દરવાન SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

દરવાન

હજુ ભળું ભાંખળું હતું ત્યાં બુરીમા આળસ મરડતાં ઊઠ્યાં. બે રાતથી તે સુઈ નહોતાં શક્યાં. ઉઠતાં જ તેમણે તેમનો શયનખંડ એટલે આ દાદર નીચેની, લેટર બોક્સ પાસેની જગ્યા વાળવા માંડી. આસપાસ પડેલાં શાકભાજીનાં છીલકાં કાગડાઓને બ્રેકફાસ્ટ માટે ફેંકયાં. ધૂળ ઝાટકીને ઉડાડી. પોતાની એક માત્ર, મેલી, ધૂળવાળી ગોદડી ઝાટકી અને તેમાંથી માંકડ મચ્છર ઉડાડયાં. તેમની ચીંથરેહાલ સાડી સરખી કરી અને ચોથે માળ આવેલી અગાશી તરફ એક હાથે તેમની બગલમાં ગોદડી, હાથમાં જૂની ડોલ, ખજૂરીનું સાવરણી તરીકે વાપરતાં તે પાન લઈ તેમનાં ઘૂંટણો પર બીજો હાથ મૂકી કણસતાં કણસતાં દાદરો ચડી ઉપર તરફ જવા લાગ્યાં. દાદરનાં પગથિયાં દિવસે દિવસે તેમને વધુને વધુ ઊંચાં થતાં લાગતાં હતાં. તેમણે મહા મહેનતે ઉપર આવી તેમની અખરોટ જેવડી અંબોડી બાંધી. તેમની ચોસઠ વર્ષની કૃશ, સામેથી કે બાજુએથી સરખી દેખાતી કાયા સહેજ ટટ્ટાર કરી.

બુરીમા ખખડી ગયાં હતાં. હતો સાબૂત તેમનો અવાજ. કોઈ 3ડી સ્પીકરમાંથી આવતો હોય તેવો પ્રચંડ, કર્કશ અને દુઃખથી ભરેલો. દહીં જેવો ખાટો અને શારડી જેવો તીણો. એ અવાજે તેઓ દિવસમાં બે વખત દાદરો વાળતાં વાળતાં તેમની દેશના ભાગલા વખતે કલકત્તા આવ્યાં તેની રામ કહાણી કહેતાં રહેતાં. તેમને તેમના પતિ, બે દીકરીઓ, એક બે માળનું મકાન, તેમાં રોઝવુડ લાકડાંનું કબાટ અને એ બધું પાછળ છોડીને આવ્યાનું અપાર દુઃખ હતું. એ તેઓ ફ્લેટના રહેવાસીઓ સમક્ષ મળે તેને કહેતાં રહેતાં. બીજા માળે રહેતી ગૃહિણીને, આખું બિલ્ડીંગ સાંભળે તેમ તેમની ત્રીજી દીકરીનાં લગ્નની વાત કહેતાં હતાં.

"અરે, જમાઈ સ્કૂલ પ્રિન્સિપાલ ગોતેલો. જાનને જમવાના ભાત ગુલાબજળમાં રાંધેલા. ગામના મેયર પણ લગ્નમાં આવેલા. જાનૈયાઓના હાથ ચાંદીના બાઉલમાં ધોવરાવેલા, બોલો."

અહીં તેઓ શ્વાસ ખાવા અટકયાં. બગલમાં દાબેલો અસબાબ સરખો કર્યો અને દાદરના કઠેડા પર સરકતો એક વાંદો ખંખેરી નીચે નાખ્યો.

"અમે કોઈ મીઠાઈ બાકી નહોતી રાખી. અમારી સ્થિતિ પાંચમાં પુછાય એવી હતી. ઘરમાં અઠવાડીયે બે વાર મિષ્ટાન્ન બનતું. ઘરમાં જ બગીચો અને તળાવ હતું. અરે, અમે ચકચકિત વાસણોમાં જમતાં. આજે આ એલ્યુમિનિયમના કટોરામાં ખાવું પડે છે." તેમણે એક નિઃશ્વાસ નાખ્યો.

પસાર થતી બીજી સન્નારીને કહ્યું, " તમે નહીં માનો. કોઈ નહીં માને. મારા પગ આરસ સિવાયની કોઈ જમીનને અડયા નહોતા. એ ઉઘાડે પગે, કાંટા પથરા વાગતાં છોલાતાં, લૂંટાયા પછી અડવા હાથે મારે અહીં આવવું પડ્યું." તેઓનો અવાજ ગળગળો થઈ ગયો. "હું એટલી તો સુખ સાહ્યબીમાં રહેલી કે તમે તેની કલ્પના પણ ન કરી શકો. તમે નહીં માનો.."

તેઓ બોલતાં રહ્યાં અને સન્નારી જતી રહી. ફ્લેટના રહેવાસીઓ માટે આ રોજનું હતું.

એમની સંપત્તિ એમની જ વાતોમાં દિવસે ને દિવસે વધતી જ જતી હતી. એમની ભાષા જોતાં એ વાતમાં કોઈને શંકા ન હતી કે તેઓ વિસ્થાપિત હતાં. પણ તેમણે કેવી રીતે હજારો લોકો સાથે ટ્રકોની પાછળ લટકી, ગુણીઓ પાછળ છુપાઈ, ભીંસાઈ છુપાઈને બોર્ડર ક્રોસ કરેલી તેનું આખ્યાન ક્યારેક તેઓ કલકત્તા ગાડાંમાં બેસીને આવેલાં તે વાત સાથે મેળ ખાતું ન હતું.

"બુરીમા, કાલે તો તમે ટ્રકમાં આવેલાં તેમ કહેલું ને આજે ગાડાંમાં કહ્યું!" ફ્લેટનાં આંગણામાં ચોર-પોલીસ રમતાં બાળકોએ પૂછ્યું.

"અરે જેમાં હોય તેમાં. તમારે માનવું હોય તો માનો. ન માનો." તેઓ કહેતાં.

મોટાંઓને કહેતાં, "મારી જિંદગી એટલાં દુઃખોમાંથી પસાર થઈ છે કે તમે તેની કલ્પના પણ ન કરી શકો. તમે નહીં માનો.."

બુરીમા પોતાની અગાઉ કહેલી જ વાતની અલગઅલગ આવૃત્તિઓ કહ્યે રાખતાં. તેમાં વિરોધાભાસ પણ આવતા. પણ એક વાત નક્કી હતી- તેમાં સચ્ચાઈનો રણકો હતો. વર્ણનો આબેહૂબ અને ગળે ઉતરે તેવાં હતાં. તો આવી ધનિક જમીનદાર સ્ત્રીને શેરી વાળવાનો વખત ક્યાંથી આવ્યો? ત્રીજે માળ રહેતા દલાલ સાહેબ કાયમ વિચારતા. એક માત્ર તેમની પત્નીને બુરીમા પર અનુકંપા હતી. તે ક્યારેક બુરીમાને વધ્યું ઘટ્યું ખાવા આપતી. બદલામાં નાનું કામ કરાવી લેતી.

"બિચારી દુઃખયારીનું ફટકી ગયું છે. પોતે જાતે પોતાની વાતો જોડી કાઢે છે." ફ્લેટના રહીશો કહેતા.

"બિચારી વખાની મારી છે. દુઃખડાં રડયે જાય છે. બદલાતા જમાનાનો ભોગ બની છે પણ છે હાથની ચોખ્ખી. કદાચ કોઈ જમીનદારને ત્યાં ઘરકામ કર્યું હશે એટલે આવી સમૃદ્ધ જિંદગીનું તાદ્રશ્ય વર્ણન કરી શકે છે. મેં તો બહુ દુનિયા જોઈ છે ભાઈ, એટલે કહું છું." ચોથે માળ રહેતા વૃદ્ધ પાઠકજી કહી રહ્યા. તેઓએ ક્યારે બાલ્કનીની બહારની દુનિયા જોઈ હશે કે છેલ્લું છાપું ક્યારે વાંચ્યું હશે તે કોઇને ખબર નહોતી. તેમણે કઈ દુનિયા જોઈ છે? તેઓ જાણે.


પણ બુરીમા હતી સહુની માનીતી દરવાન કમ સ્વિપર. બિચારાં દાદરને એક ખૂણે પડ્યાં રહેતાં અને ફ્લેટનો દાદરો અને આજુબાજુ ઉડીને આંખે વળગે એવું ચોખ્ખું ચણાક રાખતાં. ચોકીદારી પણ એવી કરતાં કે બાળકો મઝાકમાં 'નામ બુરીમા હૈ મેરા, સબકી ખબર રખતી હું' કહેતાં. સહુ ગૃહિણીઓ માટે તે એક ખૂબ મનોરંજક ચીજ હતી. ક્યારેક તેમણે ગુસ્સામાં આપેલી ગાળો પણ તેઓ હસવામાં લઈ લેતાં.

ચોકી તો એવી જે 'હોત ન આજ્ઞા બિન પેઠા રે'. ફ્લેટની દાદરા પાસેની ગ્રીલ બંધ થાય એટલે ત્યાં જ તેમની ગાદી આડી ગોઠવાઈ જાય. કોઈ ફેરીયો કે અજાણ્યો માણસ જોઈને કૂતરું ભસવું ચુકે પણ બુરીમા તેને અટકાવવું ન ચુકે.

મધ્યમવર્ગીય રહેવાસીઓના આ ફ્લેટમાં આમ તો કોઈ પાસે કાંઈ ચોરી શકાય એવું હતું જ ક્યાં! બીજે માળે રહેતી વિધવા મિસિસ મિશ્રા એક જ ફોનધારક હતી એ દિવસોમાં. બુરીમા સતત તેમના ફ્લેટનું પેટ્રોલિંગ કરતાં આમથી તેમ ફર્યે જ રાખતાં. કાંઈક ને કાંઈક કામ કર્યે રાખતાં. કોઈને રાતવરત જરૂર પડે તો એક બુમે રિક્ષાવાળો બોલાવી શકતાં. કોઈ રખડુ શંકાસ્પદ વ્યક્તિ ત્યાં ફ્લેટ પાછળ થૂંકવા કે લઘુશંકા કરવા જાય તો બુરીમાના ઝાડુનો એવો તો માર ખાતો કે બીજી વાર ફરકે નહીં. એટલી તો એ કૃશ વૃદ્ધ હાથમાં તાકાત હતી, ઉભી થઇ જતી. બુરીમાને સહુએ 'દરવાન'નું બિરુદ આપેલું. જો કે આ કોઈ સ્ત્રીનું કામ નહોતું. થોડે જ દૂર આવેલા બંગલાઓની બહાર હટ્ટાકટ્ટા મુછાળા યુનિફોર્મધારી ચોકીદારો પ્રમાણમાં સારા પગારે આ કામ કરતા. અને સફાઈ માટે અલગ લોકો ત્યાં હતા તો પણ બુરીમા જેવી ચોખ્ખાઈ તેમનાથી રખાતી નહીં.

બુરીમા તેમનું ગાદલું અને મેલી સાડી ધાબાના એક ખૂણે અગાશીમાં લોખંડના તાર પર સુકવતાં. સવારે લોકો ઉઠે તે પહેલાં બુરીમા દાદર પાસેની સીંકનો નળ ચાલુ કરી દાંતે આંગળી ફેરવી દેતાં, એક નાની ડોલ ભરી અને ઉપર ધાબે જઈ ત્યાં બે ડબલાં કૃશ કાયા પર ઢોળી દેતાં. તે પછી પોતાનું એ ગોદડું એ ફલેટ વાળવાની સાવરણીથી જ ઝાટકતાં. 'મુઆઓ રાતે જંપીને સુવા દેતા નથી' કહી અદ્રશ્ય માંકડ કે વાંદાઓ ગોતતાં રહેતાં. એક વખત તેઓ આ કામમાં એટલાં તો મગ્ન બની ગયેલાં કે મિસિસ દલાલ તેમનાં અથાણા માટે લીંબુ સૂકવવા આવ્યાં તો તેમને ખ્યાલ ન રહ્યો. તેમને જોતાં જ બુરીમાએ કહ્યું' જુઓ તો આ મને આખી રાત જગાડીને લોહી પીતા મુઆઓ ક્યાં સંતાયા છે?' મિસિસ દલાલને બુરીમા પર કુણી લાગણી અને દયા હતી. તેમને કાંઈ વાટવું કે ઝાપટ ઝૂપટ કરવું હોય તો બુરીમા કરી આપતાં.

"મને તો કાંઈ દેખાતું નથી. "

"તો પાંખોવાળાં જીવડાં હશે. ઉડી ગયાં હશે." બુરીમાએ કહ્યું.

"તમને અળાઈ હશે. મારે ઘેરથી પાઉડર લઈ જાઓ લગાવવા." મિસિસ દલાલે કહ્યું.

"ના રે ના. મૂઆ લોહી પીધે રાખે છે આખી રાત." બુરીમાએ કહ્યું.

મિસિસ દલાલે બુરીમાની સાડી, એટલે એક સસ્તાં કથ્થાઈ બોર્ડર વાળાં સફેદ કપડાંનો છેડો ઊંચો કર્યો. બુરીમાનો વાંસો ઉપર, નીચે જોયો.

"કાંઈ કરતાં કાંઈ નથી. સરખો સાબુ ઘસો. અળાઈનો પાઉડર લગાવો." કહેતાં તે જવા ગયાં ત્યાં બુરીમાની કેડેથી એક ચાવીનો ઝુડો રણક્યો.


બુરીમાની કેડે ખોસેલો કાયમ એક ચાવીનો ઝુડો લટકતો રહેતો. તેનું રહસ્ય કોઈ પામી શક્યું ન હતું.

"અરે બાપલા, અળાઈ નથી. ગણી નથી પણ ચારપાંચ રાતથી હું સુઈ શકતી નથી. અરે રામ, ક્યાં એક વખત હું સૂતી તે રેશમી કવરની મલમલની તળાઈ અને સિલ્કની મચ્છરદાનીઓ અને ક્યાં આ ગંદી ગોદડી. તમે નહીં માનો. કોઈ નહીં માને."

"હું ક્યાંથી માનું! હું તો તૂટલાં ફૂટલાં બે રૂમનાં ઘરમાં રહેનારી, ટોયલેટ પાર્ટ્સ ને રબ્બરની ટ્યુબ વેંચનારને પરણેલી. તમે તો વૈભવમાં આળોટતાં સાક્ષાત વૈભવલક્ષ્મી!" કહેતાં મિસિસ દલાલ મોં મરડી ચાલતાં થયાં.

મિસિસ દવે આવી. "બુરીમા, આ ગોદડી પર તમે કેટલા વખતથી સુઓ છો?" તેણે દયાથી પણ મિસિસ દલાલ સાંભળે તેમ પૂછ્યું.

બુરીમાએ 'યાદ નથી' કહેતી મુદ્રામાં હાથ હલાવ્યો.

"તો અમને કહેતાં કેમ નથી? તમે એમ માનો છો કે કોઈ તમને એક જૂની ગોદડી પણ નહીં આપે? લઈ જજો મારાં ગાદલાંની ફાટેલી ખોળ ને એક શેતરંજી." કહેતાં તેઓ પર્સ ઝુલાવતાં દાદરો ઉતરી ચાલતાં થયાં.

બુરીમાને ખોટું લાગ્યું. "બહુ દાનેશ્વરી ન જોઈ હોય તો. નથી જરૂર. હું મારી સાવરણીથી ઝાટકી નાખીશ. તમારું બાળકોના મુતરનાં ધાબા વાળું ગાદલું સુકવો છો એના કરતાં સારી છે મારી ગોદડી. અરે રે.. ક્યાં એ મશરૂમની તળાઈને ક્યાં.." બુરીમાએ કરચલીવાળા ગાલેથી એક આંસુ લૂછયું.

ઓચિંતી મિસિસ દલાલ પાછી ફરી. "કાંઈ બોલતાં નહીં. એક નાનું ગાદલું,એક ઓશીકું અને શિયાળો આવે છે એટલે એક રજાઈ. આ દિવાળીએ ઘર સાફ કરાવજો. આપી દઈશ."

"ચાલશે. તમે નહીં માનો, કોઈ નહીં માને. ગરીબોને દિવાળીએ મારે હાથે હું ગોદડી અને રજાઈનું દાન કરતી." કહેતાં બુરીમા કોલસાના ઢગલા નજીકના નળેથી તેમની ડોલ ભરી ચાલતાં થયાં.

કોઈ ન જુએ તેમ તેમણે નિર્બળ હાથે અને પછી ભીંત સાથે તેમનો વાંસો ખણ્યો.

"અળાઈ મારી બલા. આ રોજ સુવા દેતા નથી, ચામડીમાં મરચાં કે મરી ભર્યાં હોય એવું બળે છે. કોણ સમજે?" બબડતાં બબડતાં દાદરો વાળવા લાગ્યાં.

ચોમાસું વધારે ચાલ્યું હતું. વરસાદનાં ફોરાં કોઇ પગથી મોટાં સ્લીપર પહેરીને જતું હોય તેવો અવાજ કરતાં પડવા લાગ્યાં. પગ ચાલે નહીં તો પણ દોડીને બુરીમાએ મિસિસ દલાલે સુકવેલ અથાણાંનાં લીંબુ ખસેડી દાદરામાં લઈ લીધાં.

વરસાદની ધાર વધી. બુરીમા લેટર બોક્સ પાસે ટૂંટિયું વાળી બેસી ગયાં. ફ્લેટમાં ફટાફટ બારીઓ બંધ થઈ અને ત્યાં બુરીમાએ એ જ તરડાયેલા અવાજે બૂમ પાડી - "દોરી પર સુકાય છે એ કપડાં લઈ લેજો. વરસાદ વધ્યો." ગ્રાઉન્ડફ્લોરનાં તો પોતે દોડીને લીધાં અને પછી હાંફવા લાગ્યાં.

"અરે રામ, આ એક માત્ર ગોદડી પણ લોંદો બની ગઈ." કહેતાં તેઓએ માથું ફૂટ્યું.

તેમને મિસિસ દલાલ યાદ આવ્યાં. તેમણે દાદરો વાળતાં બિસ્કિટ કે સાબુનાં રેપર, સિગરેટનાં ઠૂંઠા અને એવો કચરો ભરી એક જગ્યાએ ભેગો કર્યો. અંદર વાછંટ આવી. બુરીમાએ ક્યાંક સંઘરેલાં જુનાં છાપાં ભરાવી જાળીનાં કાણાં બંધ કર્યાં. આખી રાત તેઓ જુનાં છાપાંઓ પાથરી તેની ઉપર સુઈ રહ્યાં.

બીજે દિવસે બપોર પછી તેઓ અત્યારે બારણું ખુલ્લું રાખી માથું ઓળતી કે તેલ નાખતી સ્ત્રીઓના ખબર અંતર પુછતાં ફ્લેટના પેસેજમાં ફરવા લાગ્યાં. બુરીમાની એટલી સતર્ક ચોકી રહેતી કે રાત સિવાય કોઈ પોતાનાં બારણાં વાસતું નહીં. બીજે માળે મિસિસ દલાલે તેમને બોલાવી એક રકાબી ચા આપી. બુરીમા થોડીવાર તેમને ચોખામાંથી કાંકરા વીણવા મદદ કરી ફરી ચોકી કરવા ગયાં.

બુરીમા જેમ કોઈ ઝુ માં પાંજરામાં પ્રાણીઓ ફરતાં જુએ તેમ ફ્લેટનાં ઘરોમાં ચાલતી પ્રવૃતિઓ જોયા કરતાં. કયારેક નાનાં બાળકોને રોકેટ ઉડાડી આપતાં, કોથળીમાં હવા ભરી ફોડી આપતાં અને ચોર પોલીસ કે થપ્પો રમતાં બાળકોને સંતાવાની જગ્યા બતાવતાં.

આજે તેમણે મિસિસ દલાલ પાસે જવાનું નક્કી કર્યું. તેમણે ઝાડુ ઉપાડયું. જો તમે દુર્ગાને ત્રિશૂળ વિના કલ્પો તો બુરીમાને ઝાડુ વિના. છુટકો ન હતો. આજે થોડો અળાઈનો પાઉડર માંગી જોઉં એમ વિચારી તેઓ ગોઠણે હાથ મૂકી દાદર ચડવા જતાં હતાં ત્યાં તેમણે એક ટેક્ષી ફ્લેટ સામે ઉભતી જોઈ. દલાલ સાહેબ ઉતર્યા.

"બુરીમા, આ થોડાં પેકેટ લેવરાવો ને!" તેમણે કહ્યું. દાદર પર બારણું ખોલતાં મિસિસ દલાલ ઊભાં હતાં. દલાલ સાહેબ થોડી ટ્યુબો, કેટલીક સેનિટરી ની વસ્તુઓ લઈ આવ્યા. "આજે મને પ્રમોશન મળ્યું તે સાથે કંપનીની કેટલીક વસ્તુઓ ફ્રીમાં મળી. કામ આવશે. અને આ એક સીંક દાદર પાસે બધા ફ્લેટવાળાઓ માટે." કહેતાં એક ઝગારા મારતી સફેદ સીંક તેમણે દાદર પાસે પણ મૂકી.

"શું કરશું આ પાઇપ, નળ ને સીંકનું? ઘેર તમે ફ્રીજ કે ફોન તો લાવતા નથી. એક ઘરમાં બે ત્રણ સીંક રાખી શું કરશું?" મિસિસ દલાલ કહી રહ્યાં.

બીજે દિવસે બે મિકેનિક આવ્યા અને એક સીંક દલાલ સાહેબના ઘરમાં અને બીજી દાદર પાસે જૂની કાઢી ફીટ થઈ. દલાલ સાહેબ કહે આવા સ્વચ્છ દાદર સાથે નવી સીંક મુલાકાતીઓને ઈમ્પ્રેસ કરશે જ. દિવાળી બાદ દાદર અને પેસેજની દીવાલોને કલર કરાવવા અને એ માટે શ્રી. દલાલ દ્વારા કંસેશનલ રેઈટથી પેઇન્ટ આપવાનું નક્કી થયું. રાતદિવસ કામ ચાલવા લાગ્યું. શ્રી. દલાલ હવે તેમની કંપનીની લોકલ બ્રાન્ચના મેનેજર થયા હતા.

પણ એ બધી ધડાધડ વચ્ચે બુરીમા સુઈ શકતાં નહીં. મજુરો ઉપર ધ્યાન પણ વધારે આપવું પડતું અને તેઓ સાફ કરીને જાય પછી ફરી દાદર અને પેસેજ બુરીમાએ સાફ કરવો પડતો. સમય પસાર કરવા બુરીમાએ તેમની ગોદડીમાંથી રૂ ના ડૂચા કાઢ્યા અને ગેઈટ પાસેના અને ધાબા પરના થાંભલા પણ પોલિશ કર્યા હોય તેવા સાફ કરવા માંડ્યા. આખરે એ આખું બિલ્ડીંગ તેમનું ઘર હતું!

પાઠકજીના કહેવાથી બીજે દિવસે સવારે બુરીમા દ્વારા હાથ ધોઈ સીંકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સહુએ બુરીમાની સફાઈ વખાણી.

"એમાં શું? એક કાળે હું ગુલાબજળ અને અત્તર નાખેલાં પાણીથી નહાતી. તમે નહીં માનો, કોઈ નહીં માને." વળી બુરીમાએ ભવ્ય ભૂતકાળ યાદ કર્યો.

સહુને ખાસ બોલાવી શ્રી. દલાલે ઘરમાં નવા નળનું હેન્ડલ ઊંચું કરી ચાલુ કર્યો, પ્રેશરનો તફાવત બતાવ્યો અને નવી સિસ્ટીમનું ડેમોન્સ્ટ્રેશન કર્યું.

"એકદમ આધુનિક." એક પાડોશીએ કહ્યું.

"બદલાતા જમાનાની તાસીર. મેં તો બહુ દુનિયા જોઈ છે." બાલ્કનીમાં ઉભી પાઠકજી બોલ્યા.

પાણી ભરવા નળ કોમન હતો ત્યાં ગૃહિણીઓની ધીમી કચકચ થવા લાગી. આખરે 'દલાલ મોટો સાહેબ થયો છે તો આપણે કાંઈ કમ છીએ?' કરતા સહુએ ઘરમાં પાણીની લાઈન નખાવવા માંડી.

પોતે બીજાથી વધુ ઊંચા છે તે બતાવવા દલાલે ટેલીફોન માટે એપ્લાય કર્યું, મિસિસ દલાલે એક ડઝન સેન્ડલવુડ શોપ લીધા. થોડા દિવસમાં એક સવારે ટેક્ષી આવીને ઉભી રહી તેમાં ઠલવાતાં દલાલ ફેમિલી સહુ સાંભળે તેમ કહી રહયું, 'બુરીમા, ઘરનું ધ્યાન રાખજો. અમે સિમલા ફરવા જઈએ છીએ. તમારે માટે એક સ્વેટર લેતા આવશું.'

સહુ બારીમાંથી ડૉકાતાં હતાં પણ એક માત્ર બૂરીમાએ ગેઇટ પાસે ઉભી હાથ હલાવી તેમને વિદાય આપી.

દલાલ કુટુંબ જતાં જ ગૃહિણીઓએ ઘર રીનોવેટ કરવા જાતજાતના કારીગરો, કલર વાળાઓ બોલાવ્યા. ઘરેણાં પોલિશ કરનારાઓ, વાસણવાળાઓ, સાડીવાળાઓની આવનજાવનથી ફ્લેટ ધમધમી ઉઠ્યો. બુરીમા ધ્યાન રાખીને કેટલા પર રાખે? અને કોઈ વિશે કહે તો એને બોલાવનાર બુરીમાને જ તતડાવી નાખે. બુરીમા સતત ઊડતી ધૂળ, સિમેન્ટ અને અવાજોથી ત્રાસી,જે ભાગ્યે જ ફ્લેટનો દાદર છોડતાં તે શેરીમાં થોડે દુર જઈ આવવા લાગ્યાં. દિવસ ઉપરાંત રાતે પણ નિરાંત નહીં. બુરીમા આખરે ઠંડીમાં પણ ધાબે સુવા લાગ્યાં. કેટલા પર ધ્યાન રાખે જ્યાં સતત આવજા થતી હોય! બુરીમાએ પોતે ઉદ્ઘાટન કરેલું તે સીંક પણ વાપરવાની બંધ કરી ઉપર જ નહાઈ લેવા માંડ્યું. ભાયડાઓ સતત સામે હોય ત્યાં એ બાઈ માણસ શું કરે? 'એક જમાનામાં મારે મોટો બાથટબ હતો' ને એવું બોલ્યે રાખતાં જે કોઈ સાંભળતું નહીં. બુરીમાને સવાર લાંબી અને સાંજ એથીયે લાંબી લાગવા માંડી. છેલ્લે પોતે ક્યારે ચા ની રકાબી મોઢે માંડેલી એ યાદ ન રહયું.

એક સાંજે ઠંડી સાથે અસુખ લાગતાં બુરીમા શેરી છોડી સહેજ આગળ ગયાં. પોતે બચાવેલી મરણમૂડી જેવી એક કોથળી કાઢી તેમાંથી ચૂંથાઈ ગયેલી થોડી નોટો ગણી. ભૂખ પણ કકડીને લાગેલી. નબળાઈ પણ હતી. બુરીમાએ એક લારી પાસે ઉભી ભાત ખાધા. બીજે દિવસે વળી ક્યાંક ઉભી શેરડીનો રસ પીધો અને એવી નાની અમથી ચીજો લઈ ક્યારનો વિલુપ્ત થયેલો આનંદ માણવા લાગ્યાં. એક દિવસ તે આગળ બઝારમાં જઈ ચડ્યાં અને એક ફ્રૂટની લારીએ પાઈનેપલ કપાવવા ઊભાં ત્યાં તેમને પાછળ કઈંક સરકતું લાગ્યું. તે જુએ તો પોતાની મરણમૂડીની પોટલી અને કેડે ભરાવેલો ચાવીનો ઝુડો ખેંચી કોઈ છોકરો ભાગતો હતો. બુરીમાએ તેમના વૃદ્ધ કર્કશ અવાજે રાડારાડ કરી મૂકી. દોડવા ગયાં પણ ગોઠણે સાથ ન આપ્યો. ફસડાઈ પડ્યાં.

રડતાં કકળતાં તેઓ ફલેટ પર પહોંચ્યાં ત્યાં સહુ ગુસ્સાથી તેમનું સ્વાગત કરવા ઉભા હતા. દાદર પાસેની નવી સીંક ચોરાઈ ગઈ હતી. તાજી રંગાવેલી દિવલમાં બાકોરું હતું. બુરીમાએ ત્યાં પડેલ પ્લાસ્ટરના ટુકડાઓ સાફ કરવા ઝાડુ ઉઠાવ્યું. લોકોએ તેમને રોકયાં.

'આ બધું આ ડોસલીનુંજ કામ છે. તેણે ચોરને બોલાવ્યા. સાલીનો ભાગ હશે એમાં.' કોઈએ ગુસ્સો થૂંકયો.

એક નવા ભાડુત બાવડું પકડી તેમને ઉપર ઘસડી ગયા અને સહુ ચીસો પાડી તેમને પુછી રહ્યા, "જેનું આટલો વખત ખાધું એની થાળીમાં જ કાણું પાડયું? સાલી ચોરટી, કોને આપી દીધેલી ફ્લેટના ગેઇટની ચાવી? કોને કહી દીધેલું કોનું કોનું ઘર બંધ છે?"

"આવા અજાણ્યાઓને રખાય જ નહીં. દગો દે, દે ને દે જ. " કોઈ કહી રહ્યું

"મને કાંઈ ખબર નથી. હું રાંડીરાંડ એક ખૂણે પડી રહેતી. તમે આપો તે ખાઈ લેતી નહીંતો ભૂખી રહેતી. હું શું કામ કોઈ ચોરને ખબર આપું?" બુરીમા આક્રંદ કરતાં કહી રહ્યાં.

"દિવસોથી આ બાઈ ફ્લેટ છોડી શેરીમાં અને દૂર સુધી બધે જોતી જતી હતી. અજાણ્યાંઓ સાથે વાત કરતી પણ દેખાતી હતી. લાગ જ ગોતતી હતી." કોઈએ કહ્યું.

"અમે તને ઓછું આપ્યું છે કે અમારા ઘરો પર જ નજર નાખી?" આમ તો મૂંગાં રહેતાં મિસિસ મિશ્રા બોલી રહ્યાં.

"મારૂં આજે તો માનો? તમે માનશો? નહીં જ માનો. હું ખુદ લૂંટાઈ છું. જિંદગીમાં બીજી વખત. આ વખતે મારી મને કિંમતી આબરૂ સાથે. હું શું કામ કોઈને ચોરી કરવા બોલાવું? માનો, મારૂં માનો. મેં કાંઈ ખોટું નથી કર્યું." ધ્રૂજતી બુરીમા આક્રંદ કરતી કરગરી રહી હતી.

"આ મિસિસ દલાલે એને માથે ચડાવી છે. આ લોકોનો વિશ્વાસ જ ન થાય." કોઈએ કહ્યું.

બાલ્કનીમાં બેઠા ટ્રાફિક જામ જોઈ રહેલા પાઠકજી ઉઠ્યા. બારણે આવી કહે "હું નહોતો કહેતો? બિલ્ડીંગમાં સિક્યોરિટી જેવું કશું છે જ નહીં. હું એકલો, મિસિસ મિશ્રા એકલાં, સહુને ઘેર કિંમતી જણસ, આમ રહેવાય?" તેમણે ખભે શાલ સરખી કરી આગળ ચલાવ્યું."આમેય આ બાઈ ઘણી જૂઠી વાતો કર્યા કરે છે. એનું કેટલું માનવું? મેં દુનિયા બહુ જોઈ છે, ભાઈ. એક દરવાન રાખો. સાચો સિક્યોરિટી. યુનિફોર્મર્ડ દરવાન."

બુરીમા રડતાં રહ્યાં. રહેવાસીઓએ તેમની જૂની ડોલ અને ચીંથરેહાલ ગોદડી બહાર મૂકી દઈ બુરીમાને બાવડું પકડી બહાર મૂકી ગેઈટ બંધ કરી દીધો.

બુરીમા બહાર ઊભાં નજીક પડેલી તેમની ઓળખાણ ઝાડુ સામે આંસુભરી આંખેથી જોતાં, "માનો, મારૂં માનો. હું ખાનદાન છું. હું ચોર નથી" કહેતાં રહ્યાં. ફ્લેટની જાળી બંધ થઈ ગઈ. આખરે આગળ ને આગળ ચાલતી તેમની આકૃતિ શેરીમાં ઓગળી ગઈ. રડતાં બુરીમાએ તેમની સાડીનો પાલવ ઊંચકી આંસુ લુછવા ફરકાવ્યો. માત્ર પાલવ હલ્યો. બીજું બધું જ સ્થિર રહ્યું.

(જુમ્પા લાહીરીની વાર્તા 'the durwan' નો ભાવાનુવાદ. Pulitzer prize winner વાર્તાસંગ્રહ 'interpretation of melodies' માંથી.)

-સુનીલ અંજારીયા