અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 8 Sujal B. Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન - 8

અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૮



કિશનભાઈ પોતાની ગાડી લઈને આરુની ઘરે જતાં હતાં. જે વાતની આદિત્યને જાણ થતાં આદિત્ય રાજુ સાથે તેનો પીછો કરી રહ્યો હતો.

"યાર આદિ, તું કાર જલ્દી ચલાવ." રાજુએ ઉતાવળા અવાજે કહ્યું.

"હવે કાંઈ હું તેની આગળ તો નાં થઈ શકું ને! તે આપણને જોઈ નાં જાય, એટલાં માટે આટલું અંતર તો રાખવું જ પડે." આદિત્યએ રાજુને સમજાવતાં કહ્યું.

બરાબર એક કલાકનાં સમય પછી કિશનભાઈએ એક નાનાં એવાં ઘર સામે ગાડી રોકી. કિશનભાઈના ગાડી રોકતાની સાથે જ આદિત્યએ પણ તેમની ગાડીથી થોડે દૂર ગાડી ઉભી રાખી. કિશનભાઈ ગાડીમાંથી ઉતરી, રૂપિયાની બેગ લઈને, ઘરની અંદર જતાં જ હતાં. ત્યાં જ તેમને કોઈનો ફોન આવ્યો. ફોનમાં વાત કરી, કિશનભાઈ રૂપિયાની બેગ કારની પાછળની સીટમાં મૂકી, કાર પૂરપાટ વેગે દોડાવી ત્યાંથી જતાં રહ્યાં.

આદિત્ય અને રાજુ દૂર કારમાં બેસી. આ બધું દ્રશ્ય જોઈ રહ્યાં હતાં. કિશનભાઈ ઘરની અંદર જવાની જગ્યાએ કાર લઈને ફરી જતાં રહ્યાં. એ જોઈ રાજુએ આદિત્યને પૂછ્યું, "અરે, આ તારાં પપ્પા આટલી ઝડપથી ક્યાં ગયાં?"

"એ તને પછી સમજાશે. હાલ તો આપણે હવે એ ઘરની અંદર જવાનું છે. એ સ્ત્રી પાસેથી બધી હકીકત જાણવાની છે." આદિત્યએ એક વિજયી સ્મિત રેલાવતાં કહ્યું.

*****

કિશનભાઈએ પોતાનાં ઘરે પહોંચી ગાડીને બ્રેક લગાવી. દરવાજો ખોલી કિશનભાઈ દોડીને અંદર ગયાં. અંદર જઈને જોયું. તો કમલાબેન બેડ પર બેભાન અવસ્થામાં પડેલી આસ્થા પાસે બેઠાં હતાં. જે જોઈને કિશનભાઈએ તરત પૂછ્યું, "શું થયું આસ્થાને?"

"તેને હમણાં હોસ્ટેલમાં થોડાં દિવસની રજા પડી. તો એ ઘરે આવતી હતી. તેને આપણને સરપ્રાઈઝ આપવી હતી. તો આપણને જાણ નાં કરી. ઘરે પહોંચીને તે ઉપર મારાં રૂમમાં આવતી હતી. તો સીડીએથી પગ લપસ્યો અને પડી ગઈ. તો માથામાં થોડું લાગ્યું છે. ડોક્ટરે તપાસીને દવા અને ઇંજેક્શન આપી દીધું છે." આશાબેને બધી વાત વિગતવાર જણાવતાં કહ્યું.

આસ્થા આદિત્યની નાની બહેન હતી. જે અમદાવાદ હોસ્ટેલમાં દશમાં ધોરણમાં અભ્યાસ કરતી હતી. આસ્થા કિશનભાઈની લાડલી હતી. તેને જરાં એવી તકલીફ થાય, તો કિશનભાઈ ગાંડા થઈ જતાં. જે વાતનો ફાયદો આદિત્યએ ઉઠાવ્યો હતો.

*****

કાફેમાંથી આવી કિશનભાઈ ઘરે નહોતાં. આદિત્ય તેનાં મમ્મીનાં રૂમમાં ગયો. ત્યાં જઈને આદિત્યએ કહ્યું, "મમ્મી,તારે અને આસ્થાએ મારું એક કામ કરવાનું છે. આ કામ કરવું ખૂબ જ જરૂરી છે."

"તારે શું કામ કરાવવું છે. એતો મને નથી ખબર. પણ એટલી જરૂર ખબર છે કે, તું આરાધ્યા (આરુ) સુધી પહોંચવા માંગે છે." આશાબેન પહેલેથી બધું જાણતાં હોય એ રીતે કહ્યું.

"તને કેમ ખબર મમ્મી?" આદિત્યએ તેનાં મમ્મી તરફ જોઈ, ચોંકીને પૂછ્યું.

"મને બધી ખબર છે. અનુરાધાબેનને મારવાથી લઈને, માધવ બની કલ્પેશભાઈ પાસે રૂપિયા માંગવા સુધીનું. એ દરમિયાન આરાધ્યા સાથેનાં તારાં પપ્પાનાં સંબંધ, બધી જ મને ખબર છે. પણ આ મારાં એકનાં હાથની વાત નહોતી. તારાં પપ્પા પર ઓફિસનાં બધાં સભ્યો અને કલ્પેશભાઈ સાથે કમલાભાભીનો અતૂટ વિશ્વાસ મને એ બધાં લોકોને આ હકીકત કહેતાં રોકતો હતો." આશાબેને હતાશ થઈને કહ્યું.

"હવે હું તારી સાથે છું. હવે હું બધું સરખું કરી દઈશ." આદિત્યએ તેનાં મમ્મીને વિશ્વાસ અપાવતાં કહ્યું.

"હાં, મને ખબર છે, બેટા. તું બધું સરખું કરી દેશે. પણ મારે શું કરવાનું છે? એતો જણાવ." આશાબેને પૂછ્યું.

"મેં આસ્થાને ફોન કરીને અહીં બોલાવી લીધી છે. પણ તેને હકીકત કહી નથી. તેનો દશમાં ધોરણનો અભ્યાસ ચાલું છે. તો હું તેને પરેશાન કરવા માંગતો નથી. હવે એ અહીં આવે એટલે તમારે કાંઈ પણ કરીને તેને થોડી ઈજા પહોંચાડવાની છે. પછી હું મેસેજ કરું, ત્યારે તમારે પપ્પાને ફોન કરી ઘરે બોલાવી લેવાનાં." આદિત્યએ આખો પ્લાન સમજાવતાં કહ્યું.

"પણ બેટા, આસ્થાને ઈજા પહોંચાડવી જરૂરી છે?" આશાબેને થોડાં ખચકાટ સાથે કહ્યું.

"હાં મમ્મી, આમાં કેટલાંય લોકોની જીંદગી જોડાયેલી છે. જો આસ્થાની થોડી તકલીફથી બધાંનું જીવન બચતું હોય. તો એમાં કાંઈ વાંધો નથી. કેમકે, આસ્થાને તકલીફ થશે, ત્યારે જ પપ્પા તારાં બોલાવવાથી ઘરે આવશે." આદિત્યએ તેનાં મમ્મીને સમજાવતાં કહ્યું.

"ઓકે, બેટા.જેમ તું કહે એમ. પણ તું તારું અને રાજુનું ધ્યાન રાખજે." આશાબેને એક માતા સહજ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું.

"હાં, મમ્મી. હવે કાંઈ પણ ખરાબ નહીં થાય. નાં તો મારી સાથે કે, નાં તો કોઈ બીજાં સાથે." આદિત્યએ તેનાં મમ્મીને વિશ્વાસ અપાવતાં કહ્યું.

*****

રાજુ અને આદિત્ય કારમાંથી ઉતરી, આરુનાં ઘર તરફ આગળ વધ્યાં. દરવાજા આગળ આવી રાજુએ દરવાજો ખખડાવવા દરવાજા પર હાથ મુક્યો. દરવાજો ખુલ્લો હોવાથી, હાથ મુકતાંની સાથે જ ખુલી ગયો. ઘરની અંદર જોતાં જ આદિત્ય અને રાજુ બંને ચોંકી ગયાં.

બહારથી ઝૂંપડી જેવું દેખાતું ઘર અંદરથી આલિશાન બંગલા જેવું હતું. ઘરમાં લાકડાંની અદભૂત કોતરણીવાળા સોફા, મોટું ટીવી, એંસી અને ડબલ ડોરનું ફ્રિઝ બધું જ હતું. કિચન પણ કોઈ મોટાં ઘરની જેમ તમામ સુવિધાઓથી સજ્જ હતું. રાજુ અને આદિત્ય આખાં ઘરને નિહાળી રહ્યાં હતાં. ત્યાં જ એક રૂમમાંથી એક સ્ત્રી આવી, ને તેણે ત્યાં આદિત્ય અને રાજુને આવેલાં જોઈને પૂછ્યું, "તમે લોકો કોણ છો? તમારે કોનું કામ છે?"

અચાનક એ સ્ત્રીનાં અવાજથી રાજુ અને આદિત્ય થોડાં ગભરાયા. પાછળ ફરીને જોયું, તો તેની સામે એક અદ્ભુત સૌંદર્યથી સજ્જ એવી પાંત્રીસેક વર્ષની સ્ત્રી ઉભી હતી. એકદમ પાતળી કાયા, માખણ જેવી મુલાયમ ત્વચા, દૂધ જેવો રૂપાળો વાન, મોટી નશીલી આંખો, ગુલાબી પાતળાં હોઠ, જાણે કોઈ રૂપરૂપનો અંબાર જ જોઈ લો. આટલી ઉંમરે પણ એ સ્ત્રીએ પોતાનાં શરીરને તેની ઉંમર કરતાં વધું જવાન દેખાડવા માટે પૂરી મહેનત કરી હોય, એવું લાગતું હતું.

આદિત્ય અને રાજુ તો તેને જોઈને, થોડીવાર માટે એ શું કામ કરવાં અહીં આવ્યાં હતાં, એ ભૂલી જ ગયાં. ત્યાં જ ફરી એ સ્ત્રી તેનાં મધુર અવાજમાં બોલી, "તમે લોકો કોણ છો?"

આ વખતે તેનો અવાજ કંઈક વધારે જ મનમોહક લાગ્યો. તેનો અવાજ સાંભળીને રાજુએ કહ્યું, "આવી સ્ત્રી સામે તો, કોઈપણ પુરુષ પોતાનું સંપૂર્ણ અસ્તિત્વ અને તમામ સંપતિ ન્યોછાવર કરવાં તૈયાર થઈ જાય. તો અંકલ આ સ્ત્રીની રૂપજાળમાં ફસાયા વગર કેમ કરી રહી શકે!"

રાજુની વાત સાંભળીને આદિત્યએ કહ્યું, "હવે તારી બકવાસ વાતો બંધ થઈ હોય. તો આપણે જે કરવા આવ્યાં છીએ, એ કરીએ?"

આદિત્યની વાત સાંભળી રાજુએ તે સ્ત્રી પરથી નજર હટાવી, આંખના ઈશારે આદિત્યને મંજૂરી આપી.

રાજુનો ઈશારો સમજી આદિત્યએ તે સ્ત્રીને પૂછ્યું, "તમે જ આરાધ્યા છો?"

આદિત્યનાં મોઢે પોતાનું નામ સાંભળી આરાધ્યાએ કહ્યું, "હાં હું જ આરાધ્યા છું. શું કામ હતું? બોલો."

એ સ્ત્રી જ આરાધ્યા છે. એવું જાણવા મળતાં આદિત્યએ કહ્યું, "અમારે તમારી એક મદદની જરૂર છે. જો તમે અમારી મદદ કરવાં તૈયાર હોય, તો હું તમારે શું કરવાનું છે, એ જણાવું."

કોઈ અજાણ્યો વ્યક્તિ આમ આરાધ્યાની મદદ માંગવા આવે. એ વાત આરાધ્યાની સમજમાં નથી આવતી. તેમ છતાંય વાત શું છે, એ જાણવા માટે તેણે કહ્યું, "હું તો તમને ઓળખતી પણ નથી, તો હું કેવી રીતે તમારી મદદ કરી શકું?"

"તમે કિશનભાઈ અગ્નિહોત્રીને તો ઓળખો છો ને?" આદિત્યએ કહ્યું.

"કિશનભાઈનું નામ આદિત્યનાં મોંઢે સાંભળી આરાધ્યા ચોંકીને, વારાફરતી આદિત્ય અને રાજુ સામે જોવાં લાગી.

"આવી રીતે ચોંકવાની જરૂર નથી. હું કિશનભાઈનો છોકરો આદિત્ય છું. તમને સારી રીતે ઓળખું છું. મને એ પણ ખબર છે, કે તમે પણ બધું જાણો છો. તો હવે તમારી પાસે મારી મદદ કરવાં સિવાય કોઈ રસ્તો નથી." આદિત્યએ પોતે બધું જાણે છે, તેની ચોખવટ કરતાં કહ્યું.

હજું આરાધ્યા કાંઈ બોલે એ પહેલાં જ તેનાં ફોનની રીંગ વાગી, આરાધ્યાએ ફોન ઉપાડ્યો.

આદિત્યને થયું કે, તેનાં પપ્પાએ જ આરાધ્યાને ફોન કર્યો હશે. આખરે તેમનો પ્લાન નિષ્ફળ ગયો હતો. જે અંગે આરાધ્યાને જાણ કરવી જરૂરી હતી. આથી આદિત્યએ આરાધ્યાનાં હાથમાંથી ફોન લઈ લીધો. પોતે કાંઈ પણ બોલ્યાં વગર પોતાનાં કાને ફોન રાખી દીધો.

સામે છેડેથી કોઈ વૃદ્ધ વ્યક્તિનો અવાજ સંભળાયો, "બેટા, મેં માધવ સુધી પહોંચવાનો ઘણો પ્રયત્ન કર્યો. પણ તેની સાથે જે થયું, એ પછી તેને શોધવો મુશ્કેલ બની ગયું છે. હવે મારી ઉંમર પણ એટલી નથી કે હું રોજ દોડધામ કરી શકું."

એ વૃદ્ધ વ્યક્તિની વાત સાંભળી, આદિત્યએ ફોન આરાધ્યાને આપી દીધો. આરાધ્યાએ ફોન લઈને એ વ્યક્તિને કહ્યું, "તમે ચિંતા નાં કરો. તમે બસ આરામ કરો. બીજું હું સંભાળી લઈશ." આટલું કહી આરાધ્યાએ ફોન કાપી નાંખ્યો.

ફોન કાપી આરાધ્યાએ કહ્યું, "ફોન પર વાત કરી રહેલાં વ્યક્તિ કોણ હતાં? હું માધવને શાં માટે શોધું છું? એ નહીં પૂછે તું?"

આરાધ્યાનો ગંભીર અવાજ સાંભળી આદિત્ય કે રાજુના મોંઢામાંથી એક પણ શબ્દ નાં નીકળ્યો. આખરે આરાધ્યાએ જ બધી વાત કરવાનું ચાલું કર્યું.

*****

આજથી આઠ વર્ષ પહેલાં

આરાધ્યા અરવિંદભાઈની ઓફિસમાં નવી જ આવી હતી. તે ઓફિસમાં માધવ સિવાય કોઈને ઓળખતી નહીં. કેમકે, માધવ અને આરાધ્યા બંને જૂનાં મિત્રો હતાં. જે વાતની જાણ ઓફિસમાં કોઈને નહોતી. કિશનભાઈ આરાધ્યાનું રૂપ જોઈને, તેનાં દિવાના બની ગયાં હતાં. તે રોજ આરાધ્યા સાથે વાત કરવાનાં બહાનાં શોધતાં રહેતાં.

એક દિવસ આરાધ્યા સાથે હોસ્પિટલમાં તેમની મુલાકાત થઈ. આરાધ્યા તેનાં દાદાને કેન્સર હોવાથી તેમનાં ઈલાજ માટે તેમને હોસ્પિટલ લાવી હતી. આરાધ્યા પાસે ત્યારે એટલાં રૂપિયા નાં હોવાથી, તેને અરવિંદભાઈની ઓફિસમાં નોકરી કરવાની ઓફર માધવે જ આપી હતી.

આરાધ્યાને રૂપિયાની જરૂર હતી. એ વાતની જાણ કિશનભાઈને થઈ ચૂકી હતી. આથી તેમણે આરાધ્યાનાં દાદાનાં ઈલાજનો તમામ ખર્ચ પોતે લેવાની બાંહેધરી આપી. પરંતુ, કિશનભાઈને એ નહોતી ખબર કે, આરાધ્યા જેને પોતાનાં દાદા કહી રહી હતી. એ કિશનભાઈનાં પોતાનાં પપ્પા છે. જેને આજથી પાંચ વર્ષ પહેલાં, તેમણે ખુદ ઘરમાંથી કાઢી મૂક્યાં હતાં.

પોતાનાં જ પિતા જીવરાજભાઈને કાઢી મૂક્યાં પછી, તેઓનો એક કાર સાથે અકસ્માત થયો. એ કારમાં બેઠેલી કોઈ યુવતી જ તેમને પોતાની ઘરે લઈ ગઈ. એટલી જ જાણ કિશનભાઈને હતી. જ્યારે આરાધ્યા જીવરાજભાઈની ટ્રીટમેન્ટ પૂરી થયાં પછી બહાર લઈને આવી. ત્યારે કિશનભાઈએ તેમને જોયાં. ત્યારે તેમને ખબર પડી કે, એ પોતાનાં જ પિતા હતાં. તે દિવસે તેમને પોતાની ઘરે લઈ જનારી યુવતી આરાધ્યા જ હતી.

એ બાબતની જાણ થયાં પછી કિશનભાઈએ પોતાનાં પિતાની માંફી માંગી. જેની પાછળ આરાધ્યાની નજીક જવાનો મુખ્ય હેતું હતો. જે વાતની જાણ આરાધ્યાને જીવરાજભાઈ પાસેથી થઈ. જીવરાજભાઈએ ત્યારે તો કાંઈ નાં કહ્યું‌. પણ કિશનભાઈનાં ગયાં પછી આરાધ્યાને બધી હકીકત જણાવી. ત્યારે આરાધ્યાએ નક્કી કર્યું કે, એ કિશનભાઈને તેની ભૂલ સમજાવશે.

થોડાં દિવસ આરાધ્યાએ કિશનભાઈ સાથે વધું સમય વિતાવી, તેને વધું જાણવાનો પ્રયત્ન કર્યો. આરાધ્યાનો કોઈને હેરાન કરવાનો કોઈ ઈરાદો નહોતો, એટલે આરાધ્યાએ બધી વાત માધવને જણાવી. ત્યારે માધવે પણ તેનો સાથ આપવાનું નક્કી કર્યું.

એક દિવસ માધવ અને આરાધ્યા વાત કરતાં હતાં, "થેંક્યું માધવ, તે મારી મદદ કરવાં માટે હાં પાડી. હવે હું કિશનભાઈને સમજાવી તેમને તેમની ભૂલનો અહેસાસ કરાવીશ. જેથી તે પોતાનાં પિતાને ફરી તેની સાથે રાખવાં તૈયાર થઈ જાય."

"અરે, એમાં થેંક્યું નાં હોય. જો એક બાપ અને દિકરાને આટલાં વર્ષો પછી ભેગાં કરવામાં હું તારાં કોઈ કામ આવી શકું. તો એતો સારી વાત કહેવાય." માધવે કહ્યું.

કિશનભાઈ માધવ અને આરાધ્યાની વાત સાંભળી ગયાં. આથી તેમણે એજ રાત્રે જ્યારે ઓફિસની એક પાર્ટી હતી. ત્યારે અનુરાધાબેનને કોઈ કારણસર રૂમમાં બોલાવ્યાં, ને કિશનભાઈએ તેમની સાથે ખરાબ વર્તન કર્યું. પછી પોતે એ રૂમમાંથી નીકળી ગયાં, ને માધવને ત્યાં મોકલી દીધો. માધવનાં ત્યાં ગયાં પછી, કિશનભાઈ અરવિંદભાઈને લઈને એ રૂમમાં ગયાં, ને અરવિંદભાઈની પત્ની ઉપર છેડતીનો આરોપ લગાવી, માધવને ઓફિસમાંથી કઢાવી મૂક્યો. તે રાત્રે આરાધ્યા પાર્ટીમાં નહોતી આવી. આથી આ અંગે તેને કોઈ જાણ નહોતી.

આ બધું કિશનભાઈએ કર્યું એ અંગે અરવિંદભાઈને જાણ થાય. એ પહેલાં કિશનભાઈએ અનુરાધાબેનને પણ મારી નાખ્યાં, ને અરવિંદભાઈને કહી દીધું કે, તેમનાંથી જે થયું તેનો આઘાત સહન નાં થતાં, તેમણે આત્મહત્યા કરી લીધી.

આ બધું બન્યાં પછી, માધવ ક્યાં ગયો? તેની કોઈને જાણ નાં થઈ. બીજાં દિવસે આરાધ્યાને આ અંગે જાણ થઈ. તેણે જીવરાજભાઈને બધું જણાવ્યું. તો તેમનાં મત અનુસાર, 'આરાધ્યાએ માધવ પાસે કિશનભાઈને સુધારવાની મદદ માંગી. એ બાબત કિશનભાઈને પસંદ નાં આવી. આથી તેમણે માધવ સાથે આવું કર્યું.' એવું જીવરાજભાઈએ આરાધ્યાને કહ્યું.

માધવનાં એ રીતે ઘર છોડી જવાથી, બધાંને થયું કે, તેણે હકીકતમાં અનુરાધાબેનની છેડતી કરી હતી. જેનાં લીધે તે આ રીતે ઘર છોડી ચાલ્યો ગયો.

જ્યારે માધવ જાતે નહોતો ગયો. કિશનભાઈએ તેને ક્યાંક છુપાવી રાખ્યો હતો. જેની જાણ આરાધ્યાને પોતે ઓફિસના કોઈ કામથી કિશનભાઈની ઓફિસમાં ગઈ. ત્યારે કિશનભાઈ કોઈ સાથે વાત કરતાં હતાં ત્યારે થઈ.

"હાં, કેશવ. મેં કહ્યું હતું, એમ થઈ ગયું ને? માધવ અત્યારે તારી કેદમાં છે ને?" કિશનભાઈ કોઈ સાથે માધવ વિશે વાત કરી રહ્યાં હતાં.

કિશનભાઈની વાતો સાંભળી આરાધ્યાને જીવરાજભાઈની વાત ઉપર વિશ્વાસ આવી ગયો કે, માધવે કાંઈ નહોતું કર્યું. પણ તેની વાતનો કોઈ વિશ્વાસ કરે એમ નહોતું. કેમકે, પોતે ઓફિસમાં નવી હતી. જ્યારે કિશનભાઈ વર્ષોથી આ ઓફિસમાં કામ કરતાં હતાં. માધવ અને અરવિંદભાઈ બે વ્યક્તિ જ તેનો વિશ્વાસ કરતાં, અને હાલ એ લોકો ક્યાં હતાં, તેની જાણ કોઈને નહોતી.

એજ ઓફિસમાં કામ કરતાં કલ્પેશભાઈની પત્ની તેમને અને તેમનાં ત્રણ વર્ષનાં છોકરાંને મૂકીને ચાલી ગઈ હતી. પોતે ઓફિસના કામમાંથી નવરાં નાં થતાં, એટલે તેમણે કમલાબેન સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. જેથી તેમની દિકરી સુજાતા અને પોતાનો દિકરો ચેતન બંનેને માં અને બાપ બંનેનો પ્રેમ મળી શકે.

*****

આજનો દિવસ (આરાધ્યાનું ઘર)


"હું આજ સુધી માધવ સુધી પહોંચવા માટે કિશનભાઈ સાથે પ્રેમનું નાટક કરું છું. જ્યારે મને તો એ પણ ખબર છે કે, એ મને પણ પોતાની હવસનો શિકાર બનાવી મારી નાંખવાના છે. આ બધું મેં તેમનાં મોંઢે જ સાંભળ્યું હતું." આરાધ્યાએ બધી કહાની સંભાળાવતા ક્હ્યું.

"પણ એમણે તો તમારાં માટે આ બધું કર્યું છે. તો એ તમને શાં માટે મારે?" રાજુએ કહ્યું.

"તું પણ તારાં પપ્પા જેવો જ ભોળો છે. તારાં પપ્પા પણ કોઈપણ વ્યક્તિ ઉપર જલ્દી ભરોસો કરી લેતાં અને તું પણ એવું જ કરે છે.

"કિશને એ બધું મારાં માટે નહીં. રૂપિયા માટે કર્યું હતું. પણ આટલું કરવાં છતાંય બધો બિઝનેસ અને ઘર કલ્પેશભાઈને મળી ગયું. એ હવે મારી સાથે પોતાની હવસ સંતોષી, મને મારીને, માધવને પણ મારી નાંખશે. જે અત્યારે અમદાવાદમાં છે. તેને માર્યા પછી, બિઝનેસનાં પેપર ઉપર અરવિંદભાઈના હસ્તાક્ષર લઈને, તેમને પણ મારી નાંખશે.

"અમે બધાં જ્યાં સુધી કિશનને અરવિંદભાઈ નથી મળ્યાં, ત્યાં સુધી જ જીવતાં છીએ." આરાધ્યાએ બધી ચોખવટ કરતાં કહ્યું.

"તો મારાં પપ્પા ક્યાં છે? એ કિશનઅંકલને પણ નથી ખબર?" રાજુએ સાવ શાંત અવાજે પૂછ્યું.

"નહીં, કિશનને કે મને કોઈપણ વ્યક્તિને અરવિંદભાઈ ક્યાં છે, એ નથી ખબર." આરાધ્યાએ કહ્યું.

"પણ મને ખબર છે. અરવિંદઅંકલ ક્યાં છે." અચાનક જ પાછળથી કોઈનો અવાજ આવ્યો.


(ક્રમશઃ)