Madhdariye - 30 books and stories free download online pdf in Gujarati

મધદરિયે - 30

આગળના ભાગમાં આપે જોયું કે સુગંધાને કેસમાંથી હટાવવા માટે ચંકી ભ્રષ્ટ મંત્રીઓ ખરીદી લે છે.. સુગંધા પોતે જ રિઝાઈનની વાત કરે છે.. સૂરજ સોશિયલ મીડિયામાં અને ન્યુઝ ચેનલ મારફતે સુગંધાને કેસમાં પાછી લાવવા રાણાની પણ મદદ લે છે .હવે આગળ..

મોબાઇલમાં મેસેજ ફરતા થઇ ગયા.ટીવીમાં પણ સરકારની ટીકા થવા લાગી..સતાપક્ષ નબળો પડવા લાગ્યો,પોતાની ખુરશી હવે ડગમગવા લાગી.જે ભ્રષ્ટ મંત્રીઓ સુગંધાને કેસમાંથી હટાવવા માંગતા હતા એમને પણ સતાની લાલચ હતી.જો સુગંધાને પાછી નહીં લેવાય તો હાથમાં કશું નહીં આવે એ ફાઈનલ હતું..સુગંધાને કેસમાં પાછી લાવવા માટે હવે એમણે જ મુખ્યમંત્રી સાથે મીટીંગ કરી.. કેન્દ્ર સરકાર સુધી મેસેજ ગયા અને એમણે જ સુગંધાને પાછી લાવવા દબાણ કર્યું..હવે તો વિરોધપક્ષના નેતાઓ પણ સુગંધાની તરફેણમાં આવી ગયા..મુખ્યમંત્રીએ ખુદે ફોન લગાવીને સુગંધાને બીજા જ દિવસે મેસેજ આપ્યા.
"અભિનંદન,આજે સત્યની જીત થઈ છે.. તમારૂ રાજીનામું નામંજૂર થશે હો. તમે ચંકીને પકડો અને તમને પૂરી છુટ પણ આપવામાં આવે છે.."

"સર અભિનંદનને પાત્ર તો સુલતાન સૂરજ છે હો.. જો એમણે ઉપાય ન બતાવ્યો હોત તો હું તો નાસીપાસ થઈ ગઈ હતી,પણ આખરે જે થયું એ સારૂ જ થયું..આપનો સાથ પણ હંમેશા મારી સાથે રહ્યો છે.. જો આપે મારો સાથ ન આપ્યો હોત તો ચંકી કેટલાય ઘર બરબાદ કરી ચૂક્યો હોત.."સુગંધા બોલી..

"હું હંમેશા સત્યનો સાથ આપું છું,પણ રાજકારણમાં ક્યારેક પોતાની પાર્ટીના આદેશને પણ માનવો પડે છે.. તમે તમારૂ કામ ચાલું રાખો અને ફતેહ કરો."

"જી સર એમ જ થશે..જય હિન્દ સર."

સુગંધાએ બધાને બોલાવીને ખુશખબર આપ્યા..કેન્દ્રમાં આજે ખુશીનો દિવસ હતો.. બધા આનંદમાં હતા.. સૂરજનો આઇડિયા કામ કરી ગયો એ માટે પરિમલ અને ત્રિવેદી સાહેબની સાથે પ્રિયા પણ સૂરજનો આભાર માનવા લાગી ગયા..સૂરજે તો જાણે કશું કર્યું જ ન હોય એમ પોતાની ધૂનમાં મસ્ત હતો..

"અમારા જેવી હજારોની સંખ્યામાં રહેલી અને નર્કથી પણ બદતર જિંદગી જીવી રહેલી કેટલીયે સ્ત્રીઓ માટે તમે સરાહનીય કામ કર્યું છે.. મારી પાસે તો આભાર માનવા શબ્દો પણ ઓછા પડે છે.. તમે આપેલા આઈડિયા મુજબ કામ કરતા આજે દીદીજ આ કેસની તપાસ કરશે.. ચંકીના વિનાશ માટે તમારી મદદ હજુ પણ જોઈશે.."પ્રિયા બોલી..

"અરે મેં તો ફક્ત મારી ફરજ બજાવી છે.. ઘણી વખતે મુશ્કેલ ઘડીમાં આપણી વિચારશક્તિ કુંઠિત થઇ જાય છે ત્યારે ઉપાય સામે જ હોવા છતા આપણે એ બાબતે વિચારી શકતા નથી..મેં ફક્ત વિચાર આપ્યો છે.. કામ તો રાણા સાહેબનું છે.."સૂરજ બોલ્યો..

પાછા ફરતી વખતે પરિમલ જ બોલ્યો.."કોણ કહી શકે કે એક સમયે આ વ્યક્તિ સુલતાન હશે!!એની વિનમ્રતા તો જુઓ."

"હેંએેએ.!સુલતાન!!સૂરજ પોતે!!"પ્રિયાની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ હતી..

"આંખો તો નાની કર..ખરેખર એ સુલતાન હતા.એક રજવાડું છોડીને એ રાણા સાહેબના ફાર્મ હાઉસમાં કામ કરતા હતા.. પોતે ચાહે તો આપણને બધાને ખરીદી શકે એટલી હેસિયત છે એમની,પણ હવે કોઈ પર રોફ જમાવવો કે સ્વયંને સુલતાન બનવું જરાય નથી ગમતું,એટલે એ રાણા સાહેબ સાથે રહે છે.."સુગંધા બોલી.. પ્રિયા વિસ્મયથી બધું સાંભળી રહી હતી..સુગંધાએ વારંવાર એના ભાવને વાંચવા કોશિશ કરી..

અમિત બીજા દિવસે છેક હોશમાં આવ્યો.. ડોક્ટર દ્વારા એને સારવાર મળતાં એ હોશમાં આવ્યો હતો.. ડોક્ટરે બધાને જાણ કરી દીધી હતી એટલે બધા ત્યાં હાજર જ હતા..

અમિતને થોડી કળ વળી અને પોતે હોશમાં આવ્યો એવું લાગતા એણે પોતાની આંખો ખોલી,ત્યાં સામે પોતાના હાથમાં એક મજબૂત ડંડો લઈને પ્રિયાને જોતા જ એ ફરી બેહોશ થઇ ગયો..

"ડોક્ટર સાહેબ આ તો ફરી બેહોશ થઈ ગયો."પ્રિયા બોલી.

"ના માર લાગવાને લીધે એ બેહોશ નથી થયો..અત્યારે તો તમારા ડરથી એ બેહોશ થયો છે.. એને ઘડીક હોશમાં રહેવા દો પછી તમે આવજો.. તમને જોશે તો એ હોશમાં નહીં આવે એ નક્કી છે."ડોક્ટર બોલ્યાં..

"સાલો ફટ્ટુસ.પાવલીનો પાવર નથી અને રૂપિયાની રાડ નાખે છે ખાલી."એમ બોલી પ્રિયા ત્યાંથી ચાલી ગઈ..

અવની હજુ પણ એ સ્થિતિમાં જ હતી.. પરાણે ખવડાવતા એણે થોડું ખાધું.. બોલવામાં તો જાણે એની જીભ જ ચાલી ગઈ હતી..ત્રિવેદી સાહેબ બહુ ચિંતીત હતા,ને હોય જ ને.. એકમાત્ર પૌત્રી હતી એમની.. પુષ્પાની એકમાત્ર નિશાની હતી..એની આવી હાલત જોઈને એ પોતાના આંસુ રોકી શકતા ન હતા.. પ્રિયા પણ સતત અવનીની કાળજી લેતી હતી..

"પ્રિયા હવે અમિત હોશમાં આવી ગયો છે.. તુ ચાહે તો હવે એની રિમાન્ડ લઈ શકે છે.. પૂછપરછ પછી એને જેલમાં હાજર કરવો પડશે.. આપણે એનું મોં ખોલાવી શકીએ તો આપણને ઘણી મદદ મળી રહેશે.. એના બતાવ્યા મુજબ આપણે ચંકીના અડ્ડા પર રેડ કરવાની છે.."સુગંધા બોલી..

"અરે એ તો શું એની મા હોય તોય મોં ખોલાવી દઉં, પણ એ જેલમાં નહીં જાય..એ મારા હાથે જ મરશે."પ્રિયા ગુસ્સે થઈ બોલી..

"ના પ્રિયા, આ કાળા કામને અંજામ આપનાર ચંકીને મરવું પડશે, એની સાથે જેટલા નહીં સમજે એ દરેક મરશે,પણ અમિત હિરાસતમાં છે એટલે એને મારવો એ કાનૂન વિરોધી ગણાશે.."સુગંધા બોલી..

"કેવું કાનૂન?? તારૂ એ કાનૂન મારૂ શીલ,ચારિત્ર્ય,મારી આબરૂ લાવી શકશે પાછી?? હજારો છોકરીઓ મારી નાખી હોત તોય એનો ગુનો માફ થાય,પણ આણે તો આખી જીંદગી જ બરબાદ કરી દીધી છે.. એને કેમ માફ કરાય.. ને કાનૂન એને શું સજા આપશે??ફાંસી જ ને?? તો એ કામ હું કરી દઉં."પ્રિયા બોલી..

"ના.હું એવું ન કરવા દઉં.. એ કામ બદલ તને પણ સજા થશે..મારી ઉપરવટ જઈને તુ કોઈપણ પગલું ન ભરીશ,હા તુ ચાહે એ રીતે એને મારી શકે છે..ચાલ હવે તારી બધી દાઝ ઠલવી દે.."
પ્રિયા પોતાના પગ પછાડતી એની પાછળ ચાલવા લાગી..

પ્રિયા બીજી વખત આવી છે એ જાણીને અમિત પોતાની જાતને છૂપાવવા લાગ્યો, પણ પ્રિયાએ એને પકડી જ લીધો..અમિતના હાથપગ બાંધી એણે પોતાની પાસે રહેલી ટાંકણી લઇ અમિતને જ્યાં ત્યાં ભોંકવાનું શરૂ કરી દીધું..અસહ્ય વેદનાથી અમિત મોટેથી રડતો હતો.."ઓય માડી! ઓય બાપા!પ્રિયા મને માફ કરી દે.હું તારો ગુનેગાર છું..ના ..આ. ..આ પ્રિયા થોડોક રહેમ કર.. હું મારી બધી ભૂલો સ્વિકારૂ છું..મારા બધા પૈસા લઇ લે પણ મને છોડી દે.."

"કેમ આજે તને પીડા થાય છે???આના કરતા વધું પીડા તો કેટલાય સમયથી હું ભોગવી રહી હતી..મેં ક્યારેય ઉંકારો કર્યો છે?? બહુ મરદ બનતો હતો ને? ક્યાં ગઈ તારી મરદાનગી બોલ હવે બોલ.. હજુ તો તારે ઘણા હિસાબ ચૂકવવા પડશે..આટલી પીડા થતા તુ હાર માની બેઠો છો??"પ્રિયા બોલી..

"મારી ભૂલ થઈ ગઈ..મને માફ કર.."

પ્રિયાએ પાછી ટાંકણી ભોકવાનું શરૂ કર્યું..પણ હવે અમિત વધુ સહન કરી નહીં શકે એમ લાગતા સુગંધાએ ઇશારાથી પ્રિયાને અટકાવી દીધી..

"તને પોલીસને હવાલે કરી દઇશ,પણ પહેલા ચંકીના અડ્ડા વિશે માહિતી આપ.."રાણા એ કહ્યું.

"ના, તમે બધા તો મને મારશો,પણ ચંકીના અડ્ડા વિશે હું કંઈપણ કહીશ તો ચંકી મને મારી જ નાખશે."

"સાલા ચંકીના કૂતરાં,તને શું લાગે છે? ચંકી તારા સુધી પહોંચી શકશે?અને એ આવશે તોય મરશે એ તને શું મારશે? તારી ભલાઈ એમા જ છે કે તુ બધું કહી દે.."સુગંધા બોલી..

"અત્યાર સુધી તે બહુ પાપ કર્યા છે,જો બોલી દે તો તને કદાચ ઓછી સજા થશે.."પ્રિયા બોલી.

"તમને શું લાગે છે?તમે મને મારશો તો હું બોલી નાખીશ?આટલી મહેનત પછી જમાવેલું આ સામ્રાજ્ય આમ જ ભાંગી પડશે??તમે ચંકીના વાળ બરાબર છો.. એ ક્યારે આવી જાય અને તબાહી મચાવી જાય એનો તમને અંદાજો જ નથી."અમિત બોલ્યો..

"તો તુ મોં નહીં ખોલે એમ?પ્રિયા,સૂરજ,આ મરવો ન જોઇએ બસ,એ મોતની ભીખ માંગશે,પણ એ મરવો ન જોઇએ,એનું મોત એટલું સસ્તું ન હોવું જોઈએ..એને નર્કના દર્શન કરાવી દો."સુગંધા બોલી..

રાણા,સુગંધા અને ત્રિવેદી સાહેબ વોચમેન અને બોડીગાર્ડ જે રૂમમાં રાખ્યા હતા એ રૂમમાં ગયા..વોચમેન જરૂર માહિતી આપશે એ એમને ખબર હતી..

વોચમેનને પોતાની સાથે લઈ જઈ એને પૂછપરછ શરૂ કરી..

"જો તારે ક્યાંય આ કેસમાં નામ નહીં આવે,પણ તુ અમારી નજરકેદમાં રહીશ..તુ જેટલું જાણતો હોય એટલું જણાવી દે.. ચંકીના અડ્ડા ક્યાં છે?છોકરીઓ કઈ રીતે સપ્લાઈ કરતા હતા આ લોકો?"ત્રિવેદી સાહેબ બોલ્યાં..

"સાહેબ હું નવો જ આ ગેંગમાં આવ્યો છું..મને એવી ખબર નહોતી કે આ લોકો બળજબરીથી છોકરીઓની તસ્કરી કરે છે..તમને સાથ આપવાનું કારણ એટલું જ છે કે આખી રાત રડતી છોકરીઓના અવાજ મને સુવા નહોતા દેતા.. મેં આ ધંધો છોડવા ઘણી કોશિશ કરી,પણ મોતનો ડર હંમેશા રહેતો હતો..આ બોડીગાર્ડ સાથે થોડી ભાઇબંધી થઇ એટલે ચંકીના પ્રાઈવેટ અડ્ડા વિશે થોડીઘણી માહિતી છે.. એના પાંચ અડ્ડા આ શહેરમાં છે.જ્યારે પણ મોટા સાહેબો ફોન કરે ત્યારે છોકરીના ફોટા વોટ્સએપ દ્વારા મોકલવામાં આવતા હતા.. એમને જે પસંદ આવે એનો ભાવતાલ નક્કી કરવામાં આવતો હતો..એમની સાથે એક બોડીગાર્ડ ભેગો જ રહેતો જેથી આ છોકરી ભાગી ન જાય..ઘણી વખતે એમને વેચી દેવામાં પણ આવતી.. દર મહિને 25 છોકરી એમાંથી વેચી દેવાતી હતી..એના લાખો રૂપિયા વસૂલ કરવામાં આવતા હતા..કોઠા પર આવતી છોકરીઓજગજાહેર થઇ ગયેલી હોય એટલે એમના પર બહુ ધ્યાન ન આપતા..એ પોતાની મજબૂરી,એકલતા,ત્યકતાપણું,પ્રેમી દ્વારા કે સગા વહાલા દ્વારા વેચી દેવામાં આવેલી હોય એવી જ યુવતી હોય છે..એમને પૈસામાં કમીશન પર ધંધો કરાવવામાં આવતો હોય છે..દલાલ પોતાની રકમ એમાંથી કાપી જ લે.. એ પૈસામાં ચંકીનો પણ મોટો હિસ્સો રહેતો..એમની જીંદગી થોડી છૂટછાટ વાળી રહે છે,રોજ નક્કી કરેલા ગ્રાહકની સંખ્યા મુજબ એમને સુવુ જ પડે.. જે યુવતી ન માને એ મોટા ભાગે પરાણે આ ધંધામાં રોકાય છે.. એમના પરિવારની તમામ માહિતી ચંકી રાખે છે.. ઈચ્છા ન હોવા છતા એમને આ ધંધો કરવો પડે છે.. જો ન માને તો એમને વેચી દેવામાં કે મારી નાખવામાં આવતી હોય છે..બાકી ચંકી કોણ છે એ તો કોઈને ખબર જ નથી..એ મહીને એકાદ વખત માંડ આવે અને તોય કોઈ એને જોઈ શકતું નહોતું.."

"જોયું પિતાજી ચંકીનો ચક્રવ્યૂહ??એક સામાન્ય સ્ત્રી ચંકીની ચુંગાલમાંથી છૂટવા મથે તોય ન છૂટી શકે."સુગંધા બોલી..

પાંચેય અડ્ડા શહેરમાં હતા એટલે બધે નાકાબંધી કરવા આદેશ આપી દેવાયા.. કોઈપણ મોટા વાહન ચેક કર્યા વગર ન જવા દેવા એવો આદેશ આપી દેવાયો.ચંકી જાણી જ ગયો હોય કે સુગંધા અવશ્ય રેડ પાડશે જ એટલે એ શહેરમાંથી કોઈ હેરાફેરી ન કરી શકે..

"પરિમલ અહીં ઘણી યુવતીઓ રહેવા આવશે, તમારી તૈયારી છે ને?"સુગંધાએ કહ્યું..

"હા મારે હમણાં જ બે-ત્રણ લોકો સાથે વાત થઇ છે.. બ્રિજેશભાઈ અને હીમરાજભાઈ પણ મોલમાં હાજર હશે, આપણે ત્યાં જવાનું છે.."

"તો પપ્પાને લઈ તમે ત્યાં જાઓ.. હું અને રાણા સાહેબ રેડ પાડવા જઈએ છીએ.."

"ના એમ એકલા ક્યાંય ન જવાય હો.. ચંકી હવે સાવધ હશે.. મંત્રી ખરીદી શકતો હોય એ બીજુ શું ન કરી શકે? પરિમલ ભલે અહીં રોકાય, પણ હું સાથે જ રહીશ,આપણી સાથે થોડા બીજા બહાદુર પોલીસ જવાનો પણ આપણે લઇ જવા પડશે.. કેન્દ્રની સુરક્ષા પણ આપણે જોવી પડશે. આમ અહીં પોલીસ પહેરો ક્યાં સુધી રાખવો??"ત્રિવેદી સાહેબે વાત કરી..

"કેન્દ્રની ચારે તરફ અને અહીંથી 500 મીટર સુધી સીસીટીવી કેમેરા છે એટલે કોઈ અહીં આવવાની હિંમત નહીં કરે પણ જો એમાંથી કોઈ ફૂટી ગયું તો પ્રશ્ન ઊભો થાય..તો એક કામ કરો, રાણા સાહેબ ભલે આવે તમે રોકાઈ જાવ..આમ પણ કેસ તો મેં હાથમાં લીધો છે,તમને બધાને ખોટા જોખમમાં હું ન મૂકી શકું..રાણા સાહેબ આવો છો કે રોકાવું છે? "

"હું મોતની પરવા કર્યા વિના આવીશ..ચાલો આપણે જઈએ."રાણા સાહેબ બોલ્યાં..

પોતાની જીપમાં પુરતા હથિયારો ભરી રાણા સાહેબ અને સુગંધા નીકળી ગયા..

શહેરથી થોડે દૂર સુમસામ રસ્તે જીપ જઈ રહી હતી..ઊગતા સૂરજનો તડકો હવે પોતાની ગરમી જગત પર ફેલાવી રહ્યો હતો..રોડની બંને તરફ રહેલા વૃક્ષોમાંથી તલકછાંયો રોડ પર દેખાતો હતો.. કોઈપણ જાતના ડર વગર રાણા સાહેબ અને સુગંધા ચૂપચાપ જીપમાં બેઠા હતા.. અચાનક રોડ પર ખીલી લગાવેલ લાકડાનાં પાટીયા આવી જતાં ટાયરમાં પંચર પડ્યું..રાણા સાહેબને તરત જીપ રોકવી પડી.. સ્ટેફની ટાયર પાછળ રાખેલું હતું એ ટાયર ખોલવા એ નીચે ઉતર્યા..અચાનક પાછળથી જાણે કાન પર કશુંક વસ્તું અડતાં એમણે જોયું તો એક માણસે એમના કાન પર ગન રાખી હતી..સુગંધાને પણ એજ સ્થિતિ હતી..

"જરાય હલવાની કોશિશ કરી છે તો ખોપરી વીંધાતા જરાય વાર નહીં લાગે.. ચૂપચાપ ચાલ્યા આવો."રોડની સાઈડમાં એક માણસ ઊભો હતો એ બોલ્યો..

કોણ હશે જેણે સુગંધા અને રાણાને કિડનેપ કરવાની કોશિશ કરી હશે?

બંને પકડાશે તો ચંકી એમને જીવતા છોડશે??

જાણવા માટે વાંચતા રહેજો મધદરિયે


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED