે. એટલા બધા બીઝી થઈ ગયા છે લોકો. પ્રાઈમ મિનિસ્ટર પછી દેશનાં સૌથી વ્યસ્ત માણસોમાં તમારા બે નો સમાવેશ થતો હશે." દેવે હાથ જોડીને કહ્યું.

"અને ક્યાં છે પેલો નાલાયક, એના બૈરામાં જ ખોવાયેલો હશે. એને કહીએ બૈરાની બહાર પણ એક દુનિયા છે. એ મળે એટલી જ વાર છે. લઉં છું એને પણ આજે તો, આવવા દે એને રૂમ પર." દેવે અકળાઈને કહ્યું.

ઇશીતા એ જ પરિસ્થિતિમાં મોઢા ઉપર આંગળી રાખીને હસવાનું રોકીને બેસી હતી.
"હવે કંઈક ભસીસ મોઢામાંથી?" દેવે ઇશીતાની બાજુમાં ફરીથી બેસી જતા કહ્યું.

"ચીલ યાર. શાંત થઈ જા. ગુસ્સો ઓછો કર. અહીં આવ તને એક ઝપ્પી આપું."ઇશીતાએ બે હાથ પહોળાં કરતા દેવને કહ્યું.

દેવ ઇશીતાને ભેટી પડ્યો અને રડવા લાગ્યો.
"રડી લે એકવાર. પછી શાંત થઈ જા." ઇશીતાએ દેવની પીઠ ઉપર હાથ ફેરવતા કહ્યું. થોડી વાર સુધી દેવ રડતો રહ્યો અને ઇશીતા એને સાંત્વના આપી રહી. દેવ શાંત થઈ ગયો.

"ફીલિંગ બેટર?" ઇશીતાએ પૂછ્યું.

"હમ્મ.." દેવે આંસુ લૂછતાં કહ્યું.

"બસ આની જ જરૂર હતી તને. હવે બધું બેટર છે. હવે વાત કર ચલ."

"પેલો ક્યાં છે?" દેવે પૂછ્યું.

"નથી ખબર. એક મહિનાથી તો મારી એની સાથે વાત નથી થઈ." ઇશીતાએ કહ્યું.

"હેં? શુ? તમે બંને અહીં એક જ શહેરમાં રહો છો અને તમે એક મહિનાથી વાત નથી કરી! વાહ." દેવે આશ્ચર્યમાં કહ્યું.

"અરે હું બીઝી હતી. મેં તને અહીં એક વાત કહેવા માટે બોલાવ્યો છે."

"હા. બોલ શું વાત છે?" દેવે પૂછ્યું.

"મારે તને બહુ પહેલા આ વાત કહેવાની હતી પણ તારી પરિસ્થિતિ એવી હતી કે મને લાગ્યું આ વાત એ વખતે નહોતી કરવા જેવી. તું ઓલરેડી અપસેટ હોય અને હું ક્યાં વધારે તને હેરાન કરું એટલે મેં ના કરી. પહેલા તું પ્રોમિસ કર કે આ વાત સાંભળ્યા પછી ગુસ્સે નહીં થાય." ઇશીતાએ પ્રોમિસ માંગ્યું.

"પ્રોમિસ, બોલ હવે."

"તારા ગયા પછી મેં ડેટિંગ એપ ઉપર એકાઉન્ટ બનાવ્યું. એમાં પછી એક છોકરા સાથે મેચ આવ્યું. પછી અમે બંને કેફેમાં મળ્યા. ઘણી બધી વાર મળ્યા. એ છોકરો મને પસંદ આવવા લાગ્યો. પહેલી વાર મને કોઈ છોકરો ગમવા લાગ્યો હતો. એન્ડ પછી વેલેન્ટાઈન ડે ઉપર એણે મને પ્રપોઝ કર્યું એન્ડ આઈ સેઇડ યસ. પ્લીઝ તું ગુસ્સે ના થતો." ઇશીતાએ દેવને મોટો આંચકો આપ્યો.

દેવ આભો બનીને જોઈ રહ્યો. તેને ખોટું લાગી ગયું. તેને આઘાત લાગ્યો."ઈશુ, તું પણ? તે પણ પેલાના જેવું જ કર્યુંને. મેં તારી પાસે આવી અપેક્ષા નહોતી રાખી. એટલીસ્ટ કહેવું તો હતું. કોણ છે, કેવો છે, શું કરે છે, એવું કશું જાણ્યા વગર એમ જ તું કેવી રીતે આટલો મોટો નિર્ણય લઈ શકે."

"પણ તું સમજ તો ખરા, તારી આવી પરિસ્થિતિમાં હું કેવી રીતે તને આ બધી વાત કહું. મામે થયું તું અહીં આવે પછી શાંતિથી તને કહીશ, પણ બધું એટલું જલ્દી જલ્દીમાં થઈ ગયું કે ટાઈમ જ ના મળ્યો. કોઈક વાત માઇન્ડમાંથી ક્યારેક જતી પણ રહે અને બધી જ વાતો કંઈ કહેવી જરૂરી ના હોય." કહીને અકળાયેલી ઇશીતા બીજી બાજુ ફરી ગઈ.

"હા, પણ આ 'બધી' વાત ના કહેવાય ને? આ મહત્વની વાત કહેવાય. જે પણ હોય તારો નિર્ણય છે, મારે શું લેવાદેવા. આઈ ડોન્ટ ઇવન કેર." દેવે શબ્દોરૂપે અણગમો વ્યક્ત કર્યો અને મોઢું બગાડીને બેસી ગયો.

"હાઉ રુડ દેવ! આવી રીતે કેમ વાત કરે છે જાણે હું તારા માટે કોઈ અજાણી વ્યક્તિ હોઉં અને તને કંઈ ફરક જ ના પડતો હોય. મને એમ હતું કે સૌથી વધારે ખુશ આ વાતથી તું હોઈશ, પણ તું તો..." ઇશીતા અટકી અને દેવ સામે જોઈ રહી. દેવ ચૂપચાપ બેસી રહ્યો.

"એનિવે, હમણાં સાગર આવે છે. એની આગળ કોઈ સીન ક્રિએટ ના કરતો મહેરબાની કરીને, પ્લીઝ. સરખી રીતે વાત કરજે. જે 0ન તારે બબાલ કરવી હોય મારી સાથે કરજે, એની આગળ કંઈજ નહીં." ઇશીતાએ વિનંતી કરી.

"હવે મારે શું કરવાનું અને શું નહીં કરવાનું એ પણ તું મને કહીશ? જોઉં છું, પ્રયત્ન કરીશ." દેવે કહ્યું. ગુસ્સામાં બંને એકબીજા સામે મોઢું બગાડીને જોઈ રહ્યા.

એટલામાં સાગર આવે છે. તે કાર પાર્ક કરે છે અને આવીને ઇશીતાને ભેટે છે.
"હાય, આઈ એમ સાગર. યુ મસ્ટ બી દેવ, રાઇટ? ઈશુ તારા વિશે આખો દિવસ વાતો કરતી હોય છે." સાગરે ઇશીતા સામે જોઇને કહ્યું.

"તમે લોકો વાતો કરો, હું આઈસ્ક્રીમ લઈને આવું."કહીને ઇશીતા ત્યાંથી જતી રહી.

દેવ સાગર સાથે પાંચ મિનિટ વાતો કરતો રહ્યો અને વાતો વાતોમાં પોતાની જાસૂસી નજર ચલાવતો રહ્યો. તેને સાગર ખાસ પસંદ ના આવ્યો. સાગર તેને દ્વિમુખી પ્રતિભા ધરાવતો માણસ લાગ્યો.

એટલામાં ઇશીતા આઈસ્ક્રીમ લઈને આવી પહોંચી અને બધાને આપ્યો.
"એક્સ્ક્યુઝમી, ઇશીતા બે મિનિટ આવજે જરા." દેવ ઇશીતાને સાઈડમાં લઇ જાય છે.

"મને આ માણસ તારા માટે બરાબર નથી લાગી રહ્યો." દેવે ચિંતા વ્યક્ત કરી.

"કેમ શુ થયું? આટલો તો સ્વીટ છે." ઇશીતાએ આઈસ્ક્રીમ ખાતા ખાતા પૂછ્યું.

"એજ કહું છું, એ માણસ મીઠડું મીઠડું બોલીને ભરમાવી દે એવો માણસ છે. છોડ આને. તારા માટે યોગ્ય નથી. મારી વાત માન. મીઠું મીઠું બોલીને ક્યારે તારું પત્તુ કાપીને જતો રહશે, ખબર પણ નહીં પડે." દેવે પોતાનું મંતવ્ય રજૂ કર્યું.

"ઇનફ યાર દેવ, કોઈક વસ્તુની લિમિટ હોય. તને એ માણસને મળે પાંચ મિનિટ પણ નથી થઈ અને તું એના વિશે આટલું મોટું જજમેન્ટ આપી દે છે. હું એક મહિનાથી એને ઓળખું છું અને મને એવું એકવાર પણ નથી લાગ્યું. બધી વસ્તુઓમાં શંકાની નજરે જોવાનું બંધ કર. આઈ નો તને મારી ફિકર છે, પણ ક્યારેક તું ખોટો પણ હોઈ શકે ને." ઇશીતાએ ગુસ્સામાં કહ્યું.

"બેસ્ટફ્રેન્ડની નજર બહુ તેજ હોય છે. એ પારખી લે છે કે કોણ સારું છેવાને કોણ ખરાબ. ધીસ ઇસ વન ઓફ ધોઝ વાઈબ્સ. મારા ઇનર વાઈબ્સ ક્યારેય ખોટા નથી હોતા. તારી ફિકર છે એટલે જ કહું છું, હું તને ઓળખું છું સારી રીતે જોઈ કંઈપણ થશે તો તું બહુ જ હાર્ટ થઈશ. પણ તે મનમાં નક્કી કરીજ લીધું છે કે મારી એકપણ વાત નહીં માનવાની, તો પછી મારા બોલવાનો કોઈ મતલબ નથી. ખેર તારે જે કરવું હોય એ કર, પછી રોતા રોતા મારી પાસે ના આવતી." દેવે અકળાઈને કહ્યું.

"યુ નો વોટ દેવ, તું ભાડમાં જા." ઇશીતાએ કહ્યું.

"તું ભાડમાં જા." કહીને દેવ ત્યાંથી નીકળી ગયો.

રસ્તામાં દેવને મનમાં ખૂબ દુઃખ થયું કે આ રીતે તેને ઇશીતા જોડે વાત નહોતી કરવી જોઈતી. તેણે ફોન કાઢીને તરત તેને "સોરી." એવો મેસેજ કરી દીધો અને ફોન પાછો મૂકી દીધો.

દેવ હોસ્ટેલ રૂમ ઉપર આવીને બેઠો અને વિચારોના મનોમંથનમાં ડૂબી ગયો. એટલામાં દરવાજા ઉપર ટકોરા પડ્યા.

"મે આઈ કમ ઇન સાહેબ?" લવ મસ્તી કરવાના મૂડમાં અંદર પ્રવેશ્યો.

દેવે તેને ઇગ્નોર કર્યો અને પોતાના ફોનમાં જોવા લાગ્યો.
"રોયલ ઇગ્નોર, હમ્મ..." કહીને લવ એની આગળ જઈને ઉભો રહી ગયો. દેવ ચૂપચાપ બેસી રહ્યો.

"આટલા દિવસે મળ્યો, ભાઈને ગળે નહીં લાગે." લવે કહ્યું.

"તું તો ગળે પડ્યો છે. સહન કર્યા સિવાય છૂટકો નથી." દેવે ખિજાઈને કહ્યું.

"બોલ્યો, બોલ્યો. મારો વીરલો બોલ્યો ખરા. મને તો એમ કે આજે તું મારું ખૂન જ કરી નાખીશ." કહીને તે દેવને ધક્કો મારી તેની ઉપર ચડી ગયો અને મસ્તી કરવા લાગ્યો.

"નાલાયક, હરામખોર. ક્યાં મરી ગયો તો આટલા દિવસ? મળવાની કે ફોન કરવાની ખબર નથી પડતી?" દેવે લવને સટકાવ્યો.

"અરે યાર છોડને. આ તું ગયો એના પછી હું અને રાશી મોટા ભાગે સાથે જ હોઈએ છે અમારા ફ્લેટ ઉપર. એના એટલા નખરા અને નાટકો હોય છે ને કે પુછ નહીં. બીજા કોઈ માટે ટાઈમ જ નથી રહેતો." લવે કહ્યું.

"ઓહ, આઈ સી. એટલે હવે છોકરીના લીધે તું તારા ભાઈને મળવા નહીં આવે? ટાઈમ નહીં નીકાળે એમ. વેરી ગુડ. આવી જ આશા હતી તારી પાસેથી." દેવે તાળી વગાડતા કહ્યું.

"અલ્યા એવું નહીં હવે, તું બધી વાતો ઉંધી જ કેમ લે છે. સોરી કહું છું ચલ બસ. આજે આપણે ચીલ કરીશું ચલ. આજનો પૂરો ટાઈમ તારા માટે." લવે ઉદારતા બતાવતા કહ્યું.

"મેડમે મંજૂરી આપી છે ને? નહીં તો છુપા છુપા આવું કરીશ તો તને ક્યાંક સજા ના આપી દે. તારામાં અને ઇશીતામાં કોઈ ફર્ક નથી. બંને સરખા છો." દેવે નિસાસો નાખતા કહ્યું.

"કેમ એણે શુ કર્યું પાછું? એની સાથે પણ એક મહિનાથી કોઈ કોન્ટેકટ નથી. શું કરે છે એ આજકાલ?" લવે જાણવા માટે પૂછ્યું.

"એ મેડમ ઓનલાઈન ડેટિંગ એપ ઉપરથી એક છોકરાને મળી અને અત્યારે એ છોકરો એનો બોયફ્રેન્ડ છે." દેવે પુરી વાત લવને કરી.

"અરે વાહ, છોકરીએ કર્યું ખરું એમને. મેં જ એને સલાહ આપી હતી કે એકાઉન્ટ બનાય એના ઉપર." લવે ખુશ થતા કહ્યું.

"એમાં આટલું ખુશ થવા જેવું શુ છે? એણે એકવાર આપણાં બેમાંથી કોઈને આ વિશે કીધું પણ નહીં. અને સાચું કહું તો મને એ છોકરો જરાયે પસંદ નથી પડ્યો." દેવે અણગમો બતાવતા કહ્યું.

"હા તો એમાં વાંધો શું છે. દેવ દરેકને લાઈફ પોતાની રીતે જીવવી હોય. રાજાને ગમે એ રાણી. એ બંનેને એકબીજા સાથે ગમે છે તો પછી તને શું વાંધો છે. બઘું કહેવું જરૂરી ના પણ હોય અથવા એ ભૂલી ગઈ હોય એવું પણ બની શકેને." લવે ઇશીતાનો પક્ષ લેતા કહ્યું.

"તને આ વાતથી કોઈ પ્રોબ્લેમ નથી? આટલી મોટી વાત તારું બેસ્ટફ્રેન્ડ તને ના કહે એ વાતથી તને કોઈ ફર્ક જ નથી પડતો? મારો હક છે જાણવાનો. એ માણસ કેવું છે કેવું નહીં, એને પ્રોટેક્ટ કરવાની મારી ફરજ છે. તું તો એનો જ પક્ષ લેવાનો ને, તે પણ તો એવું જ કંઈક કર્યું હતું ને." દેવે ગુસ્સામાં કહ્યું.

"ઇનફ યાર દેવ, તું તારા ફ્રેન્ડ્સને પ્રોટેક્ટ કરી શકે, પણ કંટ્રોલ ના કરી શકે. દરેકની પોતાની લાઈફ છે. કોઈને બંધન પસંદ ના હોય. યુ નો વોટ, તને બધાની લાઈફ ઉપર કંટ્રોલ જોઈએ છે. તને એમ છે કે બધા તને પૂછી પૂછીને બધું કરે. પણ એ શક્ય નથી દોસ્ત. તું અત્યારે એની ખુશીમાં ખુશ થવાને બદલે એણે કેમ ના કહ્યું એ વાતને લઈને ઇસ્યુ ઉભો કરે છે. અને એમાં જ આટલી નાની વાતને લઈને દુઃખી થયા કરે છે. ગ્રો અપ મેન." લવે અકળાઈને કહ્યું.

દેવ ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. "હમણાં જ મારો આંખો આગળથી દૂર થઈ જા, નહીં તો મારો હાથ ઉઠી જશે."

"જાઉં જ છું. ગુસ્સો શાંત થાય ત્યારે આવજે વાત કરવા અને મળવા. બાય." કહીને લવ ત્યાંથી જતો રહ્યો.

******************************

"એ દિવસથી મારું એ બંને સાથે બોલવાનું ઓછું થઈ ગયું. અલબત્ત, નહિવત થઈ ગયું. અમારૂ ભેગા થવાનું બંધ થઈ ગયું. અમારું કોલેજમાં મળવાનું બંધ થઈ ગયું. મારા મનમાં એટલો ગુસ્સો હતો કે મેં સામેથી જઈને વાત કરવા પ્રયત્ન જ ના કર્યો. એ દિવસે મને સમજાયું કે ગુસ્સો માણસ પાસે કંઈપણ કરવી શકે છે. ભૂલ મારી પણ હતી અને એમની પણ, મારે ગુસ્સો નહોતો કરવો જોઈતો. હું ગુસ્સામાં ઘણુંબધું બોલી ગયો જેનો મને પછી અફસોસ થયો. લવ રાશી સાથે અને ઇશીતા સાગર સાથે આખો દિવસ રહેતા, ધીમે ધીમે બંને મારાથી દૂર થઈ રહ્યા હતા. પછી અમારી લાસ્ટ સેમેસ્ટરની તૈયારીઓ ચાલુ થઈ ગઈ. એક્ઝામની તૈયારીઓમાં આ બધું ભુલાઈ ગયું. એ એક્ઝામ પણ પતી ગઈ. હવે કોલેજ પુરી થવા આવી હતી. થોડા દિવસોની જ વાર હતી." કહીને દેવ અટક્યો.

"આ વાત હતી? આ તો કંઈ એવી મોટી વાત નથી કે જેના લીધે તે ફ્રેન્ડશીપ તોડી નાખી." કાવ્યાએ આશ્ચર્યમાં કહ્યું.

"આટલી વાતના લીધે હું થોડી કંઈ એવું કરું. એક્ઝામ પછી મને થયું કે ફ્રેન્ડશીપમાં આવા નાના નાના ઝઘડા થયા કરે, હું સોરી કહી દઈશ તો બધું ફરીથી પહેલા જેવું થઈ જશે. પણ પછી મારી સાથે કંઈક એવું બન્યું કે એકજ ઝાટકે અમારા રિલેશન તૂટી ગયા. એ દિવસ હજી પણ મને બરોબર યાદ છે અને એ શબ્દો હજી મારા કાનમાં ગુંજે છે." દેવે એ દિવસને યાદ કરીને આંખો બંધ કરતા કહ્યું.

(ક્રમશઃ)