મધદરિયે - 29 Rajesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મધદરિયે - 29

આગળના ભાગમાં આપે જોયું કે સુગંધા 35 જેટલી દેહ વ્યવસાયમાં રોકાયેલી છોકરીની સાથે અવનીને છોડાવે છે.. પ્રીયા અમિતને બહુ મારે છે.. સુગંધા ચંકીના અડ્ડા પર રેડ પાડવાનું નક્કી કરે છે.. હવે આગળ..

"હેલ્લો. "

"કોણ?"

"આટલી જલ્દી દુશ્મનને ભૂલી ગઈ?"

"ઓહ ચંકી! તને તો આખી જિંદગી નહીં ભૂલુ.જયાં સુધી તારા આ ગોરખધંધા અને તારા શ્વાસ બંધ નહીં થાય ત્યાં સુધી તો નહીં જ. "

"ચંકી સુધી પહોંચવાનો એક જ રસ્તો છે.. તુ આવી જા મારી પાસે,મારી રખાત બની રહેજે. શું રાખ્યું છે આ નોકરીમાં? મારી સાથે દુશ્મની એટલે તારૂ મોત,મારી સાથે દોસ્તી મતલબ તારી હરેક રાત રંગીન..એશ કરીશ એશ.પ્રિયા નહીં તો તુ આવી જા.."

"હા હું આવીશ, ચોક્કસ આવીશ, પણ તારૂ મોત બનીને આવીશ."

"મારા માણસોને પકડીને અને થોડીક છોકરીઓ બચાવીને તે મોટો સિંહ નથી માર્યો.. આટલી છોકરી તો હું મહીને લાવું છું આ ધંધા પર બેસાડવા માટે..મારો ધંધો બંધ નહીં થાય,હા આ કેસથી તારી છુટ્ટી જરૂર થશે.. હજુ કહું છું,છોડી દે અમિત અને મારા બીજા સાથીદારોને એમા જ તારી ભલાઈ છે.મારા માણસો મોં નહીં ખોલે.. ને કદાચ ખોલે તોય હું કોણ છું એ તુ આખી જીંદગી જાણી નહીં શકે..વ્યર્થ કોશિષ ન કર.."

"કેસથી હટાવવાનું કહીને તુ ડરી ગયો છે એ સાબિત થાય છે. તારા જેવા માણસો આમ પણ બીજું શું કરશે?પણ યાદ રાખજે તુ ભલે કેસથી હટાવી શકતો હોય,પણ મારી નજર હંમેશા તને જ શોધતી હશે..સંભાળી લેજે તારા ધંધાને અને તારી જાતને." સુગંધાએ ફોન રાખ્યો.

અવનીની હાલત બહુ નાજુક હતી..ખોરાક પણ એ લેતી ન હતી.. નાનકડી ઉમરમાં એણે ચંકી જેવા ખૂંખાર વ્યક્તિને પહેલી વાર જોયો હતો. એ જાણે કે હસવાનું અને બોલવાનું ભૂલી જ ગઈ હતી.પરિમલે ડોક્ટર પાસે લઈ જઈ એનું ચેકઅપ પણ કરાવ્યું..અવની ખૂબ જ ડરી ગઈ હતી..જ્યારે એનો ડર ખતમ થાય ત્યારે જ એ હસી શકે.પરિમલ એને બોલાવવાની અને હસાવવાની ઘણી કોશિષ કરતો, પણ અવનીતો જાણે શૂન્યમનસ્ક બની ગઈ હતી..

"આપણી હસતી ખેલતી અવની જાણેકે જીભ જ ન હોય એમ સૂનમૂન થઇને બેસી રહે છે.. એને થોડો સમય બહાર રાખી હોય તો કદાચ આ બધું એ ભૂલી જશે અને ફરીથી એનો કિલકિલાટ આપણે સાંભળી શકીશું.અહીંનું વાતાવરણ ભારે તંગદીલી વાળું છે,એ વધુ ડરી જશે."પરિમલ બોલ્યો..

"ના પરિમલ,અવનીને એકલી ક્યાંય મોકલાય નહીં..ચંકીની નજર આપણા પરિવાર પર હશે જ..એટલેતો મારા મમ્મી-પપ્પાને મેં એમના ઘેરથી દૂર મોકલી દીધા છે..અવનીને કંઈ થઈ જાય તો હું નહીં જીરવી શકું..ચંકી એક વખત પકડાઈ જાય પછી અવની પણ બોલશે.. અત્યારે સમય સમયનું કામ કરશે.."સુગંધા બોલી.

સુગંધા "અમિતનું મોં ખોલાવવાનો બસ એક જ માર્ગ હતો પ્રિયા.અમિતનું બગડી ગયેલું પેન્ટ એની સાક્ષી પૂરી રહ્યું હતું..મોતને સામે ઊભેલું જોઈને ભલભલા મુજરીમ પોતાનું મોં ખોલી દેતા હોય છે.."પરિમલે કહ્યું..

"હા એ હોશમાં આવે એટલે પ્રિયાને જ મોકલવી છે,પણ રાહ જોઉં છું મિનિસ્ટર સાહેબના ફોનની..પૂછપરછ દરમ્યાન કોઈને મારી નાખવા એ કાનુની રીતે ગુન્હો બને છે. જો એકવાર મને પૂરતી સ્વતંત્રતા મળી જાય પછી અમિત પોપટ જેમ બોલશે."સુગંધા બોલી..

"પણ આ અમિત પકડાયો કઈ રીતે?એ તો ભાગી ગયો હતો ને.? "પ્રિયા આવતા સાથે બોલી..

"હા અમિત ભાગી ગયો હતો પણ એને ભગાડવામાં મારો જ હાથ હતો..મારે ચંકીની ગેંગમાં જ રહેવાનું હતું, પણ અવની અને આ 35 છોકરીને ચંકી ઉપાડી જતા અમારે પ્લાન બદલવો પડ્યો.. હું હજુ પણ ચંકીની ગેંગમાં રહેવાનો હતો, પણ ચંકી જેવા શાતિર વ્યકિતને મારી ખબર પડી જાત.રાણા સાહેબ જ્યારે આસ્થામાં રેડ પાડવા ગયા ત્યારે મને જાણ કરી દીધી હતી,કે અમિત અને એના સાથીદારોને પકડીને હું નારીકેન્દ્રમાં લઇ આવું. અમિત આપણે જાણીએ છીએ એમ પોચા હ્રદયનો છે,પણ એની મહાત્વાકાંક્ષા ઘણી છે..એને પકડવાંમાં જરાય વાર લાગે એમ હતું જ નહીં..એના બધા હથિયાર તો મેં રાત્રે સંતાડી દીધા હતા.. બસ અમિતને પકડ્યો કે તરત એના સાથીદારો મારા પર હૂમલો કરવા આવ્યા,પણ એમને ખબર નહોતી કે હું એક પ્રોફેશનલ બોક્સર છું..મારા થોડા પંચ પડતાં જ ઢેર થયા.. ને બધાને પોલીસવાનમાં નાખીને હું લઈ આવ્યો.."સૂરજે કહ્યું..સુગંધા જ્યારે સૂરજ બોલતો હતો ત્યારે પ્રિયાના ચહેરાને વાંચી રહી હતી..આશ્ચર્યથી એ સૂરજની વાત સાંભળી રહી હતી .સુગંધા એ વાતને પામી ગઈ હતી..એ કશું બોલી નહીં..સૂરજનું વ્યકિતત્વ જ એવું હતું કે હરકોઈ એને જોઈને અંજાઈ જાય.પ્રિયાની આંખોમાં સૂરજ પ્રત્યે પ્રેમ હતો કે ફક્ત લાગણી એ સુગંધા કળી શકી નહીં..સૂરજના મનમાં તો જાણે એ કશા ભાવ વાંચી જ ન શકી.એ તો નિર્લેપ ભાવે પોતાની વાત કરતો હતો..

સવાર પડી ત્યાં હેડક્વાર્ટરમાંથી ફોન આવ્યો..સુગંધાનો શક સાચો હતો..એને પ્રમોશન આપવામાં આવ્યું હતું..એના કામથી રાજી થઈ એને બીજા કેસની તપાસ સોંપવામાં આવી હતી..એણે તરત ચીફ મિનિસ્ટર સાહેબને ફોન કર્યો..

"જય હિન્દ સર. આખરે મારી શંકા સાચી જ પડી..મને કેસમાંથી કેમ હટાવી એ હું સારી રીતે જાણું છું..આ પ્રમોશન મારે નથી જોઈતું સર.."

"તમારી વાત એકદમ સાચી છે.વિરોધ પક્ષના નેતા અને મારી પાર્ટીના અમૂક બળવાખોર અને ભ્રષ્ટ ધારાસભ્યો ચંકી પાસેથી મસ મોટી રકમ લઈને આ કાવતરાને અંજામ આપી રહ્યાં છે..જો હું વિરોધ કરૂ તો એ બીજી પાર્ટીમાં જોડાઈ જશે અને સરકાર અમારી નહીં રહે.. કેન્દ્રમાં મેં રજુઆત કરી,પણ ત્યાંથી પણ મારા પર દબાણ આવ્યું છે.. જો સતા પર હું નહીં રહું તો આ કેસ આમ પણ તમને નહીં મળે,ને ચંકી પોતાના કાર્યોને અંજામ આપશે જ..મને તમારા કામ પ્રત્યે વિશ્વાસ છે,પણ હું મજબુર છું..તમારા પ્રત્યે મને સંવેદના છે,પણ હવે હું આ બાબતે કશું કરી નહીં શકું.."

"સર તમે મજબુર છો પણ હું મજબુર નથી..દેશની સેવા વર્દી પહેરીને જ થાય એવું જરૂરી નથી.આ દેશની નારી એટલી પણ નિર્માલ્ય નથી કે એને કોઈના ઓર્ડરની રાહ જોવી પડે..ચંકી હવે પકડાશે નહીં, એ હવે કમોતે મરશે. અને એ વાતનો વિશ્વાસ રાખજો એ મારા હાથે જ મરશે.સર હું પોતે જ આ નોકરી છોડી દઈશ,જ્યાં સુધી ચંકીને નહીં મારુ ત્યાં સુધી હું જંપીશ નહીં."

"જુઓ અત્યારે એક મિનિસ્ટર વાત નથી કરતો,તમારો શુભચિંતક બનીને કહું છું..જે પણ કરશો એ તમે વિચારીને કરશો..તમે આ કેસમાં કંઈ પણ કરવા જશો તો કદાચ એવું પણ બનશે કે કાલે પરિમલ ચંકી છે એવું સાબિત કરશે બધાં. આ રાજકારણમાં સગા ભાઈનો પણ વિશ્વાસ નથી મુકાતો,કોણ કયારે કઈ બાજુ થઇ જાય એ કંઈ ન કહેવાય..ભ્રષ્ટ નેતા ફક્ત સતા ઉપર રહેવા માંગે છે.. એમના ઘરમાં આવક થવી જોઈએ બસ.. લોકો ભૂખે મરે કે દેશની નારી કોઠા પર દયનીય હાલતમાં હોય એનાથી એમને કંઈ ફેર નહીં પડે.. એક વખત મગરમચ્છના આંસુ સાચા હોઈ શકે,પણ રાજકારણીનું રડવું એ એકદમ દેખાડો હોય છે.. જે દેશ માટે સાચા ભાવથી પોતાની ફરજ બજાવે છે એની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ જાય છે..ને તમે નોકરી છોડી દેશો તો એક સામાન્ય સ્ત્રી બની જશો. તમે એકલાં શું કરશો?"

"સર સ્ત્રી મામૂલી ન હોય. મને મારી વર્દી સામાન્ય સ્ત્રી જાણીને નથી આપી..
'જે હાથ પારણું ઝૂલાવી શકે છે,
એ હાથ લોહી બંબોળ અર્થી પણ ઉઠાવી શકે છે..
અરે ચોરીની ચૂંદડીને આમ ફગાવીને,
લશ્કરી ગણવેશ પણ ધારણ કરી શકે છે.'

યાદ કરો જ્યારે-જયારે પુરૂષ અસહાય બને છે ત્યારે એક સ્ત્રી જ મદદ માટે આગળ આવી છે.. અરે દેશમાં આવેલા ને પગ પેસારો કરી ગયેલા અંગ્રેજો પણ કહેતા ગયા છે કે"અમે અત્યાર સુધી જેટલા રાજાઓ સાથે યુદ્ધ કર્યા એ બધામાં જો અમારે સૌથી કુશળ, બાહોશ,ને વીર રાજાનું નામ આપવું હોય તો વિનાસંકોચે એ મહારાણી લક્ષ્મી બાઈ છે..મારૂ રાજીનામું મળી જશે આપને.."એણે ફોન મુકી દીધો..પણ એની નજર સામે પડી તો 80 જેટલી સ્ત્રીઓ ઊભી હતી..એમની સાથે પરિમલ,ત્રિવેદી સાહેબ, સૂરજ, રાણા, અને વૃદ્ધાશ્રમના તમામ વૃદ્ધો પણ ઊભા હતા.. સુગંધા નવાઈથી આ દ્રશ્ય જોઈ રહી હતી.."ના તમે એકલા નથી,સત્યની આ લડાઈમાં અમે હર હંમેશ તમારી સાથે છીએ..તમે દેશ માટે અને અમારા માટે પોતાનું બધું અર્પણ કરી શકતા હોય તો અમારા આ અભડાયેલ દેહ ક્યારે કામ આવશે? આમ પણ હવે આ સુંદરતા,કમનીય કાયા અમને ઈશ્વરનો શ્રાપ લાગી રહ્યો છે.. હવે સમય આવી ગયો છે આરપાર લડાઈ કરવાનો,તમે આગળ થાવ અમે તમારી સાથે છીએ એમ હું નહીં કહું, પણ અમે તમારી આગળ છીએ, ફક્ત તમારા એક આદેશની રાહ છે અને ચંકીના સામ્રાજ્યને ઉખાડી ફેંકશું.."ચંદાબાઈ નામની બાઈ બોલી..

"હા..હા. અમે ચંકીના સામ્રાજ્યને ઉખાડી ફેંકશુ."એકી સાથે બોલાયેલ અવાજનો રણકો જાણે કે ધર્મયુદ્ધમાં અર્જુનના ગાંડીવના ટંકાર સમો લાગતો હતો..સુગંધા ધર્મરથ પર રુઢ થયેલ અને સારથી બનેલ શ્રી કૃષ્ણ સમાન દેખાઈ રહી હતી..દિવ્ય તેજની આભાથી એનું શરીર તેજોમય લાગતું હતું..

"ના તમે એમ નોકરી છોડી દેશો તો કદાચ ચંકી હાથમાં આવતા આપણે આપણું ઘણું નુકસાન કરી બેસીયે એવું બનશે.. એનો ઉપાય છે મારી પાસે.. આ ભ્રષ્ટ સરકાર આંધળી અને બહેરી છે,પણ એના આંખ કાન કેમ ખોલવા એ મને આવડે છે.. મારી પાસે એક સરસ આઈડીયા છે.."સૂરજે બધાને પોતાનો ઉપાય જણાવ્યો..બધા એના વિચાર સાથે સંમત થયા.

થોડી જ વારમાં મીડિયા પણ આવી ગયું..આ નાનકડી જગ્યામાં જ્યાં જુઓ ત્યાં રિપોર્ટર જ દેખાતા હતા.. જેટલી ન્યુઝ ચેનલોના માલીકો હતા એ બધાને બ્રેકિંગ ન્યુઝ માટે બોલાવ્યા હતા.. રાણાએ દરેકના મોબાઈલ, કેમેરા બધું ઘડીક માટે ઓફ કરવા જણાવ્યું..એણે પોતાની વાત રજૂ કરી..

"જુઓ જે તાકાત તલવારમાં છે એનાથી કેટલાય ગણી તાકાત કલમમાં છે,તમારી પાસે સમાચાર પત્ર, દ્રશ્યશ્રાવ્ય રૂપે ટીવી,જેવા મહત્વના હથિયાર છે.. તમે લોકો જે ધારો એ બતાવી શકો છો..આ દેશની સરકાર પણ મોટા ભાગે તમારા પ્રતાપે ચાલે છે એમ કહી શકાય..તમે જેવું બતાવો છો એ પ્રજા સાચું માની લેતી હોય છે.. આજે તમારી એ તાકાતને સચ્ચાઇ માટે વાપરવાનો સમય આવી ગયો છે.."રાણાએ ત્યાં રહેલી સ્ત્રીઓને બતાવી અને બધી વાતથી મીડિયાને માહિતગાર કરી.. સાથે જ જો આ કેસમાંથી સુગંધાને હટાવવામાં આવશે તો એના માઠા પરણામો પણ સરકારને ભોગવવા પડશે એ સ્પષ્ટ કહી દીધું..જ્યારે સતાપક્ષે રહેલો રાજા ન સમજે ત્યારે બહારવટા ખેડવા જ પડે છે..ને જો આ બાબતે યોગ્ય ન થયું તો એમા સરકાર પાયમાલ થઈ જશે એ વાત કરી એમણે મિડીયા કર્મીઓને પોતાના વિચારો રજૂ કરવા કહ્યું..

મોટા ભાગના સુગંધાની સાથે હતા..સુગંધાને સપોર્ટ આપવા એ લોકો આજથી જ બલ્કી અત્યારે જ એક કાર્યક્રમ ઘડવા માંગતા હતાં જેનું નામ 'ગો સુગંધા કીલ ચંકી' રાખવામાં આવ્યું..

થોડી જ વારમાં ટીવીમાં સમાચાર જોતા લોકોને એવા જ સમાચાર દેખાતા હતા..
'સુગંધાને કેસમાંથી હટાવવાની સાજીશ.'

'નેતાઓને વહાલી ખુરશી,ભોગ બની સુગંધા."

'આ પ્રમોશન નથી ડિમોશન છે.'

'ભ્રષ્ટ નેતાઓ ગેલમાં, ચંકી નહીં જાય જેલમાં.'

આવી હેડલાઈન્સની સાથે ડિબેટ પણ ચલાવવામાં આવી..અત્યાચારનો ભોગ બનેલી સ્ત્રીઓ મોં પર બુરખા પહેરી ઈન્ટરવ્યું આપવા લાગી..લોકોને એમના વિચારો જણાવવા,સુગંધાને આ કેસમાં જાળવી રાખવા ઓનલાઈન વોટીંગ શરૂ કરવામાં આવ્યું..લોકો હોંશે-હોંશે સુગંધાને વોટ આપવા લાગ્યા.જાહેરમાં ઈન્ટરવ્યુ દેતા લોકો સરકારને ફગાવી દેવાની વાતો પણ કરવા લાગ્યા..

સુગંધા કેસમાં જોડાયેલી રહેશે કે કેમ?

ચંકી વિશે હજુ રહસ્ય ક્યાં સુધી ટકી રહેશે?

ચંકીનું આગળનું પગલું શું હશે?

શું સુગંધા ફરીથી કેસ સંભાળી શકશે?

જાણવા માટે વાંચતા રહેજો મધદરિયે