માધવપુર માં રહેતા કીશન નાં લગ્ન નક્કી થતાં જ શહેરમાં રહેતા એના ખાસ મિત્ર ક્રીશ ને કંકોતરી મળી અને જવું જરૂરી હતું એટલે ક્રીશ ટ્રેન ની બુકિંગ કરી માધવપુર આવ્યો.
મધ્યમ ગામડા જેવા માધવપુર માં કીશન પાંચ માં પુછાતો એટલે આખા ગામનો પ્રસંગ હોય એમ બધાં હોંશભેર તૈયારી માં લાગી ગયા હતા.
બહારગામ થી આવતા મહેમાન ગામનાં સમાજ ની વાડી માં રહેવા તથા જમવા ની સગવડ થઈ ગઈ હતી.
રોજ રોજ ના અલગ અલગ ફંક્શન રાખ્યા હોવાથી બધાને મજા પડી ગઈ હતી, આજે લગ્ન ના આગલા દિવસે સંગીત નો જલશો હતો બધા ઉત્સાહ થી ભાગ લઈ રહ્યા હતા ક્રીશ ની ટીમે ગ્રુપ ડાન્સ કરી બધાની વાહ વાહ મેળવી, ડાન્સ પુરો થતા ક્રીશ કીશન ની બાજુમાં આવી બેસી ગયો.
સ્ટેજ પરથી સોલો ડાન્સ ની જાહેરાત થઈ એક યુવતી એ ધૂંધટ કાઢેલી ચણિયાચોળી પહેરી સ્ટેજ પર પ્રવેશ કર્યો.
ગૌર વર્ણ, ધાટીલો શરીર, પાતળી કમર, કમરથી નીચે લટકતો કાળા નાગ જેવો ચોટલો.
ડાન્સ ચાલૂ થયો સંપૂર્ણ પ્રભુત્વ સાથે લેવાતા સ્ટેપ,લચકાતી કમર,વીજળી વેગે થરકતા પગે બધા પર સંમોહન કર્યુ હતું, ક્રીશ પણ એમાંથી બાકાત ન્હોતો એના દિલમાં છુપી ઘંટી વાગવી શરૂ થઈ ગઈ હતી.
અચાનક ક્રીશ નું ધ્યાન યુવતી કમરપર રાખેલા હાથ તરફ ગયું જોયું તો હાથના પંજામાં છ આંગળી હતી.
ક્રીશે કીશન ને પુછ્યું આ છોકરી કોણ છે ?
કીશન આંખ મારી પુછ્યું કેમ ગમી ગઈ કે શું ? કહેતો હોય તો તારી વાત ચલાવું.
ક્રીશ શરમાઈ ગયો અને બોલ્યો એવુ કાંઈ નથી આતો સારો ડાન્સ કર્યો એટલે પુછ્યું.
કીશન બોલ્યો મારા બેન ની ફ્રેન્ડ છે આવતીકાલે તારી ઓળખાણ કરાવી આપું છું.
રાત ગણી વીતી ગઈ હતી બધા પોતપોતાની રૂમ તરફ જવા લાગ્યા ત્યાં અચાનક લાઈટ ગઈ અંધારામાં કાંઈ દેખાતું ન્હોતુ, ગામમાં નેટવર્ક નાં વાંધા એટલે બધા મોબાઈલ રૂમમાં રાખીને આવ્યા હતા એટલે એની ટોર્ચ પણ હાથવગી ન્હોતી.
ક્રીશ અંદાજે અંદાજે આગળ વધતો હતો એટલામાં પાછળથી કોઈ એ એનો હાથ પકડી લીધો અને બોલ્યુ મને ડર લાગે છે પ્લીઝ મારી હેલ્પ કરો.
ક્રીશ નાં હાથમાં જાણે ચાલૂ વીજળી નો તાર આવી ગયો હોય એમ ચમકી ગયો કારણકે અવાજ એક સ્ત્રી નો હતો અને એણે પકડેલ હાથ માં કંઈક લટકતું હોય એવું ક્રીશ ના હાથમાં આવ્યુ એણે હથેળી ફંફોસતા ખબર પડી કે એ યુવતી ની છઠ્ઠી આંગળી હતી.
જેના પર દિલ આવ્યુ હતું એનો હાથ ક્રીશ ના હાથમાં હતો પણ અફસોસ ચહેરો ન્હોતો જોઈ શકતો.
એ નાજૂક હાથની ઉષ્મા ક્રીશ ને બેચેન બનાવી રહી હતી અને આ હાથ ક્યારેય ન છુટે એવી પ્રાર્થના મનોમન કરવા લાગ્યો પણ આપણે વિચારીએ કાંઈ ને થાય કાંઈ અચાનક એક છોકરી પાછળથી આવી એ યુવતી નો હાથ પકડી પાગલ આપણો રૂમ બીજી તરફ છે બોલી એને ખેંચીને બીજીતરફ લઈ ગઈ.
ક્રીશ વીચારતો જ રહી ગયો અને જેમતેમ પોતાની રૂમમાં આવી સુઈ ગયો પણ એનાં મનમાંથી એ યુવતી જતી ન્હોતી પડખા ઘસતાં ઘસતાં સવાર પડી ગઈ ઊંઘરેટી હાલતમાં એ ગેલેરી માં આવ્યો અને સામેની બારીમાં નજર પડતા એની ઊંઘ ઉડી ગઈ સામેની બારીમાં એ યુવતી હમણાંજ ધોયેલ વાળ સુકવતી હતી, એની પીઠ ક્રીશ તરફ હતી એટલે ચહેરો દેખાતો ન્હોતો પણ ખુલ્લા વાળ પર ફરી રહેલા હાથની છ આંગળી એની ઓળખ આપતી હતી ક્રીશ કાંઈ વિચારે એ પહેલા એ યુવતી અંદર સરકી ગઈ. ક્રીશ ને પણ મોડું થતુ હતું એટલે એ પણ કમને રૂમમાં આવ્યો.
લગ્ન ની વ્યસ્તતા માં પણ ક્રીશ બેચેન નજરે આજુબાજુ એ યુવતી ને શોધતો હતો પણ એ ક્યાંય દેખાતી ન્હોતી.
થોડીવાર માં કીશન ની બહેન એ તરફ આવી એટલે ક્રીશે આડકતરી રીતે એની ફ્રેન્ડ વિશે પુછ્યુ તો એ બોલી સવારમાં તૈયાર થઈ બધી છોકરીઓ ગામડા નો અનુભવ લેવા બળદગાડા માં આ તરફ આવતી હતી અને રસ્તા માં બળદગાડુ ઊથલી પડતા સારી એવી ઈજા થઈ છે એટલે એ બધાને બાજુનાં શહેરમાં હોસ્પિટલ લઈ ગયા છે.
ક્રીશ ઉદાસ થઈ ગયો પણ શું કરી શકે ? મન મારી લગ્ન માં વ્યસ્ત રહ્યો બીજા દિવસે સવારે કીશન ને પુછી લઈશ વિચારી સુઈ ગયો, આખા દિવસ ના થાક ને લીધે ઘસઘસાટ ઊંઘ આવી ગઈ અને સવારે ઉઠ્યો ત્યારે મોડું થઈ ગયુ હતુ જોયુ તો કીશન હનીમૂન માટે ગોવા જવા નીકળી રહ્યો હતો એટલે કાંઈ ન પુછતા ચુપચાપ એને વિદાય આપી.
બપોરની ટ્રેન પકડી ક્રીશ મુંબઈ આવી ગયો પણ એના મન માંથી પેલી યુવતી જતી ન્હોતી, આઠ દિવસ પછી કીશન ને ફોન કરી આડીઅવળી વાતચીત કરી યુવતી વિશે પુછપરછ કરી કીશન બોલ્યો એ યુવતી નું નામ એકતા છે પણ એનો કોન્ટેક્ટ નંબર નથી અને બહેન ભણવા માટે અમેરીકા નીકળી ગઈ છે એની પાસેથી નંબર લઈ વાત કરીશ.
ક્રીશે ચાર દિવસ પછી પાછો કિશન ને ફોન કર્યો તો જવાબ મળ્યો કે એકતા નો નંબર લાગતો નથી.
આવી રીતે ક્રીશ ની ઘણી કોશિશ પછી પણ એકતા નો કોઈ પતો લાગતો ન્હોતો અહીંયા ક્રીશ ના મમ્મી પપ્પા ક્રીશ માટે છોકરીઓ જોવાનું ચાલૂ કરી દીધું હતુ.
ક્રીશ છોકરીઓ સાથે મિટિંગ કરતો હાથની આંગળીઓ જોઈ કોઈ ને કોઈ બહાને છોકરીઓ રિજેક્ટ કરતો રહ્યો.
એક વખત સારા ઘરની છોકરી તરફથી વાત આવી, ફોટો મોકલ્યો હતો દેખાવે ઘણી સુંદર હતી ક્રીશે ફોટો જોયો એને છોકરી ગમી પણ હાથમાં પાંચ આંગળીઓ જોઈ એ ના પાડી બેઠો.
આ રીતે છોકરી બધી રીતે સારી હોય પણ એના મન મગજ પર શું ખબર છ આંગળીઓએ એવી ભૂરકી નાખી હતી કે બીજું કાંઈ દેખાતું ન્હોતુ.
એક દિવસ આવી જ રીતે એકતા નામની છોકરી સાથે મિટિંગ હતી એકતા દેખાવે ઠીકઠીક હતી ક્રીશ વાતચીત કરવા બેઠો અને એની નજર એકતા નાં હાથ તરફ ગઈ અને એની આંખમાં અનેરી ચમક આવી કારણકે એકતા નાં હાથમાં છ આંગળી દેખાણી પણ એનાં વાળ ટુંકા હતા એના વિશે પુછતા એકતા બોલી મારા વાળ કમરથી નીચે સુધી હતા પણ ગયા વર્ષે મારી ફ્રેન્ડ ના ભાઈના લગ્ન માં ગામડે ગઈ હતી ત્યાંનું વાતાવરણ સુટ ન થતા બીમારી ને લીધે વાળ ઉતરી ગયા.
બીજી થોડીઘણી પૂછપરછ કરી ક્રીશ ને ખાત્રી થઈ ગઈ કે આ એજ એકતા હોવી જોઇએ અને એણે લગ્ન માટે મંજુરી આપી દીધી સામે પક્ષે એકતા એ પણ હામી ભરતા બન્ને નાં લગ્ન લેવાયા.
ક્રીશ ની ખુશી સીમા ન્હોતી કે જેની માટે આટલું રખડ્યો એ મને મળી ગઈ.
સુહાગરાત ના સમયે ક્રીશે એકતા નો હાથ પકડયો પણ કેમજાણે એ હાથમાં તે દિવસ જેવી ઉષ્મા ન વર્તાઈ ન તો કોઈ ઉમળકો દેખાયો તો ક્રીશે વિચાર્યુ લગ્ન ની ધામધૂમ માં થાકી ગઈ હશે.
આમ દિવસો વિતવા લાગ્યા પણ એકતા ના વર્તન માં કોઈ ફરક ન્હોતો પડતો જાણે બરફ ની પુતળી જોઈ લો.
એક દિવસ એકતા બોલી મારા ભાઈ રશેષ ને રવિવારે છોકરીવાળા જોવા આવવાનાં છે તો બે દિવસ મમ્મી ના ઘરે જવું છે તમે રવિવારે આવી જજો ક્રીશ બોલ્યો ઠીક છે.
રવિવારે ક્રીશ સાસરે ગયો બપોરે છોકરીવાળા આવ્યા, છોકરી દેખાવે ગોરી,ચુંબકીય વ્યક્તિત્વ એકવાર જુઓ તો એના પરથી આંખ હટાવતા વાર લાગી જાય.
કોણજાણે ક્રીશ ને ચહેરો જાણીતો લાગ્યો, ક્રીશ ને પણ એક ખેંચાણ જેવું લાગ્યુ પણ બધાની હાજરી જોતા સંયમ રાખી નીચું જોઈ ગયો.
રશેષ અને છોકરી ની એકલા માં મુલાકાત થઈ વાતચિત કરી બન્ને બહાર આવ્યા અને બધાને નવાઈ લાગે એવી રીતે પોતાનો ફેંસલો તરતજ સંભળાવી દીધો કે અમને બન્ને ને આ સંબંધ મંજૂર છે.
પછી તો અલકમલક ની વાતો ચાલતી હતી બધા પોતપોતાની જીંદગી ના અવિસ્મરણીય કિસ્સાઓ સંભળાવતા હતા અને છોકરી નો વારો આવતા એકતા તરફ જોઈ બોલી મારા થનારા નણંદ બા તમને સાંભળી નવાઈ લાગશે આપણાં બન્ને માં ધણું સામ્ય છે.
પહેલું તો આપણે બન્ને ના નામ એકજ છે એકતા, બીજુ તમારી જેમ મને પણ હાથમાં છ આંગળીઓ હતી, ગયા વર્ષે મારી ફ્રેન્ડ ના ભાઈના લગ્ન માટે માધવપુર ગયા હતા અને લગ્ન ના દિવસે જ અમારું બળદગાડું ઊથલી પડતા અમને ધણી ઈજા થઈ અને મારી છઠ્ઠી આંગળી કપાવવી પડી બોલી એણે હાથ આગળ કરી પોતાનો પંજા પર છઠ્ઠી આંગળી ના નિશાન દેખાડ્યા.
અને હજી એક વાત મારા પપ્પાએ મારું માંગુ ક્રીશ માટે પણ મોકલ્યું હતું અને ફોટો મોકલ્યો હતો પણ ક્રીશ તરફથી ના આવતા વાત આગળ ન વધી.
ક્રીશ ની આંખો સામે એ દિવસ નો ફોટો આવી ગયો જે આ એકતા નો જ હતો પણ ફક્ત પાંચ આંગળી જોઈ એણે એને રિજેક્ટ કરી દીધી હતી.
એકતા ની વાત સાંભળી ક્રીશ ને તો ચક્કર આવવા લાગ્યા પણ એ કાંઈ બોલી શકે એવી હાલત માં ન્હોતો.
મારી તબીયત ઠીક નથી કહી પોતાની છ આંગળી ની ઘેલછા પર પસ્તાવો કરતો એકલો જ પોતાના ઘર તરફ નીકળી પડ્યો.
~ અતુલ ગાલા (AT)