મધદરિયે - 8 Rajesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

મધદરિયે - 8

આગળના ભાગમાં આપે જોયું કે પરિમલ સુગંધાની બેવફાઈથી એટલો ગમગીન બની ગયો છે કે પોતાના જીવનનો અંત આણવા સુધી વાત આવી ગઈ..એણે કારણ શોધવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતું કેમેય એને સુગંધાનો વ્યવહાર એને સમજાયો જ નહીં..હવે આગળ....

કેમ આ હ્રદય એવું હશે કે એને પ્રેમ થઈ જાય છે?ને પ્રેમ કર્યા બાદ કેટલું તડપવું પડે છે એની જાણ હોવા છતા પ્રેમ કરે છે??? એક પુષ્પા હતી કે જે વ્યવસાય થી જ વેશ્યાવૃત્તિ સાથે જોડાયેલી હતી, એની મજબૂરી હતી.. પરિમલ સાથે લગ્ન કર્યા પછી એણે કોઇની સામે નજર ઉઠાવીને જોયું પણ ન હતું.. એનું શરીર અપવિત્ર હતું, પણ એનો આત્મા ગંગા જેટલો પવિત્ર હતો.. એના પ્રેમમાં ક્યાંય દગો હતો જ નહીં..એણે મારો વિચાર કર્યો પણ કયારેય એણે મારી કોઈ ફરિયાદ નહોતી કરી,જ્યારે સુગંધા?? ફરેબી, મક્કાર, નારીના નામ પર કલંક !!!

પરિમલ એમ વિચારતો ચાલતો જતો હતો પરંતું આજે એના પગલા દારૂના અડ્ડા તરફ જતા હતા.. બધું જ ભુલાવી એ પોતાની જાતને પણ ભુલી જવા માંગતો હતો,પણ એ હોટેલમાં જોયેલું દ્રશ્ય કેમેય કરી ભુલી શકતો ન હતો...

પરિમલે પૈસા ચૂકવી દારૂની બોટલ લીધી પણ એનું અંતરમન હજુ કેમેય કરી દારૂ પીવાની ના પાડી રહ્યું હતું,પણ સુગંધાની બેવફાઈ નજર સામે તરી આવતા એણે દારૂનો ગ્લાસ એક જ જાટકે પૂરો કરી નાખ્યો..

થોડી જ વારમાં દારૂએ પોતાની અસર બતાવી,પરિમલ બોલવા ચાલવાના હોશ પણ ખોઇ બેઠો..પણ હવે પરિમલને કંઇક સારુ લાગી રહ્યું હતું... પરિમલ લથડીયા લેતો લેતો ચાલવા લાગ્યો.. એક-બે વખત પડી પણ ગયો પણ પેટની અંદર પડેલો શેતાન કેમેય કરી એને જંપવા દેતો નથી...અતિશય માત્રામાં દારૂ પીવાને લીધે એને કોઈ જ હોશ રહ્યા ન હતા..પાછળથી હોર્નના અવાજો એને ક્યાં સંભળાતા હતા?? એ તો જગતથી એકદમ નિર્લિપ્ત હતો... એ ક્યારે લથડીયા ખાતો પુલ પર ચડી ગયો એની એને ખબર જ ન હતી.. જે લોકો પસાર થતા હતા એ સૌ એને જોઈને હસતા હતા..

પુલની ધાર પર ચડેલો પરિમલ હવે બહુ લાંબો વિચાર કરવા માંગતો ન હતો.. એ નશાને લીધે બધું જ ભુલી ચૂક્યો હતો... એના ખિસ્સામાં રહેલો મોબાઈલ રણક્યો.. એણે ફોન જોયો તો સુગંધાનો ફોન હતો..

આટલો બધો નશો કર્યો હતો તે ઊતરી ગયો.. અત્યારે સુગંધા સામે હોત તો એ જીવતી ન મૂકે એટલો ક્રોધ અને ખુન્નસ ઊભરાયું...એણે પોતાના દાંત જોરથી ભીંસ્યા.. એ મોબાઈલનો ઘા કરવા જતો હતો પણ એ સુગંધાના મોઢેથી સાંભળવા માંગતો હતો કે સુગંધા એની સામે સાચું બોલે છે કે ખોટુ?? એટલે એણે ફોન ઉપાડ્યો...

"હેલ્લો!!! ડિયર પરિમલ ક્યાં છો તમે?? જમી લીધું??? આજે હું મારી ફ્રેન્ડસ્ સાથે છું, મારે ઘેર આવતા મોડું થશે.. પ્લીઝ તમે આજનો દિવસ બહારથી જમવાનું મંગાવી લેશો??? "

પરિમલ:"કોણ ફ્રેન્ડસ છે??"
સુગંધા:"માલતી છે,,મારી સાથે કોલેજ કરતી હતી.. તમે એને ન ઓળખો..ઓકે બાય રાત્રે મળીશું.."

ફોન કટ થયો પણ પરિમલને હૈયે હથોડો પડ્યો.. એણે જરાય વિચાર કર્યા વગર પુલ પરથી પડતું મુક્યું!!! એક પુરૂષ કે સ્ત્રી બધું સહન કરી શકે પણ જો એનો જીવનસાથી જાતીય બાબતમાં એને દગો આપે તો જીવવું અઘરૂં થઇ જાય છે..

પરિમલ ઉપરથી નીચે પટકાયો પણ એ નશામાં એટલો ચકચૂર હતો કે એને વાગ્યું છે એવો અહેવાલ એને ન થયો.. જાણે એના આત્માને કોઈ ઉપાડી રહ્યું હતું..પરિમલ હોંશથી એ બળવાન હાથોની દોરવણીથી ખેંચાય છે.. એ આંખો ખોલીને યમના દૂતને નિહાળવા મથે છે, પણ એ પોતાની આંખો ખોલી શકવા સમર્થ નથી રહ્યો..જાણે કે યમના દૂતોએ એને કોઈ વાહનમાં મૂક્યો એવો એને ભાસ થયો..સઘળા દુઃખો, પ્રેમમાં મેળવેલી વેદના જાણે કે વિસરાઈ ગઈ,પણ અવનીનો ખ્યાલ હવે આવ્યો..અરે મારા ગયા પછી અવનીનું કોણ??? એને હવે સુગંધા ઉછેરશે?? ઓહ!! હે ભગવાન મેં મારો જ વિચાર કર્યો?? અવનીને એકલી મુકીને હું મર્યો તો ખરો પણ હવે હું ઉપર પુષ્પાને શું જવાબ આપીશ?? શું પુષ્પા મને માફ કરશે?? પુષ્પાને નવો અવતાર મળ્યો હશે?? શું આપઘાત કરનાર ને પ્રેતયોનિમાં તો નહીં રાખતા હોયને???

અસંખ્ય વિચારોએ એનું માથું ચકરાવે ચડ્યું હતું..

ખરેખર તો એ યમના દૂત નહોતા,પણ અજાણ્યા મદદગાર હતા.. એમણે ઉપરથી પડેલા પરિમલને દવાખાને ખસેડ્યો હતો.. એના શરીરમાંથી ખુબજ લોહી વહી રહ્યું હતું...પરિમલના ખિસ્સામાં જે મોબાઈલ હતો એના ઉપરથી સુગંધા અને એના પિતાને ફોન કરી દેવાયો હતો..

થોડીવારમાં બન્ને ત્યાં પહોંચી જાય છે.. પરિમલને બહુ વાગ્યું તો ન હતું,પરંતુ માથાના ભાગમાં ઈજા પહોંચી હતી અને હાથમાં ફ્રેકચર થયું હતું..

થોડીવારમાં પરિમલ હોશમાં આવ્યો અને બધાને પોતાની નજર સમક્ષ જોયા એટલે એને ખ્યાલ આવી ગયો કે એ બેહોશ થયો હતો, મર્યો ન હતો..એણે અવનીને અને એના પિતાને જોઇને હાશ અનુભવી પરંતુ સુગંધાને જોતા જ એણે મોં ફેરવી લીધું..

એના પિતાએ પરિમલને માથે હાથ ફેરવતા કહ્યું"મને તારા પર વિશ્વાસ છે કે તુ ક્યારેય દારૂ પીતો નથી,પણ કંઈક તો એવું છે જેનાથી અમે અજાણ છીએ..તુ જો અવની અને પુષ્પા કેટલું રડ્યા છે!!! તારે એમની સામે તો જોવુજ પડે... તારે માથે ગમે તે બોજો હોય તો તુ કહી દે..."

પરિમલ કશું બોલી શક્યો નહીં..

એના પિતાએ કહ્યું "મારા આપેલા સંસ્કાર એટલા કમજોર નથી કે તારે દારૂ પીવો પડે, કે આપઘાત કરવા જવું પડે.. તારે તારી લડાઈ લડવી પડશે.. જ્યારે દુઃખી હો ત્યારે કે ક્રોધ આવે ત્યારે વિચારીને પગલું ભરવું જોઈએ..આવેશમાં આવીને ઉતાવળથી કોઈ નિર્ણય ન લેવાય.. "

પરિમલે મનોમન નક્કી કરી લીધું કે પોતે હવે સુગંધાને એના માબાપ સામે ઉઘાડી કરશે,ત્યાં સુધી સુગંધાને અણસાર નથી આવવા દેવો..

એણે અત્યારે બહાનું બનાવ્યું.."પપ્પા મને કોઈએ કંઈક પીવડાવી દીધું હતું..પછી મને કોઈ હોશ રહ્યા જ નહીં..મને કોઈ દુઃખ નથી..હું બધી રીતે સુખી છું..તમારા જેવા પ્રેમાળ પિતા, અવની જેવી ડાહી દીકરી અને જીવથી પણ વધુ સાચવે એવી પત્ની મળી છે...પણ આ ઘટના હું ગાફેલ રહ્યો તેથી બની છે..

એના પિતાની અનુભવી આંખો બધું પામી ગઈ હતી..એમને એટલી તો ખબર પડી જ ગઈ હતી કે બન્ને વચ્ચે કંઈક તો ચાલી રહ્યું છે, પણ સમય આવતા બધું ઠીક થઈ જાય તો સારુ નહિતર?????

એ રજા લઈને વૃદ્ધાશ્રમમાં ગયા.. પરિમલને પણ ત્રણ દિવસ પછી રજા આપી દીધી હતી...

હવે પરિમલ આગળ શું કરશે??

સુગંધાને એ ખુલ્લી પાડી શકશે???

સુગંધા જાણી ગઈ હશે તો એ શું કરશે???

કે પછી આપણે જે વિચાર્યું ન હોય એવું બનશે???

જાણવા માટે વાંચતા રહેજો