છૂટા છેડા
જીવન ની ભાગ દોડ અને તેમાં ઘરનાં કામ!! થાક સિવાય કઈ મળતું નથી. ત્યાં સંસાર નો પ્રેમ પણ થાકી જાય છે.
રોજ નવો રવિ ઊગે પણ વૈશાલી માંટે એજ નિત્યક્રમ, તેજ ઘર નાં ઢસરડા. રસોઈ બનાવી. ટિફિન ભરવાનું. સવારનો નાસ્તો ને ચ્હા ની તડજોડ માં ઉઠયા વેત થાકી જતી. કપડા ધોવા ના બહારની સાફસૂફી આ બધું કરતા ઓફિસે પહોંચતાં સુધીમાં અર્ધમરેલ હાલત થઈ જતી. કયાય શાંતિ જણાતી નહી.
માનેલું કે સંયુક્ત કુટુંબ થી છુટા થયાં પછી સુખ નો અહેસાસ થશે. સ્વર્ગ મળી જશે. તે માન્યતા ઠગારી નીવડી. સહકુટુંબ રહેતાં હતાં ત્યારે જીવનમાં સહુ ડોકિયું કરી જતાં, પણ કામની વહેંચણી ત્રણે દેરાણી જેઠાણીમાં એવી કરી હતી કે શાંતિ થી બે ધડી ફુરસદ મળતી.
રોજ નવું નવું જમવાનું મળતું. અને એ એશોઆરામ હતો. કારણ રોજ સવારની રસોઈ તેના માથે હતી. ત્યારે સવાર આકરી લાગતી. પણ સાંજ ની રસોઈ તેની નાની દેરાણી ના માથે હતી, તો આરામ મળતો. બહારના કામ પણ વહેચાયેલા હતાં. ઘરમાં આનંદ ઉલ્લાસ અને પ્રેમ હતો. જમી ને ટાઢક વળતી, વળી વાણી વ્યવહાર પણ સચવાઈ જતાં. તબીયત માં જરાક તકલીફ હોય તો આખું ઘર સાચવતા. કામમાં આરામ અને ખાટલે બેઠા પણ સેવા મળી જતી. વૅકેશન માં આરામથી પંદર દિવસ પિયર રહેવા જઈ શકતી.
આજ છ મહીના થઈ ગયા વૈશાલી તેનાં પિયર ગઈ નહોતી. જ્યારે પણ જવાની વાત યાદ કરતી તો રાજ ને કોણ ખવડાવે? ઘર કોણ સાચવશે? તે એક પ્રશ્ન રહેતો. ઘરનો તેની પર ભાર રહેતો. અને મનની મનમાં રહી જતી.
નાની દેરાણી આવતા વૈશાલીએજ ધમપછાડા કર્યા હતાં. નવી વહુ આવી કે કામ નાં બહાના, અને નાની વહુને સાસુ સસરા વધારે મહત્વ આપે છે, એવી નાની નાની કંમ્પલેન કરી રાજ ને ઠસાવાની કોશીષ કરી કે આપણી આવક માં થી આપણે ઘર લઈ શકીએ, અને એ આરામ થી આપણે બંને અને કાલ આવતાં બાળક ની સારી સંભાળ લઈ શકીએ.
અહીં તો એક પિઝા નો ટુકડોય રાજ તમે મારાં માટે ના લાવી શકો. અને જો આપણે એકલાં રહેતા હોય તો આખો પિઝા ખાવા મળે.
રાજે ચેતવી હતી. એકલા રહેવું સહેલું નથી. બધું આપણી જવાબદારી માં આવી જશે. આપણે પૈસા થી કદાચ પહોંચી જઈશું પણ વ્યવસ્થા અને વ્યવહાર થી નહી પહોંચી શકીયે!! વળી આપણે એકલા પડી જઈશું.
વૈશાલી ની ઓફિસ ની બહેનપણી એ ચઢાવેલ જુદા એકલાં રહેવાનું પાણી દમ દેતું ગયું. રોજ નવી વાતો નવી કથા નવી સ્કીમ થી અંતે રાજે માતા-પિતા ને વાત કરી છુટા પડવાનું નક્કી કર્યું.
માતા-પિતા એ ઘણો સમજાવ્યો હજી તમે થોડા વર્ષ ભેગા કાઢી લો. તમારે ઘરે પારણું બંધાય પછી વિચારજો. પણ રાજ વૈશાલી ની હઠ આગળ મજબુર હતો. તેને વૈશાલી ની હઠ ને વધુ ભાર આપ્યો ને નવા ફલેટ લઈ છ મહીના પહેલા શીફટ થયાં.
વૈશાલી ને ધીમે ધીમે ભેગા રહેવાનું કેટલું ફાયદા કારક હતું તે સમજા તુ ગયું હતું. રાજ ઘરમાં મદદ નથી કરતો, કઈ કામ નથી કરતો, એદી છે, જરાપણ મારી દયા આવતી નથી, મારી સામું પણ નથી જોતો, હુ તો કામ કરી થાકી ગઈ, એક નોકરાણી જાણે રાજ લાવ્યો હોય તેવું વર્તન કરે છે, રાજ ને તો પોતાનામાં મગ્ન છે. તેનામાં મારી કોઈ ફિલીંગ નથી. આવા અનેક આક્ષેપ કરી રાજ જોડે રોજ ઝઘડા કરતી.
અંતે બંને એકજ રૂમમાં એકજ ડબલ બેડ પર એક બીજા થી વિમુખ સુવાનું ચાલું થયું. ધીમે ધીમે વૈશાલી અને રાજ અલગ અલગ રૂમમાં સુવાનું ચાલું કર્યું. અને અંતે અંતિમ ઝઘડામાં વૈશાલીએ તેના મમ્મી-પપ્પા ને બોલાવ્યા ને રાજ ને ખખડાવ્યો. તે સમય અંતિમ હતો. એકબીજા ને બોલવા અને બોલાવા નોકરાણી રાખી. થોડો સમય થયો ને ફરી વૈશાલી વીફરી આ નોકરાણી ને બધી વાત પત્ની ની જેમ કરે છે, ને મારી જોડે બોલવું ગમતું નથી.
રાજ વૈશાલી ને કહેતો, તને શોખ હતાં, મારૂ ઘર. એકલા રહીશું. તેવડ તો તારામાં હતી નહી, ઘર ચલાવાની, અને નીકળી હતી જુદા થવા!! તને ત્યારેય ખબર હતી મારૂ ઘરના કામમાં કોઈપણ જાત નો સહયોગ નહોતો, તને ત્યારે પણ ખબર હતી કે હું નહાઈ ને મારો ટુવાલ પણ સુકવવા જતો નહોતો, અને હવે તારી મજા માટે હું એમ કઈ ઓછો બદલાઈ શકવાનો હતો?
તુ કહે કે પ્રેમ નથી જો પ્રેમ ના હોત તો મારા માતા-પિતા ભઈ ભાભી ને છોડી તારી હા માં હા ના ભળી હોત. તને ક્ષણજીવી મજા માટે જીવનભર નો ભાર વૈશાલી તે જાતે લીધો છે. હું તારી સાથે રહી શકું પણ તને મદદ કરતાં વાર લાગશે. મારી આદત બદલતાં સમય જશે.
સમય જતો ગયો. હવે વૈશાલી રાજ ને એકલી નોકરાણી ના ભરોશે મુકી પિયર રહેવા જતી રહેતી. રાજ જાય તોય પૂછતો નહી અને આવે તોય આવકારતો નહી. કામવાળી બહેન થી તે ટેવાઈ ગયો. ઘરઘાટી લક્ષ્મી તેના થી ટેવાઈ ગઈ. વૈશાલીને લક્ષ્મી સાથે રાજ ના ચક્કર ની શંકા રહેતી, અને રાજ માનતો પત્ની જેવું સુખ તે આપે છે હા તે મારા અંગત જીવન નો હિસ્સો નથી, પણ બહારથી તે એક પત્ની તો છે. સંબંધ પાક નિખાલસ હતો. પણ વૈશાલી તેને સંબંધમાં બાંધતી રહી. પૈસા ચૂકવીને મળતી સેવા હતી તેમા નિર્દોષ તા હતી.
રાજ ને વૈશાલી ઢસડાઈ કુટાઈ ને વર્ષ કાઢ્યું ત્યાં પિયર ગયેલ વૈશાલી તરફ થી બ્રાઉન કલર નું મોટું કવર મળ્યુ. તેમાં છૂટાછેડા ના કાગળ હતાં .અઢી થી ત્રણ વર્ષ ના લગ્ન જીવન નો અંત આવી ગયો. રાજે સહી કરી કાગળ મોકલી આપ્યા. જોડા ને ફરજિયાત છ મહીના છુટા રહેવાનું હતું. બંને ના મન હળવા હતા પણ દિલ ભારે થઈ ગયાં.
બધુ હેમખેમ પતી ગયું. છૂટાછેડા મળી ગયાં. રાજ પોતાનુ ઘર વહેચી વૈશાલી ને તેનો ભાગ આપી પાછો માતા-પિતા પાસે આવી ગયો. બધાએ રાજ ને સ્વીકારી લીધો. પણ વૈશાલી ને ગુમાવી દીધી. આજ રાજ ઉદાસ છે. વૈશાલી બીજા પતિ ની તલાશ કરી રહીં છે. વૈશાલી હજી સમજી શકી નથી જે બહેનપણી ની સલાહ ઉપર જીવન જીવવા ગઈ અને હું ફેઈલ થઈ ગઈ. જ્યારે તે બહેનપણી નો સંસાર તો ચાલું છે. તેને કયા ભુલ કરી કે રાજ જેવો પતિ ગુમાવ્યો, સમજી નથી શકતી.
જીજ્ઞેશ શાહ