Impacts of Idea's On Human Life books and stories free download online pdf in Gujarati

વિચારોની જીવન પર અસર







લેખન:-
ઉમાકાંત મેવાડા
(સિવિલ એન્જિનિયર)


વિચારોની અસર માણસનાં જીવન અને વ્યક્તિગત સ્વાસ્થ્ય પર પડતી હોય છે.વિચારોની અસરથી કુટુંબ,ઘરસંસાર,ગૃહ નીજીજીવન,અને આસપાસના સંબંધો સ્નેહીઓ તથા ધંધા રોજગાર ને સમાજ પર પડતી હોય છે,વિચાર,વાણી,વર્તન ને વહેવારએ માણસનાં જીવનનો ખુદનો અરીસો છે,જેમ ખોરાકને ખાણીપીણીથી શરીર પર અસર થાય છે તેટલી,બલકે તેના કરતો પણ વધારે અસર માણસના વિચારો થી થાય છે.સ્વાસ્થ્ય કથળવાના કારણોમો વિચાર,વાણી,આહાર,વર્તન આબોહવા મોટો ભાગ ભજવે છે.
વિચારો લગામ વગરના ઘોડા જેવા હોય છે. એક પછી બીજો અને બીજા પછી ત્રીજો વિચાર આવતો જ રહે છે. વિચારને વિરામ આપતાં બધાને ફાવતું નથી.આપણે તો વિચારોનું મૂલ્યાંકન પણ કરતાં નથી. વિચારોને બસ આવવા દઈએ છીએ.માણસ પાસે બે વિકલ્પ હોય છે.એક તો વિચાર મુજબ દોરવાતા રહીએ અને બીજો વિચારને આપણે દોરવતાં રહીએ.મોટાભાગે માણસ વિચારો મુજબ દોરવાતો રહે છે. વિચારો જ્યાં લઈ જાય ત્યાં પહોંચી જાય છે.બહુ ઓછા લોકો વિચારોને કાબૂમાં રાખી શકે છે. વિચારોને કંટ્રોલ કરતાં આવડવું જોઈએ, નહીંતર વિચારો આપણા ઉપર કંટ્રોલ કરી લે છે. જિંદગીને વહેવા દેવી જોઈએ એ સાચું પણ જિંદગી જે તરફ વહી રહી છે એ દિશા તો બરોબર છેને એ ચેક કરતાં રહેવું પડે છે. વિચારોની અસર વાણી,વર્તન અને મન પર થવી જોઇયે.અને તેનો અમલ સ્વયંને કાબુ માં રાખવા થવો જોઇએ.
“વર્તન પર વિચારોનો કાબૂ હોય છે, પરંતુ એ વિચારો ઉપર માણસનો પૂરેપૂરો કાબૂ હોતો નથી”
છતાં માણસના જીવનમાં જે કંઈ બને છે તે તેના વિચારોથી જ બને છે. દરેક વસ્તુ, દરેક વર્તન પહેલાં વિચાર રૂપે જન્મે છે પછી જ તે નક્કર રૂપ ધારણ કરે છે. વિચાર અને માત્ર વિચાર જ માણસના જીવનમાં ક્રાંતિ લાવી શકે છે. જેવા વિચારો તે કરે છે તેવો તે બને છે.દવા દારુની સારવાર સાથે વિચાર વાણી વર્તનમાં ને આહારમા પણ પરિવર્તન લાવવું. સાદો આહાર,શુદ્ધ વિચાર,અને સાદું જીવન સ્વાથ્ય ને નીરોગી રાખે છે
વૃત્તિઓને કાબુમાં રાખવી,ઈચ્છાઓ,મહેચ્છાઓને જરૂરીયાત પુરતી કરવી જેને જીવનમાં બેલેન્સ કહેવામાં આવે છે,લોભ, મોહ,કપટ,શઠ પણું ,ત્યાગવું બને તેટલું,અને નિર્દોષ,નિર્મોહી બાળક પણામાં જીવતા શીખવું,જ્ઞાની હોવા છતાં પણ અજ્ઞાની રહેતા શીખવું.સંતોના શરીર અને સ્વાસ્થ્ય મોટે ભાગે નીરોગી અને સારાં હોય છે.અહીં એક પ્રશ્ન એવો થાય કે, માણસ વિચાર કરે કે માથા ઉપર શિંગડાં ઉગાડવાં છે તો ઊગી શકે? સૈદ્ધાંતિક રીતે જોઈએ તો ચોક્કસ ઊગી શકે, છતાં વ્યવહારમાં તેમ બનતું નથી, કારણ કે આગળ કહ્યું છે તેમ માણસના વિચારોની શક્તિને પણ મર્યાદા હોય છે.પરંતુ, વિચારો દ્વારા જ માણસનું જીવન ઘડાય છે તેમાં શંકા નથી. જેવા વિચારો તે કરે છે તેવો જ તે છેવટે થઈને રહે છે.
મોટાભાગે, બચપણમાં માણસનો જે દેખાવ હોય છે તે તેને વારસામાં મળેલો હોય છે, પરંતુ પછી એના જીવનમાં જે કાંઈ બને છે- ખાસ કરીને યૌવનકાળ દરમિયાન અને ત્યાર પછી જે ચડતી-પડતી તે અનુભવે છે, જે વિચારોને વળગીને તે જીવે છે તેની રેખાઓ તેના ચહેરા પર અંકિત થતી રહે છે. હળના ચાસ જેમ દરેક વિચાર તેની રેખા ચહેરા પર છોડતો જાય છે અને અતિ સૂક્ષ્મ એવી આ પ્રક્રિયા માણસનો ચહેરો ઘડતી રહે છે. વિચારો શું કરી શકે છે તેનો આ દાખલો છે. પરંતુ ફરી પેલી મુશ્કેલ વાત આવીને ઊભી રહે છે, માણસ કાંઈ પોતાની મરજી મુજબના જ વિચારો કરી શકતો નથી. હરણાંને શિગડાં હોવા છતાં વરુનો સામનો કરવાના વિચારો તે કરી શકતું નથી. વરુને જોતાં જ તે નાસવા માંડે છે. માણસનું પણ અમુક અંશે એવું જ છે, પરંતુ સાવ એવું જ નથી. વિચાર કરવાની એની શક્તિને અથવા તો બીજી રીતે કહીએ તો એની વિચારશક્તિને અમુક મર્યાદાઓ ચોક્કસ છે, પરંતુ એ મર્યાદાઓનું એ વિવેકપૂર્વક ઉલ્લંઘન કરી શકે છે.જો વિવેકપૂર્વક ઉલ્લંઘન ન કરે તો એની ‘બ્લૂ પ્રિન્ટ’ સાથે એ સંઘર્ષમાં આવે અને ક્યારેક એના વ્યક્તિત્વમાં ગરબડ ઊભી થતાં ગાંડો પણ બની જાય, પરંતુ જો વિવેકપૂર્વક અને પોતાની જાત સાથે સમાધાન રાખીને એ પોતાની મર્યાદાઓ ધીમેધીમે દૂર કરે તો મનુષ્ય તરીકે એના વિકાસની કોઈ સીમા ન રહે.
આમ, માણસ પોતાના વિચારો ઉપર પૂરેપૂરો કાબૂ નહીં ધરાવતો હોવા છતાં અમુક અંશે પણ કાબૂ ધરાવે છે તે બહુ જ મહત્ત્વની વાત છે. અમુક વખતે માણસ તેને પ્રાણી તરીકે મળેલી ‘બ્લૂ પ્રિન્ટ’ની મર્યાદાની ઉપરવટ જઈને પણ નિર્ણય કરી શકે છે તે ઘણું જ અગત્યનું છે. પોતાના વિચારોને તે વિચારશક્તિમાં પલટાવવાની ભલે થોડી પણ સ્વતંત્રતા ધરાવે છે, તે અત્યંત મહત્ત્વનું છે.અને આ વાતમાં જ મનુષ્યનું ભાગ્યવિધાતાપણું છુપાયેલું છે.તે ભાગ્યથી બંધાયેલો હોવા છતાં તેને આધીન રહીને પણ, પોતાનું ભાગ્ય પોતાની જાતે ઘડી શકે છે. મકાન બાંધનાર કડિયો સાવ સ્વતંત્ર નથી. આર્કિટેક્ટની બ્લૂ પ્રિન્ટને અનુસરીને તેણે વર્તવું પડે છે,પરંતુ જો આર્કિટેક્ટ સાથે તેને સારો મેળ હોય તો પોતાને અનુકૂળ એવું ઘણું તે કરી શકે છે.અને આવો સુમેળ રાખવાના માર્ગો માનવજાત હજારો વર્ષથી શોધતી રહી છે. યોગ, ધ્યાન, પ્રાર્થના એ માનવજાતે કરેલી આવી શોધો છે. પોતાની જાતને બદલવાના માણસના પ્રયત્નોની એ સાબિતીઓ છે. એનું બધું જ ડહાપણ એમાં ઘૂંટાયેલું છે.
આપણે જાણીએ છીએ કે ભલે થોડીવાર માટે પણ આપણે ક્રોધ કરીએ તો એની અસર આપણા શરીર પર અને ચહેરા પર થયા વિના રહેતી નથી. એક જ વ્યક્તિ ક્રોધમાં હોય, ઉદાસ હોય, પ્રફુલ્લ હોય, પ્રશાંત હોય ત્યારે તેનો ચહેરો એકસરખો હોતો નથી. દરેક લાગણી, દરેક વિચાર તેની છાપ તેના ચહેરા પર અને તેના જીવન પર છોડી જાય છે અને એના જીવનકાળ દરમિયાન આવું તો લાખો-કરોડો વખત બન્યા જ કરે છે.રેખાઓ અંકાય છે અને ભૂંસાય છે. રેખાઓ છીછરી બને છે અને ઊંડી બને છે. એમાં સતત ફેરફાર થયા જ કરે છે. ટાંકણું સતત ફર્યા જ કરે છે. માણસ સતત બદલ્યા જ કરે છે.યોગ, ધ્યાન, પ્રાર્થના વગેરેની બીજી કેવી અસર હશે તે આપણે જાણતા નથી, પરંતુ એનાથી અમુક વિચારો લાંબા સમય સુધી સ્થિર રહે છે એ તો ચોક્કસ છે.અને એમ બને ત્યારે એની અસર પણ લાંબા સમય સુધી રહે એ પણ ચોક્કસ છે.
પ્રાર્થનામાં સ્થિર થયેલો વિચાર, દુઆમાં ઘૂંટાયેલી ઈચ્છા, ધ્યાનમાં પ્રાપ્ત થયેલી શાંતિ, આ રીતે માણસને ચિરંજીવ અને ચિરંજીવ ન હોય તો પણ ઊંડી અસરવાળું કશુંક બક્ષી શકે છે તે ર્નિિવવાદ અને સંપૂર્ણપણે ર્તાિકક અને વૈજ્ઞાનિક છે, પરંતુ આ બધી વાતોના મૂળમાં વિચાર છે. બીજાં પ્રાણીઓ પાસે વિચાર નથી એટલે આમાંનું કશું જ એમના જીવનમાં શક્ય બનતું નથી.ટૂંકમાં, માણસના વિચારો જ એના ભાગ્યવિધાતા બને છે.
માણસનું જીવન એના વિચારોથી ઘડાય છે. એના શરીર પર અને એની રહેણીકરણી પર એના વિચારોની અસર થાય છે. વિચારોનું ટાંકણું અહોરાત સતત ફર્યા જ કરે છે અને એ પ્રમાણે માણસના જીવનનો ઘાટ પણ બદલાતો રહે છે. કડિયો જે રીતે મકાન બનાવે છે એ જ રીતે વિચારો માણસને બનાવે છે. મકાન બનાવનાર કડિયાને કેટલીક બાબતમાં સ્વતંત્રતા હોય છે, પરંતુ બધી બાબતોમાં તે પોતાની મરજી પ્રમાણે વર્તી શકતો નથી. કેટલાક ચોક્કસ નિયમોથી તે બંધાયેલો હોય છે અને એ ઉપરાંત આર્કિટેક્ટે બનાવેલા મકાનના પ્લાનને પણ તેણે અનુસરવાનું હોય છે. એ જ રીતે મનમાં ઉદ્ભવતા વિચારો પણ કેટલીક મર્યાદાઓથી બંધાયેલા હોય છે. એ મર્યાદાઓ મનના ઘડતરમાં જ પડેલી હોય છે અને દરેક વ્યક્તિ માટે અલગઅલગ અને વિશિષ્ટ હોય છે. માણસ પોતાની ઇચ્છા પ્રમાણે વિચારો કરી શકતો નથી અને એટલે ઇચ્છા પ્રમાણે વર્તન પણ કરી શકતો નથી. વર્તન પર વિચારોનો કાબૂ હોય છે, પરંતુ એ વિચારો ઉપર માણસનો પૂરેપૂરો કાબૂ હોતો નથી.
આચાર-વિચારને આરોગ્ય સાથે સબંધ ખરો?
રોજબરોજના જીવનમાં બનતી નાની-મોટી ઘટનાઓ હોય કે પછી જીવન સાથે સંકળાયેલી કોઈ મહત્વપૂર્ણ ઘટના-અનુભવો દરેક શરીર-મન પર છાપ છોડે જ છે. પિક્ચરમાં ચાલતા દ્રશ્યની ઉત્કટતાનો તો આપણે સહુએ અનુભવ કર્યો જ છે. આંગળાઓની મુઠ્ઠી વળાઈ જવી કે પછી પગ અમુક જ સ્થિતિમાં જકડાઈ જવા તથા જેવું તે દ્રશ્ય પુરું થાય કે ઊંડો શ્વાસ લેવાઈને રાહતની લાગણી થવી, જેવા અનુભવો સૂચવે છે કે, આપણી સામે ચાલતા દ્રશ્યો, મનમાં ઉઠતા વિચારો અને તેનાથી ઉદભવતી લાગણીઓની અસર માત્ર મન પૂરતી જ સિમિત ન રહેતા, શરીર પર પણ થાય છે.પરીક્ષામાં અઘરા વિષયોની તૈયારી દરમ્યાન કંટાળો આવવો, ઉંઘ આવવી,ભૂખ ન લાગવી જેવા અનુભવોમાંથી પણ પસાર થયા હશો.નોકરી-વ્યવસાય માટે ખૂબ મહત્વપૂર્ણ મીટીંગમાં જતા દરમ્યાન ગળું સૂકાવું,પરસેવો વળવો જેવી શારીરિક અસર મનમાં ચાલતા વિચારો,ઉગ્રતા, ચિંતા, આતુરતાને કારણે થતી શરીર પરની અસર અનુભવી હશે.વિશિષ્ટ પરિસ્થિતિઓમાં જ આવી મનોદૈહિક અસર થાય છે તેવું નથી.નાની-મોટી દરેકે-દરેક શારીરિક, માનસિક, સામાજિક અનુભવોની મનોદૈહિક અસર હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને માત્ર શરીરના પોષણ, રક્ષણ કે મજબૂતી માટેના પ્રયત્નો પૂરતા નથી તે સમજી શકાય. સ્વયંની શક્તિ કરતાં વિશેષ અપેક્ષા રાખવાનું પરિણામ શું આવે તે અનુભવ તો શીખવે છે. પરંતુ તે અનુભવમાંથી સમજે છે કેટલા? ટેન્શન, સ્ટ્રેસથી થતાં હાર્ટડિસિઝ, આવા રોગનું લીસ્ટ તો ખૂબ જ લાંબુ છે. પરંતુ આ બધું જાણવા છતાંપણ તેનાં વિશે આપણે શું અને કેટલું કરી શકીએ છીએ ? કેમકે મન અને શરીર પર અમુક હદે પડેલા સંસ્કારો ની અસર સંપૂર્ણપણે નકારી શકાય નહીં. પોઝિટિવ વિચારો કરવાવાળા તો ઢગલાબંધ લોકો છે. આપણે બધાં જ સારું વિચારીએ છીએ. જિંદગી અને સંબંધોમાં પણ પોઝિટિવ વિચારોને અમલમાં મૂકવા પડે છે.જિંદગીમાં નેગેટિવિટી ન હોય એ સારી વાત છે પણ માત્ર પોઝિટિવિટી પણ પૂરતી નથી. પોઝિટિવિટી વ્યક્ત થવી જોઈએ. સારા વિચારો આવે એ પૂરતું નથી, સારા વિચારોને અમલમાં મૂકો. સારા વિચાર મુજબ જીવો. તમારે તમારા વિચારોની અસર પેદા કરવી હોય તો તમારા વિચારો મુજબ વર્તન કરો. સારું વાહન હોય એ પૂરતું નથી. સારું વાહન ચલાવવું પડે છે. આપણા ગેરેજમાં વાહનોનો ભંડાર હોય પણ એકેય વાહનને બહાર જ ન કાઢીએ તો? આપણી પાસે વિચાર તો અઢળક હોય છે પણ આપણે તેને વાપરતાં નથી. દસ વાહનો હોય એનો કોઈ અર્થ નથી, એક જ વાહન હોય પણ તમે જો તેનો ઉપયોગ કરો તો જ મંઝિલે પહોંચી શકો. તમારા વિચારને વેગ આપો. તમારી પાસે પણ સુંદર વિચારો તો છે જ, એ વિચારો મુજબ જે કરવું પડે એ કરવા માંડો. સારા વિચારોને જો અમલમાં ન મૂકીએ તો એ રાતના આવતાં સપનાં જેવા જ રહે છે. ઊઠીએ ત્યારે આપણે હતા ત્યાં જ હોઈએ છીએ!

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED