અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૨૦
અરવિંદભાઈ કલ્પેશભાઈને મળવાં અમદાવાદ આવ્યાં હતાં. અરવિંદભાઈને એમ હતું કે, તેમની આ રમત વિશે કોઈને કાંઈ ખબર નથી. પણ આરાધ્યા પહેલેથી બધું જાણતી હતી. આરાધ્યા પણ અમદાવાદ જ હતી. જે વાતથી અરવિંદભાઈ બેખબર હતાં.
અરવિંદભાઈ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં કલ્પેશભાઈને મળીને બહાર નીકળ્યાં. ત્યારે આરાધ્યા નવરંગપુરા પોસ્ટ ઓફિસમાં કોઈ કામથી આવી હતી. તો તેણે કલ્પેશભાઈને પોલીસ સ્ટેશનની બહાર નીકળતાં જોઈ લીધાં.
અરવિંદભાઈનાં ગયાં પછી આરાધ્યા તરત જ પોલીસ સ્ટેશનની અંદર ગઈ. તેણે ઈન્સ્પેકટર પાસે કલ્પેશભાઈને મળવાની પરવાનગી માંગી.
"સર, મારે કલ્પેશભાઈને મળવું છે."
"કોણ કલ્પેશ?"
"કલ્પેશ મલ્હોત્રા, કિશનભાઈનાં એક્સિડન્ટ કેશવાળા."
"ઓહ, તમારે તેમને શાં માટે મળવું છે?"
"મારું તેમને મળવું જરૂરી છે."
"પણ શાં માટે? કોઈ યોગ્ય કારણ જણાવો. તેમની સાથે તમારો શું સંબંધ છે? એ જણાવો તોજ મળવાં દેવામાં આવશે."
જે ઈન્સ્પેકટરે કલ્પેશભાઈને પકડ્યાં હતાં, એ ઈન્સ્પેકટર હાલ ત્યાં હાજર નહોતાં. આથી આ ઈન્સ્પેકટરે આરાધ્યાને મળવાની નાં પાડી દીધી.
આરાધ્યા પાસે કોઈ ખાસ કહી શકાય એવું કારણ નહોતું. જે કારણથી એ કલ્પેશભાઈને મળવાં માંગતી હતી. એ કારણ તેનાં માટે કાફી નહોતું કે, ઇન્સ્પેક્ટર તેને કલ્પેશભાઈને મળવાં દે. આરાધ્યાનો કલ્પેશભાઈ સાથે એવો કોઈ ઘનિષ્ઠ સંબંધ પણ નહોતો કે, જેનાં લીધે એ કલ્પેશભાઈને મળી શકે. આરાધ્યા હવે શું કરવું? એ બાબતે વિચારતી હતી. ત્યાં જ કોઈ બોલ્યું.
"મારે કલ્પેશભાઈને મળવું છે. હું ચેતન છું, ચેતન મલ્હોત્રા, કલ્પેશ મલ્હોત્રાનો છોકરો."
"તમારે મળવું છે કે, આ મેડમને? આ મેડમ તમને શું થાય?"
"મારે મળવું છે. આ મેડમ મારાં અંકલની ઓફિસમાં કામ કરે છે."
"તો તમે મળી શકો છો. પણ આ મેડમ તેમને નહીં મળી શકે."
ચેતને આંખનાં ઈશારે જ આરાધ્યાને સમજાવી દીધી કે, પોતે અહીં તેનું કામ કરવાં જ આવ્યો છે. આરાધ્યા ચેતનનો ઈશારો સમજી ગઈ. ચેતન તેનાં પપ્પાને મળવાં ગયો. ચેતનને ત્યાં જોઈને કલ્પેશભાઈ ખુશ થઈ ગયાં.
"પપ્પા અરવિંદઅંકલ અહીં શાં માટે આવ્યાં હતાં?"
"તને કેટલાં સમય પછી જોયો છે. એકવાર ગળે તો મળ. તું ઠીક તો છે ને? એતો જણાવ."
"પપ્પા વાતને ઘુમાવવાની કોશિશ નાં કરો. અરવિંદઅંકલ શાં માટે આવ્યાં હતાં?"
"જ્યારે તારાં મમ્મીનું અવસાન થયું, ત્યારે તું બહુ નાનો હતો. તને તો એ પણ નથી ખબર કે, અરવિંદભાઈ તારાં મામા થાય છે. મારી પત્ની અરવિંદભાઈની બહેન હતી.
"અરવિંદભાઈને એમ છે કે, સરિતાએ મને બ્લેકમેઇલ કરીને લગ્ન કર્યા, એટલે મેં તેને મારી નાંખી હતી. પણ હકીકત તો એ છે કે, તેને તેનાં કર્મોની સજા મળી હતી. તેણે મને મારી દિકરી અને પત્નીથી અલગ કર્યો. તેનાં લીધે તેને ભગવાને એક ગંભીર બિમારીનો ભોગ બનાવી. જેથી તેનું અવસાન થઈ ગયું."
"તો તમે અરવિંદઅંકલને જણાવતાં કેમ નથી? કે તમે મમ્મીને નહોતાં માર્યાં."
"મેં બહુ કોશિશ કરી, પણ એ સમજવા તૈયાર જ નથી. મને થયું એ બધું ભૂલી ગયાં છે. પણ તેણે ખરાં સમયે એ વાતનો બદલો લીધો. મારાં હાથે કિશનનું એક્સિડન્ટ કરાવી મને જેલ ભેગો કરી દીધો.
"તેમણે મને કહ્યું હતું કે, તે મને છોડાવશે. પછી જ્યારે એ મને છોડાવવા નાં આવ્યાં. ત્યારે મને સમજાયું કે, એમણે મારી સાથે રમત રમી હતી. આજે એ મને એ જ વાત જણાવવા અહીં આવ્યાં હતાં."
"હું તમને વચન આપું છું કે, હું તમને અહીંથી જરૂર છોડાવીશ."
ચેતન એટલું જ કહીને ગુસ્સામાં જ પોલીસ સ્ટેશનની બહાર નીકળી ગયો. આરાધ્યા બહાર જ તેની રાહ જોઈને બેઠી હતી. ચેતન બહાર આવ્યો, એટલે ચેતને આરાધ્યાને બધી હકીકત કહી. આરાધ્યાએ પણ ચેતનનો સાથ આપવાનું વચન આપ્યું.
ચેતન આરાધ્યા સાથે વાત કરી ત્યાંથી ફરી સુરત જવા નીકળી ગયો. આરાધ્યા ત્યાંથી જે હોટેલમાં પોતે રોકાણી હતી ત્યાં ગઈ.
"અરે માસી તમે આવી ગયાં? તમારું કામ થઈ ગયું? હવે આપણે સુરત ક્યારે જશું? મારે સુજાતાને મળવું છે."
"આપણે જલ્દી જ સુરત જશું. તારે ત્યાં મારું એક મહત્વનું કામ પણ કરવાનું છે."
"શું કામ કરવાનું છે?"
"તારે રાજુ ઉપર નજર રાખવાની છે. તેને કાંઈ પણ કરીને જેટલો બની શકે એટલો સુજાતાથી દૂર રાખવાનો છે."
"પણ એવું શાં માટે? એ બંને તો બહુ સારાં મિત્રો છે."
"હાં, પણ એ સુજાતાને પ્રેમ કરે છે, તો એ પોતાનાં દિલની વાત સુજાતાને ક્યારેય નાં કહી શકે. એ ધ્યાન તારે રાખવાનું છે."
"એતો સારી વાત કહેવાય. એ બંને મિત્રો છે. એકબીજાને સમજે છે, તો રાજુ સુજાતાને પ્રેમ કરે એમાં શું વાંધો છે?"
"કારણ કે, આદિત્ય અને સુજાતા એકબીજાને પ્રેમ કરે છે, એટલે રાજુ સુજાતાને પ્રેમ કરે છે, એવું પોતે સુજાતાને જણાવી નાં શકે, એ માટે તેને આપણે રોકવાનો છે."
"માસી તમે શું કહો છો? મને તો કાંઈ સમજાતું નથી."
"મેં તારાથી એક વાત છુપાવી છે. તારાં પપ્પાએ કિશનભાઈને માર્યા છે. એ વાત સાચી છે. પણ કિશનભાઈ સુધરી ગયાં હતાં, ને તેઓ સુજાતાના પપ્પાને છોડાવવા જતાં હતાં. એ વાત ખોટી છે.
"તેઓ સુજાતાના પપ્પાને મારવાં જતાં હતાં, એટલે તારાં પપ્પાએ અરવિંદભાઈના કહેવાથી કિશનભાઈનું એક્સિડન્ટ કરાવ્યું હતું.
"તારાં પપ્પાની બીજી પત્ની અરવિંદભાઈની બહેન હતી. અરવિંદભાઈને એમ છે કે, તારાં પપ્પાએ તેમની બહેનને મારી નાંખી છે, એટલે તેમણે તારાં પપ્પાને કિશનભાઈના એક્સિડન્ટના આરોપમાં જેલની સજા અપાવી.
"અરવિંદભાઈએ કલ્પેશભાઈને કહ્યું હતું કે, તેઓ કિશનભાઈને મારી નાંખે. પછી તેઓ આદિત્ય સામે ખોટું કહે કે, તેમણે પ્રોપર્ટીની લાલચમાં તેમને માર્યા છે. પછી અરવિંદભાઈ તેમને છોડાવી લેશે. પણ અરવિંદભાઈએ કલ્પેશભાઈ સાથે બદલો લીધો. તેમણે કલ્પેશભાઈને છોડાવ્યા જ નહીં, ને પોતાનું કામ તેમની પાસે કરાવી લીધું."
"પણ આ બધી તમને કેવી રીતે ખબર પડી?"
"હું કલ્પેશભાઈને પોલીસ પકડી ગઈ. તેનાં બીજાં દિવસે કલ્પેશભાઈને મળવાં ગઈ. ત્યારે તેમણે રાજુ સુજાતાને પ્રેમ કરે છે, એ કહ્યું, ને ત્યારે જ સુજાતા અને આદિત્ય એકબીજાને પ્રેમ કરે છે, એ પણ કહ્યું.
"અરવિંદભાઈએ એક કાંકરે બે પક્ષી માર્યા છે. કલ્પેશભાઈ પાસે કિશનભાઈને મારીને, સુજાતાને આશાબેનની નજરમાં ખરાબ સાબિત કરીને, રાજુ સાથે સુજાતાના લગ્ન કરાવવા, ને કલ્પેશભાઈને પોતાની બહેનનાં મોતની સજા અપાવવી.
"અડધી વાત હું તેમને મળી ત્યારે મને ખબર પડી, ને અરવિંદભાઈની બહેન સાથે તારાં પપ્પાના લગ્ન થયાં હતાં. એ વાત આજે ફરી અરવિંદભાઈ કલ્પેશને મળવાં આવ્યાં, એ વાતની મને ખબર પડી, તો હું તેમને મળવાં ગઈ હતી. પણ આજ હું કલ્પેશને મળી નાં શકી.
"બરાબર ત્યારે જ ચેતન આવ્યો, ને તે કલ્પેશભાઈને મળ્યો, ને કલ્પેશભાઈએ અરવિંદભાઈની બીજી હકીકત જણાવી. ત્યારે ચેતન દ્વારા મને આ બદલાવાળી વાત ખબર પડી."
"તો શું આશાઆંટી સુજાતાને અંકલના મોતની જવાબદાર માને છે?"
"નહીં, એટલે જ તારે રાજુને સુજાતાથી દૂર રાખવાનો છે. જો અરવિંદભાઈ સુજાતા અને આદિત્યને અલગ કરવામાં સફળ રહ્યાં, તો તેમની જીત થાશે."
"નહીં, હું તેમને જીતવા નહીં દવ. હું સુજાતા અને આદિત્યને અલગ થવા નહીં દવ."
"હજું આપણે તારાં પપ્પાને પણ છોડાવવાના છે. જેમાં આપણે ચેતનનો સાથ આપવાનો છે. હું અને ચેતન તારાં પપ્પાને છોડાવશુ. તું રાજુ અને સુજાતાને દૂર રાખજે."
"પણ આપણે રાજુને બધું જણાવીને પણ આ કામ આસાનીથી કરી શકીએ."
"નહીં, રાજુ તેનાં પપ્પાને આટલાં વર્ષો પછી મળ્યો છે, ને આમ પણ અરવિંદભાઈએ બધાંની નજરમાં એવું બતાવ્યું છે કે, તેમણે માધવભાઈને છોડાવવામાં બધાંની મદદ કરી છે. તો રાજુ તેનાં પપ્પા ગુનેગાર છે. એવું ક્યારેય નહીં સ્વીકારે.
"ઉલટાનું તેની સુજાતા અને આદિત્ય સાથેની મિત્રતા તૂટી જાશે, ને બધું વેરવિખેર થઈ જાશે."
"ઓકે, માસી તો હું તમે કહ્યું, એમ જ કરીશ. રાજુને સુજાતાથી દૂર રાખીશ."
*****
રાજુ, આદિત્ય અને સુજાતા કેન્ટીનમાં બેસીને વાતો કરી રહ્યાં હતાં. રાજુ અને આદિત્ય સુજાતાની વાતો સાંભળી હસી રહ્યાં હતાં.
"આ સુજાતાની વાતો હમણાં વધી ગઈ છે. મારે કંઈક કરવું જોશે."
"કેમ આદિ? વાતો કરવી એતો સારી વાત કહેવાય. વાત કરવાથી મન હળવું થાય. તો આવું કેમ કહે છે?"
"યાર રાજુ, સુજાતાની વાતો સાંભળીને જ પેટ ભરાય જાય છે. પછી જમવાનું ચાલતું નથી."
આદિત્ય સુજાતા સામે આંખ મારીને, રાજુ સામે જોઈને હસવા લાગ્યો. આદિત્યને જોઈને સુજાતા અને રાજુ પણ હસવા લાગ્યાં. રાજુને કોઈકનો ફોન આવ્યો. રાજુ વાત કરવા કેન્ટીનની બહાર ચાલ્યો ગયો.
રાજુ જેવો બહાર ગયો, એવી જ સુજાતા ઉઠીને આદિત્યની પાસેની ખુરશીમાં બેઠી. આદિત્યના ખભે હાથ રાખ્યો, ને તેની આંખોમાં આંખો નાંખીને જોવાં લાગી.
"હવે બોલ, શું કરવું હતું તારે મારું?"
"અરે કાંઈ નહીં, હું તો મજાક કરતો હતો."
"નાં.. નાં.. બોલને શું કરવું હતું?"
સુજાતા વધુ ને વધુ આદિત્યની નજીક જવા લાગી. કેન્ટીનમાં બધાં તેમની સામે જોતાં હોવાથી, આદિત્ય થોડો શરમાયો. ત્યાં જ રાજુ આવવાથી, સુજાતા આદિત્યથી દૂર થઈ ગઈ.
"તો ચાલો હવે આગળનો લેક્ચર ભરવાં જઈએ?"
"હાં ચાલો."
ત્રણેય ઉઠીને પોતપોતાનાં ક્લાસરૂમ તરફ ચાલવા લાગ્યાં. આદિત્યએ જતાં જતાં રાજુની જાણ બહાર સુજાતાના ગાલે કિસ કરી લીધી. સુજાતા શરમાઈને પોતાનાં કલાસ તરફ જતી રહી.
(ક્રમશઃ)